Opinion Magazine
Number of visits: 9446693
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આર્થિક વિકાસ એટલે સ્વતંત્રતા? અમર્ત્ય સેનને પૂછો !

આશા બૂચ|Opinion - Opinion|13 May 2016

છેલ્લાં કેટલાંક વર્ષોથી, ભારત દેશ અને એમ જોઈએ તો અન્ય ઘણા કહેવાતા ત્રીજા વિશ્વના દેશો, વિકાસની હરણફાળ ભરવામાં પોતાના નાગરિકોના માનવ અધિકારો જાળવી નથી શકતા, એ વિષે જે તે દેશના જાગૃત કર્મશીલો અને વિચારકોના મનમાં ભારે અસંતોષ અને વ્યથા અનુભવાતા જણાય છે. ભૂતકાળના, વર્તમાનકાળના અને ભવિષ્યના વિકાસના પ્રભાવિક પરિબળોનાં મૂળ તપાસતાં જણાય છે કે જે સમાજમાં શિક્ષણ, આજીવિકા રળવાની તકો અને માનવ અધિકાર ભોગવવાની સમાન તકો હતી અને હજુ આજે પણ છે, તે દેશ અને સમાજ ઘણી દિશાઓમાં પ્રગતિ કરી શકે છે અને મોટે ભાગે અમન ચૈનથી જીવી શકે છે. એ હકીકત પ્રતિપાદિત કરે છે કે જે સમાજમાં આ ત્રણેય ક્ષેત્રોમાં અસમાનતા છે ત્યાં તેના ફલસ્વરૂપ અન્યાય, શોષણ અને તેમાંથી જન્મતી હિંસા જોવા મળે છે. આથી એમ માની શકાય કે આર્થિક અસમાનતા અનેક દુઃખોનું મૂળ ગણાવી શકાય. જો કે લાખ દુ:ખો કી એક દવા ગણીને માત્ર અર્થોપાર્જનથી તમામ મુશ્કેલીઓ દૂર થાય તેમ સમજવું અયોગ્ય થશે.

અમર્ત્ય સેનનું Development as Freedom વાંચતાં સતત પ્રતીતિ થતી રહી કે તેમણે આર્થિક વિકાસને માનવીય સ્વાતંત્ર્ય સાથે જોડીને વ્યક્તિ તથા દેશની પ્રગતિને મુલવવાની એક અનોખી દ્રષ્ટિ આપણને આપી છે, એટલું જ નહીં એમાં ક્યાંક ગાંધીની ટ્રસ્ટીશીપની વિચારધારાનાં ય અલપ ઝલપ દર્શન થાય છે. આ વિષે અમર્ત્ય સેનનો દ્રષ્ટિકોણ સમજીએ. એમની દલીલ એ છે કે કહેવાતા આર્થિક વૈભવ વચ્ચે ગરીબ અને ધનાઢ્ય દેશોમાં પણ લાખો લોકો અન્ય રીતે મુક્ત નથી તો આનું કારણ શું છે? તેઓ ગુલામ નથી છતાં તેમને મૂળભૂત સ્વતંત્રતા નથી અને આર્થિક કંગાલિયત, સામાજિક સુરક્ષાનો અભાવ, રાજકીય ક્રૂરતા અને સાંસ્કૃિતક સત્તાધારીઓની ચુંગાલમાં એક યા બીજી રીતે દબાયેલા રહે છે. વિકાસનું મુખ્ય ધ્યેય સ્વતંત્રતા સહુમાં પ્રસરે અને એના હજારો સુફળ બધાને ચાખવા મળે એ છે, માત્ર કેટલાક કે ઘણા લોકો પાસે નાણું આવે અને ખર્ચાય તેનાથી વિકાસ થયો શે કહેવાય?

ખરું જોતાં માનવીય મૂલ્યો તેમ જ સમાજને સુગઠિત રાખતી સંસ્થા અને સંગઠનો વ્યક્તિના વિકાસ અને વ્યક્તિગત સ્વતંત્રતા સાથે જોડાયેલાં છે. એવી અર્થ, રાજ્ય અને સમાજ વ્યવસ્થામાં ઉત્પાદન અને વ્યાપાર, રાજકીય પક્ષો, ન્યાયતંત્ર, કાનૂની વ્યવસ્થા અને સમાચાર માધ્યમો વ્યક્તિ સ્વાતંત્ર્યને મજબૂત બનાવીને તેના સર્વતોમુખી વિકાસમાં મદદ કરે જેને કારણે સામાજિક મૂલ્યો જાળવવામાં મદદ થાય. પણ આજે શું એવી અર્થ વ્યવસ્થા, શાસન તંત્ર કે સમાજ રચના જોવા મળે છે ખરી? વ્યક્તિગત હિતની જાળવણી અને સ્વાતંત્ર્યને ધ્યાનમાં લેવાથી જ આર્થિક વિકાસ થાય એ આપણે ભૂલી ગયાં છીએ એટલું જ નહીં પણ બહેતર દુનિયાની ચાદર આર્થિક વિકાસની સાથે સામાજિક ન્યાય અને માનવ અધિકારોના તાણા-વાણાથી જ વણી શકાય એનું જાણે ઓસાણ જ નથી રહ્યું, તેમ ભાસે છે અને દરેક માનવીનાં વ્યક્તિ સ્વાતંત્ર્યને એક બાજુ હડસેલી એક ઉદ્યોગપતિના સ્વાર્થને પોષતી અર્થવ્યવસ્થા ઊભી કરી.

ગૌરવ લેવા જેવી બાબત એ છે કે છેલ્લાં સો-બસો વર્ષમાં માણસો પાસેની સંપત્તિમાં અકલ્પનીય વધારો થયો. વળી 20મી સદીમાં લોકોની ભાગીદારી વાળી લોકશાહી શાસન પ્રણાલી પ્રચલિત થઈ. માનવ અધિકાર અને રાજકીય સ્વાતંત્ર્યનું મહત્ત્વ સ્વીકારાયું. માત્ર વેપાર-વાણિજ્ય અને સંદેશ વ્યવહારમાં જ નહીં, પણ એકબીજા સાથે વિચારો અને આદર્શોની અદલા બદલી કરીને સાથે મળીને કામ કરવાની બાબતમાં પણ દુનિયા નજીક આવી છે. છતાં શોષણ, નિરાધારપણું અને નિર્ધનતા પણ એટલી જ છે. આ એક સમજી ન શકાય તેવી વિકાસ યાત્રા છે. ઔદ્યોગિક ક્રાંતિ અને ટેકનોલોજીના અભૂતપૂર્વ વિકાસ પહેલાં અસંખ્ય પ્રશ્નો હતા, તેમાં નવા પ્રશ્નો ઉમેરાયા જેમ કે હઠીલી ગરીબી, ⅔ પ્રજાની મૂળભૂત જરૂરિયાતો પૂરી ન થવી, વારંવાર પડતા દુષ્કાળ અને વ્યાપક ભૂખમરો, રાજકીય સ્વાતંત્ર્ય અને મૂળભૂત માનવીય સ્વતંત્રતાનું થતું ખંડન, સ્ત્રીઓનાં હિતની અવગણના, વાતાવારણની જાળવણી પર ઊભો થયેલ ખતરો અને આર્થિક-સામાજિક જીવનના ટકાઉપણાનું નબળું પડતું પોત. મૂડીવાદી અર્થવ્યવસ્થા અને લોકશાહી શાસન પ્રણાલી પાસે પરતંત્રતાની નાબૂદી કરીને વિકાસનું બંધારણ થશે તેવી અપેક્ષા હતી જે સંપૂર્ણ પણે ફળીભૂત નથી થઈ શકી. આ બંને વ્યવસ્થા અપનાવવા પાછળ લોકોને એવી આશા હતી કે આર્થિક અને રાજકીય સ્વતંત્રતા એકબીજાને મજબૂત બનાવશે, નહીં કે એક બીજાની વિરોધી બનશે. સેન માને છે કે શિક્ષણ અને સ્વાસ્થ્યની જાળવણી માટેની સામાજિક તકો મળે તો સ્વસ્થ શરીર અને મન ધરાવતા શિક્ષિત પ્રજાજનોની આર્થિક અને રાજકીય ભાગીદારી શક્ય બને. આથી જ તો ગાંધીજીએ સ્વાતંત્ર્યની ચળવળ શરુ કરી તે પહેલાં ભારત ભ્રમણ કર્યું ત્યારે ખ્યાલ આવ્યો કે આર્થિક રીતે કંગાળ, સામાજિક રીતે વિચ્છિન્ન અને ધાર્મિક રીતે કૂપમંડૂક એવી પ્રજાના હાથમાં સ્વતંત્ર દેશની ધુરા સોંપી ન શકાય, એટલે જ તેમણે રચનાત્મક કાર્યક્રમ આપ્યો જે ગ્રામ્ય અને શહેરી લોકોના જીવનનાં તમામ પાસાંઓનો સમૂળો ઉદ્ધાર કરી પ્રજાને પોતાના દેશના વહીવટની ધુરા સંભાળવા પ્રતિબદ્ધ કરી શકે.

વિકાસ એટલે શું? અત્યારે આપણે રાષ્ટ્રની કુલ આવક, માથાદીઠ આવક, ઔદ્યોગીકરણ, ટેકનોલોજીની પ્રગતિ અને સામાજિક આધુનિકરણને વિકાસનો માપદંડ માનવાનો સંકુચિત વિચાર ધરાવીએ છીએ અને માનવ અધિકારની સ્વતંત્રતાને અવગણીએ છીએ. વ્યક્તિ કે દેશની આવક વધે એ વ્યક્તિ સ્વાતંત્ર્ય વધારવાનું સાધન જરૂર બની શકે, પણ તમામ પ્રકારની સ્વતંત્રતાનો આધાર શિક્ષણ અને સાર્વજનિક આરોગ્ય સેવાઓ ઉપર મહદ્દ અંશે રહે છે. વળી સામાજિક અને આર્થિક વ્યવસ્થાને સુદ્રઢ બનાવવા લોકોના રાજકીય અને નાગરિક અધિકારો જેવા કે જાહેર ચર્ચાઓમાં ભાગ લેવો અને નિર્ણયો લેવાની મુક્તિ પણ મહત્ત્વના છે. વિકાસ એવો હોવો જોઈએ કે જે અન્યાયના મુખ્ય સ્રોત દૂર કરે જેવા કે ગરીબી અને આપખુદી સમાજ તેમ જ શોષણ યુક્ત રાજ્યતંત્ર, અસમાન આર્થિક તકો અને રૂઢિગત સામાજિક અસમાનતા. જાહેર સેવાઓની અવગણના કરતી અને પ્રજાને દબાવમાં રાખતી સરકારોની અસહિષ્ણુતા એ બધું જ નાબૂદ થવું રહ્યું. જે સમાજમાં માનવીય મૂળભૂત અધિકારોનું રક્ષણ નથી થતું તેના નાગરિકોને ગરીબીનો ભોગ બનવું પડે જેનાથી ભૂખ સંતોષવાનો, પોષક આહાર મેળવવાનો, માંદગીમાં સારવાર મેળવવાનો, પૂરતાં કપડાં અને આવાસ મેળવવાનો અને પીવાલાયક પાણી તથા સ્વચ્છ અને આરોગ્યપ્રદ જીવન જીવવાનો અધિકાર છીનવાઈ જાય છે. એકવીસમી સદીના ભારતની માથાદીઠ આવક વધી હશે અને રાષ્ટ્રની કુલ આવક વધી હશે પણ તેના નાગરિકોના મૂળભૂત અધિકારોનું રક્ષણ થાય છે તેમ છાતી ઠોકીને કહી શકાય તેવું નથી.

કોઈ પણ દેશ અને સમાજ માટે વિકાસના બે મુખ્ય માપદંડ ગણાવી શકાય. એક મૂલ્યાત્મક, જેમાં લોકોની સ્વતંત્રતામાં વધારો થાય છે કે નહીં તે તપાસવું અને બીજો માપદંડ તેની અને અસરકારકતા, એટલે કે વિકાસને પરિણામે લોકોના સંગઠનો પરસ્પર સાથે અને વિકાસની તરાહ સાથે સુમેળ સાધી શક્યા છે કે નહીં તે જોવાનું રહે છે. ભારતના છેલ્લા અઢી દાયકા દરમ્યાન થયેલા વિકાસને કારણે લોક સ્વાતંત્ર્યમાં વધારો કે સામાજિક, રાજકીય અને ધાર્મિક સંગઠનો વચ્ચે સુમેળ વધ્યાનો પુરાવો કોણ આપી શકે તેમ છે? કોઈ પણ વાહનના દરેક પૈડાં સાથે ફરે તો જ ગતિ આવે અને ગંતવ્ય સ્થાન સુધી પહોંચાય તેમ આર્થિક વિકાસની જોડાજોડ સામાજિક સુધારણા અને ધાર્મિક ખ્યાલોમાં પરિવર્તન આવે તો જ આર્થિક વિકાસનો ખરો લાભ મળે. શાક કે દૂધ વેચવાવાળા ને મોબાઈલ ખરીદવાની નાણાકીય શક્તિ આવી છે પણ જ્ઞાતિ પ્રથાની પકડ હજુ મજબૂત છે, તેથી તેમને પોતાના ધંધામાં પોતાની માગ રજૂ કરવાની કે અધિકારોની માંગણી કરવાની છૂટ નથી હોતી. મજૂરોને લેબર માર્કેટમાં ભાગ લેવાની છૂટ ન આપવાનો અર્થ થાય એ મજૂરોને બંધુવા મઝદૂર તરીકે અને માલિકોના તાબામાં રાખવા. વિકાસનો લાભ દરેક સમૂહના લોકો સુધી પહોંચે એ માટે સમાજનો ટેકો મળવો જોઈએ અને સામાજિક ધારા-ધોરણો તથા રાજ્યના વહીવટી નિયમો એવા હોવા જોઈએ, જેનાથી પ્રજાનું જીવન ગરીબ બનવાને બદલે સુધરે.

અહીં અમર્ત્ય સેનનો એક અંગત અનુભવ જાણવો રસપ્રદ થશે. તેઓ દસ વર્ષના હતા ત્યારે સ્વતંત્રતા પહેલાના હિંદુ-મુસ્લિમ રમખાણો વખતે ઢાકામાં એમના ફળિયામાં કાદર મિયાં નામનો માણસ કે જેને પીઠમાં ચાકુ વાગેલું તે આવ્યો, જેને તેમણે પાણી પાયું અને બીજાને મદદ માટે બોલાવ્યા. તેમના પિતા કાદર મિયાંને હોસ્પિટલ લઈ ગયા જ્યાં તેનું મૃત્યુ નીપજ્યું. કાદર મિયાંની પત્નીએ તેમને આ સ્ફોટક પરિસ્થિતિમાં થોડાક રૂપિયા માટે હિંદુ વિસ્તારમાં મજૂરી કરવા ન જવા વિનવેલા, પણ પોતાની પત્ની અને બાળકોને શું ખવડાવે એ પ્રશ્ન હતો એટલે મોત વહોરીને એ આદમીને મજૂરી કરવા જવું પડ્યું. સેનને આ ઘટનાથી ખૂબ આઘાત લાગ્યો. તેમને માણસના ધર્મ અને નાત-જાત પર આધારિત ઓળખના આવા સાંકડા વિચારોનો કેવો બોજો લોકો પર હોય છે તે વિષે વિચાર આવ્યા. વળી એમ પણ લાગ્યું કે આર્થિક પરતંત્રતાને કારણે કારમી ગરીબીમાં ફસાયેલ માણસ બીજાની સ્વતંત્રતાના ભંગનો ભોગ બનીને જાન ગુમાવી બેઠો. કાદર મિયાંનું કુટુંબ સાવ નજીવી આવક માટે તરફડતું ન હોત તો આવી હિંસક જગ્યાએ તેને કામ કરવા જવું ન પડત. આ બનાવથી તેઓ એવા તારણ પર આવ્યા કે આર્થિક પરતંત્રતા સામાજિક પરાધીનતાને જન્મ આપે છે તેમ જ સામાજિક અને રાજકીય પરતંત્રતા આર્થિક પરાધીનતા પોષે છે. આજે એ ઘટનાને સાત દાયકાથી વધુ સમય વીતી ગયો છતાં, આપણાં સમાચાર માધ્યમો આવા અનેક કાદર મિયાંની કરુણ કથનીઓથી ભરપૂર હોય છે, એ શું બતાવે છે?

સેન પાંચ પ્રકારની સ્વતંત્રતા ગણાવે છે: રાજકીય, આર્થિક, સામાજિક, પારદર્શિકતાની ખાતરી અને સંરક્ષણની સલામતી. આ પાંચેય અધિકાર અને તક મળીને વ્યક્તિની સામાન્ય શક્તિઓનો વિકાસ સાધી શકાય. આ પાંચેય પ્રકારની સ્વતંત્રતા એ માત્ર વિકાસનું અંતિમ ધ્યેય નથી પણ વિકાસ માટેનું મુખ્ય સાધન પણ છે. વાણી સ્વાતંત્ર્ય અને મતાધિકાર જેવી રાજકીય સ્વતંત્રતા આર્થિક સ્વતંત્રતા લાવવામાં મદદરૂપ થાય, શિક્ષણ અને સ્વાસ્થ્ય મેળવવાની/જાળવવા જેવી સામાજિક તકને લીધે પણ આર્થિક બાબતોમાં ભાગીદાર થવાનું શક્ય બને. ઉત્પાદન અને વેપાર જેવી આર્થિક વ્યવસ્થામાં ભાગ લઈ શકવાની મુક્તિ મળવાને કારણે વ્યક્તિગત સમૃદ્ધિ વધે અને સામાજિક સંસાધનોમાં વધારો થાય, આમ દરેક પ્રકારની સ્વતંત્રતા એકબીજાને સબળ કરવામાં ભાગ ભજવે. આજની શાસન પદ્ધતિ અને સામાજિક અંધાધૂંધી વ્યક્તિનાં વાણી સ્વાતંત્ર્ય, શિક્ષણ અને સ્વાસ્થ્યની સેવાઓ મેળવવાના અધિકાર અને ઉત્પાદન તથા વ્યાપારમાં સક્રિય ભાગ લેવાનાં માનવીય મૂળભૂત અધિકારોનું ખંડન કરતી જણાય છે.

સ્વતંત્રતાની વ્યાખ્યા સમજવા ઈ.સ.પૂર્વે આઠમાં લખાયેલ બૃહદારણ્યકમાં મૈત્રેયી અને યાજ્ઞવલ્ક્ય વચ્ચે એક જ્ઞાન ચર્ચા થયેલી તે જાણીએ. વધુ ધનવાન કેમ બનવું અને અમરત્વ પ્રાપ્ત કરવા અને સુખી થવા તેમને જે જોઈએ છે તેમાં ધન કેટલું મદદરૂપ થઈ શકે તેની ચર્ચા થઈ. મૈત્રેયીએ પૂછ્યું, “દુનિયાની તમામ સંપત્તિ મળવાથી મને અમરત્વ પ્રાપ્ત થશે?” યાજ્ઞવલ્ક્યનો જવાબ હતો, “ના, તારું જીવન અન્ય ધનવાનો જેવું હશે, પણ અમરત્વ ધનથી નહીં મળે.” તેવે વખતે મૈત્રેયીએ ધનની બદલે અમરત્વ મળે તેવો ઉપાય સૂચવવાની માંગણી કરેલી. હિંદુ ધર્મ અને તત્ત્વજ્ઞાનમાં માનવીની સુખની ઈચ્છા અને સાધન તરીકે ભૌતિક સગવડોની મર્યાદા વિષે વારંવાર ઉલ્લેખ જોવા મળે છે. આ ચર્ચામાં આવક અને સિદ્ધિ, સાધન-સગવડ અને ઉત્પાદન શક્તિ અને નાણાકીય સંપત્તિ અને પોતાની ઈચ્છા પ્રમાણે જીવન જીવવાની શક્તિ વચ્ચે શું સંબંધ છે એ મુદ્દાનો સમાવેશ થયો છે. મૈત્રેયીનો સવાલ અમર્ત્ય થવાનો નહોતો પણ દીર્ઘ અને સ્વસ્થ જીવન જીવવાની શક્તિ કેળવવાનો હતો. વિકાસને સમજવા નાણાકીય બહુલતા અને જીવનની ગુણવત્તા વચ્ચેનો તાલમેલ સમજવો જરૂરી. આથી જ તો એરીસ્ટોટલે કહેલું, “ધનમાં એવું કંઈ સારું નથી કે જેની પાછળ આપણી શોધ ચાલે છે, એ તો કંઈક ઉત્તમ મેળવવાનું સાધન માત્ર છે.”  આવા ઉત્તમોત્તમ તત્ત્વજ્ઞાનના વારસદાર હોવા છતાં ભારતીય પ્રજા જાણે આજે માત્ર નાણાં મેળવવા અને સંગ્રહ કરી ચોરી છુપીથી અન્યત્ર સંતાડીને માલેતુજાર બનવાને જ પોતાના જીવનનું લક્ષ્ય માની બેઠી છે. એના જેવી બીજી કરુણતા કઈ?

ધન પ્રાપ્તિની ઈચ્છા મૂળે દોષિત છે તેમ કહેવાનો આશય નથી, પરંતુ વધુ ધન મેળવવાની ઈચ્છા ધરાવનારે પૂછવું રહ્યું, વધુ ધન મેળવવા માટે કયાં કારણો છે, એ કેવી રીતે કામ આવશે,  કયાંં સાધનોથી ધન મળશે અને આપણે તેનો શો ઉપયોગ કરીશું? સામાન્ય રીતે આપણી કલ્પનાનું જીવન જીવવા માટે ધન પ્રાપ્તિ સગવડ કરી આપે છે, છૂટ આપે છે અને તેથી વધુ કમાણીની ઈચ્છા રહે તે વ્યાજબી છે. નાણાંનું મૂલ્ય તેનાથી કેટલી વસ્તુઓ, સુવિધાઓ અને સ્વતંત્રતા મેળવી શકાય તેમાં છે. દેશના વિકાસને તેમાં રહેતા તમામ માનવોના જીવનની ગુણવત્તા સુધરે અને તમામ પ્રકારની સ્વતંત્રતા વધે તેની સાથે નિસ્બત હોવી જોઈએ. જો આ માપદંડ સ્વીકારીએ તો આજના યુગના ભારતના વિકાસને ફરીથી મૂલવવો રહ્યો.

દુષ્કાળ, અપૂરતું પોષણ, સારવાર અને આરોગ્ય સેવા અને પીવાનાં પાણીનો અભાવ વગેરે પરતંત્રતામાંથી જન્મે છે જેને કારણે આજે પણ દુનિયાની મોટાભાગની પ્રજા અકાળે મૃત્યુ અને માંદગીનો ભોગ બને છે. ધનિક દેશોમાં પણ પછાત લોકોને હેલ્થ કેર ન મળે, ઉપયોગી શિક્ષણ સુલભ ન હોય, જીવન ધારક વ્યવસાય ન મળે કે આર્થિક અને સામાજિક સલામતી ન હોય તેવું બને છે. હાલમાં જ મહારાષ્ટ્રમાં દુષ્કાળની પરિસ્થિતિ માટે માનવ સર્જિત કારણો અંગે તપાસ થઈ રહી છે. એવા લોકોની આયુષ્ય મર્યાદા ગરીબ દેશના લોકો કરતાં વધુ નથી હોતી. અધૂરામાં પૂરું સ્ત્રી-પુરુષ વચ્ચેની અસમાનતાને કારણે સ્ત્રીઓ અકાળે મૃત્યુ અને રોગ અથવા માંદગીનો ભોગ બને જેથી તેનાં બાળકો અને છેવટે પુરુષોનું સ્વાસ્થ્ય પણ જોખમાય. દુ:ખદ બીના તો એ છે કે કેટલાક દેશોમાં રાજકીય સ્વતંત્રતા અને નાગરિક અધિકારો પધ્ધતિસર ઝૂંટવી લેવામાં આવે છે. જો ભારત દેશની સાંપ્રત અને આવનારી સરકારો ચેતશે નહીં તો તેમને માટે પણ આ દિવસ દૂર નહીં રહે. સમગ્ર દેશની પ્રગતિ માટે જનતાનો અવાજ રૂંધી નાખવો એને ન્યાયી નીતિ માનવામાં આવે છે. જનતાનું હિત આખા દેશની પ્રગતિ વિરુદ્ધ હોય છે તેનો કોઈ પુરાવો નથી, ઉલટાનું મૈત્રીપૂર્ણ આર્થિક વ્યવસ્થા વ્યક્તિ અને સમગ્ર દેશના વિકાસમાં મદદરૂપ થાય નહીં કે દમનકારી રાજ્ય વ્યવસ્થા એમ સાબિત થયું છે. લોકશાહી શાસન ધરાવતા દેશોમાં દુષ્કાળ નથી પડ્યા કેમ કે રાજ્યકર્તાઓને ચૂંટાઈ આવવું હોય તેથી પ્રજાના હિતનો ખ્યાલ કરવો પડે જે આપખુદ સત્તાધારીઓ, લશ્કરી શાસન અને સામ્રાજ્ય વાદીઓ ન કરે. તો આજની સરકાર પોતે લોકશાહીના મૂલ્યોનો અમલ કરનારી છે કે આપખુદ અને દમનકારી છે તે તપાસવાનો સમય આવી ગયો છે. રાજકીય સ્વતંત્રતા અને નાગરિક અધિકારો માત્ર આર્થિક વિકાસ માટે જ નહીં પણ જીવન જીવવા માટે અને જાહેર જીવનમાં સક્રિય ભાગ લેવા માટે અતિ જરૂરી છે જેનો અસ્વીકાર કરવો એ લોકોનું દમન કરવા બરાબર છે. વિકાસમાં માનવ અધિકારના ફાળા વિષે વિચાર કરો તો આ બંને સ્વતંત્રતા વિકાસના સાધન અને ધ્યેય તરીકે અત્યંત મહત્ત્વની છે.

આ ‘સ્વતંત્રતા’ શબ્દ વધુ પડતા પ્રમાણમાં અને સર્વસાધારણ અર્થમાં વપરાતો શબ્દ છે, પણ અહીં એમ સમજવું રહ્યું કે તમામ પ્રકારની સ્વતંત્રતા એ જ ટકાઉ વિકાસનો મૂળ પાયો છે. માટે વ્યક્તિની મૂળભૂત શક્તિઓનો વિકાસ થાય જેથી એ પોતાને જેનું મૂલ્ય છે તે પ્રકારનું જીવન જીવી શકે તેના પર ભાર મુકવો જોઈએ. વ્યક્તિગત capabilities – શક્તિ જાહેર નીતિથી  સુધરે, પણ જાહેર નીતિ લોકશક્તિની ભાગીદારીના અસરકારક ઉપયોગથી ઘડાય એટલે એ પારસ્પરિક સંબંધ ધરાવતી બાબતો પર ધ્યાન આપવું રહ્યું. સમાજની સફળતાનો માપદંડ તેના સભ્યો કેટલી સ્વતંત્રતા ભોગવે છે તેના પર છે. વધુ સ્વતંત્રતા મળવાથી માણસ પોતાની જાતને ઊંચે ઉઠાવી શકે એટલું જ નહીં પણ દુનિયામાં બીજાને પણ મદદ કરી શકે અને તેથી જ સ્વતંત્રતા એ વિકાસ માટે કેન્દ્રસ્થાને છે આ અવિચલ સિદ્ધાંત મોટા મોટા અર્થશાસ્ત્રીઓ, રાજકારણીઓ કે નીતિના ઘડવૈયાઓ જાણતા હોવા છતાં તેની અવગણના કરીને પ્રજાહિતને જોખમાવે તેવી યોજનાઓ ઘડે છે, જેથી કરીને ઉપર ઉપરથી દેખાતો આર્થિક વિકાસ માનવ જીવનને ઉર્ધ્વ કરે તેવો પ્રગતિશીલ સાબિત નથી થયો.

સામાન્ય સમજણ પ્રમાણે નાણાંનો અભાવ એટલે ગરીબી એવું સમીકરણ અપાય છે. ગરીબી એ માત્ર ઓછી આવક નહીં પણ મૂળભૂત શક્તિના અભાવ તરીકે પણ જોવી જોઈએ. પાયાના મૂળભૂત અધિકારો ન હોવાને પરિણામે અકાળ મૃત્યુનું ઊંચું પ્રમાણ, ખાસ કરીને બાળકોમાં કુપોષણ, જીવલેણ બીમારીઓ, વ્યાપક નિરક્ષરતા અને બીજાં દૂષણોમાં ગરીબી દેખાય છે. યુરોપના દેશોમાં બેકારી ભથ્થું અપાય છે જેનાથી ભૂખમરો ટળે પણ વ્યક્તિગત સ્વતંત્રતા અને કુશળતાનો નાશ થાય છે. બેકારીને કારણે સામાજિક જુદાઈ આવે જેને પરિણામે સ્વનિર્ભરતા, સ્વમાન, આત્મવિશ્વાસ ખંડિત થાય અને શારીરિક-માનસિક બીમારીઓ વધે. આથી જ તો સામાજિક વ્યવસ્થા એવી હોવી જોઈએ કે જે વ્યક્તિગત સ્વતંત્રતા વધારે અને સામે પક્ષે વ્યક્તિગત સ્વતંત્રતાનો ઉપયોગ માત્ર પોતાની જ નહીં પણ પૂરી સામાજિક વ્યવસ્થાને વધુ સુયોગ્ય અને અસરકારક બનાવવામાં થાય.જે સમાજ જ્ઞાતિ, વર્ણ, લિંગ અને બીજી અનેક વિભિન્નતાઓને આધારે ભેદભાવવાળું વલણ ધરાવનારો હોય ત્યાં વ્યક્તિગત સ્વતંત્રતાનું ખંડન શતવિધ રીતે થતું હોય છે.

અમર્ત્ય સેનના કહેવા મુજબ વિકાસ સાધવા માટે પરંપરા, સંસ્કૃિત અને લોકશાહી પરસ્પર વિરોધી પરિબળ બનવા ન જોઈએ. ભારતની વર્તમાન તરાહની આર્થિક પ્રગતિ દેશ માટે હાનિકારક છે કેમ કે એ તેની પરંપરા અને સાંસ્કૃિતક વારસાનો નાશ કરે છે એમ માનવામાં આવે છે. ગરીબ રહીને પરંપરાવાદી રહેવા કરતાં ધનિક થઈને સુખી થવું વધુ મહત્ત્વનું છે એવી દલીલ કરવામાં આવે છે. કેટલીક આર્થિક અને સામાજિક પ્રગતિ સાધવા અમુક પારંપરિક રિવાજો જતા કરવા પડે તેમ છે એવો પ્રશ્ન સામે આવે ત્યારે વ્યક્તિ અને પ્રજાએ પરિસ્થિતિને સમજીને નિર્ણય લેવાનો રહે. ભયંકર ગરીબી અને ટૂંકી આયુષ્ય મર્યાદાના વિષચક્રમાંથી નીકળવા જો પારંપરિક જીવન પ્રથા છોડવી પડે તો જે લોકોને એ સીધી રીતે અસરકર્તા છે તેમને એ વિષે નિર્ણય કરવાનો અવકાશ અને તક હોવા જોઈએ. સાચી કે મનઘડંત ધાર્મિક કે અન્ય પરંપરાઓ લોકોએ ફરજિયાત પણે પાળવી જોઈએ કે લોકોને એ પરંપરાઓ પાળવી જરૂરી લાગે છે કે નહીં તે નક્કી કરવાનો અધિકાર હોવો જોઈએ એ ખરો ઝઘડાનો વિષય છે. વિકાસ એટલે વ્યક્તિગત સ્વતંત્રતા માટે આ દ્રષ્ટિકોણ મહત્ત્વનો છે. ધાર્મિક, રાજકીય કે સામાજિક સત્તાધારીઓને પરંપરાની જાળવણી માટે આધુનિકતાનું ગળું ઘૂંટી દેવાનો કોઈ અધિકાર નથી. પોતાને શું મેળવવું છે અને કયાં કારણોસર એ ધ્યેય પ્રાપ્ત કરવું છે તે માત્ર બંધ બારણે વ્યક્તિગત રીતે વિચારવાની બાબત નથી પણ જાહેરમાં તેની ચર્ચા થવી આવશ્યક છે અને તેમાં ધાર્મિક fundamentalism, રાજકીય નિયમો કે કહેવાતા એશિયન મૂલ્યોને સાચવવા માટે કોઈ દબાણ આડખીલી રૂપ ન બનવું જોઈએ. પોતાના જીવનને લગતી બાબતોનો નિર્ણય લેવા ભાગ લેવા માટે શિક્ષણ અને જ્ઞાનની જરૂર પડે એટલે સ્ત્રીઓ અને બાળકોને તેનાથી વંચિત રાખવાં એ તેમની સ્વતંત્રતા હણી લેવા બરાબર છે. આજે એક તરફથી આધુનિક જીવન પદ્ધતિ તરફ હરણફાળ ભરી રહેલું ભારત બીજી તરફથી અતિ સંકુચિત પારંપરિક મનોદશામાં પરોવાઈને સંસ્કૃિતના રક્ષણ માટે ગરીબ, વંચિત અને પછાત જ્ઞાતિ-જાતિના લોકોને તેમના ભાવિ વિષે સ્વત્રંત્ર રીતે નિર્ણય લઈને જીવન જીવવાનો અધિકાર છીનવી લેનાર દેશ બની રહ્યો છે એ સ્પષ્ટ દેખાય છે.

સેનના મતે રાજકીય સ્વતંત્રતા, આર્થિક સવલતો, સામાજિક તકો, પારદાર્શિકતાની ખાતરી અને સુરક્ષા; આ પાંચેય પ્રકારની સ્વત્રંત્રતા વિકાસ માટે મહત્ત્વનાં સાધન રૂપ છે અને સાધ્ય પણ છે કેમ કે તેનાથી માનવી પોતાને જે રીતે જીવવું હોય તેની સ્વતંત્રતા મેળવે છે એટલું જ નહીં પણ આ પાંચેય પ્રકારની સ્વતંત્રતા પરસ્પરાધારિત છે. મતાધિકાર, વાણી અને પ્રેસની સ્વતંત્રતા અને કાયદા ઘડવા તથા પાળવા માટેના નિર્ણયમાં ભાગ લેવાની સ્વતંત્રતા એ રાજકીય સ્વતંત્રતા છે. પોતાને પ્રાપ્ત સંસાધનોનો ઉત્પાદન કરવામાં, ખરીદી અને વેપાર કરવાની નિર્ણય કરવાની શક્તિની મુક્તિ એ આર્થિક સ્વતંત્રતા છે. આજનું ભારતનું અર્થતંત્ર આવી સ્વતંત્રતા પૂરી પાડે છે તેમ કહી ન શકાય. દેશની કુલ સંપત્તિની ન્યાયી વહેંચણી વ્યક્તિગત સ્વતંત્રતાને અસર કરે. શિક્ષણ અને હેલ્થ કેર મેળવવાની સ્વતંત્રતાથી માત્ર આયુષ્ય મર્યાદા અને તંદુરસ્તી વધે એટલું જ પૂરતું નથી, પણ તેથી આર્થિક અને રાજકીય પ્રવૃત્તિઓ અને નિર્ણય લેવાની શક્તિમાં પણ વધારો થાય. વિચારોની મુક્ત આપ-લે અને માહિતી મેળવવાના અધિકારને પરિણામે લાંચ-રુશ્વત રોકવામાં, આર્થિક બેજવાબદારી ભર્યું વર્તન કરવામાં અને ગેરકાયદેસરની લેવડ-દેવડ રોકવામાં માલના ઉત્પાદકો તેમ જ વિતરણ કરનારા મદદરૂપ થાય. વિકસતી આર્થિક અર્થવ્યવસ્થામાં પણ સમાજનો કેટલોક ભાગ ભૂખમરો અને મૃત્યુના ચક્કરમાં ફસાઈ ન જાય તે માટે તેમના મૂળભૂત અધિકારોના રક્ષણ માટે સલામતીની વ્યવસ્થા હોવી અત્યંત જરૂરી છે, જે આજે જોવા નથી મળતું.

જમાનાઓથી ચીન અને ભારત વચ્ચે જેમ આર્થિક અને સાંસ્કૃિતક લેવડ-દેવડ થતી આવી છે તેમ અનેક ક્ષેત્રોમાં સ્પર્ધા પણ ચાલતી રહી છે. ચીનમાં 1979 અને ભારતમાં 1991થી મુક્ત બજારની હવા ફેલાઈ તેમાં ચીન ભારત કરતાં આગળ નીકળી ગયું તેનું કારણ એ છે કે એ દેશમાં પ્રાથમિક અને ઉચ્ચ શિક્ષણનો ફેલાવો અને વ્યાપક આરોગ્ય સેવાની ઉપલબ્ધિ પહેલાં પ્રાપ્ત હતી. અર્ધ શિક્ષિત અને માંદલી પ્રજા આર્થિક વિકાસમાં કેવો ફાળો આપી શકે? એ પોતાનું કે સમગ્ર દેશનું કલ્યાણ કેમ સાધી શકે એ ભારતે ન વિચાર્યું. આપણે માત્ર નાણાકીય બહુલતાને પ્રાધાન્ય આપ્યું. જ્યારે બીજી બાજુ ચીનના નાગરિકોને લોકશાહી અધિકારો ન હોવાને કારણે અર્થકારણની નીતિઓમાં નિર્ણયાત્મક ભાગ લેવાની મુક્તિ નહોતી, પરિણામે 1958-61માં ભયાનક દુષ્કાળનો ભોગ બનવું પડ્યું, જ્યારે ભારતીય નાગરિકો 1947માં સ્વતંત્રતા મળી પછી દુષ્કાળનો ભોગ નથી બન્યા એ ભારતની લોકશાહી શાસન વ્યવસ્થાની એક ઉજળી બાજુ છે. આથી લોકશાહીના પરિપાક રૂપે મળતી નાગરિક સ્વતંત્રતાને છોડ્યા વિના સરકાર પોતે શિક્ષણ અને આરોગ્ય સેવા પ્રજાના દરેક સમૂહ માટે ઉપલબ્ધ કરે અને ખાનગી ક્ષેત્રોના હાથમાં સોંપી ન દે તો હજુ પણ ભારત ચીન તો શું દુનિયાના અનેક ધનાઢ્ય દેશો કરતાં વધુ ટકાઉ પ્રગતિ કરી બતાવે તેમ છે.

સમગ્ર દેશની આર્થિક સંપત્તિ વધે પણ સામાજિક અસમાનતાને કારણે દેશની મોટા ભાગની વસતીની માથાદીઠ આવક, સ્વાસ્થ્ય અને જીવનની ગુણવત્તાનું ધોરણ ન સુધરે અને ગરીબ-તવંગરનો ભેદ વધતો જાય એવો તાલ અત્યારે જોવા મળે છે. દેશની અર્થ વ્યવસ્થાના વિકાસમાં ફાળો આપે નીચલી જ્ઞાતિના અને ગરીબ લોકો, પણ એનાં ફળ ચાખે મુઠ્ઠીભર ઉચ્ચ જ્ઞાતિના ધનિક લોકો, એવું ક્યાં સુધી નભશે, ભલા? વ્યક્તિ સ્વાતંત્ર્યને સાધન અને સાધ્ય તરીકે મધ્યમાં રાખીને વિકાસ કરવાના દ્રષ્ટિકોણ કેળવવા પ્રજા સક્રિય રીતે ભાગીદાર બને, તેને પોતાના ભવિષ્યને આકાર આપવા તમામ પ્રકારની સ્વતંત્રતા અપાય અને યુક્તિપૂર્વકના આયોજનનાં ફળ નિષ્ક્રિય રીતે ભોગાવનાર નહીં પણ સમગ્ર વિકાસ યોજનાના મહત્ત્વના યોગદાન કરનાર તરીકે નાગરિકોને જોવામાં આવે એ જરૂરી છે. જે આપણે સ્વતંત્રતા મળ્યા બાદ તરત કરવું જોઈતું હતું તે ત્યારના અત્યંત અનુભવી, લોક હિતને ધ્યાનમાં રાખવા શક્તિમાન એવા રાજકારણીઓએ ન કર્યું તો જેમને પોતાના ક્ષેત્ર વિષે પૂરતું જ્ઞાન નથી, વહીવટની સૂઝ સમજણ નથી એવા ભ્રષ્ટ ‘નેતા’ બની બેઠેલા રાજકારણીઓ આવું ભગીરથ કામ કરી શકે એવી કલ્પના પણ કેમ થાય?

સ્વતંત્રતા અને ન્યાયનો પાયો શામાં છે? સહુથી વધુ ગરીબ, વધુ દુ:ખી અને અપંગ એ ત્રણમાંથી કોને નોકરી આપવી ન્યાયી ગણાય એ ચર્ચાસ્પદ છે. આ ત્રણમાંથી એકને પસંદ કરવાથી કાં તો વ્યક્તિને ન્યાય થાય અને કાં રાજ્યને. આજે પહેલા બે વર્ગના લોકો પર ધ્યાન અપાય છે, પણ ત્રીજાની અવજ્ઞા થાય છે. જો માત્ર એક વર્ગની સ્થિતિ વિષે જાણકારી હોય તો તેને કામ આપવું વ્યાજબી ઠરાવી શકાય, પણ ત્રણેય વર્ગની જાણકારી હોય ત્યારે પસંદગી વસ્તુલક્ષી બની જાય. જે સમાજમાં લોકો દુ:ખી હોય તે અન્યાયી સમાજવ્યવસ્થા ગણાય. સુખ અને ઈચ્છાઓની પૂર્તિ માપવી અઘરી છે. ખાનગી મિલકતની માલિકીને કારણે આર્થિક પ્રગતિ ઘણી ઝડપી થઈ છે અને સમૃદ્ધિ વધી છે તો બીજી બાજુ તેના નિરંકુશ માલિકીપણાને કારણે અપંગ, વૃદ્ધ, બીમાર અને સામાજિક-આર્થિક રીતે પછાત લોકો માટે ભયાનક ગરીબીનું કારણ બની રહી છે. ઉપયોગિતાવાદની મર્યાદા એ છે કે તે સુખની સમાન વહેંચણીને અવગણે છે, જેટલા વધુ સંખ્યાના લોકોને વધુ મિલકત મળે તેટલા વધુ લોકો સુખી કહેવાય એટલે તેમનો હેતુ સરે. એ વિચારધારામાં વ્યક્તિના અધિકારો કે સ્વતંત્રતાને મહત્ત્વ નથી આપતું જેથી કરીને નીચલી જ્ઞાતિ અને વર્ગના લોકો, ઓછી આવક પર જીવતા, ગૃહિણીઓ અને અન્ય અભાવ અને ગેરલાભ વચ્ચે જીવનારા સમૂહોને ઘણો અન્યાય થાય. આથી જ તો નાના મોટા શહેરોમાં સ્કુટર પર સવારી કરતાં લાખો યુવાનો યુવતીઓ અતિ આધુનિક ગેજેટ્સ લઈને ફરતાં હોય છે અને બાજુમાં ગટર પર બેસી ભજિયાં તળીને ગુજરાન કરનાર ફૂટપાથ પર સૂતેલા જોવા મળે છે.

આપણે નાણાંકીય આવક અને સગવડતાઓને ભૌતિક સુખ અને સ્વાસ્થ્યનો માપદંડ ગણીએ છીએ. પરંતુ કમ્પ્યુટર કે મોટર કાર જેવા સાધનોથી વૃદ્ધ, બિમાર, અપંગ કે અન્ય બાબતોને કારણે અસ્વસ્થ રહેનારને સુખ આપી શકાય ખરું? અપૂરતી આવક એટલે ગરીબી એવો ખ્યાલ પ્રચલિત છે અને ખરે જ ઓછી કે વધુ આવક જ આપણે શું કરીએ કે ન કરી શકીએ તે નક્કી કરે છે. અપૂરતી આવક એ બધા પ્રકારના અભાવનું કારણ છે જેને આપણે ગરીબી, ભૂખમરો અને દુષ્કાળ એવું નામ આપીએ છીએ. ગરીબીને સમજવા આવક અને તેની વહેંચણીની વ્યવસ્થાનો અભ્યાસ કરવો રહ્યો. છેલ્લા ત્રણેક દાયકા દરમ્યાન ભરતમાં સરેરાશ આવકમાં વધારો થયો છે, છતાં એ મિલકતની સમાન વહેંચણી ન થતી હોવાને કારણે તેનો સંચય માર્યાદિત સંખ્યાના લોકોના હાથમાં થવાથી ખરો વિકાસ સાધી નથી શકાયો. ગરીબી અને કામ કરવાની શક્તિના અભાવને ગાઢો સંબંધ છે. ગરીબી એ માત્ર નાણાકીય આવકના અભાવ રૂપે જ નહીં પણ કામ કરવાની શક્તિ અને બીજા પ્રકારની તક અને સ્વતંત્રતાઓના અભાવ તરીકે મુલવવી જોઈએ. દરેક વ્યક્તિ, કુટુંબ અને સમાજમાં ઓછી આવક અને કામ કરવાની શક્તિના અભાવ વચ્ચેનો સંબંધ અલગ અલગ હોય છે જેમ કે ઉંમર, સ્ત્રી-પુરુષના સામાજિક સ્થાનના ધારા ધોરણો, દેશ કે દુનિયામાં કયા સ્થળે રહો છો, માંદગી, શહેરોમાં પ્રવર્તતી હિંસા અને અસલામતીનું વાતાવરણ, રોગચાળાનો ફેલાવો વગેરે. એવા સંયોગોમાં લોકોને આવકથી વંચિત રાખવામાં આવે છે અને જે કંઈ આવક થાય તેનો ઉપભોગ કરવાની સગવડ નથી મેળવી શકતા. અહીં એ સ્વીકારવું રહ્યું કે કામ કરવાની શક્તિમાં વધારો થાય તો વ્યક્તિની ઉત્પાદન શક્તિ અને પરિણામે તેની આવકમાં અને સ્વાસ્થ્યમાં વધારો અને સુધારો થાય. પ્રાથમિક શિક્ષણ અને સ્વાસ્થ્યમાં સુધારો થવાથી માણસના જીવનની ગુણવત્તામાં સીધો સુધારો થાય એટલું જ નહીં પણ એને પરિણામે આવક વધારો કરી શકે અને નાણાકીય ગરીબીમાંથી મુક્તિ મેળવી શકે. સેન અને Jean Drezeનાં પુસ્તકમાં એમણે કહ્યું છે કે ભારતમાં 1990 પછી મુક્ત બજારની નીતિને કારણે આર્થિક વિકાસ થયો છે પરંતુ સામાજિક માળખું તેની સાથે પરિવર્તન નથી પામ્યું, તેથી આ કહેવાતો વિકાસ જોઈએ તેવો બહોળા સમાજને ફાયદાકારક નથી નીવડી શક્યો. જ્યારે જપાન, દક્ષિણ કોરિયા, હોંગ કોંગ, સિંગાપોર, તાઈવાન, ચીન, અને થાઈલેન્ડ જેવા દેશોએ અર્થ વ્યવસ્થાને પૂરક એવી સમાજ વ્યવસ્થા વિકસાવીને દેશના આર્થિક વિકાસને અસરકારક રીતે પ્રસરાવવામાં સફળતા મેળવી છે. અહીં કહેવાનો મતલબ એ નથી કે ત્યાં આર્થિક અસમાનતા બિલકુલ નથી, પણ એ માત્ર સામાજિક કારણો સર નથી. શિક્ષણ, સ્વાસ્થ્ય અને જમીન સુધારણાને જ્યાં અગ્રતાક્રમ અપાયો છે, એવા કેરાલામાં માનવીય વિકાસ જેટલો થયો છે તેટલો એ બાબતમાં પછાત એવા બિહાર, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં જોવા નથી મળતો.

આખર આપણે વાત કરીએ છીએ અસમાનતાની, તો એ અસમાનતા શાની? અસમાનતા લોકોને બરોબરીથી વંચિત રાખે તેને કહેવી કે અન્યાયી વ્યવસ્થાને કહેવી? વળી સામાજ વ્યવસ્થામાં જડ થઈ ગયેલી અસમાનતાને સહેલાઈથી અવગણી ન શકાય. ભયાનક અસમાનતા એ સમાજ માટે આકર્ષક નથી એટલું જ નહીં એ કેટલેક અંશે ક્રૂર છે, તેનાથી સામાજિક એખલાસને લૂણો લાગે અને તેનાથી વિકાસની શક્તિ રૂંધાય. આવકની અસમાનતાને કામ કરવાની શક્તિ અને કુશળતાના સંદર્ભમાં જોવી જોઈએ. ધનિકને આવક ઘણી હોય પણ રાજકીય બાબતોમાં ભાગ લેવાની છૂટ ન હોય, પૈસાદાર હોય પણ માંદગીથી સબડતો હોય, સ્ત્રીઓને પુરુષવર્ગ આજીવિકા માટે અને ગૃહ સંચાલન માટે નાણાં આપે, પણ કારકિર્દી જાળવવાની સ્વતંત્રતા ન આપે કે રાજ્ય તરફથી બેકારી ભથ્થું મળે તેને આર્થિક રીતે ગરીબ ન ગણાવી શકાય પણ આવક મેળવવાની દ્રષ્ટિએ તેઓ વંચિત અને એટલે ગરીબ કહી શકાય. માણસને રોટી, કપડાં, મકાન પૂરાં પાડો તેથી તેની મૂળભૂત જરૂરિયાતો સંતોષાઈ જાય, એટલે તે ગરીબીની રેખાથી ઊંચે ઊઠેલો કહેવાય, પણ ખરું જોતાં તેને અનાજ ઉગાડવાની, કાપડ બનાવવાની અને મકાન બાંધવાની શક્તિ અને કુશળતા મેળવવાની જરૂર હોય છે. આનો પુરાવો યુરોપના દેશોમાં બેકારી અને માંદગી સમયે અપાતાં ભથ્થાંને કારણે સખ્ત ગરીબી, ભૂખમરો અને બે ઘર હોવાની સ્થિતિને ટાળી શકાઈ છે, પણ વધતી બેકારીને કારણે એ દેશોમાં આવકના અભાવે માનસિક સ્વાસ્થ્ય પર બૂરી અસર, કામ કરવાની ધગશનો અભાવ, વ્યસનનું બંધાણ અને તેના દ્વારા થતાં નુકસાન, કાર્ય કુશળતા અને આત્મવિશ્વાસ પર થતો આઘાત, નાની મોટી માંદગીઓનો ભોગ બનવું, હતાશા, કૌટુંબિક અને સામાજિક જીવનમાં વિક્ષેપ પડવો, સામાજિક વિભાજનમાં વધારો, કોમી તણાવ અને જાતિગત અસમાનતામાં વધારો જેવા પ્રશ્નો ત્યાંની સામાજિક, રાજકીય તેમ જ આર્થિક પરિસ્થિતિને ખાઈ રહ્યા છે.

આજે બજાર વ્યવસ્થાની અનેક મર્યાદાઓ હોવા છતાં વિશ્વ આખાના અર્થકારણમાં એનું મહત્ત્વ વધુ પડતું અંકાય છે. બજારનું માનવ જીવનના વિકાસમાં મહત્ત્વ કેટલું એ ધ્યાનમાં લઈને તેનું મૂલ્યાંકન થવું જોઈએ અને અમુક અંશે તેનો અસ્વીકાર કરવો જોઈએ, જો કે બજારની અનિવાર્યતા સમજીને તેને અર્થકારણ અને સમાજકારણમાં કેટલું અને ક્યાં સ્થાન આપવું તે નક્કી કરવા બુદ્ધની જેમ મધ્યમ માર્ગ અપનાવવો જોઈએ. મુક્ત બજારના સિદ્ધાંતમાં માનવની મૂળભૂત મુક્તિ જ મહત્ત્વની બાબત છે. દક્ષિણ અમેરિકાનો ગુલામ ચાહે ધનિક બને કે સાધન-સગવડ ભોગવતો થાય પણ આખર તેની મુક્તિના અભાવમાં તેની આર્થિક સિદ્ધિનું મૂલ્ય ઓછું રહેવાનું. મુક્ત બજારની સાથે કોઈ પણ વ્યવસાય, ઉદ્યોગ-ધંધો કરવાની સ્વતંત્રતાનો ખ્યાલ વિકસ્યો. આમ છતાં દુનિયામાં અને ખાસ કરીને ભારતમાં હજુ પણ બંધુઆ મઝદૂરની પ્રથા દૂર નથી થઈ. એની પાછળ માત્ર ગુનાનો મુદ્દો જ નથી પણ જમીનની માલિકી અને રોજગારીની  સ્વતંત્રતાનો સવાલ પણ છે. સામ્યવાદ અને સમાજ્વાદમાં મૂડીવાદના મૂલ્યોને માન્યતા નથી મળતી. સામ્યવાદ અને સમાજ્વાદ મૂડીવાદને ખત્મ કરવાનો દાવો કરે તો એ દેશોની આર્થિક સ્થિતિ અને ખાસ કરીને નાગરિકોની રોજગારી અને વેપારની સ્વતંત્રતા ઝૂંટવાઈ જાય એ કબૂલ ન કરે. બાળ મજૂરીમાં બન્ધુઆ મઝદૂરી અને ગુલામીના અવશેષો છે. બાળ મજૂરીનો પ્રશ્ન તેમાં સંડોવાયેલા કુટુંબોની સમગ્ર આર્થિક અને સામાજિક પરિસ્થિતિ ન સુધરે ત્યાં સુધી હલ થવાની નથી. જ્યાં મા-બાપ પોતે જ જમીન વિહોણા હોય, અને પેઢીઓથી લગભગ ગુલામની દશામાં ખેત મજૂરી કે રોજદારી ઉપર નભતા આવ્યા હોય તેના સંતાનોને મુક્તિનો ઓવારો ક્યાંથી જડે? એવું જ સ્ત્રીઓને ઘરની બહાર રોજગારી મેળવવાની તકો એશિયાના દેશોમાં ઓછી છે. એ એક સામાજિક અને સાંસ્કૃિતક ધોરણો અને માન્યતાઓનો સવાલ છે. તેનાથી લૈંગિક અને માનવ અધિકારનું ઉલ્લંઘન થાય છે જેનાં અનેક માઠાં પરિણામો જેવાં કે સ્ત્રીઓનું નબળું સ્વાસ્થ્ય, તેમના પર ગુજારાતા શારીરિક-માનસિક ત્રાસ, આત્મહત્યા, નબળો બાળ ઉછેર વગેરે ભોગવવાં પડે છે જેનાથી છેવટ તો બાળકો, પુરુષો અને આખા સમાજને નુકસાન થાય. કેટલાક ઇસ્લામિક દેશોમાં એ અધિકાર ખુલ્લેઆમ છીનવી લેવાયા છે, તો બીજા દેશોમાં પરંપરાને નામે એવાં સામાજિક ધારા-ધોરણો હોય છે જેનો ભંગ કરવાની હામ સ્ત્રીઓમાં ન હોવાને કારણે પોતાના મૂળભૂત અધિકારો અને સમાનતા અપવાનારા કાર્યોથી વંચિત રહે છે. બજાર અને સારાયે આર્થિક વિકાસના ઉપલક્ષ્યમાં સ્ત્રીઓનું ઉત્પાદન, વેપાર, ગ્રાહક અને બચતના ક્ષેત્રોમાં હોવું અત્યંત લાભદાયક છે અને તે સિવાય પણ તેની સ્વતંત્રતા, સમાનતા અને માનવ અધિકાર માટે જરૂરી પણ છે એટલે અનેક સ્ત્રીઓ માટેની સ્વૈચ્છિક સંસ્થાઓ જેમ કે SEWA અને બાંગ્લાદેશમાં ગ્રામીણ બેંક કામ કરે છે. આ ઉપરાંત સામાજિક મૂલ્યોમાં સુધારા ઝડપથી થવા જરૂરી છે.

આજની બજાર-પ્રધાન અર્થવ્યવસ્થા એવી છે જે ચપટીભર લોકોની સંપત્તિ કે સ્વતંત્રતા અન્ય લોકોની સંપત્તિ કે સ્વતંત્રતા પર તરાપ માર્યા વિના વધી ન શકે એવું માનવા પ્રેરે છે. અને તેમાં પણ જો એવી બજાર નીતિને રાજ્ય તથા કેન્દ્ર સરકારનો ટેકો મળી રહે તો પછી શોષણયુક્ત વ્યવસ્થાને છુટ્ટો દોર ન મળે તો શું થાય? બજાર સુધરે તો સંપત્તિની વહેંચણી સમાન રીતે થાય કે વ્યક્તિની કાર્યશક્તિ વધે એવું જરૂરી નથી. ઉલટાનું આવકની અસમાનતા કરતાં તેની સમાન વહેંચણીનો અભાવ અને કાર્યશક્તિની અસમાનતા સમાજ અને વ્યક્તિને વધુ નુકસાનકારક નીવડી છે. ગરીબી અને અભાવગ્રસ્ત પરિસ્થિતિના સંદર્ભમાં સમાન વહેંચણીનો વિચાર કરવો અનિવાર્ય છે. બજાર પ્રધાન અર્થ્વ્યવસ્થાથી સમાજના કેટલાક સમૂહોને પુષ્કળ લાભ થાય, બીજા તેનાથી વંચિત રહી જાય તે સામાજિક માળખાંની ભેદભાવભરી વ્યવસ્થાને કારણે. સ્થાપિત હિતો ધરાવનાર ધનિક અને વગવાળા સમૂહો માલામાલ થાય અને બીજાને ભાગે રોટલાનો ટુકડો ન આવે એ સ્થિતિનું નિવારણ બ્રિટનમાં ગરીબી ધારો લાવીને કર્યું. આજે તો આર્થિક લાભ મેળવવા રાજકારણીય વગ વધતી રહી છે. ગણ્યાગાંઠ્યા મૂડીપતિઓનાં હિતને પડકારવા ખુલ્લી લોકશાહીની જરૂર પડે જ્યાં જાહેર ચર્ચા થઈ શકે અને સામાન્ય પ્રજા રાજ્યના નિર્ણયોમાં ભાગીદાર થઈ શકે. ઉત્પાદક ઉદ્યોગો અને વેપારીઓ ઉદારતા અને કરુણાથી આપણી જરૂરિયાતો પૂરી નથી કરતા, તેઓ તો સ્વાર્થ અને ધન લાલસાને કારણે ઉદ્યોગ-ધંધા કરે છે જેથી આપણું ભરણ પોષણ થાય છે. અહીં બંને ઉદ્યોગ-ધંધા કરનાર અને ગ્રાહકોનું હિત જળવાય એવી અર્થવ્યવસ્થા ઊભી કરવાની જરૂર રહે છે. એક આર્ષ દ્રષ્ટા નામે મોહનદાસ કરમચંદ ગાંધીએ એવી અર્થ વ્યવસ્થાની યોજના આપેલી જેમાં સારાયે ભારત માત્રના નહીં પણ દુનિયા આખીના લોકોનો સામાજિક, આધ્યાત્મિક અને રાજકીય ઉત્થાનનો માર્ગ હતો. પણ એવા ‘અવ્યવહારુ આદર્શવાદી જૂનવાણી વિચાર વાળા’નું સાંભળે કોણ?

બજારની મહત્તા છે ખરી, પણ તેની તેની મર્યાદા સમજી, સ્વીકારીને સર્વાંગી વિકાસ યોજનાની અનિવાર્યતા વિષે વિચાર કરવાથી જ આજની અસમાન અર્થ અને સમાજ વ્યવસ્થાનો ઉકેલ મળશે. તેમાં સરકાર અને સામાજિક સંસ્થાઓના સ્થાન અને કર્તવ્યને સમતોલ કરવાની વાત છે. બજાર આધારિત અર્થવ્યવસ્થાની સાથે લોકશાહીનો અધિકાર, સલામતીની ખાતરી અને તમામ પ્રકારની સ્વતંત્રતા મળે તો જ ટકાઉ વિકાસ સંભવે. બજારને કારણે નાણાકીય ફાયદો થાય પણ જાહેર હિતની રક્ષા થાય જ એવું જરૂરી નથી. માનવની કેટલીક જરૂરતો જે સમૂહમાં મળીને ભોગવવાની હોય છે તે બજાર પૂરી ન પાડી શકે જેમ કે બજારમાં સારાં કપડાં મળી શકે પણ સ્વાસ્થ્ય કે પર્યાવરણની રક્ષા એ એવી જરૂરિયાત છે જે માત્ર બજારુ નીતિથી ન પોષાય. એવી જ રીતે બેકાર લોકોને ભૂખમરા અને બેઘર બનતા અટકાવવા ભથ્થું આપવું એ જાહેર હિતની જાળવણી જરૂર છે, પણ તેનાથી લોકોની કાર્ય શક્તિ અને કામ કરવાની વૃત્તિ સુધરતી નથી કે વધતી નથી. એક દાખલો લઈએ, ચીનમાં લોકશાહી ન હોવાને કારણે અને ભારતમાં સામાજિક, સ્વાસ્થ્ય અને શિક્ષણની સમાન તકો ન હોવાને કારણે બંને દેશોમાં આર્થિક લાભ બધાને નથી મળતો. માનવ વિકાસ શું કરે છે? સામાજિક તક ઊભી કરવાની સીધી અસર વ્યક્તિની કાર્યશક્તિ ઉપર પડે જેનાથી તેનું જીવનધોરણ સુધરે એટલું જ નહીં, વ્યક્તિની ઉત્પાદક શક્તિ વધે જેથી કરીને સારાયે દેશની મિલકત અને સુખ સુવિધામાં વધારો થાય. સ્ત્રી શિક્ષણમાં સુધારો થવાને પરિણામે બાળજન્મનું પ્રમાણ ઘટે, જીવનની ગુણવત્તા વધે, સ્ત્રી શક્તિકરણ થાય, તેઓ ઉત્પાદન અને વેપાર તેમ જ ગ્રાહકની દુનિયામાં હિસ્સેદાર બને અને એ રીતે સમગ્ર અર્થવ્યવસ્થા જ નહીં પણ વિકાસમાં મુખ્ય ફાળો આપનાર બને. શિક્ષણ અને સ્વાસ્થ્ય જેવા જાહેર હિતના ક્ષેત્રમાં સરકારી આવકનો ઉપયોગ કરવાને બદલે સંરક્ષણમાં થતા અમર્યાદ ખર્ચને ન્યાયી ન ગણાવી શકાય. જ્યારે ભારતનું સંરક્ષણનું અંદાજપત્રક શિક્ષણ અને આરોગ્યના સરવાળા કરતાં ક્યાંય વધુ છે. મિત્રો કરતાં દુ:શ્મનો વધુ હોય તો એ જ પરિણામ આવે.

લોકશાહીની મહત્તા જરૂર છે પણ જો ગરીબી માણસને મૃત્યુના મુખમાં ધકેલી દે એવી હોય તો તેવા લોકોને મુક્તિ અને રાજકીય સ્વતંત્રતા શી ખપની? રાજકીય અને નાગરિક અધિકારોનું વધુ મહત્ત્વ કે લઘુતમ આવક મેળવવાના અધિકારનું? પહેલાં શું કરવું જોઈએ, ગરીબી હઠાવવી કે રાજકીય અને નાગરિક સમાન અધિકારોની ખાતરી આપવી કે જેનો એ લોકોને ભાગ્યે જ ખપ પડે? આર્થિક જરૂરિયાતો અને રાજકીય અધિકારો પરસ્પર વિરોધી છે? ના, બંને પરસ્પર આધારિત છે, એક બીજા સાથે જોડાયેલા છે. રાજકીય સ્વતંત્રતા આર્થિક પ્રશ્નો હલ કરવા માટે અનિવાર્ય છે અને તેને માટે જનતાને પોતાની માગ અને તે પૂરી કરવાના માર્ગો વિષે ચર્ચા કરીને સુઝાવ કરવાનો અબાધિત અધિકાર હોવો જરૂરી છે. રાજકીય સ્વતંત્રતા અને નાગરિક અધિકારો વિરુદ્ધની દલીલ કરનારા કહે છે ને કે ‘ભૂખે ભગતી ન હોય ભુઆલુ !’ ભૂખ્યાને ભગવાન પણ યાદ ન આવે. પેટનો અગ્નિ એટલો પ્રબળ હોય છે કે બીજું બધું ગૌણ બની જાય. તેમાં ય લોકશાહી આર્થિક વિકાસ પ્રગતિમાં બાધારૂપ છે એમ મનાય છે. વળી ગરીબને રાજકીય સ્વતંત્રતા કે પોતાની આર્થિક જરૂરિયાતો પૂરી કરવાના હક વચ્ચે પસંદ કરવાનું કહેવામાં આવે તો તેઓ બીજો વિકલ્પ જ પસંદ કરે તે સ્વાભાવિક છે. ત્રીજી દલીલ એ પણ છે કે રાજકીય સ્વતંત્રતા અને નાગરિક અધિકારો એ મૂળે પશ્ચિમી વિચાર છે જે ‘એશિયન મૂલ્યો’ની વિરુદ્ધમાં છે કે જે મુક્તિ અને સ્વતંત્રતા કરતાં શિસ્ત અને વ્યવસ્થા પર વધુ ભાર મૂકે છે. અહીં વ્યક્તિગત અધિકારોને નહીં પણ દેશ/રાજ્યના હિતને પ્રાધાન્ય અપાય છે.

ભારત દેશને લોકશાહી રાજ્ય વ્યવસ્થા જોઈએ છે અને આર્થિક વિકાસ પણ કરવો છે. પ્રચલિત માન્યતા એવી છે કે લોકશાહી દેશોમાં આર્થિક વિકાસ ન થાય અને ઇસ્લામિક દેશોમાં લોકશાહી શાસન વ્યવસ્થા ન ટકે. દક્ષિણ કોરિયા, સિંગાપોર અને ચીને સાબિત કરી બતાવ્યું કે એક હથ્થુ સત્તાથી તેમણે ભારત, કોસ્ટા રિકા અને જમૈકા જેવા દેશો કરતાં આર્થિક વિકાસ ઝડપથી અને ઘણો વધુ કરી શકાય તે સાબિત કર્યું. ઉત્પાદન અને વેંચાણમાં હરીફાઈયુક્ત મુક્ત બજાર, આંતરરાષ્ટ્રીય વ્યાપાર, સાક્ષરતાનું ઊંચું ધોરણ, ઔદ્યોગિકરણ અને નિકાસનું વધતું પ્રમાણ વગેરે જેવાં પરિબળોથી આર્થિક વિકાસ છેલ્લા કેટલીક દાયકાઓમાં કૂદકે ને ભૂસકે વધવા લાગ્યો છે. એ જરૂરી નથી કે માત્ર સરમુખત્યારશાહી કે એકહથ્થુ સત્તા ધરાવનાર દેશો જ એકધારો વિકાસ કરી શકે, ત્યાં પણ આમાંનાં મોટા ભાગનાં પરિબળોની હાજરી જરૂરી હોય છે. લોકશાહી દેશો ઝડપી વિકાસ ન કરી શકે એ માન્યતા પુરવાર નથી થઈ. વળી આર્થિક વિકાસનો અર્થ માત્ર દેશની કુલ આવક એવો સીમિત ન કરતાં પ્રજાના રાજકીય અને નાગરિક અધિકારોના રક્ષણનો પણ કરવો રહ્યો. સવાલ એ થાય કે શું ખરેખર ગરીબ લોકોને લોકશાહી રાજ્ય વ્યવસ્થા અને રાજકીય-નાગરિક અધિકારો સાથે નિસ્બત હોય છે? ઇન્દિરા ગાંધીએ દેશ પર કટોકટી લાદી, તો એમને સત્તા પરથી હઠાવવાનું લોકશાહી પદ્ધતિને કારણે જ શક્ય બન્યું. માનવ એક સામાજિક પ્રાણી હોવાને કારણે વિચાર અને વાણી સ્વાતંત્ર્ય અને વર્તનની સ્વતંત્રતા એ તેની મૂળભૂત જરૂરિયાત છે. રાજ્યકર્તાઓએ તેની પ્રજાનો મત સાંભળવો પડે. આથી જ તો જૂની રાજાશાહીના સમયમાં, આદિવાસી રાજ્ય પદ્ધતિના સમયમાં, એકહથ્થુ સત્તાવાળા દેશોમાં, આધુનિક સરમુખત્યારી દેશોમાં અને વિદેશી શાસનના જમાનામાં દુષ્કાળ પડે, પણ લોકશાહી દેશોમાં એ શક્ય નથી. દેશમાં શિક્ષણથી માંડીને સ્વાસ્થ્ય અને અન્ય સામાજિક સુધારાઓ ખુલ્લે આમ થતી ચર્ચા વિચારણાને કારણે જ શક્ય બને, માત્ર કાયદાઓ ઘડવાથી નહીં. આમ છતાં એ નોંધવું રહ્યું કે લોકશાહી રાજ્યવ્યવસ્થા રાજકીય-નાગરિક અધિકારો જરૂર આપે છે પણ તેની સફળતા અને અસરકારકતાનો આધાર એ અધિકારો કેવી રીતે ભોગવવામાં આવે છે તેના પર છે. જેમ કે ભારતમાં સ્વતંત્રતા પછી દુકાળ નથી પડ્યો, પણ અપૂરતું પોષણ, નિરક્ષરતા કે જાતિગત અસમાનતા જેવા પ્રશ્નો હલ નથી થયા કેમ કે સમાજ વ્યવસ્થા અને તેનાં હાનિકારક મૂલ્યો રાજ્યે આપેલ અધિકારો ભોગવવાને આડે આવે છે. અને એ કારણોસર દેશની કુલ આવકમાં વધારો થયા હોવા છતાં બહુસંખ્યક પ્રજા હજુ એ ‘વિકાસ’ના ફળ ચાખી નથી શકી. આપણે સમજવું રહ્યું કે ક્વીનીન જેમ મેલેરિયા મટાડે તેમ લોકશાહી રાજ્ય વ્યવસ્થા એ આપોઆપ તમામ પ્રશ્નો હલ ન કરી શકે. સ્વતંત્રતાનું આ જ મુખ્ય લક્ષણ છે, મળેલી સ્વતંત્રતાનો કેટલો ઉપયોગ થાય છે તેના પર તેની સાર્થકતાનો આધાર છે. સામાજિક ન્યાય માત્ર કોઈ રાજ્ય વ્યવસ્થાને પ્રતાપે ન જળવાય, તે માટે તો તેનો અસરકારક અમલ થાય, મૂલ્યો અને ધોરણો અનુકુળ હોય તો જ એ શક્ય બને.

સામાજિક ન્યાય અને રાજ્ય વ્યવસ્થાના અનુબંધનું એક ઉદાહરણ લઈએ. થોડા દાયકાઓ પહેલાં માત્ર સ્ત્રીનાં સ્વાસ્થ્ય માટે નિસ્બત ધરાવાતી ન હતી, જે આજે હવે સ્ત્રીઓ પોતે અને પુરુષો પણ સ્વીકારે છે કે સ્ત્રીઓ સમાજ અને અર્થકારણમાં પરિવર્તન લાવવા માટેનું એક માટે સક્રિય પરિબળ છે, સામાજિક સુધારણા માટેનું ચાલક પરિબળ છે અને તેમના સમાનાધિકારોની રક્ષા  થવાથી બંને સ્ત્રી અને પુરુષ જગતના જીવનમાં સુધારો લાવી શકાય. બાળકી અને સ્ત્રીની ગર્ભમાં હત્યા અને પોષણ તથા શિક્ષણની અસમાનતાને કારણે ગુમ થયેલી સ્ત્રી સંખ્યા એ તેના માનવ અધિકારનું પહેલું ખનન છે. આ અને તેવા બીજા તમામ અધિકારોની રક્ષા કરવાથી સ્ત્રી-પુરુષ, બાળકો અને પુખ્તવયના તમામ લોકોનું હિત જળવાય એ સમજીને સ્વીકારવું અત્યંત અનિવાર્ય બન્યું છે. સ્ત્રીની સ્વતંત્ર રીતે કમાવાની શક્તિ, ઘરની બહાર વ્યવસાય શોધવાનો અધિકાર, મિલકતનો માલિકી હક અને શિક્ષણ મેળવવાનો તથા તેનો ઉપયોગ કરવાના અધિકારોને પરિણામે તે કુટુંબ અને કુટુંબની બહાર નિર્ણયો લેવામાં ભાગીદાર થઈ શકે એ કેટલું મહત્ત્વનું છે તે સાબિત થઈ ચુક્યું છે. આ બધા અધિકારોને કારણે સ્ત્રીઓનો અવાજ-મત સબળ બને, તેને સ્વતંત્રતા મળે અને સ્ત્રીશક્તિકરણ શક્ય બને. ઘરની બહાર કામ કરવાને કારણે પરિવારમાં અને સમાજમાં તેનું સ્થાન મજબૂત બને, ઊંચું જાય, કુટુંબની આર્થિક સધ્ધરતામાં તેનો ફાળો જોઈ શકાય અને તે પરતંત્ર ન હોવાને કારણે તેનો મત-અભિપ્રાય વધુ વજનદાર બને એ હકીકત છે. વળી ઘરની બહાર કામ કરવાથી તે બહારની દુનિયાથી વધુ જાગૃત બને, તેને વધુ જાણકારી પ્રાપ્ત થાય અને તેની કુશળતા વધે. એ જ રીતે મિલકતના માલિકી હકને કારણે એ વધુ શક્તિશાળી બને. સ્ત્રી-પુરુષ વચ્ચે સહજીવન માટે થોડું ઘણું જતું કરવું જરૂરી છે, પણ બેમાંથી એક પક્ષને હંમેશ વસ્તુઓના અને અભિપ્રાયના હકના અભાવ વચ્ચે જીવવાનું આવે તો તે એને માટે અન્યાયની સ્થિતિ ગણાય. અધિકારોની વ્યાખ્યા શી? સ્ત્રીઓને મળતા શિક્ષણ, વ્યવસાય અને મિલકતની માલિકીના સમાન અધિકારોને કારણે માત્ર તેનું જ નહીં પણ તેનાં બાળકો અને ઘરના પુરુષોનું સ્વાસ્થ્ય સુધરે એટલું જ નહીં પણ તેને પરિણામે જાહેર ચર્ચાઓમાં ભાગ લઈ શકવાને કારણે બાળજન્મના પ્રમાણમાં ઘટાડો અને પર્યાવરણના રક્ષણ માટે અપાવી જોઈતી પ્રાયોગિક્તા જેવા મુદ્દાઓ પર પણ તેના વિચારોનું મહત્ત્વનું પ્રદાન મળી શકે. કુટુંબની અંદર અને સામાજિક સ્તરે સ્ત્રી-પુરુષ-બાળકો અને વૃદ્ધોને કેટલાં સાધન-સગવડ અપાય તેનો આધાર સમાજના ધારા-ધોરણો, રિવાજ અને ધાર્મિક માન્યતાઓ પર રહે છે. દરેક પ્રકારની કુદરતી આફતો, સંઘર્ષ અને લડાઈ સમયે સામાન્ય રીતે સ્ત્રીઓ અને બાળકોને વધુ યાતનાઓ સહન કરતાં જોઈએ છીએ તેનું કારણ અસમાનતા છે.

વિકાસના દરમાં વિઘ્નકર્તા ગરીબી છે અને એ રોટી, કપડાં અને મકાનના અભાવમાં સહેલાઈથી માપી શકાય. દુનિયામાં અને ભારતમાં પણ ખરેખર અનાજની તંગી છે કે તેનું વિતરણ અસમાન છે? ભારત માટે વસતી વધારાને આ ત્રણેય મૂળભૂત જરૂરિયાતો પૂરી ન પાડી શકવા માટે જવાબદાર ગણાવાય છે. સવાલ એ છે કે વસતી વધારો સમજાવટથી રોકી શકાય કે ફરજિયાત પગલાં દ્વારા? ચીનમાં એક બાળકની નીતિ પાળવાની ફરજ પાડવામાં આવી, તો આજે ત્યાં પુરુષના પ્રમાણમાં સ્ત્રીઓની સંખ્યા ઘટી છે એટલે બાળ મરણનું વધતું પ્રમાણ, વેશ્યાવૃત્તિ, બાળકીને વેંચી નાખવી અને ડાવરી જેવા સામાજિક પ્રશ્નો વધ્યા છે. જયારે પશ્ચિમના દેશોએ સામાજિક અને આર્થિક વિકાસ તથા શિક્ષણના પ્રસારને કારણે જન્મ દર ઝડપથી નીચો આવ્યો તેવું અનુભવ્યું છે. શિક્ષણ અને ખાસ કરીને મહિલામાં સાક્ષરતાના વધતા પ્રમાણ, તે ઘરની બહાર કામ કરે અને પરિણામે તેની આર્થિક સ્વતંત્રતા વધે, માથાદીઠ આવક વધે, જીવન ધોરણ ઊંચું આવે, બલમરણની સાથે સાથે બાળજન્મનું પ્રમાણ ઘટે એ પણ વસતી વધારાને અંકુશમાં લાવવાનો એક માર્ગ છે. આનો સહુથી મોટો પુરાવો બાંગ્લાદેશના વસતી વધારામાં થયેલ ઘટાડા પરથી મળે છે. સ્ત્રીને શિક્ષણ અને આજીવિકા રળવાની તક મળે તો બાળ જન્મ, બાળ ઉછેર અને સમાજના દરેક પાસા પર તેને નિર્ણય લેવાનો અધિકાર મળે અને સાચી પ્રગતિ થાય.

હર ભારતીય નાગરિક પછી તે ભારતમાં વસતો હોય કે વિદેશ, પોતાની સંસ્કૃિત માટે ઘણો આદર સેવે છે, અને એ ઉત્તમ છે તેમ માને છે જે વ્યાજબી છે. ભારતીય સંસ્કૃિત અને માનવ અધિકારો વચ્ચે શું સંબંધ છે તે તપાસીએ. વર્તમાન સમયમાં માનવ અધિકારના વિચારને ખૂબ મહત્ત્વ અપાઈ રહ્યું છે અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે તેની ચર્ચા થવા લાગી છે. માનવ અધિકારોને કાયદાનું પીઠબળ મળ્યું છે. બીજું, તેને નીતિમત્તા અને રાજકારણ સાથે જોડવામાં આવે છે. એકનો અધિકાર તે બીજાની ફરજ બને છે. અને ત્રીજો દ્રષ્ટિકોણ માનવ અધિકારને સામાજિક અને નૈતિક પાસાથી તપાસે છે. સમાજમાં જે નીતિમત્તાના ધોરણો માન્ય હોય તે પ્રમાણે તેના સભ્યોના અધિકારો નક્કી  થાય. જેમકે પશ્ચિમી સમાજમાં વ્યક્તિગત સ્વતંત્રતાને જેટલું મહત્ત્વ અપાય છે એટલું કહેવાતી પૂર્વની સંસ્કૃિતમાં નથી અપાતું. એટલે કે જે વર્તન પૂર્વના દેશોમાં સહજ ગણાય તે પશ્ચિમમાં માનવ અધિકારનો ભંગ કરતુ લેખાય તેમ બને. જેમ કે સંતાનો માતા-પિતાની આજ્ઞા પાળીને અભ્યાસ કરે, તેમને અનુકૂળ જીવન પદ્ધતિ અપનાવે તે પૂર્વના સમાજમાં માત્ર સહજ નહીં પણ જરૂરી મનાય છે જે પશ્ચિમી સમાજમાં સંતાન માટે પોતે પોતાનું ભવિષ્ય જાતે કંડારી ન શકે એટલે તેના માનવ અધિકાર વિરુદ્ધ બાબત ગણવામાં આવે છે. માનવ માત્ર સ્વભાવે સ્વાર્થી છે માટે એક માત્ર મૂડીવાદી અર્થકારણ અને સમાજ વ્યવસ્થાથી જ વિકાસ સાધી શકાય તેવું માનવમાં આવે છે જ્યારે મૂડીવાદ તો પરસ્પર વિશ્વાસ, ધંધા માટે જરૂરી પ્રામાણિકતા અને નૈતિક મૂલ્યોની જાળવણીથી ટકી શકે છે એમ પુરવાર થયું છે. કહેવાનો મતલબ એ છે કે સંસ્કૃિતની જાળવણી કે વિકાસની મહત્ત્વાકાંક્ષા સમાજના કોઈ પણ સમૂહના માનવ અધિકારને ભોગે સાધવામાં ન આવે તે જોવું રહ્યું.

વ્યક્તિ સ્વાતંત્ર્ય – એક સામાજિક ફરજ છે જ્યારે આપણે તેને સરકાર અને ધાર્મિક સંસ્થાઓના હાથમાં સોંપી દીધી છે. બર્ટ્રાન્ડ રસેલને પૂછવામાં આવેલું કે તમે મૃત્યુ પછી ઈશ્વર સન્મુખ થાઓ તો શું કહેશો? તેમનો જવાબ હતો, “હું ભગવાનને પૂછીશ, : હે સર્વશક્તિમાન ઈશ્વર, આપના અસ્તિત્વની આટલી ઓછી સાબિતી કાં આપી?” આ દુનિયામાં ગણ્યાગાંઠ્યા ધનિકોને અઢળક ભૌતિક સુખ મળે અને બીજી બાજુ લાખો-કરોડો લોકો દુખની ગર્તામાં ધકેલાઈને સતત ભૂખમરો ભોગવે, અભાવ અને નિર્ધનતા સહન કરે અને નિર્દોષ બાળકો પૂરતાં પોષણ અને મેડીકલ સગવડોના અભાવે મૃત્યુના મુખમાં ધકેલાઈ જાય એ સમજાય તેવી વાત નથી. ભગવાને આપણને આવા પ્રશ્નો જાતે હલ કરવા સોંપ્યું છે. એ જવાબદારી માનવ જાતની પોતાની છે કેમ કે આ હાલત માનવ સર્જિત છે, એ આપણે ઊભા કરેલા પ્રશ્નો છે. માનવ જાત આ જવાબદારીને ખંખેરી ન શકે. જે પરિસ્થિતિ છે તે સમજવાની અને તેના વિષે જરૂરી પગલાં ભરવાની તેની જ ફરજ છે. બુદ્ધિશાળી પ્રાણી તરીકે બીજાની જિંદગી વિષે વિચાર કરવાની શક્તિ આપણી પાસે છે, કરુણા અને સમભાવ અનુભવી શકીએ તે જ આપણને બીજા પ્રાણીઓથી જુદા પાડે છે. આપણે અન્યને દુ:ખ ન પહોંચાડીએ તેટલું જ પૂરતું નથી, પણ તેમની બૂરી હાલત માટે બની શકે તેટલા મદદરૂપ થવાની પણ ફરજ બની રહે છે. સ્વતંત્રતા અને ફરજ પરસ્પર આધારિત છે. દરેક વ્યક્તિ પોતાના ભલા માટે પોતે જ જવાબદાર છે, તેણે અન્ય પર આધાર રાખવાની જરૂર નથી. બીજા પર આધારિત રહેવું તે નૈતિક રીતે યોગ્ય નથી એટલું જ નહીં પણ તે વ્યક્તિગત સ્વતંત્રતા અને સ્વમાન માટે પણ હાનિકર્તા છે. વ્યક્તિ પોતે જ પોતાના હિતનો ખ્યાલ કરે તેવો બીજું કોણ કરી શકે? અલબત્ત આપણી સ્વતંત્રતા એ વ્યક્તિગત, સામાજિક અને પર્યાવરણના સંયોગો પર આધારિત હોય છે. જે બાળકને પ્રાથમિક આરોગ્યની સારવાર અને સગવડો તથા શિક્ષણનો અધિકાર ન હોય તે પુખ્ત વયની વ્યક્તિ તરીકે પોતાની કમાવાની ફરજ કેવી રીતે બજાવી શકે ભલા? સ્ત્રીઓ, મજૂર વર્ગ, આદિવાસીઓ, નીચલી જ્ઞાતિના લોકો અને તમામ લઘુમતી કોમ કે જેઓ વિવિધ અધિકારોથી વંચિત રખાય છે, તેઓ એક જવાબદાર નાગરિક તરીકે સમાજમાં પોતાનું પ્રદાન પણ ન જ કરી શકે તે સમજવું જરૂરી છે. જવાબદારી નિભાવવા માટે સ્વતંત્રતા હોવી જરૂરી છે તે હકીકત આપણે હજુ સ્વીકારી નથી શક્યા અને તેથી જ તો સમાજના મોટા ભાગના લોકોને અનેક પ્રકારના જન્મગત અને પ્રાથમિક અધિકારોથી અને સ્વતંત્રતાથી વંચિત રાખ્યા છતાં તેમની પાસેથી જવાબદાર વ્યક્તિ તરીકે બધી ફરજો નિભાવવાની અપેક્ષા સેવીએ છીએ. કોઈ પણ ફરજ બજાવવા માટે તે કામ કરવા અને તે માટેની શક્તિ કેળવવાની સ્વતંત્રતા હોવી અનિવાર્ય છે. પછી એ શક્તિનો ઉપયોગ કરવો કે નહીં તે વ્યક્તિના નિર્ણય પર આધાર રાખે છે. અહીં એ નોંધવું રહ્યું કે માણસ એકલો જીવી નથી શકતો, એ એકબીજા પર આધાર રાખતો સામાજિક પ્રાણી છે અને કેટલીક બાબતોમાં અથવા કેટલાક સંયોગોમાં પોતાની કાળજી રાખવા શક્તિમાન નથી હોતો, પણ એનો અર્થ એ નથી કે કુટુંબ/સમાજ કે રાજ્ય પર સંપૂર્ણ પણે તે આધારિત રહે અને સરકાર તેની તમામ જરૂરતો પૂરી કરે અને તે પોતે કોઈ ફરજ ન બજાવે.

આજની વિકાસની સામાન્ય અને લોકપ્રિય વ્યાખ્યા દેશની કુલ આવક અને ઉદ્યોગો તથા ટેકનિકલ પ્રગતિ પરથી નક્કી થાય છે. જ્યારે અમર્ત્ય સેન માને છે કે ખરો વિકાસ વ્યક્તિની શક્તિ અને સ્વતંત્રતાનો વિકાસ કરે જેનાથી તે પોતે ઈચ્છિત જીવન કે જેનું તેને બહુ મૂલ્ય હોય છે તેનો નિર્વાહ કરી શકે. જો કે સ્વતંત્રતા બધાને સમાન ભાગે મળે અને વધુને વધુ લોકોને સ્વતંત્રતા મળે એ બાબતે પરસ્પર સંઘર્ષ હોઈ શકે. અન્યાય સમાજના ધારાધોરણો અને માન્યતા પર આધાર રાખે છે. તેથી જ તો હજુ ઘણા સામાજિક અન્યાયો માત્ર અમુક કાયદાઓ ઘડવાથી દૂર નથી થતા. તો પછી સ્વતંત્રતાને આટલું બધું મહત્ત્વ શાને આપવું? તેથી  વિકાસમાં શો ફેર પડે? એક તરફથી ધન પ્રાપ્તિ માટે ગાંડી, આંધળી દોટ મુકાય છે તો બીજી તરફ એક એવી વિચારધારા પ્રચલિત છે કે ધન પ્રાપ્તિ એ જ માત્ર આપણું ધ્યેય નથી કેમ કે એ તો બીજા સુખની શોધ માટેનું એક સાધન છે.

આજે વધુને વધુ લોકો ભૌતિક સુખ અને ધન સંચયની સરખામણી આત્માની ઉન્નતિ અને મનના સંતોષ અને આનંદ સાથે કરવા લાગ્યા છે. માત્ર મજૂરી કરીને ધન પેદા કરવાને બદલે વ્યક્તિને શિક્ષણ આપીને તેની કુશળતાને વધુ કેળવવાથી તેની મૂળભૂત શક્તિ વધે તેનું મૂલ્ય વધ્યું છે. માનવીને કેળવણી અને કુશળતા મેળવતો કરીને વસ્તુઓનું ઉત્પાદન કરવું વધુ માનવતા ભર્યું છે એટલું જ નહીં, એ વિકાસ વધુ ટકાઉ અને સંતોષપ્રદ બની રહે છે. અમર્ત્ય સેનના આ વિધાનને ટાંકીને વિરમું: “Development is indeed a momentous engagment with freedom’s possibilities”  

e.mail : 71abuch@gmail.com

Loading

13 May 2016 admin
← ના.દે. વિશે પૌત્ર : દીવા તળે અંધારું?
સૂચિ સાચી છે… →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved