‘નર્મગદ્ય’-ખંડ-2નાં, ‘આપણી દેશજનતા’ નામના નિબંધમાં, નર્મદે 38માં પાનાં પર નોંધ્યું છે :
“મુસલમાનોએ આપણા દેશનું નામ હિન્દ પાડ્યું ને આપણને હિન્દુ કહ્યા. એઓએ ધર્મ-દ્રવ્ય સ્ત્રીહરણ કરવાને માટે આપણા ઉપર સુમાર વિનાનો જુલમ ગુજાર્યો. પોતાના એકસંપી શૌર્ય વડે આપણા કુસંપી શૌર્યને ચાંપી નાખ્યું, આપણે ખૂણે ભરાતા ગયા ને બ્રાહ્મણોનાં કહ્યાં માની વહેમી થયા અને પોતપોતાની નાતથી કામ જેટલી વિદ્યાથી ને સાધારણ રોજીથી રાજી રહ્યા. મરેઠાઓ મુસલમાનને તથા પરદેશીઓને કાઢવાને બહુ મથ્યા પણ તેઓનું ફાવ્યું નહિ. એટલે સર્વ પ્રજા ઉપર રૂડી અસર થઈ નહિ; પણ ઊલટી તેઓની ધાંધલથી પ્રજા વધારે દુ:ખી થઈ … મૂર્તિપૂજા એ આપણો સહુનો ધર્મ છે, રીતભાત આપણ સહુની ઘણું કરીને એક સરખી છે, આપણ સહુને સમદુ:ખીપણું છે અને સંસ્કૃત વિદ્યા તો આપણી જ હતી તથા રામ કૃષ્ણ તે આપણા હિન્દુના દેવ છે એવાં એવાં અભિમાન છે – એટલું પણ છે તેથી આપણી હિન્દુની દેશજનતા હજી મરણ પામી નથી.”
આ ફકરો અહીં ઉતારવાનું એક કારણ એ છે કે આવતી કાલે નર્મદને 188 વર્ષ પૂરાં થાય છે. નર્મદ જેવો સુધારક અને સર્જક ગુજરાતીમાં બીજો થયો નથી. નર્મદ પહેલાં ગદ્ય ખાસ હતું નહીં, પ્રવચનો પદ્યમાં થતાં. એવા સમયમાં દેશાભિમાન, સ્ત્રી કેળવણી, વિધવા પુનર્લગ્ન, ધર્મ, શબ્દકોશનો વિચાર કરવો પણ શક્ય ન હતો, તેની વિધિવત શરૂઆત નર્મદે કરી. એ સુરતનો હતો. સુરતી હતો. એણે અહીં મૂકેલા ફકરામાં જે કહ્યું છે તે ફરી એક વખત ધ્યાનથી જોઈશું તો સમજાશે કે આ દેશને હિન્દ તરીકે ઓળખવાનું અને પ્રજાને હિન્દુ તરીકે ઓળખાવવાનું મુસલમાનોએ કર્યું છે. હિન્દુ હોવાનું આપણને ગર્વ હોવું જ જોઈએ, પણ નર્મદના મતે એ ગૌરવ આપણને મુસ્લિમોએ આપ્યું છે તે ભૂલવા જેવું નથી. એ સાથે જ મુસલમાનોએ આપણા પર જુલમો ગુજાર્યા છે એની નોંધ લેવાનું પણ એ ચૂક્યો નથી. મુસ્લિમોને તથા પરદેશીઓને કાઢવાના બહુ પ્રયત્નો થયા, પણ તેમાં સફળતા મળી નહીં. નર્મદના કહેવા મુજબ આપણે સમદુખી, મૂર્તિપૂજક અને સંસ્કૃત વિદ્યાના ઉપાસક હોવાને કારણે એક હતા અને એટલે જ આટલાં આક્રમણો પછી પણ ટકી ગયાં છીએ. આપણે ટક્યાં તે રામ, કૃષ્ણને કારણે.
નર્મદે ધર્મમાં ચાલતાં પાખંડો સામે, વિષયી ધર્મગુરુઓ સામે માથું ફેરવીને કામ લીધું છે. તે “યા હોમ કરીને −” પડ્યો છે ને યાહોમ કરનારો નર્મદ હોમ કરવા સુધી પણ પહોંચ્યો છે. તેણે સુધારા કર્યા તેમાં પણ તેની પ્રતીતિ હતી ને તે ફરી હોમ કરવા સુધી આવ્યો તેમાં પણ તેનો ભરોસો હતો. તેણે જે પણ કર્યું, પ્રતીતિ સાથે. એ પ્રતીતિ હવે જણાતી નથી. મંદિરમાં ભૂલ બદલ માફી માંગતા નર્મદે ગાલે તમાચા પણ માર્યા, પછી વહેમ, અંધશ્રદ્ધાની સામે “સુધારાદિત્ય” થઈને ઝળહળ્યો. ભૂતપ્રેતમાં માનતી પ્રજાને તેણે સાફ કહ્યું છે કે ભૂત જેવી વસ્તુ દુનિયામાં છે જ નહીં. હોળીના તહેવારમાં ઘણે ઠેકાણે ગાળો બોલાતી, ધૂળ, કાદવ, પાણીએ તોફાન કરાતાં. નર્મદે તેનો વિરોધ કર્યો છે. તેણે ગાળાગાળી વિરુદ્ધ લખ્યું છે ને આ સ્થિતિ એટલી ખરાબ હતી કે 1856માં ચાલતા દુર્વ્યવહાર સામે સરકારે કાયદો કરવો પડેલો. એટલે તહેવારોની બીજી બાજુ છે જ. એ નર્મદના વખતમાં હતી તેવી આજે પણ છે.
દશામાનો તહેવાર નવો તહેવાર છે. છેલ્લાં થોડાં વર્ષોથી તે ઉજવાય છે. ઘરમાં મૂર્તિનું સ્થાપન થાય છે. આ રીતે દશેક હજારથી વધુ મૂર્તિઓની સ્થાપના થતી આવી છે ને પછી મૂર્તિઓનું નદીમાં વિસર્જન પણ થતું આવ્યું છે. એમાં પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓનું પ્રમાણ વધતું આવ્યું અને નદી એમાં ને એમાં પુરાતી ગઈ. આ મૂર્તિઓમાં ગણેશની, કૃષ્ણની, અંબાની એમ જુદી જુદી મૂર્તિઓ રહેતી. એમાં સૌથી વધુ પ્રતિમાઓ ગણેશની હતી. એક અંદાજ મુજબ મુંબઈ, પુના કરતાં પણ સુરતમાં વધુ મૂર્તિઓ, સિત્તેર હજારની આસપાસ સુરતમાં સ્થપાતી. એ પ્રમાણ કોરોનાને કારણે થોડું ઘટ્યું હશે, પણ આ વર્ષે ચાર ફૂટની ગણેશની પ્રતિમાઓ સ્થાપવાની સરકારે છૂટ આપી છે, સાથે એવો આગ્રહ પણ રાખ્યો છે કે મૂર્તિઓનું વિસર્જન ઘરઆંગણે જ થાય. એની કાળજી આપણી પ્રજા નથી રાખવાની તેની સરકારને પણ ખાતરી છે, પણ રાજકીય હેતુઓ પાર પડતાં લાગે છે તો સરકાર ઢીલ મૂકતી રહે છે. નવરાત્રિમાં ગરબાનું આયોજન, આયોજકોએ સ્વેચ્છાએ પડતું મૂક્યું છે, પણ સરકારને માતાજીની કૃપા થાય તો એ દાંડિયા હાથમાં લે પણ ખરી !
કોરોનાની ત્રીજી લહેરનું આયોજન થઈ રહ્યું છે એમ કહેવાય છે ત્યારે સવાલ થાય છે કે આયોજન ત્રીજી લહેરને રોકવા થાય છે કે તેડવા તે સમજાતું નથી. એ જે હોય તે, આપણે તો પ્રાર્થના જ કરવાની રહે કે આફત ટળે !
ધાર્મિક ઉત્સવો આનંદ અને આસ્થા માટે થાય છે, પણ એ હેતુ ખરેખર જળવાય છે ખરો? દશામાની મૂર્તિઓની સ્થાપના થઈ ત્યારે સુરત મ્યુનિસિપલ કમિશનરે એવો આગ્રહ રાખ્યો કે મૂર્તિઓનું વિસર્જન ઘરમાં જ થાય. એવું થયું હોત તો આનંદ જ થયો હોત, પણ એવું થયું નહીં. હજારો મૂર્તિઓ કેનાલમાં અને જુદે જુદે ઓવારે ખંડિત અને રઝળતી દશામાં જોવા મળી. જે મૂર્તિનું દિવસો સુધી લાલન પાલન થતું હોય, તેની પૂજા અર્ચના થતી હોય, આરતી-પ્રસાદ થતાં હોય તે માને આમ રઝળતી મૂકી દેતાં ભક્તોને કૈં થતું નથી? માતાજી, ગરજ પતે એટલે એવો કચરો કેવી રીતે થઈ જાય કે તેને નદી કિનારે નાખી આવવો પડે? આ ધર્મ ને ભક્તિ છે? જો આ ધર્મ છે તો અધર્મ આપણે કોને કહીએ છીએ? કોઈ મા કે બાપા આપણને ચોખા મૂકવા આવે છે કે અમારી સ્થાપના કરો? જો નહીં, તો દશામા, આટલી દુર્દશામાં કેવી રીતે વિદાય લે છે? બીજા કોઈ ધર્મમાં ભગવાનની આટલી દુર્દશા જોઈ છે? ને આપણે લવારા કરીએ છીએ કે ગર્વ સે કહો હમ હિન્દુ હૈ ! આવા ગર્વિષ્ઠ હિન્દુ છીએ આપણે જે દેવી દેવતાનું શ્રદ્ધાપૂર્વક વિસર્જન પણ નથી કરી શકતા? આ શરમજનક છે.
આમાં કોર્પોરેશનની હઠ પણ જવાબદાર છે. મ્યુનિસિપલ કમિશનરે મૂર્તિઓનું વિસર્જન ઘરમાં જ થાય એવો આગ્રહ રાખ્યો, પણ તેમને એ ખબર હતી કે પૂરેપૂરું એવું થવાનું નથી. મૂર્તિઓ બહાર પણ વિસર્જિત થવા આવશે જ. સ્થાપના વખતે કૃત્રિમ તળાવોનું આયોજન વિચારણા હેઠળ છે એવું કમિશનરે કહ્યું ને પછી તળાવની વાત આગળ ચાલી નહીં. તળાવ થયાં હોત તો શું વાંધો આવતે એ નથી સમજાતું. તળાવ થયાં હોત તો પણ મૂર્તિઓ થોડી તો રઝળી જ હોત, પણ પ્રમાણ ઘટ્યું હોત. એ સગવડ ન મળી ને લોકોને મૂર્તિઓ રખડતી મૂકવાનું બહાનું મળી ગયું. આ જ સ્થિતિ ગણેશ વિસર્જન વખતે પણ થઈ શકે છે. બધી મૂર્તિઓનું વિસર્જન ઘરઆંગણે થવાનું નથી જ. એવે વખતે કૃત્રિમ તળાવોનું આયોજન કોર્પોરેશને કરવાનું રહે જ છે, એટલું જ નહીં, એની આગોતરી જાહેરાત પણ કરવી જ જોઈએ, જેથી લોકો ગમે ત્યાં મૂર્તિ રખડતી ન મૂકે.
કોરોનાનું તો બહાનું છે, અગાઉ પણ ગણેશની પ્રતિમાઓ ખંડિત અને રઝળતી હાલતમાં જોવા મળી જ છે. પછી કોર્પોરેશને એ મૂર્તિઓને એકત્રિત કરીને દરિયામાં પધરાવવી પડે છે. આ વખતે દશામાની મૂર્તિઓ એમ જ એકઠી કરવી પડી અને દરિયામાં વિસર્જિત કરવી પડી. એક સૂચન કરવાનું થાય છે. જો મૂર્તિઓ છેલ્લે ભેગી કરીને વિસર્જિત કરવી જ પડતી હોય તો કોર્પોરેશન વિધિવત એવી જાહેરાત કરી શકે કે મૂર્તિઓ અમુક જગ્યાએ ભક્તો જમા કરાવે જેથી તેનું વિધિવત વિસર્જન થઈ શકે.
પણ, પ્રજા તરીકે આપણે દંભી પ્રજા છીએ. હિન્દુ, હિન્દુનું કીર્તન કરતાં સજજનોને મૂર્તિઓ રઝળે એનો વાંધો નથી લાગતો, નહિતર બીજી બાબતોમાં આગ્રહ રાખતા ધાર્મિકો મૂર્તિઓનાં રઝળપાટ અંગે ચૂપ કેવી રીતે રહે? સાચી વાત એ છે કે આપણે ધર્મને દેખાડા પૂરતો જ અપનાવ્યો છે. એ પણ કોઈ વિધિના પ્રારંભમાં હોય એટલો જ ! નહિતર વિસર્જન અંગે આટલી બેદરકારી ચાલે કેવી રીતે? બને તો ધર્મને અંગત રાખીએ. ઘરમાં રાખીએ. વિધિવિધાનો કરવાં જ હોય તો ઘર પૂરતાં સીમિત રાખીએ. કોઈ ઈશ્વર કશાનો આગ્રહ રાખતો નથી, એ નથી સ્થાપના ઇચ્છતો કે નથી ઇચ્છતો વિસર્જન ! હવે આપણને રસ હોય તો એટલું કરીએ કે એને માનથી આવકારીએ અને માનપૂર્વક વિદાય આપીએ. કમસેકમ જેને માનીએ છીએ એ ઈશ્વરને અપમાનિત ન કરીએ. ધર્મ આપણું રક્ષણ કરે છે ને આપણે એને રઝળતો કરીએ એ શોભતું નથી. અસ્તુ !
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 23 ઑગસ્ટ 2021