Opinion Magazine
Number of visits: 9446649
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સાધુચરિત પક્ષીવિદ લાલસિંહ રાઓલે ગુજરાતના લોકોને પક્ષીઓને નીરખતા, પારખતા અને ચાહતા કર્યા

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|26 July 2019

‘મધુરાધિપતે સકલમ્‌ મધુરમ્‌ – પક્ષીઓની સકળ જીવનચર્યા મધુર છે’. આ તેમનો કેન્દ્રવર્તી ઊંડો હૃદયભાવ. તે શબ્દફેરે અનેક જગ્યાએ અનેક રીતે વ્યક્ત થાય છે : ‘પંખીઓ એટલે પ્રકૃતિનું માનીતું સર્જન’, ‘પંખીઓ એટલે ચૈતન્યનો ફુવારો’ …

અરધી સદી સુધી ગુજરાતના કુદરત-પ્રેમીઓને પક્ષીઓને નીરખતા, પારખતા અને ચાહતા કરનારા, સાધુચરિત પક્ષીવિદ્દ લાલસિંહ રાઓલનું 21 જુલાઈએ ચોરાણું વર્ષની ઉંમરે રાજપીપળા પાસેનાં નવાગામ મુકામે અવસાન થયું. આ અલગારી પંખીચાહકે સાધનો અને વાહનો બંને ટાંચાં હતાં, એવાં વર્ષોમાં અવિરત ભ્રમણ, શોધન અને નિરીક્ષણ દ્વારા ગુજરાતનાં પાંચસો જેટલાં પ્રકારપ્રકારનાં પક્ષીઓનો ઊંડો અભ્યાસ કર્યો. ‘ગુજરાતનાં ભાતીગળ પંખીજગત’ની મિરાત તેમણે જે ચાર અજોડ ગુજરાતી પુસ્તકો દ્વારા લોકો સામે ખુલ્લી મૂકી તે પક્ષીનિરીક્ષકો માટે અનિવાર્ય માહિતીકોશ છે. સાથે આ સચિત્ર પુસ્તકશ્રેણી સામાન્ય વાચકને પણ દુર્લભ માહિતી, ઝીણવટભર્યાં વર્ણનો, ચોટડુક સ્વભાવનિર્દેશ, અને સહુથી વધુ તો સહજસુંદર ભાષાશૈલીથી મુગ્ધ કરી દે છે. પુસ્તકો ઉપરાંત લાલસિંહજીએ અનેક કાર્યશિબિરો કરી અને લેખો લખ્યા. તેમણે કેટલાક વિસ્તારોનાં જીવવૈવિધ્યનું – સત્તાવાળા નકારી ન શકે તેવું – દસ્તાવેજીકરણ કર્યું, જે અભયારણ્યોનાં નિર્માણની પ્રક્રિયામાં પાયાનું ગણાયું.

ગુજરાતના સેંકડો પક્ષીનિરીક્ષકો લાલસિંહજીને ‘દાદા’ કે ‘દાદાજી’ કહે છે. ‘પંખીવાળા’ તરીકે હળવાશથી ઓળખાતા આ બધાના પંખીશોખમાં દાદાનો કોઈને કોઈ રીતે અનિવાર્ય ફાળો છે. રેન્જ ફૉરેસ્ટ ઑફિસર રુચિ દવે તો જાણે એમનાં દીકરી. તેમના ઉપરાંત પણ કેટલાં ય ભાઈ-બહેનો વાતચીત કે વૉટસઍપમાં દાદા સાથેનાં સંભારણાં શેર કરે છે : પંખી અંગેની સાદી પૂછપરછના પત્રનો પણ તેમણે લખેલો જવાબ, તેમની સંગાથે જોયેલાં પક્ષીઓ, તેમની સાથે કરેલ સવાલ-જવાબ, દાદાએ પોતાનાં ઘરે કરેલું રોકાણ, એમણે આપેલ દૂરબીન, એમનાં પુસ્તક સંગ્રહ અને વાચન, એમની પાસેથી ભેટ મળેલ પુસ્તક, તેમનો મીઠો ઠપકો, શાસ્ત્રીય સંગીતમાં એમની રુચિ, તેમની સાલસતા, તેમણે પેન્શનમાંથી પણ સતત કરેલાં દાન, હૃદયરોગના દરદીને તેમણે આપેલું નવજીવન … યાદોનાં પંખીઓની હારમાળા ! 

લાલસિંહજીનો જન્મ 23 માર્ચ 1925. વતન સૂકા અને સપાટ ઝાલાવાડનું લીંબડી. લાલસિંહને ડુંગરા, વનો, વૃક્ષો, પ્રાણીપક્ષીઓનું અભાવન્યાયે આકર્ષણ. ઘરના બાગમાં અને નજીકનાં ઠીક મોટાં તળાવમાંનાં પક્ષીઓ જોવાનું બહુ ગમતું. ‘રીતસરનું પક્ષીનિરીક્ષણ ચોવીસ વર્ષની ઉંમરે’ શરૂ કર્યુ. આવી વિગતો સાથે લાલસિહજીનાં જીવનકાર્યનો આલેખ ભાવનગરના અધ્યાપક-સંશોધક ગંભીરસિંહ ગોહિલે લીધેલી તેમની  લાંબી મુલાકાતમાં છે. તે લાલસિંહજીના બહુ સુંદર પુસ્તક ‘પંખીઓની ભાઇબંધી’(2013)માં વાંચવાં મળે છે. લાલસિંહ ભાવનગરની શામળદાસ કૉલેજમાંથી બી.એ. ઑનર્સ થયા.પ ક્ષીઓ વિશે જે મળે તે વાંચતાં, પુસ્તકો વસાવતાં.

આજિવિકા માટે પબ્લિક વર્કસ ડિપાર્ટમેન્ટમાં 1955માં નોકરી લીધી. જીવ સાહિત્ય-સંગીત અને પક્ષીપ્રેમીનો. રવિવારે અને રજાઓના દિવસે પંખીઓ જોવા ફર્યા કરે, નોંધો કરે. બારેક વર્ષ દૂરબીન વિના ચલાવ્યું. 1960-61માં જાણીતા પક્ષીનિષ્ણાત લવકુમાર ખાચર સાથે થયેલો પરિચય ‘અરધી સદીથી વધુ સમયની મૈત્રી’માં પરિણમ્યો. તેનો લવકુમારે ‘પંખીઓની ભાઈબંધી’ પુસ્તકની શરૂઆતમાં અંગ્રેજીમાં લખેલ હૃદયસ્પર્શી ‘મેસેજ’માં ‘પુષ્કળ ઋણભાવ’ સાથે ઉલ્લેખ કર્યો છે. તેમણે લાલસિંહજીના વિશ્વાસુ, મૃદુ, નિરંહકારી સ્વભાવ અને તેમની પોલાદી આંતરશક્તિને યાદ કર્યાં છે. પછી ખાચરજી લખે છે : ‘ગુજરાતના વનવગડાના વિસ્તારોને બચાવવા માટેના મહાભારત સમા સંઘર્ષમાં મેં અનેક બળોની સામે ઘણાં મોરચે લડત આપીને જે કંઈ થોડું ઘણું સિદ્ધ કર્યું એ રાઓલજીનાં મૂંગા બળ અને સાથ વિના બની શક્યું હોત ખરું ? હિંગોળગઢ નેચર એજ્યુકેશન સૅન્ક્ચ્યુઅરી, ધ ગલ્ફ ઑફ કચ્છ મરિન સૅન્ક્ચ્યુઅરિ ઍન્ડ નૅશનલ પાર્ક, ખિજડિયા વૉટરબર્ડ સૅન્ક્ચ્યુઅરિ એવાં સ્થળોનું નોટિફિકેશન, અને જામનગરનું અદ્દભુત રણમલ તળાવ – આ બધું મારા પ્રયત્નોમાં પૂરક બનતાં લાલસિંહ રાઓલનાં કામને આભારી છે.’

લાલસિંહજીએ લવકુમારની પ્રેરણાથી 1960માં રાજકોટમાં પ્રકૃતિમંડળ શરૂ કર્યું ત્યારથી પચાસેક વર્ષ સુધી તેઓ લોકોને પક્ષીઓમાં રસ લેતા કરવા માટે તે સતત જુદાં ઉપક્રમોમાં જોડાતા રહ્યા, લખતા રહ્યા. ‘ગુજરાતનું પંખીજગત’ પરિચય પુસ્તિકા, અંગ્રેજી પુસ્તક ‘બર્ડ્સ બર્ડ્સ, બર્ડ્સ’ ઑક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ માટે ‘ધ લિવિન્ગ વર્લ્ડ’નો ‘જીવસૃષ્ટિ’ નામે અનુવાદ તેમણે આપ્યાં.

અનેક પક્ષીઓ માટે લોકજીભે ચઢે તેવાં નામ શોધવાનો યશ પણ તેમને આપવામાં આવે છે. તબીબ ડૉ. બકુલ ત્રિવેદીના સંપાદન હેઠળ જૂન 1998થી અગિયાર વર્ષ પ્રસિદ્ધ થયેલાં ‘વિહંગ’ નામનાં પક્ષીનિરીક્ષણનાં બેનમૂન ત્રૈમાસિકનું પરામર્શન અને તેમાં સ્મરણલેખોની શ્રેણી. તે પહેલાં, 1983ના જુલાઈમાં સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયા ને તરત જ અમદાવાદની ‘વિકસત’ સંસ્થાએ તેમને પંખીઓ વિશે પુસ્તક લખવાનું કામ સોંપ્યું એટલે ‘ઘણું જૂનું સ્વપ્ન’ સિદ્ધ કરવાની તક સાંપડી. ‘આસપાસનાં પંખી’, ‘પાણીનાં સંગાથી’, ‘વીડ, વગડાનાં પંખી’ અને ‘વન, ઉપવનનાં પંખી’ એવી ઉપર્યુક્ત શ્રેણી આવી (1986-98). તેમાં ચિત્રો માટેની તેમની ચીવટની અનેક વાતો ચિતારાઓની ટુકડીમાંના, જાણીતા વાઇલ્ડલાઈફ ફોટોગ્રાફર મુકેશ આચાર્ય પાસે છે. ગુજરાતનાં પક્ષીનિરીક્ષણમાં જે પણ કંઈ જાણવું જરૂરી હોય તે બધું જ  પુસ્તક સંપુટમાં છે. તેના સેંકડો ચાહકોમાંથી કેટલાકને પુસ્તકોનાં અંશો જાણે મોઢે થઈ ગયા છે.

ગાંધીનગરના સરકારી કર્મચારી, પુસ્તકપ્રેમી અને પક્ષીનિરીક્ષક યતીન કંસારાને આ પુસ્તકો અંગે પૂછ્યું એટલે તેમાંનાં સોંસરાં વર્ણનો ફોન પર બોલવા લાગ્યા : કાબર ‘બોલકણી ઘણી, ચાંદૂડિયાં પાડવામાં હોશિયાર’, કાળી કાંકણસાર ‘લાકડી લઈને ચાલ્યા જતાં ડોસા જેવી ગંભીર ચાલ’, દરજીડો ‘કુંડાનાં ફૂલછોડને પણ મુલાકાતનો લાભ આપે’. ચીબરી ‘ઢેબલું પંખી’,  શોબિગી ‘પરાણે વહાલો લાગે એટલો આકર્ષક’, દૂધરાજ  ‘રંગે રૂડો રૂપે પૂરો દીસતો કોડીલો કોડામણો’ એ નરસિંહ મહેતાના શબ્દોને તે સાર્થક કરે’.

રાઓલજી વલ્લભાચાર્યનાં મધુરાષ્ટકને પણ યાદ કરે છે : ‘મધુરાધિપતે સકલમ્‌ મધુરમ્‌ – પક્ષીઓની સકળ જીવનચર્યા મધુર છે’. આ તેમનો કેન્દ્રવર્તી ઊંડો હૃદયભાવ. તે શબ્દફેરે અનેક જગ્યાએ અનેક રીતે વ્યક્ત થાય છે : ‘પંખીઓ એટલે પ્રકૃતિનું માનીતું સર્જન’, ‘પંખીઓ એટલે ચૈતન્યનો ફુવારો’, ‘તેમની જીવનચર્યા અખૂટ રસની સામગ્રી છે’, ‘તેમનાં આકાર-પ્રકાર, રૂપરંગ, તેમનાં ગાન, તેમની પ્રવૃત્તિઓ, તેમની સંવનન-પ્રણયચેષ્ટાઓ – આ બધામાં અપાર  વૈવિધ્ય છે.’ પુસ્તક સંપુટમાં જે પદ્ધતિસર ગોઠવાયેલ માહિતી અને જ્ઞાન છે, તે એકંદર દર્શન રૂપે ‘પંખીઓની ભાઈબંધી’ના લેખોમાં પ્રકટે છે. તેના બીજા ભાગના બાર લેખો પક્ષીઓનાં સૌંદર્યના વિવિધ રંગોને વાચકને તરબતર થઈ જાય તે રીતે વર્ણવે છે. પહેલા માહિતીપરક ભાગના છ લેખોમાં પક્ષીઓની સાર્વત્રિકતા, તેમના યુગલીકરણ, પ્રણયલીલા; તેમના માળા, ઇંડાં અને બાળઉછેર જેવા પાસાં છે. ‘પંખીઓનો જીવનસંગ્રામ’ અને ‘પંખીઓનું ભાવિ’ એ વેદનાથી લખાયેલા ચેતવણીરૂપ લેખો છે. અલબત્ત, ગુજરાતમાં પક્ષીનિરીક્ષણમાં વધુ ને વધુ લોકો રસ લેતા થયા છે તેના માટેનો આનંદ પણ લેખક એક કરતાં વધુ સ્થાને નોંધે છે. ‘વન, ઉપવનનાં પંખી’ની પ્રસ્તાવનામાં પંખીઓ આપણા જીવનને કેવી રીતે સુંદર બનાવે છે તે વર્ણવીને લેખક પૂછે છે : ‘તો પછી પંખીઓનું ઋણ ચૂકવવા આપણે શું કરવું ? મારા તમારા જેવા સામાન્ય જણ ઘણું કરી શકે. સૌથી અગત્યનું અને સહેલું કામ છે વૃક્ષઉછેર …’

પંખીઓના પોતાની પરના ‘પારાવાર ઉપકાર’ અંગે લાલસિંહભાઈ રવીન્દ્રનાથે ‘ગીતાંજલિ’માં પરમાત્માને ઉદ્દેશીને જે કહ્યું છે તે ટાંકે છે : ‘અજાણ્યા હતા તે તારે લીધે મારા મિત્રો બન્યા, મારું ન હોય તેવાં ઘરમાં પણ તે મને જગ્યા અપાવી, આઘેરાંને ઓરાં આણ્યાં, પારકાંને પોતીકાં બનાવ્યાં’. ગુજરાતના પંખીવાળા,  તેમના લાલસિંહ દાદા માટે પણ આવી જ  લાગણી ધરાવતા હશે.

******

24 જુલાઈ 2019

સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “નવગુજરાત સમય”, 26 જુલાઈ 2019

Loading

26 July 2019 admin
← એમ પૂછીને થાય નહીં પ્રેમ
Miyah Poetry: How do Besieged Communities Respond? →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved