પોણા ભાગના દેશો સીધી કે આડકતરી રીતે વર્તમાન સમયમાં ચાલતા યુદ્ધમાં જોડાઈ ગયા છે.
સવાલ એ છે કે આ બધી લડાઈઓ જરૂરી હતી? આ યુદ્ધ કોણ અટકાવશે?
જંગ છેડવાનો નિર્ણય કોણ લે? પહેલાના જમાનામાં રાજાઓ અને તેના વઝીર નક્કી કરતા. કાં તો પોતાના રાજ્યની સીમા પર ચડી આવતા બીજા રાજાને રોકવાનો અથવા પોતાના રાજ્યના સીમાડા વધારવાનો હેતુ રહેતો. હા, એ લોકો પણ મિત્ર રાજ્યોને કુમક જરૂર મોકલતા.
રાજાશાહીનું સ્થાન કહેવાતી લોક્શાહીએ લીધું. હવે ‘સહુ ચલો જીતવા જંગ બ્યુગલો વાગે, યા હોમ કરીને પડો ફત્તેહ છે આગે’ એવું રણશિંગુ ફૂંકવાનું માન જે તે દેશના પ્રેસિડેન્ટ કે વડા પ્રધાનને મળે છે.
યુદ્ધ શરૂ કરવાનો દોષ બસ એક, બે કે ત્રણ પ્રેસિડેન્ટ કે વડાmપ્રધાનને જ આપી શકાય, પણ તેને ટેકો આપવા માટે અસંખ્ય લોકો જવાબદાર ઠરે.
લડાઈને સંભવ બનાવનાર લોકોની તો બહુ મોટી સાંકળ હોય છે.
એના મૂળથી જ શરૂઆત કરીએ. શસ્ત્રો બનાવવા માટે કાર્બન અને સ્ટેઇનલેસ સ્ટીલ, એલ્યુમિનિયમ અને મિશ્ર ધાતુઓ, કાંસુ અને પિત્તળ, સીસું અને ટાઇટેનિયમ જેવી ધાતુઓની જરૂર પડે. ઉપરાંત વધુ આધુનિક (એટલે કે વધુ વિધ્વંસક) શસ્ત્રો બનાવવા માટે પોલિમર્સ અને કાર્બન ફાઇબર પણ આવશ્યક માલ ગણાય. અને હા, કાચ અને લાકડા જેવો સાધારણ કાચો માલ તો જોઈએ જ પરંતુ અણુશસ્ત્રો બનાવવા યુરેનિયમ અને પ્લુટોનિયમ મેળવવા પણ અનિવાર્ય ગણાય. (શરત એટલી કે તમે ઇસ્લામિક દેશના ન હોવા જોઈએ.). હવે આ ધાતુઓ અને અન્ય કેમિકલ્સની ખાણ અને ફેકટરીઓમાં કામ કરનાર મજૂરો અને કામદારો જો માલિકોને કહે કે આ તમામ કાચા માલનો ઉપયોગ માનવ જીવનને સુગમ બનાવવા, તેને સુરક્ષિત રાખવા અને વિકસિત કરવા વાપરી શકાય છે એ અમે જાણીએ છીએ; માટે જેટલા પ્રમાણમાં આ ધાતુઓ દેશની ‘સુરક્ષા’ એટલે કે જો કોઈ દેશ તમારી સીમા પર આક્રમણ કરે તો માત્ર અને માત્ર સ્વબચાવ માટે જરૂરી એટલાં શસ્ત્રો પૂરતો જ ધાતુનો પુરવઠો તમને આપીશું, બાકીનો તેના માનવહિતના ઉપયોગ માટે સંસાધનો બનવનારાને આપીશું. તો કાચા માલના અભાવમાં આધુનિક શસ્ત્રોની સંખ્યા આપોઆપ ઓછી થઇ જાય અને મિ. ટ્રમ્પ ‘ચિંતા ન કરો, અમારી પાસે અખૂટ શસ્ત્ર ભંડાર છે, અમે ભૂમધ્ય પ્રદેશના બધા દેશોને ખતમ કરી કાઢશું.’ એમ ન કહી શકે.
આ સાંકળનો બીજો મણકો છે નિત નવીન શસ્ત્રાસ્ત્રો બનાવવા સંશોધન કરનારી અને બનવનારી ખાનગી તેમ જ સરકારી કંપનીઓ. BAE, લોકહીડ માર્ટિન, નોરથોર્પ ગ્રૂમન વગેરે જેવી કંપનીઓમાં કામ કરતા કામદારો, એન્જિનિયર્સ, ઇન્સ્પેકટર્સ વગેરેને કોઈ દિવસ વિચાર નહીં આવતો હોય કે મારા ભાણામાં જે રોટલો આવે છે એ તો અન્યનો નાશ કરે તેવાં સાધનો બનાવવામાંથી મળે છે? આ જ હાથથી હું વાહનનોના પાર્ટ્સ, મકાન માટે જરૂરી મશીનો વગેરે ન બનાવી શકું? અત્યાર સુધી અમેરિકા, રશિયા, યુરોપ અને દક્ષિણ કોરિયા જેવા દેશો આ ઉદ્યોગમાં આગેવાની કરતા હતા, પરંતુ ભારતમાં પણ સરકારી તેમ જ ખાનગી કંપનીઓ શસ્ત્ર ઉત્પાદનમાં મોટો ફાળો આપી રહી છે. (‘અહિંસા પરમો ધર્મ’ એ આપણા ધર્મનો મુખ્ય મંત્ર છે એ વાત હમણાં નહીં યાદ કરવાની). હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ, ભારત ઇલેક્ટ્રોનિક્સ, ટાટા એડવાન્સ સિસ્ટમ્સ, જેવી કંપનીઓ ઉત્પાદન કરે અને ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ વધુ સંહારક અને અચૂક નિશાનબાજ શસ્ત્રો માટે સંશોધન અને ડિઝાઈનનું કામ કરે. કેવો સહકારી ઉદ્યોગ! તો આ બંને ઉદ્યોગોમાં કામ કરતા વૈજ્ઞાનિકો, નિષ્ણાત એન્જિનિયર્સ વગેરે સુરક્ષા મંત્રાલયને જરૂર કહી શકે કે અમારા શસ્ત્રાસ્ત્રોના તમામ સંશોધન અને ઉત્પાદન અમે માત્ર ‘આપણા’ દેશની સુરક્ષા માટે જ આપીશું. અને પછી જુઓ કે આ વિશ્વયુદ્ધ છેડવાની કોની હિંમત થાય છે.
શસ્ત્રો અને હવે તો જેને ‘War intelegence’ કહેવામાં આવે છે એ કમ્પ્યુટર ટેક્નોલોજી વગેરેની લે-વેચ કરનારી કંપનીઓ તો યુદ્ધ કરવા માટે બહુ મોટે પાયે જવાબદાર છે. યુ.એસ.એ., રશિયા, ચીન અને યુરોપના ઘણા દેશોની કંપનીઓ લડાયક વિમાનો, મિસાઇલસ અને સંરક્ષણ માટેની ટેક્નિક પણ વેંચવાનું કામ કરે છે. એ મોતના વેપારમાંથી મહાકાય કંપનીઓ લખલૂટ ધન કમાય છે. એકાદ ઉદાહરણ આપવું પૂરતું થઇ રહેશે; લોકહીડ માર્ટિન વર્ષે દહાડે 60 બિલિયન યુ.એસ. ડોલર કમાય છે. શસ્ત્રોના વેપાર કરનારી કંપનીઓમાં કામ કરતા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરથી માંડીને નાનામાં નાના વહીવટ કર્તાને દુનિયામાં બીજો કોઈ વ્યવસાય નહીં મળ્યો હોય કે આવા મહાન સંહારક શસ્ત્રોની લે-વેચનો ધંધો કરે છે? શસ્ત્રોના વેચાણ-ખરીદીમાં ભાગીદાર તમામ કર્મચારીગણ અને તેના વડાઓ રાજકીય નેતાઓને ટેકો આપવાનું બંધ કરે તો યુદ્ધ સંભવ જ નહીં બને.
પુરાણ કાળમાં સૈનિકોને રણસંગ્રામમાં સામસામે લડાઈ કરવા મોકલવામાં આવતા હતા. પોતાના પતિ અને પુત્રોને ગુમાવવાનું પોસાય નહીં એટલે હવે લડાયક વિમાનમાંથી મિસાઈલ ફેંકીને કામ પતાવાય છે. તેમાં પણ વિમાન પર હુમલો થવાથી જાનહાનિ થવા લાગી. હવે પ્રગતિ થઈ, ડ્રોનથી ઘેર બેઠા ‘ટાર્ગેટ’ પર રિમોટ કંટ્રોલથી મિસાઈલ મોકલીને થોડી મિનિટોમાં વધુ નાગરિકો – જેમાં મુખ્યત્વે બાળકો, સ્ત્રીઓ, વૃદ્ધો – કે જેને આ યુદ્ધ સાથે કોઈ લેવા દેવા નથી હોતી તેમનો નાશ કરી શકાય. રશિયા અને અમેરિકાએ દુનિયાના ઘણા દેશોમાં શાસકો બદલીને ત્યાં ‘શાંતિ’ (કે અશાંતિ?) સ્થાપવાનો ઠેકો લીધો છે એટલે બીજા વિશ્વયુદ્ધ બાદ જે દેશ પાસે પૂરતાં શસ્ત્રો ન હોય એ દેશો પ્રત્યે અનુકંપાથી પ્રેરાઈને મદદ કરવા આવી જ પહોંચે. તો એ દેશોની પ્રજામાં એટલી હામ કેમ નથી કે પોતે ચૂંટીને મોકલેલા મંત્રી, વડા પ્રધાન કે પ્રેસિડેન્ટને પોતાની ફરજનું ભાન કરાવે અને આ માનવ સંહાર રોકવા સામૂહિક અસહકારની ચળવળ શરૂ કરે?
આજથી બે વર્ષ પહેલા દુનિયા આખીના દેશોએ આ યુદ્ધ પાછળ 2.7 ટ્રિલિયન યુ.એસ. ડોલર ખર્ચ્યા હોવાનો અંદાજ છે. (એક ટ્રિલિયનમાં કેટલા શૂન્ય હોય એ મને ખબર નથી પણ ગણ્યા ગણાય નહીં એટલા તો ખરા જ). મોટા ભાગના દેશોમાં સંરક્ષણનું બજેટ તેના સ્વાસ્થ્ય, માળખાંકીય વ્યવસ્થા, શિક્ષણ અને સમાજ સુરક્ષાના અંદાજનો સરવાળો કરો તેનાથી પણ વધી જાય! વિજ્ઞાન, સંશોધન, વિદેશી સહાય, પર્યાવરણ સુરક્ષા કે માનવ હિતને ઉપયોગી ટેકનોલોજી પર ધન ખર્ચવાને બદલે યુદ્ધ સામગ્રી પર આટલો ખર્ચ થાય એ દેશની પ્રજા શાંત કેમ બેસી રહે?
આખી દુનિયા ‘સંરક્ષણ’ પાછળ ખર્ચ કરે છે તેના 60% ખર્ચ અમેરિકા, રશિયા, ચીન , જર્મની અને ભારત ભોગવે છે, કે જે કોઈ પણ રાજ્યની નાણાંકીય અગ્રતાક્રમને અતિક્રમી જાય છે. અહીં સવાલ જરૂર થાય કે કયા દુ:શ્મનથી ‘સંરક્ષણ’ કરવા આટલો જાલિમ ખર્ચ કરવાનું વ્યાજબી ઠરે? યુક્રેઇન રશિયાની જમીન પચાવી પાડીને તેનાં ઢોર ઢાંખર ઓળવી ગયું હતું? ઈરાન ઇઝરાયેલના ખેતરોમાંથી પાક ઉઠાવી લઇ ગયું? આપણી આવનારી પેઢી આપણને નીચે આપ્યું છે એ વિધાન માટે સવાલ કરશે. શું જવાબ આપશું? કોસ્ટારિકા પાસે લશ્કર નથી, કયા દેશે તેના પર આક્રમણ કર્યું? એ દેશે કોના સંહારમાં ભાગ પડાવ્યો?
સ્વીકારવું અઘરું થઈ જાય પણ યુદ્ધના કેટલાક આડકતરા ફાયદા પણ છે. લડાઈને પુષ્ટિ આપવા ટેક્નોલોજી અને મેડિકલ ક્ષેત્રમાં ઘણા સંશોધન થયા જે લાંબે ગાળે શાંતિના સમયમાં રોજિંદા જીવનને સુરક્ષિત અને નિરોગી બનાવવામાં લાભદાયી પણ થયા. કેટલાક કિસ્સાઓમાં સમાજને આર્થિક ફાયદો પણ થતો હોય છે અને રાજકારણમાં પણ ઇચ્છિત બદલાવ આવતો હોય છે, જેમ કે દમનકારી શાસનનો અંત અને મહિલાઓની વિવિધ ક્ષેત્રોમાં ભાગીદારી. જો કે સામે પલ્લે માનવોની જાનહાનિ અને સામાજિક અને આર્થિક પાયમાલીનો હિસાબ મૂકીએ તો એનું પલ્લું જ નમે એ નિઃશંક છે.
યુદ્ધના આ આંગળીને વેઢે ગણાય એવા ફાયદાઓની તોલે માનવજાતને ભારે કિંમત ચૂકવવી પડે છે એ કેમ ભુલાય? સૈનિકો અને હવે તો અગણિત સંખ્યામાં જાન ગુમાવતા નાગરિકો, તેમના પરિવાર જનો અને પૂરા સમાજને ભારે ખોટ અને નુકસાન ભોગવવા પડે. શારીરિક અને માનસિક આઘાતથી પેઢીઓ સુધી જનતા સબડે, દેશને ટકાવી રાખનાર અને સંચાલિત કરતા માળખાનો નાશ થાય, પર્યાવરણની સુરક્ષા પર આવતી કટોકટી અને લાંબા ગાળા સુધી બેઠા ન થઇ શકાય તેવી આર્થિક પાયમાલી થાય એ કંઈ નાનુંસૂનું નુકસાન નથી.
લડાઈની માનવ અને માનવેતર જીવો પર બુરી અસરો તો રામાયણ અને મહાભારત કાળમાં થયેલ યુદ્ધ સમયે પણ પડી હતી. ત્યારે ઘોડા અને હાથી મરાયા હશે, ખેતરો રોળાઈ ગયા હશે, પાકને નુકસાન થયું હશે. સૈનિકો મરાયા અને ઘવાયા હતા એ ખરું. પણ તલવારના ઘાથી કેટલાકને મારી શકાય? અને એ સૈનિક સામા રાજ્યના સૈનિકને હણી શકતો. મિસાઈલ અને બૉમ્બ કેટલા હજારને મારી શકે? એ દુ:શ્મન દેશના સૈનિક + રસ્તે ચાલતા નાગરિકો + શાળામાં ભણતા વિદ્યાર્થીઓ + હોસ્પિટલમાં સારવાર લેતાં દર્દીઓ એવી તમામ નિર્દોષ પ્રજાને ખતમ કરી નાખે. આધુનિક ‘એડવાન્સ’ શસ્ત્રો જમીનનો રસકસ ચૂસી લે, હવામાં ઝેર ફેલાવે, પાણી અને ખોરાકને પ્રદૂષિત કરી મૂકે, જંગલો બરબાદ થઇ જાય, ઝેરી ગેસના ફેલાવા દાયકાઓ સુધી જનતાને રંજાડે અને ગ્રીન હાઉસ ગેસની જોખમી અસરો પેઢી દર પેઢી ભોગવવી પડે. પૂછો હિરોશિમા અને નાગાસાકીના માનવ સંહારમાંથી બચી જવા પામેલી જનતાને. અશ્મિભૂત ઇંધણ અને બીજા કુદરતી સંસાધનોનો લખલૂટ ઉપયોગ યુદ્ધોમાં થાય છે એ આપણે સહુ જાણીએ છીએ, તો પણ યુદ્ધ નિવારવાના કે અટકાવવાના કોઈ પ્રયાસ કેમ થતા નથી? જ્યાં સુધી યુદ્ધની નીતિ ઘડનારા અને હુકમ આપનારા અને શસ્ત્રો બનવનારા લોકોના પરિવાર જનો જાન નથી ગુમાવતા ત્યાં સુધી આ સંહાર ચાલુ રહેશે.
જાનહાનિના આંકડા તો માત્ર બે પગે ચાલતા અને બોલી શકતા માનવીઓની વાત કરે છે. જળ, આકાશ અને જમીન પર રહેતાં પ્રાણી માત્ર, જેની વાચા આપણે સમજી નથી શકતા તેના વિનાશનો કોણ વિચાર કરશે? NATO, U.N, Red Cross, યુનિસેફ જેવા આંતરરાષ્ટ્રીય સંગઠનો રચાયાં, શું કરે છે એના સભ્ય દેશો આ આગ ઓલવવા? ઊલટાનું હાર્યો જુગારી બમણું રમે એ ન્યાયે આજે હારેલા દેશો વધુ શસ્ત્રો બનાવીને લડશે અથવા આતંકવાદીઓ પેદા કરીને બદલો વાળશે અને 20/25 વર્ષમાં બીજી લડાઈ શરૂ થશે.
યુદ્ધનો વિચાર માનવ મનમાં પેદા થાય છે. યુદ્ધ ખેલવા માટે ‘બીજા’ લોકો માટે નફરત અને ધિક્કારની લાગણી હોય તો જ તેના હાથ શસ્ત્રો ઉગામે. માનવ મનમાં અન્ય જાતિ કે દેશ વિરુદ્ધ મતભેદ, અણબનાવ અને સંઘર્ષ પહેલાં મુઠ્ઠીભર માણસોના મનમાં જાગે, એ લોકો તેનો પ્રચાર-પ્રસાર કરે અને એ ઝઘડા અને હિંસક લડાઈમાં પ્રગટ થાય. મોટા ભાગની લડાઈ અમારા દેશમાં બીજા લોકો અણહક્કના પેસી જશે, અમારો ધર્મ અભડાઈ જશે, અમારી રોજી રોટી છીનવાઈ જશે, અમારાં પ્રાકૃતિક સાધનો ઝુંટવાઈ જશે એવા ભયથી અથવા તો બીજાની જમીન પર કબજો મેળવવાની, બીજાના ધર્મનું નામોનિશાન મિટાવવાની વિકૃત મહેચ્છાઓથી પ્રેરિત થતી હોય છે. અને એ પ્રકારનો ભય ફેલાવવાનું કામ જે તે દેશના શાસકો જ કરતા હોય છે એ આપણે ક્યાં નથી અનુભવતા? તો હવે આવી મનોવૃત્તિથી મુક્ત એવા ‘માનવ’ અને ‘વિશ્વ નાગરિક’ ઘડવાનો સમય આવ્યો છે.
સામાન્ય રીતે સત્તારૂઢ વ્યક્તિઓ અને પક્ષો ભૂતકાળમાં બનેલી ઘટનાઓ, સહેવા પડેલા અન્યાયો વગેરેને કારણે લોકોમાં ઉદ્દભવેલી વેર ભાવના સતત પ્રજ્વલિત રાખતી હોય છે. જનતા એવા નેતાઓ કરતાં વધુ શાણી હોય છે. જનતાએ પોતાના સામૂહિક શાણપણમાં હિંમત ભેળવીને અવળે રસ્તે ગયેલા નેતાઓને સાચો માર્ગ બતાવવાનો રહે છે.
બીજા વિશ્વયુદ્ધ પછી 1946માં બાળકોના અધિકારોની સુરક્ષા કરવા, તેમના સ્વાસ્થ્યની બાંહેધરી આપવા, તેમને પોષક આહાર અને રોગપ્રતિકારક રસી પૂરી પાડવા અને કટોકટીના સમયમાં રાહત પૂરી પાડવા માટે યુનાઇટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડની રચના કરવામાં આવી. કરુણતા તો જુઓ, યુનિસેફ દ્વારા આજે આ વીડિયો તૈયાર કરવામાં આવી છે. (જેની લિંક નીચે સામેલ છે). એ બાળ કલાકારો દર્દભર્યા સૂરોમાં સવાલો પૂછે છે તેનો સારાંશ:
“કોઈ માણસ મોત નથી ચાહતું એ તો નિશ્ચિત છે, તો અમને કહેશો આ લડાઈ શા માટે કરો છો? મિ. પ્રેસિડન્ટ, હું જાણું છું કે તમે બાહોશ વ્યક્તિ છો, તો મને સમજાય એવા શબ્દોમાં કહેશો કે આ પૃથ્વી ઉપર કોઈ મા પોતાના વહાલા બાળકને રણઆંગણમાં ગુમાવવા નથી ઇચ્છતી તો આ સૈનિકો શા માટે એક કતારમાં માર્ચ કરતા હોય છે? શા માટે તેઓ બીજાને ભયભીત કરવા અને જાન લેવા તત્પર થાય છે? હું આપને વધુ એક વખત પૂછું છું, આ યુદ્ધ શા કારણે કરો છો? મિ. પ્રેસિડેન્ટ, હું માત્ર નવ વર્ષનો છું, પણ મને જંગલમાં પણ મિસાઈલ અને ટેન્કનો ભય લાગે છે. આપ અમને કહો છો કે સાયરન વાગે ત્યારે બંકરમાં છુપાઈ જાઓ, પણ એ લડાઈના કારણની મને જાણ નથી. જ્યારે ફાયર બૉમ્બ અને રોકેટ આકાશમાંથી વર્ષે છે ત્યારે કેટલા લોકોના જાન જાય છે એ જાણો છો? તમને નાના બાળકોનાં રુદન સંભળાય છે? લોકો સામસામે આવી જાય છે, જો તક મળે તો તેઓ એકબીજાના મિત્રો થઈ શકે, પણ એ તક મળે તે પહેલાં તેઓ એકબીજાને ઠાર કરે છે. આ કેવી મુર્ખામી ભરી વાત છે? મને કહો, આ લડાઈ કયા કારણ સર લડો છો? દુનિયામાં વસતા અબજો લોકોને પૂછ્યું કે આ લડાઈ તમારી મુશ્કેલીઓને હળવી બનાવશે? કે માત્ર તમારા મળતિયાઓને આ યુદ્ધમાંથી તેઓ કેટલું ધન કમાશે એ પૂછ્યું જેથી ધિક્કારના બીજ વાવીને પોતાની પત્ની માટે એ લોકો હીરા જવેરાત ખરીદી શકે? કે પછી આ કોઈ ધર્મની બાબત છે કે કયો ભગવાન સ્વર્ગમાં શાસન કરે છે તેનો મામલો છે? સ્વર્ગ તો હોય કે ન પણ હોય મને એમ હતું કે ધર્મનો સંદેશ માત્ર પ્રેમનો જ છે. કે પછી આટલી બધી યાતના પહોંચાડવાના બીજા કોઈ કારણ છે? હું માનું છું કે હું બહુ નાનો છું, કદાચ મોટો થઈને આ વાતો સમજીશ.
https://youtu.be/Hvksaarg3Qo?si=2NFJdkgUq_1PTEE1
ભારતીય રચનાત્મક સમાજના કાર્યકરો ઝારખંડ, મણિપુર આસામ અને કાશ્મીર જેવા વિસ્તરોમાં યુવાનોને સંઘર્ષનો અહિંસક ઉકેલ લાવવા માટે તાલીમ આપે છે અને કહે છે કે हमें युद्ध नहीं बुद्ध चाहिए
e.mail : 71abuch@gmail.com
![]()

