ઉત્તર પ્રદેશનાના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે 19 ઓક્ટોબર 2025ના રોજ ‘X’ પર ટ્વિટ કર્યું છે : “આજે, ‘રામમય’ શ્રી અયોધ્યા ધામમાં 26 લાખ 17 હજાર 215 દીવાઓના ઝળહળતા પ્રકાશે એક વિશ્વ વિક્રમ સર્જ્યો છે અને સનાતન સંસ્કૃતિના અમર મહિમાને ફરીથી જાગૃત કર્યો છે. ‘દીપોત્સવ- 2025’ એ શ્રદ્ધા, ભક્તિ અને નિશ્ચયનો ઉત્સવ છે, જ્યાં 2,128 વેદચાર્યો, અર્ચકો અને સાધકોએ સાથે મળીને માતા સરયુની આરતી કરી અને ધર્મ અને સંસ્કૃતિનો એક અનોખો રેકોર્ડ બનાવ્યો. પૂજ્ય સંતો, ધાર્મિક નેતાઓ અને ભગવાન રામના અસંખ્ય ભક્તોના સામૂહિક પ્રયાસો દ્વારા સાકાર થયેલ આ દૃશ્ય ભારતના આત્માનો પ્રકાશ છે. આજે આખું વિશ્વ એક સ્વરમાં કહી રહ્યું છે. જય જય સિયારામ !”
ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ‘X’ પર ટ્વિટ કર્યું છે : “આજે, ભગવાન શ્રી રામનું ઘર, અયોધ્યા શહેર, અસંખ્ય દીવાઓના પ્રકાશથી ઝગમગી ઉઠ્યું છે. 26 લાખથી વધુ દીવાઓના પ્રકાશે માત્ર વિશ્વ વિક્રમ જ નહીં પરંતુ સનાતન ધર્મના શાશ્વત આભાને પણ પ્રકાશિત કર્યા છે. આ દીપોત્સવ રામરાજ્યની ભક્તિ, શ્રદ્ધા અને આદર્શોની અમર ગાથાની સાક્ષી પૂરે છે. જય શ્રી રામ.”
26.17 લાખ દીવાઓ પાછળ જેટલો ખર્ચ કર્યો તેટલો ખર્ચ શિક્ષણ પાછળ કર્યો હોત તો હજારો ગરીબ બાળકો ઝળહળી શક્યા હોત ! દર વર્ષે દિવાળી નિમિત્તે સરયુ નદીના કિનારે કરોડો રૂપિયાના ખર્ચે આ ઝળહળાટ થાય છે. 2014 પહેલા અનેક મુખ્ય મંત્રીઓ આવ્યા / અનેક વડા પ્રધાનો આવ્યા તેમને આવા ઝળહળનો વિશ્વ વિક્રમ સ્થાપો ન હતો. ભગવા કપડાં ધારણ કરનાર યોગી આદિત્યનાથ આવા ખર્ચની મંજૂરી આપે છે તેનું આશ્ચર્ય થાય છે. ભગવા વસ્ત્રો એટલે મોહ / માયા / ઝળહળાટનો ત્યાગ ! શું મુખ્ય મંત્રી / વડા પ્રધાન ધર્મના કર્મકાંડો પાછળ લખલૂટ ખર્ચ કરે છે તે ધાર્મિક ભાવનાથી કરે છે કે મત લણવાની રાજકીય ચાલાકીથી કરે છે? શું તેમનો ઈરાદો સાત્ત્વિક છે ખરો?
આ ઝળહળાટ દરેક ધર્મના, ગરીબ અને મધ્યમ વર્ગના લોકોએ GST ભર્યો છે, તેમાંથી થાય છે. આ ખર્ય યોગી આદિત્યનાથ કે કમલમ્ તરફથી થતો નથી. પરંતુ જશ બધો મુખ્ય મંત્રી / વડા પ્રધાન અને કમલમ્ને જાય છે ! આ જ ચાલાકી છે. શ્રદ્ધાળુ લોકોને આમાં ધર્મનો / સંસ્કૃતિનો / સનાતનનો વિજય દેખાય છે. ભારતના આત્માનો પ્રકાશ લાગે છે ! કેટલાંકને લાગે છે કે આ દીપોત્સવ રામરાજ્યની ભક્તિ, શ્રદ્ધા અને આદર્શોની અમર ગાથાની સાક્ષી પૂરે છે !
માત્ર દિવાળીએ જ નહીં, પણ રોજે આવો ઝળહળાટ કરો તો પણ ધર્મનો / સંસ્કૃતિનો / સનાતનનો વિજય ન થાય. વર્ષોથી આવો ઝળહળાટ કરો છો છતાં આપણા યુવાનો જ્યાં ઝળહળાટ થતો નથી તે દેશોમાં જવા માટે લાઈનમાં કેમ ઊભા રહે છે? જો આ ઝળહળાટ / વિશ્વ વિક્રમ કોઈ પરિણામ આપી શકતો ન હોય તો પુનઃ વિચાર કરવાની જરૂર નથી?
ઝળહળાટ તો આંખોને ગમે, પણ વિવેક જરૂરી છે. જેવો આ ઝળહળાટ પૂરો થાય પછી દિવડાઓમાં વધેલું તેલ એકત્ર કરતાં ગરીબ બાળકો અને તેમને રોકતા પોલીસ / સિક્યોરિટીના માણસોના ફોટાઓ જોઈને વિચલિત થઈ જવાય છે. એ ગરીબ બાળકોના ચહેરા પર ફેલાયેલા અંધકાર તરફ જોવાની આપણી હિંમત નથી. જ્યાં સુધી આવાં દૃશ્યો અસ્તિત્વમાં છે, ત્યાં સુધી આપણી ઉજવણી ખોટી છે, આપણી સભ્યતા અધૂરી છે, અને આપણો પ્રકાશ ફક્ત ઢોંગનો ધુમ્મસ છે જે અસમાનતાના અંધકારને વધુ ગાઢ બનાવે છે. તેલ એકત્ર કરતાં બાળકોના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ ન થાય તે માટે ‘સંવેદનશીલ સરકારે’ દિવાઓ વાળીચોળીને નદીમાં જ ફેંકાવી દીધાં !
કવિ કરસનદાસ માણેકે 1935માં એક અદ્દભુત કવિતા લખી હતી. 2025માં આવી કવિતા કોઈ લખે તો તેને ‘ધર્મદ્રોહી-દેશદ્રોહી’ ઘોષિત કરી દે ! 1935માં આપણે પ્રગતિશીલ મૂલ્યોની વાત કરી શકતા હતા. સવાલ એ છે કે આપણે માત્ર મિથ્યાભિમાનનો જ વિકાસ કર્યો છે? આ સંદર્ભમાં કરસનદાસ માણેકની આ રચના યાદ આવી ગઈ :
પચરંગી ઓચ્છવ ઊછળ્યો’તો
અન્નકૂટની વેળા,
ચાંદીની ચાખડીઓએ ચડી
ભક્ત થયા’તા ભેળા !
શંખ ઘોરતા, ઘંટ ગુંજતા,
ઝાલરું ઝણઝણતી:
શતશગ કંચન આરતી
હરિવર સન્મુખ નર્તંતી
દ્રરિદ્ર, દુર્બળ, દીન અછૂતો
અન્ન વિના અડવડતા,
દેવદ્વારની બહાર ભટકતા
ટુકડા કાજ ટટળતા,
તે દિન આંસુભીનાં રે
હરિનાં લોચનિયાં મેં દીઠાં !
21 ઓક્ટોબર 2025.
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર