Opinion Magazine
Number of visits: 9450086
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘આજુખેલે ‘ :  ભાષા અને જિંદગીનાં સૌંદર્યનું આહ્લાદક સ્વકથન 

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|25 September 2023

પુસ્તક પરિચય

‘… આ વારતા તો મેં દીઠેલાં, માણેલાં જીવનનાં સૌંદર્યોનાં સીધાંસાદાં વર્ણનોની છે. ભાષા, લય, મને મળેલાં લોકો, જીવ-અજીવ પ્રકૃતિની કે મેં દીઠેલાં, અઢળક સૌંદર્યોની મુખ્ય ધારામાં વહેતા રહીને મેદાનમાં ઊતર્યા છીએ એની મોજની છે.’

‘આજુખેલે’ના આરંભે લેખક-ગીતકાર ધ્રુવ ભટ્ટે લખેલા આ શબ્દોની મનભર મોજ તેમના હજ્જારો ચાહકો અઢીસો પાનાં સુધી માણવાના.

હમણાંનાં વર્ષોનાં અત્યંત સુંદર, ઝળાંહળાં કરી દેનારા આ પુસ્તકને નવલકથાકાર  ધ્રુવભાઈએ ‘સ્મૃતિ-નવલ’ કહ્યું છે. તેઓ લખે છે : ‘હા, વાર્તામાં હોય છે તેમ આમાં કલ્પના, રચના, પ્રપંચ બધું છે. સ્મૃતિદોષ પણ છે અને બીજા પાસે સાંભળેલી વાતનાં મેં કરેલાં અર્થઘટનો પણ છે. આવું બધું છે. એટલે મેં આને સ્મૃતિ-નવલ ગણી છે.’

ધ્રુવભાઈએ અહીં જે  કંઈ પણ લખ્યું છે તે વાચકોને ગમી જ જવાનું. સ્ટેશને મળતી ‘પટ્ટાવાળી ચા’થી લઈને આકાશના કે દરિયાના ભવ્યોદાત્ત દર્શન સુધી કંઈ કેટલું ય.

રેવેન્યૂ ખાતાના કર્મચારી અને કવિ પિતાની બદલીવાળી નોકરી નિમિત્તે સૌરાષ્ટ્રના પાલિતાણા – રાજુલા – જાફરાબાદ – ભેસાણ – ઉમરાળા જેવાં ગામ-કસબામાં વીતેલું બાળપણ તેમ જ જેમતેમ ચાલેલું ભણતર, વિદ્યાનગર અને અમદાવાદમાં કૉલેજમાં શિક્ષણ સાથે બહુભાષી આઇ.આઇ.એમ.ની કરિયાણાની દુકાનમાં રોજગારીનું કામ, જાહેરખબર એજન્સી તેમ જ સ્ક્રીનપ્રિન્ટિન્ગ, ગાંધી શતાબ્દી વર્ષમાં મહાત્મા પરનાં રેલ-પ્રદર્શનમાં સહાયક તરીકે કેટલાંક રાજ્યોમાં પ્રવાસ, ઉત્પાદન કંપનીમાં નોકરી, વિવાહ અને દામ્પત્ય, પરિવાર તેમ જ આજુબાજુનાં બાળકો સાથે સૌરાષ્ટ્રમાં દરિયાકિનારાની યાત્રાઓ અને કુદરત-દર્શન, વિદ્યાનગરમાં કમ્પ્યૂટર ટાઇપસેટિંગનું કામ, સમાજકાર્ય કરતી સંસ્થા સાથે જોડાણ – આવી કંઈક અહીં સર્જકે આળેખેલા જીવનચિત્રની રૂપરેખા છે.

‘આ મારી આત્મકથા નથી, આત્મકથા લખવા જેટલી હિંમત કે સચ્ચાઈ મારામાં નથી’ એવું લેખકે શરૂઆતમાં જ કહ્યું છે.

છતાં, અહીં ઉપસતું લેખકનું વ્યક્તિત્વ સહજ, જિંદગીને ચાહનાર, માણસાઈ અને સાચકલાઈથી છલકાતું, સૌંદર્યઘેલું છે.  કંઈક અળવીતરું, અપ્તરંગી અને મનસ્વી પણ છે.

કૉલેજનો ‘ડંગોરો’ પાયખાનામાં સંતાડી દે છે. કૉલેજની પરીક્ષામાં સુપરવાઇઝર બહેને મહેણું મારતાં તત્કાળ ઉત્તરવહી તેમને ભૂંગળું કરીને આપી દે છે, એસ.ટી.માં એક મોભાદાર હમસફરનો નડતો ભારે થેલો ઉપાડીને મૂક્યા બાદ ચાર આની મજૂરી માગે છે.

એક ‘સ્કૂલ’માં વાલીઓને વ્યાખ્યાન આપતા પહેલાં આચાર્ય પાસે એ મોંઘી સ્કૂલની બાળપણ રુંધનાર રીતિનીતિ વિશે અંદાજ આવતા શ્રોતાઓને બાળકોને બીજી નિશાળમાં  બેસાડવાનું કહે છે.

‘ધરમપુરમાં આ ફકીરે ધૂણી ધખાવી છે’ એવો પોતાનો પરિચય સાંભળતા આપણા નાયક પિંડવળ છોડી દે છે, કેમ કે ‘કોઈ સિક્કો મારી આપે તેવું કે ક્યાં ય બાંધે તેવું ક્યારે ય થવા નથી દેવું’.

એકંદરે મુક્ત એવા સદાભાગી બાળપણ અને કિશોરવયની કથાના સંખ્યાબંધ પ્રસંગોમાં પડવા આખડવાના બનાવો, રમતો, રખડપટ્ટી, સાહસો, કાગળકામ, પક્ષીનિરીક્ષણ, શબ્દરમતો, નાટક આવું કેટલું ય છે. સાથે નિર્દોષતા, કુતૂહલ, વિમાસણ, ડર, વિસ્મય, અસ્પષ્ટતા, શંકા, સવાલ, અસંમતિ છે.

ભરપૂર ઇતર વાચન છે. પહેલવહેલી વાર સાહિત્યિક મેળાવડામાં હાજરી આપ્યા બાદ  પગલે લેખકનું વ્યક્તિત્વ, ભાષાકર્મ, વિવેચન જેવી બાબતો અંગે સભાન ક્રિટીકલ થિન્કિન્ગ વિકસવા લાગે છે. તેરમા પ્રકરણમાં લેખક તેની વાત હળવા અને માર્મિક વ્યંગમાં કરે છે.

તેમનો અલગ, સવાલ ઊઠાવતો નજરિયો તથાકથિત સંસ્કાર, શ્રદ્ધા-અંધશ્રદ્ધા, ઇશ્વરની કલ્પના,પ્રાર્થના, કથા-કીર્તનો-પ્રવચનો, વેદ-ઉપનિષદોના અધ્યાત્મિક અર્થઘટનો જેવી બાબતોમાં પણ જુદાજુદા પ્રસંગોમાં જોવા મળે છે.

ભાષાનું વૈવિધ્ય અને લેખકે વર્ણવેલી ભાષાની મહત્તા આ પુસ્તકનું સહુથી મનભર પાસું છે. લેખક અહીં કેટકેટલી ભાષાઓ-બોલીઓ પ્રકટ કરે છે ! –

સાધારણ કઠિયાવાડી તો ખરી જ, ઉપરાંત સરકેશ્વરના કિનારાના ખારવા, ઘેડવાસી મેરની બોલીઓ પણ ખરી. છ ગામના પાટીદારની ને ચરોતરના ગરીબ ટ્રૅક્ટરવાળાની, ધરમપુરના કુકણા ખેડૂની અને દક્ષિણ ગુજરાતની આદિવાસી કન્યાઓની બોલી, પંજાબી અને મલયાલમ પણ યથાપ્રસંગ ગુજરાતી મુદ્રણમાં પ્રગટી જાય છે.

વળી, ‘પ્રશ્નોરાની ભાષા’ અને બીજાઓની, બોલાતી અને લખાતી, પાઠ્યપુસ્તકની અને વાર્તાઓની ચોપડીઓની, હિંદી ફિલ્મી ગીતોની, ‘અજ્ઞાનીની’, પશુપક્ષીઓની અને ગીતોના અખૂટ ખજાનાની, કાર્યક્રમોના વક્તાઓની ઇત્યાદિ ભાષાઓની વાત લેખક ઊંડી સમજથી પણ  હળવાશભરી રીતથી કરે છે.

લેખકે વ્યક્ત કરેલું ભાષાનું મહાત્મ્ય અત્યંત ઝગજોળી નાખે છે : ભાષાનાં નમણાશ, અનહદ રૂપ, રણકદાર હલક, શબ્દનો શણગાર, ભાષાનું ઋણ, રૂપરૂપના અંબાર સમો લહેકો, માતા એટલે સાદી સરળ વાણી, એનું વ્હાલ, જન્માંતરો સુધી ઝુલાવતો લયનો હિંચકો, શ્રમજીવીઓની નિર્મળ પારદર્શક ભાષાની નાની નાની સેરો.

શબ્દો છીપ જેમ ખિસામાં ભરી લેવાનું મન થાય – આજુખેલે (આ ફેરે આ દાવમાં), પાંદડી (બોટની નાની પ્રતિકૃતિ), સાતરસા (સપ્તર્ષી) વતરણાં (ભણવાને લગતાં સાધનો), અઢારિયું (અઢાર ઇંચની સાયકલ) વડવાંદરો, ગાડાકેડા, ગરકબારી અને આવા કેટલા ય.

બોલીમાં ‘હ’ યુક્ત ‘સ’ ફૉન્ટ(જે અપૂર્વ આશરે જહેમતથી ઊતાર્યા હોવાનું લેખકે ‘અકૂપાર’ના 2011ના પુન:મુદ્રણમાં નોંધ્યું છે)નો ઉપયોગ કરી સાંજે, સારા, સૂળીએ, સમજ જેવા શબ્દો ગૂર્જર પ્રકાશને છાપ્યા છે.

પુસ્તકમાં ભૂતકાળના ફોટા છે અને બાળકોએ દોરેલા ચિત્રો છે. પુસ્તકમાં QR Code છે જેના દ્વારા ચાર ગીતો અને પુસ્તકમાંના ચાર વર્ણનો દૃશ્ય-શ્રાવ્ય રૂપમાં માણી શકાય છે.

ભાષામહાત્મ્યની જેમ લેખકનો સૌંદર્યબોધ પણ અનુભૂતિ અને અભિવ્યક્તિની મૃદુતાથી વારંવાર વ્યક્ત થાય છે. તેઓ લખે છે :

‘સુંદરતા મારે ક્યાં ય ગોતવી નથી પડી. ઝીણાં આવીને ઓસરી જતાં સૌંદર્યો મને અનાયાસ આવીને જગાડી ગયાં છે’ અને ‘સાવ અચાનક પ્રગટતાં નાજુક સૌંદર્યો પર હું હંમેશાં વારી જાઉં છું.’ વળી તે પૂછે છે, ‘કહો જોઈએ, સૌંદર્યોને કોઈ એક જ સ્વરૂપે પ્રગટ થતાં ક્યાંથી આવડવાનું ?’

આખું પુસ્તક અંતર્બાહ્ય, સ્થૂળસૂક્ષ્મ, માણસના અને કુદરતના સતત આવતાં સૌંદર્યસ્થાનોથી છલકાય છે. તેમાં ય જાફરાબાદના દરિયાકિનારા પરના ‘ભાઠોડાંના રહસ્યમય સૌંદર્યલોક’ કે રાતના આકાશના ઝગમગતા ગુંબજનું વર્ણન તો મનને ભરી દે છે.

ધાતુ અને રંગરસાયણોની નિર્માણપ્રક્રિયાને જોતી વખતે લેખક ‘સૌંદર્યોની રમ્યતા અને તેની ભયજનક વિનાશકતાને એક સાથે’ જુએ છે. નજરે દેખાતાં સૌંદર્યોમાં લય દેખાતો થયો એટલે લેખકને દૃશ્યો વધુ સુંદર લાગવા માંડ્યાં. આઇ.આઇ.એમ.નાં કામ દરમિયાન તેના સંકુલમાં થઈ  રહેલાં બાંધકામમાં પાલખ પર ઊભા રહીને કામ કરતાં જનોને જોઈને લેખક નોંધે છે : ‘મજૂરોનાં શરીરો એક લચકભર્યો લય સરજતાં. એક પછી  એક  નમતાં અને ઊભાં  થતાં જતાં મેલાં-ઘેલાં સ્ત્રી-પુરુષોને હું કોઈ  કઠિન શ્રમમય નૃત્ય જોતો હોઉં તેમ જોઈ  રહેતો.’

અલબત્ત,આવા શ્રમમાં ધનિકો દ્વારા થતાં શોષણ પર ટિપ્પણી કરવાનું લેખક ચૂકતા નથી. ત્યાર બાદ તે લખે છે : ‘આ અસુખ થવા છતા, લયનું સૌંદર્ય તો મને આવા પ્રકલ્પોથી માંડીને ખેતી, વણાટ, કે ઘરના, રસોઈના કામોમાં, શેરીએ રમતાં કે શાળાએ જતાં બાળકોમાં બધે જ જડે છે. બ્રહ્માંડના સર્જન સમયે રચાયેલાં લયબદ્ધ આંદોલનો કશું જ લય વગરનું રહેવા કેમ  દેવાનાં?’

ઉત્તમ સૌંદર્યદૃષ્ટિ હોવા છતાં સૌંદર્યની વ્યાપકતાની સામે તો લેખક નામસ્તક છે. જિગર મુરાદાબાદીના એક શેરને ટાંકીને તેઓ લખે છે : ‘જીવનનાં પરમ સૌંદર્યો જ્યાં રચાય છે તે સ્થળનો ઉંબરો વટાવવાનો મારે હજી બાકી જ છે.’

‘આજુખેલે’માં અનુભવો તેમ જ પ્રસંગકથનો અને વર્ણનોનો તો ભંડાર છે. રાજુલાની, ‘કથા લખાય એવી રૂપાળી નદી’ ધાતરવડી અને વીરડા ગાળવાનું કામ, કાગળની કરામતો અને  ખારવાઓના દેવી શિકોતર માતાનો મેળો, સરકેશ્વરના મંદિર પાસે ‘ડાળ’ કહેવાતા કૂવામાંથી પાણી ખેંચવાનું ને કાળુભાર નદીને કાંઠે ઉજાણી, ઘરે બેસાડેલા ઘનશ્યામ મેરાઈની વાત કે બાનું  પાડોશી કંકુબહેન સાથે ઘઉં વીણવાનું કામ, પુસ્તકોની મોહિની અને જૂનાગઢની પુસ્તકોની દુકાનમાં  ખરીદી, પોતાના દીકરાને બકરો ઉપાડી જવાનો બનાવ કે પછી જુદી જુદી નોકરીઓની ખાટી-મીઠી હળવી વાતો – આ યાદી લાંબી થાય. ધ્રુવભાઈ કંઈપણ લખે વાચનીય જ હોય.

પાત્રો ય કેવાં પ્રભાવશાળી : ‘બાને બધી  ખબર હોય જ’ એવું માનવાનું મન થાય તેવા ખૂબ વાંચતાં, એનાથી ય વધુ સમજતા માતા, ભાષાનું અનહદ રૂપ ખીલવનાર રાંભી મેરાણી, દીકરીઓના જાગરણની વારતામાં બત્રીસ પૂતળીઓને જીવંત કરનારા શારદાબા, શાળાના બાળકોને પ્રેમથી પાણી પાતાં ‘ગ્રામ્યમાતા’ ગંગાબા, પંજાબમાં ગાંધીવિચારનું કામ કરતાં દલજિત કૌર અને નાન્ની. નખચિત્રો પણ સરસ ઉપસી આવે છે, જેમ કે, ‘વર્ષાના ઘટાટોપ વાદળ જેવો વાન’ હોય તેવી ભામી બંદૂકવાળા ઇસ્માઇલકાકા, દિલદાર ખારવા, ભાષાનો જુલમ કરનાર શિક્ષક -‘ભૂતકૃદન્ત’, અને બીજા પણ.

પુસ્તકના છેલ્લાં બે પાનાંમાં પોરબંદરથી માંગરોળ સુધીની ઘેડની દરિયાપટ્ટીને કિનારે લેખકને મળેલાં ‘જગતથી જુદી રીતે રહેતાં’ ઉમદા પાત્રો છે : ભાભી માટે જીવ આપી દેનાર શૌર્યવાન દિયર ઝખરો અને તેની પાછળ જીવનાર ધૈર્યવાન ભાભી ઝાંજી, માધવપુર ‘ઘેડમાં સાપથી માણસ કે માણસથી સાપ મરવો ન જોઈએ તેની મથામણમાં જિંદગી આપી દીધી’ તેવો અરુણ, દરગાહ પરના ફકીરને જમાડ્યા પછી જ જમનારો બગસરાના મેર, મધુવનના પંખીઓને ચણ અને પાણી આપ્યા વિના ન જમનાર નાના દુકાનદાર, ઘર છોડીને આવીને દરિયાકાંઠે પોતે જાણે દરિયાને પરણી હોય તેમ આખી જિંદગી એકલાં રહીને વીતાવનાર બહેન.

આ બધા લોકો આવા સારા કેમ એવું લેખકે ઘેડની એક વાડીમાં રહેતાં અને પ્રેમથી જમાડતા એક મેર નારીને પૂછ્યું. જવાબ મળ્યો : ‘ઇ તાં બાપ આંય અમારે અનંતની ઘરની લેરૂં આવે પસી તો ઇ જ હોય ની ?’

(સૌજન્ય : સરલાબહેન ભટ્ટ, કિરીટ દૂધાત)
‌‌‌‌‌‌‌‌‌—‌‌‌‌‌‌‌——————

આજુખેલે : સ્મૃતિ-નવલ, ગૂર્જર સાહિત્ય પ્રકાશન, પહેલી અને બીજી આવૃત્તિ એપ્રિલ 2023, પાનાં 256, રૂ. 320/- 

પ્રાપ્તિસ્થાન : 

– ગૂર્જર સહિત્ય ભવન, રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ. મો. 9227055777 

–  ગ્રંથવિહાર, ગુજરાતી સાહિત્ય પરિષદ, ટાઇમ્સ ઑફ ઇન્ડિયાની પાછળ, આશ્રમ રોડ, અમદાવાદ. મો. 9898762263

પ્રગટ : ‘પુસ્તક સાથે મૈત્રી’ નામક લેખકની સાપ્તાહિક કોલમની સંવર્ધિત અને વિસ્તૃત આવૃત્તિ, ‘રસરંગ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 24 સપ્ટેમ્બર 2023
e.mail : sanjaysbhave@yahoo.com

Loading

25 September 2023 Vipool Kalyani
← કાયદો નક્કી, પણ ફાયદો નક્કી નહીં !
આઘાત →

Search by

Opinion

  • एक और जगदीप ! 
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૭ (સાહિત્યવિશેષ : માલાર્મે)
  • શૂન્યનું મૂલ્ય
  • વીર નર્મદ યુનિવર્સિટીએ એક્સ્ટર્નલ અભ્યાસક્રમો ચાલુ રાખવા જોઈએ …..
  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved