Opinion Magazine
Number of visits: 9446681
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વ્હાયડી, મિસ્ટર રાઉડી મોદી?

કૌશિક અમીન, કૌશિક અમીન|Opinion - Opinion|15 October 2019

નરેન્દ્ર દામોદરદાસ મોદીની આસપાસ સંકળાયેલી ઘટનાઓના સંદર્ભમાં જ્યારે પણ લખવાનું થયું છે, ત્યારે તેમની મર્યાદાઓ વિશે વધુ લખ્યું છે. હું કોઈ રાજકીય પક્ષનો સભ્ય નથી કે નથી પક્ષકાર. સામાન્યતઃ જનસામાન્યને સ્પર્શતી બાબતોને કદાચ આકરી ભાષામાં લખી હશે. ભારત કે અમેરિકાના રાજકારણ કે સામાજિક સંસ્થાઓ માટે જ્યારે પણ લખ્યું છે ત્યારે આકરા તેવરથી જ લખ્યું છે, નામ સાથે લખ્યું છે. કોઈના દબાણથી કે કોઈના કહેવાથી લખ્યું નથી અને હંમેશાં મારાં લખાણોની જવાબદારી પણ મારી પોતાની પર જ રાખી છે. પ્રકાશક કે જે તે સામયિકના તંત્રીના શિર પર એ જવાબદારી ઢોળી નથી.

નરેન્દ્ર દામોદરદાસ મોદી ભારતના વડાપ્રધાન છે, ગુજરાતી મૂળના છે. સહેજે જ તેમના હોદ્દા માટે કે ગુજરાતી મૂળના હોવા માટે મને ગૌરવ હોય જ. મને વ્યક્તિ તરીકે તેમના માટે કોઈ રોષ નથી, પરંતુ તેમની નીતિરીતિ સામે કે રાજ્યનું અને હવે દેશનું શાસન તેઓ પોતાની પેઢી હોય તે રીતે ચલાવી રહ્યા છે. વિપક્ષોને જવા દો, પોતાના પક્ષના જ લોકોને પણ વિશ્વાસમાં લીધી વિના ઉતાવળા નિર્ણયો કરે છે અને પછી પોતાની કરડી નજર કરી તેના પર સંમતિ મેળવે છે. નોટબંધી, જી.એસ.ટી. અને કાશ્મીર-લદાખના તેમના નિર્ણયો ઉદાહરણ રૂપે છે! બેતરફી વાતો, પોતાની પ્રતિભાને ઊંચી કરવા અન્યની પ્રતિભાને ભૂંસી નાંખવી, સંવેદનશીલ બાબતો કે લાગણી સાથેની રમતને તેઓ સહજ રીતે વાપરી નાખે છે. હીરાબાની સાથે બેઠા હોય, ત્યારે પરિવારના કોઈ સભ્ય કે અન્ય તેમની તસવીરમાં ઉપસ્થિત ન હોય તેની ચોકસાઈ રાખે છે. નોટબંધી સમયે એક રૂપિયો વાપરવા બહાર ન જતાં જૈફ વયનાં હીરાબાને નોટ બદલવા રિક્ષામાં મોકલી લાઇનમાં ઊભાં રાખવાનું તિકડમ તો આ નટસમ્રાટ જ કરી શકે! ગોધરા, ઇસરત જહાં, હરેન પંડ્યા, સંજીવ ભટ્ટ, અધિકારીઓ, શર્માભાઈઓ સાથેની ગુજરાતની ઘટનાઓને નજરઅંદાજ કરી શકાય તેમ નથી.

૨૦૧૪માં દેશ કૉંગ્રેસના શાસનથી ત્રાહિમામ્‌ હતો, ત્યારે મોદીમાં આમજનતાને એક આશા દેખાઈ. મોદીની આ કિંવદંતીઓને પ્રજાએ માફ કરી. હિંદુત્વના હિમાયતીઓને ખ્રિસ્તી અને મુસ્લિમોના કાલ્પનિક ભયથી મુક્તિ અપાવનાર મુક્તિદાતાનાં દર્શન મોદીમાં થયાં અને ભારે બહુમતીથી તેમને સત્તારૂઢ કર્યા. પાંચ વર્ષના શાસનકાળમાં ઉલ્લેખનીય કોઈ પગલાં અર્થકારણને વેગ આપે તેવાં લઈ શક્યાં નહીં. હા, તબાહી તરફ ધકેલનારાં નોટબંધી, જી.એસ.ટી. જેવાં પગલાં, રફાયેલ વિમાનના દાગી સોદા જેવાં પગલાં લીધાં. રિઝર્વ બૅંક, બી.એસ.એન.એલ., ઓ.એન.જી.સી., સી.બી.આઈ., ઇન્ડિયા જ્યુડિસિયરી, નીતિ-આયોગ, એલ.આઇ.સી. જેવી સંસ્થાઓને ખાડે નાખી. અર્થતંત્રને ડામાડોળ કર્યું. પ્રજ્ઞા ઠાકુર જેવી ગોડસેવાદી વિચારધારાને ઉત્તેજન આપ્યું. ગૌરક્ષાના નામે મૉબલિન્ચિંગને પરોક્ષ સમર્થન આપ્યું. ટોળાંશાહીના અપરાધીઓને જયંત સિંહા જેવા હાર્વડના શિક્ષિત પ્રધાનો પાસે હારતોરા કરાવી સન્માનને ઉત્તેજન આપ્યું. કાશ્મીરનાં બે ઊભાં ફાડિયાં કરી કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કર્યો : લગભગ બે મહિનાથી કરફ્‌યુ જેવી સ્થિતિ સાથે કાશ્મીર ટેલિફોન, ઇન્ટરનેટ, વીજાણુ માધ્યમોથી વંચિત છે! અખબારોના પ્રકાશનનાં પોણા બસ્સો વર્ષના ઇતિહાસમાં કાશ્મીરનાં અખબારો બે મહિનાથી પ્રકાશિત થયાં નથી. ઇન્દિરા ગાંધીએ અમલી કરેલી કટોકટી સરકારની અધિકૃત જાહેર કરાયેલી કટોકટી હતી. ભારતની લોકશાહીનો તે અઢી વર્ષનો ગાળો કાળો ને કલંકિત હતો. મોદીશાસને છેલ્લાં સાડા પાંચ વર્ષથી અઘોષિત કટોકટીના વરવો કાળ બતાવ્યો છે. તમે તેમની હામાં હા મિલાવો અન્યથા આકરાં પગલાં ભોગવો! નાણાંનો બેફામ દુરુપયોગ કરાઈ રહ્યો છે. કૉર્પોરેટર ચૂંટણીફંડ માટે કૉર્પોરેટ બોન્ડને ફરીથી દસ દિવસ માટે અમલી બનાવાયાં છે. દસ દિવસના ગાળામાં સ્ટેટ બૅંકની ઓગણત્રીસ શાખાઓમાંથી ખરીદી શકાશે. ભ્રષ્ટાચારનું આ કાનૂની સ્વરૂપ છે.

એંસીના દાયકાની સોમનાથ યાત્રાથી લાલકૃષ્ણ અડવાણીના ખભે સવાર થઈને મુરલી મનોહર જોષી સાથે નરસિંહરાવ આશ્રિત કાશ્મીરની લાલચોક ધ્વજવંદન રેલી મોદીને સત્તાની લાલસાના રાજમાર્ગ પર ખેંચી લાવી. મેગા શો, મેગા ઇવેન્ટના સર્કસની તેમને ફાવટ આવી ગઈ. ગુજરાતના સદ્‌ભાવના ઉપવાસ કે વાઇબ્રન્ટ ગુજરાતના ખોખલા એમ.ઓ.યુ.નાં સર્કસ વિદેશમાં પણ પ્રસર્યા. ન્યૂયોર્કની મેડિસન ગાર્ડનની ‘ભવ્ય’ રેલી વાયા લોસ એન્જલેસ, લંડન, કૅનેડા, દુબઈ, મસ્કત, ઓસ્ટ્રેલિયા, ઓમાન થઈને ‘હાઉડી મોદી’ના કાઉ બોય બ્રાન્ડ રાઉડી સર્કસમાં પરિણમ્યાં. કેન્ડીડેટ ટ્રમ્પના બોલાયેલા શબ્દો ‘અબ કી બાર ટ્રમ્પ સરકાર’ આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખી ટ્રમ્પના અહમ્‌ને પંપાળવાનું ચૂક્યા નહીં. તેમની આ વિષ્ટાસફાઈનું કાગ કર્મ વિદેશમંત્રી જયશંકરના શિરે આવ્યું. મોદીએ ‘અબ કી બાર ટ્રમ્પ સરકાર’ અમેરિકાની ચૂંટણીને અનુલક્ષીને નથી કહ્યું એવી સુફિયાણી સફાઈ જયશંકરે આપી છે. ખરેખર તો જયશંકર વિચક્ષણ ડિપ્લોમેટ છે. મોદીને વિદેશમાં કેવી રીતે વર્તવું તેના થોડાક વર્ગ લે તો ભારતની હાસ્યાસ્પદ બનતી પરિસ્થિતિમાં ખાસ્સો બદલાવ લાવી શકાય.

વિદેશમાં પુટિન (રશિયા), નતાન્યાહૂ (ઇઝરાયેલ), આબે (જાપાન), ઝિ (ચીન) કેમેરોન (બ્રિટન), ઓબામા અને ટ્રમ્પ (અમેરિકા) મારા મિત્રો છે અને તેમને અંગત ખાસ હોય તેમ પ્રથમ નામથી બોલાવવાની કુટેવ મોદીએ શરૂ કરી છે. પરાણે ભેટવાની પ્રથા પણ અપનાવી છે. અમદાવાદના રિવરફ્રન્ટ પર ખમણ-ફાફડા કે વારાણસીના ઘાટ પરની આરતીમાં કલાકો વિદેશી નેતાને જોતરી રાખવાના વેશ પણ આ નટસમ્રાટ કરે છે અને ભારત જલસાનો દેશ હોવાનો આભાસ ઊભો કરતા રહે છે. જડસુ મગજના અમેરિકા-પ્રમુખ ટ્રમ્પે આ નાદાન નેતાને ‘ફાધર ઑફ ઇન્ડિયા’ કહીને પોરસાવવાનો હલકો પ્રયાસ કર્યો! હાઉડી મોદી કાર્યક્રમમાં જ યુ.એસ. હાઉસ મૅજોરિટી લીડર સ્ટેની હોયરે મોદીની ટીકા કરી અને ભારતની દૂરંદેશી પર શંકા વ્યક્ત કરી. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને પૂર્વ વડા પ્રધાન સ્વર્ગસ્થ જવાહરલાલ નેહરુની નીતિઓને ટાંકી ભારતને સેક્યુલર દેશ તરીકે વર્તવા સલાહ પણ આપી!

ટ્રમ્પ અને અન્ય નેતાઓનાં વક્તવ્યો બાદ મોદીએ ‘હાઉડી’ શબ્દના અર્થને ‘ભારતમાં બધું બરોબર છે’ને આઠ ભાષાઓમાં ગણી બતાવ્યું. હ્યુસ્ટનના સ્ટેડિયમમાં ભારતીય ડાયસ્પોરાની સાઇઠ હજારથી વધુ લોકોની ઉપસ્થિતિમાં અનેરો ઉત્સાહ હતો. અનેક વાર મોદી-મોદીના નારાઓ તેમણે લગાવ્યા. મોદીની અમેરિકામાં ૨૦૧૪ પછી આ ચોથી મહારેલી હતી. ડાયસ્પોરા ભારતીયો માટે આ તમામ રેલીઓમાં આશ્વસ્ત થવાય એવી એક પણ જાહેરાત મોદીશાસને કરી નથી. ભારતીયોને વતનમાં પડતી બૅન્કિંગ તકલીફો, ઓવર-સ્ટે કરી ગયેલા ભારતીય મૂળના લોકોના પાસપોર્ટના રિન્યુઅલ્સ, તેમનાં ઓળખપત્રો મળે તેવી સુવિધા, બૅંકમાં ‘નો યૉર કસ્ટમર’ની વાર્ષિક પંચાત, નોટબંધી સમયે વિદેશી ભારતીયોની કરાયેલી અવગણના, મિલકતો સંબંધી કાર્યવાહી વગેરેને અનુલક્ષીને એક પણ મુદ્દે રાહત અપાઈ નથી. સરકારી ઍરલાઇન ઍર ઇન્ડિયાની જોહુકમી, લગેજમાં એક બૅગ જેવી બાબતો ભારતીયોને કનડે છે. સરેરાશ ત્રણસો ડૉલર ખર્ચીને પ્રત્યેક વ્યક્તિ આવી રેલીમાં ઉપસ્થિત રહે છે. આ ઉપરાંત વ્યાવસાયિકો અને અગ્રણીઓ પાસેથી ભંડોળ એકત્રિત કરાય છે. આ ખર્ચના કોઈ હિસાબકિતાબ રહેતા નથી. જૉની મેરા નામ ફિલ્મની જેમ ‘જૉની હર નયા કામ નયે નામસે કરતા હૈ’ની મથરાવટીથી દરેક પ્રસંગનાં કૉર્પોરેશન અલગ રજિસ્ટર્ડ કરાય છે અને તરત જ તેને તાળું પણ મારી દેવાય છે!

હાઉડી મોદીના હ્યુસ્ટનના કાર્યક્રમ બાદ યુનોમાં અપાયેલું ભાષણ વડનગરની પંચાયત બેઠકની પેટા ચૂંટણીના પ્રચાર પ્રવચન જેવું રહ્યું. સ્વચ્છતા અભિયાન, શૌચાલયોની કામગીરી, શાંતિદળોની કામગીરીમાં ભારતની અગ્રેસર રહેલી કામગીરી જેવી બાબતો અને વૈશ્વિક આતંકવાદ સામે સહુએ ભેગા મળીને લડી લેવાની બાબતો તેમના સત્તર મિનિટના ભાષણમાં વણી લીધી. પાકિસ્તાન, કાશ્મીર, માનવ-અધિકારો સામેની નુક્તેચીનીનો કોઈ મુદ્દા ઉઠાવવાની જરૂરત તેમને લાગી નહીં.

બીજી તરફ પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાને કાશ્મીરની વિસ્ફોટક પરિસ્થિતિને યુનોમાં અસરકારક રીતે ઉપસાવી. ભારત સાથે જો પરિસ્થિતિ વણસે, તો પાકિસ્તાન તાબે થવાના બદલે અણુશક્તિનો બેરૂખીથી ઉપયોગ કરશે અને એની જવાબદારી યુનોની રહેશે, એવી ધમકી બેબાક થઈને આપી. સામે ભારત સરકારના મહિલા-પ્રતિનિધિએ કાશ્મીર ભારતનો આંતરિક મામલો છે, તેવી પ્રમાણમાં અસરદાર દલીલો સાથે જવાબ આપ્યો. પરંતુ રાજકીય નેતૃત્વ આ જવાબ આપવામાં ચૂક્યું તે સહુએ અનુભવ્યું.

હ્યુસ્ટન તથા યુનો(ન્યુયૉર્ક)માં ભારતવિરોધી દેખાવો પણ થયા. માનવ અધિકાર ચળવળકારો ઉપરાંત કાશ્મીર, મુસ્લિમ અને ખાલિસ્તાનવાદી શીખોનાં જૂથોએ મોટી સંખ્યામાં દેખાવો કર્યા હતા. સામે ભારત તરફી લોકોએ પણ અસરકારક પ્રતિકાર કર્યો. મીડિયાએ આ દેખાવો કવર ન કર્યા, પરંતુ સોશિયલ મીડિયાએ આ ક્લીપ્સને વાઇરલ કરી.

ભારતીય સમુદાયને મોદીશાસનની વાહવાહ ગમે છે. અહો રૂપમ્‌, અહો ધ્વનિની પરાકાષ્ઠા અહીં જોવા મળે છે. પરંતુ ફૉર્બ્સ જેવાં સામયિકે મોદીને સુફિયાણી સલાહ આપી છે, ‘મોદીજી, થોડો સમય ઘરઆંગણે પણ વિતાવો! ભારતનું અર્થકારણ ડામાડોળ છે!’

ઉરાંગઉટાંગનો હાથ પકડી કેળાની લાલચમાં બુઢિયો વાંદરો કૂદકા મારીને મેદાનમાં ગોળગોળ ફરે, તેવા તમાશા કરવાથી તકલીફો આસાન થવાની નથી. અમેરિકાએ ભારત પર લાદેલા ટ્રેડવૉર ટૅક્સ કમરતોડ છે. મોદી તેમના મિત્રને એનો હરફ પણ કહી શકતા નથી. હજી આ ટૅક્સ વધારવાની ધમકી ટ્રમ્પ આપે છે. ઈરાન સાથેના સંબંધો કાપવાના આદેશ ભારતે હજી બોલે તે પહેલાં અમલી બનાવી દીધા. અબજો રૂપિયાનો બોજ ભારત વેંઢારી રહ્યું છે! કાશ્મીર મુદ્દે ચારથી વધુ વાર ટ્રમ્પ મધ્યસ્થીની વાત ફરીફરીને કરી રહ્યા છે. ક્યાંક તો કશું રંધાઈ રહ્યું છે. ભારતે સોઇ ઝાટકીને કહ્યું છે, ‘કાશ્મીર અમારો આંતરિક મામલો છે’. શા માટે ટ્રમ્પ આ પોપટરટણ કરે છે ? કોટની બાંય પકડીને કૂદકા માર્યા વગર, આંખમાં આંખ પરોવીને શા માટે ટ્રમ્પને અટકાવવાનું કહી શકાતું નથી?

ઘરઆંગણે પ્રવાસનું સમાપન કરીને પહોંચ્યા બાદ હજારોની મેદનીને ઉપસ્થિત રાખી લાલ જાજમ બિછાવીને ‘હીરો’નું સ્વાગત કરવાની રસમ નવી જ ઊભી કરાઈ છે. અગાઉ વિદેશમંત્રી સ્વ. સુષ્મા સ્વરાજને પ્રોટોકોલ વિરુદ્ધ, ઘરવાપસી વખતે ઍરપોર્ટ પર પુષ્પગુચ્છ લઈને સ્વાગત માટે ઊભાં રાખવાની ફરજ પડાતી હતી. પણ, મોદીની મોટા ભાગની વિદેશયાત્રાઓ, ઘોઘે જઈ ડેલીએ હાથ દઈને આવ્યા હોય તેવી રહી છે!

‘મોદી હૈ તો કુછ ભી મુમકીન હૈ!’              

ન્યૂ જર્સી

E-mail : kaushikamin@hotmail.com

[ન્યૂ જર્સીથી પ્રકાશિત થતાં ‘ગુજરાત દર્પણ’ના સપ્ટેમ્બર ૨૦૧૯ના અંકમાંથી સાભાર]

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ઑક્ટોબર 2019; પૃ. 03-04

Loading

15 October 2019 admin
← Gandhi Anniversary: An Occasion to Gain legitimacy for Some
પોલીસ શું વિચારે છે અને કેમ વર્તે છે ? →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved