તિર્યકી
ચોમાસા દરમિયાન તમે ટીવી પર ગુજરાતીમાં સમાચાર સાંભળશો, તો તમને ખૂબ આનંદ, રોમાંચ, રાહત અને શાંતિનો અનુભવ એક સાથે થશે. આ અનુભવ આપની સાથે વહેંચું ?
– વરસાદ પડશે એટલે રસ્તામાં ખાડા પડશે, રસ્તા પાણીમાં ગરક થશે, ખાડાને કારણે અકસ્માત થશે અને એમ જેટલી મુશ્કેલીઓ વધશે, એના વર્ણન માટે આપણી ભાષામાં એક પ્રભાવક પ્રયોગ સતત પ્રયોજાય છે. તંત્રની પોલ ખૂલી! આ પ્રયોગ ગૂઢ, અર્થસભર અને અત્યંત સૂચક છે. વર્તમાન સમયમાં તમે તંત્ર વિશે કે તંત્રવાહકો વિશે, ઘસાતું બોલતાં અનેક વાર વિચાર કરવાના. તમે ટ્રેન કે બસમાં એમ કરશો તો તમારી સામે ભક્ત-સમુદાય લાલ આંખ કરશે તમે અન્ય જાહેરસ્થળોએ આવું સાહસ કરશો, તો કદાચ ટોળાંની હિંસાનો ભોગ બનશો, સોશિયલ મીડિયામાં ગયા તો તો મોતના સોદા. ગાળોનો ધોધ અને તમારે ગટરમાં સ્નાન કરવાનો વારો. ટૂંકમાં, તમે મૂંગા મરશો, અને હોઠ પર હથેળી દાબી રાખશો, રખેને એકાદો બોલ છટકી જાય તો!
પણ ધન્ય છે ગુજરાતી સમાચારના પ્રસારણને. અહીં બિન્ધાસ્ત બોલી શકાય છે કે ‘તંત્રના બધા દાવા પોકળ નીકળ્યા!’ અને ‘તંત્ર ઉઘાડું પડી ગયું’ અને ‘તંત્રની પોલ ખુલ્લી પડી ગઈ!’
હવે આમાં ઊંડાણ કેવું છે તે નીરખો. ‘પોલ ખૂલી’ એમ કહેવામાં ‘પોલ છે જ’ એ ગર્ભિત સૂચન છે. પોલ, જે પ્રથમ છે, તે જ ખૂલે છે. એ અચાનક સપાટી પર નથી આવી, એની હયાતી અંગે આપણે જાણીએ છે, પણ એનું પ્રાગટ્ય આપણા તીવ્ર પ્રતિભાવનું કારણ બને છે. તંત્રના દાવા પોકળ ઠર્યા એમ પણ સમાચારમાં બોલાય છે, પણ એમાં પોલ ખૂલવામાં જે ચોટ અનુભવાય છે, તે ગેરહાજર છે. વરસાદ પછી લગભગ પ્રત્યેક નગરમાં ખાડા અર્થાત્ ભુવા પડે છે, પાણીના નિકાલ માટેની ‘પ્રિ-મોન્સૂન’ કામગીરી સમાપ્ત થઈ ગઈ હોય છે, છતાં કેટલાક વિસ્તારોમાં હોડી ફરી શકે એટલું પાણી ભરાય છે. આવી સ્થિતિ દરેક ચોમાસામાં હોય જ છે, એટલે ‘પોલ ખૂલી’ એ શબ્દપ્રયોગ અજમઅમર રહેવા સર્જાયો છે, અને એમાં જ એની શક્તિ રહેલી છે. વળી, આ શબ્દપ્રયોગ ‘તંત્ર’ સાથે કેટલો સરસ ભળી જાય છે, નહીં કે? સામાન્ય જનની, શિક્ષણની, ઉદ્યોગપતિની ફિલ્મીજગતની કે અન્ય કશાનીયે પોલ તો હોય અને એ કોઈક દિવસ ખૂલે પણ ખરી, છતાં ‘વહીવટીતંત્રની પોલ ખૂલી’ એમ જાહેર કરતી વખતે સમાચાર આપનાર વ્યક્તિનો ચહેરો ઝળહળી ઊઠે છે અને એ સ્વાભાવિક છે. પોતે શું કરવા શક્તિશાળી છે એની સભાનતા એના ચહેરા પર શા માટે ન ઝળકે? ભલભલાં જે ઉદ્ઘાટિત કરતાં ડરે છે, તે એ કરી રહ્યો છે.
– એ સાહસિક છે, સમર્થ છે, નિર્ભય છે, સ્પષ્ટવક્તા છે, સત્યનો લડવૈયો છે, જાગૃત નાગરિક છે, સ્વતંત્રતાનો મશાલચી છે. એ તંત્રને સાફસાફ કહી શકે છે, કે તમારામાં (તંત્રને પોતાનું વ્યક્તિત્વ છે.) પોલાણ છે, નક્કર હોવાની જે કથા સતત કરવામાં આવે છે અને પાછી તારસ્વરે કરવામાં આવે છે, એ પોલી છે – અને એ પોલ હવે ખૂલી ગઈ છે. સૂર્યપ્રકાશમાં એ પોલ જનતાની નજર સામે છે. આમ, બાપોકાર જાહેર કરવામાં એ સમાચાર આપનાર દેશદ્રોહી, રાજ્યદ્રોહી, નગરદ્રોહી નહીં ગણાય. એને કોઈ જેલમાં નહીં નાખે, એને કોઈ કોર્ટમાં ઘસડી નહીં જાય. સોશિયલ મીડિયા પર એને ગાળો આપવામાં નહીં આવે. એ રોજેરોજ ખોંખારીને કહેશે, કે ‘તંત્રની ખૂલી ગયેલી પોલ,’ અને ચોમાસાના પ્રત્યેક દિવસે મોટે ભાગે આ શબ્દો સાંભળવા મળશે. પોલ ન ખૂલે એવા બધા પ્રયાસો તંત્ર કરશે, કારણ કે એ તંત્ર છે, અને પોલ અકબંધ રાખવી એ તંત્રનો સ્વભાવ છે, પરંતુ એ તમામ પ્રયાસો વ્યર્થ જશે. પોલ ખૂલીને જ રહેશે, જાહેર થઈને જ રહેશે, અને જેમને ઢાંકણ વગરનું સત્ય પાત્ર જોવું હશે, તે સહુ જે ઉઘાડું પડ્યું છે તે જોશે, મનને સારું લાગશે. બળબળતા વાતાવરણમાં આ શીતળ ઝરમર ગમશે તમને, આપને !
અબ્રામા, વલસાડ
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2019; પૃ. 16