
રવીન્દ્ર પારેખ
આમ તો આજે હોળી છે, પણ તે નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રીસર્ચ એન્ડ ટ્રેઇનિંગ (NCERT)માં થોડી વહેલી પ્રગટી છે ને તે પ્રગટાવી છે સુપ્રીમ કોર્ટે. સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તની અધ્યક્ષતામાં બનેલી જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વિપુલ એમ. પંચોલીની બેન્ચે NCERTના ધોરણ 8નાં સામાજિક વિજ્ઞાનના પુસ્તક પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દીધો છે ને એવી તાકીદ કરી છે કે બજારમાંથી, સ્કૂલોમાંથી, વ્યક્તિ-વિદ્યાર્થીઓ પાસેથી, જ્યાં જ્યાં પહોંચી શકે એ બધી જ જગ્યાએથી પુસ્તક પાછું ખેંચી લેવામાં આવે. આટલું બધું કરવાની સુપ્રીમને જરૂર કેમ પડી, તો તેનો જવાબ એ કે ધોરણ 8નાં સામાજિક વિજ્ઞાનનાં પ્રકાશિત નવાં પુસ્તકમાં એક પ્રકરણ હતું ‘ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર’ કરીને, તે તરફ સિનિયર એડવોકેટ કપિલ સિબ્બલ અને મનુ સિંઘવીએ સુપ્રીમનું ધ્યાન દોર્યું કે આ પ્રકરણ – ન્યાયતંત્રના ભ્રષ્ટાચાર વિષે – ધોરણ 8ના કુમળા મગજવાળા વિદ્યાર્થીઓને શીખવાઈ રહ્યું છે ને એમ ન્યાયતંત્ર વિરુદ્ધ વિદ્યાર્થીઓમાં પૂર્વગ્રહ ઉપસાવાઈ રહ્યો છે. આ વાતની મીડિયા દ્વારા પણ સુપ્રીમને ખબર પડી ને મીડિયાએ ભજવેલી તેની ભૂમિકા સંદર્ભે સુપ્રીમે તેનો આભાર પણ માન્યો. સુપ્રીમે સુઓ મોટો નોંધ લઈને-CJI સૂર્યકાંતે સંબંધિત પ્રકરણ બાબતે ભારે આક્રોશ ઠાલવ્યો છે. સુપ્રીમના સિનિયર એડવોકેટ સિબ્બલે સુપ્રીમનું એ મુદ્દે પણ ધ્યાન દોર્યું કે રાજકારણ, અમલદારશાહી અને અન્ય સંસ્થાઓમાં ચાલતા ભ્રષ્ટાચાર અંગે કોઈ વાત સંબંધિત પ્રકરણમાં નથી. એ જ સૂચવે છે કે ભ્રષ્ટાચાર ન્યાયતંત્રમાં જ છે (ને બીજે નથી)-
અહીં સવાલ એ થાય કે પુસ્તકમાં, અન્ય ક્ષેત્રોમાં ચાલતા ભ્રષ્ટાચાર અંગે વાત થઈ હોત, તો કોર્ટમાં ચાલતા ભ્રષ્ટાચાર પર પડદો પડી ગયો હોત? કોર્ટોમાં ભ્રષ્ટાચાર ચાલે છે, તેનો બચાવ હોઈ શકે નહીં. પુસ્તકમાં પેન્ડિંગ કેસોનો ઉલ્લેખ પણ છે. સુપ્રીમમાં જ 81 હાજર કેસો પેન્ડિંગ છે, જ્યારે હાઈકોર્ટમાં એ આંકડો 62,40,000નો છે. એટલે કે પ્રકરણમાં વિગત દોષ નથી, પણ માત્ર કોર્ટના જ ભ્રષ્ટાચારને આગળ કરાયો એટલે સુપ્રીમને ચાટી ગઈ છે.
આ આક્રોશ વાજબી પણ છે, કારણ તેમાં પેન્ડિંગ કેસ અંગે ટિપ્પણી છે તો, પૂર્વ CJIનો ઉલ્લેખ પણ છે. CJI સૂર્યકાન્તે કહ્યું કે કોઈને પણ ન્યાયતંત્રને બદનામ કરવાની મંજૂરી આપી શકાય નહીં ને હું પોતે આ કેસની તપાસ કરીશ. CJIનું માનવું છે કે આ એક સમજી વિચારીને કરાયેલું ભેદી કાવતરું છે. શિક્ષણ મંત્રાલય વતી સોલીસીટર તુષાર મહેતાએ આ અંગે બિનશરતી માફી માંગી, પણ કોર્ટને એથી સંતોષ નથી થયો. તે એટલે પણ કે NCERTના સત્તાવાર કોમ્યુનિકેશનમાં માફીનો ઉલ્લેખ પણ ન હતો, એટલું જ નહી, જે તે સામગ્રીને સાચી ઠેરવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ચીફ જસ્ટિસે જવાબદાર લોકોની ઓળખ કરવામાં આવશે અને દોષિતોને છોડવામાં નહીં આવે તેવી સ્પષ્ટતા કરતાં NCERTના ડિરેક્ટર અને સેક્રેટરીને ઝાટકી નાખ્યા હતા, તે ત્યાં સુધી કે તેનાં છાંટા કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સુધી ઊડયાં હતાં. આટલું ઓછું હોય તેમ વડા પ્રધાને પણ દખલ કરીને સમગ્ર ષડ્યંત્ર સંદર્ભે કહેવું પડ્યું કે જે કોઈએ પણ આ પ્રકરણ પુસ્તકમાં ઘૂસાડ્યું છે તેની જવાબદારી નક્કી થવી જોઈએ ને તેને કડકમાં કડક સજા થવી જોઈએ. વડા પ્રધાને બહુ મહત્ત્વનો પ્રશ્ન એ ઊભો કર્યો કે ધોરણ 8ના 13-14 વર્ષના વિદ્યાર્થીઓને સંસ્થાગત ભ્રષ્ટાચાર જેવા સંવેદનશીલ વિષયો ભણાવવા જોઈએ?
આ પ્રકરણ ઘૂસાડીને ન્યાયતંત્રના ભ્રષ્ટાચારને વિદ્યાર્થીઓ અને ત્યાંથી વાલીઓ સુધી ને એમ ઘરે ઘરે પહોંચાડવાનું કાવતરું કર્યું હોવાનું સુપ્રીમને લાગ્યું છે. CJI સૂર્યકાન્તે તમામ રાજ્યોના શિક્ષણ વિભાગના મુખ્ય સચિવોને આદેશ આપ્યો છે કે તમામ સ્તરેથી ફિઝિકલ અને ડિજિટલ પુસ્તકો પરત ખેંચાય ને તેનો અમલ થયો છે એવો 15 દિવસમાં રિપોર્ટ કરવામાં આવે. આ પછી પણ કોઈ કન્ટેન્ટનો ફેલાવો કરવાનું ચાલુ રાખશે તો તેને કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ ગણવામાં આવશે.
એક વાત સ્પષ્ટ છે કે ધોરણ 8નાં પુસ્તકમાં ન્યાયતંત્રના ભ્રષ્ટાચારનું પ્રકરણ નિર્દોષ ભાવે ઉમેરવામાં આવ્યું નથી. એવું નથી કે પ્રકરણના કેવા ઘેરા પ્રત્યાઘાતો પડશે એનો એ પ્રકરણ સામેલ કરનારને અંદાજ નથી. નાનેથી જ 8માં ધોરણના વિદ્યાર્થીઓમાં ન્યાયતંત્ર અંગે પૂર્વગ્રહ ઊભો થાય એવા હેતુથી આ પ્રકરણ ઉમેરાયું છે, તેવું ન હોત તો અન્ય ક્ષેત્રોમાં ચાલતા ભ્રષ્ટાચાર અંગે પણ વાત થઈ શકી હોત. જો કે, એમ થતાં દેશમાં સર્વત્ર ભ્રષ્ટાચાર જ ચાલે છે એ વાત ઉઘાડી પડી ગઈ હોત ને વિદ્યાર્થીઓમાં આખા દેશના ભ્રષ્ટાચાર અંગે પૂર્વગ્રહ બંધાયો હોત, એટલે શૂળીનું વિઘ્ન કાંટે ગયું હોય, તેમ ન્યાયતંત્રને જ ટાર્ગેટ કરવામાં આવ્યું. એ પણ કેવું કે આવું વિવાદિત પ્રકરણ ટેક્સ્ટબુકમાં છપાઈ જાય, તેનું વિતરણ થાય ને એની સંખ્યા લાખોમાં હોય ને કોઈનું ધ્યાન જ ન જાય? ટૂંકમાં, આ બધું શુદ્ધ બુદ્ધિથી નથી થયું, એટલે આવા મેલા ઈરાદાથી અપરાધ કરનાર જવાબદાર હર કોઈ સજાને પાત્ર છે. ખુદ CJI સૂર્યકાન્તે બાપોકાર જાહેર કર્યું છે કે આવું કરનારનાં અમને નામ આપો, અમે તેની સામે પગલાં ભરીશું. NCERTનાં સંબંધિત અધિકારીઓએ ગોળી ચલાવી ન્યાયતંત્રને લોહીલુહાણ કર્યું છે એટલે તેની સજા તો મળશે જ. નાના બાળકોમાં આવી વાત શીખવવાનું ગુનાહિત કૃત્ય થાય એવો મેલો ઈરાદો રહ્યો છે ને તે સજાને પાત્ર છે.
પુસ્તક પ્રતિબંધિત થયા પછી NCERTએ પુસ્તકો પરત મંગાવ્યાં અને સોશિઅલ મીડિયા પરથી સંબંધિત પોસ્ટ DELETE કરવા કહ્યું. NCERTનાં ડિરેક્ટર દિનેશ પ્રસાદ સકલાની, એ પ્રકરણ કોણે સામેલ કર્યું અને કોણે તેને મંજૂરી આપી તેની તપાસ કરી રહ્યા છે. ડિરેક્ટર સકલાની પણ જવાબદારને છોડવામાં નહીં આવે એવી વાત કરે છે. ડિરેક્ટરના કહેવા મુજબ પુસ્તકની 2.25 લાખ નકલો છપાઈ છે ને માત્ર 38 નકલો વેચાઈ છે. બીજું એ કે આ રીતે છપાતાં પુસ્તકો એકબે લેખક પાસે લખાવાતાં નથી, પણ શું લખવું કે પ્રગટ કરવું તે બે સમિતિઓ નક્કી કરે છે, એટલે આમાં એકલદોકલ નહિ, પણ સમિતિઓ જ જવાબદાર ઠરે. I I T ગાંધીનગરના ગેસ્ટ પ્રોફેસર મિશેલ ડેનિનો આ સમિતિના અધ્યક્ષ છે. ગયે વર્ષે ડેનિનો પર મુગલકાળનો ઇતિહાસ અભ્યાસક્રમમાંથી ઘટાડવાનો આરોપ હતો. એ અંગે કોઈ પગલાં લેવાયાં હતાં કે કેમ તે નથી ખબર, પણ બીજી ભૂલ કરવા તેમને NCERTમાં ચાલુ રખાયા હોય એવું તો લાગે જ છે.
સુપ્રીમે NCERT ડિરેક્ટરને પણ કારણ દર્શક નોટિસ પાઠવીને ખુલાસો કરવા કહ્યું છે, પણ ખાટલે મોટી ખોડ એ છે કે નાક નીચે કારભાર ચાલ્યો ને વાત સુપ્રીમ સુધી પહોંચી, ત્યાં સુધી NCERTને ખબર જ ના પડી. સોલીસીટર જનરલ તુષાર મહેતાએ એ ખુલાસો કર્યો કે આ ચેપ્ટર લખનારા બે લોકો ક્યારે ય યુ.જી.સી. કે અન્ય મંત્રાલયમાં સાથે કામ નહીં કરી શકે. આ ખુલાસાને CJIએ બહુ સામાન્ય ગણાવીને અસંતોષ જાહેર કર્યો છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પણ દુ:ખ પ્રગટ કરી અફસોસ વ્યક્ત કર્યો, પણ CJI સૂર્યકાંત અને આખી બેંચ એથી સંતુષ્ટ નથી. માફી સ્વીકારવી કે નહિ, તે આગળ ઉપર જોઈશું, એવું કહીને સુપ્રીમે ટાઢું પાણી રેડ્યું છે. સુનાવણી હવે 11 માર્ચ પર ગઈ છે. શું થાય છે તે જોવાનું રહે. કમ સે કમ એટલું થવું જોઈએ કે કોર્ટની અવમાનના કરવાથી સંસ્થાઓ ને વ્યક્તિઓ દૂર રહે. અસ્તુ !
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 02 માર્ચ 2026
![]()

