હૈયાને દરબાર
આવ્યાં હવાની જેમ અને ઓસરી ગયાં,
શો શૂન્યતાથી જામ સપનનો ભરી ગયાં!
વીતી ગઈ એ વેળ, હવે અહીં કશું નથી,
સ્મરણો ય આવી આવીને પાછાં ફરી ગયાં!
હું શું કરું જ્યાં કંઠ જરી ય ખૂલતો નથી,
ગીતો તો કેટલું ય અરે કરગરી ગયાં!
તારા ગયા પછે ન બન્યું કંઈ નવું અહીં,
અધઊઘડી બે છીપથી મોતી ઝારી ગયાં!
જોઈ અટૂલી મ્હેક સમય પૂછતો ફરે –
ફોર્યાં અહીં જે ફૂલ તે ક્યારે ખરી ગયાં!
વાતો રહી ગઈ એ કસુંબલ મિજાજની,
એ ઘેન, એ ઘટા, એ ઘૂંટ, સહુ સરી ગયાં!
એની ખીણો મહીં જ સમય ખૂંપતો ગયો,
શબ્દો અજાણતાં જે તમે કોતરી ગયાં!
• કવિ: રાજેન્દ્ર શુક્લ • સંગીતકાર: હરેશ બક્ષી-સુરેશ જોશી
ડિસેમ્બર મહિનાની ફૂલગુલાબી ઠંડીમાં ગઝલ એ એક હૂંફાળો અહેસાસ કરાવે છે. ઠંડી, મદહોશ રાતે ગઝલ સાંભળવાનું શરૂ કરો એનો નશો મનને તરબતર કરી દે છે.
ગઝલ એ સાહિત્યનું અદ્ભુત સ્વરૂપ છે. ગઝલના એક શેરની બે પંક્તિમાં ઘણું બધું કહેવાઇ જાય છે. સમજે બધા પોતપોતાની શક્તિ મુજબ. ગુજરાતી ભાષામાં કેટલાક ગઝલકારોએ સુંદર ગઝલોનું સર્જન કર્યું છે અને એ ગઝલ કર્ણપ્રિય સુરાવલિઓમાં ઘૂંટીને આપણા સંગીતકારોએ ગેય ગઝલ રૂપે આપણી સમક્ષ મૂકી. ગઝલના મુખ્ય ત્રણ તબક્કા, જેમાં પંડિત યુગ, શયદા યુગ અને આધુનિક યુગનો સમાવેશ થયેલો છે. ગુજરાતી ગઝલ ક્ષેત્રે અનેક પ્રતિષ્ઠિત ગઝલકારોએ ખેડાણ કર્યું છે તો યુવા ગઝલકારોની ગવાતી ગઝલોનું પ્રદાન પણ એટલું જ મહત્ત્વનું રહ્યું છે. જાણીતા અને વરિષ્ઠ ગઝલકારોમાં મરીઝ, શૂન્ય, ઘાયલ અને બેફામ પછી કેટલા ય આધુનિક ગઝલકારો જેમ કે જલન માતરી, આદિલ મન્સૂરી, અદી મિરઝા, શેખાદમ આબુવાલા, રમેશ પારેખ, રાજેન્દ્ર શુક્લ, ભગવતીકુમાર શર્મા, જવાહર બક્ષી, મનોજ ખંડેરિયા, નયન દેસાઈ, મુકુલ ચોકસી, શોભિત દેસાઈ, હેમેન શાહ, સુરેન ઠાકર ‘મેહુલ’, હનીફ સાહિલ, હર્ષદ ચંદારાણા, અદમ ટંકારવી, રાજેશ રેડ્ડી, રાજેશ વ્યાસ ‘મિસ્કીન’, અશરફ ડબાવાલા જેવા ગઝલકારોની ગઝલ ગવાઈ છે, તો એ પછીની પેઢીના ગઝલકારો હિતેન આનંદપરા, મૂકેશ જોષી, દિલીપ રાવલ, સંજય પંડ્યા, સંદીપ ભાટિયા અંકિત ત્રિવેદી, સૌમ્ય જોશી, ભાવેશ ભટ્ટ, પ્રણવ પંડ્યા સહિત અનેક ગઝલકારોએ સુંદર ગઝલો લખી છે અને એ ગવાઈ પણ છે. મહિલા કવયિત્રીઓ પણ હવે પાછળ નથી. પન્ના નાયક, ઉષા ઉપાધ્યાય, પારુલ ખખ્ખર, યામિની વ્યાસ, પારુલ મહેતા, આશા પુરોહિત જેવી અનેક કવયિત્રીઓએ ગઝલ ક્ષેત્રે ખેડાણ કર્યું છે.
શીર્ષકમાંની જે ગઝલ છે; ‘આવ્યાં હવાની જેમ અને ઓસરી ગયાં …’ ઋષિ કવિ રાજેન્દ્ર શુક્લે અદ્ભુત લખી છે. રાજેન્દ્ર શુક્લની ગઝલો આધુનિક ગઝલની ભાષા અને કલ્પનોમાં જુદી ભાત પાડે છે. સંસ્કૃત વૃત્તોનો અને તત્સમ શબ્દોનો ઉપયોગ ગઝલને નવું પરિમાણ બક્ષે છે. હરેશ બક્ષીના રાગ ચંદ્રકૌંસ પર આધારિત આ ગઝલને બંસરી યોગેન્દ્રે કંઠ આપ્યો છે. સુરેશ જોશી પણ આ ગઝલને સ્વરબદ્ધ કરીને ગાય છે.
એકાદ વ્હેંત દૂર કિનારે રહ્યા કર્યું
શ્વાસોના શ્વેત અશ્વ પછી છોડવા પડ્યા
ઉદય મઝુમદારે કમ્પોઝ કરીને ગાઈ છે.
આજે કેટલીક ગવાયેલી ગઝલોની જ વાત કરવી એટલે એનો જ ઉલ્લેખ કરીએ.
હિતેન આનંદપરાની ગઝલ
પ્રેમ આખી જિંદગીનો મર્મ છે
એ વિનાની સર્વ વાતો તર્ક છે
આશિત દેસાઈએ સ્વરબદ્ધ કરી છે તથા બીજી ગઝલ
પોતાનું કહી શકાય જે એ ગામ છે ગઝલ
ખુદની નજીક આવવાનું કામ છે ગઝલ
નયનેશ જાનીના સ્વરાંકનમાં રજૂ થઈ છે. મૂકેશ જોશીએ લાજવાબ ગીતો ઉપરાંત ગઝલો લખી છે જેમાં,
આંખમાંથી શું ઝરે છે શી ખબર
જે દિવસ છોડી દીધું તારું નગર
પણ નયનેશ જાનીએ સ્વરબદ્ધ કરી છે.
પાનખરોમાં પાન ખરે ને ઝાડનો આખો વાન ખરે, ને ત્યારે સાલું લાગી આવે અને જંગલને બાઝીને બેઠું વ્હાલકડું એકાંત શ્યામલ-સૌમિલના સ્વરાંકનમાં લોકપ્રિય થઈ છે.
આ શું પ્રગટ્યું છે મારામાં કે યાદ કરું છું ગોકુળને
મન છે ગમતીલી દ્વિધામાં કે યાદ કરું છું ગોકુળને
તથા
તમે શ્યામ રૂપ લો તો
પછી આભ થઈને વ્યાપો … જેવી દિલીપ રાવલની ગઝલોને રૂપકુમાર રાઠોડે સંગીતબદ્ધ કરીને ગાઈ છે. લલિત વર્મા અને રઈશ મનીઆરે હઝલ પણ લખી. હઝલ એટલે હાસ્ય ગઝલ. રઈશની એક હઝલ સોલી કાપડિયા સરસ રજૂ કરે છે.
પન્નીને પસ્ટાય તો કે’ટો ની
વાહણ જો અઠરાય તો કે’ટો ની
અમના ટો પ્યાર જાણે રેહમની ડોરી
પછી એના પર લૂગરાં હૂકવાય તો કે’ટો ની…!
ગુજરાતી ગઝલે આજે ભાષા, ભાવ, છંદ અને ચિંતનના નવા ઉન્મેષો દાખવીને કાઠું કાઢ્યું છે. આધુનિક સંવેદનશીલતા આવકાર્ય છે પણ ગઝલના આંતર સ્વરૂપની ઉપેક્ષા ન કરી શકાય એ સમજણ પણ વિસ્તરતી રહી છે. જો કે પ્રયોગખોરી ક્યારેક ગઝલના સ્વરૂપને નષ્ટ કરે છે છતાં એટલું અવશ્ય કહેવાય એ ગઝલના આધુનિક કાળમાં ગઝલની એક નવી હવાની લહેરખી આવી છે. ગઝલ સાથે સંકળાયેલા અન્ય પ્રકારો વિશે પણ ઉલ્લેખ કરીએ તો ગઝલ પછી લોકપ્રિય કાવ્યપ્રકાર રુબાઈ છે. રુબાઈમાં વિષયની કોઇ મર્યાદા નથી. ઈશ્ક, મોહબ્બત, પ્યાર અને તત્ત્વજ્ઞાન રુબાઈનો વિષય બની શકે છે. નઝમ પણ એક કાવ્ય પ્રકાર છે. ૧૯મી સદીની આખરમાં એક વિશેષ કાવ્ય પ્રકાર તરીકે નઝમો લખાવા માંડી હતી. ઉર્દૂ કાવ્યમાં મહત્ત્વ, વિસ્તાર અને પરિણામની દૃષ્ટિએ ગઝલ પછી નઝમ આવે છે. ગુજરાતીમાં પણ ગઝલકારોએ નઝમ લખી છે. સૈફ પાલનપુરીની સૂનો ઝરૂખો એક ઉત્તમ નઝમ છે. ગઝલ, મુક્તક, રુબાઈ, નઝમ પછી ગુજરાતીમાં તઝમીન કાવ્ય પ્રકાર પણ ક્યારેક જોવા મળે છે. કોઈ શાયર બીજા કોઈ પ્રખ્યાત શાયરની એક પંક્તિ પોતાની ગઝલમાં લે અને તેના પર બીજી પંક્તિ એના જેવી જ બનાવે જેથી બંને પંક્તિ વચ્ચે સુમેળ જળવાઈ રહે એ તઝમીન કહેવાય છે. પંડિત યુગની સરખામણીએ આજે છંદોબદ્ધ રચનાઓ ઓછી જોવા મળે છે. ગઝલોમાં નવી આબોહવા સર્જાઈ છે. નયન દેસાઈની જાણીતી ગઝલ ડબલ કોર્ડ્સ સાથે લખાઈ છે જે આશિત દેસાઈએ સરસ કમ્પોઝ કરી છે:
માણસ ઉર્ફે રેતી ઉર્ફે દરિયો ઉર્ફે ડૂબી જવાની ઘટના ઉર્ફે … એક લયબદ્ધ ગઝલ છે. વર્ષો સુધી આકાશવાણી સાથે સંકળાયેલા શાયર અને ગીતકાર કિરીટ બારોટે એક સુંદર ગઝલ લખી છે,
મંઝિલ મળે કે ના મળે તલાશ જારી છે
છે ખબર કે આ દિશા દિશા તમારી છે …
આ ગઝલ પુરુષોત્તમ ઉપાધ્યાયે સરસ સ્વરબદ્ધ કરીને ગાઈ છે. હર્ષદ ચંદારાણાની આ ગઝલ સાંભળવાલાયક છે;
થીજ્યાં જળ ને ઠંડા સૂરજનો સમન્વય આંખ સામે
છે મહા પાષાણનો કોમળ પરિચય આંખ સામે
ને અચાનક ગાઢ ધુમ્મસનો અહીં પડદો પડે છે
મિત્ર વહાલો ખોઈ બેઠો હું હિમાલય આંખ સામે
આ ગઝલ સ્વરબદ્ધ કરીને ગાઈ છે ઉદય મઝુમદારે.
આંખોમાં તરવરે છે તે ભીનાશ મોકલું
આ ખાલી ખાલી સાંજ ને આકાશ મોકલું
વાંચી તો કેમ શકશે તું શાહીની વેદના
ઊકલી શકો તો લોહીનો અજવાસ મોકલું
હનીફ સાહિલની આ સુંદર ગઝલ રાગ મધુવંતીમાં સ્વરબદ્ધ કરીને ગાઈ છે સોલી કાપડિયાએ. ‘નાદાન’ની પણ એક ગઝલ સોલી કાપડિયાએ સ્વરબદ્ધ કરી છે જેના શબ્દો છે;
રણની ભૂમિમાં ખચિત કંઈક તો કસ લાગે છે
જ્યાં હું મૃગજળને નિહાળું કે તરસ લાગે છે …!
ભીખુભાઈ ચાવડા ‘નાદાન’ એ આમ તો શયદા યુગના ગઝલકાર, પરંતુ ગઝલના આધુનિક કાળમાં ૧૯૯૫ પછી તેમણે ઘણી ગઝલો લખી. ૧૯૫૪માં એમણે એક શબ્દ પર ગઝલની શરૂઆત કરી જેમાં રસ્તો અને બારીની ગઝલ ખૂબ લોકપ્રિય થઈ હતી. એ પછી ઘણા ગઝલકારોએ આ પ્રકારની ગઝલ લખવાનું શરૂ કર્યું હતું. "આવી એક શબ્દની ગઝલની શરૂઆત મેં કરી હોવા છતાં મને એનો યશ ન મળ્યો, કારણ કે ૧૯૬૮માં આ ક્ષેત્ર છોડી દીધું હતું. પછી જો કે ૧૯૯૫માં લખવાનું શરૂ કર્યું અને ‘રજ રજ અચરજ’ ગઝલ સંગ્રહ બહાર પાડ્યો. હું અનુભૂતિનો અને તગઝ્ઝુલનો શાયર છું એટલે મૃત્યુની અનુભૂતિની ગઝલો પણ લખી છે. નાદાને એક મુલાકાતમાં આ વાત કરી હતી.
શોભિત દેસાઈની કેટલીક ગઝલો પણ સ્વરબદ્ધ થઈ છે જેમાં મનહર ઉધાસે ગાયેલી ગઝલ સુંદર છે,
કોઈને ઝંખે છે કાયમ બહુ ઉદાસ જે
તું આવ દોસ્ત તારા સમ રાત બહુ ઉદાસ છે….!
આશિત દેસાઈએ સ્વરબદ્ધ કરેલી અને ગાયેલી શોભિત દેસાઈની અન્ય બે ગઝલો છે, શુષ્ક થઇને એમને જુઓ અરે, લાગણીઓ આવો તરજુમો અરે તથા જરા અંધાર નાબૂદીનો દસ્તાવેજ લઈ આવ્યો, અરે લ્યો આગિયો સૂરજથી થોડું તેજ લઈ આવ્યો!
મેઘબિંદુની એક સુંદર ગઝલ બાગમાં ટહુકો છળે તો શું કરું, લાગણી ભડકે બળે તો શું કરું તથા સુરેન ઠાકર ‘મેહુલ’ની કલરવોના ઘર સમું કલબલતું આંગણ સાંભરે સાવ લીલુંછમ હજી આજેય બચપણ સાંભરે છે પણ કર્ણપ્રિય ગઝલો છે.
ગઝલ ક્ષેત્રે ઉદયન ઠક્કરનું પ્રદાન નોંધનીય છે. ઉદયન ઠક્કર બહુશ્રુત કવિ છે. ક્યારેક એવું કંઈક લખી નાખે કે આપણે દાદ આપવી જ પડે. ઉદયન ઠક્કરની,
રોજ સાંજે પંખીઓના મોરચા મંડાય છે
વૃક્ષની માલિકી બાબત માગણીઓ થાય છે… ગઝલને સોલી કાપડિયાએ ગાઈ છે. ઉદયન ઠક્કરની આ ગઝલ પણ બહુ લોકપ્રિય થઈ છે,
કઈ તરકીબથી પથ્થરની કેદ તોડી છે?
કૂંપળની પાસે શું કુમળી કોઈ હથોડી છે?
વિવિધ પ્રકારોમાં વહેંચાયેલી ગુજરાતી સંગીતની ગઝલયાત્રામાં નવા, જૂના, નીવડેલા ગઝલકારોનો ઘણો સમાવેશ કરી શકાય એમ છે. જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા ગીતકવિ રાજેન્દ્ર શાહે ‘પંચપરવા’ ગઝલ સંગ્રહ બહાર પાડ્યો છે એ બહુ ઓછાને ખબર હશે. રામ વૃંદાવનીના નામે એમણે ગઝલ અને નઝમ લખી છે. શયદા એવોર્ડ વિજેતા હેમેન શાહે પણ ગઝલની ઉપાસના કરી છે. કલ્પનની તાજગી અને અભિવ્યક્તિનું લાઘવ હેમેન શાહની ગઝલોમાં જોવા મળે છે. એમની ગઝલ તો દોસ્ત હવે સંભળાવ ગઝલ આશિત દેસાઇ સરસ કમ્પોઝ કરીને ગાય છે.
ગેય ગઝલોનું લિસ્ટ ખૂબ લાંબું થઈ શકે એમ છે, કારણ કે ઉર્દૂ પછી ગુજરાતી ભાષામાં જ ગઝલોનું જબરજસ્ત ખેડાણ થયું છે. એની વિગતે વાત ફરી ક્યારેક કરીશું.
આજે તો બસ આટલું જ. આવ્યા હવાની જેમ… હરેશ બક્ષીનું સ્વરાંકન ઈન્ટરનેટના માધ્યમથી સાંભળી શકાશે.
સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 24 ડિસેમ્બર 2020
http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=671800