Opinion Magazine
Number of visits: 9449180
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આજના કટોકટી ભર્યા કાળમાં ગાંધી હોત તો શું કરત?

લેખકઃ ડોક્ટર અભય બંગ — અનુવાદક: આશા બૂચ, લેખકઃ ડોક્ટર અભય બંગ — અનુવાદક: આશા બૂચ|Gandhiana|4 May 2021

ડૉ. અભય બંગ વ્યવસાયે ડોક્ટર અને કર્મશીલ. એ ક્ષેત્રમાં સંશોધન કાર્ય સાથે જોડાયેલા.

ઉપર જણાવેલ વિચારોને વરેલા હોવાને લીધે ડૉ. અભય અને રાની બંગે મહારાષ્ટ્રના ગઢચિરોલી વિસ્તારમાં વંચિતો અને ગરીબીની રેખા પર જીવતા લોકોનાં સ્વાસ્થ્ય અને સારવારની સવલતોમાં ધરખમ સુધારા કર્યાં, જેને કારણે બાળમરણનું પ્રમાણ નોંધપાત્ર પ્રમાણમાં ઘટ્યું. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને યુનિસેફ દ્વારા તેમના નવજાત શિશુના સ્વાસ્થ્ય માટેના આ કાર્યક્રમને બહાલી મળી છે અને પૂરા ભારત તથા આફ્રિકાના દેશોમાં તેનો અમલ થઇ રહ્યો છે. તેમના પત્ની ડૉ. રાની બંગને સથવારે સોસાયટી ફોર એડ્યુકેશન, એક્શન એન્ડ રિસર્ચ સંગઠન સ્થાપ્યું. આ યુગલ મહારાષ્ટ્ર ભૂષણ અને અન્ય અનેક પુરસ્કારોથી વિભૂષિત થયું છે. મેડિકલ જર્નલ ‘લાન્સેટે’ તેમને ‘ભારતના ગ્રામ્ય વિસ્તારમાં સ્વાસ્થ્ય સેવાના સ્થાપક’ તરીકે નવાજ્યા. જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માટેનો પ્રતિષ્ઠિત પુરસ્કાર અને તેની સ્કોલર્સ સોસાયટીમાં પણ પ્રવેશ અપાયેલો છે. આ બધા ઉપરાંત ડૉ. અભય બંગ ગાંધી-વિનોબાના વિચારોથી રંગાયેલા, અને તેથી જ તો જૂન 2020માં એક મનનીય લેખ લખ્યો, જેનો અનુવાદ અહીં પ્રસ્તુત છે.

— આશા બૂચ

હાલની વૈશ્વિક કટોકટીથી આપણે ખૂબ જ ભયભીત થઇ ગયા છીએ અને મૂંઝાઈ ગયા છીએ. આ કટોકટી ત્રિપાંખી છે – કોવીડ 19ની મહામારી, વિશ્વ ભરમાં પ્રસરેલી આર્થિક મંદી અને વધતા તાપમાનને કારણે પર્યાવરણમાં સર્જાયેલી કટોકટી. ચાલો આપણે આ પડકાર ગાંધી સામે મૂકીએ. આજના કટોકટી ભર્યા કાળમાં ગાંધી હોત તો શું કરત? એમના ઉત્તર આપણે ક્યાં શોધવા જઈશું? એમણે તો કહેલું “મારું જીવન એ જ મારો સંદેશ છે” તો ત્યાં જ તેમના ઉત્તરો મળી આવશે. 

ગાંધીના ઉકેલની કેટલીક લાક્ષણિકતાઓ હશે. સહુ પ્રથમ તેમણે માત્ર ઉપદેશ ન આપ્યો હોત, તેમણે પોતે જ આ રોગનો સામનો કરવા તકેદારી લેવાની બાબતો અમલમાં મૂકી હોત. તેથી જ તો “મારું જીવન એ જ મારો સંદેશ છે’ એવું હિંમતભર્યું વિધાન કરી શક્યા હતા. આપણે એવું વિધાન ન કરી શકીએ. બીજું, તેમણે એ કાર્ય સ્થાનીય સ્તર પર શરૂ કર્યું હોત, દુનિયાને બદલવા પાછળ દોડ્યા ન હોત. વિલિયમ બ્લેકે સુંદર રીતે કહેલું તેમ તેમની શ્રદ્ધા તેમને ધૂળના રજકણમાં આખું વિશ્વ જોઈ શકવાને શક્તિમાન બનાવતી હતી. ત્રીજું, તેમણે નાનાં અને નાદાન લાગે તેવાં પગલાંઓ પહેલાં ભર્યાં હોત; જેમ કે ચપટી ભર મીઠું ઉપાડવું, જેનાથી ભારતનો અને દુનિયાનો સવિનય કાનૂનભંગનો આખો ઇતિહાસ બદલાઈ ગયો. 

જ્યારે મારા મનમાં ગાંધી આજે હોત તો શું કરત એ વિચાર સ્ફૂર્યો ત્યારે મારી નજર સમક્ષ કાર્યસૂચિ રૂપે નવ મુદ્દા ખડા થયા.

1. ભયમાંથી મુક્તિ:

આપણે કોરોના વાયરસ કરતાં ભયના રોગથી વધુ ઝડપાઈ ગયાં છીએ. અને આ ભયના વાયરસે તો આખી દુનિયાને જાણે લકવાગ્રસ્ત કરી મુક્યો છે. ગાંધીએ આપણને આ ભયમાંથી મુક્ત થવાનું કહ્યું હોત, જેમ તેમણે આપણને બ્રિટિશરોના ભયમાંથી મુક્તિ મેળવવાનું કહેલું. તેમણે એવી દલીલ કરી હોત કે કોરોનાથી પેદા થયેલ બિમારી કરતાં તેનો ભય વધુ પડતો ડરામણો છે. ખરેખર આપણને અંતે તો મૃત્યુનો ભય હોય, જેની શક્યતા આ મહામારીમાં પ્રમાણમાં ઓછી છે. એ ભય વૃદ્ધો અને સારવાર કરનારાઓ માટે વધુ લાગુ પડે છે. વસતીના કુલ પ્રમાણમાં મૃત્યુ આંકડાઓને મુક્યા વિના આપણી સામે માત્ર મૃત્યુ પામેલાઓની સંખ્યા મુકવામાં આવે છે. જો તમે કુલ વસતીના પ્રમાણમાં મૃત્યુ પામેલાની સંખ્યા મૂકો તો સહુથી વધુ અસર પામેલા અમેરિકામાં પણ મૃત્યુ પામવાની શક્યતા 0.03 % જ છે. ગાંધીએ આથી જ તો આપણને કહ્યું હોત, ભય છોડો અને હકીકતને જાણો. તેમની બીજી દલીલ એ પણ હોત કે પરિસ્થિતિને પહોંચી વળવા માટે ભય એક વિપરીત અસરકર્તા પરિબળ બને છે. આપણને માર્ગદર્શક બનવાને બદલે એ લકવાગ્રસ્ત કરી મૂકે છે. અંતે તો મૂળ તેમની દલીલ આધ્યાત્મિક મુદ્દા પર આવી ગઈ હોત. માનવ શરીર નાશવંત છે, આત્મા જ અમર છે, તો ભય શાને? આ ભય સાચો ન હોવાને કારણે ઓગળી ગયો હોત.

2. બિમારોની ચાકરી:

ગાંધી માટે બિમારોની સારવાર કરવી એ તેમની સહજ વૃત્તિ હતી, જે બોઅરની લડાઈ, પ્રથમ વિશ્વયુદ્ધ, ભારતમાં થયેલ મહામારીના સમયે અને પોતાના આશ્રમમાં રક્તપિત્તના દરદી સ્વ. પરચુરે શાસ્ત્રીની સારવાર જેવા અનેક પ્રસંગોએ તાદ્રશ થયેલ. કોવીડ-19ને કારણે સેંકડો પ્રજાજનો બિમાર છે, જેમને મેડિકલ સારવાર, શારીરિક સંભાળ અને નર્સીંગની જરૂર છે. ગાંધી કોઈ પણ પ્રકારનો ભય રાખ્યા વિના જાતે એવા લોકોની સારવાર કરવા લાગ્યા હોત. તેઓએ સ્વચ્છતા અને આરોગ્યના નિયમો પાળવા, હાથ ધોવા અને માસ્કના ઉપયોગની બાબતમાં ખૂબ જ આગ્રહ સેવ્યો હોત. હાલમાં મેડિકલ સાયન્સ પાસે કોવીડ-19 માટે પૂરવાર થયેલ કોઈ સારવાર ઉપલબ્ધ નથી, તો એવા સંજોગોમાં ગાંધીએ કુદરતી ઉપચારનો ઉપયોગ કર્યો હોત અને શરીરની પોતાની સાજા થવાની શક્તિને કુદરતી રીતે કામ કરવાની તક આપી હોત. આપણને વેન્ટિલેટર્સ કરતાં કુદરતી હવાની આવનજાવનની વ્યવસ્થાની વધુ જરૂર છે (વેન્ટિલેટર્સ ઉપર રાખવામાં આવેલા દરદીઓમાંથી 70થી 80% દરદી મૃત્યુ પામતા જણાય છે). જ્યાં સુધી વધુ અસરકારક રસીની શોધ ન થાય, કે જે હજુ તરતમાં આવવાની શક્યતા નથી, (આ લેખ જૂન 2020માં લખાયેલ તેની નોંધ લેવી રહે) ત્યાં સુધી કોરોના અને તેના જેવી બીજી બિમારીઓના ઈલાજ તરીકે કુદરતી ઉપચાર એક સારો વિકલ્પ ગણી શકાય. 1946માં જ્યારે ગાંધીજી ભારત માટે સ્વાસ્થ્યની યોજના વિષે વિચાર કરી રહ્યા હતા, ત્યારે તેમને આ હકીકત સમજાયેલી. કુદરતી ઉપચાર સાથે પ્રેમથી કરાયેલી સારવાર તમને ડોકટરો, નિદાન કરનારાં સાધનો અને દવાઓ પર આધારિત રહેવામાંથી તથા ઘણા ભારે ખર્ચમાંથી બચાવી શકે.

કોવીડ-19ના ભોગ બનેલા દરદીઓની સારવારને પ્રાથમિકતા મળવાને કારણે અન્ય દરદીથી પીડાતા દરદીઓની સારવાર નથી થઇ શકતી એટલું જ નહીં, સારવાર માટેના સાધનો પણ અપૂરતાં સાબિત થયાં છે. તેવે વખતે સ્વાસ્થ્યપ્રદ જીવન પદ્ધતિ અપનાવવી, પોતાની જાતની કાળજી જાતે લેવા શક્તિમાન બનવું અને સમાજમાં એકબીજાની સંભાળ લેવાની ફરજ પાળવાનો આગ્રહ સેવવો જેવા ગાંધીના મુદ્દાઓ કે જેને ‘આરોગ્ય સ્વરાજ્ય’ તરીકે ઓળખી શકાય તે આજે વધુ અર્થસભર લાગે છે.

3. નવીન પ્રકારની દાંડી કૂચ:

ગાંધીએ આપણેને આપણી ફરજોને દિશા બતાવવા આપેલ તાવીજ આપેલું જેમાં સહુથી વધુ અસહાય અને ગરીબ વ્યક્તિ જોઈ હોય તેને લક્ષ્યમાં રાખીને કાર્ય કરવાનો આદેશ હતો. એ અદ્દભુત સંદેશ હતો જેનું તેમણે હંમેશ પાલન કર્યું. છે. એ તાવીજ એક વ્યક્તિ અને સારી ય માનવતા માટે ઉપયોગી છે. છેવાડાના માણસની ભલાઈ એ તમારી ફરજ છે. હાલની સ્થિતિમાં ગાંધીના તાવીજમાં કયા લોકો કેન્દ્રમાં હોઈ શકે?

વિસ્થાપિત થયેલા શહેરી મઝદૂરો, ભૂખ્યા અને માનહીન થયેલા અને ગામડાંઓ તરફ કૂચ કરતાં નીકળેલા, પરંતુ રસ્તામાં મોતને ભેટતા જતા લોકો ગાંધીના નવા તાવીજમાં સામેલ હોય તેમાં કોઈ પ્રશ્નને સ્થાન નથી. ગાંધીને તેમના અંતિમ દિવસો દરમ્યાન ભારતના વિભાજનને પરિણામે વિસ્થાપિત થયેલા લાખો લોકો વચ્ચે ગાળેલા સમયને કારણે તેમની યાતનાઓનો પૂરેપૂરો અહેસાસ હતો. આપણે તેવી જ યાતનામય પરિસ્થિતિ ફરીથી કેવી રીતે પેદા કરી શક્યા એ જ સમજાતું નથી.

દિલ્હીની ઝાકઝમાળ છોડીને ગાંધી એ વિસ્થાપિતો પાસે દોડી ગયા હોત. આપણને સ્મરણમાં રહે કે સ્વાતંત્ર્યની આગલી સંધ્યાએ તેમણે સરદાર, નહેરુ અને વાઇસરોયની સાથે દિલ્હીમાં રહેવાને બદલે કલકત્તામાં રહેવાનું પસંદ કરેલું. આજે વિસ્થાપિત થયેલા લોકો માટે તેમણે શું કર્યું હોત ? એ લાખો લોકો માટે ખોરાક, પાણી, આશ્રય અને દવાઓની સુવિધા ઊભી કરી હોત; અને સહુથી વધુ તો તેમની ગરિમા અને આશાઓની જાળવણી કરી હોત. તેમને આજીવિકા રળવા માટે ગાંધીનો જાદુઈ યંત્ર સમો ચરખો આપ્યો હોત. અને તેમણે શહેરી લોકોને ખાદી ખરીદી ને પહેરવા વિનવ્યા હોત. અને અંતે તેઓ એ વિસ્થાપિતો સાથે એકતાના પ્રતીક તરીકે તેમની કૂચમાં જોડાયા હોત અને સરકારની સંવેદનશૂન્યતા અને બેજવાબદારીપણા સામે વિરોધ નોંધાવ્યો હોત. આ તેમની નવીન દાંડી કૂચ હોત.

4. આંતરધર્મીય એકતા:

ગાંધીનું આ અંતિમ અને અપૂર્ણ રહેલ જીવન કાર્ય હતું. ભારતના વિભાજન સમયે હિંદુઓ અને મુસ્લિમો એકબીજા પ્રત્યે હિંસા આચરી રહ્યા હતા તેથી ગાંધી ખૂબ જ વ્યથિત હતા. ધર્મને આધારે થયેલ વિભાજનને પરિણામે ભારતના ભાગલા પડયામ તેના તેઓ સાક્ષી હતા. જ્યારે SARS-CoV-2 શ્વસનતંત્રને ઘાતક અસર કરતો વાયરસ જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ 2020માં ભારતના બારણે ટકોરા મારી રહ્યો હતો ત્યારે કેટલાક રાજકારણીઓ કોમી વૈરભાવનાને પોષવામાં વ્યસ્ત હતા અને ‘સાલાઓને ગોળીએ મારો’ના નારા લગાવતા હતા. એ લોકોએ વાયરસથી ઊભા થયેલ જોખમ તરફ કંઈ ધ્યાન ન આપ્યું. વાયરસ ઝડપથી ફેલાવા લાગ્યો પણ સરકારી અધિકારીઓ એક ધાર્મિક સમુદાયને એ ચેપ ફેલાવવા માટે દોષિત ઠરાવવા લાગ્યા. આ બે કોમના હૃદય વચ્ચેની દિવાલ રાજકારણીઓએ ઊભી કરેલી છે; જેમ 1947માં કરાયેલી તેમ જ.

આ કોમી વિભાજન ગાંધીનું સર્વ પ્રથમ લક્ષ્ય બન્યું હોત. તેમણે પોતાનાં કાર્યો અને પ્રાર્થના દ્વારા વિશ્વ માટે પ્રેમનો સંદેશો પાઠવ્યો હોત. તેઓ હિન્દુ, મુસ્લિમ, ક્રિશ્ચિયન, દલિતો અને આદિવાસીઓની સાથે તેમના જ નિવાસોમાં રહીને તેમને એક કરવા મથ્યા હોત, એટલું જ નહીં, તેઓને એકબીજાના વિસ્તારોમાં સ્વયંસેવક તરીકે જઈને પરસ્પરને મદદ કરવા મોકલ્યા હોત, પછી ભલેને તેમને બીજી વખત હત્યાનો ભોગ બનવું પડ્યું હોત.

5. મારા પાડોશીની જવાબદારી મારે શિરે છે:

કોવીડ-19નો ભય અને લોકડાઉનના નિયમોને કારણે લોકોને પોતાના બારણાં બંધ કરીને પાડોશીઓ સાથેનો સંપર્ક તોડી નાખવાની ફરજ પડી છે. ગાંધીએ તેને માન્ય ન રાખ્યું હોત. ગાંધીએ કહ્યું હોત, મારા પાડોશીની સેવા કરવી એ મારો સ્વધર્મ છે – તેમની પ્રેમથી સેવા કરવી, ખાસ કરીને આવા કપરા કાળમાં. સંપર્કથી પેદા થયેલ ભયને કારણે વિખૂટા પડી ગયેલા અને એકલતા અનુભવતા લોકોને સેવા પૂરી પાડવા સરકારો સક્ષમ નથી.  પરસ્પરનો સંપર્ક રાખ્યા વિના પાડોશી અને પડોશીઓ વિના સમાજ કેવી રીતે ટકે? હું માનું છું કે ગાંધીએ કદાચ લોકડાઉનને કારણે ઊભી થયેલ વાડાબંધીનો વિરોધ કરવા તેમણે સત્યાગ્રહ કે સવિનય કાનૂન ભંગ આદર્યો હોત અને એકબીજાનો સંપર્ક કરવાના અને પાડોશીની ચાકરી કરવાના અધિકારનો આગ્રહ રાખ્યો હોત. આવું નૈતિક પગલું ભરવા ગાંધી બનવું પડે. જ્યારે તેઓ આવું પગલું ભરત ત્યારે અચાનક ડરનો પડદો ખસી ગયો હોત, અને લોકોને મહામારીને કારણે ભય અને અજાણપણાની કેવી લાગણી ફેલાઈ છે તે સ્પષ્ટ દેખાવા લાગ્યું હોત. આ પરિસ્થિતિએ તો જાણે આપણને બધાને અસ્પૃશ્ય બનાવી દીધા છે.

6. હિમાલય જેવડી ભૂલ:

ગાંધી સત્યને વળગી રહેત અને પોતાની ભૂલ સ્વીકારી લેત. 1920માં બ્રિટિશ રાજ સામે અહિંસક લડાઈ લડવા માટે ભારતની પ્રજા તૈયાર છે તેમ માનીને સત્યાગ્રહ કર્યો તે એમની હિમાલય જેવડી ભૂલ છે એ કબૂલ કરવા જેટલી હિંમત તેમનામાં હતી. ભારત એ માટે હજુ તૈયાર નહોતું. તેમણે કહેલું કે એ તેમની નિર્ણયશક્તિની કસૂર હતી. એ ભૂલ પોતાની જ હતી એમ કબૂલ કર્યું. આખી દુનિયા તેમના આ નિશ્ચયથી મોં ફેરવી ગઈ છતાં તેમણે એ રાષ્ટ્રીય ચળવળ પછી ખેંચી લીધી. 

કોવીડ-19ના ભયનો સામનો કરનારા દેશ અને દુનિયાના નેતાઓએ મૂર્ખામી ભરી ભૂલો કરી. પ્રથમ તો જાન્યુઆરી ફેબ્રુઆરી અને માર્ચ દરમ્યાન લગભગ ચાર મિલિયન વિમાનમાર્ગે આવેલ મુસાફરોને ભારતમાં પ્રવેશ આપ્યો. કનિકા કપૂર જેવા અનેકોને PCR ટેસ્ટ અને ચુસ્ત ક્વરન્ટીન વિના ભારતમાં પ્રવેશ કરવા પરવાનગી આપી. તેને બદલે 134  કરોડ પ્રજાજનોને લોકડાઉનના કઠોર નિયમો પાળવાની ફરજ પડી અને આઠ કરોડ સ્થળાંતરિત મજદૂરોને સલામત રીતે પોતાને ગામ પહોંચવાની તક ન આપી. સૌ પ્રથમ શહેરોમાં તેમને બેરોજગાર બનાવાયા, પછી તેમની જરૂર ન હોય તેવો અનુભવ કરાવ્યો અને પોતાના મૂળ વતન જવા ફરજ પાડી અને સહુથી વધુ કરુણ તો એ છે કે પાછા શહેરમાં જવાના તમામ માર્ગો બંધ કરી દીધા. આને પરિણામે વિસ્થાપિત થયેલ મઝદૂરોની હિમાલય જેવડી કરુણતા ઊભી થઇ.

રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના નેતાઓ લક્ષ્યાંકો અને અધિકૃત માહિતી બદલતા રહ્યા; જેમ કે ક્યારેક ચેપ પ્રસરે છે, તો ક્યારેક કાબૂમાં છે તેમ કહે, તો વળી ક્યારેક બમણા કિસ્સા થવાની સમય મર્યાદા અલગ બતાવે. પહેલાં જાહેર કર્યું કે હાલની સ્થિતિમાં આપણે આટલું શીખ્યા અને બાદમાં કબૂલ કર્યું કે SARS-CoV-2ના વાયરસ સાથે કાયમ જીવવાનું રહેશે. કોઈ નવા રોગની પૂરતી માહિતી ન હોવાને પરિણામે નિર્ણયો લેવામાં ચૂક થાય તે સ્વાભાવિક છે, પરંતુ એવી શરતચૂકનો પ્રમાણિકતાથી એકરાર કરવાનું ક્યાં બન્યું છે? આજે એ હિંમત જોવા નથી મળતી. ગાંધીએ એ કબૂલ કર્યું હોત. અને નવાઈ લાગે, પણ એ જ કારણસર લોકોએ તેમના પર વધુ વિશ્વાસ મુક્યો હોત. આવી કબૂલાતથી તેઓ બીજાથી અલગ તરી આવ્યા હોત અને બીજાથી ઊંચે ઊઠ્યા હોત.

7. ગ્રામ સ્વરાજ, નાના પાયા પર આધારિત અર્થવ્યવસ્થા:

2008માં આવેલી મંદીથી માંડીને 2020 સુધીનાં બાર વર્ષો દરમ્યાન આપણે જોયું છે કે અર્થકારણ ઘડીમાં ભાંગી પડે તેવું નાજુક થઈ ગયું છે. એ યુ.એસ.એ.માં આવેલ સ્થાવર મિલકતના થયેલ છેતરપિંડી જેવા સ્થાનિક નાના ધ્રુજાવી નાખનારા આંચકાથી કે વુહાનમાં પ્રસરી ગયેલા નવા વાયરસથી ભાંગી પડે. વૈશ્વિક અર્થવ્યવસ્થાનો નમૂનો નિષ્ફળ ગયો. ગાંધીએ આપણને સ્થાનિક ઉત્પાદન અને ઉપભોગની વ્યવસ્થામાં અને સ્થાનિક સમુદાયો વચ્ચેના સંબંધોમાં રહેલ માનવતા અને સ્થિરતાની યાદ અપાવી હોત. એમણે એ વ્યવસ્થાને ગ્રામસ્વરાજ તરીકે ઓળખાવી. એમણે ખાદી ગ્રામોદ્યોગ અને MNRGAને પણ બહાલી આપી હોત. આપણે જે વાપરીએ તે વસ્તુઓનું ચાઈના અને અમેરિકા ઉત્પાદન કરે, અને એ રીતે પરાવલંબી અર્થવ્યવસ્થા ઊભી કરે કે જે છેવટ શોષણ અને અનીતિને પોષવા લાગતી હોય તેને બદલે તેમણે આપણને સ્થાનિક અને નાના સ્તરે ઉત્પાદન કરતી અર્થવ્યવસ્થા ઊભી કરવા સૂચવ્યું હોય.

અર્થવ્યવસ્થામાં આવેલ આ બદલાવની સાથે અનિવાર્યપણે રાજકીય સત્તામાં પણ વિકેન્દ્રિતતા આવી હોત. વૈશ્વિકરણે દુનિયા આખીમાં આપખુદ નેતા દરેક જગ્યાએ પેદા કર્યા છે. આપણને વધુ સ્વતંત્રાનું વચન આપવાને બદલે આ નેતાઓએ પ્રજાને બંધનમાં જકડી નાખ્યા છે. કોવીડની મહામારીએ દુનિયાની વ્યવસ્થાને હલબલાવી મૂકી છે. ગાંધી આપણને હળવેકથી આ ચહેરા વિનાના અને ક્રૂર વૈશ્વિક ક્રમથી છોડાવીને માનવીય અને જવાબદાર સ્થાનિક તંત્ર તરફ દોરી ગયા હોત. ગાંધીના મતે સાચી લોકશાહી, પરસ્પર માટેની જવાબદારી અને સામાજિક-આર્થિક સંબંધો સ્થાનિક સ્તરે જ ઉત્તમ રીતે અમલમાં મૂકી શકાય.

8. દુનિયામાં સહુને માટે પૂરતું થઇ રહે તેટલું છે:

“પણ, તો અમારી જરૂરિયાતોનું શું?” કોઈ મહાકાય વૈશ્વિક ઉત્પાદક એકમના આધુનિક ગ્રાહક કદાચ આ સવાલ પૂછે. ગાંધી તેમને સમજાવત કે આ ભોગવટાની અમર્યાદિત લાલસા, આ કદી ન સંતોષાય તેવી, ઇન્દ્રિયોને 24 કલાક આળપંપાળ કરનાર આનંદપ્રમોદની માંગણી એ આપણી કુદરતી જરૂરિયાત નથી, પરંતુ કૃત્રિમ રીતે આપણા દિમાગમાં પેદા કરેલી કુટેવો છે. ઘડીભર ઊભા રહીને વિચારો, આમાંની કેટલી વસ્તુઓ કે સેવાઓ આપણી ખરી જરૂરિયાતો છે? કેટલી વસ્તુઓ આપણા શરીરને જીવિત અને તંદુરસ્ત રાખવા અને દિલ દિમાગને  ક્રિયાશીલ અને કરુણાસભર બનાવવા અનિવાર્ય છે? ગાંધીએ કહ્યું જ હોત કે દુનિયામાં દરેકની જરૂરિયાતો સંતોષાય તેટલી વસ્તુઓ પૂરતા પ્રમાણમાં છે, પણ આપણા લોભને પોષવા પૂરતું નથી. જરૂરિયાત અને લોભ વચ્ચેનો ભેદ સમજવો, દરેકની જરૂરિયાતો પૂરી પાડવા શક્તિમાન બનવું, પણ લોભને ખાળવા એવી સામાજિક-આર્થિક વ્યવસ્થા કરવી કે જેમાં લોભને નિયંત્રિત કરી શકાય એના તરફ ગાંધી આપણને દોરી ગયા હોત. એમણે સ્વરાજની વ્યાખ્યા આપી ‘સ્વરાજ એટલે પોતાનું રાજ્ય નહીં પોતાના ઉપર રાજ્ય’ મનની એષણાઓને અવશપણે શરણે થઇ જવા સામે કેવી કુશળતા ભરી ચેતવણી! મન એક દુષ્ટ માલિક છે

જ્યારે આપણે આપણા લોભને થોભાવી દઈએ ત્યારે વસ્તુઓનું વધુ પડતું ઉત્પાદન, વધુ પડતો ઉપભોગ, બાહ્ય સુખને માટે કરવામાં આવતી મુસાફરીઓ, પાગલ કરી મૂકે તેવો વાહન વ્યવહાર, ધૂળ અને ધુમાડા બધું જ આપોઆપ સાફ થવા લાગશે. જીવન શાંતિમય બનશે. આકાશ અને નદીઓ ફરી સ્વચ્છ અને વાદળી રંગના થઇ જશે. આપણને ભાન થશે કે આપણે આધુનિક સમાજની કેટલીક વસ્તુઓ વિના આરામથી જીવી શકીએ છીએ.  છેલ્લા કેટલાક મહિનાઓમાં જ્યારે દુનિયા થંભી ગઈ છે ત્યારે આપણને આની ઝાંખી થઇ છે. 

અને સહુથી મહત્ત્વની વાત તો એ કે દુનિયાનું તાપમાન ઓછું થવા લાગશે!

9. પ્રાર્થના:

અને છેલ્લે ગાંધી આપણને પ્રાર્થના કરવાની સલાહ આપત. આખા દિવસ દરમ્યાન આપણે બધી શક્તિઓ કામે લગાડીને બધા પ્રયત્નો કરી ચુક્યા હોઈએ, ત્યારે શાંતિથી બેસીને આખા દિવસ પર ચિંતન કરવું અને પોતાની જાતને કરવી. સમર્પિત કોને કરવું? એ આપણી પસંદગી છે. ઈશ્વરને, જીવનને, પ્રકૃતિને, સત્યને કે ઇતિહાસને સમર્પિત થવું. સમર્પિત થાઓ, શરણે જાઓ. તમારાથી થઇ શકે તે બધું જ તમે કર્યું. હવે તમારા ખભ્ભા પર બોજો ઉઠાવીને ન ચાલો. એ તમને ગધેડો બનાવી દેશે. અનંત વિશ્વમાં તમારા પ્રયત્નોની સૂક્ષ્મતાનો અહેસાસ કરાવશે. હવે તેના પર છોડી દો. તેની ઈચ્છા પ્રમાણે થશે. ઇન્શા અલ્લાહ. હે રામ – એમના છેલ્લા શબ્દો, જ્યારે ગોળીએ તેમને વીંધ્યા. 

આપણે ગાંધીના અવતારની રાહ નહીં જોઈએ. તેમણે જે કર્યું હોત તેનો અમલ કરતા થઈશું.

e.mail : 71abuch@gmail.com

Loading

4 May 2021 admin
← અભિવ્યક્તિની આ રૂંધામણ : ટોળાં દ્વારા
તારી જો હાક સુણી કોઇ ના આવે, તો એકલો જાને રે! →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved