
રવીન્દ્ર પારેખ
ઓમ રાઉતની રામાયણ આધારિત ફિલ્મ ‘આદિપુરુષ’ જોઈ. તે જોવાનું એક કારણ તે રામાયણ આધારિત છે તે ! જો કે, શરૂઆતમાં જ લાંબા ડિસ્ક્લેમરમાં માફીપત્ર જેવો બચાવ સંભળાવાયો ત્યારે લાગ્યું કે આમાં રામાયણ સાથેની છેડછાડ હશે ને આખી ફિલ્મ પછી તો છેડછાડ જ લાગી. 600 કરોડની આ ફિલ્મ, સૌથી મોંઘી બૉલીવુડ ફિલ્મ છે તેવા પ્રચારથી અને એકથી વધારે ટ્રેલર્સ અને ટીઝર્સથી પ્રેક્ષકોનું ધ્યાન ખેંચતી રહી છે, પણ તે સાદી ફિલ્મ તરીકે પણ બહુ કમાઈ શકે એમ લાગતું નથી. ‘આદિપુરુષ’ની સૌથી મોટી ‘રામાયણ’ જ એ છે કે એમાં રામાયણ જ ખાસ નથી. VFXનો પણ ઉચિત ઉપયોગ નથી. ગીતો ઠીક છે. ‘મંત્રો સે બઢકર તેરા નામ, જયશ્રી રામ, જયશ્રી રામ…’ કે ‘રામ સિયા કી કરુણ કહાની, એક હૈ ચંદન, એક હૈ પાની…’ જેવી પંક્તિઓ સાંભળવાનું ગમે. અજય-અતુલનું સંગીત એકંદરે ઠીક, પણ બેકગ્રાઉન્ડ મ્યુઝિક, ખાસ કરીને યુદ્ધ વખતનું, માથું દુખી આવે એટલું લાઉડ છે. મનોજ મુન્તશીરનાં સંવાદો રામાયણ માટેનાં નહીં, પણ કોઈ થ્રીલર માટે લખાયા હોય તેવા વધારે છે. સંવાદો અંગે ભારે ઊહાપોહ છે. હનુમાનની પૂંછડી ઇન્દ્રજિત સળગાવે છે ત્યારે હનુમાનના મુખમાં આ સંવાદ મુકાયો છે, ’કપડાં તેરે બાપ કા, તેલ તેરે બાપ કા, જલેગી ભી તેરે બાપકી.’
તો, હનુમાનને પણ આવું સંભળાવાય છે, ‘તેરી બુઆ કા બગીચા હૈ કિ હવા ખાને આ ગયા !’
લક્ષ્મણ મેઘનાદના સર્પાસ્ત્રથી મૂર્છિત થાય છે તો તેને માટે આવો સંવાદ છે, ‘મેરે સર્પને તેરે શેષ કો લંબા કર દિયા’.
રાવણની લંકા પર કૂચ કરવા માટે આ મતલબનો એક સંદેશ મોકલવામાં આવે છે કે ભવિષ્યમાં કોઈ ભારતની બેટી પર હાથ ન મૂકી શકે. આ ખોટું એટલા માટે છે કે ભારત નામ રાજા ભરત પરથી આવ્યું ને એ પ્રચલિત, રામના અનેક સૈકાઓ પછી થયું.
મનોજ મુન્તશીરે પોતાનાં પર જ મુશ્તાક હોવાના વહેમમાં, સંવાદો લખ્યા છે ને તેમનું કહેવું છે કે આપણા વડીલો આ જ રીતે કથા કહેતા હતા. તેમણે સમજવું જોઈએ કે કથા શ્રાવ્ય માધ્યમ છે ને એને કથાકાર કહે તો અને વડીલ કહે તો, ભાષામાં ફરક પડે જ ! બીજું, ફિલ્મ દૃશ્ય-શ્રાવ્ય માધ્યમ છે અને ટપોરીની ફિલ્મ હોય કે ધાર્મિક ફિલ્મ હોય, તે મુજબ તેના સંવાદો બદલાય. ટૂંકમાં, મનોજની વડીલોવાળી દલીલ ગળે ઊતરે એમ નથી. સંવાદોમાં રાજકીય પ્રભાવ પણ એક સંવાદમાં વર્તાય છે, જ્યારે રામ યુદ્ધ માટે કૂચ કરતી વખતે અહંકારની છાતીમાં વિજયનો ‘ભગવો’ ધ્વજ ઉતારવાની વાત કરે છે. જો કે, મનોજે લોકોનો રોષ પ્રમાણ્યો છે ને દિગ્દર્શક ઓમ રાઉત સાથે મળીને સંવાદો બદલવાનું સ્વીકાર્યું છે.
આખી ફિલ્મમાં રામ-સીતાનાં વનવિહાર અને જળવિહારનાં દૃશ્યો સુંદર છે, પણ રામાયણની બહુ જ ઓછી વાતો અહીં આમેજ કરાઈ છે. જે આમેજ કરાઇ છે તેનું આધુનિકરણ એટલું વરવું છે કે તે રામાયણનો ભાગ હોવાનું લાગતું નથી. પહેલું દૃશ્ય રાવણનાં તપનું છે. રાવણ શિવ ભક્ત હતો, હિમાલયમાં શિવની આરાધના કરે છે, પણ પ્રગટ બ્રહ્મા થાય છે ને હિરણ્યકશ્યપુને આપેલું વરદાન (ન રાતે ન દિવસે, ન ઘરમાં ન બહાર મૃત્યુ થશે …) રાવણને આપે છે. એ પછી રામ તપ કરતા દેખાડાય છે. અહીં પણ કોઈ વિદેશી ફિલ્મમાંથી ઉઠાવાઈ હોય તેવી કોઈ ડાકણી સેનાનો સામનો કરવાનો રામને થાય છે. એ શું કામ થાય છે તે ફિલ્મ કથાકાર જાણે. ફિલ્મમાં ક્મ્પ્યુટરાઇઝ્ડ ચામચીડિયાં ને વિચિત્ર વાદળી પંખીઓ આક્રમણ કરતાં બતાવ્યાં છે એ જોતાં ટેક્નિકના નિરર્થક ઉપયોગનો સંતોષ જ લેવો પડે. એક દૃશ્યમાં રામ, સીતાને ઝાડ પરનાં ઝુલેથી ઉતારતા દેખાય છે, ત્યારે સીતાનો ગુલાબી પાલવ ઊડતો દેખાય છે, પણ કમાલ એ છે કે આટલા પવનમાં ઝાડનું એક પણ પાન હાલતું નથી.
રામકથાની વિશેષતા એ છે કે તે ક્રમબદ્ધ રીતે કહેવાય તો જ તેની અસર વર્તાય, પણ ‘આદિપુરુષ’માં ફ્લેશબેક ટેકનિક પણ કામમાં લેવાઈ છે. જેમ કે રામ વનમાં પહેલાં બતાવાય છે ને કૈકેયીની દશરથ પાસે બે વચનોની માંગણી – પછી બતાવાય છે. સીતા હરણ પહેલાં લક્ષ્મણ એક રેખા ખેંચે છે જેથી કોઈ દુરિત સીતા સુધી ન પહોંચી શકે. લક્ષ્મણ રેખાનું એ રીતે વિશિષ્ટ મહત્ત્વ છે. તેને બદલે ફિલ્મમાં અદૃશ્ય એવો ઈલેક્ટ્રિક પડદો રચવામાં આવ્યો, જેમાં પેલી રેખાનું મહત્ત્વ વિસરાઈ ગયું. પછી તો સીતાનું હરણ થાય છે. રામલક્ષ્મણ આવે છે ને જુએ છે કે સીતા કુટીરમાં નથી. આ વાત ફિલ્મમાં બદલાઈ. રાવણને આકાશમાર્ગે હરણ કરી જતો, નીચે સમાંતરે દોડી રહેલા રામલક્ષ્મણ જુએ છે. આ વેપલામાં વિરહી રામની વ્યાકુળતા પ્રગટ કરવાનો અવકાશ ન રહ્યો. જટાયુ વધ થાય છે, પણ તેનું ય મહત્ત્વ ફિલ્મમાં અપ્રગટ જ રહ્યું.
એ સાચું કે આખું રામાયણ ફિલ્મમાં બતાવવાનું મુશ્કેલ છે, પણ મહત્ત્વના પ્રસંગો સાંકળીને બે અઢી કલાકની ફિલ્મો થઈ જ છે. પહેલી ફિલ્મ 1917માં કદાચ ફાળકે એ કરેલી. એ પછી વિજય ભટ્ટે 1943માં ‘રામરાજ્ય’ બનાવેલી. તે જમાનાની એ રેકોર્ડ બ્રેક કમાણી કરનારી ફિલ્મ હતી. ગાંધીજીએ જોયેલી એ એક માત્ર ફિલ્મ હતી. એ પછી રામાનંદ સાગરની ‘રામાયણ’ સિરિયલે પણ દર્શકોમાં સારી અસર ઊભી કરેલી. ‘આદિપુરુષ’ 26 વર્ષે રામાયણ પર આવેલી થ્રી ડી ફિલ્મ છે, પણ તેણે ‘રામાયણ’નું ઓઠું જ લીધું છે ને ઘણી મનમાની કરી છે. તેનાં પર પ્રતિબંધ મૂકવાની દિલ્હી હાઇકોર્ટમાં અરજી પણ થઈ છે. જો કે, એ યોગ્ય નથી. ફિલ્મને ફિલ્મની રીતે જ જોવી-સમજવી જોઈએ. ગમે, તે જુએ ને ન ગમે, તે ન જુએ એટલું જ પૂરતું છે. તેને કાનૂની રીતે રોકવાનું ઠીક નથી.
ઓમ રાઉતે રામ નામના કોઈ પણ શૂરવીર માણસની ફિલ્મ કરી હોત તો કોઈ વાંધો ન હતો, પણ તેમણે રામકથાનો આધાર લઈને કથા સાથે ચેડાં કર્યાં છે તે બરાબર નથી. ‘સીતારામમ્‘ નામની ફિલ્મમાં નામ સિવાય રામસીતાની કોઈ વાત નથી, તો તેની સામે કોઈ વાંધો નથી, પણ ‘આદિપુરુષ’માં રામને નામે ઘણું વટાવાયું છે. ફિલ્મને અંતે પુષ્પક વિમાન લવાયું તો રાવણને યાંત્રિક ડ્રેગન પાળવાનું કેમ ગમ્યું હશે તે નથી સમજાતું. એ જોઈને ‘ગેમ ઓફ થ્રોન્સ’ યાદ આવે. આખી ફિલ્મમાં વાનર સેના, યુદ્ધ સૈનિકો વગેરે જોઈએ છીએ ત્યારે હેરી પોટર, લોર્ડ ઓફ ધ રિંગ્સ, બાલવીર જેવાના પડઘા અનુભવાયા કરે છે. રાવણ, ફિલ્મમાં પરાણે રાવણ થયો છે. તેનો લુક કોઈ અલાઉદ્દીન ખિલજી જેવો વધારે છે. તેની હેર સ્ટાઈલ આજના બ્યૂટી પાર્લરે આપી હોય તેવી છે. તે ટી-શર્ટ પહેરે છે કે સાપનો મસાજ લે છે તે જુગુપ્સાજનક લાગે છે. એક દૃશ્યમાં તો તે હથિયારો તપાવતો વેલ્ડર વધારે લાગે છે. વેલ્ડરો માસ્ક પહેરે તેવું તે પહેરતો દેખાયો છે. તેની લંકા પણ લોર્ડ ઓફ ધ રિંગ્સની મોરડોર-કાળી લંકા તો ઓમ રાઉત જ બતાવી શકે. એમને ખબર છે કે લંકા સોનાની હતી? એ ખબર છે કે લંકા પર કુબેરનું શાસન હતું ને તે સંપત્તિનો દેવ છે? તે લંકાને કોલસાની ન થવા દે. કોણ જાણે કેમ પણ આખી ફિલ્મ ડાર્ક મોડ પર જ ચાલે છે. દિવસનું અજવાળું ને કુદરતી આકાશ અહીં લગભગ ગેરહાજર છે.
દશાનનનાં દસ માથાં એક લાઇનમાં જોવા કલ્પવાનું જ દરેક ભાવકને ગમે, તેને બદલે માથાં પાંચ આગળ ને પાંચ પાછળ કર્યાં. બબ્બે રાખ્યાં હોત તો એકની પાછળ એક એમ પાંચનું સરઘસ નીકળ્યું હોત. સારું છે કે એવું ન કર્યું. આમ તો, આવું બધું બતાવવા પાછળનો કોઈ બુદ્ધિપૂર્વકનો તર્ક નથી. રાવણ તરીકે સૈફ અલી ખાન બહુ પ્રયત્નો કરે છે, પણ તે રાવણની પ્રતિભા પ્રગટ કરવાને બદલે સાધારણ વિલનથી આગળ જઇ શકતો નથી. બાકીના બધાં જ પાત્રો નિર્જીવ છે. રામ તરીકે પ્રભાસે 120 કરોડ લીધા, પણ રામનો આભાસ પણ ઊભો ના થઈ શક્યો. કોઈ પાત્રને એક્સપ્રેશન્સ જ નથી એટલે પ્રેક્ષકો પાત્રો સાથે જોડાતાં નથી. સાચું તો એ છે કે રામ કે સીતા કે હનુમાનને ચહેરે કોઈ ચૈતસિક આભા જ પ્રગટતી નથી ને રામ જાણે જીવ વગર જ સીતા શોધમાં જોડાતાં હોય એવું લાગે છે. હનુમાનને દાઢી આપી, પહેલવાનનો લુક આપ્યો. લેધર ડ્રેસ ને મોઢામાં પાન ઠૂંસ્યુ હોય તેમ ગાલ ફુલાવ્યા, પણ ચહેરા પર રામ ભક્તિ ન જણાઈ. ક્રિતિ સેનનનું સીતા તરીકે સૌંદર્ય તો પ્રગટ્યું, પણ આભિજાત્ય અપ્રગટ જ રહ્યું. લક્ષ્મણ તો સાધારણથી ય વધુ સાધારણ છે.
એમ લાગે છે કે ફિલ્મના નિર્માતા, દિગ્દર્શક, લેખકે વિષય સંદર્ભે કોઈ સંશોધન કે ચિંતન ખાસ કર્યું જ નથી ને પ્રેક્ષકોને બહુ હળવાશથી લીધા છે. તેમને એવો વહેમ છે કે રામને નામે કૈં પણ બતાવીશું તો લોકો પૈસા ખર્ચીને હોંશે હોંશે મૂરખ બનવા આવશે. હનુમાનજીને નામે એક સીટ ખાલી રાખનારાઓ એ નથી જાણતા કે લોકો ધારે તો આખું થિયેટર જ ખાલી રાખી શકે એમ છે. દુ:ખ એ વાતનું છે કે 600 કરોડ ખર્ચવા છતાં આખા ફિલ્મ યુનિટે ક્યાં ય મગજ ખર્ચ્યું નથી, એટલે બધું જ ‘રામ નામ સત્ય’ થઈને જ રહ્યું છે …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 19 જૂન 2023