Opinion Magazine
Number of visits: 9485378
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આ વાત છે ૧૯૪૨ના કૉન્ગ્રેસ રેડિયોની અને તેની પાછળ રહેલી બાવીસ વરસની છોકરીની દેશદાઝની

દીપક મહેતા|Opinion - Opinion|15 August 2021

૧૯૪૨ના ઓગસ્ટ મહિનાની એક સાંજ. મુંબઈનાં ઘણાં ઘરોમાં લોકો રેડિયોનું ચકરડું ઘૂમાવીને એક નવું સ્ટેશન શોધી રહ્યા છે. સ્ટેશન પકડાય છે. પણ હજી કાર્યક્રમ શરૂ થયો નથી. આ સ્ટેશન પરથી આજે પહેલવહેલો કાર્યક્રમ રજૂ થવાનો છે. ઘરઘરાટી બંધ થાય છે અને બાવીસ વરસની એક છોકરીનો અવાજ ગૂંજી ઊઠે છે : “This is the Congress Radio calling on 42.34 meters from somewhere in India.” એ અવાજ હતો ઉષા મહેતાનો. પછી તો રોજ સાંજે કેટલા ય લોકો આ અવાજની રાહ જોતા. દરરોજના કાર્યક્રમની શરૂઆત થતી ‘સારે જહાં સે અચ્છા, હિંદોસ્તાં હમારા’ એ ગીતથી, અને છેલ્લે ‘વંદેમાતરમ્.’ વચમાં ક્વિટ ઇન્ડિયા મૂવમેન્ટ વિશેના સમાચાર, નેતાઓનાં ભાષણ, મુલાકાત, વગેરે. ૧૯૪૨ની ક્વિટ ઇન્ડિયા મૂવમેન્ટ એ જો એક નવલકથા હોય, તો આ કૉન્ગ્રેસ રેડિયો એ તેનું એક ટૂંકું પણ ઝળહળતું પ્રકરણ છે.

આ પ્રકરણની પ્રમાણભૂત, દસ્તાવેજી વિગતો, ફોટા, માહિતી વગેરેને પહેલી વાર રજૂ કરતું અંગ્રેજી પુસ્તક તાજેતરમાં જ પ્રગટ થયું છે. Congress Radio : Usha Mehta and the Underground Radio Station of 1942 નામનું આ પુસ્તક લખ્યું છે વિદૂષી ઉષાબહેન ઠક્કરે. એમની એક ઓળખાણ ડો. ઉષા મહેતાનાં વિદ્યાર્થી તરીકેની. બીજી ઓળખાણ મુંબઈના મણિભવન ગાંધી સંગ્રહાલયનાં માનદ્દ નિયામક તરીકેની. અગાઉ મુંબઈમાં એસ.એન.ડી.ટી. યુનિવર્સિટીમાં અધ્યાપક હતાં. ગાંધીજીના રંગે પૂરાં રંગાયેલાં, પણ ચોખલિયા ગાંધીવાદી નહિ. મન અને વિચારો બંધિયાર નહિ, મુક્ત. પણ મક્કમ.

ડો. ઉષાબહેન ઠક્કર                                                 ડો. ઉષાબહેન મહેતા

આ વિષય પર પુસ્તક લખવાનું કેમ સૂઝ્યું એવા સવાલના જવાબમાં ઉષાબહેન ઠક્કર કહે છે કે આપણી આઝાદી માટેની લડતનું આ એક ઉજ્જવળ પ્રકરણ છે, પણ તેને અંગે લખાયું છે બહુ ઓછું. એનું એક કારણ એ કે આ પ્રકરણનાં નાયિકા ડો. ઉષાબહેન મહેતા સ્વભાવે જાતને ભૂંસી નાખનારાં. બીજું કોઈ વાત કાઢે તો પણ હસીને કહે કે ‘એમાં કોઈ મોટું કામ મેં ક્યાં કરેલું? મને આવડ્યું એ રીતે મેં તો મારી ફરજ બજાવેલી.’ એટલે આ રેડિયો સ્ટેશન વિષે પુસ્તક લખવા માટે અનેક જગ્યાએ ખાંખાખોળાં કરવાં પડે. લેખિકાએ એ કર્યાં. જે માહિતી મળી એને એકઠી કરી, ચકાસી. મળ્યા તેટલા દસ્તાવેજી પુરાવા ભેગા કર્યા. જે કથા ઉઘડતી ગઈ તેમાં સાહસ હતું, ભેદભરમ હતો, પોલીસ સાથેની સંતાકૂકડી હતી. દેશદાઝ હતી, સર ફરોસી કી તમન્ના હતી. અને આ પુસ્તકનાં લેખિકાએ એ વાતને રજૂ પણ એવી જ રીતે કરી છે. સાચને આંચ ન આવે એ રીતે વાતને રોચક બનાવીને રજૂ કરી છે.

આ રેડિયો પ્રસારણ ક્યાંથી થાય છે એ જાણવા બ્રિટિશ સરકારે ઘણા ધમપછાડા મારેલા. પણ થોડે થોડે દિવસે ઉષાબહેન મહેતા અને સાથીઓ રેડિયોનું ટ્રાન્સમિટર જૂદી જૂદી જગ્યાએ ફેરવતાં. એટલે સરકારને માહિતી મળે અને પોલીસ ત્યાં જાય ત્યાં સુધીમાં તો ટ્રાન્સમિટર બીજે ખસેડાઈ ગયું હોય! પણ છેવટે કૉન્ગ્રેસ રેડિયો માટે કામ કરતો એક ટેકનીશિયન જ ફૂટી ગયો. તે જાતે પોલીસને રેડિયો સ્ટેશન પર લઈ આવ્યો. સાંજનો કાર્યક્રમ શરૂ થવામાં હતો અને ઉષાબહેન મહેતા અને કેટલાંક સાથીઓ પકડાઈ ગયાં.

અદાલતમાં કેસ ચાલ્યો ત્યારે ક્રાંતિકારીઓનો બચાવ કરવા મોતીલાલ સેતલવાડ, કનૈયાલાલ મુનશી, અને જસ્ટિસ (નિવૃત્ત) તેંદુલકર જેવા નામી વકીલો કોર્ટમાં ઊભા રહ્યા. ઉષાબહેન મહેતાને સખત મજૂરી સાથેની ચાર વરસની સજા થઈ. તેમને યરવડા જેલમાં લઈ જવામાં આવ્યાં. બીજા સાથીઓને પણ વધતી-ઓછી સજા થઈ. રેડિયો સ્ટેશન ખાતર અભ્યાસ અધૂરો મૂકનાર ઉષાબહેન મહેતાએ ૧૯૪૭ પછી ફરી અભ્યાસ શરૂ કર્યો. પીએચ.ડી. થયાં, વિલ્સન કોલેજ અને મુંબઈ યુનિવર્સિટીમાં અધ્યાપક બન્યાં. ૧૯૮૦માં નિવૃત્ત થયાં. જો ધાર્યું હોત તો આઝાદી પછી રાજકારણમાં પડીને પદ, પૈસા, પ્રતિષ્ઠા સહેલાઈથી મેળવી શક્યાં હોત. પણ ગાંધીજીના એક સાચા અનુયાયી તરીકે આવાં બધાં જ પ્રલોભનોથી દૂર રહ્યાં. ૧૯૯૮માં ભારત સરકારે પદ્મભૂષણનું સન્માન આપીને તેમના ફાળાનો ઋણસ્વીકાર કર્યો. ઈ.સ. ૨૦૦૦ના ઓગસ્ટની ૧૧મીએ તેમનું અવસાન થયું.

ઉષાબહેન ઠક્કરે અગાઉ Gandhi in Bombay : Towards Swaraj નામના પુસ્તકમાં ગાંધીજી અને મુંબઈ શહેર વચ્ચેના સંબંધને પણ ઝીણવટપૂર્વક તપાસીને એ વિષયનું મહત્ત્વનું દસ્તાવેજીકરણ કર્યું છે. તેનો ગુજરાતી અનુવાદ ‘ગાંધી અને મુંબઈ : સ્વરાજ્યના પંથે’ નામથી પ્રગટ થયો છે. આ ઉપરાંત તેમનાં બીજાં સાતેક પુસ્તકો અંગ્રેજીમાં પ્રગટ થયાં છે, જેમાંનાં કેટલાંક તેમણે અન્યોની સાથે મળીને લખ્યાં છે.

આજે જ્યારે આપણો દેશ આઝાદીના ૭૫મા વરસમાં પ્રવેશી રહ્યો છે ત્યારે આ પુસ્તક એક અનોખા સ્વાતંત્ર્ય સેનાનીની સાચી ઓળખ કરાવીને તેમના કાર્યનો સાંગોપાંગ પરિચય કરાવે છે. પેન્ગ્વિન જેવી પ્રતિષ્ઠિત પ્રકાશન સંસ્થાએ આ પુસ્તક પ્રગટ કર્યું છે.

xxx xxx xxx

e.mail : deepakbmehta@gmail.com

Loading

15 August 2021 admin
← ચલ મન મુંબઈ નગરી—108
મુશ્કેલ સમયમાં (60) →

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—311
  • વિજયી ભવઃ
  • સામાજિક ભેદભાવની સ્વીકૃતિનાં ઊંડાં મૂળ 
  • સત્તાનું કોકટેલ : સમાજ પર કોણ અડ્ડો જમાવીને બેઠું છે? 
  • ખાદ્ય પદાર્થોની તપાસમાં તંત્રો નપાસ?

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી
  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 

Poetry

  • પાંચ ગીત
  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )
  • પુસ્તકની વેદના

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved