મારી તમારી લાગણી વ્યક્ત કરતું આ કાવ્ય વર્ષાંતે બંધબેસતું હોવાથી, અનુવાદ કરી, અહીં સાદર પેશ કરું છું.
જે જે માર્ગ પર સ્નેહ મળ્યો,
તે તે રાહદારીનો આભાર.
અજાણતા જીવન થાય અસ્થિર,
ને માર્ગ પર મેળ ક્યાંક બેસી જાય,
સીમિત ડગલાં, વેગળું ગંતવ્ય,
અંતર કાપવું નથી સહેલું જરાય.
ડાબે જમણે સુખ-દુ:ખ ચાલે,
સામે ચાલે માર્ગનું વરદાન,
જે જે માર્ગ પર સ્નેહ મળ્યો,
તે તે રાહદારીનો આભાર.
શ્વાસ પર આધારિત આ કાયા,
ચાલતા જ્યારે થઈ જાય ચૂર,
સ્નેહ-શબ્દ બે મળતા જ,
મેળવે નવી સ્ફૂર્તિ,
થઈ જાય થાક દૂર.
માર્ગના પરિચિત પડ્યા વિખુટા
પણ ચાલતી રહી યાદો સાથે —
જે જે માર્ગ પર સ્નેહ મળ્યો,
તે તે રાહદારીનો આભાર.
મારો સાથ આપી શક્યા નહીં જે,
તેથી સૂનો થોડો પડ્યો રાહ?
ચાલું નહીં હું પણ અગર તો શું,
વટેમાર્ગુ મરે પણ વાટ અમર રહે.
આ રાહ પર એ જ ચાલે છે,
જેમને ચાલવાનો મળ્યો છે સ્વાદ —
જે જે માર્ગ પર સ્નેહ મળ્યો,
તે તે રાહદારીનો આભાર.
કેમ કરી ચાલી શક્તો અગર
મળ્યું ન હોત બેચેન અંતર?
કેમ કરી ચાલી શક્તો અગર મળ્યા હોત
પરમ તૃપ્તિ, અમરત્વપૂર્ણ પ્રહર!
આભારી છું હું એ બધાંનો,
જે આપી ગયા વ્યથાનો પ્રસાદ —
જે જે માર્ગ પર સ્નેહ મળ્યો,
તે તે રાહદારીનો આભાર.
૩૧ ડિસેમ્બર, ૨૦૨૫
e.mail : rupaleeburke@yahoo.co.in
![]()

