Opinion Magazine
Number of visits: 9507882
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બરફનો પહાડ થઈ મારા પર વહી જાજે, હું ક્યાં કહું છું કે મારામાં ઓગળી જાજે

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|5 September 2019

હૈયાને દરબાર 

બરફનો પહાડ થઈ મારા પર વહી જાજે,
હું ક્યાં કહું છું કે મારામાં ઓગળી જાજે… !

અદ્ભુત, લાજવાબ અને 'મસ્ટ સી' એવા નેધરલેન્ડ(હોલેન્ડ)ના વાઈબ્રન્ટ શહેર એમસ્ટર્ડમની ચકાચૌંધ રોશની રેડ લાઈટ ડિસ્ટ્રિક્ટમાં પ્રવેશતાં ઓર રંગીન બની રહી છે. રેડ લાઈટ એરિયાનું નામ સાંભળીને ચોંકી ન જતાં. પ્રોસ્ટિટ્યુશન એ અહીં લીગલ છે, કાયદાકીય વ્યવસાય! પારદર્શક કાચની ફ્રેન્ચ વિન્ડોઝમાંથી કાચની પૂતળી જેવી ગોરી કમનીય કાયાઓ સ્ટ્રીટમાંથી પસાર થતા પ્રવાસીઓને માદક ઈશારા કરી આકર્ષી રહી છે. સૈકાઓ પહેલાં કાયદા હેઠળ સમાવી લેવાયેલા વેશ્યા વ્યવસાય અને એમસ્ટર્ડમ ટુરીઝમના આ એક અભિન્ન એરિયા વિશે વિચારીએ તો ડચ પ્રજાના ઉદાર અભિગમ(લિબરલ એટિટ્યુડ)ને સરાહવાની ઇચ્છા થાય. રેડ લાઈટ ડિસ્ટ્રિક્ટની ગાઈડેડ ટુર તમે લો તો આ વિસ્તાર અને આ વ્યવસાયની ચોંકાવનારી વિગતો જાણવા મળે. ગુલાબી હોઠ, ઉજળી કાયા અને મોહક સ્મિત તો આ રૂપજીવીનીઓના જીવનની એક જ બાજુ દર્શાવે છે. એની ડાર્ક સાઈડ વિશે એક આખો જુદો લેખ લખવો પડે.

પરંતુ, એમસ્ટર્ડમના આ રંગીન ઝળહળાટની વચ્ચે અચાનક જવાહર બક્ષીની રૂપજીવિનીની એક અદ્ભુત ગઝલ સાંભરે છે. એ ગઝલ આખી જ અહીં રજૂ કરવી પડે. તો જ એ સ્ત્રીઓની વેદના તમારા સુધી પહોંચે :

એક અણસારનો પડદો છે ને ઘર ખુલ્લું છે
રોજ બત્તીનો સમય છે અને અંધારું છે.

ભૂખરાં વાદળો સાથે કરો તારા-મૈત્રી
ક્યાં કોઇ ખાસ પ્રતીક્ષામાં ભીંજાવાનું છે

ખીણમાં રોજ ગબડવાનું છે ખુલ્લી આંખે
ને ફરી ટોચ સુધી એકલા ચડવાનું છે

કોઇ પછડાટ નહીં, વ્હાણ નહીં, ફીણનહીં
સંગે-મરમરની લહેરોમાં તણાવાનું છે

આ નગરમાં તો સંબંધોના ધૂમાડા જ ખપે
અહીં ઊર્મિ તો અગરબત્તીનું અજવાળું છે

*****

આહા, આ મક્તા તો વાંચો ફરીથી! આ નગરમાં તો સંબંધોના ધૂમાડા જ ખપે, ઊર્મિ તો અગરબત્તીનું અજવાળું છે! સાચી લાગણી ક્યાં જોવા મળે છે? સંબંધોની લેવડ-દેવડ આપણે ય ક્યાં નથી કરતાં? સ્વરૂપ જરા જુદું હોય છે. જવાહર બક્ષીએ આ ગઝલમાં રૂપજીવિનીની સાથે માયામાં ફસાયેલા માનવ જીવની વાત બખૂબી કરી છે. જવાહર બક્ષીએ વર્ષો પહેલાં બનેલી એક સાક્ષાત્‌ ઘટના વિશે જણાવ્યું કે, "એક મિત્ર શોપિંગ કરવાને બહાને મુંબઈના રેડ લાઈટ એરિયામાં મને લઈ ગયો. એ તો બહાર બેસાડીને ક્યાં ગરકાવ થઈ ગયો, ખબર નહીં પણ એક રૂપજીવિનીને મેં પૂજા કરતી જોઈ. પૂજા પૂરી કરી એણે મારી તરફ ઈશારો કરી મને એની બાજુમાં બેસવા કહ્યું. મેં ના પાડી ત્યારે એણે કહ્યું કે બત્તીના સમયે એટલે કે બોણીના ટાઈમે ના કેમ પાડો છો? એ વખતે જ મને વિચાર આવ્યો કે આ સ્ત્રીના જીવનમાં તો અંધારું જ છે, છતાં દીવા બત્તી કરીને ભગવાનને પ્રાર્થના કરે છે કે એનો ધંધો સારો ચાલે! આ વિરોધાભાસ મને એટલો બધો સ્પર્શી ગયો કે તરત જ આ ગઝલ લખાઇ ગઈ. ભૂખરાં વાદળો સાથે કરો તારા મૈત્રી, એટલે કે આ શેડી રિલેશન્સમાં ભલે ક્ષણિક તારામૈત્રક રચાય બાકી કોઈની પ્રતીક્ષામાં ભીંજાવાનું એમનું ક્યાં સદ્દભાગ્ય છે! નેગેટિવ-પોઝિટિવ એવું કંઈ નથી. વેપારની દુનિયાનું એક જ સત્ય છે લે-વેચ! જે ભાવ મળે એ ભાવે માલ ખપાવો."

આ બજારૂ શબ્દ 'ખપે'નો પણ કેવો યથોચિત ઉપયોગ કર્યો છે કવિએ. સંબંધોના ધૂમાડા સામે અગરબત્તીના અજવાળાનો અકલ્પનીય વિરોધાભાસ રચીને જવાહર બક્ષી કાવ્યની જેન્યુઈન વેદનાને રિફાઈન્ડ સ્વરૂપે રજૂ કરી ગઝલને ઊંચી કક્ષાએ લઈ ગયા છે. ગુજરાતી ભાષાની આ પહેલી પાત્ર ગઝલ હોવાનું એમણે જણાવ્યું હતું. કર્ણપ્રિય રાગ અભોગીમાં પુરુષોત્તમ ઉપાધ્યાયે સ્વરબદ્ધ કરેલી આ ગઝલ હેમા દેસાઈએ ખૂબ સરસ રીતે રજૂ કરીને કહેવાતી 'બજારૂ' સ્ત્રીની વેદનાને વાચા આપી છે. મુજરાનો ઠેકો ધરાવતી આ ગઝલમાં વિખ્યાત સારંગીવાદક સુલતાન ખાનની સારંગી અને શ્રેષ્ઠ તબલચી ઉસ્તાદ અશરફ ખાન-મુશરફ ખાનનાં તબલાંવાદને ગઝલના ભાવને યથોચિત ઉજાગર કર્યો છે. 'ટહુકો'ની સાઈટ પર આ ગઝલને તમે માણી શકો છો.

http://tahuko.com/?p=2858

*****

હવે વાત કરવી છે મારી બીજી મનગમતી બેમિસાલ ગઝલ, 'બરફનો પહાડ'ની. જવાહર બક્ષીની ઠુમરી અંગની આ ગઝલ કૌમુદી મુનશીના સ્વ કંઠે એમના ઘરે જ નિરાંતે સાંભળવી એ એક લ્હાવો છે. સંગીત શીખવા, સાંભળવા કે એમના વિશાળ ખજાનામાંથી સંગીતનું મોતી પામવા ક્યારે ય ફોન કરીએ તો આ 'નાઈન્ટી યર્સનાં નાઈન્ટિંગલ' હંમેશાં ઉત્સુક હોય છે. સંગીતકાર નિનુ મઝુમદારે સ્વરબદ્ધ કરેલી તથા અજોડ સ્વરમાધુર્ય ધરાવતાં કૌમુદી મુનશીને કંઠે ગવાયેલી જવાહર બક્ષીની ચાર ગઝલોનો સંપૂટ 'તારો વિયોગ' ગૂઢ રહસ્યવાદની ગઝલો છે. જવાહર બક્ષીએ વિરહયોગની દસ ગઝલોનો ગુચ્છ તૈયાર કર્યો હતો જેમાં પ્રિયતમાના જતાં પહેલાંની, જતી વેળાની, ગયાં પછીની જવા પ્રકારોની અમૂર્ત (એબ્સ્ટ્રેક્ટ) ગઝલોને શુદ્ધ કવિતા સ્વરૂપે રજૂ કરીને ગઝલ ક્ષેત્રે એક નવો આયામ રચી આપ્યો. પ્રિયતમાના જતાં પહેલાંની ગઝલ, તારો વિયોગ શ્વાસમાં ડંખો ભરી ગયો રાગ ગારામાં રજૂ થઈ છે જ્યારે જતી વેળાની ગઝલ બરફનો પહાડ સર્વપ્રિય રાગ ભૈરવીમાં પ્રસ્તુત થઈ છે. આ જ સિરીઝની અન્ય એક ગઝલ તારા જવાનું જ્યારે મને સાંભરે રે લોલ, આકાશ મારી આંખમાં ટોળે વળે રે લોલ …! ગઝલમાં રે લોલનો પ્રયોગ કદાચ પહેલીવાર ગુજરાતી ગઝલમાં થયો છે, જેમાં છેલ્લે રાસની ધીમી હીંચ પણ આવે છે.

જવાહર બક્ષી આ ગઝલ વિશે કહે છે, "1970માં મારી પ્રિયતમા દક્ષા (પછીથી એ જ પત્ની બની) ભણવા માટે ઇંગ્લેન્ડ જઈ રહી હતી. અમારી કોર્ટશિપનો એ સમય હતો. એ વખતે ખબર નહોતી કે અમે પરણીશું કે પરણી શકીશું. પ્રિયતમા જવાની તૈયારીમાં હોય ત્યારે આપણે પ્રેમની નિશાની માગીએ. મારે એવું કંઈ નહોતું માગવું કે જે આપવું એને ભારે પડે. મારે તો બસ એટલું જ કહેવું હતું કે હું ગૂંગળાઉં નહીં એ રીતે ગ્રેસફૂલી ચાલી જજે. બરફનો પહાડ એટલે આઈસબર્ગ. આમ એ પાણીની સાથે તરતો હોય છતાં પાણીથી સાવ જુદો. પાણી નિરાકાર છે પરંતુ, બરફ થઈ જાય ત્યારે સાકાર થઈ જાય છે. આ એવા સંબંધની વાત છે જેમાં અશક્યતાઓ છતાં પરસ્પર આત્મીય સંબંધનું પોત પાતળું નથી પડતું."

આ બહુ મોટી વાત છે સંબંધમાં. અહીં એક વાત યાદ આવે છે. એક કલાકાર મિત્રે કોઇક સંદર્ભમાં બક્ષીની આ ગઝલનો એક શેર મોકલ્યો હતો :

તૂટું તૂટું થઈ રહી છે સંબંધની ભેખડ,
જવું જ હોય તો હમણાં જ નીકળી જાજે.

જવું જ હોય તો રોકી શકે છે કોણ તને?
હું તો અહીં જ હઈશ, આવ તો મળી જાજે…!

આ શેર વાંચીને આંખના આંસુ થીજી જાય એવી કમાલની અભિવ્યક્તિ છે!

સંબંધની ભેખડ ધસી પડે અને એના કાટમાળ નીચે આશા, અરમાન, ઇચ્છા, અભિપ્સા, લીલીછમ લાગણી, સમયની ડાળ પર લટકી રહેલી તાજી ક્ષણો અને અદમ્ય પ્રેમ ધરબાઈ જાય એ પહેલાં જ નીકળી જવાની વાત પ્રિયતમ કરે છે. કભી કિસી કો મુક્કમલ જહાં નહીં મિલતા …ને નાતે હર એક સંબંધનો અંજામ આપણે ઇચ્છીએ એવો-મનગમતો નથી હોતો. એ સંજોગોમાં કવિએ ગ્રેસફૂલી એમાંથી નીકળી જવાની, કહો કે બરફના પહાડની જેમ વહી જવાની, તરી જવાની વાત કરી છે. જળરૂપી પ્રેમની પરત પર વહેતો બરફનો પહાડ જે પાણીની સાથે જ છે, છતાં જુદો છે! સાંસારિક કે સામાજિક દ્રષ્ટિએ પ્રેમ ભલે જુદો, અલગ કે અસ્વીકૃત હોય પરંતુ, હકીકતમાં એકબીજા માટે એ અભિન્ન છે. છેક છેલ્લે મક્તામાં કવિ અપાર આશા, શ્રદ્ધા વ્યક્ત કરે છે કે "જવું જ હોય તો કોણ રોકી શકે તને? હું તો અહીં જ છું, મન થાય ત્યારે મળી જજે!"

ગૂંગળાવી નાખે, અકળાવી મૂકે એવા પ્રેમ કરતાં એકબીજાનાં હ્રદયમાં સદૈવ તાજો અને જીવંત રહે એવા ઉષ્માભર્યા સંબંધની વાતને અહીં પુષ્ટિ મળે છે. અશક્યતાઓને કવિ સગવડ કરી આપે છે. એક ખુમારી પણ છે અહીં કે, હાથ છોડાવીને ભલે જાઓ પણ હ્રદયમાંથી નીકળી શકો તો માનું! ફિઝિકલ ડિસ્ટન્સ પ્રેમીઓને થોડાક સમય માટે અનુભવાય પરંતુ, એ સમયગાળો નીકળી જાય પછી સ્વસ્થ, નીતર્યો પ્રેમ જ બચે છે, જેમાં કોઈ શરત નથી, કોઈ બંધન નથી.

જવાહરભાઈની આ પ્રિય ગઝલો સંગીતબદ્ધ કરવા સંગીત શિલ્પી પણ યોગ્ય હોવો જોઇએ. નિનુ મઝુમદાર આવા જ એક શિલ્પી હતા.

"નિનુભાઈએ ગઝલો સ્વરબદ્ધ કરતી વખતે મને પૂછ્યું કે આ ગઝલ સંપૂટનો કોન્સેપ્ટ શું છે? ત્યારે મેં એમને આ તમામ ગઝલોના ભાવજગતના મૂળમાં પૅથોસ હોવાનું જણાવ્યું હતું. એ પછી બધી ગઝલો એમણે અદ્ભુત રીતે કમ્પોઝ કરી. ઠુમરી અંગના મુખ્ય દસ રાગમાંથી અમારે ચાર રાગ લેવાના હતા.'બરફનો પહાડ' માટે મેં એમને ભૈરવી રાગ સૂચવ્યો અને એમણે સુંદર રીતે આ ગઝલ સ્વરબદ્ધ કરી. પહેલા શેરની બીજી પંક્તિ, હું ક્યાં કહું છું મારામાં ઓગળી જાજે…ના ભાવને કૌમુદી મુનશીએ આબાદ ઝીલ્યા છે. આ પ્રકારની ઠુમરીને શાસ્ત્રીય ભાષામાં બોલ બનાવની ઠુમરી કહે છે. કૌમુદીબહેનની ગાયકીમાં કહન હોવાથી એ ભાવ સરસ રીતે અભિવ્યક્ત થયો છે." એમ કહે છે જવાહર બક્ષી.

1986માં પ્રસિદ્ધ થયેલા આલબમ 'તારા શહેરમાં'માં પણ જવાહર બક્ષીની ઉત્તમ ગઝલો સમાવિષ્ટ છે જેનું સંગીત નિયોજન પુરુષોત્તમ ઉપાધ્યાયે કર્યું છે. 'તારો વિયોગ' 1984માં રેકોર્ડ થઈ અને 1986માં રીલિઝ થઈ. આશિત-આલાપ દેસાઈ દ્વારા સ્વરબદ્ધ થયેલું આલબમ 'ગઝલ રૂહાની' 2013માં રીલિઝ થયું. આ પ્રસંગે યોજાયેલી મોટી કોન્સર્ટમાં બક્ષીનાં ત્રણેય આલબમનાં ગીતો જાણીતા કલાકારોએ રજૂ કર્યાં હતાં તથા રસદર્શન જવાહર બક્ષીએ પોતે કરાવ્યું હતું. એ વખતે 'તારા શહેરમાં' આલબમને ગોલ્ડ ડિસ્ક મળી હતી. 'તારો વિયોગ'ને હેરિટેજ સ્ટેટસ મળ્યું હતું. 'નાદશ્રી-નવરસ'ના નેજા હેઠળ જવાહર બક્ષી તથા આશિત દેસાઇએ 'નરસિંહ' અને 'મીરાં'ના અદ્વિતીય કૅસેટ્સ-સીડી બહાર પાડ્યાં છે. ગુજરાતી ગઝલ ક્ષેત્રે ગિરનારી સાવજ જેવું સ્થાન ધરાવતા તથા અનેક પ્રતિષ્ઠિત એવોર્ડ મેળવનાર જૂનાગઢના જવાહર બક્ષીની કેટલી ય ગઝલો એક એક જુદા લેખ માગી લે એવી સક્ષમ છે. કૌમુદી મુનશીએ આ ઉત્તમ ગઝલો વિશે આનંદ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, "ઠુમરી-ગઝલ પ્રકાર મને ખૂબ પ્રિય છે. જવાહર બક્ષીની ગહન અર્થચ્છાયા ધરાવતી ગઝલ ગાવાની મને બહુ મજા આવી હતી. નિનુ મઝુમદાર પણ દરેક બારીકીઓ સમજાવીને રિયાઝ કરાવતા હતા. ગુજરાતીઓ ગર્વ લઈ શકે એવું આ આલબમ છે."

પોતાને નરસિંહ મહેતાના વંશજ તરીકે ગૌરવભેર ઓળખાવતા જવાહર બક્ષી પાસે નરસિંહ, મીરાં ઉપરાંત ગુજરાતી કવિતા-ગઝલનું ઊંડું જ્ઞાન છે, આધ્યાત્મિકતા ભારોભાર છે. એટલે જ એમની તમામ ગઝલ ભાવકના હ્રદયને સ્પર્શી જાય છે. 'તારો વિયોગ' સાંભળવાની તક મળે તો જરૂર સાંભળજો.

****

બરફનો પહાડ થઈ મારા પર વહી જાજે,
હું ક્યાં કહું છું કે મારામાં ઓગળી જાજે.

જો મૌન થઈને તું મારા હ્રદયમાં રહી ન શકે,
તો આવ હોઠ સુધી … શબ્દ થઈ ઊડી જાજે.

હું શ્વાસ શ્વાસનું સામીપ્ય ઝંખતો ય નથી,
હું ગૂંગળાઉં નહીં એ રીતે વહી જાજે.

તૂટું તૂટું થઈ રહી છે સંબંધની ભેખડ,
જવું જ હોય તો હમણાં જ નીકળી જાજે.

જવું જ હોય તો રોકી શકે છે કોણ તને?
હું તો અહીં જ હઈશ, આવ તો મળી જાજે

ગઝલકાર : જવાહર બક્ષી   • સંગીતકાર : નિનુ મઝુમદાર  •  ગાયિકા : કૌમુદી મુનશી

————————–

સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 05 સપ્ટેમ્બર 2019

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=577224

Loading

5 September 2019 admin
← ‘વંદે માતરમ્‌’ ઇતિહાસ અને વર્તમાન
Icons and Ideology of Religious Nationalism →

Search by

Opinion

  • આપણા શ્રેષ્ઠ યોદ્ધાઓના નાયક
  • પીયૂષ પાંડેનું સૌથી મોટું યોગદાન હતું ‘મિલે સૂર મેરા તુમ્હારા’
  • પીયૂષ પાંડેઃ જેમણે આપણને આપણી ભાષામાં સપનાં જોતા શીખવ્યું
  • આ તાકાત ચીને રાતોરાત નથી મેળવી
  • Scrapyard – The Theatreની દસમી વર્ષગાંઠની ઉજવણી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ગઝલ
  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved