ફરી એકવાર ધાડ જોયું. મન શા માટે ભરાઈ આવ્યું એનાં કારણો મને સમજાતાં નથી. ઘેલો, મોંઘી, જુસલો, પ્રાણજીવન જેવાં પાત્રો, દરિયો અને અસ્સલ રણપ્રદેશની વેરાન ધરતી. લોંગ શોટમાં દેખાતા કચ્છને ઉપસાવી આપતું વનરાજ ભાટિયાનું સંગીત. અબડાસા, માંડવી, લખપત, પરજાઉ, રામવાડો ગામનાં દશ્યો ચિત્ત પરથી હટતાં નથી.
વિચારું છું શા માટે ગુજરાતીઓએ આ ફિલ્મમાં રસ ન લીધો ? ગુજરાતી વાર્તાના વિલક્ષણ વાર્તાકાર જયંત ખત્રીની વાર્તા ‘ધાડ’ ઉપરથી બનેલી આ ફિલ્મ થકી કોને શું નુકશાન થયું છે એ તો વેદનાની વાતો છે. પણ ગુજરાતી ફિલ્મના ઇતિહાસમાં ખેરખાં કલાકારોને લઈ આવવા બદલ પરેશ નાયક સામે નત મસ્તક થઈ જવાનું મન થાય છે.
આમ તો ધાડના બીજ ૧૯૯૯ના જૂન મહિનામાં વવાયાં હતાં. ભુજમાં જયંત ખત્રીના સાહિત્ય ઉપર પરિસંવાદ હતો. ત્યારે ‘ખરા બપોર’ વાર્તા તંતોતંત સમજાવવા બન્નીનો પ્રવાસ ખેડાયો. જ્યારે હજુ કચ્છ કેમેરા સામે આવ્યું ન હતું એવા સમયમાં ગુજરાતી સાહિત્યકારો કચ્છનું રણ અને સૂનકાર જોઈ દંગ થઈ ગયા. રઘુવીર ચૌધરીએ એ વખતે પરેશ નાયકને કહ્યું કે ધાડ ઉપરથી ફિલ્મ બનવી જોઈએ. પરેશ નાયકના મનમાં એક સપનું ઊગ્યું. ચર્ચાઓ થઈ. ધાડ વાર્તા પરથી ફિલ્મ બનાવવાના ચક્રો ગતિમાન થયાં. વિનેશ અંતાણીએ પટકથા લખી. ફિલ્મનું શુટીંગ શરૂ થયું. જેના નિર્માતા જયંત ખત્રીના પુત્ર, જાણીતા પત્રકાર કીર્તિ ખત્રી હતા. સહ નિર્માતા તરીકે ઝવેરીલાલ સોનેજી એક મહિનો લખપત બાજુ યુનિટ સાથે રહી ફિલ્મ માટે જરૂરી એવી બારીકીઓ સમજાવી. પરંતુ શી ખબર આ ફિલ્મ કયા ચોઘડિયે શરૂ થઈ તે એને એક પચ્છી એક ગ્રહણ લાગતાં ગયાં. રાજકીય બાધાઓ, આર્થિક બાધાઓમાં અટવાતી આ ફિલ્મ રજૂ થવાની તારીખ નહીં, વર્ષો લંબાતા ગયાં. નિર્માતા અને નિર્દેશકે આ ફિલ્મ માટે જે આર્થિક ખુવારી વેઠી છે એ કહેવાની વાત નથી. આખરે ૨૦૧૮માં આ ફિલ્મ રજૂ થઈ ત્યારે આખું ય કચ્છ બદલી ગયું હતું. કચ્છ વિશેના ખ્યાલો બદલી ગયા હતા. કચ્છના લોકોની માનસિકતા પણ બદલી ગઈ હતી. ફિલ્મને જોઈએ એવો લોક પ્રતિભાવ મળ્યો નહીં. કચ્છમાંથી પણ નહીં. અસ્સલ કચ્છની તાસીર અને ખુમારી રજૂ કરતી ફિલ્મ વિશે ગુજરાતીઓ અજાણ રહ્યા.
નંદિતા દાસ, કે.કે. મેનન, સુજાતા મહેતા, રઘુવીર યાદવ, સંદીપ કુલકર્ણી, સમીરા અવસ્થી જેવાં હોનહાર કલાકારો કચ્છની ધરતીને જે રીતે સમજ્યાં છે એ માટે એમને વંદન કરવા પડે. તેમાં ય ઘેલાનું પાત્ર ભજવનાર કે.કે. મેનને કમાલ કરી છે. એની ચાલ, બોલવાની રીત, એક ધાડપાડૂની છટા અને બરછટતા. તે છતાં એક પુરુષ તરીકે રગોમાં ભડ ભડ બળતી સંતાનેચ્છા ! ત્રણ ત્રણ પત્નીઓ છતાં સંતાન ન થાય ત્યારે એક ધાડપાડૂના હૈયામાં નપુંસક હોવાનો છવાઈ રહેતો ઓથાર કે.કે. મેનને અદ્દલ ભજવી બતાવ્યું છે. આ ફિલ્મના કલાકરો કચ્છી તો નથી, ગુજરાતી પણ નથી. તેમ છતાં કચ્છી જ લાગે છે. આવી સ્ટારકાસ્ટ આ પહેલાં કોઈ ગુજરાતી ફિલમાં આવી નથી. ફિલ્મમાં ઝવેરીલાલ સોનેજી, પ્રદીપ જોશી, નમ્રતા શાહ, શૈલેન્દ્ર ચોક્સી, બાબુભાઈ રાણપરા જેવા સ્થાનિક કલાકારોએ પણ ભાગ ભજવ્યો છે. આ ફિલ્મનું કચ્છી વર્જન પણ રીલીઝ થવાનું હતું. જેના કચ્છી સંવાદ લખવાનો મને મોકો મળ્યો હતો. વનરાજ ભાટિયાનું શોરબકોર વગરનું અર્થપૂર્ણ સંગીત આ ફિલ્મનું એક જમા પાસું છે. ફરી એકવાર ગુજરાતી કલા ફિલ્મના શોખીનોને વિનંતી કરું છું આ ફિલ્મ જૂએ. જેમણે બદલાયેલું કચ્છ જોયું છે તેઓ આ ફિલ્મ જરૂર જૂએ. કચ્છનું અસ્સલ રૂપ જોવા મળશે.
આ ફિલ્મને દર્શકોએ નકારી હોય તો મારી દષ્ટિએ મુખ્ય બાબત છે કે આ ફિલ્મ જરા ગંભીર છે. એક ફિલ્મમાં હોય તેવું મનોરંજન નથી. તેમ જ હાસ્યનો પણ અભાવ છે. આખી ય ફિલ્મ ઉપર એક જ પાત્ર છવાઈ રહે છે તે ઘેલો. પરંતુ તે સમાજનું નકારાત્મક પાત્ર છે. નકારાત્મક મુખ્યપાત્ર વાળી ફિલ્મો ભારતીય દર્શકોને ગમતી નથી હોતી. આ પ્રાદેશિક ફિલ્મ છે અને એ માટે ફિલ્મમાં લોકસમૂહ હોવો જોઈતો હતો. નિર્દેશકને આ ભૂલ મોંઘી પડી છે. ગુજરાતી વચ્ચે કચ્છી સંવાદો બિલકુલ જરૂરી ન હતા. સાવ જુદા પડી જાય છે.
હવે આ ફિલ્મ યુ ટ્યુબ પર ઉપલબ્ધ છે. સાહિત્યકાર મિત્રો, જયંત ખત્રીના સર્જનને એકવાર આ રીતે જીવંત જુઓ તો ખરા !
https://www.facebook.com/mavji.maheshwari.5/posts/1731940960276641