એ સવારે ફેસબુકમાં પ્રવેશ્યો ન પ્રવેશ્યો ત્યાં જ જર્મન મૂળના વિશ્વફિલસૂફ હાબરમાસનાં દર્શન થયાં, કટ્ર્સી નીરજ યાજ્ઞિક.
નેવું નાબાદ હાબરમાસ (જ. ૧૮ જૂન, ૧૯૨૯) હમણાં થોડાં અઠવાડિયાં પર ચમક્યા હતા, તે નિમિત્ત યુરોપીય યુનિયનની ચૂંટણીપૂર્વ ઝુંબેશનું હતું. એમની નિસબત, યુરોપીય યુનિયનની ચૂંટણીમાં નવી દુનિયાજોગ અપેક્ષિત વ્યાપક અભિગમ સામે મતદારમાત્ર સાંકડી રાષ્ટ્રભાવનાથી પરિચાલિત ન થાય એ હતી.
ચોમ્સ્કી અને હાબરમાસ. બેઉ નેવું નાબાદ. એક અમેરિકી અને બીજા જર્મનઃ આપણા સમયની વિશ્વપ્રતિભાઓ છે અને શાસન તેમ કૉર્પોરેટ પરિબળોના વિસ્તરતા (બલકે વકરતા) અધિસત્તાવાદ સામે લોકશાહી છેડેથી પ્રજાસૂય બાલાશ જાણવામાં એમનો જોટો નથી.
પહેલું વિશ્વયુદ્ધ પત્યું એના એક દસકે હાબરમાસનો જન્મ. બીજા વિશ્વયુદ્ધ ભણી લઈ જતા એ દસકામાં જર્મનીમાં હિટલરે ભયાવહ ભૂરકીનું રાજકારણ જગવ્યું હતું. માંજો કહો તો માંજો, આથો કહો તો આથો, બિલકુલ ફૉર્મ્યુલાફીટ, એવું વાયક ફરી વળ્યું હતું : આપણે શુદ્ધ આર્ય પ્રજા (અસલી જર્મન), વિશ્વવિજયી બનીને રહીશું એ વિધિનિર્માણ છે. એમાં રોડારૂપ કોઈ હોય તો, તે ગંધારા યહૂદીઓ છે. જન્મજાત અણીશુદ્ધ અશુદ્ધ. એમનો સફાયો કરવો ધર્મ્ય છે, રાષ્ટ્રીય છે. (રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના બીજા અને અત્યાર સુધી તો સૌથી લાંબો કાર્યકાળ ધરાવતા સરસંઘચાલક ગોળવલકર ગુરુજીકૃત સંઘી બાઇબલશા ‘વી ઑર અવર નેશનહૂડ ડિફાઈન્ડ’માં હિટલરે જે રીતે જર્મનરાષ્ટ્ર ખડું કર્યું, એનો બડો મહિમા કીધો છે.)
બાળકિશોર ઘડતરવરસોથી તરુણાઈ વટી હાબરમાસ ફ્રૅન્કફર્ટ સ્કૂલમાં સ્થિતપ્રતિષ્ઠ થયા ત્યારે પરિણત પ્રજ્ઞાને ધોરણે એમના નીતર્યા ચિંતનની એક વડી નિસબત – રે, નિસબત જ નહીં, પણ ચિંતા – આ હતી : એવું શું બન્યું કે હિટલરવાદ જર્મનીમાં છાઈ ગયો ? વસ્તુતઃ હિટલરના વિચારો તર્ક અને વિવેકની કસોટીએ પડકારી શકાય એવા હતા. પણ ભયાવહ ભૂરકીનો જે જોગસંજોગ હતો એમાં એ વાસ્તે જરૂરી લોકમત અને જાહેર સમજને સારુ અવકાશ જ કદાચ ન રહ્યો.
કાશ, પ્રજાનું પડ જાગતું હોત ! હાબરમાસની સ્થાપના એ છે કે પબ્લિક સ્ફિયર – પ્રજાનું પોતાનું પરિસર, પ્રભાવક્ષેત્ર અપેક્ષિત છે. વ્યાપક ચર્ચાવિચારણા વાસ્તે મુલકમાં અને જે-તે રાજવટમાં મુક્ત વાતાવરણ અને પુખ્ત ભાવાવરણ જરૂરી છે. તો સ્તો, હિટલર કે અન્ય એક ચક્રપ્રવર્તનને બદલે જીર્ણમત અને ઝનૂનથી ઉફરાટે મુક્ત વિચાર અને આપલે દ્વારા એક એકંદરમતી (કૉન્સેન્સ્યુઅલ) પથ બંધારણીય મોકળાશમાં પ્રશસ્ત બને.
પબ્લિક સ્ફિયરનો, જાગતી પ્રજાસૂયતાનો મોટો લાભ એ છે કે બધી બાબતે સંમત મત શક્ય ન બને (અને અસંમતિ શા સારુ ન હોય વારુ ?) ત્યારે પણ મતભેદની મર્યાદાઓ બાબતે સમજ અને સજાગતા સાથેની એકંદરમતી સરજી શકાય છે. બંધારણની આણ અને આમન્યા તેમ જ મોકળાશ, રિપીટ, મોકળાશ સાથેની એકંદરમતી પ્રક્રિયા (નહીં કે ભયાવહ ભૂરકીગત વિક્રિયા) જારી રહે, તો ધોરણસરના મતભેદો છતાં લોકમાં ‘અમે વિરુદ્ધ તમે’ની – આગળ ચાલતાં નઠારા ‘ધ અધર’ લગીની – નકરા ધિક્કારતિરસ્કાર વટી ઘોર શત્રુવટની રાજનીતિ સારુ ગુંજાશ ન રહે.
આ સંદર્ભમાં હાબરમાસે પબ્લિક સ્ફિયર અને કૉન્સેન્સસ સાથે આગળ કરેલો અભિગમ બંધારણીય અગર નાગરિક રાષ્ટ્રવાદનો, સિવિક નૅશનલિઝમનો છે. રાષ્ટ્રવાદની ધર્મકોમગત માંડણી, અમે દેવના દીધેલ ને વરાયેલ (ચોઝન) છીએ, એવો ખયાલ, શુદ્ધ લોહી – શુદ્ધ ‘ત્વ’-નો વંશીય (ઍથ્નિક) ખયાલ, એવું બધું નહીં, પણ સિવિક નેશનલિઝમ.
ઇંદિરા ગાંધીએ લાદેલ કટોકટીરાજમાં ‘પબ્લિક સ્ફિયર’નું સંકોચન હતું અને એક વ્યક્તિના અધિકારવાદ સાથે રાષ્ટ્રવાદની અજબ જેવી મિલાવટ હતી. શાલીન જયપ્રકાશ જેમના રાગ દરબારીની તારીફરૂપ ‘કોર્ટ જેસ્ટર’ જેવો પ્રયોગ ટાળી ન શક્યા, તે તત્કાલીન કૉંગ્રેસપ્રમુખ દેવકાન્ત બરુઆએ ‘ઇંદિરા ઇઝ ઇન્ડિયા’નું સૂત્ર ત્યારે આપ્યું હતું. ફ્રૅન્ચ ક્રાંતિ પૂર્વે ફ્રાન્સનો લુઈ રાજા, ‘આઈ એમ ધ સ્ટેટ’ તરેહનો હુંકારઓડકાર ખાતો હતો ને, એવું જ કાંક. હિંદુત્વ રાજનીતિનો આ દોર એકાધિકાર સાથે વંશીય રાષ્ટ્રવાદની સંમોહક એટલી જ ભયાવહ યુતિનો છે.
હાબરમાસ બરાબર અણીટાંકણે પ્રજાના પોત્તાના પરિસરની અને નાગરિક રાષ્ટ્રવાદના નંદાદીપ શી ચિંતનઘટના સાથે આપણી વચ્ચે છે. એમાં હાલની રાજવટના કરવૈયા ને બજવૈયા સારુ આત્મપરીક્ષણની તો પ્રજાપક્ષે એમના મૂલ્યાંકનપૂર્વક વિકલ્પચિંતનની જે સામગ્રી છે, તે વિપળવાર પણ વહેલી નથી. બલકે, આ દિશામાં નીતરી સમજ એ વિકલ્પખોજ વાસ્તે દુર્નિવાર છે.
સૌજન્ય : “નિરીક્ષક”, 01 જુલાઈ 2019; પૃ. 15