ગુજરાતનાં જાહેર જીવનના ગયા પાંચેક દાયકાના આલેખમાં પ્રકાશભાઈ ઠેકઠેકાણે આંતરિક સ્વસ્થતા – પ્રસન્નતા છલકાવતાં હાસ્ય સાથે ઠેકઠેકાણે હાજરાહજૂર મળે …
આવતી કાલે સાંજે ‘પ્રકાશોત્સવ’ નામના સરસ અર્થપૂર્ણ નામવાળા કાર્યક્રમ થકી અગ્રણી સમાજચિંતક અને પત્રકાર પ્રકાશ ન. શાહનું નાગરિક અભિવાદન કરવામાં આવશે.
આ કાર્યક્રમ અંગે સામયિકોમાં આપવામાં આવેલી નોંધ કહે છે: ‘સાહિત્ય-રાજકારણ-અર્થકારણ-ઇતિહાસ-સમાજકારણ-પત્રકારત્વ-લોકઆંદોલનો જેવાં અનેક ક્ષેત્રોમાં ઊંડી સમજ અને જીવંત રસ ધરાવતાં આપણા સમયનાં જૂજ વ્યક્તિત્વોમાં પ્રકાશભાઈ મોખરે છે. કટોકટી દરમિયાન, તેના પહેલાં અને પછીનાં રાજકારણમાં આચાર્ય કૃપાલાણી અને જયપ્રકાશ નારાયણ જેવાં વ્યક્તિત્વો સાથે પ્રકાશભાઈ નજદીકી સંપર્કમાં આવ્યા. તેમની સાથે અને તેમના માટે પણ કામ કર્યું. છેક યુવાનીથી સારા પગારની કાયમી નોકરીની પરવા રાખ્યા વિના, તે જાહેરજીવન અને લોકઘડતરને સમર્પિત રહ્યા છે. ‘જનસત્તા’ – ‘લોકસત્તા’થી માંડીને ‘દિવ્ય ભાસ્કર’ સુધીનાં માધ્યમોમાં તેમનું સંપાદન અને કૉલમકારી મુખ્ય ધારામાં વિશિષ્ટ ભાત પાડનારાં નીવડ્યાં. તેમનાં તંત્રીપદ હેઠળનું ‘નિરીક્ષક’ ધબકતું વિચારપત્ર બની રહ્યું છે. એંશીમાં વર્ષના આરે હોવા છતાં, જાહેરજીવનમાં તેમની સક્રિયતા અને પ્રસન્નતાનો સ્થાયી ભાવ નમૂનેદાર છે.’
ગુજરાત વિદ્યાપીઠનાં હીરક મહોત્સવ સભાગૃહમાં સાંજે સાડા પાંચે યોજાનાર આ કાર્યક્રમમાં પ્રકાશભાઈ પર એક મૉક-કોર્ટ મુકદ્દમો ચલાવશે, તેમને કૃતજ્ઞતાનિધિ અર્પણ કરવામાં આવશે અને તેમનાં વિશેનું એક પુસ્તક પ્રકટ કરવામાં આવશે. કાર્યક્રમના નિ:સ્વાર્થ આયોજક ‘સાર્થક પ્રકાશન’નું આ આકર્ષક, જુદા ઘાટનું અને બહુ મહત્ત્વનું પુસ્તક અનોખા પત્રકાર-સંશોધક ઉર્વીશ કોઠારીએ પોતે પ્રકાશભાઈની લાંબી મુલાકાતો લઈને તેને આધારે તૈયાર કર્યું છે. તેમાં પ્રકાશભાઈનાં આખા ય પ્રબુદ્ધ જીવનનો દીર્ઘ, નિખાલસ અને અંતરંગ આલેખ મળે છે. તેમાં પરિશિષ્ટ રૂપે પ્રકાશભાઈએ ખુદ તૈયાર કરી આપેલો સ્વપરિચય એટલે મળે છે. આ દીર્ઘ પરિચય પહેલવારકો છે અને તે પુસ્તકમાં જ વાંચવો જરૂરી છે. અત્યાર સુધી પોતાની કારકિર્દી કે સિદ્ધિઓ વિશે ભાગ્યે જ કશું કહેનારા (અથવા સ્વયંપ્રકાશિત પ્રકાશભાઈને એવી કોઈ જરૂરિયાત ઊભી જ ન થઈ હોય !) પ્રકાશભાઈનો કદાચ એક માત્ર સત્તાવાર છપાયેલો પરિચય તેમણે લખેલી એક પરિચય પુસ્તિકામાંથી મળે છે.
બાય ધ વે, ગુજરાતી સાહિત્ય પરિષદના આઠ વર્ષ માટે મંત્રી અને એક મુદ્દત માટે ઉપપ્રમુખ રહી ચૂકેલા પ્રકાશભાઈનાં નામે ત્રણ જ પુસ્તકો, ખરેખર તો પુસ્તિકાઓ બોલે છે, અને તે પણ સાહિત્યના વિષયો પર નથી. તે આચાર્ય કૃપાલાણી, જયપ્રકાશ નારાયણ અને વસંત-રજબ વિશે છે, અને દુર્લભ છે. એક બેઠકે સજળ આંખે લખાયેલી વસંત-રજબ પરની પુસ્તિકાને આખરે આપવામાં આવેલો પ્રકાશભાઈનો ઔપચારિક પરિચય આ મુજબનો છે : ‘પ્રકાશ નવીનચન્દ્ર શાહનો જન્મ એમનાં મોસાળ માણસા મુકામે તા. 12-9-1940ના રોજ થયો હતો. વિદ્યાર્થીકાળથી જ તેઓ યુવા આંદોલન અને જાહેર પ્રવૃત્તિઓમાં સક્રિય રસ લેતા રહ્યા છે. રાજ્યશાસ્ત્રના વિષયમાં એમ.એ.ની પદવી મેળવ્યા પછી 1965થી 1971નાં વર્ષોમાં એમણે અમદાવાદની શ્રી હ.કા. આર્ટસ કૉલેજમાં એ વિષય શીખવ્યો હતો. એ જ ગાળામાં તેઓ ‘વિશ્વમાનવ’ માસિકનાં સંપાદન સાથે તેમ જ ગાંધી શાંતિ પ્રતિષ્ઠાનની પ્રવૃત્તિઓ સાથે સક્રિયપણે સંકળાયા હતા. 1971થી તેઓ સરદાર પટેલ યુનિવર્સિટી સંયોજિત જ્ઞાનગંગોત્રી ગ્રંથશ્રેણીના સંપાદક મંડળમાં કાર્યરત હતા. એ દરમિયાન જયપ્રકાશ નારાયણનાં સંપૂર્ણ ક્રાન્તિ આંદોલનમાં સક્રિય થતાં ગુજરાતમાં જનતા મોરચાના સહમંત્રી બન્યા હતા તેમ જ કટોકટી દરમિયાન દસ માસ લગી ‘મિસા’ કાનૂન હેઠળ જેલમાં રહ્યા હતા. કટોકટી ઊઠી ગયા પછી તેમણે અખબારી જૂથ ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ના ગુજરાતી દૈનિક ‘જનસત્તા’માં 1978થી 1990નાં વર્ષોમાં સહાયક તંત્રીથી માંડીને નિવાસી તંત્રી લગીની જવાબદારી નિભાવી હતી. પ્રકાશભાઈ ગુજરાત લોકસમિતિથી માંડીને ગુજરાતી સાહિત્ય પરિષદ સહિતની વિવિધ સામાજિક-સાંસ્કૃતિક-નગરિક સંસ્થાઓ સાથે સક્રિયપણે સંકળાયેલા રહ્યા છે. 1993થી તેઓ સેક્યુલર લોકશાહી આંદોલન (મૂવમેન્ટ ફૉર સેક્યુલર ડેમૉક્રસી) સાથે સ્થાપક-સંયોજકને નાતે જોડાયેલા છે. 1992થી ગુજરાતનાં વિચારપત્ર ‘નિરીક્ષક’ના તંત્રીની તેમ જ 2003થી થોડાંક વર્ષ તેઓ દૈનિક ‘દિવ્ય ભાસ્કર’ના સંપાદકીય સલાહકાર હતા અને અત્યારે તેના કૉલમિસ્ટ છે.’
દુનિયાના વૈચારિક વિમર્શમાં ‘પબ્લિક ઇન્ટેલેક્ચ્યુઅલ’ નામની એક વિભાવના છે. પોતાની બુદ્ધિપ્રતિભા, પોતે મેળવેલાં વિદ્યાકીય જ્ઞાનનો અને વ્યાવસાયિક કૌશલ્યોને જાહેરજીવનનાં હિત માટે લાંબા ગાળા માટે કામે લગાડનાર સ્ત્રી-પુરુષો પબ્લિક ઇન્ટેલેક્ચ્યુઅલના વર્ગમાં આવે છે. આ પ્રકારના સમાજ અગ્રણીઓ સાફ રાજકીય સમજ સાથે પણ પ્રજાકીય માર્ગે, રૅશનલ માનવતાવાદી અને કરુણાપૂર્ણ સમાનતાવાદી અભિગમથી નિરપેક્ષ ભાવે કાર્યરત હોય છે. ધર્મસત્તા, રાજ્યસત્તા અને અર્થસત્તા સાથે તેમનો નીડર સંઘર્ષ અનિવાર્ય હોય છે. વ્યવહારુ જીવનવ્યવસ્થાઓ અને સમાજની કદરબૂજની રીતમાં તેઓ ક્યારેક બંધબેસતા હોતા નથી. આ બધી બાબતોનાં પરિણામો જાહેર જીવનના બૌદ્ધિકો દેખીતી રીતે સહજભાવે દેખાડા વિના ભોગવે છે. દેશ અને દુનિયાના આ પ્રકારના પબ્લિક ઇન્ટેલેક્ચ્યુઅલ્સની નક્ષત્રમાળા પર નજર કરતા સમજાય છે કે ઘરાઆંગણે પ્રકાશભાઈ એમાંના એક છે. નિસબત ધરાવતા બૌદ્ધિક તરીકેના તેમના સહયોગનું એક મુખ્ય માધ્યમ છે ‘નિરીક્ષક’ પખવાડિક. ‘નયા માર્ગ’ અને ‘ભૂમિપુત્ર’ની જેમ લગભગ દરેક ક્ષેત્રને લગતાં કદર અને નિસબતના ભાવ સાથેના લખાણો તો તેમાં આવે જ છે. પણ સહુથી મહત્ત્વની વાત એ છે કે કોઈ પણ વાજબી વિરોધને વ્યક્ત કરવા માટેનો અસાધારણ લોકશાહી ઢબનો મંચ પણ ‘નિરીક્ષકે’ પૂરો પાડ્યો છે. લોકવિરોધી, વિકાસ-વિરોધી નીતિરીતિ, એકાધિકારવાદ, પિતૃસત્તા, વર્ણવ્યવસ્થા, શિક્ષણનું વેપારીકરણ જેવાં દૂષણોની સામેના તમામ પ્રકારના તેજાબી લખાણોને ‘નિરીક્ષક’માં મળ્યું છે તેવું સ્થાન બહુ ઓછી જગ્યાએ મળ્યું છે. તેમાં ય ગયાં પચીસેક વર્ષનાં કોમવાદી રાજકારણનું ‘નિરીક્ષક’ બિનપક્ષીય રીતે પ્રખર અને મુખર ટીકાકાર રહ્યું છે. વ્યક્તિગત રીતે પ્રકાશભાઈની પ્રતિબદ્ધતા એવી છે કે તે રાજકીય સામેલગીરીના ભાગ રૂપે સુધરાઈની ચૂંટણી તો લડ્યા જ છે. પણ હંમેશાં મોટા ભાગના વિરોધ કાર્યક્રમોમાં શબ્દશ: રસ્તા પર આવતા રહ્યા છે. તેમની હાજરીથી વિરોધ-પ્રદર્શનોને મોટું બળ મળે છે.
‘વિદ્યાધન: સર્વ ધન: પ્રધાનમ્’ એ ઉક્તિ પ્રકાશભાઈ માટે સાર્થક છે એ કહેવામાં એ યાદ રાખવું ઘટે કે તેમણે અનેકાનેક મહાન પુસ્તકોનાં સતત સેવનથી મેળવેલી વિદ્યા એ ‘યા વિદ્યા સા વિમુક્તયેત’ પ્રકારની છે. તેમનો ઝગઝોરી દેનારો વિદ્યાવિહાર ગયાં સાતેક વર્ષમાં વિવિધ ઉપક્રમો હેઠળ તેમણે આપેલી વ્યાખ્યાનમાળાઓના ચાળીસેક વ્યાખ્યાનોમાંથી મળે છે. તેમના સંદર્ભપ્રચૂર લેખોમાંથી પણ તેમનાં કોશ-સમ જ્ઞાનની ઝલક મળે છે. તે લેખોમાં દુર્બોધતા છે, પણ સાથે નવનવોન્મેષશાલિની ભાષા પણ છે.
હમણાં એક લેખમાં પ્રકાશભાઈએ પશ્ચિમના પબ્લિક ઇન્ટેલેક્ચ્યુઅલ્સ નોઆમ ચૉમ્સ્કી અને યુર્ગેન હાબરમાસ વિશે લખ્યું કે ‘શાસન તેમ જ કૉર્પોરેટ પરિબળોના વકરતા સત્તાવાદ સામે લોકશાહી છેડેથી પ્રજાસૂય બાલાશ જાણવામાં એમનો જોટો નથી.’ હાબરમાસ-પ્રણિત પબ્લિક સ્ફિઅર કહેતાં ‘ચાચર ચોક’ – ‘પ્રજાના પોતાના પરિસર, પ્રભાવક્ષેત્ર’માં પ્રકાશભાઈ સતત રહ્યા છે, તેના અંધારાં ઉલેચવા મથતા રહ્યા છે. ચૉમ્સ્કીએ ‘ધ રૅડિકલ ઇન્ટેલેક્ચ્યુઅલ’ નામનાં વ્યાખ્યાનમાં કહ્યું છે : ‘ધેર ઇઝ નો શૉર્ટેજ ઑફ ટાસ્ક્સ ફૉર ધોઝ હુ ચૂઝ ધ વોકેશન ઓફ ક્રિટિકલ ઇન્ટેલેક્ચ્યુઅલ, વૉટએવર ધ સ્ટેશન ઑફ લાઇફ’. − એ પ્રકાશભાઈની સક્રિયતાને તંતોતંત લાગુ પડે છે.
ચૉમ્સ્કી અને હાબરમાસને ‘નેવું નાબાદ’ કહીને પ્રકાશભાઈએ ખુશી વ્યક્ત કરી છે. એંશીએ આબાદ પ્રકાશભાઈ પણ નેવું નાબાદ તો હશે જ !
*********
18 જુલાઈ 2019
પ્રગટ : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “નવગુજરાત સમય”, 19 જુલાઈ 2019