
નેહા શાહ
ચોમાસું શરૂ થયું છે ત્યારથી લગભગ સતત હિમાલયના રાજ્યોની તબાહીનાં દૃશ્યો આપણી સામે આવ્યા જ કરે છે. કાગળના ઘરોની માફક તણાઈ જતાં મકાનોના વીડિયો આપણે સોશ્યલ મીડિયા પર લગભગ રોજ જોઈ રહ્યા છીએ ! માત્ર ૨૦૨૫ના વર્ષમાં ત્રીસથી વધુ વાદળ ફાટવાની ઘટનાઓ બની છે. વાદળ ફાટે, અચાનક પૂર આવે, તળાવ ફાટવાની ઘટના બને, મકાનો પાણીમાં તણાઈ જાય, આખું ગામ કાદવ તળે દટાઈ જાય, પુલ તૂટી જાય, ઠેર ઠેર ભૂસ્ખલન થાય અને નદીનો પ્રવાહ બદલાઈ જાય …. આ ઘટનાઓના સમાચાર અટકતા જ નથી. હિમાચલ પ્રદેશમાં કુલ્લુ અને મંડી, ઉત્તરાખંડમાં ધરાલી, જમ્મુ-કાશ્મીરમાં કિશ્તવાડ, તેમ જ ઉત્તરાખંડમાં ચમોલી – લગભગ એક જ મહિનાની અંદર આ બધી ઘટના બની ! આ માત્ર ભારે વરસાદની ઘટનાઓ નથી. હવે આપણી સામે સ્પષ્ટ થઇ ગયું છે કે બદલાયેલી પર્યાવરણના ચક્ર સાથે બદલાયેલી વરસાદની તરાહ છે જે માનવ વસાહત માટે ખતરનાક બની રહી છે. ડાઉન ટૂ અર્થ (ડી.ટી.ઈ.) દ્વારા કરાયેલા એક વિશ્લેષણ જાન્યુઆરી થી ૧૮ ઓગસ્ટ 2025 સુધીના સમય દરમ્યાન હિમાલયમાં લગભગ રોજની એક કટોકટી નોંધાઈ છે, જેમાં 632 લોકો માર્યા ગયા! માત્ર હિમાચલ પ્રદેશમાં જ પાછલા બે મહિનામાં ૨૦૦ થી વધુ લોકોનાં પૂરને કારણે મૃત્યુ થયાં છે. પાંચ વર્ષનું વિશ્લેષણ કરીએ તો દર વર્ષે વરસાદી પેટર્ન વધુ ને વધુ ખરાબ થઈ રહી છે. આ લખાય છે ત્યારે રાવિ, સતલજ, બિયાસ અને જેલમ જેવી મોટી નદીઓ પૂરગ્રસ્ત છે જે કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને પંજાબમાં તારાજી ફેલાવી રહી છે.
હિમાલયમાં બદલાયેલી વરસાદની તરાહ માટે વૈજ્ઞાનિકો આબોહવાના પરિવર્તનને જવાબદાર માની રહ્યા છે. વિશ્વના અન્ય વિસ્તારોની તુલનામાં હિમાલય ઝડપથી ગરમ થઈ રહ્યાનું અનુમાન છે. ઉષ્ણતામાન વધવાની સાથે હવામાં વધુ ભેજ ભેગો થાય છે, પરિણામે વરસાદ વધુ તીવ્ર અને અનિયમિત બનાવે છે. હિમાલયનો પ્રશ્ન જેટલો વૈશ્વિક ગ્લોબલ વોર્મિંગનો છે તેટલો જ સ્થાનિક પણ છે. આ પર્વતમાળાની નાજુક ભૌગોલિક અને ભૂસ્તરીય રચનાને ધ્યાનમાં રાખી ત્યાં થઇ રહેલા વિકાસનાં કામોની સંભવિત અસરો વિષે વર્ષોથી વૈજ્ઞાનિકો ધ્યાન દોરી રહ્યા છે. પહાડોમાં બંધાયેલા બંધ અને હાઈડ્રો પાવર પ્લાન્ટ, મોટા પાયે જંગલોની કાપણી, ખાણ અને ખનીજકામ અને ઉદ્યોગો ભેગા થઈને આ વિસ્તારના પર્યાવરણ ચક્રને પૂરતું નુકસાન કરી ચુક્યા છે. એમાં ઉમેરો થાય છે પ્રવાસન (ટુરીસમ) ઉદ્યોગની માંગને પહોંચી વળવાનું દબાણ. હિમાલયના રાજ્યોમાં ટુરીસમ સીધી રીતે સાતથી આઠ ટકા આવક ઊભી કરે છે અને આડકતરી રીતે લગભગ વીસથી પચીસ ટકા આવકનો સ્રોત છે. હાલનો પ્રવાસન ઉદ્યોગ ઉપભોગતાવાદી છે. ધાર્મિક સ્થળોએ પહોંચતી માનવ મહેરામણમાં શ્રદ્ધાળુઓ કરતાં પૈસા ખર્ચી સગવડો માણવા પહોંચેલા ગ્રાહકો વધારે હોય છે. જેમની માંગને પહોંચી વળવા ઊભા થયેલા બજારમાં આડેધડ બંધાયેલા હોટેલોનાં મકાન, બેફામ વપરાતું પાણી અને બેરોકટોક વાહનોની અવરજવર ભેગા થઇ ને સ્થાનિક પર્યાવરણ પર ભારણ વધાર્યું છે. જ્યાં ત્યાં બંધાયેલાં મકાનો ઘણી વાર પાણીના પ્રવાહને અવરોધતા હોઈ પૂરનાં પાણી એને વહાવીને લઇ જાય. ચાર લેનના રોડ પર સડસડાટ વાહન ચલાવીએ ત્યારે અપ્રતિમ આનંદ મળે એ ખરું, પણ એની પાછળ કપાતાં જંગલ અને પર્વતના ઢોળાવને સમથળ કરવા થતી તોડફોડનું શું? હિમાલયની ભૂમિ એને ટકાવી શકે એમ છે?
આપણે વિકાસના એ તબક્કા પર પહોંચ્યા છીએ જ્યાં બધા ને બધું મેળવી લેવું છે. ઉદ્યોગો-ધંધાના વિકાસે જે ગતિ પકડી છે એમાં વિકાસને ટકાઉ બનાવવાનાં કોઈ પણ પગલાંને વિકાસના વિરોધ તરીકે જોવામાં આવે છે. એટલે જ કોઈ પણ પ્રોજેક્ટને મંજૂરી આપવા માટે પર્યાવરણનાં મૂલ્યાંકનને પણ એક વિઘ્ન તરીકે જોવામાં આવે છે, એટલે એમાં સૌથી વધારે ભ્રષ્ટાચાર પણ જોવા મળે છે. હિમાચલમાં એક ખાનગી હોટેલ ચલાવતી કંપનીએ રિસોર્ટ બનવવા માટે જમીનને ‘ગ્રીન એરિયા’ની કક્ષામાંથી હટાવવાની માંગ કરી હતી જેથી તેઓ મોટું બાંધકામ કરી શકે. નિયમો સાથેની બાંધછોડ ઘણી સામાન્ય બની ગઈ છે. આ સંદર્ભે જુલાઈ મહિનામાં સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી કે એ દિવસ દૂર નથી જ્યારે દેશના નકશામાંથી હિમાચલ પ્રદેશ ગાયબ થઇ જશે ! થોડાં વર્ષ પહેલા બનેલ મનાલીનો એક પ્રસંગ છે. પ્રવાસીઓના ધસારાને નિયંત્રિત કરવા રાજ્ય સરકારે રોહતાંગ પાસ પર જવા માટે મર્યાદિત પાસ આપવાનો હુકમ કર્યો. પણ, પ્રવાસન પર નભતા ટેક્સી ડ્રાઈવરો વિરોધમાં હડતાલ પર ઉતરી ગયા. વિકાસ અને કુદરત વચ્ચે જે વિરોધાભાસ ઊભો થયો છે એનું આ એક ઉદાહરણ. જો પર્યાવરણને બચાવાની કોશિશ કરો તો લોકોના પેટ પર લાત વાગે અને જો લોકોની રોજી-રોટીની ચિંતા કરો – જે બિન ટકાઉ વિકલ્પો પર નભી રહી છે, તો પર્યાવરણ ચક્રમાં એ હદ સુધી વિક્ષેપ થાય કે કુદરત રિસાઈને રૌદ્ર સ્વરૂપ ધારણ કરે! એની માઠી અસર સામાન્ય લોકોની રોજી રોટી પર જ સૌથી વધારે પડવાની છે.
ટકાઉ અને કલ્યાણકારી વિકાસ માટે વૈજ્ઞાનિક અભિગમ આપણે ક્યારે અપનાવીશું?
સૌજન્ય : ‘કહેવાની વાત’ નામક લેખિકાની સાપ્તાહિક કોલમ; નેહાબહેન શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર