Opinion Magazine
Number of visits: 9728727
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઍ લાઈફ કમીટેડ – ઍ મેમવા

વિપુલ કલ્યાણી|Ami Ek Jajabar - Ami Ek Jajabar|21 March 2026

એક લાંબા અરસાથી આફ્રિકા ખંડના અનેક મુલકોની ગતિવિધિમાં રસ પડતો. તેના આગેવાનો વિશે વિશેષપણે વિગતમાહિતી મેળવતો અને પોરસાતો રહેતો. આ બધામાં દક્ષિણ આફ્રિકા, ટૅન્ઝાનિયા, કેનિયા અંગે સ્વાભાવિકપણે એ રસ બેવડાતો. ટૅન્ઝાનિયા તો જન્મભૂમિને નાતે અને દક્ષિણ આફ્રિકા અને કેન્યા માંહેની અનેક સામ્યતાઓ નિહાળી એ ભણી દોરવાતો રહેતો.

જાણીતા પત્રકાર, લેખક સલિલ ત્રિપાઠીએ નિજી બિરાદરીની પ્રતિકૃતિ પેશ કરતું રસપ્રદ પુસ્તક આપ્યું છે. એમના આ તાજાતર, ‘The Gujaratis’ નામક પુસ્તકમાંનાં એક ટચૂકડા પ્રાસ્તાવિક [Prologue] લખાણને સાદર અહીં લઈએ : ‘અમે અમેરિકામાં મોટેલ ચલાવીએ છીએ, દક્ષિણ આફ્રિકામાં અમે રંગભેદ (અપાર્ટાઇડ – Apartheid) સામે લડત કરી છે, યુગાન્ડામાંથી અમને હાંકી કઢાયા હતા, લંડનમાં અમે મજૂર આંદોલન ચલાવ્યાં છે, ચીનમાં અમે અફીણનો વેપાર કરેલો છે, અને અગ્નિ એશિયામાં સુભાષચંદ્ર બોઝે ઊભી કરેલી આઝાદ હિંદ ફૌજ માટે ભંડોળ ઊભું કરેલું છે.’ 

‘દક્ષિણ આફ્રિકામાં અમે રંગભેદ સામે લડત કરી છે.’ − હા, કરી છે અને તેના પ્રમાણ સંખ્યાબંધ જોવા પામીએ. મોહનદાસ કરમચંદ ગાંધીના વારાથી આ રજૂઆતમાં તથ્ય આપણે જોઈએ છીએ. તોતીંગ મોટા દેશના નાતાલ અને ટ્રાન્સવાલ વિસ્તારોમાં આ લડતના પ્રથમપહેલા પ્રમાણ એટલે મો.ક. ગાંધીકૃત ‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ’. આ સાથે રાવજીભાઈ પટેલ કૃત ‘જીવનનાં ઝરણાં’ તેમ જ પ્રભુદાસ ગાંધીકૃત ‘જીવનનું પરોઢ’ને ય લઈ શકાય. પરંતુ મહદ્દ અંશે આ 1893 થી 1915ના સમયગાળાની વાત બની.

ખેર ! દક્ષિણ આફ્રિકામાં, 1948 દરમિયાન ડી.એફ. મલાનની આગેવાની હેઠળ ‘નેશનલ પાર્ટી’નો વિજય થયો. તેના સત્તામાં આવ્યાના ઘડીક સમયગાળામાં રંગભેદની નીતરીતિને તેમણે અધિકૃત અમલમાં મૂકી અને જાણે કે મધપૂડો છંછેડાયો હોય તેવી હાલત પેદા થઈ. કેમ કે ‘આફ્રિકાનાર’ લોકો સિવાય બીજી બધી લધુમતી કોમો અને વિશાળ આફ્રિકી જમાતને આ ભારે નડતરરૂપ નીતિરીતિ થવા લાગી.

અને એક તરફ, ‘ઇન્ડિયન કાઁગ્રેસ’ અને બીજી બાજુ ‘આફ્રિકન નેશનલ કાઁગ્રેસ’ની આગેવાનીમાં વિવિધ આંદોલનોનો સિલસિલો શરૂ થયો જે 1994 સુધી ચાલ્યો. સ્વાભાવિકપણે અનેક હિન્દવી જમાતના લોકો ય આવી લડતનાં નાનામોટા આંદોલનોમાં જોડાયા. ઉદાહરણની રૂએ જોઈએ તો આવાં આંદોલનોમાંથી અહમદ કથરાડા, ઝૂલેખા મયત, ફ્રેની જીનવાલા, કાદર ઈસ્માઇલ, અઝીઝ પહાડ, ઈસપ પહાડ, ઈસ્માઈલ અને ફાતીમા મીર, મૌલવી કાછલિયા, યુસૂફ અને અમીના કાછલિયા, ઇલા ગાંધી, અબુ બક્ર અસ્વાત, ઝૈયનબ અસ્વાત, યુસૂફ મોહમ્મદ દાદુ જેવાં જેવાં કર્મશીલો અને આગેવાનો દક્ષિણ આફ્રિકાને મળે છે. આમાં મોટે ભાગે દરેક ગુજરાતી છે. અને મારે મન એ હકીકત પોરસાવનારી છે.

ગુજરાતના પશ્ચિમી કાંઠેથી વેપારી આલમના આ આપ્રવાસીઓ દક્ષિણ આફ્રિકાના ડરબન શહેરે બોટ વાટે આવી પહોંચેલા; અને તેઓની સરકારી દફતરમાં ‘પેસેન્જર ઇન્ડિયન્સ’ તરીકેની ઓળખ પાકી બની. એ 1860નો આશરે સમયગાળો હતો. એમાંના કેટલાક મુલકના અંદરના વિસ્તારોમાં રોજીરોટી સારુ વિસ્તારાઈ ગયા. સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ‘ખોલવડ’ નામક ગામથી આ વસાહતીઓ દક્ષિણ આફ્રિકે સ્થળાંતર કરી ગયા હતા. ટૂંકમાં જોઈએ તો ડરબનથી જ્હોનિસબર્ગ વચ્ચેના અંતરિયાળ મથકોમાં આ હિન્દવી જમાતના લોકો ધંધાધાપા સારુ ફેલાઈ ગયા હતા.  

જ્હોનિસબર્ગ મહાનગરનું જૂનામાં જૂનું પરુ એટલે ફૂહરેરુટાઉન[Ferreiratown]નો આ સમૂળગો વિસ્તાર. આ વિસ્તારમાં આફ્રિકન નેશનલ કાઁગ્રેસ, ટૃાન્સવાલ ઇન્ડિયન કાઁગ્રેસ તેમ જ ટૃાન્સવાલ ઇન્ડિયન યૂથ કાઁગ્રેસનાં, એ દિવસો વેળા, અહીં દફતરો ધમધમતા. મૂળ ખોલવડના ગુલામ હુસ્સેન પહાડ ટૃાન્સવાલ ઇન્ડિયન કાઁગ્રસના પ્રમુખપદે લાંબા અરસા સુધી હતા. ગુલામ પહાડનાં પત્ની અમીના પહાડ; અને આ દંપતીને પાંચ સંતાનો – ઈસ્માઈલ, ઈસપ, અઝીઝ, નસીમ તેમ જ ઝૂનૈદ. ઈસપ તેમ જ અઝીઝ, બન્ને અગ્રેસર રહ્યા અને બન્નેએ પોતપોતાની ભાતીગળ સ્મરણકથા આપી છે. ‘ઈન્સરજન્ટ ડિપ્લોમેટ – સિવીલ ટૉક્સ ઑર સિવિલ વૉર ?’ [Insurgent Diplomat – Civil Talks or Civil War?] નામક અઝીઝ પહાડની આપવીતી કથા છે; જ્યારે ઈસપ પહાડને નામ ‘ઍ લાઈફ કમીટેડ, ઍ મેમવા’ [A Life Committed, A Memoir] આપવીતી બોલે છે. આ લેખના કેન્દ્રમાં સ્વાભાવિકપણે ઈસપ પહાડ અને એમની આપવીતી જ છે.

આશરે 560 પૃષ્ઠના આ પુસ્તકને અગિયાર પ્રકરણો છે અને પુસ્તકને એમના નિજી દોસ્ત તેમ જ પ્રજાસત્તાક દક્ષિણ આફ્રિકાના બીજા રાષ્ટૃપતિ થાબો મ્બેકીની પ્રસ્તાવના સાંપડી છે. આ પ્રસ્તાવના ખુદ ખૂબ અગત્યની છે.

ઈસપનો જન્મ આજના ગાઉતેન્ગ(એક વેળાના ટૃાન્સવાલ)માં આવ્યા સ્વાઇત્ઝર રિનીક (Schweizer Reneke) ગામે 21 જૂન 1939ના રોજ થયો. પરિસ્થિતિ અનુસાર, ગુલામ પહાડ અને પરિવાર સ્વાઇત્ઝર રિનીકથી જ્હોનિસબર્ગ વસવાટ માટે સ્થળાંતરિત થયા. જ્હોનિસબર્ગ મહાનગરનું જૂનામાં જૂનું પરુ એટલે ફૂહરેરુટાઉન[Ferreiratown]નો આ સમૂળગો વિસ્તાર. તેની બેકર (Becker) સ્ટૃીટમાંના ‘ઓરિયેન્ટ હાઉસ’માં પહાડ પરિવાર સ્થાયી થયો. અહીં, બેકર સ્ટૃીટ તથા ફોક્સ સ્ટૃીટને નાકે નેલસન મન્ડેલા તેમ જ ઓલિવર ટામ્બોની, તે દહાડે, વકીલાત સારુ ઓફિસો. 

થાબો મ્બેકી અને ઈસપ પહાડ – લંડનના દિવસો માણતા માણતા

આ વિસ્તારમાં આફ્રિકન નેશનલ કાઁગ્રેસ, ટૃાન્સવાલ ઇન્ડિયન કાઁગ્રેસ તેમ જ ટૃાન્સવાલ ઇન્ડિયન યૂથ કાઁગ્રેસનાં, એ દિવસો વેળા, અહીં દફતરો ધમધમતા. બીજી તરફ ઈસપ પહાડના પિતા, ગુલામ પહાડ ટૃાન્સવાલ ઇન્ડિયન કાઁગ્રસના પ્રમુખપદે લાંબા અરસા સુધી હતા. આ સક્રિયતાને કારણે ‘ઓરિયેન્ટ હાઉસ’ના એમના રહેણાકે અનેક નાનીમોટી સભાબેઠકો જોઈ છે. ક્યારેક નેલ્સન મન્ડેલા, ઓલિવર ટામ્બો, વોલ્ટર સિસુલુ શા આગેવાનો આમાંની બેઠકો માટે આવી ચડતા. યુસૂફ દાદુ, અહમદ કથરાડા તો નિયમિતપણ રોજ આવ્યા જ જાણવા. માતાપિતાની આ ‘ભલે પધાર્યા’ની નીતિરીતિ સંતાનોને માટે પારિવારિક સંસ્કાર બની રહેતી. પોતાના સંતાનો રંગભેદ, જાતિભેદથી પર રહે અને દરેક માણસને એક સરખા લેખે તેવું શિક્ષણ સંતાનોને અપાયું. આથી રાજકીય કર્મશીલની કેળવણી સંતાનોને આપવામાં આવી. આ કાઁગ્રેસ આંદોલનો તેમ જ સંસ્કારનો વારસો જ્હોનિસબર્ગમાં મળતો થયો તેમતેમ આ સંતાનોનું ઘડતર મજબૂત થતું ચાલ્યું.

કાઁગ્રેસ આંદોલનોમાંની સક્રિયતાને કારણે, ‘ટૃાન્સવાલ ઇન્ડિયન યૂથ કાઁગ્રસ’ના એક કારભારીને નાતે, 1964માં, ઈસપને દક્ષિણ આફ્રિકામાંથી દેશવટો મળેલો. એ યુનાઇટેડ કિંગ્ડમ ગયા અને ત્યાં ‘સાઉથ આફ્રિકન કમ્યુનિસ્ટ પાર્ટી’(SACP) માટે તેમની ભરતી કરવામાં આવી. આમ 1973 વેળા મૉસ્કોની લેનિન પાર્ટી સ્કૂલમાં ઈસપને દાખલ થવાનો લાભ મળ્યો. અને પછી ચેકોસ્લાવાકિયાના પાટનગર પ્રાગમાં ‘સાઉથ આફ્રિકન કમ્યુનિસ્ટ પાર્ટી’ના પ્રતિનિધિને નાતે અનેકવિધ કામો કરવાની તક સાાંપડી. ‘વર્લ્ડ માર્કસિસ્ટ રિવ્યૂ’ના સંપાદક મંડળમાં ય એ પલોટાયા. આ દરમિયાન એન્ગોલા ખાતે ‘ઉમકોન્તો વે સિઝવે’ [Umkhonto we Sizwe] માટે એમને લશ્કરી તાલીમ મળે તેવી ગોઠવણ કરાઈ. પરંતુ એમને મલેરિયા લાગુ થયો અને પછી ઈસપ આ તાલીમ લઈ ન શક્યા.

ફેબ્રુઆરી 1990 વેળા રંગભેદી શાસનના પ્રમુખ એફ.ડબલ્યુ. દ’ ક્લાર્કે આઝાદીની ચળવળ માટે જે કોઈ આંદોલન કે સંસ્થા પર પ્રતિબંધો લદાયેલાં તે ઊઠાવી લેવાની જાહેરાત કરતાં, દેશવટો ભોગવતાં અનેક આગેવાનો વતન પાછાં ફર્યાં હતાં. આમ ઈસપ પહાડ પણ 1990માં દક્ષિણ આફ્રિકા પરત થયા. નવાનક્કોર રાષ્ટૃ માટે લોકશાહીની પ્રથા દાખલ કરવાની વાત હોઈ, તે માટેની સઘળી તૈયારી કરવાનાં વિધવિધ કામોમાં ઈસપ પહાડ પૂરેવચ્ચ જોતરાઈ પણ ગયા. અત્યન્ત બુદ્ધિશાળી ઈસપ પહાડની દીર્ઘદૃષ્ટિ તેમ જ સ્વપ્નદૃષ્ટાપણું સોળે કળાએ કામોમાં પરોવાતાં ચાલ્યાં  

‘ઍ લાઈફ કમીટેડ, ઍ મેમવા’ એક ક્રાન્તિકારીની આપવીતી છે. બીજા અનેક સ્થાનિક તેમ જ આંતરરાષ્ટૃીય સ્તરના પ્રગતિશીલ લોકો તેમ જ આંદોલનો જોડે સંકળાવવાને કારણે એમના વિધવિધ અનુભવોનું આ પુસ્તક ગાથા બને છે. આવા આવા અનુભવોને કારણે દક્ષિણ આફ્રિકાને, આફ્રિકા ખંડને તેમ જ જગતને કેવા કેવા પડકારોનો સામનો કરવાનો થાય તેની સમજણ એમને આ અનુભવોમાંથી જડી આવી છે.

ઈસપ પહાડ

ઈસપ પહાડે પોતાની જબ્બર યાદદાસ્તને સહારે તેમ જ જે તે ઘટના ટાણે જે કોઈ નોંધ કરી હોય તેનો ય આધાર આ આપવીતી માટે લેવાયો હોય તેમ બને. આ બાબત જ આ આપવીતીને મજબૂત દસ્તાવેજનું સ્વરૂપ આપી જાય છે. વળી, પોતાનો વિનોદી સ્વભાવ પણ અહીં સર્વત્ર ડોકાયા કરે છે. જે જે લોકોએ અને આગેવાનોએ ઈસપ પહાડનું ઘડતર કર્યું છે તેવા લોકોની ટૂંકીટચ પણ સભર નોંધ, આઝાદીની લડત માટેના વિધવિધ પ્રવાહોમાંના સાથીદારો વિશેની વિગત નોંધો પુસ્તકને સબળ બનાવે છે. આટલું ઓછું હોય તેમ, લેખકની તીવ્ર સચ્ચાઈ, કરુણા અને માનવતા સમગ્રપણે ઉપસી આવતી હોય તેમ વાચકને આ આપવીતીમાં લગભગ ઠેરઠેર જોવાની સાંપડે છે.

આ પુસ્તકના ત્રીજા, ચોથા અને પાંચમા પ્રકરણોમાં સામ્યવાદ, સોવિયેત યુનિયન તેમ જ પૂર્વ યુરોપ માંહેના સામ્યવાદી દેશોની નક્કર સહાયતા, વાંચવા, જાણવા મળે છે. આટઆટલી ઊંડી વિગતો સાથેનું વર્ણન સ્વતંત્રતાની લડાઈ લડતા સમૂહોને આ ડાબેરી જમાત કેટલો ઉપયોગી બને છે તેની ઝાંખી કરાવે છે. એ સમયગાળામાં જે તે સામયિકો અને સાહિત્ય પ્રકાશિત થતું તેની વિગતમાહિતીઓ પણ વાંચવા સમજવા પામીએ છીએ. જો કે લેખક તો આફ્રિકા ખંડને કેન્દ્રમાં રાખીને વાત કરે છે, પરંતુ આ બધું આંતરરાષ્ટૃીય દૃઢતા, એકતાના અનેક અભ્યાસીઓને રસ પડે તેવી સામગ્રી અહીં જોવા પામીએ છીએ.

પાછોતરા પ્રકરણોમાં ‘આફ્રિકન નેશનલ કાઁગ્રેસ’ની ચડતી, પડતી, તેમ જ નબળાઈઓની વિગતો જાણવા મળે છે. ચીફ આલ્બર્ટ લુથુલી, ઓલિવર ટામ્બો, નેલ્સન મન્ડેલા, વોલ્ટર સિસુલુ સરીખા આગેવાનો કોમને માટે, દેશને માટે સઘળું ન્યોછાવર કરી જતા આગેવાનો હોય તેમ અનુભવીએ છીએ. એમની વિદાય પછીની આગેવાનીનાં પોત નબળાં પડતાં ભાળીએ ત્યારે વાચકને વસમું લાગ્યા વગર રહેતું નથી. ત્યારે સહજ આપણી નજર ભારત ભણી ડોકાયા કરે છે અને સરખામણી ‘હિન્દી રાષ્ટૃીય કાઁગ્રેસ’ સાથે અનાયાસે થયા વગર રહેતી નથી. ભારત, દક્ષિણ આફ્રિકા ઉપરાંત એશિયા, આફ્રિકા ખંડ, લેટિન અમેરિકાના દેશોની સાંપ્રત હાલતમાં સહજ સરખાપણું જોવા મળે છે. સેવાની જગ્યાએ સત્તા કેન્દ્રસ્થ બની જતાં આવું બધું અન્યત્ર પણ જોવા, વાંચવા પામીએ જ છીએ.

દક્ષિણ આફ્રિકા પ્રજાસત્તાકને મન્ડેલા પછી થાબો મ્બેકી શા આદર્શ, નેક, નિષ્ઠાવાન આગેવાન સાંપડે છે. મ્બેકીને ઈસપ પહાડની સમજણ અને આવડત પર ભારે વિશ્વાસ. દેશવટાના સમયથી બન્ને વચ્ચેની નિજી ભાઈબંધી. તેને ય કારણે તેમના મંત્રીમંડળમાં ઈસપ પહાડને સ્થાન અપાય છે, તેની વિગતે પાછોતરા પ્રકરણોમાં રજૂઆત થઈ છે. આ આઠ, નવ અને દશ ક્રમાંકના પ્રકરણોમાં આ વિગતમાહિતી છે. અહીં બહુસાંસ્કૃતિક, વિવિધ જાતીય મંત્રીમંડળનો પ્રયોગ ખીલતો ચાલ્યો છે અને મેઘધનુષી કારભાર ચલણમાં અહીં રહ્યું છે. હજુ તો નવોદિત દક્ષિણ આફ્રિકા પ્રજાસત્તાક બાખોડિયા ભરે છે તેવા વખતમાં ‘ટિમ્બુક્તુ મેન્યુસ્ક્રીપ્ટ પ્રૉજેક્ટ’ તેમ જ ‘ધ સાઉથ આફ્રિકન ડેમોક્રસી એજ્યુકેશન ટ્રસ્ટ’ શા જાગતિક સ્તરનાં કામોની કામગીરીમાં આગેવાની લઈ બિરાદરી ઝંપલાવે તો છે પણ તેને સાંગોપાંગ પૂર્ણ પર કરે છે. 

પશ્ચિમ આફ્રિકાના માલી દેશની વાત છે. ‘અહમદ બાબા ઇન્સ્ટિટ્યૂટ’માં ઈસ્લામિક દસ્તાવેજો, હસ્તપ્રતો છે તેને ભાવિને માટે જાળવી રાખવા ને સાંચવવા જરૂરી હોઈ, તે કામમાં દક્ષિણ આફ્રિકાની સરકારે આગેવાનીને આદરભેર હસ્તક રાખી. અને તેને માટે જે જે વ્યવસ્થા કરવાની આવી તેમાં ય માલીની સરકારના પ્રતિનિધિઓને ય સામલ રાખી આ વિશ્વસ્તરનું આયોજન આટોપવાનું રાખે છે. વિશ્વ સ્તરના આ ઐતિહાસિક વારસાને જાળવી રાખવાનું કામ પણ દક્ષિણ આફ્રિકા આટોપે છે.

ઈસપ પહાડ આ આપવીતી ઉપરાંત બીજું એક પુસ્તક પણ કરવાની તૈયારીમાં હતા; પરંતુ તેમ એ કરી ન શક્યા. ગળાના જીવલેણ કેન્સરમાં એ લપેટાયા જતા હતા; અને 06 જુલાઈ 2023ના એમણે દેહ છોડ્યો.  

આરંભના રંગભેદ વાળા સમયગાળાથી માંડી, મેઘધનુષી પરંપરાના પ્રજાસત્તાક દેશ તરીકે આ મુલક ઓળખાતો થયો; અને તેની લગોલગ, સમાન્તરે દેશની નીતિરીતિ ય બદલાતી ચાલી. આ સઘળી સઘન વિગતો દર્શાવતાં અનેક પુસ્તકો નામદાર આગેવાનોએ આપ્યાં છે. ગુજરાતી નસ્સલનાં આગેવાનોએ આપ્યાં પુસ્તકો વળી તેમાં અગત્યનું સ્થાન ધરાવે છે. આ આખું ચિત્ર સામે રાખીને કોઈ પણ અભ્યાસુને રસ પડે તેવી આ સામગ્રી સામે આવી છે. ઈસપ પહાડ ઉપરાંત એમના નાના ભાઈ અઝીઝ પહાડે આપ્યું પુસ્તક ‘ઈન્સરજન્ટ ડિપ્લોમેટ સિવિલ ટૉક્સ ઓર સિવિલ યર ?’, અહમદ કથરાડાકૃત ‘મેમવાઝ’, ઈસ્માઈલ મીરકૃત ‘ઍ ફોરચ્યુનેટ મેન’, ઉમા ધૂપેલિયા – મિસ્ત્રીકૃત ‘ગાંધીઝ પ્રિઝનર ?’ તથા ‘ગાંધીઝ આફ્રિકન લિગસી’ વગેરે વગેરેને અગત્યનું સ્થાન છે. આમાં નેલસ્ન મંડેલા, ઓલિવર ટામ્બો, વૉલ્ટર સિસુલુ ફાતીમા મીર આપ્યાં પુસ્તકોને દાખલ કરવા જરૂરી છે. અશ્વિન દેસાઈ, ગુલામ વાહેદ જેવા ઇતિહાસકારોને તેમાં સામેલ રાખવા જરૂરી છે. મો.ક. ગાંધીકૃત ‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ’ તેમ જ પ્રભુદાસ ગાંધી લિખિત ‘જીવનનું પરોઢ’ને પાયાગત રાખવા જરૂરી છે. રાજકારણ, સમાજકારણ, અર્થકારણને તેમ જ સાહિત્ય સર્જન જેવા અનેક મુદ્દે આ અભ્યાસ આપણને નવી દિશા આપી શકે તેમ છે.

હેરૉ, યુનાઇટેડ કિંગ્ડમ; 21 માર્ચ 2026
E.mail : vipoolkalyani.opinion@btinternent.com 

ઍ લાઈફ કમીટેડ, ઍ મેમવા : ઈસપ પહાડ : રીઅલ આફ્રિકન પબ્લિશર્સ, 236 ફ્રેડરિક ડૃાઈવ, નૉર્થક્લીફ, જોહાનિસબર્ગ 2195 : પ્રથમ આવૃત્તિ -ઑક્ટોબર 2023 : ISBN978 – 1-7764567-1-0 : પૃષ્ઠ – 560 :  

Loading

22 March 2026 Vipool Kalyani
← ચલ મન મુંબઈ નગરી—333
 ભારત પોતે જ નિશાના પર હોય, ત્યારે તટસ્થતા નિષ્ક્રિયતા લાગી શકે છે  →

Search by

Opinion

  •  ભારત પોતે જ નિશાના પર હોય, ત્યારે તટસ્થતા નિષ્ક્રિયતા લાગી શકે છે 
  • ચલ મન મુંબઈ નગરી—333
  • ચકલી આવી
  • ઘટથી વટ
  • સયાજીરાવ ગાયકવાડને યાદ કરવા એટલે …

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved