સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈએ જાહેર પ્રવચનમાં ભારતની ન્યાય વ્યવસ્થાને જર્જર ગણાવી છે. ન્યાયની આશાએ અદાલતનો ઉંબરો ચઢનારો પસ્તાય છે, તેમ પણ તેમણે જણાવ્યું છે. કેસોના ભરાવા અને વિલંબિત ન્યાયથી પીડાતી ભારતીય અદાલતોમાં ન્યાયની પ્રતીક્ષા એટલી તો દીર્ઘ હોય છે કે તે અન્યાય બની રહે છે.
રંજન ગોગોઈના અવલોકનને સાચું ઠેરવતી ઘટના દિલ્હીની કડકડડૂમા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં હમણાં બની છે. પાંચેક વરસથી કેસની સુનાવણીની આશાએ અદાલતના ચક્કર કાપતા અરજદારને વધુ એક લાંબી મુદ્દત મળતાં તેણે હંગામો મચાવ્યો. ‘તારીખ પે તારીખ’ નાખ્યાંના ફિલ્મી ડાયલૉગની બુમરાણ મચાવીને તેણે કોર્ટનાં કમ્પ્યૂટર, ફર્નિચર અને ન્યાયાસનને તોડી-ફોડી નાંખ્યાં. બીજા એક કિસ્સામાં ત્રેપન વરસથી જુદી-જુદી અદાલતો પાસે જમીનવિવાદના કેસમાં ન્યાય માંગતા ૧૦૮ વરસના વૃદ્ધનો કેસ સુપ્રીમ કોર્ટે સુનાવણી માટે તાજેતરમાં દાખલ કર્યો, ત્યારે તેમણે અંતિમ શ્વાસ લઈ લીધા હતા.
સુપ્રીમ કોર્ટ, ૨૫ હાઈકોર્ટ અને આશરે ૧૯,૦૦૦ નીચલી અદાલતોમાં લગભગ ૪ કરોડ કેસો પડતર છે. ૨૫ હાઈકોર્ટમાં પડતર ૫૭.૫૧ લાખ કેસોમાંથી ૫૪ ટકા કેસો અલ્હાબાદ, બૉમ્બે, મદ્રાસ, ચંદીગઢ અને રાજસ્થાનની પાંચ હાઈકોર્ટ્સમાં છે. પાંચ ટ્રિબ્યૂનલ્સમાં ૩,૫૦,૦૦૦ કેસો ન્યાયની રાહ જોતા પડ્યા છે. પડતર કેસોમાં રોજ બ રોજ વધારો થતો જોવા મળે છે. કાયદા ક્ષેત્રે કામ કરતી ‘ન્યાયાશ્રય’ નામક સંસ્થાના ‘ધ કોવિડ ઇફેક્ટ ઇન ઇન્ડિયન જ્યુડિશિયરી’ અભ્યાસ મુજબ આઝાદી પછી પ્રથમ વખત કોરોના કાળમાં કોર્ટ કેસોમાં અભૂતપૂર્વ વૃદ્ધિ થઈ છે. સામાન્ય રીતે વાર્ષિક સરેરાશ પાંચેક ટકાનો વધારો કોરોનાના સમયગાળા દરમિયાન સર્વોચ્ચ અદાલતમાં ૧૦.૩૫ ટકા, વડી અદાલતોમાં ૨૦.૪ ટકા અને જિલ્લા અદાલતોમાં ૧૮.૪ ટકા થયો છે.
વરસોથી અદાલતમાં લટકતા કેસોનો સમયગાળો આંચકો આપે તેવો છે. દર ચારમાંથી એક કેસ પાંચ વરસ પહેલાંનો હોય છે. એક હજાર કેસો પચાસ વરસ જૂના છે, બે કેસો તો ૧૯૫૧થી ન્યાય માંગતા ઊભા છે. બે લાખ કેસો ૨૫ વરસ જૂના છે. બે કરોડ ફોજદારી કેસોમાંથી એક કરોડ અને નેવું લાખ દીવાની કેસોમાંથી વીસ લાખમાં હજુ સમન્સ જ બજાવાયાં નથી. ગુજરાતની વડી અદાલત પાસેથી દલિત આગેવાન વાલજીભાઈ પટેલે માહિતી – અધિકાર કાયદા હેઠળ અનુસૂચિત જાતિ-જનજાતિ અત્યાચાર પ્રતિબંધક કાયદા હેઠળની કેટલી અપીલો પેન્ડિંગ છે, તેની માહિતી માંગી હતી. વર્ષ ૨૦૦૦થી મે – ૨૦૨૦ સુધી નીચલી અદાલતોના સજાના ચુકાદા સામેની ૮૩૩ અપીલો હાઈકોર્ટમાં પડતર છે. પડતર કેસોમાં પાંચમા ક્રમના રાજ્ય ગુજરાતમાં ૨૧,૧૯,૭૨૮ કેસો પેન્ડિંગ છે.
વિલંબિત ન્યાયનું પ્રમુખ કારણ ન્યાયાલયોમાં ખાલી જગ્યાઓ છે. સંસદના હાલના વર્ષાસત્રમાં લોકસભા પ્રશ્નના જવાબમાં કેન્દ્ર સરકારે સ્વીકાર્યું છે કે હાઈકોર્ટ જજીસની મંજૂર ૧૦૯૮ જગ્યાઓમાંથી ૪૫૬ ખાલી છે. કેટલીક વડી અદાલતોમાં તો ન્યાયાધીશોની પચાસ ટકા જગ્યાઓ ખાલી છે. હાઈકોર્ટોમાં સરેરાશ ૩૭ ટકા અને નીચલી અદાલતોમાં ૨૩ ટકા પદો ખાલી છે, પરંતુ શું આ જ એક માત્ર કારણ છે ? દેશની હાઈકોટ્ર્સમાં પેન્ડિંગ કેસોને ખાલી જગ્યાઓ સાથે મૂલવીએ તો જણાય છે કે કોલકાતા હાઈકોર્ટમાં ૪૪ ટકા જગ્યાઓ ખાલી છે, પરંતુ પડતર કેસો ૨.૭ લાખ છે, જ્યારે મદ્રાસ હાઈકોર્ટમાં ૭ ટકા જ જગ્યાઓ ખાલી છે, પણ પેન્ડિંગ કેસો ૫.૮ લાખ છે. એટલે ન્યાયાધીશોની ગુણવત્તા અને ક્ષમતા પણ પેન્ડિંગ કેસોમાં ભાગ ભજવે છે. કદાચ આવાં જ કારણોસર મિઝોરમ-ત્રિપુરાની નીચલી અદાલતોમાં મહિને ૧૩, ગુજરાતમાં ૧૯ અને કર્ણાટકમાં ૧૧૩ કેસોનો નિકાલ થાય છે. ગુજરાત, કર્ણાટક, મહારાષ્ટ્ર અને દિલ્હીની કોર્ટોમાં જજોની સંખ્યા વધુ હોવા છતાં પડતર કેસો વધુ છે. જ્યારે ઓછા ન્યાયાધીશો ધરાવતી આંધ્ર, તેલંગાણા, ઝારખંડ, મેઘાલય અને છત્તીસગઢની કોર્ટોમાં પડતર કેસો ઓછા છે.
અદાલતોના કામના વાર્ષિક દિવસો પણ ન્યાયમાં દેરીનું કારણ છે. કેન્દ્ર સરકારના કર્મીઓના કામના દિવસો ૨૪૪ છે. અદાલતોની રજિસ્ટ્રી પણ તે પ્રમાણે કામ કરે છે. પરંતુ માનનીય ન્યાયાધીશોના કામના દિવસો એટલા નથી. સુપ્રીમ કોર્ટના કામના દિવસો વરસે ૧૯૦ અને હાઈકોર્ટના ૨૩૨ છે. હજુ પણ આપણી અદાલતો અંગ્રેજોના જમાનાથી ચાલ્યા આવતાં ઉનાળુ અને શિયાળુ વૅકેશનો ભોગવે છે. દુનિયામાં કાચા કામના કેદીઓ સરેરાશ ૨૭ ટકાની તુલનામાં ભારતમાં ૬૯ ટકા છે. જો દેશમાં નેધરલૅન્ડની વસ્તી જેટલા વિચારાધીન કેદીઓ હોય અને તેમના ન્યાયમાં વિલંબ થતો હોય, તો અદાલતોના કામના દિવસો અને કલાકો વધારવાની જરૂર છે.
જટિલ અને લાંબી ન્યાય અને પોલીસતપાસની પ્રક્રિયા પણ ઝડપી અને સમયસરના ન્યાયમાં બાધક છે. ૧૯૭૩ના કોડ ઑફ ક્રિમિનલ પ્રોસિજર મુજબ પોલીસે ગુનાની તપાસ કરી નિર્ધારિત સમયમર્યાદામાં કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવાની હોય છે, પરંતુ અદાલતોમાં સમયસર આરોપનામાં દાખલ થતાં નથી. કેમ કે આપણે ત્યાં કાયદો અને વ્યવસ્થાની ફરજ નિભાવતા પોલીસના માથે જ ગુનાની તપાસની જવાબદારી છે. તેણે કામના બોજ હેઠળ આ બંને કામો કરવાનાં હોય છે. લૉ ઍન્ડ ઑર્ડરનું કામ તાકીદનું હોય છે એટલે તે ગુનાની તપાસ સમયસર કરી શકતા નથી.
એક કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ડી.વાય. ચન્દ્રચૂડે અદાલતની કાર્યવાહીનું જીવંત પ્રસારણ કરવાનું સૂચન કર્યું હતું. કોર્ટમાં કેસોના ભરાવા માટે તારીખો માંગવાનું વકીલોનું વલણ ન્યાયમાં વિલંબ માટે કેટલા અંશે જવાબદાર છે, તે લોકો જાતે જ નક્કી કરી શકે, તે માટે તેમણે આ સૂચન કર્યું હતું. સુનાવણી-મોકૂફી રાખવા વકીલો ખુદની વ્યસ્તતાને અન્યો પર ઢોળી દઈ તારીખો માંગતા હોય છે. તેને કારણે પણ ન્યાયમાં વિલંબ થાય છે. એટલે વિલંબિત ન્યાયની જવાબદારી ન્યાયાધીશો, પોલીસ અને વકીલોની પણ છે.
મુક્ત અને સ્વતંત્ર ગણાતું ન્યાયતંત્ર નાણાકીય બાબતોમાં સરકારો પર આધારિત હોય છે. ભારતના જી.ડી.પી.ના ૦.૦૮થી ૦.૦૯ ટકા જ બજેટ ન્યાયતંત્ર માટે ખર્ચાય છે. માળખાકીય સુવિધાઓનો અભાવ, અપૂરતા અદાલતી ખંડો અને ખાલી જગ્યાઓ સરકારોના કારણે જ છે. અદાલતો સમક્ષ સૌથી મોટા ફરિયાદી તરીકે સરકારો જ જાય છે. પડતર કેસોમાં સિંહ ફાળો સરકારી કેસોનો છે. એકલા અમદાવાદ મહાનગરપાલિકા વિરુદ્ધના સ્થાનિકથી સર્વોચ્ચ અદાલત સુધીના ૧૦,૩૭૭ કેસો પડતર છે. કાયદા, નિયમો અને સરકારી ઠરાવોના ઘડતર સમયે તેની ન્યાયિક અસરો તપાસવામાં આવતી જ નથી, તેને કારણે પણ કેસોમાં વધારો થાય છે.
બંધારણના અનુચ્છેદ ૨૨૪-એની જોગવાઈ મુજબ આઠ વરસથી પડતર કેસોના નિકાલ માટે નિવૃત્ત ન્યાયાધીશોની એડહોક જજ તરીકે નિમણૂકની ન્યાયમિત્ર યોજના ઝાઝી સફળ થઈ નથી. અદાલતના કામનો બોજ ઘટાડવા અને ન્યાયાલયની બહારના ન્યાય તથા સમાધાન માટે લોક અદાલતો અને ગ્રામ ન્યાયાલયોના પ્રયોગો કરવામાં આવે છે. ૨૦૨૦ની અંતિમ માહિતી મુજબ ગ્રામ ન્યાયાલય અધિનિયમ, ૨૦૦૮ હેઠળ દેશનાં ૧૨ રાજ્યોમાં ૩૯૫ ગ્રામ ન્યાયાલયોની જ રચના થઈ શકી છે અને તેમાંથી ૨૨૫ જ કાર્યરત છે. સંભવિત ખાલી જગ્યાઓની માહિતી પરથી તે ભરવા અંગે આગોતરું આયોજન કરવાથી પણ ન્યાયમાં વિલંબ અટકાવી શકાશે. સુપ્રીમ કોર્ટ કૉલેજિયમ દ્વારા જજોની નિમણૂકો કરવા ભલામણ કર્યા બાદ સરકાર નિમણૂકમાં સરેરાશ સાતથી બાર મહિનાનો સમય લે છે અને ભલામણ કરેલ તમામની નિમણૂક કરતી નથી. આ સમયગાળો ઘટાડવાથી અને નિમણૂક-પદ્ધતિ બદલવાથી પણ ખાલી જગ્યાઓ ભરવામાં ઝડપ આવી શકે તેમ છે.
સામાન્ય અપરાધના ૪૫ લાખ પેન્ડિંગ ફોજદારી કેસો અને મહત્ત્વહીન દસ વરસ પૂર્વેની જાહેરહિતની અરજીઓનો નિકાલ ઝડપથી લાવી શકાય તેમ છે. દર દસ લાખની વસ્તીએ અમેરિકામાં ૧૦૭ અને કૅનેડામાં ૭૫ જજો છે, જ્યારે ભારતમાં ૨૦ છે. ઉત્તર પ્રદેશમાં પ્રતિ ન્યાયાધીશે ૩,૫૦૦ કેસોની સરેરાશ છે. એટલે જજોની સંખ્યા વધારવાની અને જજીસ દીઠ કેસોની સરેરાશ ઘટાડવાની આવશ્યકતા છે. નીચલી અદાલતોની માળખાકીય સગવડોમાં ખાસ તો ડિજિટલ નિરક્ષરતા દૂર કરી ડિજિટલ સેવાઓમાં વૃદ્ધિ કરવી પડશે. સમગ્ર દેશની ૧૫ ટકા, આન્ધ્રની ૬૯, ઓડિશાની ૬૦ અને અસમની ૫૯ ટકા ડિસ્ટ્રિક્ટ કોર્ટોમાં મહિલા ટૉઇલેટ ન હોય તેવી બદતર સ્થિતિમાં કોર્ટો કામ કરતી હોય તે સ્થિતિ તાકીદનો સુધારો માંગે છે.
રાજનીતિના અપરાધીકરણને કારણે રાજનેતાઓ સામેના કેસો વધી રહ્યા છે. માત્ર સાંસદો સામેના અપરાધિક કેસો ૨૦૦૦માં ૨૪ ટકા હતા, જે ૨૦૧૯માં ૪૩ ટકા થયા છે. રાજનેતાઓ સામેના પડતર અપરાધિક ૪,૪૪૨ કેસોમાંથી ૨૫,૫૬ સાંસદો અને ધારાસભ્યો સામેના છે. જો તેનો નિકાલ થઈ શકે, તો રાજકારણના અપરાધીકરણનું ચિત્ર સ્પષ્ટ થાય. અદાલતો બે પાળીમાં ચલાવવા વ્યવસ્થા વિચારવા સાથે, ખાસ અદાલતો નામ માત્રની હોય છે, તે સ્થિતિ બદલવાની જરૂર છે. કોઈ પણ અદાલતી કેસના અંતિમ નિર્ણયની સમયમર્યાદા નક્કી કરવાની અને સુનાવણીની વધુમાં વધુ કેટલી તારીખો હોઈ શકે, તે નક્કી કરવાની જરૂર છે. ટેક્નોલૉજીનો વ્યાપક ઉપયોગ કરવાથી અને આર્થિક તથા વ્યાપારી મામલાના કેસોમાં મધ્યસ્થી અને સમાધાનના પ્રયાસોનું સોગંદનામું અનિવાર્ય કરવાથી કેસોના નિકાલમાં ઝડપ આવી શકશે. ન્યાય મેળવતાં લોકોની પેઢીઓ નીકળી જાય છે. તેમને ન્યાયની દેવડીએ આવતા બંધ ન કરવા હોય, તો ન્યાયમાં વિલંબને અટકાવવો પડશે.
ન્યાયમાં વિલંબથી લોકોમાં હતાશા અને ક્રોધ જન્મી શકે છે. તેઓ ન્યાયની આશા ગુમાવીને કાયદો હાથમાં લે તેમ પણ બની શકે છે.ન્યાયના વિલંબની આર્થિક અસર બહુ મોટી હોય છે. ૨૦૧૬નું અનુમાન વાર્ષિક જી.ડી.પી.ના ૦.૫ ટકા જેટલી અસરનું છે. સરકારના ૫૦,૦૦૦ કરોડના પ્રોજેકટ વિલંબિત ન્યાયના કારણે ખોરંભે પડ્યા છે.
પૂર્વ વડા પ્રધાનો ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીની હત્યાના ચુકાદા અનુક્રમે પાંચ અને નવ વરસે આવ્યા હતા. ૧૯૭૫માં થયેલી તત્કાલીન રેલવે મંત્રી લલિત નારાયણ મિશ્રની હત્યાનો ચુકાદો ચાળીસ વરસે આવ્યો હતો. જો હાઈ પ્રોફાઇલ કેસોની આ હાલત હોય, તો સામાન્ય માનવી તો સમયસર ન્યાયની આશા જ ક્યાંથી રાખે. નીતિ આયોગના મંતવ્ય અનુસાર ભારતનાં ન્યાયાલયોમાં આજે પડતર કેસોની સ્થિતિ અને તેના નિકાલની ગતિ જોતાં બધા અદાલતી કેસોનો નિકાલ આવતાં સાડા ત્રણસો વરસ લાગશે. આઝાદીના અમૃત પર્વના વરસે દેશજનતા બંધારણે બક્ષેલા સઘળા ન્યાયની નહીં તો કમ સે કમ સમયસરના અદાલતી ન્યાયની તો અપેક્ષા રાખે જ ને ?
e.mail : maheriyachandu@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઑક્ટોબર 2021; પૃ. 11-12