‘મહાભારત’ યુદ્ધ પછી વ્યક્તિઓ અને આખું લોકતન્ત્ર અસારત્વમાં તણાવા લાગેલું. એના સર્જક વ્યાસનું વચન સાંભળવાજોગ છે : યથા યથા વિપર્યતે લોકતન્ત્રમ્ અસારત્વ, તથા તથા વિરાગો અત્ર જાયતે, ન તત્ર સંશય … વ્યાસ પોતે એ અસાર અને દુ:ખદાયી મનુષ્યજીવનને બચાવી લેવા માગતા’તા. ‘મહાભારત’ની રચના પાછળનો એમનો એ ઉદ્દેશ એટલો બધો બહાર નથી આવ્યો, પણ ખૂબ જ ધ્યાન આપવા યોગ્ય છે. કેમ કે એમાં મને જીવન અને સર્જન વચ્ચેનો એક ગર્ભિત સમ્બન્ધ છતો થતો અનુભવાય છે – સર્જક ખરેખર તો મનુષ્યનાં દુ:ખોને નીરખે છે, અનુભવે છે, ને પછી પોતાની સર્જકતાએ કરીને તેનું નિરસન કરે છે. જીવન જો પીડા છે, તો સાહિત્ય અને કલાઓનાં સર્જન તેનાં રસિકડાં નિવારણ છે.
આ કોરોના કાળે પણ મૃત્યુએ પ્રગટાવેલા અસારત્વનો અને એથી જનમેલી વ્યથાઓનો પાર નથી. મને વધારે સતાવે છે તે એ કે મૃતકનાં પરિવારજનોનું શું થયું હશે. પતિ વિનાની પત્ની કે પત્ની વિનાના પતિનું અને સન્તાન વિનાનાં માબાપનું કે મા અથવા બાપ ગુમાવી બેઠેલી દીકરી કે દીકરો કેમ કરી બેઠાં થયાં હશે ને પછી કેમની રીતે સરખાં થયાં હશે. સાચ્ચો અને સખત પ્રેમ જીવનારાં પ્રેમીઓનું શું થયું હશે? એ પ્રિયા કે એ પ્રિયનાં મન-હૃદય શી રીતે સાતા પામ્યાં હશે? સાતા પછીની એ એકલતાએ કેવુંક સ્વરૂપ પકડ્યું હશે? એમના ઘા રુઝાયા હશે? શી રીતે?
વ્યક્તિઓ અને સમગ્ર સંસારતન્ત્ર અસારત્વનો અનુભવ કરી રહ્યું છે. બધું જ મિથ્યા ભાસે છે. એક જાતનો વૈરાગ્ય ભાવ જાગે છે. ચિત્તમાં બેચૅની અને અણગમતી શાન્તતા છવાઈ જાય છે.
તેમ છતાં, જીવન તો જિવાય જ છે. એટલું જ નહીં, મૉજથી જિવાય છે. લોકો સારું સારું ખાય છે, પીએ છે. આજે ગણેશચતુર્થી છે. દેશમાં ઠૅર ઠૅર ગણેશ-સ્થાપન થયું છે. વિજ્ઞાનીઓએ ચેપથી બચવા જાતજાતનાં સૂચનો કર્યાં છે, પણ લોકો તો કશી સાડીબારી વિના ગણેશ-વિસર્જન સુધી આ ઉત્સવને ભક્તિભાવથી અને રંગેચંગે મનાવવાના જ. ઘણા તો એવા મિજાજથી કે -કોરોનાની ઍસી કે તૅસી ! લાડુ આમ તો બ્રાહ્મણોના ગણાય પણ આજે એ સૌના અને સૌને માટે મોદ-ક.
આમ, જોવા જઈએ તો, ઉત્સવો આપણા ઉત્સાહને જગવે છે, ખીલવે છે. એટલો સમય કોઈપણ જાતના સંસારી હેતુ વિના જીવી લેવાય છે. કહેવું તો એમ જોઈએ કે ઉત્સવો પેલા અસારત્વનો નાશ કરે છે …
મને આ ક્ષણે કવિ કાલિદાસનાં બે વચન યાદ આવે છે : એક એમણે એ કહ્યું છે કે ઉત્સવપ્રિયા જના: -લો કો ઉત્સવપ્રિય છે. સાચું છે, આગળ-પાછળના સંજોગો ભલે ને વિપરીત હોય, માણસમાત્રને ગાવું-નાચવું ને હસવું-કૂદવું ગમે છે. બીજું એમણે એ કહ્યું છે કે લોકોની રુચિ ભિન્ન ભિન્ન હોય છે. એટલે ગાવા-નાચવાનું તેમ જ હસવા-કૂદવાનું પણ પ્રજાએ પ્રજાએ ભિન્ન હોય છે.
આપણને એવું લાગે કે આપણો ભારત દેશ જ ઉત્સવો ઊજવે છે. ગણેશ ચતુર્થી પહેલાં જન્માષ્ટમી તે પહેલાં રામનવમી તે પહેલાં મકરસન્ક્રાન્તિ ને તે પહેલાં દીપોત્સવી એમ ઉત્સવોનું એક નિશ્ચિત ચક્ર સદીઓથી દેશવાસીઓના મન-હૃદયમાં ગોઠવાઈ ગયેલું છે. પણ એવું નથી, વિશ્વની બધી પ્રજાઓ ઉત્સવો ઊજવે છે. હા, આપણા ઘણા ઉત્સવો દેવો સાથે જોડાયેલા છે, એટલા બીજી પ્રજાઓના નથી …
યુરપના ધ નેધરલૅન્ડ્સના મોસ્ટ પૉપ્યુલર સિટી આમસ્ટર્ડામમાં હું અવારનવાર રહ્યો છું. ૧૬૫થી પણ વધુ કનાલ્સનું આ સિટી એની નાઇટ-લાઇફ માટે જગમશહૂર છે – સારીનરસી બન્ને દૃષ્ટિએ. એ વાત ફરી ક્યારેક. પણ ત્યાં દસથી વધુ મ્યુઝિક ફેસ્ટિવલ યોજાય છે. ખૂબ લોકપ્રિય છે, ‘આમ્સ્ટર્ડામ ડાન્સ ઇવેન્ટ’. પાંચ દિવસની કૉન્ફરન્સ ને પાંચ લાખ જેટલા લોકો ધસી આવ્યા હોય છે. પ્રકાશ અને ગાયન-વાદન-નર્તન સાથે ઉલ્લાસની રેલમછેલ ઊડતી હોય છે. આ ઉત્સવને behemoth નામ અપાયું છે – કોઈ પ્રચણ્ડકાય પ્રાણી …
વર્ષમાં એક એવો ઉત્સવ છે, જેમાં ઠેકઠેકાણેથી લાખ્ખો લોકો આમ્સ્ટર્ડામમાં ભેગા થાય છે. તે દિવસે તમામ દુકાનો અને ધંધા બંધ રખાય છે. પણ નવી નવી કામચલાઉ દુકાનો રાતોરાત ઊભી કરાય છે. કેટલીક તો એવી જેમાં ચીજવસ્તુઓ, નાખી દેવાના ભાવે વેચાય છે. તમે પણ તમારી વસ્તુઓ વેચી શકો. એમાં જૂની-નવી કે વાપરેલી – ન વાપરેલીનો ભેદ જોવાતો નથી. આમ તો બાર્ગેઈન કદી થાય નહીં પણ તે દિવસે ખાસ્સી રકઝક કરી શકાય છે. વિખ્યાત ડીજે-કલાકારો સાઉન્ડ ટ્રૅકિન્ગ અને નાચગાન વડે આખા શહેરને ગજવે છે, કાનમાં ઇયર-બટ્સ નાખવાં જ પડે. લોકો – લગભગ બધા – બીયર પીએ છે. ડબલાં જેમ ફાવે એમ ફગાવી દે છે. જો કે, બીજી સાંજ સુધીમાં આમ્સ્ટર્ડામને હમ્મેશ હોય છે એવું ને એટલું સ્વચ્છ કરી લેવાય છે.
એક ઉત્સવ એવો છે, જેમાં કલાકાર વ્યક્તિ પોતાના ઘરે સ્વરચિત કે અન્યોએ રચેલાં ચિત્રોનું પ્રદર્શન ગોઠવે છે. ઘરની બહાર વાવટો ફરકાવીને લોકોને ઇન્વાઈટ કરે છે. લોકો આવે, જુએ, અભિપ્રાય આપે, ચર્ચા-ચર્ચી કરે, લખે, ફોટા પાડે, પડાવે. એક વાર એવું ઍક્ઝિબિશન અમે અમારે ત્યાં પણ યોજેલું … સ્વાગત માટે ચૉકલેટ્સ રાખવાની, જેને ખાવી હોય એ જાતે લઈ લે …
ભરપૂર ભયાનક ઍબ્સર્ડિટી વચ્ચે, વિસંગતિ વચ્ચે, એટલી જ મહાન અને શામક સંગતિ રચી લેનારા માણસના આ સ્વ-ભાવને કેવોક કહેવો? આવી ગાંડિયા જેવી પણ રીઢી મનુષ્યપ્રકૃતિને કેમ વર્ણવવી? એનો ઉત્તર એ છે કે માણસ વિસંગતિને સંગતિમાં રૂપાન્તરિત કરી જાણે છે. રડે છે પણ હસી ય શકે છે …
= = =
(August 22, 2020: Ahmedabad)
ADE : Amsterdam Dance Event.