મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ બીજી ઓક્ટોબર ૧૮૬૯ના રોજ કાઠિયાવાડમાં પોરબંદરમાં થયો હતો. આ વાક્ય વાંચીને પ્રશ્ન થશે કે આમાં નવું શું કહ્યું? આ તો નાનું છોકરું પણ જાણે છે. પણ આના અનેક સૂચિતાર્થો છે. ૧૮૬૯ એટલે ૧૮૫૭ના વિદ્રોહ પછીનાં બાર વર્ષ. ભારતની પ્રજાએ તો નહીં, પણ સૈનિકોએ વિદ્રોહ કર્યો હતો જેને કેટલીક રિયાસતોએ મદદ કરી હતી. એ ઘટના પછી અંગ્રેજોએ ભારતીય રિયાસતોને જે તે બહાને જીતી લઈને કે ખાલસા કરીને તેને બ્રિટિશ ભારતમાં ભેળવી દેવાનું બંધ કર્યું હતું. આનું પરિણામ એ આવ્યું કે ભારતમાં લગભગ સાડા પાંચસો રિયાસતો કાયમ માટે પાછળ રહી ગઈ હતી. આનો અર્થ એ થયો કે ભારતને આઝાદી મળી ત્યારે ભારતમાં રાજકીય રીતે બે ભારત હતાં. રિયાસતી ભારત અને બ્રિટિશ ભારત.
પાછળ બચી ગયેલી રિયાસતો શરીરરૂપી ભારતમાં કોઢના ડાઘની જેમ ફેલાયેલી હતી, જેમાં સૌથી વધુ અસરગ્રસ્ત પ્રદેશ કાઠિયાવાડ હતો. કુલ મળીને ૨૨૨ રિયાસતો હતી, જેમાં સૌથી નાની રિયાસત વેજાનો નેસ હતી જેનું ક્ષેત્રફળ માત્ર અગિયાર ચોરસ માઈલ હતું. કાઠિયાવાડનો રાજકીય નકશો એવો હતો કે જાણે મોઢા ઉપર ઘાટા શીતળાના ડાઘ હોય. કવિ નાનાલાલે ‘કવિશ્વર દલપતરામ’ નામના ગ્રંથમાં આઝાદી પહેલાંના કાઠિયાવાડને દરિયામાં ઓટ હોય અને જે રીતે દરિયાકાંઠે ખાબોચિયાં રચાય એવાં ખાબોચિયાં સાથે સરખાવ્યું હતું. આ તો રિયાસતોની વાત થઈ. આ સિવાય જમીનદારો અને જાગીરદારો (કાઠિયાવાડની ભાષામાં ભાયાતો) જુદા.
અંગ્રેજો બહુ ચાલાક પ્રજા હતી. તેમણે બચી ગયેલ રિયાસતી ભારતનો લાભ લેવાનું શરૂ કર્યું હતું. આખરે ભારતનો ૪૦ ટકા પ્રદેશ અને ૨૩ ટકા પ્રજા રિયાસતી ભારતનો હિસ્સો હતી. જે અંગ્રેજો પોતાને જગતની શ્રેષ્ઠ અને સભ્ય પ્રજા સમજતા હતા એ અંગ્રેજોને ભારતના ૪૦ ટકા પ્રદેશની ૨૩ ટકા પ્રજાને કાયદાનું રાજ અને આધુનિક શિક્ષણથી વંચિત રાખવાનો કે પછી એ બન્ને મળે કે ન મળે એના તરફ ઉદાસીન રહેવાનો મોકો મળ્યો હતો. હવે તેમનો અંતરાત્મા ડંખવાનો નહોતો. અમે શું કરીએ? અમારું ક્યાં ત્યાં રાજ છે! તેઓ રિયાસતોનો ઉપયોગ બ્રિટિશ ભારતમાં શરૂ થયેલી નવજાગૃતિનો છેદ ઉડાડવા માટે કરતા હતા. તેમને ખાતરી હતી કે રિયાસતી ભારતમાં બહુ ઓછા પ્રમાણમાં નવજાગરણ થવાનું છે અને ઊલટું બ્રિટિશ ભારતમાં જે જાગૃતિ આવશે તેનો જૂનવાણી માનસ ધરાવનારા લોકો વિરોધ કરશે.
આનો અર્થ એ નથી કે રિયાસતો સંપૂર્ણ સ્વતંત્ર હતી. અંગ્રેજોએ રિયાસતો સાથે આંગળિયાતની સંધી કરી હતી. બધી જ રિયાસતો અંગ્રેજોની આંગળિયાત હતી જેને અંગ્રેજીમાં વેસ્સેલ સ્ટેટ અથવા સબસીડિયરી સ્ટેટ કહેવામાં આવે છે. રિયાસતો પણ અંગ્રેજોની ગુલામ હતી એટલે રિયાસતી ભારતનું શોષણ કરવાની અને ત્યાંનાં સંસાધનો તેમ જ બજારનો લાભ લેવાની તેમણે પાકી તજવીજ કરી હતી. રિયાસતી ભારત તેના દરેક વ્યવહારિક અર્થમાં ગુલામ હતું, માત્ર કહેવા પૂરતું સ્વતંત્ર હતું. અંગ્રેજોએ રાજવીઓના દાંત ખેંચી કાઢ્યા હતા અને નખ કાપી નાખ્યા હતા. કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી રાજવીઓની અને રિયાસતના રક્ષણની જવાબદારી અંગ્રેજોની. રિયાસતને રક્ષણ આપવા માટે અંગ્રેજો રાજવીઓ પાસેથી પૈસા લેતા હતા. ભારતમાં કોઈ રિયાસત બીજી રિયાસત ઉપર આક્રમણ કરી શકે એમ નહોતી, કારણ કે તેની પાસેથી શસ્ત્રો આંચકી લેવામાં આવ્યાં હતાં. આમ અંગ્રેજો કોઈ મદદ કર્યા વિના રક્ષણના નામે પૈસા લેતા હતા. બીજી બાજુ રિયાસતમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી રાજવીની એટલે એ બિચારો કાયમ માટે આરોપીનાં પિંજરમાંમાં ઊભો રહેતો હતો.
દેખીતી રીતે રિયાસતો સાથે અંગ્રેજોએ જે ગોઠવણ કરી હતી તેનાં સામાજિક-રાજકીય-આર્થિક અને સાંકૃતિક પરિણામો અનિવાર્યપણે આવે એમ હતાં. એમાં પાછા એકલા કાઠિયાવાડમાં (અવિભાજિત ભારતના નકશા પર નજર કરશો તો ખોબા જેવડા) ૨૨૨ રિયાસતો એટલે ત્યાં આનાં સૌથી વધુ પરિણામ જોવાં મળ્યાં હતા. મોટા ભાગનાં રજવાડાંમાં દરબાર ગઢના ખર્ચા નહોતા નીકળતા. આને કારણે ભાયાતોનો રંજાડ હતો અને કેટલીક રિયાસતોમાં રાજવીઓ પણ રંજાડતા હતા. આર્થિક વિકાસ શૂન્યવત્ હતો. તાર-ટપાલ, રસ્તા-રેલવે જેવો ભૌતિક વિકાસ બહુ ઓછો થયો હતો. નાની નાની રિયાસતોમાં તો જરા ય નહીં. પ્રજાનો અંગત તેમ જ સામાજિક વિકાસ તો કોઈ પ્રાથમિકતા જ નહોતો ધરાવતો. શાળા, દવાખાનાં, અખબારો, સામયિકો, પુસ્તકો, પ્રકાશનો, ગ્રન્થાલયો, જાહેર પ્રબોધનો, સભાઓ, મંડળીઓ, ચર્ચાઓ શું કહેવાય એની કાઠિયાવાડની બહુ ઓછી પ્રજાને જાણ હતી.
ટૂંકમાં કાઠિયાવાડમાં મધ્યકાલીન જીવનમૂલ્યો અને અંગ્રેજ પૂર્વેની સામંતશાહી તેની સોળે કળાએ કાયમ હતાં. આધુનિકતાની દિશાની યાત્રામાં કાઠિયાવાડ એક પાછળ રહી ગયેલો, બાજુએ હડસાઈ ગયેલો, લગભગ ભૂલાઈ ગયેલો ઉપેક્ષિત પ્રદેશ હતો. કાઠિયાવાડમાં જાણે કે સમય થીજી ગયો હતો. પણ અંગ્રેજો કાઠિયાવાડને ભૂલ્યા નહોતા. તેનો તેમને ખપ હતો. બ્રિટિશ ભારતમાંના ઉપદ્રવીઓ માટે કાઠિયાવાડ આશ્રયસ્થાન હતું. દયાનંદ સરસ્વતીએ તો આધુનિક યુગના એક પ્રસિદ્ધ સંતને ઉત્તર ભારતમાંથી ભાગીને આવેલા અને કાઠિયાવાડમાં છૂપાયેલા ગુનેગાર તરીકે ઓળખાવ્યા હતા. ભારતમાં જેટલા સાધુઓ છે એમાંથી લગભગ ૭૦ ટકા સાધુઓ આજે પણ કાઠિયાવાડમાં જોવા મળશે. આજના દિવસે ભારતમાં જેટલા પરમ પૂજ્યો છે તેમના અનુયાયીઓ મોટા ભાગના ગુજરાતીઓ અને તેમાં પણ કાઠિયાવાડીઓ છે, પછી ભલે તે બિન ગુજરાતી હોય. અહીં કોઈનો વાળ પણ વાંકો ન થાય અને ઉપરથી પૂજાય. અંગ્રેજો કાઠિયાવાડનો ઉપયોગ રાજકીય ઉપદ્રવીઓને તગેડવા માટે પણ કરતા હતા કે જેથી ફરી વાર ૧૮૫૭ જેવી ઘટના ન બને.
ટૂંકમાં અંગ્રેજો રિયાસતોનો ઉપયોગ નવજાગરણને અને આધુનિકતાને નકારવા માટે કરતા હતા અને કાઠિયાવાડનો એક વિશેષ ઉપયોગ ઉપદ્રવીઓને ધકેલવા માટે ઓપન જેલ તરીકે કરતા હતા. કાઠિયાવાડની અરાજકતા બાકીના ભારતમાં ન પ્રવેશે એ સારુ વિરમગામ રેલવે સ્ટેશને દોરડાં બાંધીને ઝડતી લેવામાં આવતી હતી જે આજે પણ વિરમગામ લાઈનદોરી તરીકે ઓળખાય છે.
બીજું રિયાસતોમાં રાજપરિવારોમાં અને ભાયાતોમાં એટલી ખટપટ રહેતી કાઠિયાવાડી ખટપટ આઝાદી પહેલાનાં કાઠિયાવાડની ઓળખનો અનિવાર્ય હિસ્સો હતી. લાઠીના રાજવી કવિ કલાપીએ આ ખટપટથી કંટાળીને આત્મહત્યા કરી હતી. આ કાઠિયાવાડી ખટપટ સમાજશાસ્ત્રીઓ માટે અધ્યયનનો વિષય બની શકે એમ છે. અને કાઠિયાવાડની ત્રીજી ઓળખ એટલે અતિશયોક્તિ. રાજવીઓને અંગ્રેજો અપમાનિત કરતા હતા. તેઓ ખટપટરત અને ખટપટગ્રસ્ત અસલામત રહેતા હતા. ભાયાતો અંકુશમાં રહેતા નહોતા અને કાયદો હાથમાં લેતા હતા. દરબારગઢના ખર્ચા પણ નીકળતા નહોતા એટલે સુચારુ શાસન કરી શકતા નહોતા. આમ છતાં અંગ્રેજો તેમને ‘હીઝ હાઈનેસ’ તરીકે ઓળખાવીને અને દરેક રાજવીને તેના રજવાડાના કદ મુજબ તોપની સલામી આપીને તેમના મિથ્યાભિમાનને પોષતા હતા.
જેમની પાસે હકથી ગર્વ કરવા જેવું કાંઈ જ નહોતું તેઓ બારોટો પાસે પ્રશસ્તિ કરાવતા હતા એટલે દેખીતી રીતે એમાં અતિશયોક્તિ અને કેટલીકવાર તો સાવ અસત્યનો આશરો લેવામાં આવતો હતો. આને કારણે અતિશયતા અને અતિશયોક્તિ કાઠિયાવાડનો સ્થાયીભાવ બની ગયો છે. બીજાની ક્યાં વાત કરીએ, શુદ્ધ ગાંધીવાદી ઝવેરચંદ મેઘાણીએ સૌરાષ્ટ્રના બહારવટિયાઓની પ્રશસ્તિ કરવામાં અતિશયોક્તિ કરી છે.
ટૂંકમાં કહીએ તો અંગ્રેજો કાઠિયાવાડી અરાજકતાનો ઉપયોગ બ્રિટિશ ભારતના અરાજક તત્ત્વોની નિકાસ કરવા માટે કરતા હતા. કાઠિયાવાડી ખટપટ રાજવીઓના અસ્તિત્વના સંઘર્ષનું પરિણામ હતું અને કાઠિયાવાડી અતિશયોક્તિ રાજવીઓની નિર્બળતાને છૂપાવવાની ચેષ્ટાનું પરિણામ હતું.
તો આવું કાઠિયાવાડ જ્યારે તેની સોળે કળાએ અસ્તિત્વમાં હતું ત્યારે ગાંધીજીનો કાઠિયાવાડમાં જન્મ થયો હતો અને મોહનને મહાત્મા બનાવવામાં તેનો એક ફાળો છે.
e.mail : ozaramesh@gmail.com
પ્રગટ : ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 26 જુલાઈ 2020