Opinion Magazine
Number of visits: 9446983
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કેળવણીના કીમિયાગર

રમેશ સંઘવી|Profile|5 September 2019

યાત્રા : દક્ષિણામૂર્તિથી ગ્રામ દક્ષિણામૂર્તિ

(11મી જુલાઈએ જેમનું અવસાન થયું, તે અનિલભાઈ ભટ્ટ નઈતાલીમના અગ્રયાત્રી, પ્રયોગશીલ, ઉત્તમ – અનોખા કેળવણીકાર હતા. ગુજરાતનું શિક્ષણજગત તેમનાથી પરિચિત હશે, પણ તેમના જીવન, કેળવણી દર્શન અને કેળવણીના પ્રયોગો વિશેની જાણકારી અને સમજ ઓછી વ્યાપક છે. નમ્રતા, સહજતા અને કાર્યને જ સમર્પિત અનિલભાઈએ તેની ખેવના પણ નથી કરી. અહીં તેમના વિશે સંક્ષેપમાં થોડી વાત મૂકવી છે.)

છબિ સૌજન્ય : "કોડિયું", ઑગસ્ટ 2019

1945-46ની વાત છે. અનિલભાઈ પંદર-સોળ વરસના. ‘ઘરશાળા’માંથી દસમું ધોરણ પાસ કરેલું. વેડછીથી જુગતરામભાઈ દવે ભાવનગર આવેલા અને અનિલભાઈના ઘરે જ તેમના ધામા હતા. જુકાકાએ સહજ જ આ કિશોરને પૂછ્યું : ‘હવે શું કરવું છે ?’ અને કિશોર અનિલભાઈનો ફટાક જવાબ આવ્યો : ‘ગાંધીનું કામ !’

તેમના માટે આ જવાબ સહજ હતો. કારણ, અનિલભાઈ એટલે સ્વરાજ આંદોલનનું, ગાંધીયુગનું સંતાન. દેશના તાર તારમાં સ્વાતંત્ર્યનો, ત્યાગનો, બલિદાનનો, ગાંધીની ગૂંજનો પ્રબળ પ્રભાવ. વાતાવરણ આઝાદીના અને ગાંધીના તરંગોથી તરંગિત. પિતા આત્મારામભાઈ તો નરવીર, અનૂઠા સત્યાગ્રહી. ટેક અને નિર્ભયતાની પ્રતિમૂર્તિ. અન્યાય અને અસત્યનો રોમ રોમ પ્રતિકાર કરે. માતા દુર્ગાબહેન પણ સત્યાગ્રહી, વાત્સલ્યમૂર્તિ. મનુભાઈ પંચોળી ‘દર્શકે’ લખ્યું છે : ‘આત્મારામભાઈ જેવા નિર્ભય ભાગ્યે જ કોઈ હોય અને દુર્ગાબહેન જેવાં શાંત, ધીરજવાળાં, વહાલસોયાં પણ થોડાં જ હોય.’

જન્મ 10 જાન્યુઆરી, 1930. દાંડીકૂચને બસ બે જ મહિનાની વાર હતી. મીઠા સત્યાગ્રહના સવિનય કાનૂનભંગના એ આંદોલનમાં માતા-પિતાની ધરપકડ થઈ અને નવ-દસ મહિનાના અનિલને તેડીને માતા-પિતા જેલમાં ! અનિલભાઈ હજુ વરસના ય માંડ થયા છે, બોલવા-ચાલવાનું ય શીખતા હશે અને બ્રિટિશરાજ કૃપાએ શૈશવના એ મહત્ત્વના કાળમાં જેલાનુભવ કરાવ્યો ! સાલ હતી – 1931.

પછી ત્રણેક વર્ષની ઉંમરે, 1933માં મૂછાળી મા ગિજુભાઈના બાલમંદિર – દક્ષિણામૂર્તિ બાલમંદિરમાં પગ મૂક્યો. એ બાળકોનું સ્વર્ગ, જાણે જાદુનગરી ! ત્યાં રમાડાતી શાંતિની રમતને અનિલભાઈ આજીવન સંભારતા રહ્યા અને નવમા દાયકામાં પણ તેઓ કહેતા : ‘આજે ય ક્યાંક મૂંઝવણ થાય કે કોઈ ન ગમતી ઘટના બને ત્યારે બાળપણમાં ગિજુભાઈએ રમાડેલી એ શાંતિની રમત રમું છું !’ એ વખતે દક્ષિણામૂર્તિનો દબદબો હતો. નવી કેળવણીની ઉષાનાં રશ્મિઓ ઊઘડતાં – ફેલાતાં જતાં હતાં. ભય, સજા, સરખામણી, માર, લાલચ, ઈનામ, સ્પર્ધાથી મુક્ત, પ્રેમ છલકતું – મોકળું વાતાવરણ ત્યાં હતું. નાનાભાઈ, હરભાઈ, ગિજુભાઈની ત્રિપુટીએ કેળવણીની નવી અને ખરી દિશાઓ ખોલી આપેલી. અને કેળવણીની નવી-તાજી હવા ત્યાંનાં વાતાયનોમાંથી પ્રસર્યા કરતી. ગિજુભાઈ દ્વારા અનિલભાઈનું પ્રારંભિક શિક્ષણ અને પછી દક્ષિણામૂર્તિમાં જ પ્રાથમિક શિક્ષણ. અનિલભાઈનો માંહ્યલો પિંડ અદીઠ રીતે ત્યાં બંધાયો. પછી સમર્થ કેળવણીકાર હરભાઈની ‘ઘરશાળા’માં 1941માં પ્રવેશ અને માધ્યમિક શિક્ષણ. 1943માં બાપુજી આત્મારામભાઈ ભાવનગર જેલમાં હતા, ત્યાં બીમાર પડ્યા એટલે પુન: બા સાથે જેલમાં, ત્યાંથી દફતર ખભે ભેરવી ‘ઘરશાળામાં’ ભણવા જાય ! અને માધ્યમિક શિક્ષણ હજુ પૂરું નથી થયું ત્યાં જુકાકા સાથે એ મુલાકાત-સંવાદ.

બાળપણનું એક વિશિષ્ટ સ્મરણ તેમના અનુજ મહેન્દ્રભાઈએ વાગોળ્યું છે. લખે છે : અમારા ભાવનગરના ઘર પાસે વીજળીનો થાંભલો અને વીજળીના તાર ઉપર રોજ એક પોપટ આવીને બેસે. અનિલભાઈ બારી પાસે ઊભા રહે, હાથમાં થોડાં શીંગચણા હોય. પોપટ વીજ રેશેથી ઊતરી, બારીમાંથી પ્રવેશે અને પ્રથમ અનિલભાઈના ખભે બેસે અને પછી હળવેકથી હથેળી પર બેસી ટેસથી શીંગચણા આરોગે ! બંનેની આ દોસ્તી ભાવનગર રહ્યા ત્યાં સુધી રહી. કવિવર રવિ ઠાકુરની એક સુંદર કવિતા છે : ‘શુકેર શિક્ષા’. લાગે છે પિંજરવાસી એ પોપટ છૂટીને અહીં આવી ચડ્યો હશે અને અનિલભાઈના ખભે બેસી કાનમાં કહેતો હશે : ‘દોસ્ત, આજની કેળવણીની જેલમાંથી બાળકોને છોડાવજે હોંને !’ જાણે અનિલભાઈના ભાવિ કાર્યની રૂપરેખાના મંત્રની ફૂંક મારતો હોય !

પરિવાર, દક્ષિણામૂર્તિ, ઘરશાળા, થોડું ઈધણ તો ઘર અને હવે આ યુવાન, બસ, હજુ વીસીમાં પ્રવેશ્યો નથી ત્યાં 1947માં જુકાકાએ દીધેલ આમંત્રણને સંભારી વેડછી પહોંચે છે. ત્યાં બે વર્ષ ગ્રામસેવાની તાલીમ લઈ, થોડો સમય શિક્ષક તરીકે ત્યાં જ જોડાય છે. પછીથી લોકભારતીમાં અધ્યાપક રહી ચૂકેલા યોગેશભાઈ ભટ્ટ એ વખતે ત્યાં હતા. વેડછીના તે દિવસો સાંભરતાં તેઓ લખે છે : "ત્યારના ‘ફાનસઘર’ની બાજુના ઘરમાં એક યુવાન નીચે બેઠો બેઠો ભીંતે ટેકવેલ એક નાના કાળા પાટિયામાં વારંવાર ઝડપથી કંઈક લખે છે ને ભૂંસે છે.” યોગેશભાઈ તો નાના. પૂછે છે : "તમે આ શું કરો છો ?” યુવક જવાબ આપે છે : "મારે રાત્રિ-શાળામાં ભણાવવા જવું છે ને તેથી આ પાટિયામાં લખતાં શીખું છું.” અને પછી એ જ યુવાન વેડછી આશ્રમના ‘મહાભારત ચોક’માં ગરીબીના કાર્યક્રમ વખતે ‘કુંજલડી રે સંદેશો અમારો ….’ રણકતી મીઠી હલકથી ગાય છે અને ‘સ્વરાજ સાધના’ માટેના આ સ્વરાજ આશ્રમોમાં રાષ્ટ્રગીતો કે ભજનોને બદલે એક નવા જ પ્રકારના ગીતના સ્વર રેલાય છે ! ‘સ્વરાજ આશ્રમ’ની એ રંગોળીમાં એક જુદી ભાત ઊપસી આવે છે. દર્શક એવોર્ડની સ્વીકાર વેળા પોતાનાં પ્રેરણાસ્થાનો વિશે વાત કરતાં તેમણે સંભારેલું :

‘સૌથી પહેલાં પ્રણામ માતાપિતા, બાળમિત્રો, બાલમંદિરનું શિક્ષણ, શિશુવિહાર, દક્ષિણામૂર્તિનું વાતાવરણ જેમાં ભય, માર, સજા, લાલચ, સ્પર્ધા નહોતાં. સ્વાતંત્ર્ય અને નવસર્જન દ્વારા સ્વનિયમનના માર્ગે સફળ રીતે કેળવણી ત્યાં અપાતી હતી. બીજા પ્રણામ : ઋષિસમા પૂજ્ય જુગતરામભાઈને, જેઓએ દેશના અવગણાયેલા લોકોની સેવામાં જીવન અર્પણ કર્યું. અને અમને એ સેવાના જીવનમાં ઉત્કર્ષ અને આનંદ માણવાનું શીખવ્યું. અને પછી : ત્રીજા પ્રણામ દર્શકજીને …. સંસ્થામાં આવવાનું નિમંત્રણ, પ્રાથમિક શાળા સોંપી, ઉપનિયામક, નિયામકનાં કાર્યો સોંપ્યાં અને લોકવિદ્યાલયના પ્રયોગમાં સાથીદાર બનાવ્યો.’

અને તેમના ત્રીજા આ ચરણની તો એક વિશિષ્ટ – ભાતીગળ કથા છે, પણ એ પહેલાં આ પ્રયોગવીરની ‘શ્રમ કરી આજીવિકા મેળવવી’ તેની વાત કરવી રહી. વેડછી હતા ત્યાં જ તેઓ ભાવિ જીવનનો વિચાર કરવા લાગેલા. ટોલ્સ્ટોયનું ‘ત્યારે કરીશું શું ?’ પુસ્તક તાજેતરમાં જ વાંચેલું. અને તે પુસ્તક તેમના માટે ‘જીવનની ગીતા’ રૂપ બની ગયેલું. અનિલભાઈ નોંધે છે : ‘ટોલ્સ્ટોય કહે છે, તમારે હૈયે જો દલિતો, પીડિતો પ્રત્યે સહાનુભૂતિ હોય, તમારું જીવન તમે ન્યાયી, પ્રેમમય બનાવવા ઇચ્છતા હો તો પહેલું કામ એ કરવું રહ્યું કે તમે તરત જ પીડિતોની પીઠ ઉપરથી નીચે ઊતરી જાવ.’ આ ઉપરાંત ટોલ્સ્ટોયના બીજા પુસ્તક ‘ઈવાન, ધ ફૂલ’, ‘મૂરખરાજ’નો પણ જબરો પ્રભાવ પડ્યો. અનિલભાઈએ નોંધ્યું છે :  "કેળવણીના મારા ચિત્રમાં આવા પાગલો ‘મૂરખરાજ’ વધે તેમ કરવાની નેમ છે !” ગાંધીજી પર પણ ટોલ્સ્ટોયના વિચારોનો પરિવર્તનકારી પ્રભાવ પડેલો જ અને ઈશુકથન ‘તું તારા પસીનાની રોટી ખાજે’ તેમણે ય વાંચીને તુરત અમલમાં મૂકેલું.

ટોલ્સ્ટોયના આ વિચારોની એવી અસર પડી કે તેમણે શરીરશ્રમ દ્વારા જ આજીવિકા મેળવવાનું અને સાથે સાથે ગ્રામસેવા કરવાનું નક્કી કર્યું. ગાંધી સંસ્કારો તો હતા જ. સમજાયું તે મુજબ જીવવાનું. શ્રમ કરીને જીવન ગુજારવું, કોઈનું શોષણ કરવું નહીં અને ગામડાંની સેવા અને તે દ્વારા રાષ્ટ્રની સેવા કરવી – આ હતો તેમનો આગળનો નકશો. આ ભાવ હૈયે ભરી વેડછીથી આવી ભાવનગર જિલ્લાના તળાજા ગામની પાસેના એક ગામડામાં 1950માં ચાલીસ વીઘા જમીન મેળવી ખેતી શરૂ કરી. સખત પરસેવો પાડે. પણ એમની વાડીના કૂવે તેમણે હરિજનોને પાણી ભરવા દીધું અને ગામનો જે વિરોધ થયો તે કોઈ દાડીએ ન આવે! બહિષ્કાર ! આટલી જમીન, ગાય-બળદ, પાર વગરનું કામ. અનિલભાઈ ખેડ કરે. કોસ હાંકે, પાણી વાળે, ઢોર ચારે, રાત્રે રોઝડાં તગેડે ! કાળજાતૂટ મહેનતથી શરીર ભાંગી પડ્યું. વૈધ કહે : ‘હવે ખેતી છોડો, સ્વાસ્થ્ય સુધારો. આમ ખેતી કરશો તો બચવું મુશ્કેલ થશે.’ સ્વાસ્થ્ય માટે ખેતી છોડવી પડી પણ છેલ્લે સુધી તેમને ખેતી કરવાની ઝંખના હતી. થોડાં વર્ષ પૂર્વે એટલે તેમની 86-87 વર્ષની ઉંમરે તેમની સાથે ગોષ્ઠિ કરી ત્યારે કહેલું : "આવતો જન્મ મળે તો મને ખેડૂતનો અને મજૂરનો મળે તેમ માંગવું છે.” પાંચ વર્ષ ખેતી કરી એ વિશિષ્ટ અનુભવ બની રહ્યો. દરમ્યાન 1954માં મધુબહેન સાથે લગ્ન.

છબિ સૌજન્ય : "કોડિયું", ઑગસ્ટ 2019

અને સ્વાસ્થ્ય સુધારણાના એ ગાળા દરમ્યાન જ દર્શક સાથે ભાવનગર જ મળવાનું થયું. દર્શક કહે : ‘આંબલા આવો’. અનિલભાઈએ કંઈક અવઢવ સાથે તે સ્વીકાર્યું. 1955માં આંબલામાં. ત્યાં ચાલતા પંચાયત તાલીમ વર્ગમાં ગૃહપતિ અને અધ્યાપક તરીકેનું કામ. કામ જામ્યું. અઢી વરસ થઈ ગયાં ત્યાં એક દિવસ અચાનક દર્શક કહે : ‘અનિલ, આપણી પ્રાથમિક શાળા સંભાળ. ત્યાં ઘણું કામ કરવા જેવું છે. તારાથી થઈ શકશે.’ અનિલભાઈ માટે તો સાવ જ અનપેક્ષિત દરખાસ્ત ! બાળ શિક્ષણનું સીધું કોઈ કામ કરેલું જ નહીં, કે તેની તાલીમ લીધેલી નહીં. શું કરવું એવી ગડમથલ અનિલભાઈના મનમાં ચાલી. થયું : ‘સમગ્ર કેળવણીની દૃષ્ટિએ વિચારવાનું, કામ કરવાનું રહે. જ્યારે પોતે જ એવું કશું ભણ્યો નહોતો, વિચાર્યું પણ નહોતું.’ પણ પડકાર ઝીલી લેવાની વૃત્તિએ હા પાડી. હેલન કેલરનું એ પ્રસિદ્ધ કથન : ‘જિંદગી એ પડકાર આપતું સાહસ નથી તો કંઈ નથી.’ બસ, 1958થી આંબલાની પ્રાથમિક શાળા સંભાળી અને કેળવણીના – નઈતાલીમના ઇતિહાસમાં એક સુવર્ણ પ્રકરણ ઉમેરાયું.

અનિલભાઈ લખે છે : ‘તે દિવસથી મારી કેળવણી શરૂ થઈ અને હજુ પણ ચાલે છે.’ અસ્તિત્વએ જે કામ તેમની પાસેથી લેવા ધાર્યું હશે, કાળ દેવતાએ તે સામે જ ધર્યું. અને ગુજરાતને નઈતાલીમની શક્યતા અને સંભાવનાનો અનોખો આવિષ્કાર અનુભવાયો.

ગ્રામ દક્ષિણામૂર્તિ પ્રાથમિક શાળા. આંબલાના કેળવણીના એ અદ્ભુત પ્રયોગો. જેમ મહાત્મા ગાંધીનું જીવન એટલે ‘સત્યના પ્રયોગો’ તેમ અનિલભાઈનું જીવન એટલે ‘કેળવણીના પ્રયોગો !’ ગાંધીજીએ પણ પચીસી પછી જાગૃતિપૂર્વક રોમરોમથી સત્યના પ્રયોગો કર્યા. જે કર્યું તે સત્યની કસોટીએ કસીને જોયું, તેમ અનિલભાઈએ પણ પોતાની પચીસી પછી કેળવણીના પ્રયોગો કર્યા અને જે કંઈ કરવાનું આવ્યું તે કેળવણીની દૃષ્ટિએ જ કર્યું અને તે કસોટીએ કસ્યું. તેમણે જ કહ્યું કે : ‘ગિજુભાઈના બાલમંદિરે જે આપ્યું હતું, તે હૃદયના કોઈક ખૂણામાં છુપાયું હતું તે જાગી ઊઠ્યું.’ અને શાળાના પ્રથમ દિવસથી જ વિદ્યાર્થીઓને પોતાના કરવાની ગુરુચાવી મેળવી લીધી. અનિલભાઈ લખે છે : ‘તરતાં આવડતું ન હોય પણ બીજાને તરતા જોઈને એમ થાય કે તરવું તો સાવ સહેલું છે, જો એમ સમજીને નદીમાં ભૂસકો મારે અને જેવી સ્થિતિ થાય તેવી કાંઈક સ્થિતિ પહેલા દિવસે શાળામાં ગયો ત્યારે મારી હતી. નાનાં નાનાં વિદ્યાર્થીઓ મારા મોઢા સામે ઉત્સુકતાભર્યા કૌતુકથી જોતાં હસુ હસુ થઈ રહ્યાં હતાં. જાણે પૂછતાં હતાં કે ‘અમારી સાથે વાત કરવી છે ?’ ‘અમારા દોસ્ત બનશોને ?’ અને અનિલભાઈએ આ પડકાર ઝીલી લીધો. શરૂ થઈ જાગૃતિપૂર્વકની તેમની કેળવણી-સફર. એટલે જ યશવંતભાઈ ત્રિવેદી કહે છે તેમ : ‘નઈતાલીમના તેઓ અગ્રયાત્રી’ બની શક્યા.

અનિલભાઈ એટલે ગુજરાતી પાયાની કેળવણીયજ્ઞના અનોખા અધ્વર્યુ. નઈ તાલીમ વિચારને શાસ્ત્રીય સ્વરૂપ આપનાર ડૉ. ઝાકીર હુસેન દેશભરની બુનિયાદી શાળાઓ અને તેની સ્થિતિ જોઈને ખૂબ નિરાશ બનેલા અને એ મતલબનું બોલી ઊઠેલા : ‘બુનિયાદી શિક્ષણ એ હવે મૃત બાળક છે.’ પણ તેઓ જ્યારે ઉપરાષ્ટ્રપતિ હતા અને આંબલા આવેલા ત્યારે ત્યાંનું શિક્ષણ, ત્યાંના પ્રયાગો અને ત્યાંનું વાતાવરણ, આંબલાનું કામ જોઈને રાજી થઈ બોલી ઊઠેલા : ‘હું નઈ તાલીમમાં વિશ્વાસ અને શ્રદ્ધા લઈને જાઉં છું.’ નળાખ્યાનમાં આવે છે કે દમયંતીના હાથમાં મરેલાં માછલાં પણ જીવંત થઈ જતાં, જાણે તેવું જ થયું. દેશભરમાં નાભિશ્વાસે પડેલી નઈતાલીમ અહીં અનિલભાઈની નિશ્રામાં જીવંતપણે ધબકતી – શક્તિથી, સ્ફૂર્તિથી કાર્યરત હતી.

વિનોબાજી નઈતાલીમને ‘નિત્ય નઈતાલીમ’ કહેતા. તેઓ કહેતા: ‘જે આજે છે તે કાલે નહીં રહે.’ કેળવણીએ યુગાનુરૂપ નવો અવતાર ધારણ કરવો પડે. આજની જરૂરિયાત અને પડકારોને કેળવણી દ્વારા ઉકેલવાં જ પડશે. દર્શક કહેતા : ‘સનાતન સાથે નૂતનની કલમ કરો.’ સનાતનતા અને સામયિકતાના મણિકાંચન-યોગથી નિત્યનૂતનતા પાંગરે છે. ગ્રામ દક્ષિણામૂર્તિ-આંબલા તો આમ્રકુંજો વચ્ચે સોહંતી દશાંગુલ સંપુટશી નાની-શી શાળા. સાદાં-થોડાં-કાચાં મકાનો અને થોડા નીમપાગલો એ તેનો અસબાબ! પણ ત્યાંનું સર્જન, આનંદ અને મૈત્રીથી છલકતું વાતાવરણ જ અનોખું હતું. આંબલાનું શિક્ષણ એટલે જલસો ! બાળક કેન્દ્રમાં. તેનાં રસ અને રુચિ, તેનાં કુતૂહલ અને જિજ્ઞાસા, તેની સર્જનશીલતા અને મૌલિકતા, તેનાં તત્ક્ષણતા અને તત્પરતા કેન્દ્રમાં. બાળકની ભોમભીતરનો રસ, ખોજ અને સાહસને અનુકૂળ વાતાવરણ. ચાર દીવાલો વચ્ચેનું શિક્ષણ નહીંવત્. નાનાભાઈ તો કેળવણીના ઋષિ. તેમણે જે કેળવણીનું દર્શન આપ્યું તે અહીં પાયામાં હતું. દર્શક તેમની વાત આમ  મૂકતા : ‘નાનાભાઈ માટે કેળવણી એ મહાત્મા ગાંધીની સત્ય અને અહિંસાની શોધને શિક્ષણ ક્ષેત્રમાં કેમ લાગુ પાડવી તેની મથામણ હતી. એ કેળવણી કેવી હોય?’ દર્શક કહે છે : ‘એ કેળવણી જીવન સાથે નાડી સંબંધ ધરાવનારી હોય. તેમાં ઉત્પાદિત પરિશ્રમ, જ્ઞાન-વિજ્ઞાન અને કાવ્ય-સાહિત્યનો સમન્વય થયો હોય. તેમાં સહશિક્ષણ હોય, દંડને સ્થાન ન હોય. તેમાં વિદ્યાર્થી-અધ્યાપક વચ્ચે માત્ર સંપર્ક જ નહીં પણ કુટુંબભાવના હોય. તે વિદ્યાર્થીની રુચિ અને વયની જરૂરિયાતોને લક્ષમાં રાખીને ચાલતી હોય.

અભ્યાસની પ્રેરણા અંદરથી આવતી હોય. તે કોઈને આશરે ન હોય. તેમાં સૌથી નીચેની કક્ષાની કેળવણીમાં સૌથી ઉત્તમ માણસો અને ઉત્તમ સાધનો રોકાતાં હોય. સામાજિક અને અન્ય ઉચ્ચનીચના ભેદ-ભાવને તેમાં પ્રવેશ ન હોય.’ આવી કેળવણી આ દેશ માટે અમૃત સંજીવનીરૂપ બને.

‘માસ્તર ! આને ભણાવવો છે’ એમ કહી એક વૃદ્ધ માએ પોતાના પુત્રને અનિલભાઈને સોંપ્યો. ‘એનો બાપ જંગલમાંથી મધ, કેરડા લાવે, દાડીદપાડી કરે પણ આને ભણાવવો છે. લ્યો તમને સોંપ્યો. હું જાઉં છું ત્યારે. આ છોકરો તમને ભળાવ્યો !’

અને આ રીતે અનિલભાઈ પાસે બાળકો આવતાં રહ્યાં.

એક છોકરો સુખી કુટુંબનો, શહેરનો. 13-14 વર્ષનો. અનિલભાઈને સોંપતાં તેના પિતા કહે : ‘સાવ ઠોઠ છે, ભણતો જ નથી. આખો દિવસ રખડ્યા કરે છે. ટ્યુશન રાખ્યાં તો ય ભણતો નથી. ખાવા ન આપું, ઓરડીમાં પૂરી રાખું, કશી અસર જ નહીં. મીંઢો છે. સાવ મીંઢો, ઢોર જેવો !’

અનિલભાઈ કહે : ‘તમે એને અહીં મૂકી જાઓ. દસેક દિવસ પછી આવો ત્યારે ખ્યાલ આવશે કે તેને અહીં ફાવશે કે નહીં.’ પિતા તો હસમુખને સોંપીને જતા રહ્યા. પણ હસમુખ કોઈની સાથે ન બોલે. અનિલભાઈએ વાત કરવાનો પ્રયત્ન કર્યો તો ય અસહકાર જ. કંઈક તિરસ્કાર પણ ખરો. જમવાની ના. રમવાની ના.

પણ પછી તો હસમુખ સાચે જ હસ-મુખ બની રહ્યો. અનિલભાઈએ તેનાં રસ-રુચિ મુજબ તેની સર્જનશક્તિને આવિષ્કૃત કરી. તેને આનંદ આનંદ વરતાઈ રહ્યો. સુંદર-માર્ગદર્શક કથા છે.

જાતજાતનાં બાળકો. મારંમારી થાય. ચોરી થાય. કોઈ લાચાર બાળક, કોઈ એકલસૂરું, – કોઈ ભયભીત, હોય. પણ સર્જનશક્તિ, સ્વાવલંબન અને સ્નેહથી બાળકો નવજીવન પામ્યાં.

હંસા તો ચોથા ધોરણમાં. સૌથી નાની અને નબળું કાઠું. તેને રેંટિયા દ્વારા વસ્ત્ર સ્વાવલંબનમાંથી પ્રેરણા મળી કે ‘મારે તો મારા મોટાભાઈ માટે ખમીશ અને રુમાલ તૈયાર કરવાં છે.’ તેણે ગણતરી માંડી. રક્ષાબંધનને હવે આટલા દિવસ છે, દરરોજ 530 તાર કાંતવા પડે. હંસા એકધ્યાનથી કાંતે અને તેનું આયોજન પૂરું થયું. રક્ષાબંધનને દિવસે બહેને મોટાભાઈને પહેરામણી કરી !

આંબલા પ્રાથમિક શાળામાં વર્ગખંડોની કમી. બહાર ખુલ્લામાં ઝાડ નીચે બેસીને ભણવાનું. પણ પછી અનિલભાઈએ પ્રેરણા આપી તો સુંદર ચોરસ વાંસના લતામંડપ થયા. જમીન સફાઈ, પાયો ખોદવો, પથ્થર લાવવા, ચણવું, વાંસના વિવિધ આકાર કરવા, ફૂલછોડ વાવવાં – બધું જ બાળકોએ કર્યું ! પણ પછી બાળકોને થયું, બધી શાળામાં ઓરડા છે અને આપણે કેમ નહીં ? સહુ અનિલભાઈને કહે : ‘ગામની શાળામાં સરકારે ઓરડો બાંધી આપ્યો છે, તો અનિલભાઈ તમે સરકારને કહો ને કે આપણે ત્યાં ય બાંધી આપે.’ બસ, અનિલભાઈને કેળવણીનો મુદ્દો મળી ગયો. અનિલભાઈએ ભાવનગર જિલ્લા પંચાયતમાં બાળકો પાસે અરજી કરાવીને મોકલી, પણ એમ કંઈ મંજૂરી થોડી મળે ! આખરે બાળકો કંટાળ્યાં અને અનિલભાઈએ ખેલ પાડ્યો. બાળકો જ કહે, ‘અનિલભાઈ ! હવે સરકારની આશા છોડો, આપણે જ બાંધીએ તો કેમ ?’ અનિલભાઈ આ જ ક્ષણની રાહ જોઈ રહ્યા હતા. કેટલા ચોરસફૂટ જમીન જોઈએ, ક્યાં કરીશું, માટી ક્યાંથી લાવીશું, ઈંટ પાડવી, ચણવી …. કેટકેટલાં કામો ? અને 60’ x 40’માં બે ઓરડા બાળકોએ ચણ્યા ! ભૂગોળ, ઇતિહાસ, નાગરિક શાસ્ત્ર, ગણિત, વિજ્ઞાન, ઈજનેરી વિદ્યા, ભાષાઓ – શું શું ન શીખવા મળ્યું આ પ્રોજેક્ટથી !

વાલીઓને જરૂર હતી બાળકોને ટપાલ-લખતાં વાંચતાં આવડે અને હિસાબ રાખતાં આવડે તેની. અને તેમાંથી શરૂ થઈ પોસ્ટ ઓફિસ ! પ્રત્યેક શિક્ષકે વિદ્યાર્થીને પત્ર લખવાના અને વિદ્યાર્થી શિક્ષકને લખે. એક હોય પોસ્ટ માસ્ટર, એક હોય પોસ્ટ મેન ! ટપાલપેટીઓ લાગી ગઈ અને બાળકો ટપાલ લખતાં-વાંચતાં સરસ શીખી ગયાં. અને ગણિતને ‘નામાપ્રધાન ગણિતશિક્ષણ’માં ફેરવી નાખ્યું. રોજબરોજની આવક-જાવક, ખરીદ-ખર્ચ. બસ તેની નોંધ અને પછી નામું લખવાનું. તેમાંથી જ સરવાળા-બાદબાકી, ગુણાકાર-ભાગાકાર, નફો-તોટો કેટલું ય આવડી ગયું ! શિક્ષણને શી રીતે સમાજોપયોગી બનાવી શકાય તેની આ રીત. ગાંધીજીએ કહેલું : ‘જ્યાં સુધી હિંદુસ્તાનમાં નિશાળો અને આપણાં ઘરો વચ્ચે અનુસંધાન (અનુબંધ) નહીં હોય, ત્યાં સુધી નિશાળિયાવ ઉભયભ્રષ્ટ થશે.’ અનિલભાઈએ સહજતા-સ્વાભાવિકતામાં કુતૂહલ-વિસ્મય, હૃદયના ભાવો ઉમેરીને આ કાર્ય કરી બતાવ્યું. બાળકોમાં આ ભાવો પ્રધાનપણે છે જ, અનિલભાઈએ તેનો વર્તમાનમાં, કેળવણીમાં સરસ વિનિયોગ કર્યો.

શિક્ષણના આ પ્રયોગોની અજીબોગરીબ દાસ્તાં છે. દીકરો ચૈતન્ય સાવ નાનો. પહેલા કે બીજા ધોરણમાં. ત્યાં મીનાને તેણે ધક્કો માર્યો, મીના પડી અને થોડું વાગ્યું. અનિલભાઈને ખબર પડી. ચૈતન્ય તો દોડતો દોડતો આવે, બાપુજી હમણાં તેડી લેશે. પણ બાપુજી કહે : ‘તારી સાથે હું નથી બોલતો !’ અને તેમાંથી ચૈતન્યને શિક્ષણ આપ્યું કે આ રીતે ધક્કો ન મરાય. અને જા, મીનાને કહી આવ કે ‘હવે હું આવું નહીં કરું.’

સ્વાવલંબનના પણ કેટકેટલા પ્રયોગો ! છાત્રાલય પાસે જ ઊબડખાબડ જમીન હતી. અનિલભાઈની સર્જક દૃષ્ટિએ તે જોઈ લીધું. તેમણે બાળકો દ્વારા જમીનને નવસાધ્ય બનાવી અને લીલી નાઘેર રચી દીધી ! મકાઈના ડોડા, કાકડી, ટામેટાં, રીંગણાં, વાલોળ, દૂધી-તુરિયાં ખાધાં ન ખૂટે ! તેમાં ખાતર નાખવું, ગોડ કરવી, ક્યારા કાઢવા, વાવણી-રોપણી, નિંદવું-પારવવું, પાણી વાળવું – બધાં કામો વિદ્યાર્થીઓ કરે અને સાથે સાથે ગણિત-વિજ્ઞાન, ઇતિહાસ, ભૂગોળ, ભાષા, પર્યાવરણ બધું પામતાં રહ્યાં. ત્યાં એક વખત પપૈયાં વાવ્યાં અને અઢળક થયાં. બાળકોએ પેટ ભરીને ખાધાં અને પછી હિસાબ માંડ્યો તો લાગ્યું કે બજારભાવે તો આપણને ખોટ ગઈ ! ખાતર, પાણી, બિયારણ અને શ્રમનાં કલાકો બધું ગણતાં ! ભલે આર્થિક ખોટ ગઈ પરંતુ શીખવાનું મળ્યું અને સર્જનનો-ઉત્પાદનનો-સ્વાશ્રય અને સ્વાવલંબનનો જે આનંદ માણ્યો તે જુદો ! કેટકેટલી કેળવણી થઈ, કૌશલ્યો કેળવાયાં તેનો હિસાબ કેમ માંડવો ?

છબિ સૌજન્ય : "કોડિયું", ઑગસ્ટ 2019

અનેક અનેક પ્રસંગોને, બાળકોની કલ્પનાને, તેમની ઇચ્છાઓ અને જરૂરતોને અનિલભાઈએ કેળવણીમાં ફેરવ્યાં છે. કોઈ બાળક વેકેશનમાં ગામમાં આઈસ્ક્રીમ બનતો જોઈને આવે અને આંબલાના અંબર ચરખાની પૂણી માટેના સાધન બેલણીમાં તેનો પ્રયોગ કરે, અનિલભાઈ ઉત્તેજન આપે, ખામી સમજાય અને તેનું સંશોધન ચાલે અને છેવટે સફળ થાય! લક્ષ્મણ નામનો વિદ્યાર્થી ત્યાં ભણતી વખતે વાયરિંગ શીખ્યો અને પછી ભણીને મોટર બાંધવાનો અને આગળ વધીને મોટર બનાવવાનો ઉદ્યોગ જ શરૂ કર્યો અને તેમાં નામના મેળવી.

એવો જ પ્રયોગ છાયા નાટકનો. ગામમાં ભવાયા આવ્યા. બાળકોને થાય આપણે જોવા જઈએ. અનિલભાઈએ છાયા નાટક દ્વારા રામાયણ ભજવવાની વાત કરી, અને પછી તો નાની હોડી બની, તીર-કામઠાં બન્યાં. નાનાં-નાનાં બાળકો રામ-લક્ષ્મણ-સીતા બન્યાં. કોઈ હનુમાન તો કોઈ વાનરસેના ! પડદો સિવાયો, તેની પાછળ પ્રકાશની એવી ગોઠવણ કે દૃશ્ય છાયાચિત્ર રૂપે પ્રેક્ષકોની સામે ઊપસે ! કેટકેટલું શીખવા મળ્યું ? ક્ષેત્રફળ કાઢવું, માપણી કરવી, સ્કેલ માપ, સુથારીકામ, દરજી કામ સાથે રંગકામ અને કળા-સંગીત-નૃત્ય. ઇતિહાસનું જ્ઞાન, સંસ્કૃતિ અને ભાષાનું જ્ઞાન. સમગ્ર શાળા આ સર્જનયાત્રામાં જોડાય. પ્રત્યેક ઘટના કે પ્રસંગ કેળવણી કેવી રીતે આપી જાય તે શોધી કાઢવું એ અનિલભાઈની વિશેષતા. ડૉ. અરુણભાઈ દવે અનિલભાઈના વિદ્યાર્થી. તેઓ લખે છે : ‘આનંદ, મોજ અને રચનાત્મક સર્જનશીલતા જ્યારે ઉત્પાદક બની જાય ત્યારે તેમાંથી સમગ્ર વિશ્ર્વના, માનવજાતના પ્રશ્નો ઉકેલી શકાય તેવી સક્ષમ કેળવણીનો જન્મ થાય છે.’ આગળ લખે છે : ‘હું બાલમંદિરથી ડોક્ટરેટ સુધીનું ભણ્યો, ભારતની પંદર પૈકી એક એવી રાષ્ટ્રીય સંશોધન સંસ્થામાં પણ અભ્યાસ કર્યો. અમેરિકા, ઈઝરાયેલ, યુરોપ-આફ્રિકાના દેશોમાં જવાનું થયું. ઘણાં બધાં શિક્ષકો, પ્રોફેસરો, વિદ્વાનો, અનુભવીઓ, તજ્જ્ઞોના સંપર્ક-પરિચયમાં આવવાનું થયું છે – આ બધામાં મને કોઈ એક શિક્ષક વધારે જીવંત અને રુંવાડે રુંવાડે શિક્ષક લાગ્યો હોય તો તે છે અનિલભાઈ ભટ્ટ !’

અનિલભાઈએ અમદાવાદની શ્રેયસ શાળાના વિવિધ દેશ-પ્રદેશના મેળા જોઈ આંબલા પ્રાથમિક શાળામાં પણ તે પરંપરા શરૂ કરી. જે દેશ કે પ્રદેશનો મેળો હોય, તેને સમગ્ર રીતે જીવતો કરવાનો. લોકજીવન, ભાષા, સંસ્કૃતિ, ભૂગોળ, ઇતિહાસ, કવિઓ, લેખકો, સંતો-મહાપુરુષો, મંદિરો-સ્થાપત્યો : બધું જ. એક વર્ષે મૈસૂરનો મેળો, આજનું કર્ણાટક. રમેશભાઈ વીરમગામી ત્યાં શિક્ષક અને તેમની ટીમને ભાગે મૈસુરના ભવ્ય શિલ્પ બાહુબલીનું સર્જન કરવાનું આવ્યું હતું. તેઓ લખે છે : ‘ધોરણ 6-7ના વિદ્યાર્થીઓ છગન, તુલસી, રઝાક વગેરેએ શિલ્પના સાહિત્યનો અભ્યાસ શરૂ કર્યો. ભારતમાં મૈસુર ક્યાં, એમાં હળેબીડ બેલુર ટેકરી પર આવેલા બાહુબલી કોણ, એ મૂર્તિની ઊંચાઈ-પહોળાઈ વગેરેનો અભ્યાસ કર્યો. હવે તે મૂર્તિ બનાવવાની. તેનું સ્કેલમાપ કાઢ્યું. અઠ્ઠાવન ફૂટની મૂર્તિ નવ ફૂટમાં સમાવવાની. રાત જાગી તે બનાવી અને સવારે જોવા ગયા તો બાહુબલી પડી ગયેલા ! અનિલભાઈને વાત કરી, તે સમજાવે છે : શરીરમાં હાડકાં, પાંસળાં ન હોય તો તે ટટ્ટાર રહે ખરું ? આપણે બાહુબલીના શરીરમાં વાંસ-લાકડાનું માળખું ઊભું કરીએ તો કેમ ? પછી માળખું ઊભું કરીને આસપાસ ગારો ચડતો ગયો અને મૂર્તિ તૈયાર થઈ ત્યારે સર્જકતાનો સાચો આનંદ બાળકોની નસેનસમાંથી નીતરતો હતો !

જાપાનના મેળાની વાત પણ આંતરરાષ્ટ્રીય સમજ અને એકતા માટે મહત્ત્વની બની રહી. તેને માટે ભારત ખાતેના જાપાનના પ્રતિનિધિઓને આમંત્રણ અપાયું. સાદો છતાં પ્રભાવક અદ્ભુત મેળો. જાપાની મહેમાનોનું તેમના રાષ્ટ્રગીતથી વિદ્યાર્થીઓએ સ્વાગત કર્યું. એ પહેરવેશ અને માહોલ. આવેલ પ્રતિનિધિઓ ગદ્ગદ. આંખો છલકાઈ ઊઠી.

એવો જ પંજાબનો મેળો. થોડાં વર્ષો પછી અમૃતસરના સુવર્ણ-મંદિર પર બોમ્બ પડ્યો અને પંજાબના મેળામાં સુવર્ણમંદિર બનાવનારી બાળકી ઘવાઈ ઊઠી : ‘મારા સુવર્ણમંદિર પર બોમ્બ પડ્યો છે !’

દર્શકે કહેલું : ‘અનિલે આ શાળાને વિવિધ પ્રવૃત્તિઓ અને પ્રયોગો દ્વારા નમૂનેદાર બનાવી, હું કેળવણીકાર ખરો પણ શિક્ષક તો અનિલ જ. તે નસીબદાર શિક્ષક છે.’

અનિલભાઈના પ્રયોગોની લાંબી યાદી થાય તેમ છે. શાળા પંચાયતો અને તે દ્વારા લોકશાહીની, નાગરિકતાની કેળવણી, સૂતર કેન્દ્ર દ્વારા જરૂરી વસ્તુઓ મેળવવી અને બેન્કિંગનો અનુભવ, રીસાઈકલીંગ કરવું, ઉત્સવોની ઉજવણી, પગપાળા પ્રવાસો, પૂનમની ગરબી અને સમૂહભોજન, સાંસ્કૃતિક કાર્યક્રમો, ગ્રામશિબિર, ખજાનાની શોધમાં, બીડમાં બોર ખાવા અને ધોધમાં નહાવા જવાનું, દાંડિયા રાસ, નૃત્ય નાટિકાઓ, ભાષાશિક્ષણ, પુસ્તક પરિચય, અને વાંચન, સ્વાધ્યાય, પરીક્ષાને બદલે મહાસ્વાધ્યાય, સ્વાવલંબનના પ્રયોગો – પ્રયોગો જ પ્રયોગો. આ બધા વચ્ચે શાલેય શિક્ષણ પણ ચાલ્યું જ. સાથે સાથે બાળકોમાં રહેલી શક્તિઓ – સર્જનશક્તિ અને સામાજિકતાનો વિકાસ, અનુભવ અને અનુબંધ દ્વારા કેળવણી. પગાર, સલામતી, ઇન્ક્રીમેન્ટ, સમય કે સિન્યોરિટીની કોઈ વાત નહીં. બસ, કેળવણીને સમર્પણ. અનિલભાઈને ય પરિવાર હતો, જરૂરિયાત હોય જ પણ ક્યારે ય તેવી વાત નહીં. ત્યાં ભણેલા દિનેશ સંઘવી નોંધે છે : ‘એમના ઘરની તેઓ કેવી અને કેટલી ચિંતા કરતા એ તો રામ જાણે, પણ છાત્રાલયમાં બાળકોને દૂધ અને છૂટથી ગોળ મળે તે માટે સદા ચિંતિત. દૂધ ને દૂધની મીઠાઈ ઉપરાંત ગોળ-ઘી આખું ય વર્ષ અખૂટપણે ચાલ્યા કરે. આ લખનારે પણ ત્યાં શિક્ષણ લીધું છે, અને ખૂબ વાંચ્યું, માણ્યું છે. આજે શિક્ષણકારો જીવનશિક્ષણની વાત કરે છે, આંબલામાં તો એ સિવાય કાંઈ નહોતું જાણે !

આવા અનિલભાઈને કોઈએ કસબી કહ્યા, તો કોઈએ જાદુગર. રમેશભાઈ વીરમગામી કહે છે, ‘તેઓ મારા ઘડતર સ્વામી’ હતા. મનસુખભાઈ સલ્લા તેમને ‘પ્રયોગધર્મી જન્મજાત શિક્ષક’ તરીકે ઓળખાવે છે. તો યોગેશભાઈ ભટ્ટ કહે છે, ‘અનિલભાઈ એટલે શિક્ષણ ત્રિવેણી સંગમના સમન્વયી નવોન્મેષી તીર્થયાત્રી.’ છ દાયકા સુધી સાથે કામ કરનાર લાલજીભાઈ નાકરાણી તેમને ‘આંતરબાહ્ય શિક્ષક’ કહે છે. તો મીરાબહેન ભટ્ટ ‘માળી જેવા શિક્ષક’ કહે છે. નયનાબેન શાહ તેમની પાસે સીધાં ભણેલાં ન હોવાથી પોતાને ‘અનિલભાઈની જીવનશાળા વિદ્યાર્થિની’ તરીકે ઓળખાવે છે. હાજીભાઈ બાદી ‘બાળશિક્ષણના મારા દીક્ષાગુરુ’ કહી એક પ્રસંગ ટાંકે છે : "એક દિવસ શ્રમ કરીને આવતાં જોયું કે અનિલભાઈએ મધુબહેનની સાડીમાંથી એક નાનકડી ઝૂંપડી બનાવી હતી. વિગત જાણતાં ખ્યાલ આવ્યો કે પૌત્રી કૂજનનો આજે જન્મદિવસ હોઈ દાદાએ દીકરી માટે નાનકડી ઝૂંપડી બનાવી છે ! બાળકોને આ રીતેય વહાલ કરી શકાય તે શીખવા મળ્યું.” કેળવણીમાં આંતરિક આનંદ પ્રાણરૂપ છે. સત્ય, શિવ, સુંદર અને આનંદ એ જ કેળવણી.

આંબલાની શાળામાં કોઈ નિયત પાઠ્યપુસ્તકો નહીં, બેલ પડે ને વર્ગ બદલાય તેવું ય નહીં, પરીક્ષા જ નહીં તો ચોરી કેવી ?

તો, આવા અનિલભાઈનું કેળવણીનું દર્શન શું હતું ? તેમણે પોતાના પુસ્તક ‘મુક્તશીલા કેળવણી'માં વિગતે તે વિચારો અને પોતાના અનુભવો આપ્યા છે. ગાંધી તો એમના માટે શ્રદ્ધા સ્થાને – પ્રેરણાપુરુષ હતા જ, પણ તેઓ ઘડાયા હતા અને પુષ્ટ થયા હતા નાનાભાઈ, ગિજુભાઈ, હરભાઈની ધારામાં અને પછી દીક્ષિત થયા હતા મનુભાઈ, મૂળશંકરભાઈ અને બુચભાઈની ધારાથી. દર્શક કહેતા : ‘નઈ તાલીમનાં બે માધ્યમો  સમાજ અને ઉદ્યોગ.’ પછી દર્શક આગળ કહે છે કે ‘બહુ ઓછા લોકોએ તેની શક્તિ પિછાણી છે.’ અનિલભાઈએ તેની શક્તિ પિછાણેલી અને તેમણે સમાજ-ઉદ્યોગમાં કેળવણી સાથે ખોજનું અને મોજનું તત્ત્વ ઉમેરેલું. ‘આનંદ વિના, સાહસ વિના કેળવણી નથી. તે જ તેનો પાયો છે અને પ્રાણ છે.’ અનિલભાઈની આ વાત જેમણે અનુભવી હોય તે જ જાણે. અનિલભાઈએ કહેલું : ‘સેવી તો છે મનુષ્યની અંદર પડેલી ચેતનાને, રચનાત્મક સર્જન કરવાની વૃત્તિને, ને તેને જ કેળવણીનું માધ્યમ માન્યું છે.’ તેઓ ‘જીવન સાથે કેળવણીને જોડવા’ ઇચ્છે છે અને ‘બાળકોને પ્રકૃતિ, સમાજ તેમ જ રોજનાં સમાજોપયોગી કાર્યો સાથે જોડી આનંદપૂર્વક જીવન જીવવાની કળા આપવા’ ઇચ્છે છે. અનિલભાઈ ઉમેરે છે. ‘આ પ્રયોગ(નઈ તાલીમ)માં મારો વિશ્વાસ દૃઢ થયેલો છે.’ અનિલભાઈએ કેળવણી અંગે તલબગાહી વાંચ્યું છે અને ઊંડાણથી વિચાર્યું છે. તેઓ કેવળ પ્રયોગવીર હતા તેમ કહેવું તે અધૂરું ગણાશે. તેઓ નઈ તાલીમના, જીવનની કેળવણીના ચિંતક પણ હતા. એટલે તેમના પ્રયોગોની પાછળ એક દર્શન હતું, એક સમજ હતી. તે વિચારને અમલીકૃત કરવા માટેનું માધ્યમ તેમના વિવિધ પ્રોજેક્ટ્સ – પ્રયોગો હતા.

અનિલભાઈએ કેળવણી અંગે વ્યાખ્યાનો આપ્યાં છે અને લખ્યું પણ છે. તેમની પ્રસિદ્ધ વ્યાખ્યાનમાળા ‘નિર્ભયતા, અનુભૂતિ અને સર્જન’ એ કેળવણીએ જે કામ કરવા જેવું છે તેનો પાયો છે. કેળવણીની બુનિયાદ છે આનંદ. નિર્ભયતા, અનુભૂતિ અને સર્જનના ત્રિરત્નમાં અનિલભાઈએ કેળવણીનું આગવું દર્શન આપ્યું છે. અનિલભાઈનાં આ વ્યાખ્યાનો પૂરાં થયા પછી એ સમયના લોકભારતીના નિયામક કુમુદભાઈએ પૂછેલું, ‘તમારી વાત તો સાચી, પણ ચાલુ કેળવણીમાં આ નિર્ભયતા, અનુભૂતિ અને સર્જન આવે કેમ ?’ અનિલભાઈએ જાણે પગથિયાં ઊતરતાં ટૂંકો જ જવાબ આપેલો : ‘પ્રયોગો, પ્રયોગો, સતત પ્રયોગો.’

નિર્ભયતા એટલે સ્વનિયમન અને સ્વાધિનતા. દર્શક એવોર્ડ સ્વીકારતી વખતે તેમણે કહેલું, ‘ગિજુભાઈએ ભય, લાલચ, સ્પર્ધા સિવાય સર્જન અને સ્વનિયમન દ્વારા નવા શિક્ષણની કેડી કંડારી આપી છે. તેનાં મીઠાં ફળ શિક્ષક જીવનમાં મેં અનુભવ્યાં છે.’ પ્રવૃત્તિ દ્વારા ‘સ્વાધીનતા’ અને ‘આનંદ પ્રાપ્તિ’ની વાત મોન્ટેસરીએ કરી જ હતી. તેને જ અનિલભાઈએ માધ્યમ બનાવ્યું અને ‘આનંદ એ તેનો પાયો છે, પ્રાણ છે’ તેમ સમજાવ્યું.

નિર્ભયતા, અનુભૂતિ અને સર્જનનું શિક્ષણ શબ્દથી ન આપી શકાય. એવોર્ડ સ્વીકારતાં આગળ કહેલું, ‘ચાલુ શિક્ષણ તો શબ્દ ઉપર બધો મદાર રાખી કેળવણી આપવા મથે છે. તેમાં પરિવર્તન કર્યા વગર કેળવણી બોજરૂપ રહેવાની. ભાર વગરનું શિક્ષણ કરવું હોય તો કેળવણીએ આચરણ અને અનુભૂતિને કેન્દ્રમાં લાવવાં પડશે.’ પછી મહત્ત્વની વાત ઉમેરતાં કહે છે કે, ‘સાથોસાથ શબ્દ પહેલાં અનુભવને મૂકવો પડશે. કારણ કે શબ્દ જેનું પ્રતીક છે તે પદાર્થ, ભાવ કે ઘટનાનો ‘અનુભવ’ તે પહેલી જરૂરી વસ્તુ છે. ‘અનુભવ’ વગરનો ‘શબ્દ’ તે માત્ર તૂંબડીના કાંકરા જ રહેવાના.’

શાંતિનિકેતનના આચાર્ય ક્ષિતિબાબુના એક કથનનો ઉલ્લેખ મનુભાઈ કરતા રહેતા : ‘આપણા દેશની સમસ્યા શી છે ?’ ક્ષિતિબાબુએ કહેલું : ‘જ્યાં જીવન છે ત્યાં શબ્દ નથી અને શબ્દ છે ત્યાં જીવન નથી.’ એટલે મનુભાઈએ સૂચવેલું : ‘આનો સાર એ છે કે બાળકને પ્રાથમિક શિક્ષણમાં બને તેટલા અનુભવો આપવાનું ગોઠવીએ.’

આ નિર્ભયતા, અનુભૂતિ અને સર્જન માટે અનિલભાઈએ પ્રયોગો કર્યા. ગાંધીજીએ કેળવણીના ત્રણ પાયા પ્રબોધેલા. પ્રકૃતિ – કુદરત, સમાજ અને ઉદ્યોગ. ગાંધીજીનું આ દર્શન ટુકડા ટુકડામાં, ખંડ ખંડમાં સમજાયું અને ક્રિયામાં મુકાયું અને તેથી લક્ષ્ય ચુકાયું. આંબલાના શિક્ષણમાં આ ત્રણેયનો અદ્ભુત સમન્વય હતો. આંબલામાં તો કેવો શ્રમ ? ખેતી, ગૌશાળા, મકાન બાંધકામ – જમીન સમથળ કરવી, વાવવું, વાઢવું, લણવું, ઉપણવું ! વૃક્ષોનાં ખામણાં કરવાં, પ્રુનિંગ કરવું, જાતજાતનું કામ. પણ અનિલભાઈએ આ કાર્યોમાં ‘સર્જન’, ‘શિક્ષણ’, અને ‘ખોજ’નું તત્ત્વ એવું તો ઉમેરેલું કે કામ કરનારને કદી થાક નથી લાગ્યો. શિક્ષકો સાથે ને સાથે. અને આ શ્રમ-ઉદ્યોગો દ્વારા જે શીખવાનું મળે, નિર્ભયતા – આત્મવિશ્વાસ આવે તે અન્યથા ન આવે. ઉદ્યોગ દ્વારા કેળવણીનો અનુભૂત – અદ્ભુત પ્રયોગ ત્યાં ચાલ્યો. આ શ્રમ પણ ઉત્પાદક અને સમાજોપયોગી. અનિલભાઈએ લખ્યું છે : ‘ઉદ્યોગ પ્રવૃત્તિને હું સર્જન કહું છું. અને તેને કેળવણી સાથે જોડવા મથ્યો છું. વિદ્યાર્થી સ્વાશ્રયી બને તે પ્રક્રિયા જ ખુમારી પેદા કરે છે. આ પ્રક્રિયાથી વિદ્યાર્થીની અંદરની ઊર્જાને સર્જનમાં પલટાવી શકાય છે. વિદ્યાર્થીઓને પોતાની જાત વિશેનો આત્મવિશ્વાસ આપી આનંદપૂર્વક જીવતો કર્યો છે.’

અનિલભાઈએ શ્રમનો વિદ્યાર્થીની કેળવણી માટે વિશિષ્ટ રીતે વિનિયોગ કર્યો, તેવો જ છાત્રાલય જીવનનો-સમૂહજીવનનો કર્યો. છાત્રાલય એ પણ નઈતાલીમનો મહત્ત્વપૂર્ણ પાયો. વિદ્યાર્થીઓને સહજીવન, સમૂહ જીવન, સમાજ જીવનનો અનુભવ છાત્રાલય દ્વારા મળે. સ્વાશ્રય અને સ્વાવલંબનનાં કૌશલ્યો, સંસ્કારો અને મૂલ્યો વ્યક્તિગત તેમ જ પ્રજાજીવનમાં અનિવાર્ય છે. આંબલાનું છાત્રાલય એટલે પરિવાર જીવન જ. પરિવારના જ ભાવ, મૂલ્યોને કેળવણીમાં સંક્રાંત કરવાનાં. પરિવાર એટલે કાળજી, ચિંતા, વિશ્વાસ, ભરોસો, હેત, હૂંફ, સ્વીકાર, સ્વતંત્રતા, પરસ્પરાવલંબન.

કોઈ ઔપચારિકતા, કૃત્રિમતા નહીં. સહજતા અને સાદગીનું સૌંદર્ય. એકલી ચડ્ડી પહેરીને રખડી શકાય. ભણવા બેસી શકાય ! એમાં કશું અજુગતું, અનુચિત લાગે નહીં. નાહવા માટે બાથરૂમ નહીં, સ્નાન ઘાટ પર જવાનું અને ત્યાં જ કપડાં ધોવાનાં. જીવન એટલે જ સંબંધો. દૃષ્ટિપૂર્વક ચાલતું છાત્રાલય એ સંબંધોની કેળવણી આપી રહે. નાનાભાઈએ કહેલું, ‘આપણે પશુ મટી વધારે ઊંચા માણસ થવાનું છે.’ કેળવણી દ્વારા આ જ કાર્ય કરવાનું રહે અને તે માટે સાથે રહેતા શીખવું પડે. વિદ્યાર્થી- વિદ્યાર્થી વચ્ચે, વિદ્યાર્થી-શિક્ષક વચ્ચે, વિદ્યાર્થી-વાલી વચ્ચે પ્રેમનું, અભયનું સામ્રાજ્ય નહીં હોય તો મોન્ટેસરી કહેતાં હતાં તેવો ‘ડંખ વગરનો માણસ’ પેદા નહીં કરી શકે. છાત્રાલય એટલે વ્યાપક બૃહદ્દ પરિવાર જીવન. આપણા જીવનનો, સંસ્કૃતિનો પાયો પરિવાર છે. કેળવણી દ્વારા આ પરિવારભાવને જ પુષ્ટ કરવાનો છે અને તેની બુનિયાદ છે સ્નેહ, સ્વતંત્રતા, વિશ્વાસ, સર્જનાત્મકતા, સ્વાવલંબન.

આંબલા પ્રાથમિક શાળામાં પરિવારનું જ વાતાવરણ અને તેને પુષ્ટ કરવામાં અનિલભાઈનાં પત્ની સ્વર્ગસ્થ મધુબહેનનું મહત્ત્વનું યોગદાન. ભરતભાઈ ભટ્ટ લખે છે : ’અનિલભાઈ-મધુબહેને પોતાની ગૃહસ્થીને સંસ્થામાં એકરૂપ કરી દીધી હતી’. અનિલભાઈ હલકથી ભાવભરી રીતે ગાય અને મધુબહેન પણ. આંબલા પ્રાથમિક શાળામાં ગીત-સંગીતનું સુંદર વાતાવરણ મધુબહેનને લીધે. બુચભાઈએ નોંધ્યું છે : ‘અનિલભાઈ-મધુબહેનનાં બાળકો અને તેમના વિદ્યાર્થીઓ વધુ સ્વસ્થ અને સમતોલ બન્યાં – રહ્યાં હોય તો તે અનિલભાઈ અને મધુબહેનના સ્વસ્થ, સહકારભર્યા, સહજીવનના પરિણામે.’ અનિલભાઈના સાથી શિક્ષક ફાજલભાઈ લખે છે : ‘અનિલભાઈ અને મધુબહેન પાસેથી હું અને જેનબ ઘડાયાં.’

અનિલભાઈનું મહત્ત્વનું પ્રદાન એટલે કેળવણીનું તેમનું આ દર્શન – ચિંતન અને તેને ધરાતલ પર લાવવા પ્રયોગો-પ્રવૃત્તિઓ. તેની બહુ થોડી વાત અહીં મૂકી છે. આ લખનાર દ્વારા સંપાદિત અને ગ્રામદક્ષિણામૂર્તિ આંબલા દ્વારા પ્રકાશિત અનિલભાઈના કેળવણીવિષયક લેખોનો ગ્રંથ ‘મુક્તશીલા કેળવણી’ અને અનિલભાઈના પ્રયોગોના સાક્ષીઓએ તેમના વિશેના લેખોનો ગ્રંથ ‘હૃદયકોષે અનિલભાઈ’ વાંચવા વિનંતી છે. અનિલભાઈ 1962માં ગ્રામ દક્ષિણામૂર્તિ આંબલાના ઉપનિયામક અને એ જ વર્ષે જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ ભાવનગરના અધ્યક્ષ પદે રહ્યા. સાથે ‘કોડિયું’ માસિકના સંપાદક અને ગુજરાત નઈતાલીમ સંઘના મંત્રી બન્યા. 1970માં તેઓને ગ્રામદક્ષિણામૂર્તિનું નિયામક પદ સોંપ્યું. 1978થી 10 વર્ષ લોક વિદ્યાલય માતૃધારાના સંચાલક રહ્યા. 1997માં ગુજરાત નઈ તાલીમ સંઘના પ્રમુખ બન્યા અને તે જ વર્ષે તેમને દર્શક એવોર્ડ મળ્યો. 2007 પછી સંસ્થાગત પદો, વૈધાનિક કાર્યોમાંથી નિવૃત્તિ લીધી. પણ પોતાની રીતે પ્રવૃત્ત રહે. વચ્ચે-વચ્ચે થોડાં વર્ષ લોકભારતીના મેનેજિંગ ટ્રસ્ટી પણ રહ્યા. અને આ બધી સંસ્થાઓના ટ્રસ્ટી તરીકે તો સેવા આપતા જ રહ્યા.

શિક્ષક થવું અને હોવું એ જ જબરું ઉત્તરદાયિત્વ છે. અનિલભાઈએ પણ લખ્યું છે : ‘જેને સારું ભણાવવું છે તેણે સતત ભણતાં રહેવું જોઈએ.’ અને તેમણે અન્યત્ર કહેલું તેમ : ‘નઈતાલીમ માટે પરીક્ષાના ગુણ કરતાં નઈતાલીમનું જીવન જીવતા હોય તેવા શિક્ષકો જરૂરી છે. અનિલભાઈમાં નમ્રતા અને સહૃદયતા એવાં કે પોતાનો ઢોલ પીટવામાંથી સદાય દૂર રહ્યા. જીવન દ્વારા જીવનનું શિક્ષણ અને તે સચ્ચાઈ, સહજતા, સમભાવ અને સ્વાચરણ વિના સંભવે નહીં. અનિલભાઈએ પૂરી નિષ્ઠા અને નિસબતથી લગાવ અને લાગણીથી, પૂરા હૃદય ભાવે સમર્પણ ભાવે બુનિયાદી પ્રાથમિક કેળવણીની ઉપાસના કરી. તેમનો હૃદયધર્મ જ કેળવણી. એક શ્રદ્ધાપૂર્વક, સમજણપૂર્વક અને સાતત્યપૂર્વક કરેલા પ્રયોગો અને તેનાં મેળવેલાં સુખદ પરિણામોની આ દાસ્તાન કેળવણીની સંભાવના અને ખોજને, ખોજ અને ઉજાસને, ભીતરી શક્યતા અને શક્તિને ઉપસાવી શકશે; તેમ જ ધરપત, હિંમત, વિશ્વાસ અને પ્રેરણા આપશે. કેળવણી આખરે તો જાત અને જગત સાથે, ખંડ અને અખંડ સાથે સ્વ-પર અને પરમ સાથે જોડતી અવિરત યાત્રા છે. અનિલભાઈની એ યાત્રા અદીઠ રીતે દક્ષિણામૂર્તિથી શરૂ થઈ અને પ્રત્યક્ષ રીતે ગ્રામદક્ષિણામૂર્તિમાં વિરમી. ક્યાંક વાંચેલું : ‘જીવવું બહુ સહેલી વાત છે, પણ કોકને જ જીવતાં આવડે છે. મોટાભાગના માત્ર શ્વાસ લે છે.’

એક જીવંત શિક્ષક અને કેળવણીના આચાર્યને, મારા તો ગુરુને હૃદયથી શ્રદ્ધાપૂર્વક આદરાંજલિ.

e.mail : rameshmsanghvi@gmail.com

(રમેશભાઈ સંઘવી, “શાશ્વત્‌ ગાંધી” સામિયકના તંત્રી છે તેમ જ ભુજસ્થિત ‘અક્ષરભારતી પ્રકાશન’ના કેન્દ્રસ્થ આગેવાન છે.)

સૌજન્ય : ભૂદાનમૂલક ગ્રામોદ્યોગપ્રધાન અહિંસક ક્રાંતિનું પાક્ષિક મુખપત્ર, “ભૂમિપુત્ર”, વર્ષ 66, અંક 22, 01 ઑગસ્ટ 2019; પૃ. 12 – 17, તેમ જ પાન 20 

Loading

5 September 2019 admin
← ‘વંદે માતરમ્‌’ ઇતિહાસ અને વર્તમાન
Icons and Ideology of Religious Nationalism →

Search by

Opinion

  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?
  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved