· મોટા ભાગનો પ્રેમ, આપણે જે કહીએ છીએ અને જે કહેવા માગીએ છીએ એ બે વચ્ચેના અવકાશમાં ખોવાઈ જાય છે
· આપણને જે અવરોધે છે તે ક્ષમતાનો અભાવ નથી, આપણને આપણી જ દૃષ્ટિની સીમાઓ જકડી રાખતી હોય છે.
· વિશ્વના પટ પર ફરી વળો, એની વાતો ન કરો. સાચી પ્રેમકહાણીને જીવી જાઓ, એ વિશે કશું ન કહો. આનંદ માણો, એને વર્ણવવા ન બેસો. સુંદર બાબતોને શબ્દોથી ખરડી ન નાખો
· એક ગઈકાલ હતી, એક આજ છે અને એક આવતીકાલ હશે. હે આત્મા! તું આ શબ્દોથી કે અવકાશથી બંધાયેલો નથી
— ખલિલ જિબ્રાન
‘હું પૃથ્વીના કર્ણપટે એક શબ્દ સંભળાવવા આવ્યો છું. પ્રભુના પ્રતિબિંબ સમા પ્રેમ અને સૌંદર્યનો પ્રકાશ ઝીલવા આવ્યો છું. હું સર્વ માનવો સાથે રહેવા આવ્યો છું. મારા એકાંતમાં હું જે કંઈ કહીશ તેનો પડઘો આવતી કાલે બધાનાં હૃદયમાં પડવાનો છે.’
આ સુંદર અને અર્થઘન શબ્દો ખલિલ જિબ્રાન સિવાય કોના હોઈ શકે?
10મી એપ્રિલે આ અમર સર્જકના દેહાવસાનને 92 વર્ષ થયા. તેના જન્મને દોઢસો વર્ષ થયાં. કેટલાં ય પાણી વહી ગયાં, કેટલા ય પ્રવાહો પલટાઈ ગયા, દુનિયા કેટકેટલાં ક્રાંતિકારી પરિવર્તનોમાંથી પસાર થઈ. આમ છતાં ખલીલ જિબ્રાનના વિચારોની અને શબ્દોની તાજગી ઓસરી નથી. ક્યાંથી ઓસરે – જિબ્રાને કહ્યું છે, ‘એક ગઈકાલ હતી, એક આજ છે અને એક આવતીકાલ હશે. હે આત્મા! તું આ શબ્દોથી કે અવકાશથી બંધાયેલો નથી.’
એમનો જન્મ 1883માં સિરિયાના લેબનન પ્રાંતના એક ગામમાં. બાર વર્ષ સુધી ઘરમાં માબાપ પાસે જ શિક્ષણ થયું. એ દરમિયાન અરબી, ફ્રેન્ચ અને અંગ્રેજી ભાષાઓ શીખી લીધી. ચિત્રકામ એટલું ગમતું કે ચાર વર્ષની ઉંમરે કાગળ વાવવા અને ઉગાડવાની કલ્પના કરી, જેથી કાગળ ખૂટે નહીં. છ વર્ષની ઉંમરે ઈટલીના ચિત્રકાર લિયોનાર્ડો પર લગભગ પૂજવાની હદ સુધીનો પ્રેમ જાગ્યો.
પછી કુટુંબ અમેરિકાના બૉસ્ટનમાં આવી વસ્યું. જિબ્રાનને ત્યાં ગમ્યું નહીં. ત્યાંના શિક્ષણથી તેને એવો ત્રાસ થયો કે બે વર્ષમાં અમેરિકા છોડી એકલા જ બૈરુતમાં આવી અરબી ભણવા માંડ્યું. 1901માં મેટ્રિકની પરીક્ષા આપી ત્યારે વૈદક, આંતરરાષ્ટ્રીય કાયદો, ધર્મોનો ઇતિહાસ અને સંગીત જેવા વિષયોનો ઘણો અભ્યાસ પણ થઈ ગયો હતો. ઉપરાંત ‘ધ પ્રોફેટ’નો ખરડો અરબી ભાષામાં તૈયાર થઈ હયો હતો. ‘અલ-હકીકત’ (સત્ય) નામનું એક સામયિક પણ કાઢેલું.
મેટ્રિક થયા પછી જિબ્રાન ગ્રીસ, ઈટલી અને સ્પેન થઈ પેરિસ ગયા. 1901થી 1903 તેઓ પેરિસમાં ચિત્રકલાનો અભ્યાસ કરતા હતા. સાથે લેખન પણ ચાલતું. એમના ‘સ્પિરિટ ઑફ રિબેલિયસ’ પુસ્તકને બૈરુતના પાદરીઓએ ‘ભયંકર’ કહ્યું અને બજાર વચ્ચે બાળ્યું. જિબ્રાનને દેશવટો અને ધર્મવટો ફરમાવ્યો. જિબ્રાનને ખબર પડી ત્યારે શાંતિથી કહે, ‘પુસ્તકની બીજી આવૃત્તિની તૈયારી કરો.’ આંતરરાષ્ટ્રીય કાયદો, ધર્મોનો ઇતિહાસ અને સંગીત શીખી લીધા હતા.
મા બીમાર પડતાં જિબ્રાન 1903માં બૉસ્ટન આવ્યા. એની પથારી પાસે બેસી ‘ધ પ્રોફેટ’ના અંશ સંભળાવતા. માએ કહ્યું, ‘સારું લખ્યું છે, જિબ્રાન, પણ હજુ પાક્યું નથી. હમણાં ઊંચું મૂક.’ અને જિબ્રાને દસ વર્ષ સુધી એને ઊંચું મૂકી દીધું. 1903થી 1908 જિબ્રાન બૉસ્ટનમાં હતા. એક વાર મકાનને આગ લાગી અને અત્યાર સુધીની બધી જ કલાકૃતિ ભસ્મીભૂત થઈ ગઈ. તેઓ પેરિસ ચાલ્યા ગયા અને ચિત્રકલાનો અભ્યાસ ફરી શરૂ કર્યો.
1923માં ‘ધ પ્રોફેટ’ અંગ્રેજીમાં પ્રગટ થયું. આખું નવેસરથી જ લખાયું હતું. એ પહેલાં ‘બ્રોકન વિંગ્સ’, ‘ધ ટેમ્પેસ્ટ્સ’ અને ‘પ્રોસેશન્સ’ પ્રગટ થઈ ચૂક્યાં હતાં. ત્યાર પછી ‘ધ મેડનેસ’, ‘ધ ફૉર રનર’ વગેરે છએક પુસ્તકો આવ્યાં. અંગ્રેજીમાં હતાં અને બાઈબલની શૈલીમાં લખાયાં હતાં તેથી આખા યુરોપનું ધ્યાન ખેંચાયું. વીસ કરતાં વધુ ભાષામાં એના અનુવાદો થયાં. યુરોપ-અમેરિકામાં અનેક સ્થળે એમનાં ચિત્રોનાં પ્રદર્શનો યોજાતાં.
જિબ્રાન દિવસે ચિત્રો દોરે અને રાત્રે લખે. બે છેડે બળતી મીણબત્તીની જેમ એમની સર્જકતા અને આયુષ્ય બમણા વેગે ખર્ચાતાં હતાં. કદાચ એટલે જ માત્ર 49માં વર્ષે એમણે ચિરવિદાય લઈ લીધી. એક વાર્તામાં એક માણસ ઘર શોધ્યા કરે છે. લેખક તેને મદદ કરવા માગે છે, ત્યારે એ ઊભો થઈ હાથ પહોળા કરે છે. એની હથેળીઓમાં ઊંડા ઘા પડેલા છે. લેખક રડી પડે છે, ‘ઓહ…ઓહ… તમે તો નાઝારેથના ઈસુ છો!’ ઈસુ કહે છે, ‘લોકો મારા ઉત્સવો ઊજવે છે, પણ મારી સામે કોઈ જોતું નથી. આ પૃથ્વી પર પૂર્વથી પશ્ચિમ સુધી મેં ભ્રમણ કર્યું છે, પણ કોઈ મને ઓળખતું નથી. વનનાં પશુઓ સારુ એમની બખોલો છે, આકાશનાં પંખીઓ સારું એમના માળા છે, પણ મારે માટે – માનવીના પુત્ર માટે એ નચિંત થઈ શિર ઢાળીને સૂઈ શકે એવું કોઈ નિવાસસ્થાન શોધ્યું જડતું નથી.’ આટલું કહી ઈસુ ચૂપ થાય છે. લેખક આગળ લખે છે, ‘મેં આંખ ખોલી તો સામે માત્ર ધૂમ્રસ્તંભ ખડો હતો. પલકારામાં એ વિખેરાઈ ગયો …’ અનુભૂતિ અને સર્જકતાના કયા સ્તરેથી આવી કૃતિઓ જન્મતી હશે!
એમનું અંગત જીવન સાદું અને ભાવનાપ્રધાન રહ્યું. એમના અનેક સ્ત્રીઓ જોડેના સંબંધોને સુભાષ ભટ્ટ ‘ચૈતન્યના આવિષ્કારના ભિન્ન ભિન્ન તબક્કાઓ’ એવા શબ્દોમાં વર્ણવે છે. સર્જકતા એટલી ઊભરાતી કે એને વ્યક્ત કરવા ગજા બહારનો પરિશ્રમ કરવો પડતો. ‘ધ પ્રોફેટ’નો ‘વિદાયવેળાએ’ નામનો અત્યંત સુંદર અનુવાદ કરનાર કિશોરલાલ મશરૂવાળા લખે છે કે ‘જિબ્રાનની બુદ્ધિ અત્યંત કુશાગ્ર હતી અને સ્વભાવમાં બાળક જેવી નિષ્કપટ સરળતા હતી. સાથે ઉદારતા, સતત અધ્યયન અને અખૂટ વતનપ્રેમ. અમેરિકામાં બેઠા લેબનનના તરુણોને પ્રેરણા આપી શકતા. પુનર્જન્મમાં માનતા અને જેમ હિંદુઓ માને છે કે ભગવાનના અવતારો ભરતખંડમાં જ થાય છે તેવો જ વિશ્વાસ ધરાવતા કે ઈશ્વરના પયગંબરો સિરિયામાં જ જન્મે છે.’
ન્યૂયૉર્કની એક હૉસ્પિટલમાં 10 એપ્રિલ 1931ના દિવસે તેમનું અવસાન થયું. શબને ન્યૂયૉર્કથી બૉસ્ટન, ત્યાંથી બૈરુત અને ત્યાંથી એમના જન્મસ્થાને પહોંચાડ્યું ત્યારે જુલાઈ મહિનો આવી ગયો હતો. જ્યાંથી તેમને બહિષ્કૃત કરવામાં આવ્યા હતા ત્યાં જ તેમને માનપૂર્વક અને વિધિપૂર્વક દફનાવવામાં આવ્યા.
પ્રેમ વિનાના મનને જિબ્રાન ‘ઋતુઓ વિનાનું જગત’ કહે છે. લખે છે, ‘પ્રેમને હું સમજી શકું એ પહેલાં હું પ્રેમનું ગીત ગાતો. પણ જ્યારે મને પ્રેમની અનુભૂતિ થઈ ત્યારે મારા શબ્દો માત્ર મારા ઉચ્છવાસમાં ભળી ગયા અને મારા હૃદયનું સંગીત ઊંડી નીરવ શાંતિમાં સમાઈ ગયું. તમે કહી શકો એમ હો તો કહો, કે મારા હૃદયમાં જલતી આ જ્યોત શાની છે, જે મારું સઘળું સામર્થ્ય ખર્ચાવી નાખે છે અને મારી આશાઓ-ઈચ્છાઓને ઓગાળી નાખે છે? આ કયા હળવા, મૃદુ ને સુંદર હાથ છે જે મારા આત્માને એકાંતની પળોમાં આવરી લઈ મારા હૃદયપાત્રમાં આનંદની કટુતા અને દર્દની મધુરતાથી મિશ્રિત સુધા રેડી જાય છે?’
‘હું વ્યાકુળ છું – આ કઈ પાંખો મારી પથારીની આસપાસ ફફડાટ કરતી ફરે છે? આ કયું રહસ્ય છે જે સઘળાં કાર્યોનું કારણ ને સઘળાં કારણોનું કાર્ય છે? મંદિરના ગુંબજમાંથી પડઘા આવે છે, “સૃષ્ટિમાં બે જ ચીજ છે, થીજેલો પ્રવાહ અને ભભૂકતી જ્વાળા.” હું પોકારું છું, “તો હે પ્રભુ! મને એ ભભૂકતી જ્વાળાનો હોમ બનાવ અને એ દૈવી આતશનું બળતણ પણ બનાવી દે.”’
‘મોટાભાગનો પ્રેમ, આપણે જે કહીએ છીએ અને જે કહેવા માગીએ છીએ એ બે વચ્ચેના અવકાશમાં ખોવાઈ જાય છે.’ ‘આપણને જે અવરોધે છે તે ક્ષમતાનો અભાવ નથી, આપણને આપણી જ દૃષ્ટિની સીમાઓ જકડી રાખતી હોય છે.’ ‘વિશ્વના પટ પર ફરી વળો, એની વાતો ન કરો. સાચી પ્રેમકહાણીને જીવી જાઓ, એ વિશે કશું ન કહો. આનંદ માણો, એને વર્ણવવા ન બેસો. સુંદર બાબતોને શબ્દોથી ખરડી ન નાખો.’
પ્રેમ અને જિંદગી પર આટલું ચિંતન કર્યું હોય તે મૃત્યુ વિશે કહ્યા વિના રહે? યાદ આવે છે ‘વિદાયવેળાએ’નું છેલ્લું વાક્ય, ‘થોડો સમય, વાયુ પર એક ક્ષણભર વિશ્રાંતિ અને એક બીજી માતા મને ધારણ કરશે.’
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 09 ઍપ્રિલ 2023