Opinion Magazine
Number of visits: 9718658
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આંધળો ન્યાય, સંવેદનહીન ન્યાય!

ચંદુ મહેરિયા|Opinion - Opinion|12 March 2026

ચંદુ મહેરિયા

ન્યાય આંધળો કહેવાય છે. ન્યાયાલયોમાં ન્યાયની દેવીની આંખે પટ્ટી બાંધેલી હોય છે. મતલબ કે ન્યાય કોઈ તરફ ઝૂકશે નહીં. તે સૌને સમાન દૃષ્ટિએ જોઈને ન્યાય આપશે. પરંતુ ન્યાય તોળનારા પણ આ જ સમાજમાંથી આવે છે એટલે સમાજમાં રહેલા વિભાજનો અને વિચારોથી તેઓ સાવ પર હોઈ શકે નહીં. તેથી ઘણીવાર ન્યાયાધીશોની ન્યાયમંદિરોની ટિપ્પણીઓ કે ચુકાદા અસંવેદનશીલ હોય તેવું બને છે. જો કે ભારતમાં ત્રિસ્તરીય ન્યાય વ્યવસ્થા છે એટલે ટ્રાયલ કોર્ટની કોઈ ક્ષતિ હાઈકોર્ટ અને હાઈકોર્ટની ક્ષતિ સુપ્રીમ કોર્ટ સુધારી લે છે. તેને કારણે ન્યાયનું પલ્લું બરાબર રહે છે અને અસંવેદનશીલ ચુકાદા ફેરવાય પણ છે. 

તાજેતરમાં સર્વોચ્ચ અદાલતે અલ્હાબાદ હાઈકોર્ટનો એક ચુકાદો રદ્દ કર્યો છે. એટલું જ નહીં હાઈકોર્ટની અસંવેદનશીલ ટિપ્પણીઓ સંદર્ભે વધુ પુનરાવર્તન અટકાવવા અદાલતોને દિશાનિર્દેશ જારી કરવાનો નિર્ણય લીધો છે. માર્ચ – ૨૦૨૫માં અલ્હાબાદ હાઈકોર્ટે એક સગીરા પરના કથિત બળાત્કારના પ્રયાસમાં આરોપીઓને નિર્દોષ ઠેરવતા ચુકાદામાં પોક્સો અધિનિયમ અને બળાત્કારના કાયદાની જોગવાઈઓનું અસંવેદનશીલ અર્થઘટન કર્યું હતું. અદાલતે જણાવ્યું હતું કે સગીરાની છાતી પકડવી કે તેના પાયજામાનું નાડું ખેંચવું તે બળાત્કારનો પ્રયાસ ન ગણાય. આ ચુકાદા અને ટિપ્પણી વિરુદ્ધ  દેશભરમાં ભારે વિરોધ થયો હતો. ન્યાયવાંચ્છું લોકોની અંતિમ આશા એવી અદાલતો પરની તેમની શ્રદ્ધા ખતમ થઈ ગઈ હતી. પરંતુ સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટનો ચુકાદો રદ્દ કર્યો છે અને બળાત્કારના કાયદાની જોગવાઈઓનું વધુ ગંભીરતા અને સંવેદનશીલતાથી અર્થઘટન થવું જોઈતું હતું તેમ જણાવ્યું છે. સુપ્રીમ કોર્ટના આવા વલણથી મહિલા ગરિમા અને હકના રક્ષણ માટેનો ન્યાયિક વ્યવસ્થા પ્રત્યેનો વિશ્વાસ દૃઢ થયો છે. 

ન્યાયાલયોએ મહિલાઓ પરના જાતીય અત્યાચારના ગુનાઓમાં વધુ ગંભીરતાથી અને સંવેદનાથી વિચારવાની જરૂર છે. બળાત્કાર જેવા ગુનામાં અદાલતોએ બેહદ સંવેદનશીલ વર્તાવ કરવાની જરૂર છે. આ પ્રકારના જઘન્ય અપરાધોમાં પીડિતાના મન-મસ્તિષ્ક પર થતી અસરોને પણ ધ્યાનમાં રાખવી જોઈએ. અદાલતો તેથી વિપરીત વર્તન કરતી ક્યારેક જોવા મળે છે. એક મહિલા અને તેમની ૧૪ વરસની સગીર દીકરીને આરોપીઓએ જબરદસ્તીથી રોકવાનો, તેમની સાથે અશ્લીલ હરકતો કરવાનો અને પુલિયા નીચે ખેંચી જવાનો પ્રયાસ કર્યો હતો. અલ્હાબાદ હાઈકોર્ટે મહિલા પરના બળાત્કારના પ્રયાસના આ કેસમાં એવી અમાનવીય અને વિચિત્ર ટિપ્પણી કરી હતી કે રાતનો સમય આરોપીઓ માટે આમંત્રણ સમાન હતો. કોઈ રાજકીય નેતા બચ્ચે હૈ ભૂલ હો જાતી હૈ એમ કહે કે હાઈકોર્ટના ન્યાયાધીશ રાત્રિના સમયને બળાત્કાર માટે અનુકૂળ ગણાવે તે કેટલું અમાનવીય છે.

બોમ્બે હાઈકોર્ટના મહિલા જજે પોક્સો કાયદા હેઠળના એક ગુનામાં આરોપીઓને બેકસૂર ઠેરવતા ચામડીથી ચામડીનો સ્પર્શ થાય તો જ ગુનો બને તેમ કહ્યું હતું. પીડિતા તેના પરિચિતના ઘરે ગઈ તે બળાત્કારનું આમંત્રણ હતું તેમ કહેતાં એક અદાલતના અસન્માનીય ન્યાયાધીશ અટક્યા નહોતા. સમાજમાં સ્ત્રી-પુરુષ સંબંધો સહજ છે. સાથે ખાવું-પીવું, હરવું-ફરવું કે ઘરે જવું એટલે મહિલા સાથે પુરુષને બળાત્કાર કરવાનો પરવાનો કઈ રીતે હોઈ શકે?  પુરુષમિત્રના બોલાવવા પર તેણે ઘરે જવું તે વિનયભંગનું આમંત્રણ હોઈ ના શકે. સંબંધોમાં નિભાવાતી આ એક ઔપચારિકતા છે. આ સંજોગોમાં પુરુષની બળજબરીને ફરિયાદીએ પોતે જ ઉપાધિ વહોરી છે કે મુસીબતને નિમંત્રણ આપ્યું છે કહીને પુરુષોને નિર્દોષ ઠેરવવાનું અદાલતી વલણ ભારોભાર ટીકાઓને પાત્ર છે. કોઈ મહિલાની છાતી પકડવી કે તેના સલવારનું નાડું ખેંચવું તે બળાત્કારની નિયત સાબિત કરવાનો પર્યાપ્ત પુરાવો નથી કે ચામડીથી ચામડીનો સ્પર્શ થયો નથી એવું અર્થઘટન સંવેદનહીન છે. કોલકાતા હાઈકોર્ટે તો વળી છોકરીઓને તેમની જાતીય ઇચ્છાઓને કાબૂમાં રાખવાની સલાહ આપી હતી. આ પ્રકારના ઘણા ચુકાદા સર્વોચ્ચ અદાલતે પલટ્યા છે અને નીચેની અદાલતોને ફટકાર લગાવી છે.

અદાલતોએ ન્યાય કરતી વખતે તેની સમાજ પર પડનારી અસરો અને ભવિષ્યમાં તેમના ચુકાદાને દાખલારૂપ ગણવાની પ્રણાલીને પણ ધ્યાનમાં રાખવાની છે. ન્યાયાધીશોએ અદાલતોમાં અને અદાલતોની બહાર પ્રત્યેક શબ્દ જોખી-તોળીને બોલવાનો છે. યૌન ઉત્પીડન સંબંધી મામલાઓમાં તો ખાસ સંવેદનશીલતા અને પીડિતા પર પડનારી ભાવનાત્મક અસરોનો ખ્યાલ રાખવાનો છે. સર્વોચ્ચ અદાલતે આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને અદાલતો માટે મહિલા સંબંધી કેસોમાં વધુ સંવેદનશીલતાની જરૂર માટેની ગાઈડ લાઈન તૈયાર કરવા ભોપાલ સ્થિત રાષ્ટ્રીય ન્યાયિક અકાદમીને આદેશ કર્યો છે. તેને કારણે થોડી રોક લાગશે જરૂર પણ અદાલતોમાં ન્યાયાધીશોએ અને સમાજમાં આપણે સૌએ પણ વધુ માનવીય અને સંવેદનશીલ વલણ અખત્યાર કરવાની જરૂર છે. 

ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ – ૨૦૨૫માં કેટલાક ખાસ માપદંડોને આધારે રાજ્યોની ન્યાય વ્યવસ્થાનું મૂલ્યાંકન કરી રેન્કિંગ કર્યું છે. ન્યાયમ વ્યવસ્થાના ચાર સ્તંભ પોલીસ, ન્યાયતંત્ર, જેલ અને કાયદાકીય સહાયને આધારે જોતાં દક્ષિણ ભારતના રાજ્યો રેન્કિંગમાં ઉચ્ચ સ્થાન ધરાવે છે જ્યારે ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઉત્તરાખંડ અને રાજસ્થાન તળિયે છે. દેશના કોઈ રાજ્યમાં પૂર્ણ વ્યવસ્થિત અને સુચારુ ન્યાય વ્યવસ્થા નથી તેવા નિષ્કર્ષ સાથે ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ ન્યાયાલયો મોટાભાગના કેસોમાં નાગરિકોને સાચો ન્યાય આપી શકતી નથી એમ જણાવ્યું છે.આ મુદ્દો કદાચ ચર્ચાસ્પદ છે પરંતુ અદાલતોનું સંવેદનહીન વલણ તો છાપરે ચઢીને ગાજ્યું છે તે હકીકત છે. 

ભંવરી દેવી બળાત્કાર કેસમાં રાજસ્થાનની ટ્રાયલ કોર્ટે કથિત ઉપલી જ્ઞાતિના લોકો નીચલી જ્ઞાતિની મહિલા પર બળાત્કાર ના જ કરે અને બાપ અને બેટો કે કાકો અને ભત્રીજો એક જ મહિલા પર એક જ સમયે સામૂહિક બળાત્કાર કરે તે સંસ્કાર વિરુદ્ધનું અને એટલે ન માની શ્જકાય તેવું છે એમ જણાવ્યુ જ હતું ને? ચાળીસેક વરસ પૂર્વે ગુજરાતની એક મોટર વાહન ટ્રિબ્યૂનલે દલિત કિશોર ચમાર દિનેશ બળદેવભાઈના વાહન અકસ્માતના કેસમાં વળતર આપવા મુદ્દે એવી ટીકા કરી હતી કે આ કિશોરના માબાપ ગરીબ ખેતમજૂર છે તેમને બીજા બાળકો પણ છે તેમના માટે મૃતક કિશોર બોજારૂપ હતો. એટલે તેના અકસ્માત મૃત્યુનું તે વળી વળતર હોઈ શકે? આ ટિપ્પણી ન માત્ર સંવેદનહીન છે, અમાનવીય પણ છે. 

કરુણા અને સંવેદના તો માનવ હ્રદયની આંતરિક બાબત છે તેને બાહ્ય પ્રયાસોથી ભરી ન શકાય. તેમ છતાં કાયદાનું સાચું અને માનવીય અર્થઘટન ગુણવતાયુક્ત તાલીમથી રોપી શકાય. સર્વોચ્ચ અદાલતની સંવેદનશીલ ન્યાયતંત્ર માટેની ગાઈડ લાઈનની પ્રતીક્ષા કરીએ અને તાલીમથી અદાલતોમાં સંવેદના અને કરુણા રોપવાના પ્રયાસો જારી રાખીએ. 

e.mail : maheriyachandu@gmail.com

Loading

12 March 2026 Vipool Kalyani
← ચાલો, બધા એક સાથે ઊભા રહો, વંદે માતરમ્‌ આખું ગાઓ જોઈએ!

Search by

Opinion

  • ચાલો, બધા એક સાથે ઊભા રહો, વંદે માતરમ્‌ આખું ગાઓ જોઈએ!
  • રંગભેદથી જ્ઞાતિભેદ સુધી: સંવેદનાની એક સદી
  • પ્રતિબંધિત જગત
  • મા કસમ !
  • એ સ્ત્રી છે !!

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved