Opinion Magazine
Number of visits: 9447161
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી — 9

દીપક મહેતા|Opinion - Opinion|8 September 2019

મુંબઈમાં ગુજરાતી છાપકામ આવ્યું, છાપેલાં છાપાં ને ચોપડીઓ લાવ્યું

અત્યારે આપ શું વાંચી રહ્યા છો એમ કોઈ પૂછે તો શું જવાબ આપશો? હું વર્તમાનપત્ર વાંચી રહ્યો છું, કે અખબાર વાંચી રહ્યો છું, કે છાપું વાંચી રહ્યો છું? લોકજીભે ચડેલો શબ્દ છાપું છે એટલે મોટે ભાગે અપ કહેશો કે હું છાપું વાંચી રહ્યો છું. આમ તો સાવ સીધો સાદો શબ્દ લાગે છે આ છાપું. જે છપાયેલું છે તે છાપું. પણ હકીકતમાં ‘છાપું’ શબ્દ વર્તમાનપત્ર કે અખબાર માટેની એક અનિવાર્ય જરૂરિયાત પણ બતાવે છે. એ જરૂરિયાત તે છાપકામ, મુદ્રણ, પ્રિન્ટીંગ. સંખ્યાબંધ નકલો, ઓછામાં ઓછા સમયમાં, નિયમિત રીતે તૈયાર કરવી એ મુદ્રણ આવ્યું તે પહેલાં શક્ય જ નહોતું. એટલે છાપકામને પગલે પગલે જ આવ્યું છાપું. અને ગુજરાતી છાપકામની શરૂઆત થઇ તે આજના ગુજરાતના કોઈ શહેરમાં નહિ, પણ આપણા મુંબઈ શહેરમાં.

આરંભકાળનું હાથ વડે છાપવા માટેનું મશીન

હા, પહેલાં આવ્યું અંગ્રેજી છાપકામ અને અંગ્રેજી છાપું. ‘બોમ્બે હેરાલ્ડ’ નામનું પહેલવહેલું છાપું શરૂ થયું ૧૭૮૯માં. બીજે વર્ષે, ૧૭૯૦માં શરૂ થયું તેનું હરીફ ‘બોમ્બે કુરિયર.’ ૧૭૯૧માં ‘બોમ્બે હેરાલ્ડ’નું નામ બદલીને ‘બોમ્બે ગેઝેટ’ રાખવામાં આવ્યું. તે દર અઠવાડિયે બુધવારે પ્રગટ થતું. જ્યારે ‘બોમ્બે કુરિયર’ દર શનિવારે પ્રગટ થતું. તે ૧૮૫૪ સુધી ચાલ્યું અને પછી ‘ધ બોમ્બે ટેલિગ્રાફ’ નામના બીજા એક છાપા સાથે જોડાઈ ગયું. બોમ્બે કુરિયરને સરકારી અને ખાનગી જાહેર ખબરો સારા પ્રમાણમાં મળતી. હવે એ વખતે સરકાર હતી ઇસ્ટ ઇન્ડિયા કંપનીની. અને તેનું મુખ્ય કામ તો વેપારનું હતું. એટલે કંપની સરકારના કેટલાક અધિકારીઓના ધ્યાનમાં એક વાત આવી. આપણે માત્ર અંગ્રેજીમાં જાહેરાતો કે જાહેર ખબરો છપાવીએ છીએ તે તો બહુ ઓછા લોકો સુધી પહોંચે છે. કારણ એ વખતે આ દેશમાં અંગ્રેજી જાણનારા કેટલા? એ વખતે બોમ્બે પ્રેસિડેન્સીમાં નહોતી બ્રિટિશ પદ્ધતિનું શિક્ષણ આપતી સ્કૂલો કે કોલેજો. તો બીજી બાજુ ગુજરાતી, મરાઠી જેવી ‘દેશી’ ભાષાઓમાં નહોતું એક પણ છાપું. પણ હા, એક કામ થઇ શકે. અંગ્રેજી છાપામાં ગુજરાતી, મરાઠી જેવી ભાષામાં જાહેર ખબર કે જાહેરાત તો છાપી જ શકાય ને! પણ ખાટલે મોટી ખોડ એ હતી કે એ વખતે ગુજરાતી-મરાઠી જેવી ભાષાઓના ટાઈપ જ કોઈએ બનાવ્યા નહોતા અને એટલે એવી ‘દેશી’ ભાષાઓમાં છાપવાનું શક્ય નહોતું.

મુંબઈનું બીજું અંગ્રેજી છાપું ‘બોમ્બે કુરિયર’

પણ આવી બાબતોમાં ‘બોમ્બે કુરિયર’ના માલિક-તંત્રી એશબર્નર હતા ઉત્સાહી. વળી આવી જાહેર ખબરોની વધારાની આવક થાય એનો લોભ પણ ખરો. અને આજની જેમ એ વખતે પણ મુંબઈના વેપારવણજ પર ગુજરાતીઓનું પ્રભુત્વ. એટલે અહીં ‘દેશી’ ભાષાઓમાંથી પહેલું મુદ્રણ થયું ગુજરાતીમાં. અને તે માટે ‘બોમ્બે કુરિયર’ અને એશબર્નારને મોટી મદદ મળી એક એકલવીર પારસી નબીરા તરફથી. એમનું નામ બહેરામજી છાપગર. મૂળ વતની સુરતના. ૧૭૯૦ના અરસામાં મિત્ર નસરવાનજી જમશેદજી દાતારની સાથે મુંબઈ આવ્યા અને લુક એશબર્નરની માલિકીના ‘બોમ્બે કુરિયર’ અખબારના છાપખાનામાં કમ્પોઝીટર (બીબાં ગોઠવનાર) તરીકે જોડાયા. છાપકામનો અનુભવ તો ક્યાંથી હોય, પણ આપબળે કમ્પોઝ કરતાં શીખ્યા એટલું જ નહિ, પ્રેસને જરૂર પડી ત્યારે એકલે હાથે ગુજરાતી બીબાં પણ બનાવી આપ્યાં. આપણી ભાષા છાપવા માટેનાં એ પહેલવહેલાં બીબાં. એ અર્થમાં એમને ગુજરાતી મુદ્રણના જનક કહી શકાય. પણ આવું ખાતરીપૂર્વક કઈ રીતે કહી શકાય? બે કારણે. પહેલું કારણ: પારસીઓ અને તેમના પ્રદાન અંગેના અમૂલ્ય ગ્રંથ ‘પારસી પ્રકાશ’માં બહેરામજી વિષે નોંધ્યું છે કે “મિ. એશબર્નરે એવન પાસે ગુજરાતી બીબાં પણ મુંબઈમાં ઓટાવ્યાં હતાં.” બીજું કારણ: બોમ્બે કુરિયર પ્રેસમાં જ છપાઈને ૧૭૯૭માં એક પુસ્તક પ્રગટ થયું હતું: ‘ગ્રામર ઓફ ધ મલબાર લેન્ગવેજ.’ લેખક હતા ડો. રોબર્ટ ડ્રમંડ. આ ભાષાનાં બીબાં હિન્દુસ્તાનમાં તો મળશે નહિ એટલે પુસ્તક ઇન્ગ્લંડમાં છપાવવું પડશે એમ લેખકના મનમાં હતું. પણ મુંબઈ આવ્યા પછી બહેરામજી છાપગરે બનાવેલાં આ ભાષાનાં બીબાં તેમણે જોયાં. ખૂબ પસંદ પડ્યાં એટલે પુસ્તક બોમ્બે કુરિયર પ્રેસમાં જ છપાવ્યું. પુસ્તકની પ્રસ્તાવનામાં લેખકે આ વાત તો નોંધી જ છે, પણ સાથોસાથ એ વાત પણ નોંધી છે કે આ જ બહેરામજીએ એકલે હાથે ગુજરાતી લિપિનાં બીબાં પણ બનાવ્યાં હતાં. એટલું જ નહિ, જરા ચાતરીને પ્રસ્તાવનામાં જ તેમણે આ ગુજરાતી બીબાંના નમૂના પણ આમેજ કર્યા છે. એટલે ૧૭૯૭ સુધીમાં બહેરામજીએ એકલે હાથે ગુજરાતી બીબાં બનાવ્યાં હતાં એ નક્કી. પણ હકીકતમાં બહેરામજીએ ગુજરાતી બીબાં બનાવ્યાં હતાં ૧૭૯૬મા. એ અંગેની જાહેરાત ખુદ બોમ્બે કુરિયરમાં જ ૧૭૯૬મા છપાઈ છે. તેમાં બહેરામજીની મદદથી અમે ગુજરાતી બીબા તૈયાર કર્યાં છે, અને એટલે હવે અમે ગુજરાતીમાં પણ મજકૂર છાપી શકશું એવી જાહેરાત કરી છે અને હવે પછી ગુજરાતીમાં લખેલ જાહેરાત કે જાહેર ખબર મોકલવા આમંત્રણ આપ્યું છે.

બહેરામજીએ બનાવેલાં ગુજરાતી બીબાં અંગેની જાહેરાત

બહેરામજીને હાથે બીજું પણ એક મોટું કામ થયું – જાણ્યે કે અજાણ્યે, એ કહેવું મુશ્કેલ છે. છાપકામની શરૂઆત થઇ તે પહેલાંની હસ્તપ્રતોમાં ગુજરાતી અક્ષરોને માથે પણ સંસ્કૃત કે મરાઠીની જેમ શિરોરેખા રહેતી. ૧૭૯૭ના જાન્યુઆરીની ૨૯ તારીખે બોમ્બે કુરિયરમાં જે ગુજરાતી જાહેર ખબર છપાઈ તેમાં ગુજરાતી અક્ષરોને માથે પણ શિરોરેખા હતી. પણ એ જ વર્ષના જુલાઈ મહિનામાં બોમ્બે કુરિયરમાં બીજી એક ગુજરાતી જાહેર ખબર છપાઈ. તેમાં શિરોરેખા જોવા મળતી નથી. ત્યારથી ગુજરાતીના મુદ્રણમાંથી શિરોરેખા ગઈ તે ગઈ. ઓગણીસમી સદીની પહેલી પચ્ચીસીમાં પહેલવહેલાં ગુજરાતી પાઠ્ય પુસ્તકો પ્રગટ થયાં તેમાંથી પણ ઘણાંમાં શિરોરેખા વગરની ગુજરાતી લિપિ વપરાઈ હતી. હાથે લખાયેલા લખાણોમાંથી પણ પછી ધીમે ધીમે શિરોરેખા દૂર થઇ. ગુજરાતી લિપિને વધુ સરળ અને સુગમ બનાવવાના આ મોટા કામની પહેલ બહેરામજીએ કરી.  

આ બહેરામજીનો જન્મ ક્યારે થયેલો એ જાણવા મળતું નથી. પણ તેમનું અવસાન થયું ૧૮૦૪ના માર્ચની પાંચમી તારીખે. અને ‘પારસી પ્રકાશ’ નોંધે છે કે તે વખતે તેમની ઉંમર પચાસ વર્ષની હતી. એટલે તેમનો જન્મ ૧૭૫૪ની આસપાસ થયો હોવો જોઈએ. તેવી જ રીતે તેમની ‘છાપગર’ અટક તેઓ ‘બોમ્બે કુરિયર’માં જોડાયા પછી પડી, કે સુરતમાં હતા ત્યારથી જ એ અટક હતી એ પણ કહેવું મુશ્કેલ છે. સુરતમાં હતા ત્યારે તેઓ કયો ધંધો કરતા હતા તેની પણ ખબર નથી. પણ એક શક્યતા એવી છે કે તેઓ કાપડ પરના બ્લોક પ્રિન્ટિંગના કામ સાથે સંકળાયેલા હોય અને તેથી મુંબઈ આવ્યા પહેલાં જ છાપગર તરીકે ઓળખાતા હોય. બહેરામજીના અવસાનનાં દસ વર્ષ પછી તેમના દીકરા જીજીભાઈ પણ ૧૮૧૪માં બોમ્બે કુરિયરમાં જોડાયા હતા અને વખત જતાં તેના હેડ કમ્પોઝીટર બન્યા હતા. આજે હવે હેન્ડ કમ્પોઝનો જમાનો નથી રહ્યો. ડિજિટલ પ્રિન્ટિંગનો જમાનો છે. છાપાં તૈયાર થાય છે કમ્પ્યુટર પર. છપાય છે ખૂબ ઝડપી અત્યાધુનિક મશીનો પર. અને એટલે ધાતુનાં બીબાં પણ વપરાતાં લગભગ બંધ થયાં છે. પણ તેથી કાંઈ બહેરામજીએ એકલે હાથે કરેલા કામનું મહત્ત્વ ઓછું થતું નથી. કારણ આજે કમ્પ્યુટરમાં પણ જે ગુજરાતી ફોન્ટ વપરાય છે તેના પણ વડદાદા તો આ બહેરામજી છાપગર જ.

ડો. ડ્રમન્ડનાં પુસ્તકની પ્રસ્તાવનામાં છાપેલાં ગુજરાતી બીબાંનાં નમૂના

પણ વાત આટલેથી અટકતી નથી. મુંબઇના જે બોમ્બે કુરિયર પ્રેસમાં ૧૭૯૭માં પહેલીવાર ગુજરાતી મજકૂર છપાયો તે જ પ્રેસમાં છપાઇને ૧૮૦૮માં પહેલુંવહેલું ગુજરાતી પુસ્તક બહાર પડયું. એ પુસ્તકનું લાંબુલચક નામ હતું: ‘ઇલસ્ટ્રેશન્સ ઑફ ધ ગ્રામેટિકલ પાર્ટસ ઑફ ધ ગુજરાતી મરહટ્ટ એન્ડ ઇંગ્લિશ લેંગ્વેજિસ.’ નામ જ સૂચવે છે તેમ આ પુસ્તક ત્રિભાષી હતું. ગુજરાતી અને મરાઠી વ્યાકરણનો તેમાં અંગ્રેજી દ્વારા પરિચય આપવામાં આવ્યો હતો. પુસ્તકનો હેતુ, અલબત્ત, હિન્દુસ્તાનમાં, ખાસ કરીને મુંબઈ ઇલાકામાં, કામ કરતા અંગ્રેજ અફસરો અને પાદરીઓને બે સ્થાનિક ભાષા જાણવામાં મદદરૂપ થવાનો હતો. આ પુસ્તકમાં ગુજરાતી મજકૂર છાપવા માટે જે બીબાં વપરાયાં છે તે બહેરામજીએ બનાવેલાં તે જ બીબાં હોય તેમ અક્ષરો સરખાવી જોતાં લાગે છે. અલબત્ત, બહેરામજીનું તો ૧૮૦૪માં અવસાન થયેલું. એટલે આ પુસ્તકનો ગુજરાતી મજકૂર તેમણે કમ્પોઝ કર્યો ન હોય. પણ અ કામ કરી શકે એવો બીજો કોઈ કમ્પોઝીટર એ પ્રેસ પાસે તે વખતે હોવો જોઈએ. પણ તેનું નામ કોઈ જાણતું નથી. આ પુસ્તક તે મુંબઇમાં છપાયેલું પહેલું મરાઠી પુસ્તક પણ છે. તેના લેખક હતા એક અંગ્રેજ ડૉ.રોબર્ટ ડ્રમન્ડ. ‘ગ્રામર ઓફ ધ મલબાર લેન્ગવેજ.’ નામના પોતાના પુસ્તકની પ્રસ્તાવનામાં જેમણે બહેરામજી અને તેમનાં બનાવેલાં ગુજરાતી બીબાંનો ઉલ્લેખ કર્યો છે અને નમૂના પણ છાપ્યા છે તે જ આ ડો. ડ્રમન્ડ. વ્યવસાયે સરકારી સર્જન. આજની એશિયાટિક સોસાયટી ઑફ મુંબઇની પુરોગામી સંસ્થા લિટરરી સોસાયટી ઑફ બોમ્બેની ૧૮૦૪ના નવેમ્બરની ૨૬મીએ સ્થાપના થઇ ત્યારે તેના સ્થાપકોમાંના એક હતા ડૉ. ડ્રમન્ડ. આ પુસ્તક પ્રગટ થયું તે પછીના વર્ષે તેઓ સ્વદેશ જવા રવાના થયા.

પહેલવહેલું ગુજરાતી પુસ્તક

તારીખ-વાર તો જાણવા મળતાં નથી, પણ ઈ.સ. ૧૮૦૮ના કોઈક દિવસે લેડી જેન ડન્ડાસ નામનું શઢવાળું વહાણ કલકત્તાથી લંડન જવા નીકળ્યું. સાથે બીજાં ત્રણ વહાણો હતાં – કલકત્તા, બેન્ગાલ, અને જેન ડચેસ ઓફ ગોર્ડન. આવી મુસાફરીને એ વખતે આઠ-દસ મહિના લાગતા, અને રસ્તામાં જોખમો પણ ઘણાં, એટલે કોઈ વહાણ એકલ-દોકલ ભાગ્યે જ જાય. કાફલામાં જ સફર ખેડે. ૧૮૦૯ના માર્ચની ૧૪મી તારીખ સુધી તો બધું હેમખેમ હતું. એ દિવસે ચારે વહાણો મોરેશિયસથી સુખરૂપ રવાના થયાં. પણ પછી ક્યાં ગયાં તેની કોઈને ખબર પડી નહિ. ભયંકર વાવાઝોડામાં ફસાઈને ચારે વહાણ ડૂબ્યાં. લેડી જેન ડંડાસ પર જે મુસાફરો હતા તેમાંના એક હતા ડોક્ટર રોબર્ટ ડ્રમન્ડ.

લેડી જેન ડન્ડાસ નામનું શઢવાળું વહાણ

ડો. ડ્રમન્ડનો જન્મ ક્યાં અને ક્યારે થયો તેની વિગતો તો મળતી નથી. પણ ૧૭૯૬માં તેઓ મુંબઈ ઈલાકાની સરકારની તબીબી સેવામાં જોડાયા એવી નોંધ મળે છે. વડોદરામાં રેસિડન્ટ સર્જન તરીકે અને ગુજરાતના અપીલ એન્ડ સર્કિટ જજના સર્જન તરીકે કામ કર્યું હતું એટલે તેમને ગુજરાતી ભાષાનો સારો એવો પરિચય. વખત જતાં તેઓ મુંબઈ સરકારના આસિસ્ટન્ટ સર્જન અને પછી સર્જન જનરલ બન્યા.. આ પુસ્તક લખાતું હતું તે દરમ્યાન જ ડો. ડ્રમન્ડે સ્વદેશ પાછા જવાનું નક્કી કર્યું હશે. કારણ પ્રસ્તાવનામાં તેમણે આ પુસ્તકને ‘Parting pledge of veneration’ તરીકે ઓળખાવ્યું છે. ગુજરાતી ભાષાના આ પહેલવહેલા પુસ્તક માટે આગોતરા ગ્રાહકો નોંધવામાં આવ્યા હતા. (જો કે પુસ્તકમાં ક્યાં ય તેની કિંમત છાપી નથી.) કુલ ૪૬૭ નકલ આગોતરી વેચાઈ ગઈ હતી. તેમાંથી સો નકલ મુંબઈના ગવર્નરે ખરીદી હતી.

પુસ્તકની શરૂઆતમાં ગુજરાતી અને મોડી લિપિમાં સ્વર-વ્યંજનનો કોઠો આપ્યો છે. (શરૂઆતમાં મરાઠી પુસ્તકો છાપવા માટે મોડી લિપિ વપરાતી.) તે પછી સંસ્કૃત વ્યાકરણને અનુસરીને ગુજરાતી અને મરાઠી નામની સાત વિભક્તિનાં એક વચન અને બહુ વચનનાં રૂપ આપ્યાં છે. પછી સર્વનામ અને આખ્યાતનાં રૂપો આપ્યાં છે. ત્યાર બાદ સામાન્ય વપરાશના કેટલાક શબ્દો કે શબ્દ-સમૂહો ગુજરાતી અને મરાઠીમાં આપી અંગ્રેજીમાં તેની સમજૂતી આપી છે. એ વખતે ધૂડી નિશાળોમાં કક્કો, બારાખડી, આંક શીખવવા માટે જે ઉપદેશાત્મક વાક્યો ગોખાવાતાં તે પણ અહીં આપ્યાં છે. ગુજરાતી કહેવતોનો પણ સર્વ પ્રથમ સંગ્રહ – ભલે નાનો – પણ આ પુસ્તકમાં થયો છે. કહેવતોનો અંગેજી અનુવાદ પણ આપ્યો છે. પુસ્તકનો છેલ્લો ભાગ છે ‘ગ્લોસરી.’ આમ તો ગ્લોસરી એટલે શબ્દસૂચિ કે શબ્દસંગ્રહ. પણ અહીં ડ્રમન્ડે જે આપ્યું છે તે તેના કરતાં ઘણું વધારે છે. ‘પારસી’ કે સતી’ જેવા શબ્દો સમજાવવા માટે તો તેમણે નાના નિબંધો જ લખ્યા છે. બાયડી અને બૈરી જેવા શબ્દોના પ્રદેશભેદે થતા અર્થભેદ પણ નોંધ્યા છે. વ્યાકરણ ઉપરાંત, ભલે સંપૂર્ણ ન કહી શકાય તો ય આપણી ભાષાનો આ પહેલો સાર્થ શબ્દકોશ છે, પહેલી ગુજરાતી-અંગ્રેજી ડિક્ષનરી છે. ૧૮૦૮માં છપાયેલું આ પહેલવહેલું ગુજરાતી પુસ્તક અત્યંત દુર્લભ છે.

મુદ્રણને પ્રતાપે આપણા સમાજમાં, જીવનમાં, રહેણીકરણીમાં જે પરિવર્તન આવ્યું તેનો આજે આપણને ખ્યાલ ન આવે કારણ કે છાપેલો શબ્દ હવે આપણે માટે સાવ સ્વાભાવિક બની ગયો છે. પણ એ જમાનામાં મુદ્રણને પ્રતાપે જે પરિવર્તન આવ્યું તેનો ખ્યાલ કવિ દલપતરામના આ દોહરા પરથી આવે છે:

લહિયા સો લખતાં છતાં, વર્ષ એક વહી જાય;
એક દિવસમાં એટલું છાપથી જુઓ છપાય.

e.mail deepakbmehta@gmail.com

xxx xxx xxx

(પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 07 સપ્ટેમ્બર 2019)

Loading

8 September 2019 admin
← ગુજરાતી ફિલ્મ ‘નટસમ્રાટ’ – વાર્તા કહેવાઈ પણ આત્મા છટકી ગયો
ગરલના ગૃહપતિ નીલકંઠી પ્રભુ →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved