
રવીન્દ્ર પારેખ
થોડાં વર્ષો પર સુરતમાં પચીસથી વધુ સ્થળોએ બોમ્બ પ્લાન્ટ કરવામાં આવેલા અને સંભવિત આતંકી હુમલાઓને સુરત પોલીસની સતર્કતાએ નિષ્ફળ બનાવેલા તે ઘણાંને યાદ હશે. સુરત આમ પણ ઉપદ્રવી શહેર નથી. તેની શાંતિ અને ઉત્સવપ્રીતિ જગ જાહેર છે, પણ છેલ્લાં કેટલાંક વર્ષોથી તે હત્યા ને આત્મહત્યાને મામલે ચર્ચામાં છે, તે ઓછું હોય તેમ તે આતંકી સંગઠન ISKPની આંખે પણ ચડ્યું છે ને એ ચિંતા ઉપજાવનારી બાબત છે. એ સાથે જ એ વાત પણ નોંધવી ઘટે કે ગુજરાત એન્ટિ ટેરરિસ્ટ સ્કવોડ (ATS) અને સુરત ક્રાઇમ બ્રાન્ચે ISKPનું પગેરું દબાવીને સુમેરા મલેકની સુરતથી ધરપકડ કરીને આતંકી મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. એ માટે ગુજરાતનાં ગૃહ ખાતાની, એ.ટી.એસ.ની અને સુરત ક્રાઇમ બ્રાન્ચની પીઠ થાબડવી પડે. સાથે જ ચિંતા એ પણ થાય છે કે કોઈ કાવતરું સુરક્ષા તંત્રોની ધ્યાન બહાર ગયું તો જે લોહીનું તાંડવ ખેલાશે તેની તો કલ્પના જ કરવાની રહે છે. આમ તો ભારતની શાંતિ ડહોળવા લશ્કર-એ-તૈયબા, અલ-કાયદા, ISIS, IS જેવાં ઘણાં આતંકી સંગઠનો સક્રિય છે, તેમાં ISKP – ઈસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસાન પ્રોવિન્સ-નો ઉમેરો થયો છે. ખોરાસાન એ અફઘાનિસ્તાનનો પ્રાંત છે ને આ નાનાં આતંકી જૂથનો છેડો સુરતને અડ્યો છે તે ચિંત્ય છે.
ISKP ભારતમાં એક્ટિવ બન્યું છે તેનો પુરાવો પોરબંદરે પૂરો પાડ્યો છે, તે એ રીતે કે ત્રણ આતંકીઓ પોરબંદર સ્ટેશનેથી પકડાયા છે. આ આતંકીઓએ સુરતની એક મહિલાનું નામ પણ ફોડ્યું અને એને પણ તેનાં રાણીતળાવના ફ્લેટમાંથી દરોડા પાડીને ઝડપી લેવામાં આવી છે. આ મહિલા સુમેરા ISKPનાં સીધા સંપર્કમાં છે ને તે માસ્ટર માઇન્ડ મનાય છે. આતંકી સંગઠનો વચ્ચે પણ તીવ્ર સ્પર્ધા છે ને તે બીજા સંગઠનો કરતાં વધુને વધુ ખતરનાક ને ક્રૂર છે તે પુરવાર કરવા મથતાં રહે છે, તે એટલે કે તેમને પણ વિવિધ રાષ્ટ્રો પાસેથી માન્યતા ને મદદ જોઈએ છે. આ બધાં જ ઈસ્લામિક સંગઠનો છે, પણ જેમ શાંતિ ઝંખતાં રાષ્ટ્રો વચ્ચે સંપ નથી એમ જ આતંકી સંગઠનો વચ્ચે પણ સંપ નથી ને તે હિંસાનો પ્રચાર ને પ્રયોગ કરતાં રહે છે. તાલિબાનોથી અસંતુષ્ટ ISKP ગ્રૂપ અસ્તિત્વમાં આવ્યું. તેણે પણ કાબૂલ એરપોર્ટ બ્લાસ્ટ, શિયા ઈમામબારગાહ હુમલો, જલાલાબાદ ટી.વી. ચેનલમાં કામ કરતી મહિલાઓની હત્યા … જેવા ઘણા હિંસક હુમલાઓ દ્વારા દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે, તે ત્યાં સુધી કે અમેરિકી પ્રમુખ જો બાઈડને પણ સર્ટિફિકેટ ફાડી આપ્યું કે ISKP તાલિબાનનો કટ્ટર શત્રુ છે. બાકી હતું તે બ્રિટિશ આર્મી ચીફે પણ કહ્યું કે ISKPથી ચેતવા જેવું છે. આમ તો ISKPનાં આતંકી સભ્યો બે હજારની આસપાસ છે. તેનું વર્ચસ્વ પણ ઘટી રહ્યું છે એ સંજોગોમાં સભ્યો ને હુમલાઓ વધારવા તેણે ભારત તરફ નજર દોડાવી છે. એમાં તેને પાકિસ્તાનનો સાથ છે. આમ તો આખા વિશ્વમાં આતંકી પ્રવૃત્તિઓ પાછળ તેનો હાથ રહ્યો છે તે ઉઘાડું સત્ય છે. અફઘાનિસ્તાન સરકારે ISKPનાં કેટલાક આતંકીઓને બે વર્ષ પર પકડ્યા ત્યારે તેમણે કબૂલ્યું છે કે તેમને તાલીમ અને પૈસા પાકિસ્તાન તરફથી મળે છે. આમ પણ ISKP, તાલિબાન જેવું આંતરરાષ્ટ્રીય આતંકી સંગઠન નથી એટલે તે પોતાનાં વિસ્તાર માટે પ્રયત્ન કરે ને તેમાં પાકિસ્તાન મદદમાં રહેતું હોય તો વાયા કાશ્મીર તે ભારતમાં ઘૂસવામાં સફળ થાય એમાં નવાઈ નથી.
ISKPના સંબંધો ISI સાથે છે, એવી કબૂલાત બે વર્ષ પર અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિએ કરી છે. એટલે ISIની મદદથી કાશ્મીરમાં ISKP પોતાનું નેટવર્ક ગોઠવી શકે એ શક્ય છે. તેનું સીધું ઉદાહરણ પોરબંદરથી પકડાયેલા ત્રણે આતંકીઓએ પૂરું પાડ્યું છે. ઉબેદ નાસિર મીર, હનાન હયાત શોલ, મોહમદ હાજિમ શાહ – આ ત્રણે આતંકીઓ શ્રીનગરનાં ને એક જ વિસ્તારના છે. આ ઉપરાંત એક ઔર કાશ્મીરી ઝુબેર એહમદ મુનશી જે સુમેરાનો નજીકનો મનાય છે, તે ફરાર છે, પણ આ ત્રણેની પૂછપરછમાં એટલું ખૂલ્યું કે તેઓ તેમનાં હેન્ડલર અબુ હમજા દ્વારા કટ્ટરપંથી બન્યા છે અને ISKPમાં જોડાયા છે. ટૂંકમાં, ISKP સંગઠન શ્રીનગર સુધી અને ત્યાંથી પોરબંદર સુધી પહોંચ્યું છે, બાકી હતું તે તેનો એક છેડો સુરતને અડ્યો ને સુમેરા મલિકનો સીધો સંપર્ક ISKP સાથે નીકળ્યો. આમ તો એન્ટિ ટેરરિસ્ટ સ્કવોડને હાથે ત્રણ કાશ્મીરી આતંકીઓ જ ઝડપાયા હતા, પણ આ ત્રણેએ સુરતની સુમેરાનું નામ ફોડ્યું ને તેને પણ પકડીને પોરબંદર લઈ જવાઈ. 12 પાસ સુમેરા ભરૂચ નજીકની છે. તેણે લગ્ન તામિલનાડુમાં કર્યાં, પણ પતિ સાથે ન ફાવતાં તેનાં ડિવોર્સ થયાં. લગ્નથી તેને બે બાળકો થયાં ને ડિવોર્સ પછી તે તેનાં પિતા સાથે સુરત રહેતી હતી. પિતા પણ સરકારી નિવૃત્ત કર્મચારી છે ને ઘર હાલ પિતાનાં પેન્શન પર ચાલે છે. તપાસમાં એ પણ બહાર આવ્યું કે સુમેરા યુવાનોને લવજેહાદ માટે તાલીમ આપતી હતી.
સુમેરાની ધરપકડ થઈ ત્યાં સુધી તેનાં ISKP કનેક્શનનો ન તો પરિવારને ખ્યાલ હતો કે ન તો આસપાસનાં રહીશોને કોઈ અંદાજ હતો. સુમેરા ઘરની બહાર બહુ જણાઈ જ નથી. તે તેનાં બાળકોને સ્કૂલે મૂકવાં પૂરતી જ બહાર દેખાતી હતી ને તે પણ બુરખો ઓઢેલી હાલતમાં ! એ તેનાં સંતાનોને પણ પોરબંદર લઈ જવા માંગતી હતી ને તેમને પણ આતંકી પ્રવૃત્તિઓમાં જોડવા માંગતી હતી, પણ અત્યારે તો એની મનની મનમાં રહી ગઈ છે. સુમેરા અને અન્ય ત્રણ આતંકીઓ પાસેથી ISKPનાં રેડિકલ પ્રકાશનો જેમ કે ‘વોઇસ ઓફ ખોરાસન’, ચાર મોબાઈલો ને અન્ય વાંધાજનક સામગ્રીઓ મળી છે. આ ચારે જણાં પોરબંદરથી ફિશિંગ બોટમાં કર્મચારી તરીકે જોડાવાનાં હતાં ને ત્યાંથી બોટ હાઈજેક કરીને ઈરાન ને ત્યાંથી અફઘાનિસ્તાન જવાનાં હતાં, જ્યાં તાલીમ મેળવીને તેઓ ભારતમાં કે અન્ય દેશોમાં હુમલો કરવાની ફિરાકમાં હતાં. રથયાત્રા પહેલાં ISKP ક્નેક્શનનો પર્દાફાશ થતાં ગુજરાતે હાશકારો અનુભવ્યો છે. તમામ આરોપીઓને પોરબંદર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં રજૂ કરાતાં કોર્ટે 13 દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યાં છે. ISKPનું ભારત સાથેનું કનેક્શન ખૂલતાં એન.આઈ.એ., સી.બી.આઇ., રૉ જેવી સિક્યુરિટી એજન્સીઓની દોડધામ વધી પડી છે.
એ સાચું કે એ.ટી.એસ. અને સુરત ક્રાઇમ બ્રાન્ચની સતર્કતાને પગલે ISKP સાથેનાં ભારતીય કનેક્શનનો પહેલીવાર પર્દાફાશ થયો. આ ઉપરાંત પણ કાશ્મીરમાં અને અન્યત્ર આતંકવાદીઓને ઠાર કરવાનું પણ તંત્રોની સતર્કતાને પગલે અનેકવાર શક્ય બન્યું છે, છતાં ક્યાંક કશુંક ખૂટે છે. એ ખરું કે આતંકવાદી સંગઠનો પર પ્રતિબંધ મૂકવો જ જોઈએ, પણ એટલું પૂરતું નથી. એટલું પૂરતું હોત તો આતંકવાદી હુમલાઓ કે તેનું આયોજન અટક્યાં હોત, પણ એવું થયું નથી. કાશ્મીરમાં 370મી કલમ નાબૂદ થઈ તેનાં વિરોધમાં તો ત્યાંના રાજકીય નેતાઓ પણ છે. 370ને મુદ્દે ત્યાં મુસ્લિમ યુવાનોની ઉશ્કેરણીનું કાવતરું ચાલે છે. જે ત્રણ કાશ્મીરી આતંકવાદીઓ એ.ટી.એસે. પકડ્યા, તે એ ઉશ્કેરણીનું જ પરિણામ છે. પાકિસ્તાન તો આતંકી પ્રવૃત્તિઓને પોષે જ છે, એમાં દૂરનું અફઘાનિસ્તાન પણ ઉમેરાયું છે ને કોણ જાણે કેમ પણ કેટલાંક હિંસક તત્ત્વો આ દેશનું ખાઈને, અહીં જ ખોદવાનું ચૂકતાં નથી, એને લીધે દેશની સુરક્ષાના પ્રશ્નો વધુ વકરવા જેવું થયું છે. આપણે રાજકીય સૂત્રોથી સંતોષ લઇએ છીએ, પણ સૂત્રો ઉપરાંત વધુ સતર્કતા ને સુરક્ષા અપેક્ષિત છે. મુશ્કેલી એ છે કે આપણે શત્રુ દેશો પાસેથી સાધુતાની અપેક્ષા રાખીએ છીએ અને એ આપણને વધુ જોખમો તરફ ધકેલે છે.
કોઈ કાળે પાકિસ્તાન ભારતનું હિત વિચારી શકે એમ જ નથી, એનું હૃદયપરિવર્તન શક્ય જ નથી, તો કઇ આશાએ ભારત તેની સાથેના સંબંધો સુધરવાની રાહ જોઈને બેઠું છે તે નથી સમજાતું. પી.ઓ.કે. લેવામાં આપણે શેનો સંકોચ અનુભવીએ છીએ? તેની સાથે આરપારની લડાઈ લડવાને બદલે આપણે સર્જિકલ સ્ટ્રાઇકથી સંતોષ માની લઈએ છીએ. એનું એક પરિણામ એ આવ્યું કે પાકિસ્તાન ઓછું હોય તેમ, અફઘાનિસ્તાનનો ડોળો પણ ભારત પર ઠર્યો છે ને એ જે કૈં થઈ રહ્યું છે એમાં પાકિસ્તાનનો હાથ જ નહીં, આખું પાકિસ્તાન પડેલું છે તે ભૂલવા જેવું નથી. એવી જ વાત નામચીન ચીન સંદર્ભે પણ છે. તે ભારતીય સીમાઓની ધારે લશ્કરી જમાવટ કરી રહ્યું છે, ગામો વસાવી રહ્યું છે ને ભારત ‘સબ સલામત’ની ઘંટી વગાડ્યા કરે છે, પણ એનાથી જોખમો ઘટતાં નથી. જરૂર છે તે વાસ્તવિક પરિસ્થિતિમાં ઘટતાં પગલાં લેવાની. તેને બદલે ચીન પૂર્વવત સ્થિતિ સ્થાપે તો જ સંબંધો સુધરી શકે એવી ડાહી ડાહી વાતો કરવાનો અર્થ નથી. ચીન તો સંબંધ સુધારવા જ નથી માંગતું. સંબંધો સુધારવા હોય તે સરહદી વિસ્તારોમાં રહેણાંકો કે લશ્કરી મથકો ઊભાં કરે? ચીન, પાકિસ્તાન અને શ્રીલંકા સાથે જે રીતે વર્તી ચૂક્યું છે એની ભારતને ખબર નથી? એના અત્યાર સુધીના ભારત સાથેનાં છમકલાંથી ભારત અજાણ છે? તો કેવી રીતે માનવું કે ચીન સમાધાન કે મંત્રણા કરવા ઉત્સુક છે? પાકિસ્તાન અને ચીન યુદ્ધની ભાષા જ જાણે છે. ચીન હજી 1962ને ચશ્મે જ ભારતને જુએ છે. તેને 2023નાં બાઇફોકલ લેન્સમાંથી ભારતને જોવાની ફરજ પાડવી જોઈએ. પાકિસ્તાન અને ચીનને મામલે ભારતે યુદ્ધની પહેલ નથી કરવાની, પણ મોડાં વહેલાં ભારતે માથું ફેરવ્યે જ છૂટકો છે. પેલું કહે છે ને કે લાતોં કે ભૂત …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 12 જૂન 2023