Opinion Magazine
Number of visits: 9448853
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘આતમનો તારો પ્રગટાવ દીવો, તું વિણ સર્વ પરાયા !’

વિપુલ કલ્યાણી|Ami Ek Jajabar - Ami Ek Jajabar|20 January 2017

ઇન્દુલાલ યાજ્ઞિક, કૃષ્ણલાલ શ્રીધરાણી, ચંદ્રભાઈ કા. ભટ્ટ, જયંતિ દલાલ, જોસેફ મૅકવાન, દિલીપ રાણપુરા, નાનાભાઈ ભટ્ટ, નીરુભાઈ દેસાઈ, પુરુષોત્તમ માવળંકર, મનુભાઈ પંચોળી ‘દર્શક’, મંજુ ઝવેરી, યશવંત શુક્લ, યશોધર મહેતા શાં અનેક સાહિત્યકારોની, સાંપ્રત ગુજરાતને, ઝાઝી આવશ્યક્તા નથી. આવાં આવાં કવિલેખકો મૂળગત કર્મશીલ રહ્યાં છે. પ્રગતિશીલ વિચારશૈલી અને કર્મઠ કાર્યપ્રણાલીને લીધે, એ દરેકનું તપ સતત વિકસતું આવ્યું છે, અને પરિણામે, ગુજરાતી તેમ જ ગુજરાત લાભ્યાં જ છે. ‘એમની બધી પ્રવૃત્તિઓની ગંગોત્રી એમની અહોરાત્ર ચાલતી’ કર્મસાધનામાં રહી છે. કર્મશીલ અને સાહિત્યકાર તરીકે, આ દરેક વ્યક્તિ, આંતરબાહ્ય, એકબીજાની હોડમાં ઊતરે તો કોણ ચડે, એ કોયડો સહજ સ્વાભાવિક સતત ડોકાયા કરવાનો.

આવી હરોળમાં ભોગીલાલ ગાંધી ‘ઉપવાસી‘ આવે જ આવે. અને એમની છલાંગ તો જોઇએ : સમાજવાદ – માર્કસવાદથી ગાંધી સર્વોદય લગીનો પટ એમને સારુ આભડછેટનો રહ્યો જ નહીં અને દરેક ટૂંકે ભોગીભાઈ ઝગારા મારતા રહ્યા.

પ્રફુલ્લ રાવલ લખે છે તેમ, “વિશ્વમાનવ” સામયિક નિમિત્તે એમણે અગ્રલેખો લખ્યા, લઘુનિબંધો લખ્યા, પ્રસંગોપાત પુસ્તકોનાં અવલોકનો લખ્યાં છે, અને વિવેચન પણ કર્યું છે. રાજકારણમાં નિવૃત્ત થયા પછીની આ પ્રવૃત્તિમાં એમણે શબ્દ દ્વારા પ્રજાકીય ચેતનાને સંકોરી. બંગાળી પર એમનું પ્રભુત્વ હતું, તેથી 1932થી 1962 દરમિયાન એમની પાસેથી શરદબાબુની દેવદાસ, ગૃહદાહ, ચરિત્રહીન, બામણની દીકરી જેવી કૃતિઓના અનુવાદો મળ્યા અને રવીન્દ્રનાથના ‘નષ્ટનીડ’નાં કાવ્યોને એમણે ગુજરાતીમાં અનુવાદિત કર્યાં. ટોલ્સ્ટોય, તુર્ગનેદ્દ કૃતિઓનો ગુજરાતને પરિચય કરાવ્યો. ‘રવીન્દ્ર દર્શન’ એમનું નોંધપાત્ર સંકલન છે. રશિયન સાહિત્યનો પરિચય પણ એમણે ગુજરાતને કરાવ્યો.

ભોળાભાઈ પટેલ, વળી, કહે છે, ‘આધુનિક ગુજરાતી સાહિત્યમાં તેમનું એક વિશિષ્ટ પ્રદાન તે તો મુંબઈથી વડોદરા આવ્યા પછી શરૂ કરેલું માસિક “વિશ્વમાનવ”. આ “વિશ્વમાનવ”ના લેખકોમાં હતા સુરેશ જોષી, ગુલામ મોહમ્મદ શેખ, યુવાન અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ વગેરે ‘આધુનિકો’. ગુજરાતી સાહિત્યમાં કવિતાના આસ્વાદનો નવો ચીલો પડ્યો, તે આ “વિશ્વમાનવ”માં લખાયેલી સુરેશ જોષીની આસ્વાદ શ્રેણીથી. ભોગીભાઈના “વિશ્વમાનવે” એક આંદોલન ઉપરાંત વિભિન્ન વિચારોના વિનિમયનો મંચ પૂરો પાડ્યો હતો. વચ્ચે થોડા વખત વિભિન્ન સંપાદકો પણ એ માસિક સાથે જોડાયેલા. રઘુવીર ચૌધરી તેમાંના એક હતા.’

આવા ભોગીભાઈ સાથેનો મારો પહેલવહેલો પરિચય એમના “વિશ્વમાનવ” સામયિકથી થયો. ગયા સૈકાના છઠ્ઠા દાયકામાં, મુંબઈ ખાતે ઉચ્ચ અભ્યાસ સારુ પલોંઠ લગાવેલી, ત્યારે “વિશ્વમાનવ”નો પહેલવહેલો પરિચય થયો. દક્ષિણ મુંબઈના ગામદેવીમાં આવ્યા મણિભવનના વાંચનાલયનો ત્યારે ભરપેટ ઉપયોગ કરતો. ત્યાં આ જોવાવાંચવાનું બનતું. ખરેખાત યોગેશ જોષીએ અન્યત્ર લખાણ કર્યું છે તેમ, ‘ભોગીભાઈ ગાંધીની હકારાત્મક વ્યાપક દૃષ્ટિ, અનેક વિષયોનો ઊંડો અભ્યાસ, નવી નવી પ્રતિભાઓની શોધ તથા આગવી સંપાદકીય સૂઝના પરિણામે “વિશ્વમાનવ” માનવમૂલ્યોનું જતન કરતું, અનેક વિષયો તથા સમસ્યાઓના સ્વસ્થ-તટસ્થ વિચારોનું ભાથું પીરસતું, બહુમુખી પ્રતિભા ધરાવતું સામયિક બની રહેલું.’ 

માનવી મૂલ્યોની પ્રતિષ્ઠા ઝંખતું આ સામયિક મારે સારુ, પરિણામે, ભણતરનું ઓજાર બની ગયું. એમ.એ. સુધી રાજ્યનીતિશાસ્ત્ર તથા ઇતિહાસ મારા અભ્યાસના વિષય હતા, અને તેમાં “વિશ્વમાનવ” પણ અગત્યનું વાચન-સાધન બન્યું. સામયિકના અનેક વિશેષાંકો પણ પેટા વિષયોમાં અગત્યના બની રહ્યા.

આ સામિયકના સંપાદકમંડળમાં પ્રકાશ ન. શાહ હતા. એમનાં લખાણો ત્યારે ય મને આકર્ષતાં અને હળુ હળુ મારું ઘડતર ય કરતાં રહેતાં. આમ જોઇએ તો અમારી મૈત્રી “વિશ્વમાનવ”ની ય દેણગી બની રહી.

ભોળાભાઈ પટેલ લખતા હતા તેમ : ‘પરંતુ જે એક કામ માટે ભોગીભાઈને યાદ કરીશું, તે તો સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા પ્રકાશિત ભોગીભાઈએ સંપાદિત કરેલી ૩૦ ગ્રંથોની (જેમાં ૨૬નું સંપાદન ભોગીભાઈનું) જ્ઞાનગંગોત્રી ગ્રંથમાળા. ગુજરાતના યુવાન છાત્ર વર્ગ માટે એક વિશિષ્ટ દૃષ્ટિથી કરેલાં આ સંપાદનો આજે તો અપ્રાપ્ય છે. એ ભોગીભાઈનાં કેટલાંક શીર્ષક જોવાથી એનો વ્યાપ સમજાશે – બ્રહ્માંડદર્શન, પૃથ્વીદર્શન, સ્વાસ્થ્યદર્શન, સ્વરાજદર્શન, ગણિતદર્શન, સાહિત્યદર્શન, ઇજનેરી દર્શન, દૃશ્યકળા આદિ. જાણે બધા જ્ઞાતવ્ય વિષયો આવરી લેવાયા છે. ભોગીભાઈની એ સાધના એ ગિરાગુર્જરીને એમનું પ્રદાન છે. …’

આ જ્ઞાનગંગોત્રી ગ્રંથમાળાએ પણ, મારે સારુ, જંગમ વિદ્યાપીઠનું કામ કર્યું છે. મારાં અનેક કામોમાં એ ગ્રંથમાળાએ સંદર્ભ તરીકે મહત્ત્વનો ફાળો આપ્યા કીધો છે.

‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ની નોંધ જણાવે છે : સત્યાગ્રહોમાં એક અદના સૈનિક તરીકે સક્રિય. સાડાત્રણ વર્ષ જેટલા સમયની જેલસજાઓ. જેલવાસ દરમિયાન અનેક યુવાનોની જેમ માર્કસવાદી સાહિત્યનું વાચન અને એના પરિણામે રશિયન સમાજવાદનું આકર્ષણ. 1940માં ચુસ્ત સામ્યવાદી બન્યા. ‘સુન્દરમ્’ના સહકારમાં અમદાવાદમાં અને ત્યાર બાદ મુંબઈમાં ‘ગુજરાત પ્રગતિશીલ લેખકમંડળ’નું સંચાલન. 1949-‘51ના ગાળામાં અઢાર માસની જેલશિક્ષા પછી સામ્યવાદની અંધસાહસવાદી નીતિનું ભાન થતાં 1956માં પક્ષમાંથી રાજીનામું. વિનોબાજી, દાદા ધર્માધિકારી અને જયપ્રકાશ નારાયણ જેવા લોકસેવકોની પ્રવૃત્તિમાંથી પ્રેરણા લઈ પુન: ગાંધીચીંધ્યા માર્ગે. “વિશ્વમાનવ” માસિકનું સંપાદન, ‘વિશ્વમાનવ સંસ્કાર શિક્ષણ ટ્રસ્ટ’ દ્વારા સંસ્કાર-ચિંતન-બોધ આપતાં પુસ્તકોનું પ્રકાશન તેમ જ ‘જ્ઞાનગંગોત્રી’ ગ્રંથશ્રેણીમાં મુખ્ય સંપાદનકાર્ય જેવી પ્રવૃત્તિઓમાં કાર્યરત હતા.

આપણા ભોગીભાઈ ગાંધીને પહેલવહેલું મુંબઈમાં મળવાનું થયું. એમના એક અદના મિત્ર અને સાથીસહોદર દિવંગત જયંતી પારેખ જે ઘરમાં વસતા હતા, ત્યાં જ ભોગીભાઈનો અંગત પરિચય થયો. અમે એમને ભોગીકાકા કહેતા. 

કોઈક ‘સરકારી હુકમને વશ’ ઇન્દુલાલ યાજ્ઞિક ગુજરાત છોડીને મુંબઈ વસ્યા, ત્યારે એમના મનમાં સમણાં હતાં તેમ, એમણે ‘કિસાનસભા’ની સ્થાપના કરી. ઇન્દુભાઈ કૉંગ્રેસ સમાજવાદીઓ ભણી ય આકર્ષાયા હતા. તેમાં મહેરઅલી, બાટલીવાલા, મસાણી વગેરે હતા. એમની પ્રવૃત્તિ જેમજેમ જામતી ગઈ અને વિસ્તરતી ગઈ તેમતેમ લવરમૂછિયા યુવાનોને આકર્ષતી રહી. તેમાં જયંતી પારેખ પણ એક. મુંબઈ રહેણાકને કારણે ભોગીલાલ ગાંધી પણ ક્વચિત એક. આ બન્ને મિત્રો બન્યા, સાથે હરતાફરતારહેતા અને કામ કરતા. ગુજરાત – મહારાષ્ટૃના ગ્રામવિસ્તારોમાં બીજાઓની સાથોસાથ આ બન્ને પણ સમ્મિલિત. ઘણું કરીને ત્યારે ભોગીભાઈ સમાજવાદ – માર્ક્સવાદમાં ખૂંપેલા રહેતા. જયંતી પારેખ, ઘણું કરીને, આ અરસે તે વિચારધારામાં પલોટાઈ ગયેલા. દિનકર મહેતા અને સાથીઓ સંગાથે “નવી દુનિયા”નાં કામોમાં પણ એ બન્ને સમ્મિલિત રહ્યા હશે.

‘ગુજરાતનું અણમોલ રતન : જયંતી પારેખ’ નામક એક દીર્ઘ લેખ દિવંગત બટુક દેસાઈએ, દોઢેક દાયકા પહેલાં, આપેલો. બે પન્ને આ લેખ, “ઓપિનિયન”ના અૉગસ્ટ – સપ્ટેમ્બર 2000ના અંકોમાં, પથરાયો છે.

બટુક દેસાઈ જણાવે છે તેમ, … છઠ્ઠી એપ્રિલ 1930ના દિવસે મીઠાનો કાયદો તૂટ્યો. સત્યાગ્રહીઓની ધરપકડ થઈ. દાંડી કૂચમાં સામેલ જયંતી પારેખ, અન્ય સાથીદારો સમેત, આશ્રમવાસી મટીને જેલવાસી થયા. દરમિયાન, ગાંધી અર્વિન સંધિ થઈ. આ સંધિથી નાખુશ થયેલાઓ સમાજવાદ ને માર્ક્સવાદના વાચન અને ચર્ચા તરફ વળ્યા હતા. નવા વિચારો તરફ વળેલાઓમાં ગાંધીજીના પ્રિય શિષ્ય દિનકર મહેતાની સાથે સાથે હરિપ્રસાદ દેસાઈ, રણછોડ પટેલ, નીરૂ દેસાઈ, ઈશ્વરલાલ છોટુભાઈ દેસાઈ, રોહિત મહેતા, જીવણલાલ ચાંપાનેરિયા, કમળાશંકર પંડ્યા, ચંદ્રભાઈ ભટ્ટ, જયંતિ દલાલ, રતિલાલ તેલી, જીતેન્દ્ર મહેતા, બાબુ પટેલ વગેરે હતા. એમાંનાઓએ સમાજવાદી પક્ષની રચના કરી. આ પક્ષમાં ય બે પ્રવાહો હતા : એક, સમાજવાદ તરફી અને બીજો, માર્ક્સવાદ તરફી એટલે કે સામ્યવાદ તરફી હતો.

બટુકભાઈના મતે, જયંતી પારેખ જેવો સંવેદનશીલ અને આદર્શ યુવાન આ વૈચારિક મથામણથી અલિપ્ત ન રહી શકે તે સ્વાભાવિક છે. 1934ના આખરમાં જેલમાંથી છૂટ્યા પછી, એ દિનકરભાઈ મહેતાને મળે છે, વિચારવિમર્શ કરે છે અને પછી સમાજવાદી પક્ષમાં સામેલ થઈ જાય છે. એ જ દિવસોમાં ગૂજરાત વિદ્યાપીઠના એક વિદ્યાર્થી, ભોગીલાલ ગાંધી પણ પક્ષમાં સામેલ થયા. ત્યાર બાદ, દિનકર મહેતા, જયંતી પારેખ અને ભોગીલાલ ગાંધી ગેરકાયદેસર સામ્યવાદી પક્ષના સભ્ય બન્યા.

સમાજવાદીઓએ એ દિવસોમાં સમાજવાદી વિચારોનો પ્રચાર કરવા ‘નવી દુનિયા પ્રકાશન ગૃહ‘ શરૂ કર્યું હતું, તેમ બટુક દેસાઈએ લખ્યું છે. જયંતી પારેખ, અને ભોગીલાલ ગાંધી તથા ચંદ્રભાઈ ભટ્ટે આ જવાબદારી ઉપાડી લીધી. … ‘નવી દુનિયા’નાં કાનૂની પ્રકાશનો સાથે સાથે ગેરકાયદેસર સામ્યવાદી પક્ષનું પ્રચાર સાહિત્ય પણ છપાવીને વહેંચવા ને વેંચવાની જવાબદારી જયંતી પારેખે સંભાળી લીધી હતી. જયંતીભાઈએ પ્રકાશન સાથે કિસાન પ્રવૃત્તિ ઉપર પણ ધ્યાન આપવા માંડ્યું. દાહોદના આદિવાસી ભીલોમાં કિસાન પ્રવૃત્તિની જવાબદારી એણે ઉપાડી લીધી હતી.

સમાજવાદી જૂથે 1938માં “આઝાદ હિંદ” નામનું રાજકીય સાપ્તાહિક શરૂ કર્યું. ત્યારે તંત્રી ભોગીલાલ ગાંધી અને તંત્રીમંડળમાં દાક્તર સુમન્ત મહેતા, દિનકર મહેતા અને વજુભાઈ શુક્લ હતા. વ્યવસ્થાની જવાબદારી જયંતી પારેખને સોંપાઈ. 1937માં હરિપુરા કાઁગ્રેસ સમયે હાળીપ્રથાની નાબૂદી અને કિસાનોની માગણી માટે એકમોટું સરઘસ ઇન્દુલાલ યાજ્ઞિકની નેતાગીરી હેઠળ લઈ જવાયું હતું ત્યારે જયંતી પારેખે પણ તેમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો.

દિવંગત હિમ્મત ઝવેરીએ, “ઓપિનિયન”ના અૉક્ટોબર 2001ના અંકમાં, ભોગીલા ગાંધી માટે નોંધ્યું છે તેમ, ‘આ સૂકલલકડી શરીરવાળો માણસ કોઈ કમાલની શક્તિ ધરાવતો હતો. સતત કાર્યરત, સતત આગળ વધતો. સુભદ્રાબહેનનો સાથ પણ એક ઉલ્લેખનીય હકીકત હતી. કમ્યુિનસ્ટ આંદોલનનું “લોકયુદ્ધ” એમના સંપાદન હેઠળ ચલાવાતું હતું, ખેતવાડીના કમ્યુિનસ્ટ મુખ્યાલયમાંથી.’

અને આ મુખ્યાલય જયંતીભાઈ પારેખના નિવાસસ્થાનથી નજીક હતું. જયંતીભાઈ પણ આ કમ્યુનમાં, આ આંદોલનમાં, આ અને આવાં કામોમાં, તદ્દન સહજ, ભોગીભાઈ જોડે રહ્યા જ હોય.

જૂની ભટ્ટવાડીના એ આવાસમાં, ભોગીભાઈનું આવવાજવાનું નિયમિત રહેતું. દરેકને માટે ભોગીભાઈ પ્રીતિપાત્ર આદમી, પરંતુ મારા દાદાજી સસરા, નથ્થુભાઈ પારેખ, એ દિવસોમાં ભોગીભાઈથી કંઈક નારાજ રહેતા, કેમ કે તે દિવસોમાં, ભોગીભાઈ ગાંધી મહાત્મા ગાંધી વિશે ખૂબ અવળું બોલતા રહેતા ! ક્યારેક એ ભોગીભાઈને ‘ઉરાંગઉટાંગ’ કહી સંબોધી પણ લેતાં ! જ્યારે આ પારેખ પરિવાર તો ગાંધીજીના આશ્રમમાં સહકુટુંબ રહેતો. જયંતી પારેખ પણ એક રીતે ગાંધીજીના બડા ચાહક હતા. દાંડી યાત્રામાં પેલા 81માં એ પણ એક સિપાહી તરીકે સરીક હતા જ ને. … ખેર !

સન 1949ની અૉગસ્ટની 13મીએ સાબરમતી જેલમાં ગોળીબાર થતાં જયંતી પારેખ પણ હણાયા. − પારેખ પરિવાર પર જાણે કે વીજળી પડી !

હિમ્મત ઝવેરી લખતા હતા : ‘મને એમનો સંપર્ક એ ચાલિસીના દાયકાથી હતો. મારી બહેન, ચંદનબહેનના દિયર જયંતી પારેખ સક્રિય કમ્યુિનસ્ટ હતા, કિસાન આગેવાન હતા. તેમનું રણદિવે દિવસોમાં 1949માં સાબરમતી જેલમાં ગોળીબારમાં અવસાન થયું હતું. મોરારજીભાઈ દેસાઈના તે વખતના મુંબઈ રાજ્યમાંના ગૃહપ્રધાનપદ હેઠળ.

‘સમાજવાદી યુસૂફ મહેરઅલી એ વખતે મુંબઈ વિધાનસભામાં વિધાનસભ્ય હતા. બીમાર હતા. એમને મળવાનું થયું, તબિયતની ખબર કાઢવા. ત્યારે એ કહે કે આવા યુવાન કમ્યુિનસ્ટ કાર્યકરને સરકાર જેલમાં ગોળીબાર કરીને મારી નાખે ત્યારે ચૂપ કઈ રીતે રહી શકું ? “હરિરજનબંધુ”માં કિશોરલાલ મશરૂવાળાએ આ પ્રસંગ પરની નોંધમાં આવી મતલબનું જણાવ્યું હતું : ‘જે છોકરો ગાંધીજીના આશ્રમમાં ઉછર્યો હતો, એ આવા હિંસક વર્તનમાં સહભાગી કેવી રીતે થયો ?’ એ એક વિચારવા જેવો મુદ્દો છે.

‘જયંતીભાઈને કારણે ભોગીભાઈ, સુભદ્રાબહેન, રણછોડભાઈ પટેલ, શાંતાબહેન, કાન્તિભાઈ શાહ, તારાબહેન, દિનકરભાઈ મહેતા, નલિનીબહેન એ બધાં જયંતીભાઈના સાથી બિરાદરો મારી બહેનને ત્યાં એમના ઓપેરા હાઉસના ઘરમાં અવારનવાર આવતાં હતાં. અમે બેતાલીસ અૉગસ્ટવાળાઓ કમ્યુિનસ્ટોના રાજકારણના સખત વિરોધીઓ હતા, એમની ‘લોકયુદ્ધ’ની નીતિને કારણે. પરંતુ એ બિરાદરો એક વ્યક્તિ તરીકે ઘણાં હોંશિયાર, સાદા, નિ:સ્વાર્થી, બલિદાની વૃત્તિનાં હતાં. બેતાલીસ પહેલાંના આઝાદી આંદોલનમાં એઓ સહભાગી પણ હતાં. પરતું સોવિયેત રૂસને સંપૂર્ણ સમર્પિત હતા, રાષ્ટૃવાદને ભોગે. આજે એઓ પૂરા રાષ્ટૃવાદી છે.’

પરંતુ, જેમ જેમ દિવસો પસાર થતા ગયા તેમ તેમ ભોગીભાઈનો ય વિકાસ થતો ગયો. સમાજવાદ – માર્કસવાદથી ફંટાઈને તે ગાંધી અને સર્વોદયને મારગે જઈ બેઠા. હિમ્મત ઝવેરી કહેતા હતા તેમ ‘આઝાદી આંદોલનના એક આગેવાન તરીકે સાર્વજનિક જીવનની શરૂઆત કર્યા બાદ સત્તાતીત – પક્ષાતીત રાજકારણના એઓ સમર્થ પુરસ્કર્તા હતા. રાજાજીના સમર્થક પણ એઓ હતા અને આખરે લોકનાયક જયપ્રકાશજીની સંપૂર્ણ ક્રાંતિના વિચારને આગળ વધારનાર એક સમર્થ વિચારક હતા.’

એમની આ બધી જીવનસાધનાનાં સંગી એવાં સુભદ્રા ગાંધીનું પણ આપણે સ્મરણ કરીએ. એ પણ લેખિકા હતાં. એક ઉત્તમ અનુવાદક હતાં. જયંતી પારેખના મોટાભાઈ કાન્તિ પારેખ સાથે ય ભોગીભાઈને મૈત્રી હતી. સુભદ્રાબહેનને કાન્તિભાઈનાં પત્ની ચંદનબહેન જોડે સખીપણું હતું. પરિણામે, એ બન્નેને અમે અવારનવાર એ અોપેરા હાઉસના ઘરે આવતાંજતાં નિરખતાં.

પછી તો, 1975માં, કુંજ અને હું વિલાયત આવ્યાં. અહીં ઠરીઠામ થયાં. વચ્ચે એકાદ વાર વડોદરે જવાનું થયેલું ત્યારે, “ભૂમિપુત્ર”ના તત્કાલીન સંપાદક જગદીશભાઈ શાહ જોડે, ભોગીકાકાને મળવા જવાનું બનેલું. બન્ને દંપતીએ હૂંફાળી ઉષ્માથી સ્વાગત કરેલું, અને દીવાનખંડના એક થાંભલે જયંતી પારેખની મૂકી છબિ દર્શાવી જયંતીકાકાને દિલભેર સંભારી લીધેલાં.

ભોળાભાઈ કહે છે તેમ, એમની છાત્રાવસ્થાથી જીવનનાં અંતિમ વર્ષો સુધીના એમના જીવનપથનો વિચાર કરીએ તો લાગે કે ભોગીભાઈ એટલે એક વિલક્ષણ પ્રતિભા.

પાનબીડું :

                         તું તારા દિલનો દીવો થા ને ! ઓ રે ! ઓ રે ! ઓ ભાયા !

રખે કદી તું ઉછીનાં લેતો પારકાં તેજ ને છાયા;
એ રે ઉછીનાં ખૂટી જશે ને ઊડી જશે પડછાયા !
ઓ રે ! ઓ રે ઓ ભાયા ! તું.

કોડિયું તારું કાચી માટીનું, તેલ દિવેલ છુપાયાં;
નાની સળી અડી ન અડી પરગટશે રંગમાયા !
ઓ રે ! ઓ રે ઓ ભાયા ! તું.

આભના સૂરજ ચન્દ્ર ને તારા, મોટા મોટા તેજરાયા;
આતમનો તારો પ્રગટાવ દીવો, તું વિણ સર્વ પરાયા !
ઓ રે ! ઓ રે ઓ ભાયા ! તું.

                                                             − ભોગીલાલ ગાંધી ‘ઉપવાસી’

29 અૉક્ટોબર / 05 નવેમ્બર 2014

છબિ સૌજન્ય : "નિરીક્ષક", 01 જાન્યુઆરી 2011

e.mail : vipoolkalyani.opinion@btinternet.com

Loading

20 January 2017 admin
← ચાહવું એટલે?
ખેડૂત વેદના પદયાત્રા : જમીન, પાણી કે ઉપજ માટે ભૂમિપુત્રોની આપત્તિઓ અને આક્રોશને વાચા →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved