છેલ્લો કટોરો ઝેરનો પીવા માટે
૧૯૩૧માં ગાંધીજીની દરિયાઈ મુસાફરી
મુંબઈ ટુ લંડન વાયા રાણપુર!
મુંબઈથી લંડન જવા માટે જે જમાનામાં બીજી કોઈ સગવડ નહોતી, ત્યારે ગાંધીજી આગબોટનો ઉપયોગ કરે એ તો સમજાય, પણ રાણપુર એ તો કાઠિયાવાડનું એક નાનકડું ગામ. બંદર પણ નહિ.. તો ગાંધીજી વાયા રાણપુર કઈ રીતે જઈ શકે? પણ એવું બન્યું હતું. કઈ રીતે બન્યું એ જાણવા આગળ વાંચો.
૧૯૧૫માં ગાંધીજી મુંબઈના એપોલો બંદરે ઉતર્યા એ ઘટના જેમ હિન્દુસ્તાનના ઇતિહાસમાં મહત્ત્વની બની ગઈ, તેમ ૧૯૩૧માં ગાંધીજી મુંબઈથી ઇંગ્લંડ જવા રવાના થયા એ ઘટના પણ મહત્ત્વની બની ગઈ. અને એ ઘટના અંગે લખાયેલું એક ગીત ગુજરાતી કાવ્યસાહિત્યમાં અનોખું સ્થાન ધરાવતું થઇ ગયું. આજે એ ઘટના વિષે અને એ ગીત વિષે થોડી વાત. બીજી ગોળમેજી પરિષદમાં ભાગ લેવા માટે ૧૯૩૧ના ઓગસ્ટની ૨૯મી તારીખે ગાંધીજી મુંબઈથી એસ.એસ. રાજપૂતાના નામની સ્ટીમરમાં બેઠા. આ પરિષદમાં ભાગ લેવા જવાનું લગભગ છેલ્લી ઘડીએ નક્કી થયું હતું. વાટાઘાટ માટે સિમલા આવવાનું વાઈસરોયે તારથી આમંત્રણ આપ્યું ત્યારે ગાંધીજી અમદાવાદ હતા. ‘આવું છું’ એમ તારથી જણાવી ગાંધીજી અમદાવાદથી સિમલા ગયા.
૨૫મી ઓગસ્ટની સવારે વલ્લભભાઈ પટેલ, સર પ્રભાશંકર પટ્ટણી, એમ.એ. અન્સારી અને પંડિત જવાહરલાલ નેહરુ સાથે ગાંધીજી સિમલા પહોંચ્યા અને સર હર્બર્ટ ડબલ્યુ. એમર્સનને મળ્યા. એમર્સન બ્રિટિશ સિવિલ સર્વન્ટ હતા અને બ્રિટિશ સરકાર અને ગાંધીજી વચ્ચેની વાટાઘાટોમાં વચેટિયા તરીકે કામ કરતા હતા. તેમની સાથે ચર્ચા કર્યા પછી બીજે દિવસે સવારે આ સૌ વાઈસરોય અર્લ ઓફ વિલિન્ગડનને મળ્યા. એ મિટિંગ ત્રણ કલાક ચાલી. ત્યાર બાદ એક જાહેરનામું જારી કરવામાં આવ્યું (જે ‘નવા કરાર’ તરીકે ઓળખાય છે) જેમાં જણાવવામાં આવ્યું કે બીજી ગોળમેજી પરિષદમાં ગાંધીજી કૉન્ગ્રેસના એકમાત્ર પ્રતિનિધિ તરીકે હાજર રહેશે.
આ જાહેરનામા પર ૨૭મી તારીખે સહીસિક્કા થયા અને ૨૮મીએ તે બહાર પાડવામાં આવ્યું. પણ લંડન જવા માટેની સ્ટીમર ૨૯મી તારીખે મુંબઈથી ઉપડવાની હતી. ગાંધીજી સમયસર મુંબઈ પહોંચી શકે એ માટે વાઈસરોયે સિમલાથી કાલકા સુધી ખાસ ટ્રેનની સગવડ કરી. ૨૯મી તારીખે ગાંધીજી મુંબઈ પહોંચ્યા. મુસાફરીની સગવડ તો થઇ, પણ બીજી એક મુશ્કેલી હતી. ગાંધીજી પાસે પાસપોર્ટ જ નહોતો. એટલે ૨૭મીએ હોમ ડિપાર્ટમેન્ટે સિમલાથી મુંબઈના પોલીસ કમિશનરને તાર કર્યો કે ગાંધી ૨૯મીએ મુંબઈ પહોંચે તે વખતે તેમને ખાસ પાસપોર્ટ મળી જાય તેવી વ્યવસ્થા કરશો. એટલે ગાંધીજી મુંબઈ પહોંચ્યા ત્યારે તેમના હાથમાં પાસપોર્ટ મૂકવામાં આવ્યો. પાસપોર્ટનું કામ ખૂબ ઉતાવળે કરવું પડ્યું હતું તેથી તેમાં ગાંધીજીના જન્મનું વર્ષ ભૂલથી ૧૮૭૦ લખાયું છે. તારીખ અને મહિનો તો લખ્યાં જ નથી.
છેલ્લી ઘડીએ તૈયાર થયેલો ગાંધીજીનો પાસપોર્ટ
સિમલાથી નીકળતાં પહેલાં ગાંધીજીએ ઘનશ્યામદસ બિરલાને તાર કર્યો હતો : “અમારે માટે પાંચ ટિકિટ સૌથી નીચેના વર્ગની લેજો.” પણ એસ.એસ. રાજપૂતાના પર બે જ વર્ગ હતા: પહેલો અને બીજો. એટલે ન છૂટકે ગાંધીજી અને તેમના સાથીઓએ બીજા વર્ગમાં મુસાફરી કરવી પડી.
એસ.એસ. રાજપૂતાના પર ગાંધીજી
ગાંધીજીએ જે સ્ટીમર પર પ્રવાસ કર્યો તેનો ય નાનકડો પણ રસપ્રદ ઇતિહાસ છે. પી. એન્ડ ઓ. સ્ટીમ નેવિગેશન કંપની માટે હાર્લેન્ડ એન્ડ વોલ્ફ ગ્રીનોક નામની કંપનીએ ૧૯૨૫માં આ સ્ટીમર બાંધી હતી. ૧૬,૫૬૮ ગ્રોસ ટન વજનની આ સ્ટીમર ૫૪૭ ફૂટ લાંબી અને ૭૧ ફૂટ પહોળી હતી. તેમાં પહેલા વર્ગના ૩૦૭ અને બીજા વર્ગના ૨૮૮ મુસાફરોની સગવડ હતી. કંપની હિન્દુસ્તાન અને ગ્રેટ બ્રિટનના રૂટ પર જ આ સ્ટીમર વાપરતી. બીજું વિશ્વયુદ્ધ શરૂ થયા પછી ૧૯૩૯ના સપ્ટેમ્બરની ચોથી તારીખે બીજી ઘણી ઉતારુ સ્ટીમરોની જેમ આ સ્ટીમર પણ લડાઈ માટે રોયલ નેવીએ હસ્તગત કરી લીધી એટલે તે એચ.એમ.એસ. રાજપૂતાના બની. પહેલા વિશ્વયુદ્ધ પહેલાંની આઠ જરીપુરાણી તોપ તેના પર બેસાડવામાં આવી. દરેક તોપ ફક્ત છ ઇંચના વ્યાસવાળી હતી. ૧૯૩૯ના ડિસેમ્બરથી આ સ્ટીમર વેપારી સ્ટીમરોના કાફલા સાથે જતી વળાવિયા સ્ટીમર તરીકે કામ કરતી થઇ. અમેરિકા, વેસ્ટ ઇન્ડીઝ, બર્મ્યુડા, નોર્થ એટલાંટિક વગેરેના દરિયાઈ વિસ્તારોમાં તેણે ફરજ બજાવી. પણ ૧૯૪૧ના એપ્રિલની ૧૩મી તારીખે સવારે પાંચ વાગ્યાના સુમારે જર્મનીની યુ-૧૦૮ પ્રકારની સબમરીને બે ટોર્પીડો વડે રાજપૂતાના પર હુમલો કર્યો. સ્ટીમરના એન્જિન રૂમનો કચ્ચરઘાણ નીકળી ગયો. સાત ખલાસીઓ તત્કાળ મૃત્યુ પામ્યા. સ્ટીમર ખોટકાઈને દરિયાનાં પાણીમાં ફસાઈ ગઈ. ગવર્નિંગ ઓફિસરે બધી તોપો વડે ચારે દિશામાં ગોળા વરસાવવાનો હુકમ આપ્યો. આટલી જરીપુરાણી તોપો વડે આટલા નાના ગોળા છોડવાનો કશો અર્થ નહોતો, પણ દુશ્મનનો સામનો કર્યા વગર મરવું નહિ, એટલે સૈનિક-ખલાસીઓએ એ આદેશનું પાલન કર્યું. પછી સ્ટીમર ધીમે ધીમે ડૂબવા લાગી. હુમલાના દોઢ કલાક પછી તેનો ઘણોખરો ભાગ પાણીની નીચે હતો. ત્યારે સ્ટીમર પરના સૌને સ્ટીમરનો ત્યાગ કરવાનો હુકમ અપાયો. ૨૮૩ ખલાસીઓ મહામહેનતે બચી ગયા. પણ કેપ્ટન કમાન્ડર સી.ટી.ઓ. રિચર્ડસન અને બીજા ૪૨ ખલાસીઓએ સ્વેચ્છાએ જળસમાધિ લીધી. અને આમ શાંતિદૂત ગાંધીજીએ જે સ્ટીમર પર પ્રવાસ કર્યો હતો તે યુદ્ધનો ભોગ બનીને નાશ પામી.
એસ.એસ. રાજપૂતાના
નાઉ ઓવર તું રાણપુર ઇન કાઠિયાવાડ. અમૃતલાલ શેઠ ત્યાંથી ‘સૌરાષ્ટ્ર’ નામનું સાપ્તાહિક ચલાવતા. પછીથી જેમને રાષ્ટ્રીય શાયરનું બિરુદ મળ્યું તે કવિ ઝવેરચંદ મેઘાણી ‘સૌરાષ્ટ્ર’માં કામ કરે. એ વખતે છાપવા માટે આજના જેવાં ઝડપી મશીનો નહોતાં. આઠ કે સોળ પાનાંનો એક એક ફર્મો છપાતો અને પછી બધા ફર્મા ભેગા કરી અંક તૈયાર થતો. લગભગ બધાં અખબાર-સામાયિક આ જ રીતે છપાતાં. ‘સૌરાષ્ટ્ર’નો પહેલો ફર્મો દર ગુરુવારે સાંજે છાપવા માટે મશીન પર ચડતો. તે પહેલાંના કલાકમાં મેઘાણીએ ગીત લખ્યું: ‘છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બંધુ.’ લખ્યા પછી તરત અમૃતલાલ શેઠને બતાવ્યું. તેમને તે ખૂબ ગમ્યું, પણ તેમણે એક સુધારો સૂચવ્યો: ‘બંધુ’ને બદલે ‘બાપુ’ કરો. મેઘાણીએ તરત સૂચન સ્વીકારીને ફેરફાર કર્યા. અમૃતલાલ શેઠે તાબડતોબ જાડા આર્ટ કાર્ડ પર ગીતની નકલો છપાવી અને તે જ દિવસે મુંબઈ મોકલી. એક-બે નકલ ગાંધીજીને પહોંચાડવી અને બાકીની ગાંધીજીને વિદાય આપવા બંદર પર આવેલા લોકોમાં વહેંચવી એવી ખાસ તાકીદ કરી. એ રીતે ગાંધીજી માટેની નકલ તેમના વતી મહાદેવભાઈ દેસાઈએ સ્વીકારી. બંદર પર નકલો વહેંચી ત્યારે થોડુંક ન ધારેલું બન્યું. મેઘાણીના જ શબ્દોમાં જોઈએ: “બંદર પર આ વહેચાયું ત્યારે રમૂજી ઇતિહાસ બની ગયો. ‘ઝેર’ ‘કટોરો’ વગેરે રૂપકો પરથી કેટલીક પારસી બહેનોને આ ક્રૂર કટાક્ષ-ગીત લાગ્યું. એમનાં હૃદયો દુભાયાં. એક ગુજરાતી બહેને ભાવ સ્પષ્ટ કર્યો ત્યારે પેલાં બહેનોનાં હૃદય આનંદિત બની ઊઠ્યાં.”
ગાંધીજીએ મુસાફરી શરૂ કરી તે પહેલાં તેમના પર ઢગલાબંધ કાગળ અને તાર આવ્યા હતા. સ્ટીમર ઉપડ્યા પછી તે બધા વાંચવાનું તેમણે શરૂ કર્યું. તેમાં આ ગીત ગાંધીજીના હાથમાં આવ્યું. આખું વાંચી ગયા પછી ગાંધીજીએ મહાદેવભાઈ અને મીરાંબહેનને કહ્યું: “મારી સ્થિતિનું આમાં જે વર્ણન થયું છે તે તદ્દન સાચું છે. કવિએ તો એનું આખું હૃદય એમાં ઠાલવ્યું છે.” ગાંધીજીના આ શબ્દો મહાદેવભાઈએ તેમની ડાયરીમાં નોંધ્યા છે. મહાદેવભાઈ જ્યારે એમની ડાયરી લખતા હતા, ત્યારે ભવિષ્યમાં એ પ્રગટ થશે એવો ખ્યાલ એમને ન જ હોય. પણ ૨૯ ઓગસ્ટ ૧૯૩૧ના દિવસે જ તેમણે પોતાની ડાયરીમાં ‘છેલ્લો કટોરો’ કાવ્યનું છાપેલાં ચાર પાનાં (મહાદેવભાઈની ડાયરી, ભાગ ૧૫, પાનાં ૪-૭) જેટલું વિસ્તૃત વિવરણ કે રસદર્શન લખ્યું છે. એટલે આ કાવ્ય એમને પણ ખૂબ સ્પર્શી ગયું હશે. મહાદેવભાઈ લખે છે: “મેઘાણીના કાવ્યને વાંચતાં તો જાણે મેઘાણીનો આત્મા ગાંધીજીના છેલ્લા પંદર દિવસનો સતત સાક્ષી રહ્યો હોય એમ પ્રતીત થાય છે. ૧૧મી ઓગસ્ટે હોટસન સાહેબનો કાગળ આવ્યો ત્યારથી માંડીને તે ૨૭મીએ સિમલાથી નીકળ્યા ત્યાં સુધીનું દરેક પગલું જાણે મેઘાણીજીએ ક્યાંક છુપાઈને – પેલી આપણી પ્રાચીન વાર્તાઓનો અંધાર પછેડો ઓઢીને – જોયા કીધું હોય એમ લાગે છે … છેલ્લા પંદર દિવસના કડવા ઘૂંટડાનો કટોરો હજી પૂરો થયો નહિ હોય તેમ વિલાયત એ પૂરો કરવાને માટે જતા હોય એ કવિની ભવ્ય કલ્પના હૃદય સોંસરી ચાલી જાય છે.”
મહાદેવભાઈની વાતનું મહત્ત્વ સમજવા માટે એ દિવસોનો ઘટનાક્રમ જરા વિગતે જોઈએ. કાલકાથી મુંબઈ ટ્રેનમાં આવતાં રસ્તામાં ગાંધીજીએ ‘બોમ્બે ક્રોનિકલ’ના પ્રતિનિધિને ખાસ મુલાકાત આપી. “ગોળમેજી પરિષદનાં પરિણામો વિષે આપ આશાવાદી છો?” એવા સવાલના જવાબમાં ગાંધીજીએ કહેલું: “જો મારે આજની સ્થિતિ જોઇને ભવિષ્યનો ખ્યાલ કરવાનો હોય તો કહીશ કે ‘ના.’ પણ હું જન્મથી જ આશાવાદી હોઈને મેં કદી અભેદ્ય અંધકારમાં આશા ગુમાવી નથી.” ગાંધીજી ૨૯મીની સવારે મુંબઈ આવ્યા. પછી આઝાદ મેદાન પર જાહેર સભામાં ભાષણ કર્યું હતું. તેમાં કહ્યું હતું: “સામાન્ય સંજોગોમાં જો તમારો વિશ્વાસ ન હોત તો મેં લંડન જવાની ના પાડી હોત. પણ તમારો વિશ્વાસ મને બળ આપશે. મને મારી ઊણપો અને નબળાઈઓની પૂરેપૂરી ખબર છે. પણ સત્ય અને અહિંસા મારા માર્ગદર્શક સિદ્ધાંતો રહેશે અને હું આશા રાખું છું કે મારા લંડનના કાર્યમાં એ સોળે કળાએ પ્રગટ થશે.”
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી
મણિભવનથી લખેલા એક પત્રમાં પણ ગાંધીજીએ લખ્યું હતું કે ક્ષિતિજ તો હોઈ શકે એટલી ધૂંધળી છે. પણ ઈશ્વરને એકમાત્ર ભોમિયા તરીકે રાખીને મારે લંડન તો જવું જ રહ્યું.” એસ.એસ. રાજપૂતાનાએ મુંબઈનું બારું છોડ્યું તે પહેલાં એસોસિયેટેડ પ્રેસને સ્ટીમર પરથી આપેલા નિવેદનમાં ગાંધીજીએ ફરી કહેલું: “ક્ષિતિજ ઉપર આશા પ્રેરે એવું કશું જ દેખાતું નથી, તેમ છતાં હું જન્મથી આશાવાદી હોઈને નિરાશામાં પણ હું આશા સેવી રહ્યો છું” (‘ગાંધીજીનો અક્ષરદેહ’, ભાગ ૪૭). બોમ્બે ક્રોનિકલના પ્રતિનિધિ સમક્ષ બોલાયેલા શબ્દો, જાહેર સભામાં બોલાયેલા શબ્દો અને સ્ટીમર ઉપડતાં પહેલાં બોલાયેલા શબ્દો ૨૭મીની સાંજે કાવ્ય લખતાં પહેલાં મેઘાણી સુધી પહોંચ્યા હોય એ શક્ય જ નથી. છતાં કેવળ કલ્પનાના બળે મેઘાણી ગાંધીજીની મનોદશાને તંતોતંત પામી ગયા છે, અને અત્યંત અસરકારક રીતે તેને પોતાના કાવ્યમાં વ્યક્ત કરી છે. આને પરકાયાપ્રવેશ નહિ તો બીજું શું કહી શકાય?
૧૯૧૩માં કવિ લલિતજીએ ગાંધીજી વિશેનું પહેલવહેલું કાવ્ય લખ્યું તે પછી આજ સુધીમાં ગાંધીજી વિષે કાવ્યો તો ઢગલાબંધ લખાયાં છે, પણ ‘છેલ્લો કટોરો’ની તોલે આવે એવાં કાવ્યો ભાગ્યે જ લખાયાં છે. આ કાવ્યમાં જે રીતે ગાંધીજીની મનોવેદના મેઘાણીએ વ્યક્ત કરી છે તે જોતાં થાય કે મુંબઈથી લંડન જતાં પહેલાં ગાંધીજી રાણપુર જઈને મેઘાણીને મળ્યા તો નહિ હોય? પોતાની વેદના શું ગાંધીજીએ તેમની પાસે વ્યક્ત કરી હશે? ના. પોતાની સર્જક પ્રતિભાને બળે મેઘાણીએ ગાંધીજીની મનોવેદના અનુભવી અને તેને અત્યંત અસરકારક રીતે પ્રગટ કરી.
e.mail : deepakbmehta@gmail.com
XXX XXX XXX
સૌજન્ય : “ગુજરાતી મિડ ડે”, 05 ઑક્ટોબર 2019