ઘટના એટલી ગંભીર છે કે વડા પ્રધાને પોતે એ વિષે ખુલાસો કરવો જોઈએ, વિદેશ ખાતાના પ્રવક્તા ખુલાસો કરે એ ન ચાલે. ઘટના કાશ્મીર વિશેનો અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો છે. તેમણે પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાનની હાજરીમાં પત્રકારોને સંબોધતા કહ્યું હતું કે ‘ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે મને (એટલે કે અમેરિકાને) કાશ્મીરનો પ્રશ્ન ઉકેલવા મધ્યસ્થી કે લવાદી કરવાની વિનંતી કરી હતી.’ પહેલા ટ્રમ્પે કરેલા દાવાને જોઈ લઈએ.
પત્રકાર પરિષદમાં ઈમરાન ખાને કહ્યું હતું : હું પ્રમુખ ટ્રમ્પને એક વાત કહેવા માગું છું. અમેરિકા જગતનો સૌથી શક્તિશાળી દેશ છે. અમેરિકાએ ઉપખંડમાં શાંતિ સ્થાપિત કરવા માટે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવવી જોઈએ. અમારા ઉપખંડમાં એક અબજ કરતાં વધુ લોકો વસે છે અને તેઓ કાશ્મીરના કારણે અધ્ધરજીવે રહે છે. અમેરિકા જગતનો શક્તિશાળી દેશ છે એટલે પ્રમુખ ટ્રમ્પે બે દેશોને નજીક લાવવાનો પ્રયાસ કરવો જોઈએ. જ્યાં સુધી પાકિસ્તાનનો સવાલ છે, અમે શાંતિ સ્થાપિત કરવા બને એટલા બધા જ પ્રયાસ કર્યા છે.
પ્રમુખ ટ્રમ્પ : જી, બે અઠવાડિયા પહેલાં હું અને ભારતના વડા પ્રધાન સાથે હતા અને ત્યારે કાશ્મીરનો વિષય નીકળ્યો હતો. હકીકતમાં નરેન્દ્ર મોદીએ સામેથી મને પૂછ્યું હતું કે, ‘તમે મધ્યસ્થી કે લવાદી કરવાનું પસંદ કરશો?’ મેં પૂછ્યું, ક્યાં? તો કહે, ‘કાશ્મીર અંગે. અનેક વર્ષો થયાં પણ પ્રશ્ન ઉકલતો નથી અને ખબર નહીં ક્યારે ઉકલશે.’
ઇમરાન ખાન : ૭૦ વર્ષ.
ટ્રમ્પ : મને એમ લાગે છે કે કાશ્મીરનો પ્રશ્ન ઉકેલવા તેઓ (ભારત) પણ આતુર છે. તમે (પાકિસ્તાન) પણ આતુર છે. મને મધ્યસ્થી કરવાનું ગમશે.
ઈમરાન ખાને તરત તક ઝડપીને પ્રમુખ ટ્રમ્પને વચન આપ્યું હતું કે પાકિસ્તાન અમેરિકાની મધ્યસ્થી માટે તૈયાર છે અને ખુલ્લા દિલે મદદ કરશે.
ભારત સરકારે ખુલાસો કર્યો છે કે ભારતે અમેરિકાને મધ્યસ્થી કરવાની કોઈ વિનંતી કરી નથી. આટલું પૂરતું નથી, કારણ કે ઉપર જોયું તેમ પ્રમુખ ટ્રમ્પે સંવાદની શૈલીમાં બે નેતાઓ વચ્ચેની કહેવાતી વાતચીત અક્ષરસઃ જાણે કે થઈ હોય એમ ટાંકી છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મધ્યસ્થી કે લવાદી કરવા માટે કહ્યું હોય એવી શક્યતા નહીંવત્ છે. જમ્મુ અને કાશ્મીરનો પ્રશ્ન દ્વિપક્ષીય છે, ભારત અને પાકિસ્તાન આપસમાં વાતચીત કરીને તેને ઉકેલશે અને કોઈ પણ ત્રીજા પક્ષને મધ્યસ્થી કરવા નહીં દે એવી ભારતની ભૂમિકા દાયકાઓ જૂની છે. ભારતે અનેકવાર તેને દોહરાવી છે અને અમેરિકાએ એક કરતાં વધુ વખત ભારતની ભૂમિકાને સમર્થન આપ્યું છે. એકાદ-બે વાર તો પાકિસ્તાને પણ આપસમાં વાતચીત કરીને સમાધાન કરવાની વાતનો સ્વીકાર કર્યો છે. ભારતે અત્યારની સ્થિતિમાં સંયુક્ત રાષ્ટ્રસંઘ(યુનો)ની પણ ભૂમિકા નકારી કાઢી છે અને લોકમત લેવાનો પણ ઇન્કાર કરી દીધો છે. પાકિસ્તાને આનો પણ સ્વીકાર કર્યો છે. દાયકાઓ જૂની ભારતની આ ભૂમિકા છે જે વડા પ્રધાન ન જાણતા હોય એમ બને નહીં.
તો પછી અમેરિકન પ્રમુખ ટ્રમ્પે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે થયેલી વાતચીત ખરેખર થઈ હોય એમ સંવાદની શૈલીમાં અક્ષરસઃ કેમ કહી? આટલું બધું જૂઠ? આટલો કલ્પનાવિહાર? અને એ પણ અમેરિકાના પ્રમુખ જેવા જવાબદારીના હોદ્દા પર રહીને? બીજા દેશના વડા પ્રધાનની હાજરીમાં ખુલ્લી પત્રકાર પરિષદમાં? માનવું મુશ્કેલ છે, પરંતુ આપણે ટ્રમ્પસાહેબને ઓળખીએ છીએ એટલે અશક્ય પણ નથી. આમ છતાં જે રીતે તેમણે વડા પ્રધાનના મોંમાં શબ્દો મૂક્યા છે એ જોતાં વડા પ્રધાને પોતે હકીકતમાં શું વાતચીત થઈ હતી કે થઈ હતી કે નહીં એ સ્પષ્ટ કરવું જોઈએ.
મહત્ત્વની વાત એ નથી. મહત્ત્વની વાત એ છે કે અત્યારની ભારત સરકારની જમ્મુ અને કાશ્મીર અંગેની તુમાખીવાળી નીતિને કારણે પાકિસ્તાનને કાશ્મીરનું જાગતિકીકરણ કરવાનો મોકો મળે છે. તમને શું લાગે છે? પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને લોકસભાની ચૂંટણી વેળાએ નરેન્દ્ર મોદીની સરકાર પાછી આવશે અને આવવી જોઈએ એવું જે નિવેદન કર્યું હતું એ નિવેદન બી.જે.પી. કે નરેન્દ્ર મોદી માટેના પ્રેમનું પરિણામ હતું? આ એ જ ઇમરાન ખાન છે જેણે તેના બે મહિના પહેલાં નરેન્દ્ર મોદીને મોટા પદ પર બેસી ગયેલા નાના માણસ તરીકે ઓળખાવ્યા હતા. ઈમરાન ખાને નરેન્દ્ર મોદીની સરકાર પાછી આવે એવી ઇચ્છા એટલા માટે વ્યક્ત કરી હતી કે તેની નીતિના કારણે કાશ્મીરને જગતના ચોરે ઉછાળી શકાય.
પાકિસ્તાનની ગણતરી એવી છે કે પાંચ દાયકા પહેલાં જેમ પશ્ચિમ પાકિસ્તાનના શાસકોએ અને લોકોએ દાદાગીરી કરીને પૂર્વ પાકિસ્તાનને દૂર ધકેલી દીધું અને છેવટે પૂર્વ પાકિસ્તાન પાકિસ્તાનથી છૂટું પડ્યું હતું એમ બી.જે.પી.ના શાસનકાળમાં રાષ્ટ્રવાદીઓ કાશ્મીરને દૂર ધકેલી દેશે અને કાશ્મીરનું આંતરરાષ્ટ્રીયકરણ કરીને બંગલાદેશનું વેર વાળવાનો પાકિસ્તાનને મોકો મળશે. ૧૯૬૦ના દાયકામાં પાકિસ્તાનના શાસકોએ, મૂર્ખ ઇસ્લામવાદીઓએ, એટલા જ મૂર્ખ રાષ્ટ્રવાદીઓએ અને મીડિયાએ પૂર્વ પાકિસ્તાનની બાબતે જે ભૂલ કરી હતી એવી ભૂલ ભારત સરકાર, કહેવાતા રાષ્ટ્રવાદીઓ અને મીડિયા કાશ્મીરમાં કરી બેસશે એવી પાકિસ્તાનની ગણતરી છે. પાકિસ્તાન પાંચ દાયકાથી મોકાની રાહ જોઈ રહ્યું છે, પરંતુ ભારતના સર્વસમાવેશક નીતિમાં માનનારા, સહિષ્ણુ મધ્યમમાર્ગી શાસકો અત્યાર કાશ્મીરીઓનું દિલ જીતવાનો પ્રયાસ કરીને એવો મોકો નહોતા આપતા.
અત્યારે પાકિસ્તાનને બંગલાદેશનું પુનરાવર્તન કરીને વેર વાળવાનો મોકો નજરે પડી રહ્યો છે એટલે તેણે નરેન્દ્ર મોદીની સરકારના પુનરાગમનને આવકાર્યું હતું અને હવે કાશ્મીરનું જાગતિકીકરણ કરી રહ્યું છે. કાશ્મીરીઓને ગાળો દેનારા અને મુસલમાનો સમક્ષ જીવવા માટેની શરતો રાખનારા દેશપ્રેમીઓને આ બધું નહીં સમજાતું હોય. બીજું, ભારતની અખંડતામાં અમેરિકાને કોઈ રસ નથી. અમેરિકાની કાશ્મીર અંગેની નીતિ ક્યારે ય ભારતતરફી નહોતી. અમેરિકાએ ભારત અને કાશ્મીર પરત્વેની નીતિ બદલી શીતયુદ્ધના અંત પછી અને પાકિસ્તાન ત્રાસવાદનાં ઉછેરનું કેન્દ્ર બન્યા પછી. જો પાકિસ્તાન પોતાનો ઉપયોગ થવા દેતું હોય તો અમેરિકાને આજે પણ પાકિસ્તાનનો ઉપયોગ કરવામાં રસ છે. જેવી નીતિ અમેરિકાની છે એવી જ નીતિ ચીનની છે.
આમ ભારતે ભ્રમમાં રહેવાની જરૂર નથી. બીજું, જગતનો ઇતિહાસ એમ કહે છે કે નબળામાં નબળી લઘુમતી પ્રજાને પણ વરસોનાં વરસો સુધી દબાવી રાખી શકાતી નથી. બંગાળીઓ વિષે પશ્ચિમ પાકિસ્તાનીઓને આવો ભ્રમ હતો જેનું પરિણામ આપણી સામે છે. એક વાત યાદ રાખવી જોઈએ કે ડોનાલ્ડ ટ્રમ્પને નૈતિકતાના કોઈ ધારાધોરણ લાગુ પડતા નથી. નૈતિકતાશૂન્ય નાદાન શાસકોથી સાવધાન રહેવું જોઈએ.
24 જુલાઈ 2019
સૌજન્ય : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 25 જુલાઈ 2019