Opinion Magazine
Number of visits: 9757467
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 

અનુવાદક: આશા બૂચ|Gandhiana|5 April 2026

તાજેતરમાં ‘મેટા સેન્ટર ફોર નોનવયોલન્સ’ (કેલિફોર્નિયા સ્થિત સંગઠન) દ્વારા ઇલાબહેન ગાંધીનો ઉપરોક્ત વિષય પર પરિસંવાદ યોજવામાં આવેલો, જેનો સારાંશ એમની અનુમતિ સાથે સાદર પ્રસ્તુત

ઇલાબહેન ગાંધી

ઇલાબહેન ગાંધીનો પરિચય આપતાં ‘મેટા સેન્ટરફોર નોનવયોલન્સ’ના એક્ઝેક્યુટિવ ડાયરેક્ટર સ્ટેફની વાન હુકે કહ્યું કે આપણામાંના ઘણાં ઇલાબહેનને શાંતિનાં પરિવાહક, દક્ષિણ આફ્રિકન પાર્લામેન્ટનાં પૂર્વ સભ્ય અને મહાત્મા ગાંધીનાં પૌત્રી તરીકે તો ઓળખીએ છીએ, પરંતુ એ મહાન વારસાને વધુ દીપાવતાં તેમણે અહિંસાના સિદ્ધાંતો મુજબ આજીવન એ વિચારધારાને વધુ દૃઢ કરવા સામાજિક સંગઠનો દ્વારા, આંતર ધર્મી વાર્તાલાપો દ્વારા અને શાંતિ માટેના પ્રશિક્ષણ થકી અદ્દભુત કાર્ય કર્યું છે. તેમનાં કાર્યથી આપણને પ્રતીત થાય છે કે અહિંસા એક વ્યૂહરચના કરતાં કંઈક વિશેષ છે. એ આત્માની કેળવણી પણ છે. આપણી આસપાસના જગતને બદલવાની કોશિશ કરતા હોઈએ ત્યારે અહિંસા આપણી અંદર રહેલી હિંમત, આત્મ નિરીક્ષણ કરવાની શક્તિ અને પોતાની જાતને પરિવર્તિત કરવાની ઇચ્છા કેળવવાની હાકલ કરે છે. અંતરમાં રહેલ અહિંસક વિચારને બાહ્ય રીતે કેવી રીતે પ્રગટ કરી શકીએ? ધિક્કાર, ભય અને બદલાની ભાવના વિના ન્યાય મેળવવા આપણી અંદર નૈતિક બળ કેવી રીતે કેળવી શકીએ એ વિશે આજે આપણને તેમની પાસેથી માર્ગદર્શન મળશે.

ઇલાબહેને વાતનો દોર સંભાળતાં કહ્યું કે હું કંઈ આ બાબતમાં પોતાને અધિકૃત વ્યક્તિ નથી માનતી. હું મારા અનુભવો અને માહિતી છે તે સહુને કહેવા ઇચ્છું છું. સહુથી પહેલાં જે દેશો પોતાની સત્તા લશ્કરી તાકાત અને શસ્ત્રોથી અન્ય દેશો પર ઠોકી બેસાડવા માગે છે તેના વિશે કહું. કેમ કે આજે આપણે એમ માનીએ છીએ કે વધુ વિનાશક શસ્ત્રો ધરાવવા અને મોટાં લશ્કર હોવાં એ દેશને વધુ તાકતવર બનાવે છે. અને એને કારણે તેઓને બીજા દેશો પર પોતાનું આધિપત્ય જમાવવાનો અધિકાર મળે છે. એટલે આ શક્તિ અને લશ્કરી તાકાત, શસ્ત્રો અને લશ્કર પર આધારિત છે. જ્યારે બીજી બાજુ અહિંસાના કર્મશીલો છે. એ લોકો પાસે એવું કયું તત્ત્વ છે જે તેમને શક્તિ પ્રદાન કરે છે? પ્રથમ તો એ લોકોની લડાઈ પાછળ સચ્ચાઈનું પીઠબળ હોવું જોઈએ. બીજી તાકાત છે આખા સમાજને ગતિશીલ બનાવવો, સમાજનો ટેકો મેળવવો, તેને આપણી સાથે લેવો. જો આખો સમાજ તમારી સાથે ન હોય તો બદલાવ લાવવા માટે કોઈ એક વ્યક્તિ એકલી કોઈ શક્તિ નથી ધરાવતી હોતી. જેમ ગાંધીજીએ નમક સત્યાગ્રહ વખતે લાખો લોકોને પોતાની સાથે જોડાવા આકર્ષાયા હતા. તેને કારણે તેઓ બ્રિટિશ સામ્રાજ્યની અજોડ તાકાતને હલબલાવી શક્યા હતા. લોકોમાં નૈતિક બળ અને એકતા હોવાં પણ ખૂબ જરૂરી છે. જો કર્મશીલોમાં એકતા ન હોય તો તેઓ જનસમૂહને સાચો ચિતાર ન આપી શકે, અને ખોટો સંદેશ આપી પણ શકે.

એક મહત્ત્વની વાત નોંધનીય એ છે કે લશ્કરી તાલીમ જેમ સૈનિકો માટે જરૂરી છે તેમ અહિંસક ચળવળમાં જોડાયેલા લોકો માટે પણ એ નિયમોના પાલન માટે તાલીમ લેવી અત્યંત આવશ્યક હોય છે. આથી સત્યાગ્રહીઓ પોતાની હિંમત વધારવા અને આંતરિક શક્તિને મજબૂત કરવા અને પોતાના પ્રતિપક્ષીઓ જે કંઈ હિંસા આચરે તેનો સામનો કરવા દૃઢનિશ્ચય બનવા સખત તાલીમ લેતા. તેઓ નિશ્ચય કરતા કે અમે અમારા પ્રતિપક્ષીને અમારા આત્મ સન્માન સાથે બિલકુલ બાંધછોડ કરવા નહીં દઈએ. આથી કોઈ વખત નિર્દય અને ક્રૂર હિંસક આક્રમણથી કેટલાક લોકો ભાંગી પડ્યાના કિસ્સા બન્યા હતા, પરંતુ મોટા ભાગના સત્યાગ્રહીઓએ શારીરિક અને માનસિક યાતનાઓ જરા પણ નરમ પડ્યા વિના સહી લીધી હતી. આવા કિસ્સાઓના ઉદાહરણ બધી ચળવળ દરમિયાન જોવા મળ્યા છે. દક્ષિણ આફ્રિકામાં એવા અનેક લોકો છે જેમના નામ પણ તમે નહીં જાણતા હો, પણ તેઓએ બિલકુલ હાર માન્યા વિના ઘણી ક્રૂરતા સહન કરી છે. સત્તા પર બેઠેલા લોકો ગમે તેવી ક્રૂરતાનો ઉપયોગ કરે, પણ સત્યાગ્રણિઓના આત્મસન્માન અને સહનશક્તિને તેઓ જરા પણ આંચ પહોંચાડી ન શકે. સમય જતાં એ દમન કરનારના અંતરાત્મામાં જ ડંખ પેદા થાય અને તેમનું સ્વમાન ઘવાય તેવું બને છે.

જે વ્યક્તિ હદ બહારની યાતના અને આક્રમણ સહન કર્યા છતાં પોતાની માન્યતાને દૃઢતાથી વળગી રહી હોય તેને પોતાની કહાની કહેતાં કેટલું ગૌરવ થાય અને જેણે બીજા પર સિતમ ગુજાર્યો હોય, ઇજા પહોંચાડી હોય કે હત્યા કરી હોય અને પોતે જીવિત રહ્યો હોય એ પોતાના અનુભવોની વાત કરતાં કેવા પ્રકારનું અભિમાન લઇ શકે એ બંનેની સરખામણી કરી જુઓ. આપણે ખુદનું સ્વમાન જાળવવું છે કે શરમિંદા બનવું છે એ નક્કી કરવું રહ્યું. આ જ કારણસર લડાઈમાંથી પાછા ફરેલા સૈનિકો ગુનાહિત લાગણીનો અનુભવ કરતા હોય છે અને કેટલાક એ લાગણી સાથે જીવી પણ નથી શકતા હોતા. એટલે માનો કે એ સૈનિકોનો દેશ કે પક્ષ જીતે, છતાં તેમનું સ્વમાન ઘવાયું હોય એટલે માનસશાસ્ત્રીઓ અને સમાજશાસ્ત્રીઓને લડાઈમાંથી પાછા આવેલા સૈનિકોની સમસ્યાઓ મુશ્કેલીથી હલ કરતા જોવા મળે છે.

એ દિવસ કેવો મહાન હશે કે જ્યારે યુવાનો લશ્કરમાં ભર્તી થવાની ના પાડશે? મને યાદ છે ત્યાં સુધી મહંમદ અલી અને દક્ષિણ આફ્રિકામાં ઘણા યુવકોએ એ પગલું ભરેલું. દક્ષિણ આફ્રિકામાં જે લોકોએ લશ્કરમાં ભર્તી થવાનો વિરોધ કર્યો તેને End Conscription Campaign તરીકે ઓળખવામાં આવે છે અને એ લોકો હજુ એ રીતે પોતાનું સ્વમાન જાળવી રાખવા સમર્થ રહ્યા છે. બીજી બાજુ જે યુવાનો નમતું જોખીને લશ્કરમાં ભર્તી થયા અને લોકોને માર્યા તેમણે શેનું ગૌરવ અનુભવ્યું, તેમનું સ્વમાન કેવું સચવાયું એ આપણે જાણવું જોઈએ. લોકોએ લડાઈ અને હિંસાના આ પાસા વિશે સમજવાની જરૂર છે. જે કોઈ પણ હિંસા આચરે છે એ સ્વમાન અને આદર ગુમાવે છે. આપણો આદર્શ કોણ છે અને ખલનાયક કોણ છે એ આપણે વિચારવાનું છે. ત્યારે જ આપણને ખ્યાલ આવશે કે હિંસા માત્ર તેનો ભોગ બનેલાને જ નહીં, પણ હિંસા આચરનારને પણ બૂરી અસર ઉપજાવતી હોય છે. ભોગ બનેલા લોકોને ઇજા થાય, કદાચ જાન પણ ગુમાવે. પણ હિંસા આચરનારને પોતાના આત્મામાં લાગેલા ડંખ સાથે જીવવાનું રહે છે, જે વધુ પીડાદાયક હોય છે. આપણે આ મહત્ત્વનો મુદ્દો સમાજમાં બધા લોકો સુધી પહોંચતો કરવાનો છે.

હવે ગાંધીજીએ નમક સત્યાગ્રહ વખતે દાંડી તરફ કૂચ કરતી વખતે આપેલ 14 નિયમો વિશે વાત કરવા માંગુ છે, જે તેમાં ભાગ લેનારાઓએ સ્વીકારેલા.

એ નિયમવાલીમાં ગમે તેવા કઠિન સંયોગોમાં પણ સત્યનું પાલન કરવું, કદી કટુ વચન ન ઉચ્ચારવાં કે તેમના પર ક્રોધિત ન થવું, તથા જે તમને પોતાના દુ:શ્મન માને તેના તરફ પણ દરેક હાલતમાં સંપૂર્ણ આદર બતાવવો વગેરેનો સમાવેશ થતો હતો.

ગાંધીજી હંમેશ કહેતા કે વ્યક્તિને તેના કર્મથી વિખૂટો કરીને જુઓ. તમે જ્યારે તેનું કર્મ જુદું પાડો, ત્યારે તેણે જે કર્મ કર્યું હોય એ અસ્વીકાર્ય હોય તો પણ તમે એ વ્યક્તિનો અનાદર નહીં કરો.

તે ઉપરાંત બીજા નિયમોનો ઉલ્લેખ કરતાં ગાંધીજીએ કહ્યું કે આ ધર્મ યુદ્ધ છે, એટલે ધાર્મિક જીવન જીવવા માટે દરેક ધર્મનાં મૂળભૂત મૂલ્યો અને નિયમોનું અહીં પાલન થવું ઘટે, આપણે બે લગામ સત્તાનો વિરોધ કરીએ છીએ, નહીં કે બ્રિટિશ સરકારના તમામ નિયમોનો, કે જે આપણા જીવનને વ્યવસ્થિત રીતે જીવવામાં મદદ કરે છે. માર્ટિન લ્યુથર કિંગ અને મેજી પ્રેમ વિશે વાત કરતાં કહે છે કે પ્રેમ વૈશ્વિક અને સર્વવ્યાપી છે. તમે જ્યારે સરકાર કે તમારા પ્રતિપક્ષી સાથે વાત કરો ત્યારે તમે એમની માનહાનિ કરવા કે તેમને હરાવવા મુદ્દલ નથી માંગતા તેથી એમની સાથે સાથે વાત કરો ત્યારે પણ એવો જ પ્રેમ દર્શાવો જેવી રીતે કુટુંબના વડા સામે બધા સભ્યોના ભાવિ સંબંધિત બાબતો માટે માથું ઊંચકીએ છીએ તેમ. વળી એવી પણ સૂચના આપેલી કે આપણે જે વિસ્તારમાંથી કૂચ કરીએ એ ગામડાના લોકોની લાગણી અને જરૂરિયાતો માટે સંવેદનશીલ રહેવું જોઈએ. પોતાની માંગણી કોઈના ઉપર ઠોકી ન બેસાડવી, જે મળે તે એકદમ સાદો ખોરાક લેવો અને રહેઠાણ કે બીજી સગવડો માટે કોઈ ગમો-અણગમો ન બતાવવા કહેલું.

કોઈ પણ પ્રકારના શસ્ત્રોનો ઉપયોગ કર્યા વિના સમાજમાં ઊભા થયેલા મતભેદોનો શાંતિપૂર્વક હલ લાવવો અને આ બધા નિયમોને દૃઢતાથી પોતાના વર્તનમાં વણી લેવા, તથા બીજાને પોતાના ઉદાહરણથી શીખવવા એવો ગાંધીજીનો આગ્રહ હતો. એમના મતે અહિંસા એ માત્ર હિંસાની ગેરહાજરી જ નથી, એ એક જીવન પદ્ધતિ છે.

મારી દૃષ્ટિએ ત્રણ નિયમો સૌથી વધુ મહત્ત્વના છે; ઉપદેશ આપીને નહીં પણ પોતાના ઉદાહરણથી શીખવો, બીજાનો આદર કરો, દરેક વ્યક્તિ પ્રત્યે કરુણા દાખવો અને સમાજમાં એકતા અને બધાનો સમાવેશ કરવાની ભાવના ફરી કેળવો.

બધા લોકો આપણી સાથે આગલી હરોળમાં કામ કરનારા નથી હોતા, પણ આપણને એક નહીં તો બીજી રીતે એમનો સાથ મળી શકે. હું એક ઉદાહરણ આપું. ગાંધીજીએ 1913માં દક્ષિણ આફ્રિકામાં કૂચ કરી, તે એ સમયે ઘણી મોટી કૂચ ગણાતી. ભારતીય મૂળના લોકોને સરહદ પાર કરવા માટે પરવાનગી મેળવવાનો નિયમ હતો. જોહાનિસબર્ગથી નતાલ અને ટ્રાન્સવાલથી નતાલ જવા માટે લોકોએ એ કાયદાનો ભંગ કર્યો. નતાલથી ટ્રાન્સવાલ જતાં કૂચ કરનારાઓને મોટે ભાગે શ્વેત વસ્તી ધરાવતા ગામમાંથી પસાર થવું પડ્યું. આ આખી લડત ભેદભાવ સામે જ હતી. સામાન્ય સંજોગોમાં જો સ્થાનિક લોકો હજારોની સંખ્યામાં ભારતીય લોકોને કૂચ કરતા જુએ તો સ્વાભાવિક રીતે જ ડરી જાય, અથવા ડરાવીને ભગાડી મૂકે અથવા પોલીસને બોલાવ્યા વિના એમને પોતે જ ઠાર કરી દે.

આ પરિસ્થિતિને કેવી રીતે નિવારવી? બધા સત્યાગ્રહીઓની કૂચ પહોંચે તે પહેલા ગાંધીજી થોડા સભ્યોને દરેક ગામમાં મોકલે, એ લોકો એ ગામના મુખ્ય માણસોને મળીને આ લોકો કયા હેતુથી કૂચ કરે છે, એમની શી માગ છે અને તેઓ શાંતિપૂર્ણ કૂચ કરે છે એ વાત સમજાવતા. એ લોકો તમારા જીવનમાં કશી ખલેલ નથી પહોંચાડવાના, કશી માંગણી નથી કરવાના કોઈ પ્રકારનું નુકસાન નથી કરવાના એ વાત સ્પષ્ટ કરે. જો એ લોકોને રાત રહેવું પડશે તો ખુલ્લી જગ્યામાં રાતવાસો કરશે એની ખાતરી કરાવતા. આ કિસ્સા પરથી મને બાઇબલની મેથ્યુ 13ની બોધકથાનું સ્મરણ થયું. તેમાં બીજ વાવનારની કથા આવે છે. એ કામ આ આગોતરી ટૂકડીએ કર્યું. પરિણામે થયું એવું કે એક પણ ઘટના બનવા ન પામી. આખી કૂચ ખૂબ જ સફળ રહી.

એ એક વાત છે, બીજી નોંધનીય બાબત એ છે કે કેટલાક શ્વેત લોકોએ પોતાની ફરજ નહોતી તો પણ સેન્ડવીચ અને કોફી બનાવી આપીને કૂચ કરનારાઓનો આભાર માન્યો! કેટલાક લોકોએ સક્રિય સાથે આપ્યો, કેટલાક દૂર રહ્યા અને તેમને જેમ કરવું હોય તેમ કરવામાં જરા પણ આડખીલી રૂપ ન બન્યા. આ રીતે  એ કૂચ સફળ રહી.

એવું જ નમક સત્યાગ્રહ વખતે બન્યું. યુવાનોનું એક આગોતરું જૂથ અગાઉથી દરેક ગામ પહોંચીને ગ્રામવાસીઓનો ટેકો મેળવી લેતું. ભારતમાં ગાંધીજી માટે ઘણા લોકોનો ટેકો હતો. જ્યારે દક્ષિણ આફ્રિકામાં કૂચ કરનારાઓ માટે ટેકો મેળવવા તેઓએ ઘણી મહેનત કરવી પડી હતી. માર્ટિન લ્યુથર કિંગને પણ સેલ્મામાં કૂચ કરતી વખતે સ્વાંયસેવકોને તાલીમ આપવી પડી હતી અને પ્રજાનો સહકાર મેળવવા મહેનત કરવી પડી હતી. હું માનું છું કે આંતરિક શક્તિ કેળવવા આપણે આધ્યાત્મિક આચાર-વિચારનો મહાવરો રાખવો જોઈએ અને ધ્યાન, ચિંતન, જાત પરીક્ષણ અને સ્વયં શિસ્તનો આગ્રહ રાખવો જોઈએ.

ઇલાબહેને આંતરિક શક્તિ વધારવા સત્ય પથના યાત્રીઓએ શું કરવું જોઈએ તેની વિગતે વાત કરી, ત્યાર બાદ સ્ટેફનીએ એક મુદ્દા તરફ ધ્યાન દોર્યું. થોડા સમય પહેલાં કેટલાક બૌદ્ધ સાધુઓએ ટેક્સાસથી વોશિંગ્ટન ડી.સી. પદયાત્રા કરી. બહુ થોડા સાધુઓએ પ્રારંભ કર્યો, પણ જેમ જેમ આગળ વધતા ગયા તેમ તેમ સેંકડો લોકો તેમની સાથે જોડાતા ગયા. માત્ર એમને જોવા આવનારને પણ શબ્દોમાં મૂકી ન શકાય તેવી લાગણી થતી. એમને ઊંડી શાંતિ અને સાહસ – હિંમતનો અહેસાસ થતો હતો. હવે આ સાધુઓની યાત્રા અવિરોધી હતી, જ્યારે ગાંધીજીની દાંડી કૂચ મીઠાના કાયદાના વિરોધમાં કરેલી હતી. એ મોટા સમૂહ સાથે કૂચ કરીને કહેવા માંગતા હતા કે નમક પર અધિકાર અમારો છે અને અમે એ લઈને રહેશું. તો આ બંને પ્રકારની કૂચમાં શું તફાવત છે એ કહેશો?

ઉત્તરમાં ઇલાબહેને કહ્યું કે કોઈ નિયમ કે કાયદાના વિરોધમાં ન હોય તેવી યાત્રામાં લોકો શાંતિથી જોતા હોય અને જોડાતા પણ હોય છે. પણ ગાંધીજીની કૂચ કાયદાની વિરુદ્ધમાં યોજાયેલી. દક્ષિણ આફ્રિકામાં પણ કોઈ ખાસ કાયદાનો વિરોધ કરવા સત્તાનો અનાદર કરવા દેખાવો અને કૂચ થતી હોય છે. લોકોને ઉશ્કેરવામાં આવે છે જેથી પોલીસ ધરપકડ કરીને તેમના પર ગોળીબાર કરી શકે. આ સ્થિતિ નિવારવા માટે અમે કેટલાક સ્વયંસેવકોને નિયંત્રણ કરવાનું કામ સોંપીએ છીએ જેઓ કૂચ કરનારાઓની સાથે સાથે ચાલે અને નવા લોકો જોડાય તે આ શહીદી વહોરવા જઈ રહેલા સત્યાગ્રહીઓની જેમ જ બધા નિયમોનું પાલન કરે તેની ખાતરી કરે છે. કોઈ જરા પણ ભાંગફોડ કે હિંસા નથી આચરતું કેમ કે હિંસાનો એક નાનો કિસ્સો આખી ચળવળને જોખમમાં મૂકી દઈ શકે.

સામાન્ય કૂચ અને કોઈ કાયદાનો વિરોધ દર્શાવવા કરેલી કૂચમાં તફાવત એ છે કે સત્યાગ્રહીઓને તેઓ શા માટે અમુક કાયદાનો વિરોધ કરી રહ્યા છે તેની પૂરતી માહિતી હોવી જોઈએ, નહીં તો એ કૂચનો જોમ અને જુસ્સો જ પડી ભાંગે. વળી આ સામૂહિક પગલાંના કયા પરિણામ આવશે એનો પણ કાયદાનો પડકાર કરતાં પહેલાં પૂરેપૂરો ક્યાસ હોવો જોઈએ. જેમ સશસ્ત્ર સંગ્રામમાં જતાં પહેલાં સૈનિકોને તમામ પ્રકારનાં શસ્ત્રો વાપરવાની તાલીમ અપાય છે તેમ એ લોકોને યુદ્ધના હેતુ અને લક્ષ્યની પણ માહિતી અપાય છે એ જ રીતે અહિંસક લડાઈમાં પણ કયા કાયદાનો શા માટે વિરોધ કરવાનો છે, કઈ યુક્તિઓનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે અને તેનાં પરિણામો કયાં આવી શકે તેની પદ્ધતિસર તાલીમ આપવી જરૂરી બને છે.

આવી લડતોમાં સમાચાર માધ્યમો ઘણી મહત્ત્વની ભૂમિકા ભજવે છે. સેલ્મા અને અન્ય લડતોનો ખ્યાલ નથી, પરંતુ ગાંધીજીની દક્ષિણ આફ્રિકા તેમ જ ભારતની ચળવળોમાં અખબારો અને સામાયિકો એમના પક્ષે હતાં. નમક સત્યાગ્રહ વખતે 79 સાથીઓ સાથે સાબરમતી આશ્રમથી કૂચનો પ્રારંભ થયો અને એક દિવસમાં તો આખી દુનિયાને જાણ થઈ ગઈ. ગાંધીજી લેખિત સમાચારને લોક કેળવણી અને સાચા સમાચારનું ઉત્તમ માધ્યમ ગણતા, તેથી જ તો દક્ષિણ આફ્રિકામાં ‘ઇન્ડિયન ઓપિનિયન’ અને ભારતમાં જુદા જુદા સમયે અનેક અખબારો અને સામયિકો શરૂ કરેલાં જેમાં તેઓ પોતાના વિચારો સાચા સ્વરૂપમાં રજૂ કરી શકતા, જ્યારે બીજાં અખબારો તેને જુદી રીતે રજૂ કરી શકે.

એક શ્રોતાએ સવાલ પૂછ્યો કે ગાંધીજીની ધર્મયુદ્ધની વ્યાખ્યા મુજબ તેમાં ભાગ લેનારાઓએ ધાર્મિક મૂલ્યો અને માન્યતાઓનું શુદ્ધ રીતે પાલન કરવું જોઈએ. પરંતુ અમેરિકામાં અલગ અલગ ધાર્મિક માન્યતાઓ અને નાસ્તિક લોકો વચ્ચેની ખાઈ પૂરવી એ એક પડકાર છે. તો વિવિધ ધાર્મિક માન્યતાઓ ધરાવતા લોકોને સમાન ધ્યેયને સિદ્ધ કરવા એકત્ર કઈ રીતે કરી શકાય?

આ સવાલના જવાબમાં ઇલાબહેને કહ્યું, ગાંધીજીની પ્રાર્થના હંમેશ કોઈ ચર્ચ, મંદિર કે મસ્જિદમાં નહીં પણ ખુલ્લા ચોગાનમાં થતી. દરેક ધર્મની પ્રાર્થના સમૂહમાં ગાવામાં આવતી હતી. ક્રિશ્ચિયન, પારસી, હિન્દુ કે ઇસ્લામ ધર્મની વ્યક્તિ પોતાની પ્રાર્થના ગાય અને બીજા એમાં જોડાઈ જતા. આમ કરવાથી દરેક ધર્મને બધાની સ્વીકૃતિ મળતી. ગાંધીજી કહેતા કે જુદી ભાષામાં અને જુદી રીતે કરવામાં આવતી પ્રાર્થના કરીએ, પરંતુ અંતે તો બધાનો સાર એક જ છે. આ રીતે આપણે દરેક ધર્મમાં રહેલા સામ્યને જોતાં શીખીએ, તફાવતને નહીં. પોતાના ધર્મના મૂળભૂત સિદ્ધાંતોને સમજતા થઈએ તો દરેક ધર્મનાં મૂલ્યો આપોઆપ સમજાઈ જાય, અને તો કોઈને ધર્મ પરિવર્તન કરવાની જરૂર ન પડે. હા, આપણે બીજાના ધર્મને સમજતા અને આદર કરતા શીખવું જોઈએ. જો તમે એક બીજાના તફાવતને જ નજરમાં રાખીને ટીકા કરતા રહો તો પરસ્પર લડવા માટે ઘણાં કારણો મળે. અને આજકાલ અંતિમવાદીઓ આનો જ આશ્રય લે છે.

ગાંધીજી કોઈ એક ખાસ ધર્મના ધર્મયુદ્ધની વાત નહોતા કરતા, તેઓ આધ્યાત્મિક યુદ્ધની વાત કરતા હતા. કેમ કે તેઓ આંતરિક શક્તિની વાત કરતા હતા, જે કોઈ પણ ધર્મમાંથી કેળવી શકાય. તમારા ધર્મશાસ્ત્રોને સમજો અને તેના ઉપદેશને અમલમાં મુકો તો સમજાશે કે દરેક ધર્મશાસ્ત્ર સત્ય, પ્રેમ અને કરુણાની વાત કરે છે. એનો સાચી રીતે અમલ કરવાથી આપણામાં શક્તિ અને માનવતાનો પુનઃ સંચાર થઈ શકે.

ઇલાબહેને જે વાત કરી તેને પડકાર ફેંકતો એક બીજો સવાલ પણ પૂછવામાં આવ્યો. નમક સત્યાગ્રહ થયો તે પછી સમય બદલાયો છે. 2025માં ગ્લોબલ સમુદ ફ્લૉટિલા અને ફ્રીડમ ફ્લૉટિલા જેવા અહિંસક પ્રયાસો કરવામાં આવ્યા છતાં ગાઝાની કરુણાજનક સ્થિતિમાં કશો ફેર નથી પડ્યો. અહિંસક ચળવળ અસરકારક બનવા માટે પ્રતિપક્ષી કે દમન કર્તા પાસે થોડી પણ સદ્દભાવના હોવી જોઈએ. પરંતુ જો એ લોકોમાં વિવેકબુદ્ધનો છાંટો પણ ન હોય કે તેઓ માનસિક વિકૃતિ ધરાવતા હોય તો? ડૉ. માર્ટિન લ્યૂથર કિંગની નીતિ હતી કે જો તમે અહિંસક હો અને પ્રતિપક્ષી તમને યાતના સહન કરતા જુએ તો તેનું હૃદય પરિવર્તન થશે. એનો અર્થ એ કે તેમણે એવું અનુમાન કર્યું હતું કે અહિંસક પદ્ધતિને અસરકારક બનવા માટે સત્તાધારીઓમાં સદ્દભાવના હોવી જોઈએ. પણ અમેરિકા કે ઇઝરાયેલના રાજ્યકર્તાઓ પાસે જરા પણ કરુણા નથી, તો અહિંસક પ્રયાસ નિષ્ફળ ન જાય?

આ વ્યાજબી સવાલના પ્રત્યુત્તરમાં ઇલાબહેને કહ્યું, તમારે કર્તાને તેના કર્મથી અલગ પાડવો જોઈએ. એ સહેલું નથી. જ્યાં સુધી અત્યાચાર કરનારને બીજાનો સાથ મળતો રહે છે ત્યાં સુધી તેને પોતાને અથવા અન્યને તેનામાં રહેલી સદ્દવૃત્તિનો અહેસાસ નથી થતો, પણ જેવો તેને સહકાર આપનારા ખસી જાય કે તરત તેનામાં રહેલી સદ્દભાવના ઉભરી આવતી હોય છે અને તેને અહેસાસ થાય છે કે તેણે અપકૃત્ય કર્યું છે. આથી જ અસહકાર કરનારાએ એકજૂટ થઈને લડવું જોઈએ. શસ્ત્રો નહીં પણ એકબીજાનો સહકાર તેમને મજબૂત બનાવે છે.

આ ચર્ચાને આગળ ચલાવતાં સ્ટેફનીએ કહ્યું કે 2026માં અહિંસક બળ શાસનકર્તાઓને ડરાવે છે અને એટલે રાજ્ય બમણા જોરથી દમન કરે. એવા સંયોગોમાં અહિંસક લડત સફળ નથી થતી એમ વિચારવાને બદલે એમ માનવું જોઈએ કે તેને કારણે આ સંઘર્ષને બીજા સ્તર સુધી પહોંચાડવામાં મદદ થઈ કે જેને કારણે સરકાર દ્વારા વધતું જતું દમન ખુલ્લું પડે છે. તો સરકારને પીછેહઠ કરવા ફરજ પાડે એવી પ્રેરક શક્તિ અહિંસક પગલાંમાં ક્યારે પેદા થાય? દમન અને ક્રૂરતાના દૌર દરમિયાન હિંમત વધારતા રહેવા માટે અને અહિંસાની તાકાત જાળવી રાખવા શું કરવું જોઈએ એ પણ એક સવાલ છે.

ઇલાબહેન થોડા સમય માટે નજરકેદમાં રહ્યાં હતાં. પોતાનો એ અનુભવ વર્ણવતાં તેમણે કહ્યું, દક્ષિણ આફ્રિકામાં એ ઘણો કસોટીનો કાળ હતો. ટ્રુથ એન્ડ રીકન્સીલિએશન કમિશનમાં નોંધાયેલા પુરાવાઓ દર્શાવે છે કે લોકો પર ભયાનક ત્રાસ ગુજારવામાં આવતો હતો, તેમની હત્યા કરવામાં આવતી હતી. અમે જાણતા હતા કે અમારી પણ એવી જ હાલત થઇ શકે, અમને કેદ પણ કરવામાં આવે, અમારા પર જુલ્મ કરવામાં પણ આવે. કંઈ પણ થાય તે સંભવ હતું. પણ એ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાની મક્કમતા અને અમે એ હાલત સ્વીકરવાના નથી એમ કહેવાની તાકાત અમને લડવાની શક્તિ આપતી રહી.

એ જ હકીકત નમક સત્યાગ્રહ – દાંડી માર્ચ સમયે બની. લોકો કહેવા લાગ્યા કે ગમે તે થાય અમે આ કાયદો નથી પાળવાના. અને બ્રિટિશ રાજ્યે જોયું કે ગમે તેટલું દમન કરીએ તો પણ અમે સફળ નહીં થઈએ. એટલી મોટી સંખ્યામાં લોકોએ બળવો પોકાર્યો કે સરકાર દમનનો કોરડો વધુ સમય વીંઝી ન શકી.

રાજકીય દૃષ્ટિએ સંસ્થાનની પરિભાષા શી છે? સંસ્થાન ઘણા પાયા પર ઊભું થાય અને ટકી  રહે. એક છે જેના પર શાસન કરવામાં આવતું હોય એ દેશના સંસાધનો પોતાના દેશમાં લઇ જવા, એ કાચા માલમાંથી પાકો માલ બનાવી સસ્તા ભાવે વેચવો. અને શાસક દેશને બજાર તૈયાર મળી જાય કેમ કે શાસિત દેશ હવે એ વસ્તુઓ પેદા કરી શકે તેમ ન હોય. કુદરતી સંપત્તિ લઇ લેવાથી એ દેશ કંગાળ બની જાય અને શાસક દેશ પર આધારિત રહેવા લાગે. તો આ પરિસ્થિતિમાં પોતાની જાતને સશક્ત કઈ રીતે બનાવવી? ગાંધીજીએ લોકોને કપાસ ઉગાડવાનું અને વિદેશે ન વેંચવાનું કહ્યું. લોકોને કહ્યું, જાતે જ કાંતી, વણીને તેનું કાપડ બનાવો તમને કોઈ રોકી નહીં શકે. તમે કોઈની ફેક્ટરી કે મિલમાં કામ કરતા હો તો તમને રોકી શકે, ઘરમાં કામ કરો તો કોઈ ન રોકી શકે. બ્રિટિશ કાપડનો બહિષ્કાર કરો. આર્થિક પાયમાલીમાંથી બહાર આવવાનો એ એક માર્ગ હતો.

દક્ષિણ આફ્રિકામાં ખેડૂતોનો મોટો સમુદાય છે. જ્યારે નેલ્સન મંડેલા, વોલ્ટર સીસુલુ અને ઓલિવર ટાંમ્બો વગેરેએ સ્વદેશત્યાગ કર્યો ત્યારે ફાધર હડલ્સટને કેટલાક ચર્ચના આગેવાનોને એકઠા કર્યા અને દેશની બહાર બીજા દેશોના સહકારથી રંગભેદ વિરુદ્ધ ચળવળ શરૂ કરવા નિર્ણય કર્યો. અમે સંતરા ઉગાડવાનું શરૂ કર્યું, જેના પર ‘રંગભેદી દેશની પેદાશ’ એવો સિક્કો મારતા. ઘણા દેશના લોકોએ એ સંતરાં ખરીદવાનું બંધ કર્યું. ખેડૂતો પર તેની અસર થઇ. એ બહિષ્કારને કારણે સરકાર પીગળી. એ જ રીતે દક્ષિણ આફ્રિકાના ખેલાડીઓની ટીમનો બહિષ્કાર થવા લાગ્યો, કે જે અમારા દેશ માટે મહત્ત્વનું પાસું છે, જેમ ઇઝરાયેલ માટે પણ છે. જો બીજા દેશો નક્કી કરે કે પેલેસ્ટાઇનને સ્વીકૃતિ ન આપે ત્યાં સુધી અમે ઇઝરાયેલ સાથે નહિ રમીએ તો એ ટેકો હટાવી લેવાથી સંઘર્ષનો ઉકેલ લાવવા તરફ આગળ વધી શકાય. જો બીજા દેશોનો ટેકો મળતો અટકી જાય તો વાટાઘાટો શરૂ થાય અને દમન તથા યાતના આપનાર દેશના દિલમાં સદ્દભાવના જાગૃત થઈ શકે.

સ્ટેફનીએ હાલની પરિસ્થિતિની યાદ અપાવતાં કહ્યું કે ઇઝરાયેલમાં અત્યારે સદ્દવિવેકબુદ્ધિના કારણસર લશ્કરમાં જોડાવા કે સોગન લેવા ઇ.ની ના પાડનાર ઘણા લોકો છે, પરંતુ સંચાર માધ્યમો આપણને કહે છે, એ હકીકતનો વિચાર ન કરો. અહિંસાના આગ્રહી એવા આપણા જેવા લોકોએ એ સમાચારોને બહાર પ્રકાશમાં લાવવા જોઈએ અને તેમને આર્થિક રીતે સહાયરૂપ થવું જોઈએ. આ જ એક રીતે છે દુનિયાને બતાવવાની કે એક બીજો માર્ગ પણ છે. આપણે આંતરરાષ્ટ્રીય મતભેદો પણ અહિંસક રીતે હલ કરી શકીએ એ પુરવાર કરવું જોઈએ. એ માટે આપણા સહુ વચ્ચે ઐક્ય સધાવું જોઈએ, નહીં તો આપણે પરસ્પર લડતા રહેશું.

ઇલાબહેનનો મત છે કે આપણે સ્વીકારવું જોઈએ કે આપણી પાસે બધી સમસ્યાના હલ ન પણ હોય. પણ અલગ અલગ પદ્ધતિ અજમાવવા માટે સંગઠિત થઈને કામ કરવું જોઈએ. અહિંસાના સિદ્ધાંતમાં શ્રદ્ધા ધરાવનારાઓ એકબીજાની સાથે પોતાના મંતવ્યો, અનુભવો અને યોજનાઓની આપ લે કરે અને યુવાનોને ગતિશીલ બનવા તૈયાર કરે એ જ એક માર્ગ છે હિંસાનો પ્રતિકાર કરવાનો.

E.mail :  71abuch@gmail.com

Loading

5 April 2026 Vipool Kalyani
← પ્રચંડ ધડાકો અને ઉલ્કાપાત
ચલ મન મુંબઈ નગરી—335 →

Search by

Opinion

  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો
  • ચલ મન મુંબઈ નગરી—335
  • પ્રચંડ ધડાકો અને ઉલ્કાપાત
  • સરકાર કહે છે કે ભાવ વધવા દીધા નથી ને ભાવ તો વધે જ છે …
  • સંસદ અને ધારાગૃહોમાં સરકારોની કસોટી કરતો પ્રશ્નકાળ

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved