Opinion Magazine
Number of visits: 9447711
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આખો દેશ અડાયા પર બેઠો છે ?

ચંદુ મહેરિયા|Opinion - Opinion|12 August 2020

દેશમાં કોરોનાના કેર અને મહામારીના મારથી બેપરવા થઈને રાજકારણીઓ સત્તાનો નગ્ન નાચ બેરોકટોક ચલાવી રહ્યા છે. ચૂંટણીથી મળેલો જનાદેશ ચૂંટાયેલા પ્રતિનિધિઓના ખરીદવેચાણથી પલટી દેવાય છે. કર્ણાટક અને મધ્યપ્રદેશમાં સત્તાપલટા ધારાસભ્યોના પક્ષપલટાથી થયા પછી  હવે રાજસ્થાનનો વારો છે. રાજસ્થાનમાં કૉન્ગ્રેસની સરકાર રચાઈ ત્યારથી જ સત્તાના બે ધ્રુવ અને અસંતોષ જોવા મળતા હતા. કૉન્ગ્રેસના અશોક ગહેલોતે નાના પક્ષો અને અપક્ષોના સહારે સત્તા મેળવી હતી. પરંતુ તેમના સત્તા સહભાગી સચિન પાઈલોટને તેનાથી ધરવ નહોતો. એમણે નાયબ મુખ્યમંત્રીનું પદ કમને સ્વીકારી તો લીધું  પણ હવે સમર્થક ધારાસભ્યો સાથે મુખ્યમંત્રી સામે બાંયો ચડાવી છે. જો કે તેમની પાસે ધારાસભ્યોનું પૂરતું સંખ્યાબળ ન હોવાથી રાજભવન અને રાજ્યપાલે કેન્દ્રના સત્તાપક્ષના પ્રતિનિધિની જેમ સંખ્યાબળની ગોઠવણમાં મદદરૂપ થાય તેવા નિર્ણેયો લીધા છે. બી.જે.પી. અને ગવર્નર એ જાણે છે કે હાલમાં કૉન્ગ્રેસ લઘુમતીમાં નથી એટલે બંધારણ અને નિયમોની ઉપરવટ જઈને વિધાનસભાનું સત્ર ત્વરિત બોલાવવાની માંગ સ્વીકારી નથી. જો કે સત્તાની તડજોડમાં ગહેલોત પણ પાવરધા છે. તેમણે રાજ્યમાં બી.એસ.પી.ના છ ધારાસભ્યોના સમર્થનથી સત્તા મેળવી હતી, પણ એ તમામને સાગમટા કૉન્ગ્રેસમાં જોડી દેવાનો અદ્દભુત ખેલ (આખા સંસદીય પક્ષનો વિલય !) રચી જાણ્યો છે. લોકશાહીની હત્યાની કાગારોળ સત્તાપક્ષ અને વિપક્ષ બધા મચાવે છે ખરા, પણ તક મળે તો તે પણ એવું જ વર્તન કરે છે.

તડજોડ અને ખરીદવેચાણથી સત્તા મેળવવા શું શું કરવું પડે છે તે હરિયાણા, ગોવા, કર્ણાટક અને મધ્યપ્રદેશમાં જોવા મળ્યું છે. છેલ્લે મધ્યપ્રદેશમાં બી.જે.પી.એ જ્યોતિરાદિત્ય સિંધિયાના ટેકેદાર કૉન્ગ્રેસના ધારાસભ્યોના રાજીનામાથી સત્તા મેળવી છે. રાજીનામા આપનાર કૉન્ગ્રેસના ધારાસભ્યો તે પછી બી.જે.પી.માં જોડાયા છે અને વગર ચૂંટણીએ મંત્રીઓ બની ગયા છે. હાલના મધ્યપ્રદેશના મંત્રીમંડળમાં ધારાસભ્ય ન હોય તેવા મંત્રીઓ ૪૨ ટકા છે. એમણે છ મહિનાની મર્યાદામાં ચૂંટાવું પડશે અને કદાચ તેઓ ચૂંટાઈ પણ જશે પરંતુ તેનાથી લોકશાહીને કેટલી મોટી હાણ પહોંચી રહી છે તેની કોઈને ફિકર નથી. એમ તો છત્તીસગઢમાં કૉન્ગ્રેસ પાસે રાજસ્થાન-મધ્યપ્રદેશ જેવી પાતળી બહુમતી નથી છતાં તે પણ ચિંતામાં છે. છત્તીસગઢના કૉન્ગ્રેસી ધારાસભ્યો વંડી ઠેકીને ભા.જ.પ. ભેગા ન થઈ જાય એટલે તેમને પણ સત્તાના બટકાં નાંખવા પડ્યાં છે. સરકારિયા કમિશનના રિપોર્ટને કારણે હવે મંત્રીમંડળમાં અમર્યાદિત ભરતી કરી શકાતી નથી. બીજી તરફ સત્તાભૂખ્યા તમામને મંત્રીપદ, સત્તા અને સુવિધાઓ જોઈએ છીએ. એટલે તેમને રાજી રાખવા પડે છે. છતીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલે તાજેતરમાં ૧૫ સંસદીય સચિવોની નિમણૂંક કરવી પડી છે. નોંધપાત્ર બાબત એ છે કે રાજ્યમાં મંત્રીઓ કુલ ૧૨ છે પણ સંસદીય સચિવો ૧૫ છે ! કહેવા ખાતર તો એમ કહેવાય છે કે સંસદીય કાર્યોમાં મંત્રીઓને મદદરૂપ થવા સંસદીય સચિવો હોય છે પણ ખરેખર તો તેમને પક્ષમાં ટકાવી રાખવાનો આ ખેલ છે. નાયબ મુખ્યમંત્રી કે નાયબ વડાપ્રધાનનું પદ એ કોઈ બંધારણીય  પદ નથી. પણ વેઈટિંગ પી.એમ. કે વેઈટિંગ સી.એમ. જેવા આ પદ પર પણ મહાનુભાવો શોભાયમાન થતા રહે છે. ગુજરાતમાં એક, ઉત્તરપ્રદેશમાં બે તો આંધ્રપ્રદેશમાં ત્રણ નાયબ મુખ્યમંત્રીઓ છે.

રાજ્યસભામાં એન.ડી.એ.ની બહુમતી માટેના પ્રયત્નો ૨૦૧૪થી ચાલે છે. ધારાસભ્યો દ્વારા રાજ્ય સભાના સભ્યો ચૂંટાય છે એટલે ગુજરાતમાં કૉન્ગ્રેસી ધારાસભ્યોના રાજીનામા અને પક્ષાંતર રાજ્યસભાની ચૂંટણી વખતે જ થયા છે. જો કે હદ તો ત્યારે થઈ કે આંધ્રના તેલુગુ દેશમ પાર્ટીના ચાર રાજ્યસભા સભ્યો એક સાથે બી.જે.પી.માં જોડાઈ ગયા ! આંધ્રની એસેમ્બલીમાં બી.જે.પી.નો એકેય ધારાસભ્ય નથી પણ સંસદના ઉપલાગૃહ, રાજ્યસભામાં, બી.જે.પી.ના ચાર સાંસદો છે !

આપણા ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સરકારો આખરે આ બધું કોના માટે કરે છે ? લોકોની સેવા, પ્રજાકલ્યાણ, નાગરિકના ક્ષેમ કુશળ અને સલામતી માટે એ કેટલા પ્રયત્નશીલ છે? તે લાખેણો સવાલ છે. યુ.પી.ના વિકાસ દુબે પ્રકરણે કાયદો અને વ્યવસ્થાની તો કોરોના મહામારીએ આરોગ્ય સગવડો અને રોજગારીના ક્ષેત્રે દેશમાં કેવી દારુણ સ્થિતિ પ્રવર્તે છે તે ઉજાગર કર્યું છે. માનેસરમાં હરિયાણા બી.જે.પી.ના મહેમાન રાજસ્થાનના પાઈલોટ-સમર્થક ધારાસભ્યોની તપાસ માટે ગયેલી રાજસ્થાન પોલીસને હરિયાણા પોલીસ પ્રવેશવા ના દે અને ફિલ્મ અભિનેતા સુશાંતસિંઘ રાજપૂત આત્મહત્યા મામલે તપાસ માટે ગયેલી બિહાર પોલીસને મુંબઈ પોલીસ આંતરે કે કેન્દ્રનો સત્તાપક્ષ વિપક્ષીઓ અને વિરોધીઓ પર ફાવે ત્યારે અને તેમ ઈ.ડી. કે સી.બી.આઈ.ની તપાસ કરે એના પરથી દેશમાં કાયદાના શાસનની કેવી વલે છે તે જણાઈ આવે છે. બંધારણના પાયાનાં મૂલ્યોની સ્થિતિ પણ ચિંતાજનક છે. ધર્મનિરપેક્ષ દેશના વડાપ્રધાન રામમંદિરના ભૂમિપૂજનમાં સામેલ થાય તેનો વિરોધ હૈદરાબાદના મુસ્લિમ સાંસદ અસદુદ્દિન ઔવેસી કરે છે.  બંધારણીય જોગવાઈઓ મુજબ વરિષ્ઠતાના ધોરણે ગયા વરસે તેલંગાણા વિધાનસભાના પ્રોટેમ સ્પીકર તરીકે ઔવેસીની પાર્ટી એ.આઈ.એમ.આઈ.એમ.ના ધારાસભ્ય મુમતાજ અહમદ ખાન વરાયા હતા. આ મુસ્લિમ પ્રોટેમ સ્પીકરનો પક્ષ રાષ્ટ્ર વિરોધી છે એમ કહીને તેલંગાણા વિધાનસભાના બી.જે.પી.ના એકમાત્ર ધારાસભ્ય ટી. રાજા સિંહે તેમના દ્વારા ધારાસભ્ય પદના શપથ લેવાનો ઈન્કાર કર્યો હતો.

મતદાર કે નાગરિક આજે શું કરી રહ્યો છે ? વડાપ્રધાને ખુદ આપેલા આંકડા મુજબ ૮૦ કરોડ લોકો સરકારના પાંચ કિલો ઘઉં અને  એક કિલો ચોખા મેળવે છે. ૩ કરોડ પરિવારો અને ૧૫ કરોડ લોકો મનરેગામાં મજૂરી કરે છે. અયોધ્યામાં રામમંદિરનું ભવ્ય ભૂમિપૂજન થઈ રહ્યું હતું ત્યારે અડધું ઉત્તરપ્રદેશ, પોણું બિહાર અને આખેઆખું અસમ પૂરના પાણીમાં તણાયેલું હતું ! પંજાબમાં ૧૧૧ લોકો ઝેરી દારૂ પીને મરી ગયા. બિહારના અરરિયામાં ગેંગરેપપીડિતા યુવતી અને બે સામાજિક કાર્યકરો અદાલતી અવમાનના ખોટા કેસમાં જેલમાં બંધ હતા. પત્રકારો અને આર.ટી.આઈ. કાર્યકરોની હત્યાઓ ચાલુ છે. બેન્કોની એન.પી.એ. વધી રહી છે અને વિત્તમંત્રી બેન્કોને લોન  આપવામાં પાછી પાની ન કરવા આદેશી રહ્યા છે. ગુજરાતના વિપક્ષી અને ત્રિપુરાના સત્તાપક્ષી એમ.એલ.એ. પર કોવિડ નિયમોના ભંગની પોલીસ ફરિયાદો થઈ  છે. આદિવાસીબહુલ ઝારખંડના આદિવાસી મુખ્યમંત્રી માસ્ક ન પહેરવા બદલ એક લાખના તોતિંગ દંડની જોગવાઈ કરે છે તો ગુજરાતની વડી અદાલત સરકારને ગભરાયા વિના માસ્ક વિના ફરતા લોકો પર એક હજારના દંડની જોગવાઈ કરવાનો આદેશ કરે છે. કોરોનાકાળમાં મતદારોની વચ્ચે નહીં પણ હોટલો અને અજ્ઞાતવાસમાં રહેતા રાજસ્થાનના ૧૨૧ ધારાસભ્યોના પગાર ભથ્થા કાપી લેવાની માંગ થાય છે, વાલીઓ ફી ન ભરી શકવાની અને શાળા સંચાલકો ફી વિના બરબાદ થઈ જવાની રાવ કરે છે. અનુચ્છેદ ૩૭૦ની નાબૂદી અને સ્વતંત્ર રાજ્યને બદલે કેન્દ્રનું ખંડિયું રાજ્ય બનવાની વરસી કશ્મીર સંચારબંધી હેઠળ મનાવે છે ……

આખરે સત્તાધારી બી.જે.પી. આવું કેમ કરે છે કે થવા દે છે ? તેનો જવાબ એ હકીકત પરથી મળે છે કે બી.જે.પી.ને લોકસભામાં ૫૬ % (૩૦૩) બેઠકો મળી છે પરંતુ રાજ્યોની વિધાનસભાઓમાં તેની પાસે ૩૫ % બેઠકો જ છે. ગયા વરસે કેન્દ્ર સરકારનો કુલ ખર્ચ ૨૭ લાખ કરોડનો હતો. પરંતુ સઘળી રાજ્ય સરકારોનો ખર્ચ ૩૪ લાખ કરોડ હતો. એટલે સત્તા અને સંપત્તિ બંને માટે રાજ્યોની સત્તા જરૂરી છે. એ માટે તમામ સમાધાનો અને ગોઠવણો કરવા તે તૈયાર છે. હરિયાણામાં બહુમતીના અભાવે પ્રાદેશિક પક્ષ, જનનાયક જનતા પાર્ટીનો સહારો લીધો. પક્ષના નેતા દુષ્યંત  ચૌટાલાને નાયબ મુખ્યમંત્રીનું પદ અને તેમના સાથી ધારાસભ્યોને ૧૧ મહત્ત્વના ખાતા આપવા પડ્યાં એટલું જ નહીં ચૌટાલાની પસંદગીના રાજ્ય બી.જે.પી. પ્રમુખ બનાવવા પડ્યા. સત્તા મળ્યા પછી તેનો કેવો ઉપયોગ કે દૂરુપયોગ થાય છે તે તો જગજાહેર છે. એકાદ બે નમૂના જોઈએ તો ગુજરાતના પાટનગર ગાંધીનગરની જિલ્લા પંચાયતના મુખ્ય વહીવટી અધિકારી એવા જિલ્લા વિકાસ અધિકારીએ ભરકોરોને પોતાની ચેમ્બરની સજાવટ માટે પંદર લાખ રૂપિયા ખર્ચ્યા એટલે ભા.જ.પ.-કૉન્ગ્રેસે ભેગા મળીને (ઉચિત રીતે જ) ડી.ડી.ઓ.ની વિરુદ્ધમાં રૂ. એકનો પગાર કાપ કરવાની સજા કરતો ઠરાવ કર્યો. પરંતુ રાજ્યના પાટનગર ગાંધીનગરમાં આ જ કોરોનાકાળના આઝાદી દિને સરકારી ઈમારતોમાં રોશની કરવા ૬૪ લાખ ખર્ચી નાંખવાના છે. વડાપ્રધાનને સંસદની હાલની ઈમારતને સ્થાને નવી ઈમારત બનાવવી છે. તો તેલંગણાના મુખ્યમંત્રીને પાટનગર હૈદરાબાદમાં નવું સચિવાલય બનાવવું છે. એટલે આ દિવસોમાં જ જૂનું સચિવાલય બાર કરોડના ખર્ચે તોડી પાડવામાં આવી રહ્યું છે !

રાજદ્વારોના ખૂની ભપકા અને આમ આદમીની વેદનાની વર્તમાન હાલત કવિ રાવજી પટેલની કાવ્ય પંક્તિના આ શબ્દો ‘આખો દેશ અડાયા પર બેઠો છે ‘ની તો નથી ને ?

e.mail : maheriyachandu@gmail.com

Loading

12 August 2020 admin
← “ઈતિહાસની ઘટનાઓનો બદલો લેવાની વૃત્તિ સભ્ય સમાજ માટે સારી નથી”
ઉત્તમ કવિ અને ઉમદા ડોક્ટર દિલીપ મોદીની દુખદ વિદાય →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved