Opinion Magazine
Number of visits: 9448730
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આર્થિક પ્રવાહો વિશેની આગાહી : કેટલી ભરોસાપાત્ર?

રમેશ બી. શાહ|Opinion - Opinion|20 July 2017

આજનો વિષય જે પ્રશ્ન રૂપે મુકાયો છે, તેનો ઉત્તર એક માર્મિક વાક્યમાં અપાયેલો છે. પ્રશ્ન છે : આર્થિક પ્રવાહો વિશેની આગાહી કેટલી ભરોસાપાત્ર હોય છે? ઉત્તર છે : આર્થિક આગાહીઓ એક જ કાર્ય કરે છે – તે જ્યોતિષશાસ્ત્ર આદરપાત્ર બનાવે છે. આમાં રહેલો વ્યંગ સ્પષ્ટ છે. આર્થિક આગાહીઓ ખોટી પડવાની બાબતમાં જ્યોતિષશાસ્ત્રને સારું દેખાડે છે, મતલબ કે આર્થિક આગાહીઓ જ્યોતિષશાસ્ત્રની આગાહીઓ જેટલી પણ સાચી પડતી નથી. પણ અર્થશાસ્ત્રીઓ જોશીઓથી એક બાબતમાં જુદા પડે છે. અર્થશાસ્ત્રીઓ એમની ખોટી પડેલી આગાહીઓની ચર્ચા કરે છે. વિશ્વબૅંક ઘણાં વર્ષોથી વાર્ષિક ધોરણે ‘વર્લ્ડ ડેવેલપમેન્ટ રિપોર્ટ’ પ્રગટ કરે છે. એક રિપોર્ટમાં તેણે પોતાની ખોટી પડેલી આગાહીઓની યાદી, તરત નજરે ચડે એ રીતે બૉક્સમાં પ્રગટ કરી હતી. જોશીઓ પોતાની સફળતા જ યાદ રાખતા હોવાથી પોતાની ભૂલોનું વિશ્લેષણ કરવાનો પ્રશ્ન તેમના માટે ઊભો થતો નથી. અર્થશાસ્ત્રીઓ પોતાની ભૂલો યાદ રાખે છે, કારણ કે એમાંથી એ શીખવા માગે છે.

અર્થશાસ્ત્રની આ પરંપરા પ્રમાણે પ્રથમ હું અર્થશાસ્ત્રીઓની આગાહીઓનાં કેટલાંક ઉદાહરણો ટાંકીશ :

૧. ૨૦૦૯માં લંડન સ્કૂલ ઑફ ઇકોનૉમિક્સમાં અર્થશાસ્ત્રીઓની એક સભામાં ઇંગ્લૅન્ડનાં રાણીએ પ્રશ્ન પૂછ્યો હતો : અર્થશાસ્ત્રીઓ અમેરિકામાં આવી રહેલી નાણાકીય કટોકટીને કેમ ન જોઈ શક્યા ?

૨. ૧૯૯૭-૯૮માં પૂર્વ એશિયાના દેશોમાં આવેલી નાણાકીય કટોકટીની આગાહી કરવામાં આવી નહોતી.

૩. અમેરિકામાં અર્થશાસ્ત્રીઓએ અર્થતંત્રનું જે મોટું મૉડલ તૈયાર કર્યું તે ૧૯૭૦-’૮૦ના દસકામાં ફુગાવાના ઊંચા દર સાથે જોવા મળેલા બેકારીના ઊંચા પ્રમાણની આગાહી કરવામાં સદંતર નિષ્ફળ નીવડ્યું હતું. અર્થશાસ્ત્રમાં એ ઘટના ‘સ્ટેગફ્‌લેશન’ (Stagflation) તરીકે ઓળખાય છે.

૪. અમેરિકામાં છેલ્લા કેટલાક દસકાઓ દરિમયાન એક વર્ષ અગાઉ મંદીની આગાહી ક્યારે ય કરવામાં આવી નહોતી, જો કે મંદીના કેટલાંક વર્ષો આવી ગયાં છે.

૫. ઇંગ્લૅંન્ડમાં ૧૯૯૬માં પૂરાં થતાં ૨૫ વર્ષ દરમિયાન કરવામાં આવેલી આગાહીઓમાં જી.ડી.પી.ની વૃદ્ધિમાં સરેરાશ ૧.૪૫ ટકા જેટલી ભૂલ આવતી હતી. દા.ત., આવતા વર્ષે જી.ડી.પી.માં ત્રણ ટકાનો વધારો થશે, એવી આગાહી કરવામાં આવી હોય, તો દોઢ ટકાની વૃદ્ધિ થાય એવું બને.

૬. ૧૯૮૯માં આંતરરાષ્ટ્રીય પ્રસિદ્ધિ ધરાવતાં સમૂહ માધ્યમો જાપાનની આર્થિક વૃદ્ધિને બહેકાવીને રજૂ કરી રહ્યાં હતાં. જાપાન સમૃદ્ધિના યુગમાં પ્રવેશ્યું છે અને જગતની મોટી આર્થિક સત્તા બની જશે, એવું ચિત્ર આલેખી રહ્યાં હતાં, પણ બે વર્ષ પછી જાપાન મંદીમાં ફસાયું, જે એક દસકો ચાલી હતી.

કેટલીક વાર અર્થશાસ્ત્રીઓ દાયકા-બે દાયકા જેવા લાંબા સમયગાળા માટેની આગાહી કરે છે. આ સમયગાળો ઘણો લાંબો હોવાથી લોકો તે ભૂલી જાય છે, તેથી તે સાચી પડી કે ખોટી તે ચકાસવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી. આવી બે આગાહીઓ ઉદાહરણ રૂપે નોંધીએ :

૧. એપ્રિલ ’૧૭માં નીતિઆયોગના ઉપાધ્યક્ષશ્રી પાનગરિયાએ એક આગાહી કરી હતી : ૨૦૧૫-’૧૬માં ભારતની કુલ જી.ડી.પી. રૂ. ૧૩૭ લાખ કરોડ હતી અને માથા દીઠ આવક રૂ. ૧,૦૬,૫૮૯ હતી. પંદર વર્ષ દરમિયાન તે વધીને ૨૦૩૧-’૩૨માં કુલ જી.ડી.પી. રૂ. ૪૬૯ લાખ કરોડ થશે અને માથા દીઠ આવક રૂ. ૩,૧૪,૭૭૬ થશે. આ ‘આગાહી’ તેમણે ગણિતનો સાદો દાખલો ગણીને કરી છે. તેમણે ધારી લીધું છે કે આ પંદર વર્ષ દરમિયાન દેશની જી.ડી.પી.માં સાતત્યપૂર્ણ રીતે આઠ ટકાના વાર્ષિક દરે વૃદ્ધિ થયા કરશે. અલબત્ત, આ એક આકાંક્ષા છે, આગાહી નથી.

૨. ઑક્સફર્ડ યુનિવર્સિટીના બે સંશોધકોએ ૨૦૧૩માં એક આગાહી કરી હતી. રૉબોટ અને કૃત્રિમ બુદ્ધિના ઉપયોગને કારણે બે દસકામાં અમેરિકામાં ૪૭ ટકા જેટલી રોજગારીનો લોપ થશે. આ આગાહીને લોકોએ ગંભીરતાથી લીધી છે તેથી અમેરિકા સહિતના વિકસિત દેશોના નાગરિકો એમના દેશમાં વધુ રોજગારી સર્જવાની અને તેને પોતાના માટે સુરક્ષિત રાખવાની ફિરાકમાં પડ્યા છે.

પણ અર્થશાસ્ત્રીઓની આગાહીઓ ખોટી પડે છે, એમ કહીએ ત્યારે અર્થશાસ્ત્રીઓ માટેની એક મજાક યાદ કરવી જોઈએ : કોઈ મુદ્દા પર ચર્ચા કરવા પાંચ અર્થશાસ્ત્રીઓ ભેગા મળે તો છ અભિપ્રાય સાંભળવા મળે. મતલબ કે કોઈ મુદ્દા પર અર્થશાસ્ત્રીઓમાં સર્વસંમતિ પ્રવર્તતી હોય એવું ભાગ્યે જ બને છે. તેથી એવા દાખલા મળી આવે છે, જેમાં જૂજ અર્થશાસ્ત્રીઓએ આવી રહેલી આપત્તિનો નિર્દેશ કર્યો હોય, પણ મુખ્ય પ્રવાહના અર્થશાસ્ત્રીઓએ તેની અવગણના કરી હોય. આર્થિક નીતિઓના સંદર્ભમાં આ મુદ્દો મહત્ત્વનો બને છે.

અર્થશાસ્ત્ર જેવાં વિજ્ઞાનોના સંદર્ભમાં આઝાદી શબ્દ એક જુદો અર્થ પણ ધરાવે છે. દરેક સિદ્ધાંત અને આર્થિક નીતિવિષયક ભલામણમાં એક આગાહી અભિપ્રેત હોય છે. દા.ત., ગરમીથી પદાર્થ ફૂલે છે, એ સિદ્ધાંતમાં એ આઝાદી રહેલી છે કે જો પદાર્થને ગરમી આપવામાં આવશે, તો તે ફૂલશે. અહીં હું જે ચર્ચા કરવાનો છું તે અર્થશાસ્ત્રીઓની નીતિવિષયક ભલામણોમાંથી ફલિત થતી આગાહીઓની છે. ચર્ચાનો ઝોક મુખ્ય પ્રવાહથી જુદા પડતા અને લઘુમતીમાં રહેતા અર્થશાસ્ત્રીઓની થતી અવગણના પર છે. તે સાથે આર્થિક પ્રવાહો અંગેની આગાહીઓ ખોટી કેમ પડે છે, તેની સમજૂતી ખોળવાનો પ્રયાસ પણ કર્યો છે.

બીજા વિશ્વયુદ્ધમાં જર્મની તારાજ થયું હતું અને પૂર્વ અને પશ્ચિમ જર્મની એવા બે ભાગમાં વહેંચાઈ ગયું હતું. પશ્ચિમ જર્મનીમાં મોટા પાયા પર વિનાશ થયો હતો, તેથી પશ્ચિમ જર્મનીના આર્થિક વહીવટદારોએ દેશના ભાવિનું નિરાશાજનક ચિત્ર આલેખ્યું હતું : દરેક જર્મનને પગરખાંની જોડ દર બાર વર્ષે મળશે; કપડાંની જોડ દર ૫૦ વર્ષે મળશે; દર પાંચમાંથી એક બાળકને પોતાના નેપ્કિનમાં સૂવા મળશે, ત્રણમાંથી એક જર્મનને પોતાના કૉફિનમાં દટાવા મળશે.

જર્મનોના સદ્‌ભાગ્યે આયોજક અર્થશાસ્ત્રીઓની નિરાશાજનક ગણતરીઓ સાવ ખોટી પડી. સાત જ વર્ષમાં જર્મની બીજા વિશ્વયુદ્ધ પહેલાંના જીવનધોરણને વટાવી ગયું. જર્મનીના નાગરિકોની વપરાશનો આંક ૧૯૪૯માં ૭૭ હતો, તે વધીને ૧૯૫૫માં ૧૨૬ થયો હતો. આમ, માત્ર છ વર્ષમાં જર્મનીના નાગરિકોની વપરાશમાં ૬૦ ટકાથી વિશેષ વધારો થયો હતો. ૧૯૫૭માં દુનિયાની નિકાસોમાં પશ્ચિમ જર્મની ત્રીજા સ્થાન પર આવી ગયું હતું. દસેક વર્ષના સમયગાળામાં પશ્ચિમ જર્મનીએ તેની ઉત્પાદનક્ષમતામાં કેટલો મોટો વધારો કર્યો હતો, તેનો નિર્દેશ આમાંથી સાંપડે છે.

પશ્ચિમ જર્મનીનો આ ઇતિહાસ અર્થશાસ્ત્રીઓની ખોટી પડતી આગાહીના એક વધુ ઉદાહરણ તરીકે નોંધ્યો નથી, પણ આર્થિક નીતિની ભલામણમાં અભિપ્રેત આગાહીની ચર્ચા કરવા માટે નોંધ્યો છે. બીજા વિશ્વયુદ્ધ પછી દુનિયાના ઘણા દેશો રાજ્યની વિસ્તૃત ભૂમિકા પર આધારિત સમાજવાદની નીતિને વરેલા હતા. ૧૯૨૯મી મહામંદીએ બજારતંત્ર પર આધારિત મૂડીવાદી પ્રથાની સ્થિરતા અને કાર્યસાધકતામાં અશ્રદ્ધા જગવી હતી. બીજી બાજુ, સામ્યવાદી રશિયાએ પોતાની સિદ્ધિઓ વિશે કરેલા પ્રચારથી દુનિયાના ઘણા વિચારકો પ્રભાવિત થયા હતા. રશિયાએ બજારતંત્રનો ત્યાગ કરીને આયોજન અપનાવ્યું હતું, તેથી રશિયાએ હાંસલ કરેલી સિદ્ધિઓ આયોજનને આભારી છે, એમ માનવામાં આવ્યું હતું. નજીકના ભૂતકાળમાં ઘટેલી આ ઘટનાઓએ દેશમાં અને દુનિયામાં ડાબેરી ઝુકાવ ધરાવતા અર્થશાસ્ત્રીઓનો એક પ્રભાવક વર્ગ સર્જ્યો હતો. આર્થિક નીતિઓ અને ઘટનાઓને તેઓ તેમની ડાબેરી વિચારધારાના પરિપ્રેક્ષ્યમાં જોતા હતા. ખાનગી સાહસ અને બજારતંત્ર માટેની અશ્રદ્ધા તેમાં અભિપ્રેત હતી.

આ બજારવિરોધી અને સમાજવાદ તરફ ઝૂકેલા વિશ્વમાં પશ્ચિમ જર્મનીએ મુક્તબજારની નીતિ અપનાવીને આર્થિક ચમત્કાર સર્જ્યો હતો. ૧૯૫૦ પછીનાં એ વર્ષોમાં આપણે આર્થિક વિકાસ દ્વારા ગરીબી અને બેકારીના પ્રશ્નો ઉકેલવા માટે આયોજનની નીતિ અપનાવી હતી. ભારતના રાજકીય નેતાઓ અને લગભગ બધા જ જાણીતા અર્થશાસ્ત્રીઓ રાજ્યની વિસ્તૃત કામગીરી અને આયોજનના હિમાયતી હતા. ઉદ્યોગપતિઓએ પણ દેશના વિકાસ માટે યોજનાને જરૂરી ગણી ‘બૉમ્બે પ્લાન’ તૈયાર કર્યો હતો. ટૂંકમાં, રાજ્યની વિસ્તૃત સામેલગીરી અને આયોજન દ્વારા જ ગરીબી અને બેકારી ઝડપથી નાબૂદ થશે, તે એ સમયની પ્રભાવક વિચારધારા હતી. એ નીતિમાં અભિપ્રેત આગાહી લક્ષમાં રાખવાની છે.

પણ આ બધામાં એક અપવાદરૂપ અર્થશાસ્ત્રી હતા તે હતા બી.આર. શિનોય. (૩-૬-૧૯૦૫ • ૮-૨-૧૯૭૮) તેઓ મુક્તબજારની નીતિના પ્રખર હિમાયતી હતા. ૧૯૫૯-૬૧નાં વર્ષોમાં હું એમનો વિદ્યાર્થી હતો. ત્યારે પણ તે મુક્તબજારની નીતિની ચર્ચા વર્ગમાં કરતા અને જર્મનીના નાણાપ્રધાન લુડવીગ એરહાર્ડ દ્વારા મૂળ જર્મનમાં લખાયેલું પણ અંગ્રેજીમાં અનુદિત થઈને ૧૯૫૮માં પ્રગટ થયેલુ ંપુસ્તક ‘સ્પર્ધા દ્વારા સમૃદ્ધિ’ (Prosperity through Competition) વાંચવાની ભલામણ કરતા. એમની વાત એ વખતે કોઈએ ન સાંભળેલી તો પણ તેમને જે નીતિ ભારત માટે યોગ્ય લાગી, તેનો જાપ જપતા રહ્યા.

આના સંદર્ભમાં એક હકીકત નોંધવા જેવી છે. રાજ્યવાદ અને આર્થિક આયોજનના પ્રખર વિરોધી શિનોયને પંચવર્ષીય યોજના માટેની અર્થશાસ્ત્રીઓની પૅનલમાં સ્થાન આપવામાં આવ્યું હતું! નેહરુયુગમાં વૈચારિક મતભેદો પરત્વે જે સહિષ્ણુતા પ્રવર્તતી હતી, તેનું આ એક ઉદાહરણ છે. પણ આઈ. જી. પટેલે તેમનાં સંસ્મરણોમાં નોંધ્યું છે તેમ, પૅનલમાંના અર્થશાસ્ત્રીઓ તેમને સહેજે ગંભીરતાથી લેતા ન હતા. તેઓ તેમના વિચારોને હસી કાઢતા હતા. પણ ૧૯૯૧માં દેશે મુક્ત બજારની નીતિ અપનાવી, ત્યારે શિનોય સાચા સાબિત થયા. એ હયાત હોત તો તેમને સંતોષ થયો હોત. ૧૯૯૧માં અપનાવવામાં આવેલી નવી નીતિના અમલથી દેશમાં સધાયેલી આર્થિક બહુમતીએ જેની તરફેણ કરી હતી, તે રાજ્યવાદી આર્થિક આયોજનની નીતિનાં જે કંગાળ પરિણામો આવ્યાં, તેનાથી પણ આપણે પરિચિત છીએ.

આ ઇતિહાસ જોઈને આપણને એવો વિચાર આવી જાય કે ૧૯૫૦-૬૦ દસકામાં જ આપણે વિકાસ માટે ૧૯૯૧માં અપનાવી તેવી મુક્તબજારની નીતિ અપનાવી હોત, તો આજે દેશ કદાચ મધ્યમ આવકજૂથના દેશોમાં આવી ગયો હોત, પણ એ વર્ષોમાં અર્થશાસ્ત્રીઓની મોટી બહુમતીની હિમાયતને બાજુ પર રાખીને દેશમાં સાવ નાની લઘુમતીમાં રહેલા શિનોયની ભલામણ કોણ શાના આધારે સ્વીકારી શકત ? (અહીં એ ઉમેરવું જોઈએ કે અમેરિકા આદિ દેશોમાં મુક્ત અર્થતંત્રની હિમાયત કરતા અર્થશાસ્ત્રીઓની સંખ્યા સાવ નગણ્ય નહોતી.) વળી, જે રાજ્યવાદી નીતિ અપનાવવામાં આવી હતી, તેની તરફેણમાં કરવામાં આવેલી દલીલો પણ પ્રતીતિકર હતી.

પણ બજારવાદી નીતિ અપનાવવામાં આપણે ઘણો વિલંબ કર્યો. એવા તારણ પર પહોંચતાં પહેલાં નજીકના ભૂતકાળનું સ્મરણ કરવા જેવું છે. બજારવાદી નીતિઓ ૧૯૮૦ પછીનાં વર્ષોમાં જ ચલણી બની છે. ચીને સામ્યવાદી અર્થવ્યવસ્થાનો ત્યાગ ૧૯૭૮માં કર્યો હતો; જાહેર સાહસોનું ખાનગીકરણ કરીને બ્રિટને સમાજવાદનો ત્યાગ ૧૯૮૦-’૯૦ના દસકામાં કર્યો હતો. રશિયા અને પૂર્વ યુરોપના સામ્યવાદી દેશોએ સામ્યવાદી અર્થવ્યવસ્થાનો ત્યાગ ૧૯૯૦ની આસપાસનાં વર્ષોમાં કર્યો હતો. ભારતમાં પણ જેને ૧૯૯૧માં નવી નીતિ તરીકે વર્ણવવામાં આવી હતી. તેનો પ્રારંભ ૧૯૮૦-’૯૦ના દસકામાં ધીમે પગલે લઈ ગયો હતો. મુદ્દો એ છે કે રાજ્યવાદી કે સમાજવાદી નીતિઓના યુગના અસ્તનો આરંભ અને મુક્તબજારની નીતિઓના યુગના ઉદયનો આરંભ ૧૯૮૦ના અરસામાં થયો હતો. આ યુગપલટાની આગાહી કોઈ કરી શક્યું નહોતું. રશિયામાં લોહીનું ટીપું ય પાડ્યા વિના સામ્યવાદી વ્યવસ્થાનો અંત આવશે એવી કલ્પના પણ કોઈ કરી શકે?

શિનોયને યાદ કર્યા છે, ત્યારે દેશની આર્થિક નીતિ અંગે તેમણે કરેલી  ભલામણોનું સ્મરણ પણ કરવા જેવું છે. એક, પંચવર્ષીય યોજના માટેનાં નાણાં મેળવવાના એક સાધન તરીકે ખાધપૂરક નાણાંનો ઉપયોગ કરવા સામે તેમનો સખત વિરોધ હતો. ખાધપૂરક નાણાના ઉપયોગથી જે ફુગાવો સર્જાય, તે અર્થતંત્ર માટે વિવિધ રીતે હાનિકારક છે, એમ તેઓ માનતા હતા. પણ દેશમાં બહુમતી અર્થશાસ્ત્રીઓ એમનાથી જુદો મત ધરાવતા હતા. વળી, શાસકો પણ વિત્તીય શિસ્ત પાળવામાં શિથિલ હતા. તેથી ખાધપૂરક નાણાંનો ઉપયોગ થતો રહ્યો અને લોકો ફુગાવાની પીડા વેઠતા રહ્યા. આજે હવે રાજકોષીય ખાધને સીમિત રાખીને ફુગાવાને વાર્ષિક ત્રણ ટકા જેટલો નીચો રાખવાની નીતિ અંગે વ્યાપ્ત સંમતિ પ્રવર્તે છે. અલબત્ત, ડાબેરી અર્થશાસ્ત્રીઓ રાજકોશીય ખાધની મર્યાદા સાથે સંમત થયા નથી, પણ હવે એમની વિચારધારા પ્રભાવક રહી નથી.

બીજું, ૧૯૫૭માં જ્યારે હૂંડિયામણની કટોકટી સર્જાઈ, ત્યારે શિનોયે તેના ઉપાય માટે રૂપિયાનું અવમૂલ્યન કરવાની હિમાયત કરેલી. પણ એ વિશે લખનારા મોટા ભાગના અર્થશાસ્ત્રીઓએ શાસ્ત્રીય સ્વરૂપનાં વિવિધ કારણો આગળ ધરીને ભારત માટે અવમૂલ્યન કારગત નહીં નીવડે, એવી રજૂઆત કરેલી. સરકારે પણ અવમૂલ્યન ટાળ્યું. છેવટે ૧૯૬૬માં રૂપિયાનું અવમૂલ્યન કરવામાં આવ્યું. પણ રૂપિયાનું અવમૂલ્યન કરવા માટે એનાથી વધારે ખરાબ વર્ષ પસંદ ન થઈ શક્યુ હોત! ૧૯૭૧ પછી તો દુનિયાના દેશોમાં હૂંડિયામણનો દર સત્તાવાર રીતે નક્કી કરીને, તેને ટકાવી રાખવાની નીતિનો જ ત્યાગ કર્યો અને હૂંડિયામણના દરને બજારનાં પરિબળો દ્વારા નક્કી થવા દેવાની નીતિ અપનાવી બજારવાદના યુગનો એ આરંભ હતો. એ પૂર્વે હૂંડિયામણના દરને બજારનાં પરિબળો ઉપર છોડી દેવો જોઈએ કે કેમ તેને અંગે અર્થશાસ્ત્રીઓ વચ્ચે દોઢેક દસકા સુધી વિવાદ ચાલ્યો હતો.

-2-

અમેરિકામાં ૨૦૦૮માં આવેલી નાણાકીય કટોકટી બીજું ઉદાહરણ છે. જેમાં લઘુમતી સાચી પુરવાર થઈ હોય. એ કટોકટીનાં બે પાસાં હતાં. એક અમેરિકા અને અન્ય વિકસિત દેશોમાં મકાનોના ભાવ ખૂબ વધ્યા હતા અને છતાં વધવાના ચાલુ રહ્યા હતાં. અમેરિકામાં એના માટે અપાતાં ધિરાણો ઉન્માદની હદે વધ્યાં હતાં. મકાનોના વધેલા ભાવોનો ફુગ્ગો ફૂટી જવાની ચેતવણી કેટલાક અર્થશાસ્ત્રીઓએ આપી હતી. છેક ૨૦૦૨માં કેટલાક અર્થશાસ્ત્રીઓએ મકાનોની કિંમતો વધારે પડતી વધી ગઈ હોવાનો મત પ્રગટ કર્યો હતો. એ પછીના વર્ષે એક અર્થશાસ્ત્રીએ એવો મત વ્યક્ત કર્યો હતો કે અમેરિકાના મકાનોનાં બજારમાં છેલ્લો મોટો ફુગ્ગો (bubble) ચાલી રહ્યો છે. લંડનના ‘ધ ઇકોનોમિસ્ટે’ જૂન ૨૦૦૫ના તેના એક અંકમાં ચેતવણી ઉચ્ચારી હતી : ‘દુનિયાભરમાં મકાનોના ભાવોમાં જે વધારો થઈ રહ્યો છે તે ઇતિહાસમાં સહુથી મોટો ફુગ્ગો છે. એ ફૂટી જાય ત્યારે, એમાંથી ઉદ્ભવનારી આર્થિક વેદના ભોગવવાની તૈયારી રાખો.’ અલબત્ત, આ ફુગ્ગો ફૂટવાની તારીખ કોઈએ આપી નહોતી.

બીજી બાજુ સત્તાવાર કહી શકાય એવો મત હતો, જે કદાચ બહુમતી અર્થશાસ્ત્રીઓનો પણ મત હતો. અમેરિકાની ફેડરલ રિઝર્વ સિસ્ટમના અધ્યક્ષપદે ૧૮ વર્ષ રહેલા ગ્રીનસ્પાને ભારપૂર્વક કહેલું કે અમેરિકા મકાનોના ભાવોના ફુગ્ગાથી પીડાઈ રહ્યું નથી. ઑક્ટોબર ૨૦૦૪માં એમણે એવી દલીલ કરી હતી કે મકાનોમાં સટ્ટાને અવકાશ નથી. એ દલીલમાં એ અભિપ્રેત હતું કે સટ્ટાખોરીથી જ ફુગ્ગો (‘બબલ’) આવી શકે. જૂન ૨૦૦૫માં તેમણે ફરીથી રાષ્ટ્રીયસ્તરે મકાનોના ભાવમાં બબલની શક્યતા નકારી કાઢી હતી, કેમ કે મકાનો માટેનું બજાર સ્થાનિક હોય છે.

ઑગસ્ટ ૨૦૦૫માં અમેરિકાના પ્રમુખના આર્થિક સલાહકારોની કાઉન્સિલના અધ્યક્ષ બર્નાનકે એ તત્કાલીન પ્રમુખ બુશને સધિયારો આપ્યો હતો : ‘મકાનોના વધેલા ભાવોને અર્થતંત્રના મજબૂત ફન્ડામેન્ટલનો ટેકો છે. અર્થતંત્રમાં મોટા પ્રમાણમાં રોજગારી સર્જાઈ રહી છે; લોકોને વધારે આવક મળી રહી છે; વસ્તી વધી રહી છે, ઘણાં વિસ્તારોમાં જમીન અને મકાનોની અછત પ્રવર્તે છે અને વ્યાજનો દર નીચો છે.’ ટૂંકમાં, મકાનોની વધતી જતી કિંમતો અર્થતંત્રમાં પ્રવર્તતાં પરિબળોનું પરિણામ છે એમ તેઓ માનતા હતા.

૨૦૦૮માં અમેરિકામાં વિત્તીય સંસ્થાઓ કટોકટીમાં મૂકાઈ તે સર્જાયેલી આર્થિક મંદીનું બીજુ પાસું હતું. કેટલીક જાણીતી બૅંકોએ અને વીમા કંપનીઓએ નાદારી નોંધાવી હતી; કેટલીક મોટી કંપનીઓને નાદારીમાંથી ઉગારી લેવા માટે સરકારે મબલખ સહાય કરી, જેથી અમેરિકાની નાણાકીય વ્યવસ્થા તૂટી ન પડે. આ કટોકટી આવી પડી તે પહેલાનાં ઇતિહાસની થોડી વિગતો નોંધીએ.

અમેરિકામાં ભારતમાં રિઝર્વ બેંક જેવી ફેડરેલ રિઝર્વના અધ્યક્ષપદે ગ્રીનસ્પાન ૧૮ વર્ષ રહેલા. તેમણે નાણાંકીય સંસ્થાઓને કશા ય નિયંત્રણ વિના પોતાની રીતે વિકસવા દેવાની નીતિ અપનાવી હતી કેમ કે બજારો પોતાનું નિયંત્રણ કરી શકે તેમ છે તેમ તેઓ દૃઢપણે માનતા હતા. તેથી સરકારના નિયંત્રણને તેઓ બિનજરૂરી ગણતા હતા. ગ્રીનસ્પાનની નીતિને પરિણામે નાણાકીય સંસ્થાઓએ ધિરાણના વિવિધ તરીકા શોધી કાઢ્યા હતા. મકાનો માટે જે મબલખ અને જોખમી ધિરાણો અપાયાં હતા. તેમાં એ તરીકા કામ કરી રહ્યા હતા.

ગ્રીનસ્પાનની આ નીતિને મોટાભાગના અર્થશાસ્ત્રીઓને વખાણી હતી. ૨૦૦૫માં ઑગસ્ટમાં કાન્સાસ નગરમાં બહાર પ્રાદેશિક ફેડરલ બૅંકોએ એક પરિસંવાદનું આયોજન કર્યું હતું, વિષય હતોઃ ગ્રીનસ્પાન યુગના બોધપાઠ. ગ્રીનસ્પાને તેમાં ઉદ્ઘાટન-પ્રવચન આપ્યું હતું. મોટાભાગના અર્થશાસ્ત્રીઓએ પૂર્વ અધ્યક્ષ ગ્રીનસ્પાનની નીતિના મુક્ત કંઠે વખાણ કર્યા. એક અર્થશાસ્ત્રીએ કહ્યુંઃ ‘એ નિર્વિવાદ વાત છે કે ફેડરેલ રિઝર્વ સિસ્ટમના અધ્યક્ષ તરીકે ગ્રીનસ્પાનની સફળતા આશ્ચર્યચક્તિ કરી દે એવી છે.’

પણ ગ્રીનસ્પાન અને તેમની નીતિની સફળતાના આ સમૂહગાનમાં ભારતીય અર્થશાસ્ત્રી રઘુરામ રાજને સૂર ન પુરાવ્યો. તેમણે અનિયંત્રિત નાણાકીય સંસ્થાઓ વચ્ચે વધેલી સ્પર્ધાએ બૅંકો માટે ઊભાં કરેલાં જોખમોનો નિર્દેશ કર્યો : જે પ્રથા વિકસી છે તેમાં બૅંકો પાસે રહેલી સંપત્તિ(એસેટ્સ)ની કિંમતો ઘટી જવાનું કે બૅંકો પાસે રહેલાં નાણાં ઘટી જવાનું મોટું જોખમ ઊભું થયું છે. તેમણે બીજાં જોખમોનો પણ ઉલ્લેખ કર્યો. દા.ત. બૅંકોના મેનેજરોને નફાના આધાર પર બોનસ અપાયા છે. આ પ્રથામાં મેનેેજરો જેમાંથી વધારે વળતર મળે છે એવાં જોખમી ધિરાણો વધુ પ્રમાણમાં આપવા પ્રેરાય છે. તેમણે એ પણ કહ્યું કે શેરબજારમાં આવતા આંચકાની તુલનામાં નાણાકીય સંસ્થાઓને લાગતો આંચકો અર્થતંત્ર માટે વધારે જોખમી છે.

આ હેવાલ આપનાર અર્થશાસ્ત્રીએ નોંધ્યું છે, ‘આવા પરિસંવાદમાં સ્ટેજ પર ઘસી જવાની અને ખુરશીઓ ઉછાળવાની પ્રથા નથી, અન્યથા રાજન પર શારીરિક હુમલો થયો હોત!’ પણ રાજન પછી બોલેલા વક્તાઓએ અત્યંત કટુ શાબ્દિક હુમલા તો કર્યા જ હતા. આ દાખલામાં રાજન એ પરિસંવાદમાં એકની લઘુમતીમાં હતા પણ ૨૦૦૮માં સર્જાયેલી કટોકટીએ એમને સાચા સાબિત કર્યા હતા.

* * *

અમેરિકાના આ ઉદાહરણનું થોડું વિવરણ કરવા જેવું છે. મકાનોની કિંમતોમાં થયેલા વધારા અને ધિરાણ સંસ્થાઓએ વિસ્તારેલી તેમની ધિરાણપ્રવૃત્તિ અંગેની વિગતો(data)થી બધા અર્થશાસ્ત્રી સમાન રીતે વાકેફ હતા, પણ એ આર્થિક વિગતોનું અર્થઘટન જુદા જુદા અર્થશાસ્ત્રીઓએ નોખું નોખું કર્યું હતું. અર્થતંત્રના વિવિધ પરિણામો અર્થતંત્રને કઈ દિશામાં લઈ જશે એ એક ‘જજમેન્ટ’નો મુદ્દો બની રહે છે. ઘણા કેસોમાં હાઈકોર્ટમાં અપાયેલા ચુકાદાથી સુપ્રિમ કોર્ટમાં જુદા ચુકાદા આવે છે એના જેવી આ વાત છે. આ માટે કેટલાંક કારણો છે.

એક મોટું કારણ વિચારધારાનું છે. અર્થશાસ્ત્રીઓ વિચારધારાની રીતે વિવિધ સંપ્રદાયોમાં વહેંચાયેલા છે. આ અર્થશાસ્ત્રીઓ આર્થિક ઘટનાઓનું વિશ્લેષણ એમની વિચારધારાના પરિપ્રેક્ષ્યમાં કરતા હોય છે. પણ અર્થશાસ્ત્રીઓ વચ્ચેના બધા જ મતભેદોને વિચારધારાના આધાર પર સમજાવી શકાય તેમ નથી. આમાં એક પ્રકારની અંતઃ સ્ફૂરણાનું તત્ત્વ પણ કામ કરતું હોય છે. એક જુદા ક્ષેત્રનો દાખલો આપીને આ મુદ્દાને સ્પષ્ટ કરું. વક્તૃત્વ સ્પર્ધાના એક નિર્ણાયક તરીકે મારે કામગીરી બજાવવાની આવતી ત્યારે મારો એ અનુભવ હતો કે વક્તા એકાદ મિનિટ બોલે એના આધાર પર એનું મૂલ્યાંકન અનાયાસે મારા મનમાં થઈ જતું હતું. એના બાકીના વક્તવ્યમાંથી હું થઈ ચુકેલા મૂલ્યાંકનમાં સમર્થન માટેના મુદ્દાઓ પર ધ્યાન આપતો હતો અને વિરુદ્ધ જતા મુદ્દાઓને નજરઅંદાજ જ કરતો હતો, કેવળ આર્થિક જ નહીં, સામાજિક, રાજકીય ઘટનાઓની આલોચનામાં પણ આવું બને છે. બહુ ઓછી માહિતીના આધાર પર વ્યક્તિનો મત બંધાઈ જતો હોય છે અને વ્યક્તિ અંગે એક પ્રભાવક મત ઊભો થાય ત્યારે તેને મોટી સંખ્યામાં છે.

સમાજવાદની વિચારધારાએ ભારતમાં જેમ  શિનોયને હાંસિયામાં ધકેલી દીધા હતા તેમ અમેરિકામાં શિકાગો સ્કૂલની મુક્ત બજારની વિચારધારાએ બહુ ઓછા જાણીતા એક અર્થશાસ્ત્રી મિન્સ્કી(Hyman Minsky)ને હાંસિયામાં ધકેલી દીધા હતા પણ ૨૦૦૮માં અમેરિકામાં નાણાંકીય કટોકટી સર્જાઈ ત્યારે અમેરિકાના જાણીતા ‘ધ વૉલ સ્ટ્રીટ જર્નલ’ના મુખ્ય પાન પરના લેખમાં તેમના વિશે લખવામાં આવ્યું હતું : ‘બજારમાં તાજેતરમાં જે ઉથલપાથલ થઈ છે તેનાથી દુનિયાભરમાં શેરોના ભાવ ગગડી ગયા છે પણ એક વ્યક્તિનો ભાવ વધી ગયો છે; એ ઘણા ઓછા જાણીતા અર્થશાસ્ત્રી છે, જે એકાએક બહુ જાણીતા થઈ ગયા છે.’

મુખ્ય પ્રવાહોના અર્થશાસ્ત્રીઓ, મુખ્યત્વે શિકાગો સ્કૂલના અર્થશાસ્ત્રીઓ બજારોને કાર્યક્ષમ માને છે અને તેથી સરકારનાં નિયંત્રણો આવશ્યક નથી, એટલું જ નહીં, બજારની કામગીરીને બિનકાર્યક્ષમ બનાવનારાં છે એમ માને છે. મિન્સ્કીએ એ મત સ્વીકાર્યો નહોતો. તેમના મતે દેશની વિત્તપ્રથા (ફાયનાન્સિયલ સિસ્ટમ) અને અર્થતંત્ર હવામાન જેવાં અસ્થિર છે. અર્થતંત્રની અસ્થિરતા માટે જવાબદાર એક પરિબળ લોકોના વર્તનમાં આવતા અણધાર્યા  પરિવર્તનો હોય છે. બીજાં પરિબળોમાં મૂડીરોકાણ અને નવપ્રવર્તનો (ઇનોવેશન્સ) છે. મૂડી રોકાણો અને નવપ્રવર્તનોને બજારમાં સાનુકૂળ પ્રતિભાવ સાંપડે તો તેમાંથી અર્થતંત્રમાં વાવાઝોડું આવી શકે. મતલબ કે બજારની કામગીરી પોતે જ અસ્થિરતા સર્જનારી છે. તેને રાજ્યની નીતિઓ દ્વારા નિયંત્રિત કરવી જરૂરી છે.

પણ અર્થતંત્રને રાજ્યનાં નિયંત્રણોથી મુકત રાખવું એ અમેરિકામાં અર્થશાસ્ત્રીઓના મુખ્ય પ્રવાહની વિચારધારાનો પાયાનો મુદ્દો છે. એનું પાયાનું મૂલ્ય વ્યક્તિ સ્વાતંત્ર્યનું છે. ૧૯૩૦ની મોટી મંદીમાંથી અસ્તિત્વમાં આવેલી કેઇન્સવાદી વિચારધારા રાજ્યના નિયંત્રણ દ્વારા અર્થતંત્રને નિયંત્રિત કરવાની હિમાયત કરતી હતી. મિન્સ્કી એ સંપ્રદાયના અર્થશાસ્ત્રી હતા તેથી તેમની ઉપેક્ષા કરવામાં આવી હતી. ૨૦૦૮ની કટોકટીએ તેમને સાચા સાબિત કર્યા અને તેમની જાણીતા કર્યા ત્યારે તે હયાત નહોતા.

આર્થિક પ્રવાહો રાજ્યની આર્થિક નીતિથી પણ બદલાતા હોય છે. શાસકો બદલવાથી ક્યારેક ક્યારેક આર્થિક નીતિઓ બદલાતી હોય છે. એમાં લોકમત નિર્ણાયક નીવડતો હોય છે. અમેરિકાના પ્રમુખપદે ટ્રમ્પ ચૂંટાઈ આવ્યા અને ઇંગ્લૅન્ડની પ્રજાએ યુરોપીય સંઘમાંથી છૂટા થવાની તરફેણમાં મત આપ્યો તે ત્રણેક દસકાથી ચાલતા વૈશ્વિકીકરણનાં વળતાં પાણી સૂચવે છે કે કેમ તેનો નિશ્ચિત ઉત્તર આપણે આજે આપી શકતા નથી, પણ આ દાખલામાં ઇંગ્લૅન્ડ અને અમેરિકામાં નાગરિકોમાં ‘વિદેશીઓ તેમની રોજગારી છીનવી રહ્યા છે’ એ પ્રચાર કામ કરી ગયો. લોકરંજક નેતાઓ જૂઠાણા પણ આધારિત પ્રચાર દ્વારા લોકોને કેટલી હદે ગેરમાર્ગે દોરી શકે છે તેનો એક દાખલો લઈએ.

ફ્રાન્સમાં ‘પ્લમર ફોબિયા’ના નામે ઓળખાતો એક કિસ્સો જાણીતો છે. ફ્રાન્સમાં એવો પ્રચાર ચાલ્યો હતો કે પૉલેન્ડમાંથી મોટી સંખ્યામાં પ્લમરો આવશે અને ફ્રાન્સના પ્લમરોની રોજી છીનવી લેશે. એ વર્ષે (૨૦૦૫માં) ફ્રાન્સમાં બેકારીનું પ્રમાણ વધુ હોવાથી પ્લમરો બેકારીના ભયથી ફફડી ઊઠ્યા હતા. વાસ્તવમાં ફ્રાન્સમાં પૉલેન્ડના પ્લમરને કોઈએ જોયો નહોતો. ફ્રાન્સના પ્લમરોના મંડળે આપેલા આંકડા પ્રમાણે પૉલેન્ડમાંથી ફ્રાન્સમાં આવેલા પ્લમરોની સંખ્યા ફક્ત ૬૫૦ની હતી અને તે બધા ટૂંકી મુદતના કરાર પર આવ્યા હતા. હકીકતમાં દેશમાં છ હજાર જેટલા પ્લમરોની અછત હતી.

અમેરિકા અને બ્રિટનમાં આ હદે જૂઠો પ્રચાર ચાલતો નથી, પણ દેશના નાગરિકોને તેમની રોજગારી પર વિદેશીઓના આક્રમણથી ભડકાવવામાં આવ્યા છે. બ્રિટન અને જર્મનીમાં બહારથી આવેલા કામદારોની ખરેખર જે સંખ્યા છે તેના કરતાં બમણી સંખ્યામાં વિદેશી કામદારો કામ કરી રહ્યા છે એવું સ્થાનિક નાગરિકો માને છે; અમેરિકા અને ફ્રાન્સના નાગરિકો તો એ સંખ્યા ત્રણ ગણી હોવાનું માને છે. નાગરિકોમાં પ્રવર્તતા આવા અજ્ઞાનનો લાભ રાજકારણીઓ ઉઠાવે છે. રોજગારીનો પ્રશ્ન વિકસિત દેશોમાં ખૂબ સંવેદનશીલ બન્યો છે તેનો લાભ લઈને આ બધા દેશોમાં આત્યંતિક જમણેરી વિચારધારા ધરાવતા નેતાઓ-રાષ્ટ્રવાદીઓ લોકપ્રિય થયા છે. આમાંથી રાષ્ટ્રવિરોધી આર્થિક નીતિઓનો યુગ શરૂ થઈ શકે અને વિશ્વના આર્થિક પ્રવાહોમાં બદલાવ આવી શકે. આજના વ્યાખ્યાનના વિષયના સંદર્ભમાં જે પ્રશ્ન ઉદ્ભવે છે તે આ છે. બ્રિટનમાં ગયા વર્ષે જનમત લેવાયો તેનાં યુરોપીયન સંઘમાંથી છૂટા પડવાની તરફેણમાં બહુમતી મત પડ્યા અને અમેરિકામાં ટ્રમ્પ પ્રમુખ તરીકે ચુંટાઈ આવ્યા. આ ઘટનાઓ રાષ્ટ્રવાદી આર્થિક નીતિઓની તરફેણમાં અને વૈશ્વિકીકરણની વિરુદ્ધમાં લોકમત બદલાઈ રહ્યાનો સંકેત હતો પણ આ બદલાયેલા લોકમતની આગાહી કોણ કરી શક્યું હતું? આ ઘટના બીજી રીતે પણ નોંધપાત્ર છે. ઘણા વિકસિત દેશોમાં ઓછાવત્તા પ્રમાણમાં લોકમત એક સાથે રાષ્ટ્રવાદ તરફ વળી ગયો છે. લોકમત અથવા લોકોના વલણમાં આવા બદલાવો કેમ આવે છે અને ક્યારે આવે છે તે આપણે કહી શકતા નથી. એક વાત નક્કી છે : લોકો મોટા સમુદાય સાથે રહેવાનું પસંદ કરે છે – વિચારોની બાબતમાં અને આચરણની બાબતમાં.

આર્થિક ઘટનાઓ, પ્રવાહો અને ખાસ કરીને મંદી અને નાણાકીય કટોકટી જેવી આપત્તિઓની આગાહી કરવાની અર્થશાસ્ત્રની નિષ્ફળતા પાયામાં રહેલા કારણની ચર્ચા હવે મારે કરવી છે. અર્થશાસ્ત્રના સિદ્ધાંતો માનવી વિશેની એક ધારણા ઉપર રચાય છે : માનવી અર્થપરાયણ છે રૅશનલ છે. આનો અર્થ માત્ર એટલો જ નથી કે તે પોતાના હિતનો વિચાર કરીને વર્તે છે. એનાથી ઘણો વધારે અર્થ તેમાં સમાયેલો છે. માનવી તેને ઉપલબ્ધ બધા વિકલ્પોમાંથી મળનાર લાભ અને તેના માટે કરવા પડનાર ખર્ચની તુલના કરીને શ્રેષ્ઠ વિકલ્પની પસંદગી કરે છે. શેરબજારમાં રોકાણ કરતી વ્યક્તિ અનેક કંપનીઓનાં સરવૈયાં તથા એ કંપનીઓ જે ઉદ્યોગમાં રોકાયેલી હોય એ ઉદ્યોગોના ભાવિનો પૂરો અભ્યાસ કરીને રોકાણ માટેના શેરોની પસંદગી કરે છે. વાત અહીં પૂરી થતી નથી. શેરના ભાવોને અસર કરતાં અન્ય તમામ વર્તમાન અને ભાવિ પરિબળોને પણ તે ગણતરીમાં લે છે. દા.ત. સરકારની નીતિમાં આવનાર પરિવર્તન તેની ગણતરી બહાર નથી રહેતું. મતલબ કે ભવિષ્યમાં બનનારી ઘટનાઓથી ધારણાઓ પૂરતી માહિતી ઉપર આધારિત હોય છે. તેથી તેને કોઈ અનિશ્ચિતતાનો સામનો કરવાનો આવતો નથી.

અર્થશાસ્ત્રમાં આજે પ્રભાવક શિકાગો સ્કૂલે આવા તર્કપરાયણ માનવીની ધારણા ઉપર માનવીના વર્તન અંગેના સિદ્ધાંતો રચ્યા છે. આ અર્થપરાયણ માનવી સ્વતંત્ર રીતે જ નિર્ણયો કરે છે, તે દેખાદેખીથી કોઈ નિર્ણય કરતો નથી. માનવીના વર્તન વિશેની આ ધારણાઓને કારણે શેરબજાર, મકાનો માટેના બજાર, ખનીજ તેલ માટેના બજાર કે અન્ય કોઈ બજારમાં ભાવો વધારે પડતા વધી જવાની, ‘બબલ’ થવાની કોઈ સંભાવના ઉદ્ભવતી નથી. અર્થતંત્રમાં જે ભાવો હોય પ્રવર્તતા હોય તે અર્થતંત્રમાં કાર્યરત પરિબળોનું જ પરિણામ હોય. તેથી ભાવોનો ફૂગ્ગો ફૂટી જઈને કટોકટી સર્જાવાનો પ્રશ્ન જ ઊભો થાય નહીં, આ સિદ્ધાંતોના માળખામાં રહીને વિચારતા અર્થશાસ્ત્રીઓ વિત્તીય કટોકટી અને મંદી જેવી આર્થિક આપત્તિઓની આગાહી ન કરી શકે તે સહજ છે.

આવા અર્થપરાયણ કે રૅશનલ માનવીની ધારણાને કેટલાક મનોવૈજ્ઞાનિકો અને અર્થશાસ્ત્રીઓએ પડકારી છે. તેમણે માનવીની પસંદગી અંગે પ્રયોગો કરીને તથા વ્યવહારમાં માનવીઓના વર્તનનો અભ્યાસ કરીને સાબિત કર્યું છે કે માનવી તર્કબદ્ધ રીતે વર્તતો નથી. તે કેવળ પોતાના જ નહીં, બીજાઓના અનુભવથી પણ દોરવાય છે. તે સ્વતંત્ર રીતે નિર્ણયો કરતો નથી પણ ઘણા દાખલાઓમાં તે ઘેટાશાહી (herd mentality) દાખવીને મોટા સમુદાયને અનુસરવાનું પસંદ કરતો હોય છે. ઘણા દાખલાઓમાં તેને આપવામાં આવેલા વિકલ્પો વિશે વિચાર કર્યા વિના તે વિકલ્પ પસંદ કરી લેતો હોય છે. માનવી જો આ રીતે જ નિર્ણય કરતો હોય તો તેના વર્તન વિશે આગાહી કરવાનું શક્ય ન બને તે સમજી શકાય તેવું છે.

કેટલાક મનોવૈજ્ઞાનિકો અને અર્થશાસ્ત્રીઓએ માનવીઓના વર્તન વિશેની આ વાસ્તવિકતા સ્વીકારીને અર્થશાસ્ત્રમાં વર્તનલક્ષી અર્થશાસ્ત્ર(Behavioral Economics)ના નામથી એક શાખા શરૂ કરી છે. તે પોતાને મુખ્ય શાખાથી જુદા પાડવા માટે મનુષ્ય વાસ્તવમાં જેવો છે તેવો સ્વીકારી લઈને તેના વર્તનનો અભ્યાસ કરે છે. આ માટે અંગ્રેજીમાં તેમણે બે શબ્દો પ્રયોજ્યા છે. અર્થશાસ્ત્રના મુખ્ય પ્રવાહના માનવીઓને તેમણે Homo Economicus કહ્યા છે, જ્યારે એમના માનવીઓને તેમણે Homo sapiens કહ્યા છે.

પણ પ્રશ્ન આ છે. માનવી અને તેના વર્તનનો અભ્યાસ વાસ્તવિક ધારણાઓના આધાર પર કરવાથી આર્થિક પ્રવાહો અંગે ભરોસાપાત્ર આગાહી થઈ શકશે? આ પ્રશ્ન આગાહી અંગેની તાત્ત્વિક ચર્ચા તરફ દોરી જાય છે. આગાહી નિશ્ચિત રીતે બનનારી ઘટનાઓની થઈ શકે. જે ઘટનાઓ બનવાનું જ અનિશ્ચિત હોય તેની આગાહી ન થઈ શકેેેેે. ભારતમાં પ્રવર્તતી લોકમાન્યતા આના સંદર્ભમાં નોંધવા જેવી છે : નવજાત શિશુના લેખ છઠ્ઠીએ વિધાતા લખી જાય છે. આનો અર્થ એવો થાય છેે કે બાળકના સમગ્ર જીવનમાં બનનારી ઘટનાઓ નક્કી થઈ જાય છે. એ નિશ્ચિત હોવાથી જ્યોતિષ શાસ્ત્રની મદદથી તે અગાઉથી જાણી શકાય. આમાં કર્મ અને પુનર્જન્મના સિદ્ધાંતનો ટેકો સાંપડે છે. મારે એટલું જ સૂચવવું છે કે ભારતીય જ્યોતિષશાસ્ત્ર, વ્યક્તિના જીવનમાં બનનાર ઘટનાઓ નિશ્ચિત થઈ ચૂકેલી હોય છે એવા ગૃહિત પર રચાયેલુ છે. અલબત્ત, એનો પાયો કેટલો સાચો છે તે વિવાદનો મુદ્દો છે. અન્ય દેશોમાં પ્રચલિત જ્યોતિષશાસ્ત્રોને આવો તાર્કિક પાયો છે કે કેમ તે હું નથી જાણતો.

આના સંદર્ભમાં પૂછવાનો પ્રશ્ન આ છે : સમાજમાં આવતાં આર્થિક, સામાજિક, ઇત્યાદિ પરિવર્તનો વિધાતાના લેખ પ્રમાણે નિશ્ચિત થઈ ગયેલાં છે? પ્રશ્નને આધુનિક પરિભાષામાં મૂકું : સમાજનાં વિવિધ પાસાંમાં આવતાં પરિવર્તનો કોઈ ડિઝાઈન પ્રમાણે થઈ રહ્યાં છે કે તે યાદૃચ્છ કે આકસ્મિક બનતી ઘટનાઓ છે? એ કાંઈ ડિઝાઈન પ્રમાણે થઈ રહ્યાં હોય તો પણ આપણે તેની આગાહી કરી શકીએ તેમ નથી કેમ કે એ ડિઝાઈનનો નકશો આપણી પાસે નથી. સમાજનાં પરિવર્તનો યાદૃચ્છ રીતે જ થતાં હોય તો અનિશ્ચિત હોવાથી તેની આગાહી થઈ શકે નહીં. અનિશ્ચિતતા કે અનપેક્ષિત ઘટનાઓ જ ભવિષ્ય છે તેથી તેના વિશેની આગાહીઓ ભરોસાપાત્ર ન હોય તે અપેક્ષિત છે.

અર્થશાસ્ત્રના જ્ઞાનના આધારે ભાવિ આર્થિક ઘટનાઓની આગાહી થઈ શકતી નથી તેથી કરીને એ જ્ઞાનનું મૂલ્ય ઘટતું નથી. ક્યાં અને ક્યારે ધરતીકંપ થશે તેની આગાહી કરી શકાતી નથી તેથી કરીને ધરતીકંપ અંગેનું આપણું જ્ઞાન નિરર્થક નથી નીવડ્યું. હૃદયરોગના નિષ્ણાતો કઈ વ્યક્તિઓને ક્યારે હૃદયરોગનો હુમલો આવશે તેની આગાહી કરી શકતા નથી, પણ હૃદયરોગ વિશેનું તેમનું જ્ઞાન દર્દીને સાજો કરવામાં ઉપયોગી નીવડે છે. અર્થશાસ્ત્રમાં સંપાદિત થયેલા જ્ઞાનને આ દૃષ્ટિએ જોવાનું છે.

છેલ્લે, મારે કુમારપાળભાઈ અને પ્રીતિબહેનનો આભાર માનવાનો છે. અહીં રજૂ કરેલા વિચારો અને વિગતો મારા મનમાં પડેલાં હતાં. તેમને ગોઠવીને આકાર આપવા માટે આવા નિમિત્તની જરૂર પડે છે. આ વ્યાખ્યાન દ્વારા તેમણે મને એવું નિમિત્ત પૂરું પાડ્યું, એ માટે હું સાચે જ એમનો આભારી છે.

[ગુજરાત વિશ્વકોશ ટૃસ્ટની ‘શ્રી ભદ્રંકર વિદ્યાદીપક જ્ઞાન-વિજ્ઞાન વ્યાખ્યાન શ્રેણીમાં 26 અૅપ્રિલ 2017ના રોજ આપેલું વ્યાખ્યાન]

પાલડી, અમદાવાદ

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જૂન 2017; પૃ. 18, 19 અને 07 તેમ જ 16 જુલાઈ 2017; પૃ. 07-09 

Loading

20 July 2017 admin
← કિતની આઁહો સે કલેજા ઠંડા હો તેરા …
ભારતની લોકશાહી પરનું કલંક લિન્ચિન્ગ : ગાયના નામે લઘુમતીઓ પર હિંસાચા →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved