ગુજરાતમાં — ખાસ કરીને અમદાવાદમાં કોરોનાના કેસ ઝડપભેર વધી રહ્યા છે. જો આમ જ ચાલ્યું, તો આવનારા દિવસોમાં કેટલા કેસની સંભાવના છે, તેનો અમદાવાદના મ્યુનિસિપલ કમિશનરે ફેરવી તોળ્યા પહેલાં આપેલો આંકડો ગંભીર અને તોતિંગ હતો. એવા સમયમાં સરકારી અને સંસ્થાગત સાધનો ટાંચાં જ પુરવાર થાય.
આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે અમદાવાદની એમ.પી. શાહ કૅન્સર હૉસ્પિટલના ભૂતપૂર્વ નિયામક ડૉ. પંકજ શાહે સૂચવ્યું છે કે કોરોનાનાં લક્ષણ ન ધરાવતા કોરોના-પૉઝિટિવ દરદીઓને હૉસ્પિટલમાં દાખલ કરવાથી આરોગ્યસેવાઓ પર બિનજરૂરી ભારણ વધે છે. આ સુવિધાઓ ગંભીર સ્થિતિમાં રહેલા દરદીઓ માટે રહેવા દેવી જોઈએ. લક્ષણો વગરનાં દરદીઓને હૉસ્પિટલમાં દાખલ કર્યા પછી પણ તેમને શી સારવાર અપાય છે? કોરોનાની કોઈ ચોક્કસ સારવાર તો છે નહીં. તેમને બીજો કોઈ ચેપ ન લાગે તે માટે એઝિથ્રોમાઇસિનની ટીકડી, તાવ માટે ક્રોસિન જેવી પૅરાસિટામોલની ટીકડી, હાઇડ્રૉક્સિ-ક્લોરોક્વિન તથા વિટામિન સી આપવામાં આવે છે. આ સારવાર તો દરદીના ઘરે પણ પૂરી પાડી શકાય અને વીડિયો કૉલથી તેની પર દેખરેખ રાખી શકાય.
કોરોનાનો ચેપ ધરાવતા ઘણા લોકોને તેનાં લક્ષણ દેખાતાં નથી. બીજા થોડા કિસ્સામાં ચેપના પરિણામે ત્રણથી પાંચ દિવસ સુધી શરદી-ખાંસી થયા પછી ચેપ મટી જાય છે. સાઠથી વધુ ઉંમર અને ગંભીર બીમારી ધરાવતાં દરદીઓને વૅન્ટિલેટર જેવી હૉસ્પિટલની સુવિધાઓની જરૂર પડવાની છે. તેમને જોઈએ ત્યારે આ સુવિધાઓ ઉપલબ્ધ હોય અને ગંભીર ચેપ ન ધરાવતા લોકોમાં તે સુવિધાઓ રોકાઈ ન જાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. ટૂંકમાં, ગંભીર બીમારી ન હોય તેમને ઘરે જ ક્વૉરન્ટીન કરીને, તેમની દૂર રહ્યે સારસંભાળ રાખવાની વ્યવસ્થા અસરકારક પણ બની શકે છે અને તેનાથી આરોગ્યસેવાઓ પરનો બોજ ઘણે અંશે હળવો કરી શકાય છે.
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 30 ઍપ્રિલ 2020