
રાજ ગોસ્વામી
“રામપાલની ગિરફ્તારીથી અમારી અંદર થોડુંક અંતર આવી જવું જોઈતું હતું. કદાચ જુનૂન થોડું ઓછું થઇ જતે. પણ એવું ન થયું. ઊલટાનું, અમારી ભક્તિ વધુ તેજ થઇ ગઈ – એક રીતે ઉન્માદી, આંધળી નિષ્ઠામાં બદલાયેલી. તેમની જેલ અમારા માટે નવું તીર્થ બની ગઈ. આશ્રમ જવાનું છૂટી ગયું – હવે અમે જેલમાં બંધ અમારા ગુરુની એક ઝલક મેળવવા માટે ત્રણ-ચાર કલાકનો પ્રવાસ કરતા હતા – બસ એક પળની ઝલક.
“અમે ક્યારે ય અદાલતની તારીખ ચૂકતાં નહતાં. હું સ્કૂલને ટાળતી હતી. મારાં પેરેન્ટ્સ કામમાંથી છુટ્ટી લેતાં હતાં. આ મુલાકાતો કરતાં કશું જ મહત્ત્વનું નહોતું. આ જ અમારી જિંદગી હતી. મારા માટે તો આ પ્રવાસો કોઈ રોમાંચની પરાકાષ્ઠા હતા. એનાથી આગળ મને કશું જોઈતું નહોતું. હું ન તો આ સાહસો સામે સવાલો કરતી હતી કે ન તો તેની બહાર અર્થ શોધતી હતી.
“અને એ વિશ્વાસમાં બધું જ ઉચિત નજર આવતું હતું. એક પરિવારના ત્રણ વયસ્ક, તેમની સનકમાં ડૂબેલાં, જેલો અને અદાલતોનાં ચક્કર લગાવી રહ્યાં હતાં – એક એવા માણસની પાછળ, જેની પર હત્યા અને હિંસા ભડકાવાના આરોપ હતા. અને હું પણ, પંદર વર્ષની ઉંમરમાં, એ જ બધું કરી રહી હતી.”
મૂળ દિલ્હીમાં જન્મેલી અને મોટી થયેલી તેમ જ દિલ્હી યુનિવર્સીટીમાં ઇંગ્લિશ સાહિત્ય અને સોશિયલ વર્કમાં ગ્રેજ્યુએટ થયેલી પ્રિયંવદા મેહરાના સંસ્મરણ The Cost of a Promised Afterlife(જૂઠા મોક્ષની કિંમત)નો આ એક અંશ છે. આ તેમનું પહેલું પુસ્તક છે, અને તે તેમના તેમ જ તેમના પરિવારની હરિયાણાના સંત રામપાલ મહારાજ પ્રત્યેની અંધભક્તિના અનુભવમાંથી આવેલું છે.
પ્રિયંવદા નવ વર્ષની હતી, ત્યારે તેનાં પેરન્ટ્સના પગલે રામપાલની ભક્તિમાં લીન થઇ હતી. તેની માતાને બ્રેઇન ટ્યુમર હતી, અને તેને ઠીક કરવાની આશામાં પેરન્ટ્સ બાબાના શરણમાં ગયાં હતાં. ધીમે ધીમે તે ભક્તિભાવ એક અંધારું પાંજરું બની ગયું અને આજ્ઞાપાલન સદ્દગુણ અને નિયંત્રણ.
તેર વર્ષની ઉંમર સુધીમાં પ્રિયંવદા પણ એક સમર્પિત અનુયાયી બની ગઈ. 2006માં, રામપાલના અનુયાયીઓ તેમ જ હરિફ સંપ્રદાયના લોકો વચ્ચે હિંસક અથડામણ થઇ, ત્યારે પ્રિયંવદા માનવ ઢાલ તરીકે આશ્રમની અંદર હતી.

આશ્રમમાં સવાલો પૂછવા પાપ હતું, વફાદારી ધર્મ હતો, અને અવજ્ઞા એવો અપરાધ, જેની ભારે કિંમત ચૂકવવી પડતી. ચમત્કારોનાં નામ પર ઘડાયેલી તર્કહીન વાતો, સારવાર પર પ્રતિબંધો, ડરથી ભરેલા ઉપદેશ – આમ બધાની વચ્ચે તે મોટી થઈ, અને પોતાના પરિવાર ધીરે ધીરે તૂટી જતો જોયો.
વીસ વર્ષ સુધી પ્રિયંવદા એ બે ખતરનાક દુનિયા વચ્ચે ભટકતી રહી – બંને પર પિતૃસત્તા, જાતિ, વર્ગ અને તેની સાથે આવતી અદૃશ્ય હિંસાનાં પડ ચઢેલાં હતાં. તે તેની માસૂમ ઉંમરમાં અંધભક્તિના આ આશ્રમમાં કેવી રીતે ભૂલી પડી ગઈ હતી અને એક સ્ત્રીના રૂપમાં તેની બહાર નીકળવા માટે કેવી લાંબી, એકલવાયી અને કડવી લડાઈ લડવી પડી તેની આ પુસ્તકમાં કહાની છે.
પ્રિયંવદા કહે છે કે ભારતમાં બાબાઓ દરેક જગ્યાએ છે. તેમના અવાજો ટેલિવિઝન સ્ક્રીન પર ગુંજતા હોય છે અને તેમનાં નામ પ્રાર્થનાઓ અને પૂજા બંનેમાં લેવાતાં હોય છે. પણ તેમના માટે ‘કલ્ટ’ શબ્દનો ઇસ્તેમાલ નથી થતો. આવી પાખંડી દુનિયા ત્યાં સુધી ગુમનામ રહે છે જ્યાં સુધી કોઈ કાંડ ન થાય, અને પછી તે પણ ખામોશીમાં દબાઈ જાય છે. આ ખામોશી જ અંધવિશ્વાસને પોષવામાં અને તર્કને ધ્વસ્ત થવા દેવાનો અવસર આપે છે.
ભારતમાં આ પ્રકારનું આ પહેલું પુસ્તક છે. પશ્ચિમમાં આવા કલ્ટ પર અનેક પુસ્તકો છે. આપણે ત્યાં તો તેને કલ્ટ પણ માનવા લોકો તૈયાર નથી હોતા. કલ્ટ એક એવો સમૂહ હોય છે જે બહારથી ભક્તિ, આધ્યાત્મિકતા અથવા ‘સાચા માર્ગ’નો દાવો કરે છે, પણ અંદરથી પોતાના અનુયાયીઓ પર માનસિક, ભાવનાત્મક અને ક્યારેક શારીરિક નિયંત્રણ સ્થાપિત કરે છે. તેના કેન્દ્રમાં હંમેશાં કોઈ કરિશ્માઈ લીડર હોય છે, જેના આદેશને અંતિમ સત્ય માનવામાં આવે છે.
સરળ ભાષામાં, કલ્ટ એટલે એવી જગ્યા છે જ્યાં પ્રશ્નો કરવાની કે સંદેહ કરવાની અનુમતિ નથી, અને તર્કની સામે વફાદારી મોટી બની જાય છે. દરેક ધાર્મિક કે આધ્યાત્મિક સંગઠન કલ્ટ નથી હોતું. કલ્ટ ત્યારે બને છે જ્યારે સમૂહ વ્યક્તિની સ્વતંત્રતા, વિચારવાની ક્ષમતા અને વિકલ્પ છીનવી લે છે.
કલ્ટ તેની પકડ પ્રેમથી શરૂ કરે છે. શરૂઆતમાં ત્યાં તમને એટલી આત્મીયતા, દરકાર અને ઉષ્મા મળે કે તમને એવું મહેસૂસ થવા લાગે કે તમને પહેલીવાર કોઈ સમજી રહ્યું છે. આ ભાવનાત્મક લગાવની મદદથી તેઓ ધીરે ધીરે તમારો વિસ્તાર નાનો કરવા લાગે છે – તમને તમારા પરિવાર, મિત્રો અને બહારની દુનિયાથી અલગ કરીને તમને એવો વિશ્વાસ અપાવે છે કે ‘બહાર તમારું કોઈ ભલું ચાહતું નથી અને કેવળ અમારી પાસે જ તમે સલામત છો.’
આવી રીતે દુનિયા સાથે તમારું અંતર આવી જાય, પછી આવે છે મુખ્ય હથિયાર – ડર. કલ્ટ તમને એવું ઠસાવી દે છે કે સવાલો કરવા પાપ છે, સમૂહને છોડવાથી બીમારી, દુર્ભાગ્ય અથવા બરબાદી આવશે અને બાબાથી દૂર રહેવાથી વિનાશ થશે. ડરની સાથે સાથે તે તમારી સમજદારીને પણ કમજોર કરે છે – તમને કોઈ સંદેહ થાય, તો તેઓ તમારામાં ખામી શોધે છે; ભ્રમ તમારા મનમાં છે, તમને ગેરસમજ થઇ છે અથવા તમારી હજુ શ્રદ્ધા ઓછી છે. ધીમે ધીમે તમે તમારી વિચારશક્તિ પરથી વિશ્વાસ ગુમાવી દો છો અને એ લોકો જે શીખવે તેને જ માનવા લાગો છો.
સાઉથ અમેરિકામાં, 30 વર્ષ પૂર્વે, ‘પીપલ્સ ટેમ્પલ’ નામના એક કલ્ટના વડા જીમ જોન્સનું સામ્રાજ્ય પતનના આરે હતું, ત્યારે એના 900 અનુયાયીઓએ આઘાતમાં આવીને સામૂહિક આત્મહત્યા કરી હતી, જેમાં 300 બાળકોને સાઇનાઇડ પિવડાવવામાં આવ્યું હતું. અમેરિકન ઇતિહાસનો આ સૌથી મોટો સામૂહિક આપઘાત છે. સંશોધકો કહે છે જીમ જોન્સ બુદ્ધિશાળી હતો અને સોશિયલ સાયકોલોજીનો અભ્યાસુ હતો. એણે જ્યોર્જ ઓરવેલની પ્રસિદ્ધ નવલકથા ‘નાઇન્ટીન એઇટીફોર’ વાંચીને અનુયાયીઓનાં મન કેવી રીતે વશમાં કરવાં એની તકનીક વિકસાવી હતી.
અડોલ્ફ હિટલરના યહૂદી નરસંહારને અંજામ આપવાનો જેના પર આરોપ છે તે નાઝી નેતા આઇકમેન પર 1961માં યુદ્ધકાલીન અપરાધો માટે ખટલો ચાલ્યો, ત્યારે તેણે બચાવમાં કહેલું કે મેં તો માત્ર આદેશોનું પાલન કર્યું છે. આના પરથી સ્ટેન્લી મિલીગ્રામ નામના સાયકોલોજિસ્ટને સવાલ થયેલો કે નૈતિક રીતે ઉચિત નથી તે જાણવા છતાં માણસ એવું અધમ કૃત્ય કરવા શા માટે તૈયાર થાય છે?
એના અભ્યાસમાં મિલીગ્રામે લખેલું, ‘કોઇપણ પ્રકારના વિરોધ કે સંઘર્ષ વગર ચૂપચાપ માથું નમાવીને કામ કરતા હોય એવા લોકોને કોઇક વિનાશકારી પ્રવૃત્તિમાં સામેલ કરવા આસાન છે. ખાસ કરીને, કામની વિનાશકતાનો ખ્યાલ હોય તો પણ, બહુ ઓછા લોકોમાં ઓથોરિટીનો પ્રતિરોધ કરવાનું સાહસ હોય છે.’
બહુમતી લોકોમાં સેલ્ફ-રિસ્પોન્સિબિલિટી (સ્વ-દાયીત્વ) હોતી નથી. પોતાની ભલાઈની જવાબદારી આશ્રમના ગુરુ કે દેશના તાનાશાહના હાથમાં મૂકવી એ બહુ સહજવૃત્તિ છે. સામાન્ય લોકો એમની રોજિંદી મુસીબતોમાં એટલા પરોવાયેલા હોય છે કે કોઇ ગુરુ કે કોઇ નેતા એમના કલ્યાણની જવાબદારી ઉપાડે તો લોકો હોંશે હોંશે એને ‘ભગવાન’ બનાવી દે છે. એક રામપાલ જેલમાં ગયો એનો મતલબ એમ નહીં કે બીજો ‘કૃષ્ણલાલ’ નહીં આવે. જ્યાં સુધી અનુયાયીઓ છે ત્યાં સુધી ધોળે દિવસે તારા દેખાડનારા ‘રહનુમા’ આવતા જ રહેવાના.
(પ્રગટ : ‘બ્રેકિંગ વ્યુઝ’, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 07 ડિસેમ્બર 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()

