પ્રાણવાયુ તો કુદરત આપે છે પણ ઑક્સિજનનો બૉટલ માણસને માણસે આપવાનો હોય છે. તો શું કર્તાહર્તાઓને ભાન ન્હૉતું પડતું કે આ પળે પળે ફેલાઈ રહેલા રોગચાળામાં કેટલા બૉટલ જોઈશે? અને તે ય મુમ્બઇ દિલ્હી જેવાં મહાનગરોમાં ! વ્યવસ્થા એટલે, તન્ત્ર એટલે, આટલી બેહદ અંધાધૂંધી? રસીકરણના વિક્રમી આંકડાની ઘોષણા કરવાથી કેટલો બચાવ કરી શકાશે? એ તો પોલો ખખડાટ છે.
દેશની નિ:સામાન્ય જનતાની હાલાકીઓનો પાર ન્હૉતો ત્યાં આ કોરોના-ચેપ ગાંડા બાવળની જેમ પ્રસરી રહ્યો છે ને સંખ્યાબંધ મૃત્યુ થઈ રહ્યાં છે.
બીજી તરફ, દેશના બુદ્ધિજીવી વર્ગનો જીવ બળી રહ્યો છે. એ રોજ કંઈ ને કંઈ કહે છે, એને સાંભળવાની કે સમજવાની તૈયારી હોય કે નહીં? માણસો પાણિની શંકરાચાર્ય માર્ક્સ કે આઈનસ્ટાઇન જેવાઓએ હાંસલ કરેલાં જ્ઞાન અને વિજ્ઞાનને પચાવીને બેઠેલા છે, એઓ જે કહે છે, એમાં દમ હોય, એ તો સાંભળવાનું કે નહીં? અરે, કોરોના-વિષયના નિષ્ણાત વિજ્ઞાનીઓ કહે છે એમને તો ગણકારવાના કે નહીં?
જુઓ, જ્ઞાન-વિજ્ઞાન હોય કે ન હોય, અરે, બુદ્ધિ પણ ન હોય, શરીર તો હોય જ છે. આહાર નિદ્રા ભય અને મૈથુનથી માણસ બચી નથી શકતો. શરીરમાં, દેહમાં, ચેતના વસે છે, ચેતનાની ચેતના અન્તરાત્મા તેમ જ અન્ત:કરણ પણ દેહમાં જ વસે છે. દેહને નશ્વર ગણનારા જરૂર સાચા છે પણ એમ ગણવાથી તેઓ પણ અમર નથી થઈ જતા.
આ મન્ડેન વર્લ્ડ છે.
અને મૃત્યુ છેલ્લી અને મહામોટી વાસ્તવિકતા છે. દરેક જીવ પ્રત્યેક પળે પોતાના મૃત્યુની નજીક જાય છે. આટલું લખતાં હું ગયો તેમ એટલું વાંચતા મારો વાચક પણ ગયો. આ હકીકતથી ઊંચી કે જુદી હકીકત શી હોઈ શકે?
મૃત્યુને, મહાયુદ્ધોને અને મહામારીઓને ટાળી નથી શકાતાં. પણ એ પછી જે બચે છે એ છે જીવન અને તે સાથે જડાયેલી વાસ્તવિકતાઓ. જીવંત અને રોગગ્રસ્ત શરીરથી વધારે મોટું શું હોય, જેને બચાવવું અનિવાર્ય થઈ પડે?
આગળના જમાનામાં ડોસીઓ ત્યારે પ્હૅરાવાય એવાં પોતાનાં વસ્ત્રો ગડી કરીને પટારામાં મૂકી રાખતી, જોડે ગંગાજળની નાનકડી ટોયલી મૂકી રાખતી, ને સૌને ક્હૅતી – હું મરું તેવારે બેન, યાદ રાખજે. કેટલી સરસ અંગત વ્યવસ્થા ! મને યાદ છે, પરિવારમાં દાદા-દાદી ફોટા પડાવી રાખતા – કેમ કે, પહેલાં ન પડાવ્યા હોય. સુખડનો હાર કોને પ્હૅરાવવાનો !
No oxygen, hospitals overwhelmed …
Picture Courtsey : Arab News, A.P.
એ છેલ્લી વાસ્તવિકતાને, મૃત્યુને, અને રોજે રોજનાં અનેક મૃત્યુને, સહી શકાય એ માટેની જાહેર વ્યવસ્થાઓ આપણી પાસે શી છે?
હૉસ્પિટલો અને સ્મશાનગૃહોમાં જગ્યા ખૂટી પડી છે, પણ સાવ જ નજીકના ભાવિ દરદીઓ ક્યાં જશે? શબને તો ખબર નથી પડવાની પણ એમને ક્યાં મૂકી આવીશું …. રહ્યાં છે એમને સાચવી કે બચાવી લેવાને માટેની વ્યવસ્થાઓ તન્ત્રોએ કરવાની હોય છે, નહિતર એ નમાલાં ગણાય.
મૃત્યુનો મલાજો સચવાવો જોઈએ. વરઘોડાની જેમ વાજતેગાજતે ઠાઠડીને લઈ જતા. માણસ લાઇલાજ થઈ જાય પણ ગૌરવભેર મરે કે આમ ઑક્સિજનના અભાવે મરે?
એને માત્ર અકસ્માત કહીશું?
આ કશી માનવતાવાદી કે નવ્ય માનવતાવાદી ફરિયાદ નથી. આ વાતમાં તો સહજ સરળ માનવ-તા છે.
(April 25, 2021: USA)