ગાંધીએ ‘પૅન્ડેમિક’ શબ્દ સાંભળ્યો હોય એવી શક્યતા નથી. એટલું જ નહીં, તેમણે કદી ‘ઈકોલૉજી’ શબ્દનો પ્રયોગ પણ કર્યો નહોતો. છતાં, બહુ ઓછા લોકો એવા છે જે આ શબ્દોને, તેના હાર્દને ગાંધી કરતાં વધારે સારી રીતે જાણતા હશે.
ગાંધીને રોગચાળાના પ્રતિકારનું કામ કરવાનો અનુભવ દક્ષિણ આફ્રિકામાં થયો હતો. તે નોંધે છે કે ફેબ્રુઆરી 1904માં જોહાનિસબર્ગમાં જ્યાં ખાણ મજૂરો રહેતા હતા એવા વિસ્તારમાં પ્લેગ ફાટી નીકળ્યો હતો. તેમણે આત્મકથામાં લખ્યું છે કે એક સાંજે ત્રેવીસ મજૂરો “ભયંકર મરકીના ભોગ થઈને લોકેશનમાં પોતાના રહેઠાણે આવ્યા”. ગાંધીના એક સાથી, મદનજીત ત્યાં હતા. “મદનજીતે ખાલી મકાન પડ્યું હતું તેનું તાળું નીડરપણે તોડી તેનો કબજો લઈ તેમાં આ માંદાઓને રાખ્યા હતા.” ગાંધીને જ્યારે જાણ થઈ ત્યારે તે સાઇકલ લઈને સ્થળ પર પહોંચી ગયા અને પછી ટાઉન ક્લર્કને (એટલે કે શહેરના કમિશનર સ્તરના અધિકારીને) મદનજીતે ક્યા સંજોગોમાં ખાનગી મિલકતનો કબજો લીધો તેની જાણ કરી. પછી બંનેએ ડૉ. વિલિયમ ગૉડફ્રે નામના જોહાનિસબર્ગમાં પ્રેક્ટિસ કરતા એક તમિળ ડૉક્ટરને જાણ કરી.
ગૉડફ્રેએ પડકારને ઘણી સારી રીતે ઉપાડી લીધો. તેમણે નર્સ અને ડોક્ટર બંને ભૂમિકાઓ ભજવી અને જેટલી એક માણસ ઉપાડી શકે તેટલી જવાબદારી ઉપાડી લીધી. પણ વધુ મદદની જરૂર હતી. ગાંધીએ તેમની વકીલાતની કચેરીમાંના ચાર યુવાન સાથીઓને બોલાવી લીધા, જેમણે કોઈ વાંધાવચકા વિના કામ ઉપાડી લીધું. ગાંધી લખે છે કે, “શુશ્રૂષાની આ રાત્રિ ભયાનક હતી.” માંદાઓની સારવાર કરવાનો ગાંધીને ઘણો અનુભવ હતો, પણ મરકીના દરદીની સારવાર કરવાનો તેમને અવસર પ્રાપ્ત થયો નહોતો. ડૉ. ગૉડફ્રેના માર્ગદર્શન હેઠળ તેમણે કામ શરૂ કર્યું અને દરદીઓને “દવા આપવી, આશ્વાસન આપવું, પાણીછાણી આપવાં તથા તેમનું મેલું વગેરે સાફ કરવું એ ઉપરાંત વિશેષ કરવાપણું નહોતું જ”.
ગાંધી આગળ લખે છે, “ચાર જુવાનિયાઓની તનતોડ મહેનતથી ને નીડરતાથી મારા હર્ષનો પાર ન રહ્યો.”
જો ગાંધીએ પ્લેગના પ્રસંગમાં અપવાદરૂપ સારસંભાળનો દાખલો બેસાડ્યો, તો બીજા પ્રસંગે તેમણે અપવાદરૂપ સખતીનો પણ દાખલો બતાવ્યો. 1926માં જ્યારે અમદાવાદમાં હડકાયાં કૂતરાંની ગંભીર સમસ્યા સર્જાઈ ત્યારે તેમણે ‘યંગ ઈન્ડિયા’માં લખ્યું: “જંતુનાશક દવા વાપરીને સૂક્ષ્મ જીવાણુઓને મારી નાખવા જોઈએ તે ફરજ આપણે સમજીએ છીએ. તેમાં હિંસા થાય છે અને છતાં તે ફરજ છે … હડકાયાં કૂતરાંનો નાશ કરવામાં ઓછામાં ઓછી હિંસા થાય છે. જે શહેરવાસી બાકીના લોકોના જીવનની સુરક્ષા માટે જવાબદાર છે, તે કૂતરાંને મારશે તો તેને પાપ લાગશે, પણ જો તે કૂતરાંને નહિ મારે તો તેને વધારે મોટું પાપ લાગશે.” ગાંધીએ હડકાયાં કૂતરાંનો સફાયો કરવાને સ્પષ્ટ અને ભારપૂર્વક ટેકો આપ્યો.
તેમના આ બે પ્રસંગો એ સવાલનો જવાબ આપે છે જે ઘણાના મનમાં છે: જો ગાંધી આજે આપણી વચ્ચે હોત તો એમણે શું કર્યું હોત?
ગાંધીની જેમ આપણને પણ અપાર હર્ષ થાય કે દુનિયાભરમાં જે રીતે કોરોના વાઇરસનો સામનો થઈ રહ્યો છે તેમાં આપણને 1904માં જોહાનિસબર્ગમાં નાગરિકોએ જે રીતે પ્લેગનો પ્રતિકાર કર્યો હતો તેના મુખ્ય મુદ્દા જોવા મળી રહ્યા છે. આપણી સામે ડો. પ્રકાશ ગત્તા જેવાના પ્રશંસનીય દાખલા છે. અમેરિકાના વૉશિંગ્ટન સ્ટેટના ટેકોમામાં ભારતીય મૂળના આ સર્જનને ચેપ લાગ્યો તો ખરો, પણ તેઓ વાઈરસને હંફાવીને સાજા થઈને ફરી હોસ્પિટલમાં સેવા આપવા હાજર થઈ ગયા.
દુનિયાભરમાં આવાં અસંખ્ય ઉદાહરણો છે. ભારતમાં આપણી પાસે અતિ-અસામાન્ય રાજકીય નેતાઓ, વહીવટદારો, ડોક્ટરો, નર્સ, હોસ્પિટલ કર્મચારીઓ, લૅબ આસિસ્ટન્ટ, પોલીસ, સફાઈ કર્મચારીઓ અને બીજાઓના દાખલા છે, જેમને આપણે વીર નાયક જેવા કહી શકીએ. આપણે નાગરિકોએ વેપાર-વાણિજ્યનાં મોટાં નામો અને રાજકારણ-સમાજ-સંસ્કૃતિમાં આપણી પસંદગીઓ નક્કી કરનારાઓને રૂખસદ આપી દેવી જોઈએ, જે બધાં ઠાલાં દેવ-દેવી નીવડ્યાં, અને તેમના સ્થાને આપણે વાઈરસને રોકવામાં પોતાની જિંદગી હોડમાં મૂકનારાં ખરાં હિંમતવાનોને મૂકવાં જોઈએ.
આપણને એ વાતે પણ આનંદ થવો જોઈએ કે એક પ્રજા તરીકે આપણે આપણા પર લાદવામાં આવેલાં નિયંત્રણોને વિના વિરોધે સ્વીકારી લીધાં છે. લૉક ડાઉન થોડો વખત તો રહેશે, આશા રાખીએ કે મુશ્કેલીમાં મુકાયેલા લોકો માટે તેમાં સંવેદનશીલ છૂટછાટો આપવામાં આવશે. આપણે મર્યાદાનું પાલન કરીશું. કારણ કે આપણે સરકારમાં ઊંડેઊંડે નેકીપણું છે એવો વિશ્વાસ રાખીએ છીએ. આપણે આ અનુભવમાંથી અંગત અને જાહેર સ્થાનમાં સ્વચ્છતાની નવી આદતો કેળવીશું, જેમાં જાત પ્રત્યે અને આસપાસના વાતાવરણ પ્રત્યે સખતી વરતવાની રહેશે.
ગાંધીની પર્યાવરણને લગતી સમજે આપણને વસ્તુવાદ(મટિરિયાલિઝ્મ)ની પાછળ ઘેલા થવા સામે ચેતવણી આપી હતી, જેમાં આપણે જેનો ઉપભોગ કરીએ છીએ તે અંતે આપણો જ કોળિયો કરી જાય છે. એ હકીકત આજે આપણી સામે તાકી રહી છે. તે આપણને તેનો તર્ક સમજવાનો અને તેને અપનાવવાનો પડકાર આપી રહી છે. બજારે સર્જેલા અને બજારે પોષેલા લોભને હાઈજિનની પડી નથી. તેને શ્રીનાથ રેડ્ડી જેવા નિષ્ણાતો જેની સામે વર્ષોથી ચેતવણી આપી રહ્યા હતા તેવી પ્રાણીજન્ય બીમારીની પણ પડી નથી. એ લોભે હવે આપણી બોચી પકડી છે.
વુહાનનું બજાર તો જ્યાં છે ત્યાં છે. બાકીનો સંદર્ભ જોયા વિના તેને દોષ આપવાનો અર્થ નથી, કારણ કે વુહાનનું બજાર ખરેખર તો દરેક શહેરમાં છે. આપણા દરેકની અંદર પણ વુહાનનું બજાર વસેલું છે.
અનુવાદઃ આશિષ ઉપેન્દ્રરાય મહેતા
e.mail : ashishupendramehta @gmail.com
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 18 ઍપ્રિલ 2020