Opinion Magazine
Number of visits: 9454821
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી — 14

દીપક મહેતા|Opinion - Opinion|13 October 2019

૧૯૪૨ના એ યાદગાર દિવસો

જ્યારે આખા દેશે મુંબઈથી ગાંધીજીની

હાકલ સાંભળી: ક્વિટ ઇન્ડિયા – કરેંગે યા મરેંગે

માત્ર મુંબઈના ઇતિહાસમાં જ નહિ, આખા દેશના ઇતિહાસમાં વીસમી સદીની ત્રણ તારીખો અત્યંત મહત્ત્વની બની ગઈ – ગાંધીજીને લીધે. ૧૯૧૫મા દક્ષિણ આફ્રિકાથી પાછા આવીને ગાંધીજી જાન્યુઆરીની ૯મી તારીખે મુંબઈના એપોલો બંદરે ઉતર્યા એ પહેલી તારીખ. ૧૯૩૧ના ઓગસ્ટની ૨૯મી તારીખે ગાંધીજી બીજી ગોળમેજી પરિષદમાં ભાગ લેવા ગ્રેટ બ્રિટન ગયા તે બીજી મહત્ત્વની તારીખ. અને ત્રીજી મહત્ત્વની તારીખ તે ૧૯૪૨ના ઓગસ્ટની ૯મી તારીખ. ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી પાછા આવ્યા એ પછી બરાબર ૨૭ વર્ષ અને સાત મહિને તેમણે અંગ્રેજ સરકાને ‘ભારત છોડો’ – ક્વિટ ઇન્ડિયા – નો આદેશ આપ્યો અને દેશવાસીઓને ‘કરેંગે યા મરેંગે’નો સંદેશ આપ્યો. અને પહેલી બે ઘટનાઓની જેમ આ ત્રીજી ઘટના પણ બની મુંબઈમાં.

૧૯૪૨ન ઓગસ્ટની ત્રીજી તારીખે ગાંધીજી મુંબઈ આવી બિરલા હાઉસમાં રહ્યા. તારીખ ૪,૫, ૬,ના રોજ કૉન્ગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળી, બિરલા હાઉસમાં જ. પાંચમી તારીખે તો સવારે ત્રણ કલાક અને સાંજે ત્રણ કલાક તેની બેઠક ચાલી. આ બેઠક શરૂ થતાં પહેલાં જ કેટલાક મતભેદોને કારણે ચક્રવર્તી રાજગોપાલચારી, ખાનસાહેબ, અને ભુલાભાઈ દેસાઈ રાજીનામાં આપી કૉન્ગ્રેસમાંથી છૂટા થયા હતા. સામ્યવાદીઓ, મુસ્લિમ લીગ, હિંદુ મહાસભા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, અને કેટલાંક દેશી રાજ્યોએ કૉન્ગ્રેસના ઠરાવનો વિરોધ કર્યો હતો, અને તેઓ ‘ક્વિટ ઇન્ડિયા’ ચળવળથી અળગા રહ્યા હતા. આ બેઠકમાં ગાંધીજીએ લગભગ એક કલાકના ભાષણમાં કૉન્ગ્રેસ પર મુકાયેલા આરોપોનો જવાબ આપ્યો.

૮ ઓગસ્ટની સાંજે અધિવેશનમાં ગાંધીજી

૧૯૪૨ના કોંગ્રેસ અધિવેશનમાં નેહરુ અને ગાંધીજી

ત્યાર બાદ ઓગસ્ટની ૭ અને ૮ તારીખે ઓલ ઇન્ડિયા કૉન્ગ્રેસ કમિટીનું અધિવેશન મળ્યું હતું. તેને માટે ગોવાલિયા ટેન્ક મેદાન પર ખાસ મંડપ બાંધ્યો હતો. ૧૮૮૫માં જે ગોકુલદાસ તેજપાલ પાઠશાળામાં કૉન્ગ્રેસનો જન્મ થયો તેની નજીક જ આ મંડપ બાંધ્યો હતો. પ્રમુખસ્થાને હતા અબુલ કલામ આઝાદ. આ અધિવેશન અંગેની તૈયારીનો બધો ભાર પછીથી જે મુંબઈના બેતાજ બાદશાહ તરીકે ઓળખાયા તે સદોબા પાટિલે (૧૮૯૮-૧૯૮૧) ઉપાડ્યો હતો. ૭મી ઓગસ્ટે લગભગ ૧૦ હજાર માણસોએ અધિવેશનમાં હાજરી આપી હતી. તેના કરતાં વધુ માણસો મંડપમાં સમાઈ શકે તેમ નહોતું, એટલે બીજા પાંચ હજાર લોકોએ બધાં ભાષણ મંડપની બહાર ઊભા રહીને સાંભળ્યાં હતાં. સાંજ સુધીમાં આ સંખ્યા વધીને ૧૦ હજારે પહોંચી હતી તેમ સી.આઈ.ડી.ના અહેવાલમાં જણાવ્યું હતું. આ લોકો માટે ખાસ લાઉડ સ્પીકરની વ્યવસ્થા કરવામાં આવી હતી.

સદોબા પાટિલ

આ બેઠકમાં દેશની આઝાદી માટે છેવટની લડાઈ – અહિંસક લડાઈ – લડવા માટે તૈયાર રહેવા દેશવાસીઓને હાકલ કરવામાં આવી અને ગાંધીજીએ ‘કરેંગે યા મરેંગે’નો મંત્ર આપ્યો. બીજી બાજુ અંગ્રેજોને ‘ક્વિટ ઈન્ડિયા’નો આદેશ અપાયો. આ લડતની સરદારી લેવા માટે ગાંધીજીને વિનંતી કરવામાં આવી. આ અંગેનો ઠરાવ પંડિત જવાહરલાલ નેહરુએ રજૂ કર્યો હતો અને સરદાર પટેલે તેને ટેકો આપ્યો હતો. જો કે આ ઠરાવ સર્વાનુમતે પસાર થયો નહોતો. ૧૩ મત તેની વિરુદ્ધમાં પડ્યા હતા. ઠરાવ પસાર થયા પછી ગાંધીજીએ ભાષણ કર્યું હતું. સીતારામૈયાએ પછીથી નોંધ્યું છે કે એ ભાષણ કરતી વખતે ગાંધીજી પ્રોફેટ જેવા જણાતા હતા. તેમના શબ્દોમાં અગ્નિ હતો, પણ બાળનારો નહિ, પાવન કરનારો. એક અખબારને આપેલી મુલાકાતમાં ગાંધીજીએ કહ્યું હતું કે આ પૃથ્વી પર મારે કોઈ દુશ્મન નથી – અંગ્રેજો પણ નહિ જ. હું વિરોધ કરું છું તે તેમના શાસનનો. બેઠકને અંતે જાહેર કરવામાં આવ્યું કે રવિવાર તારીખ ૯મી ઓગસ્ટની સવારે અધિવેશનના સ્થળે ધ્વજ વંદન સાથે લડતનો આરંભ થશે.

પણ ૯મી ઓગસ્ટની સવાર પડે તે પહેલાં લગભગ આખી રાત મુંબઈના પોલીસ કમિશનરની કચેરીમાં ચહલપહલ ચાલુ રહી હતી. ૯મીની સવારે બરાબર પાંચ વાગે બિરલા હાઉસની બહાર પોલીસની ગાડી આવીને ઊભી રહી. તેમાંથી ઊતર્યા મુંબઈના પોલીસ કમિશનર હેરોલ્ડ એડવિન બટલર અને બીજા બે પોલીસ અધિકારીઓ. મહાદેવભાઈ દેસાઈએ તેમને આવકાર્યા. પોલીસ કમિશ્નરે તેમને કહ્યું કે ગાંધીજી, મીરાંબહેન, અને તમારી ધરપકડ કરવાનું વોરંટ લઈને આવ્યો છું. પછી ઉમેર્યું કે કસ્તૂરબા અને પ્યારેલાલની ધરપકડ કરવાનો હુકમ નથી, પણ જો તેમની ઈચ્છા હોય તો તેઓ ગાંધીજીની સાથે પોલીસ સ્ટેશન આવી શકે છે. પણ એ બન્નેએ બિરલા હાઉસમાં જ રહેવાનું પસંદ કર્યું. મહાદેવભાઈએ પૂછ્યું કે અમારે કેટલા વખતમાં તમારી સાથે આવવા નીકળવાનું છે? જવાબ મળ્યો : તમારી પાસે અડધો કલાક છે. પછી ગાંધીજીએ રોજની જેમ બકરીનું દૂધ અને ફ્રૂટ જ્યુસનો નાસ્તો કર્યો. પછી બિરલા હાઉસમાં હાજર હતા તે બધાએ સાથે મળીને ‘વૈષ્ણવ જન તો તેને રે કહીએ’ ગાયું. પછી પવિત્ર કુરાનનો પાઠ થયો. પછી પોતાની થોડીક અંગત જરૂરિયાતની વસ્તુઓ, ભગવદ્ગીતા અને કુરાનની નકલો, આશ્રમ ભજનાવલીની નકલ અને પોતાનો ચરખો – એટલી વસ્તુઓ સાથે લઈને ગાંધીજી બિરલા હાઉસથી પોલીસ કમિશનર સાથે રવાના થયા.

૧૯૪૨ની સ્મૃતિમાં બહાર પડેલી ટપાલ ટિકિટ

ક્વિટ ઇન્ડિયાની સ્મૃતિમાં ૧૯૯૨માં બહાર પડેલ સિક્કો

ખાનગી અહેવાલો પ્રમાણે ગાંધીજી અને બીજાઓની ધરપકડ થવાની છે એવા સમાચાર ગાંધીજી અને તેમના સાથીઓને દિલ્હીથી અગાઉથી જ મળી ગયા હતા, અને એટલે તેઓ ધરપકડ માટે તૈયાર હતા. ગાંધીજી અને તેમની સાથેના કેદીઓને વિક્ટોરિયા ટર્મિનસ (આજનું છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ) લઇ જવામાં આવ્યા. કૉન્ગ્રેસના બીજા પણ ઘણા આગેવાનોની ધરપકડ કરીને તેમને પણ વી.ટી. સ્ટેશને લાવવામાં આવ્યા હતા. ગાંધીજી અને બીજા કેટલાક મહત્ત્વના નેતાઓને પૂનાની યરવડા જેલમાં લઈ જવામાં આવ્યા, અને બીજાઓને અહમદનગરની જેલમાં. ૯મીની સવારે ગોવાલિયા ટેન્ક મેદાન પર ધ્વજ વંદન કરી શકે એવો કોઈ મોટો નેતા જેલની બહાર રહ્યો હતો નહિ. પણ ત્યાં તો વીજળીની ઝડપે ૩૩ વરસની એક યુવતી ઝડપથી દોડીને ધ્વજસ્તંભ સુધી પહોંચી ગઈ અને આંખનાં પલકારામાં ઝંડો ફરકાવી દીધો, અને પછી તરત ત્યાંથી અલોપ થઇને ભૂગર્ભમાં ચાલી ગઈ. એ યુવતી તે અરુણા અસફઅલી. તેની ધરપકડ માટે બ્રિટિશ સરકારે પાંચ હજાર રૂપિયાનું ઇનામ જાહેર કર્યું, પણ સરકાર તેને પકડવામાં સફળ થઇ નહિ. સ્વેચ્છાએ આત્મસમર્પણ કરવાની તેને ગાંધીજીએ આપેલી સલાહ અરુણાએ સ્વીકારી નહિ. ૧૯૪૬માં તેની સામેનું વોરંટ રદ થયા પછી જ તેઓ ભૂગર્ભમાંથી બહાર આવ્યાં.

અરુણા અસફ અલી યુવાન વયે

અરુણા અસફઅલી ધ્વજ ફરકાવીને અલોપ થઇ ગયા પછી સરકારી દમનનો કોરડો વિંઝાયો. પોલીસે મંડપ સીલ કરીને તેનો કબજો લીધો. મોટી માનવ મેદની પર પહેલાં લાઠી ચાર્જ કર્યો, અને પછી ટિયર ગેસ વાપર્યો અને કરફ્યુ જાહેર કર્યો. ગાંધીજીની સાથે કસ્તૂરબા અને પ્યારેલાલને પકડવામાં આવ્યાં નહોતાં, પણ ૯મીની બપોરે શિવાજી પાર્કમાં યોજાયેલી એક સભામાં જવા તેઓ નીકળ્યાં ત્યારે તેમની ધરપડ કરીને ગાંધીજી પાસે પૂના મોકલી દેવામાં આવ્યાં. કૉન્ગ્રેસના લગભગ બધા મહત્ત્વના નેતાઓ જેલમાં હતા છતાં લોકોએ પોતાની મેળે લડત શરૂ કરી દીધી. ઠેર ઠેર સભા, સરઘસ, હડતાલ શરૂ થઈ ગયાં. લાઠી ચાર્જ અને ટિયર ગેસથી પરિસ્થિતિ કાબૂમાં ન આવી એટલે પોલીસે ગોળીબાર શરૂ કર્યા. તેમાં ૮ જણા માર્યા ગયા અને ૧૬૯ ઘવાયા. એટલે લોકોએ પોસ્ટ ઓફિસ, પોલિસ ચોકી, રેલવે સ્ટેશન જેવી સરકારી ઈમારતોને આગ ચાંપવાનું શરૂ કર્યું. ધરપકડ પહેલાં ગાંધીજીએ કહ્યું હતું કે આજે જે કોઈ દેશવાસી આઝાદી ઈચ્છે છે તે કૉન્ગ્રેસી છે, અને દરેક કૉન્ગ્રેસી પોતાનો ‘લીડર’ છે. એટલે લોકોએ જ આ લડત ચલાવવાની છે. આ લડત કઈ રીતે ચલાવવી તે અંગે પણ ગાંધીજીએ જણાવ્યું હતું. લગભગ બે અઠવાડિયાં સુધી સ્કૂલ-કોલેજ અને ઘણાંખરાં બજારો બંધ રહ્યાં. સાથોસાથ હિંસાનું તત્ત્વ પણ લડતમાં ઉમેરાયું. બીજી ઓક્ટોબરથી એક અઠવાડિયા સુધી ‘ગાંધી સપ્તાહ’ ઉજવવાનું નક્કી થયું અને રોજેરોજ માટેનો કાર્યક્રમ જાહેર થયો. તેમાં હડતાલ, પ્રાર્થના, ધ્વજવંદન, પ્રભાત ફેરી, કાંતણ, વગેરેનો સમાવેશ થતો હતો. લડતને દોરવણી આપવાનું કામ ભૂગર્ભ પત્રિકાઓ અને ભૂગર્ભ રેડિયો દ્વારા થતું હતું. જો કે ૧૨મી નવેમ્બરે તે ચલાવતા ઉષાબહેન મહેતા, ચંદ્રકાન્ત ઝવેરી, અને બીજા કેટલાક પકડાયા અને તેમને લાંબી જેલની સજા થઇ.

વર્ષો પછી અરુણા અસફઅલીએ કહ્યું હતું કે ૧૯૪૨માં’ લોકોના પુણ્યપ્રકોપનો જે જ્વાલામુખી ફાટ્યો હતો તેની હું તો એક નાનકડી ચિનગારી માત્ર હતી.’ આમ, જે જ્વાળામુખી મુંબઈમાં ફાટ્યો તેના લાવા રસનો પ્રવાહ પછી તો અખા દેશમાં ફેલાયો.

સ્વતંત્રતા સૌ કોઈ માટે હશે અને એક સરખી હશે

આજના જેવો પ્રસંગ હર કોઈની જિંદગીમાં આવતો નથી. આજે હું જે કાંઈ કહી અને કરી રહ્યો છું તેમાં શુદ્ધતમ અહિંસા સિવાય બીજું કશું નથી એટલું તમે સૌ જાણો અને અનુભવો એમ હું ઈચ્છું છું. વર્કિંગ કમિટી પાસે ઠરાવનો જે ખરડો રજૂ કરવામાં આવ્યો છે તેનો આધાર અહિંસા છે, અને તેમાં જે લડતની વાત છે તેનાં મૂળ પણ અહિંસામાં જ રહેલાં છે. એટલે તમારામાંથી જેમને અહિંસામાં શ્રદ્ધા ન હોય, અથવા જે અહિંસાની વાતથી થાક્યા હોય, તેમને હું કહીશ કે આ ઠરાવની તરફેણમાં મત ન આપશો. મારી વાત જરા વિગતે સમજાવું. ઈશ્વરે મને અહિંસારૂપી અણમોલ શસ્ત્ર ભેટ આપ્યું છે. આજે મારી અને મારી અહિંસાની કસોટી છે … આપણી લડત સત્તા માટેની નથી, પણ હિન્દુસ્તાનની આઝાદી માટેની સંપૂર્ણપણે અહિંસક લડત છે. હિંસક ક્રાંતિ પછી ઘણી વાર કોઈ સફળ નેતા આપખુદશાહી શાસન સ્થાપી દે છે. પણ કૉન્ગ્રેસનો કાર્યક્રમ, જે મૂળભૂત રીતે અહિંસક છે, તેમાં આપખુદશાહીને તો અવકાશ જ નથી. આઝાદી માટેનો અહિંસક સેનાની પોતાને માટે કશું મેળવવાનો તો પ્રયત્ન પણ ન કરે. એ લડી રહ્યો છે તે તો દેશની આઝાદી માટે. આઝાદી મળ્યા પછી કોનું રાજ્ય હશે એ અંગે કૉન્ગ્રેસને કશી જ ચિંતા નથી. જ્યારે પણ આઝાદી આવશે ત્યારે ખરી સત્તા તો લોકોના હાથમાં હશે. અને રાજકારભાર કોને સોંપવો તે લોકો જ નક્કી કરશે. દાખલા તરીકે સત્તાની લગામ પારસીઓના હાથમાં સોંપાય એવું પણ બને. આવું બને તો તે મને બહુ જ ગમે. કે પછી કૉન્ગ્રેસમાં જેનું કોઈએ નામ પણ ન સાંભળ્યું હોય તેવા કોઈના હાથમાં પણ સત્તા સોંપાય. ત્યારે આ તો એક સાવ નાનકડું જૂથ છે, કે આ પક્ષે તો આઝાદી માટેની લડતમાં ભાગ જ નહોતો લીધો – તો એને સત્તા કેમ સોંપી શકાય એવો વાંધો કૉન્ગ્રેસ ઉઠાવી શકે નહિ. લોકશાહી અંગેની મારી જે કલ્પના છે તેમાં, અહિંસા પર આધારિત લોકશાહીમાં, સ્વતંત્રતા સૌ કોઈ માટે હશે, અને એક સરખી હશે. દરેક વ્યક્તિ પોતાની માલિક હશે. આવી લોકશાહી માટેની લડતમાં જોડાવા માટે આજે હું તમને સૌને આમંત્રણ આપું છું.

— મહાત્મા ગાંધી, ૮ ઓગસ્ટ ૧૯૪૨ના રોજ કરેલા પ્રવચનમાં

(અંગ્રેજી પરથી મુક્ત અનુવાદ)

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 12 ઓક્ટોબર 2019

Loading

13 October 2019 admin
← દક્ષિણ આફ્રિકાના વસવાટ દરમિયાન પત્રકારોએ લીધેલી ગાંધીજીની મુલાકાતો (૧૮૯૩-૧૯૧૪)
વિદ્યાગુરુ ધીરુભાઈ ઠાકર →

Search by

Opinion

  • વિશ્વ શાંતિ દિવસે અશાંત અરાજકતા તરફ એક નજર 
  • હકાલપટ્ટી
  • GEN-Z
  • સોક્રેટિસ ઉવાચ – ૧૧
  • પન્ના કી તમન્ના હૈ કી હીરા મુજે મિલ જાયે …  અપની જગહ સે કૈસે પરબત હિલ જાયે?

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved