‘Bullet for Bullet : My Life as a Police Officer – બુલેટ ફોર બુલેટ : માય લાઈફ એઝ અ પોલીસ ઓફિસર’ IPS અધિકારી જુલિયો રિબેરોની આત્મકથા છે.
Julio Ribeiro-જુલિયો રિબેરો (96) કોણ છે? ભારતના પ્રથમ ‘સુપરકોપ’. 36 વરસની પોલીસ સર્વિસનો અનુભવ. તેમનો જન્મ 1929માં ગોવામાં થયો હતો. 1953માં ભારતીય પોલીસ સેવામાં જોડાયા પછી, તેમણે પંજાબ, દિલ્હી, મુંબઈ, ગુજરાત અને ગોવા જેવા વિવિધ રાજ્યોમાં કામ કર્યું.
‘બુલેટ ફોર બુલેટ’માં મહત્ત્વના પડકારો, અનુભવો, નીતિ અને ભ્રષ્ટાચાર સામેની તેમની લડાઈનું વિગતવાર વર્ણન છે. સંગઠિત ગુનાખોરી, સાંપ્રદાયિક હિંસા અને રાજકીય દબાણ વચ્ચે પોલીસિંગના કઠિન નિર્ણયો કેવી રીતે લેવાય છે, તે પોતાના અનુભવો દ્વારા સમજાવે છે.
મુંબઈના પોલીસ કમિશ્નર તરીકે તેમના કાર્યકાળમાં 1984માં દેશભરમાં થયેલા એન્ટી-શીખ રમખાણો સમયે બોમ્બે તેમના નેતૃત્વ હેઠળ બચી ગયું, જે આ પુસ્તકનો મહત્ત્વનો ભાગ છે. મોટા શહેરમાં ક્રાઈમનું ઊંચું પ્રમાણ અને ‘ટચી’ રાજકારણ વચ્ચે કાયદો-વ્યવસ્થા કઈ રીતે સંભાળવી તે તેઓ વ્યવહારુ ઉદાહરણોથી બતાવે છે.
1986માં પંજાબ આતંકવાદના શિખરે હતું ત્યારે તેમની નિમણૂક પંજાબના DGP-ડાયરેક્ટર જનરલ ઑફ પોલિસ તરીકે થઈ. ત્યાં કરેલું કામ પુસ્તકનો શિખરભાગ બને છે.
પુસ્તકમાં આખું વર્ણન નિષ્કપટ અને નિષ્પક્ષ સ્વરે છે, જેમાં સાચા-ખોટા વચ્ચેની રેખા, ઘણી વાર ધૂંધળી કેવી રીતે બની જાય છે તે પોલીસિંગના પરિપ્રેક્ષ્યમાં સમજાય છે. વ્યક્તિગત સીમાચિહ્નો, નગર-રાજકારણ અને આતંકવાદ વિરોધી કામગીરીને સાધીને, પુસ્તક વાચકને પોલીસ તંત્ર કેવી રીતે કામ કરે તેની અંદરની સમજ આપે છે.
રિબેરો કહે છે કે ‘પોલીસ અધિકારીએ ન્યાય અને નૈતિકતાનું પાલન કરવું જોઈએ, ભલે ગમે તેટલું રાજકીય દબાણ આવે. તેમણે રાજકારણીઓ અને માફિયાના દબાણ સામે ઝૂકવું ન જોઈએ. પોલીસમાં ભ્રષ્ટાચાર દૂર કરવા માટે નિયમોનું કડક પાલન અને પારદર્શિતા પર ભાર મૂકવો જોઈએ.’
પોલીસ અને લોકો વચ્ચે વિશ્વાસ પ્રગટાવવા માટે સુધારણાની જરૂરિયાત પર તેમણે ભાર મૂક્યો. તેમનો નિર્ભય સ્વભાવ અને ગુનાખોરો સામે સીધી લડતની ઘટનાઓ પુસ્તકમાં પ્રેરણાદાયી રીતે રજૂ થઈ છે.
આ પુસ્તક એટલે ન્યાય અને નૈતિકતાની લડત લડનારા એક પોલીસ અધિકારીની પ્રેરણાદાયી કથા; જે ભારતીય પોલીસ વ્યવસ્થાને વધુ સુધારવા પ્રેરણા આપે છે.
ઓગસ્ટ 1991માં, તેઓ રોમાનિયામાં ભારતીય રાજદૂત હતા ત્યારે બુકારેસ્ટમાં તેમની પર પંજાબી શીખ બંદૂકધારીઓએ હુમલો કર્યો હતો. તેમાં તેઓ ઘાયલ થયા હતા પણ બચી ગયા હતા.
1986માં, કલકત્તાના ‘ટેલિગ્રાફ’ અને મદ્રાસના ‘હિન્દુ’ દ્વારા પ્રકાશિત પાક્ષિક ‘ફ્રન્ટલાઈન’એ તેમને ભારતના તે વર્ષના શ્રેષ્ઠ વ્યક્તિ તરીકે જાહેર કર્યા હતા; અમેરિકાના ‘ન્યૂ યોર્ક ટાઇમ્સ’, ‘ટાઇમ’ અને ‘ન્યૂઝવીક’ એ પણ પંજાબમાં આતંકવાદ સામેની લડતમાં તેમના યોગદાનનો ઉલ્લેખ કર્યો હતો.
તેઓ ધ હેપ્પી હોમ એન્ડ સ્કૂલ ફોર ધ બ્લાઇન્ડ અને ધ બોમ્બે મધર્સ એન્ડ ચિલ્ડ્રન વેલ્ફેર સોસાયટી જેવી ઘણી સખાવતી સંસ્થાઓ સાથે જોડાયેલા છે. 1987માં તેમને ‘પદ્મ ભૂષણ’થી સન્માનિત કરવામાં આવ્યા હતા.
‘Hope for Sanity – હોપ ફોર સેનિટી’ પુસ્તકમાં 2002થી 2021 વચ્ચે લખાયેલા જુલિયો રિબેરિયોના પસંદગીના લેખોનું સંકલન છે. જેમાં પોલીસ, શાસન અને સમાજ વિષયક ધારદાર વિચાર છે. આ લખાણો આજે પણ કાયદા-વ્યવસ્થા, નૈતિકતા અને સાંપ્રદાયિકતા વિશે સ્વસ્થ બુદ્ધિ જાળવવાની અપીલ કરે છે.
એમના વિષયોના થોડાં નમૂનાઓ :
[1] પોલીસ આચારસંહિતા, કસ્ટડીમાં સ્ત્રી સુરક્ષા અને દંડાત્મક જવાબદારી.
[2] સેલિબ્રિટી કેસો, પોલીસ હિંસા અને દરરોજની પોલિસિંગની કઠિનતાઓ.
[3] ભ્રષ્ટાચાર અને નીતિ અમલની ખામીઓ પર અનુભવજન્ય કથાઓ.
[4] પંજાબના ઉગ્રવાદ સમયે કાયદાની મર્યાદામાં રહી કામ કરવાની વૃત્તિ પર ભાર મૂક્યો.
[5] બહુમતીવાદી દ્વેષ રોકવાનો સંવિધાનિક સંદેશ.
[6] પોલીસ દળની અંદર કડક જવાબદારી, ઝડપી કાર્યવાહી, અને પીડિતાઓને કેન્દ્રમાં રાખતી પ્રક્રિયા અતિ મહત્ત્વની છે. તેઓ આ ગુનાઓને ‘લોકો દ્વારા પોલીસ પર મૂકાયેલા વિશ્વાસનો સૌથી ગંભીર ભંગ’ તરીકે વર્ણવે છે. તેઓ કહે છે કે પોલીસ પાસે રાજ્ય દ્વારા સોંપાયેલ સત્તા હોવાથી તેમના ગુનાઓ માટે સામાન્ય આરોપીઓ કરતાં વધુ કડક સજા જરૂરી છે.
[7] નાસિક (1956–57) : સહાયક પોલીસ અધિકારી તરીકે તેમણે સુર્ગાણા વિસ્તારનો એક કેસ સંભાળ્યો હતો, જેમાં એક કૉન્સ્ટેબલે મેળામાં એક આદિવાસી મહિલાનો બળાત્કાર કર્યો હતો. તેના કારણે થયેલી અશાંતિ દરમિયાન પોલીસે ગોળીબાર કરવો પડ્યો જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું. અંતે, આરોપી કૉન્સ્ટેબલને 7 વર્ષની સજા થઈ.
[8] મુંબઈ (1982–85) : પોલીસ કમિશનર તરીકે તેમણે સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનના એક કૉન્સ્ટેબલનો કેસ હાથ ધર્યો, જેણે સુરક્ષા માટે રાખવામાં આવેલી માનસિક રીતે પડકારગ્રસ્ત છોકરી સાથે બળાત્કાર કર્યો હતો. તે કૉન્સ્ટેબલની ધરપકડ કરવામાં આવી અને તેને બાદમાં કેદની સજા થઈ.
[9] આવા ગુનાખોર પોલીસકર્મીઓને ખૂબ જ કડક અને ઝડપી કાર્યવાહીથી દંડિત કરવા જોઈએ. વરિષ્ઠ અધિકારીઓએ પોતાની ટીમ સામે નૈતિક વર્તનનું ઉદાહરણ પૂરું પાડવું જોઈએ (સૌથી મોટી ખામી નેતૃત્વની છે). પીડિતાઓ સાથે વ્યવહાર કરતી વખતે પ્રક્રિયા સંવેદનશીલ અને survivor-centric હોવી જોઈએ, શક્ય હોય ત્યારે નિવેદન મહિલા પોલીસકર્મી દ્વારા લેવાય, અને એવું શક્ય ન હોય તો ઓછામાં ઓછી બીજી કોઈ મહિલા હાજર હોવી જ જોઈએ. તેમ જ ફરિયાદ કરતી મહિલાઓને અપમાનજનક કે અશ્લીલ પ્રકારના પ્રશ્નો પૂછવા જોઈએ નહી. કારણ કે તે તેમની પીડાને વધુ વધારી શકે છે.
જુલિયો રિબેરો, વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારના અગ્રણી ટીકાકાર રહ્યા છે, તેઓ લઘુમતી અધિકારો, ધર્મનિરપેક્ષતા અને ભારતીય લોકશાહીની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરવા માટે વારંવાર અખબારી કૉલમ અને ઇન્ટરવ્યુનો ઉપયોગ કરે છે. તેમની મુખ્ય આલોચનાઓ :
[1] લઘુમતી સાથેનો વ્યવહાર : તેમણે મોદી સરકાર સત્તામાં આવી ત્યારથી ‘લઘુમતી વિરોધી દ્વેષ’. લઘુમતીઓ ‘બીજા-વર્ગના નાગરિક’ બનવાના ડરમાં જીવે છે.
[2] દ્વેષપૂર્ણ ભાષણ પર મૌન : ભારતીય જનતા પાર્ટીના સભ્યો અને સમર્થકો દ્વારા કરવામાં આવતા દ્વેષપૂર્ણ ભાષણ અને સાંપ્રદાયિક હિંસા પર મૌન રહેવા માટે મોદીજીની ટીકા કરતાં તેઓ કહે છે કે શું વડા પ્રધાન તેમના પક્ષ દ્વારા ફેલાવવામાં આવતી નફરતને શાંત ન કરી શકે?
[3] લોકશાહી સંસ્થાઓને નબળી પાડવી : ન્યાયતંત્ર અને ચૂંટણીપંચ સહિત ભારતના લોકશાહી અસ્તિત્વના વિવિધ ભાગોને નિયંત્રિત કરવાના પ્રયાસો પર તેમણે શંકા વ્યક્ત કરી છે, ચેતવણી આપી છે કે આવી ક્રિયાઓ ભારતીય લોકશાહીને જોખમમાં મૂકે છે.
[4] પોલીસનું રાજકીયકરણ : ભૂતપૂર્વ ટોચના પોલીસ અધિકારી (ગુજરાત અને પંજાબના મુંબઈ પોલીસ કમિશનર અને ડી.જી.પી. તરીકે સેવા આપતા), રિબેરોએ પોલીસ દળોના રાજકીયકરણ – Politicization of the police પર દુ:ખ વ્યક્ત કર્યું છે, અને કહ્યું છે કે પોલીસ તો ‘સંપૂર્ણપણે રાજકીય નેતૃત્વ’ દ્વારા નિયંત્રિત છે.
[5] સંજીવ ભટ્ટની ધરપકડ : તેમણે IPS અધિકારી સંજીવ ભટ્ટની ધરપકડની ટીકા કરી હતી.
[6] તેમણે કહ્યું હતું કે ‘ચાર હત્યાઓ માટે કેસનો સામનો કરી રહેલા IPS અધિકારી પી.પી. પાંડેને, રાજ્યના પોલીસ વડાના પદ પર કેવી રીતે નિયુક્ત કરી શકાય? કારણ કે તેઓ કેસનો સામનો કરી રહ્યા છે, ઓલ ઇન્ડિયા સર્વિસીસ (કન્ડક્ટ) રૂલ્સ અનુસાર તેઓ સસ્પેન્શન હેઠળ હોવા જોઈએ. CBI દ્વારા હાઇકોર્ટની દેખરેખ હેઠળ તપાસમાં પી.પી. પાંડે ચાર્જશીટ કરાયેલ આરોપી છે, કાયદાની યોગ્ય પ્રક્રિયાનો સંપૂર્ણ અનાદર કરીને, તેમને ગુજરાતના કાર્યકારી DGP તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. કાર્યકારી DGP તરીકે તેમની પાસે આ સંવેદનશીલ કેસમાં સાક્ષી રહેલા અન્ય પોલીસકર્મીઓ પર સત્તા અને નિયંત્રણ હશે. જે ટ્રાયલની ન્યાયિક પ્રક્રિયા પર પ્રતિકૂળ અસર થવાની શક્યતા છે. આ પદ પર નિમણૂક પહેલાં, પી.પી. પાંડેએ, લગભગ એક દાયકા પછી ગુજરાતમાં ફરી પ્રવેશતા ડી.જી. વણઝારાના ‘સ્વાગત સમારોહ’માં હાજરી આપી હતી. ઇશરત જહાં અને સોહરાબુદ્દીન શેખ નકલી એન્કાઉન્ટર હત્યાના આરોપી ડી.જી. વણઝારાનો પૂર્વગ્રહપૂર્ણ દૃષ્ટિકોણ સોશિયલ મીડિયા પર દેખાયો હતો જ્યારે તેમણે ‘મુઘલોના પુત્રો ભારત છોડો’ કહ્યું હતું.
જુલિયો રિબેરોની નિમણૂક, જૂન-1985માં, ગુજરાતના પોલીસ વડા-DGP તરીકે થતાં જ ગુજરાત આખામાં દારુ-જુગારના અડ્ડા સંકેલાઈ ગયા હતા ! કોમી રમખાણો શાંત થઈ ગયા હતા ! એનો અર્થ એ પણ થાય કે ગુજરાતમાં દારુ / ડ્રગ્સ / જુગારનું દૂષણ ત્યારે જ વકરે જ્યારે ગુજરાતના પોલીસ વડા પ્રામાણિક ન હોય અને હિમ્મતવાળા ન હોય, પણ ચાપલૂસ હોય.
[સૌજન્ય : હિદાયત પરમાર]
30 નવેમ્બર 2025
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()

