લોકસભાની ૫૪૩ બેઠકોમાં અનુસૂચિત જાતિની ૮૪ બેઠકો અનામત છે. આ ૧૫ ટકા દલિત સાંસદો લોકસભાનું એક મોટું અને મહત્ત્વનું જૂથ છે. વિધાનગૃહોમાં દલિતો-આદિવાસીઓના પ્રતિનિધિત્વ માટે ભારતીય બંધારણના અનુચ્છેદ ૩૩૦ અને ૩૩૨માં અનામત બેઠકોની જોગવાઈ કરવામાં આવી છે. બંધારણના ઘડવૈયાઓએ રાજકીય અનામત બેઠકોની સમયમર્યાદા દસ વરસની ઠરાવી હતી. તેમને આશા હતી કે બંધારણના અમલના એક દાયકા પછી અનુસૂચિત જાતિ-જનજાતિને વિધાનગૃહોમાં ઉચિત પ્રતિનિધિત્વ મળતું થઈ જશે અને અનામતની જરૂર નહીં રહે, પણ આજે સાત દાયકે પણ તેમ થઈ શક્યું નથી. એટલે દર ૧૦ વરસે તેની મર્યાદા વધારવામાં આવે છે. હાલની રાજકીય અનામતની મુદ્દત જાન્યુઆરી ૨૦૨૦માં સમાપ્ત થશે.
૨૦૧૧ની વસ્તી-ગણતરી પ્રમાણે દેશમાં દલિતોની વસ્તી ૧૬ કરોડ ૬૩ લાખ છે, જે કુલ વસ્તીના ૧૬.૨% છે. સૌથી વધુ દલિત વસ્તી પંજાબમાં (૨૮.૯%) છે. તે પછીના ક્રમે હિમાચલ પ્રદેશ (૨૪.૭%), બંગાળ (૨૩%), ઉત્તર પ્રદેશ (૨૧.૧%), હરિયાણા (૧૯.૩%) અને તમિલનાડુ (૧૯%) છે. દેશનાં ૨૧ રાજ્યોમાં લોકસભાની અનામત બેઠકો છે. સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં ૧૭, બંગાળમાં ૧૦, તમિલનાડુમાં ૭, બિહારમાં છ, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં પાંચ પાંચ, પંજાબ, આંધ્ર, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં ચાર ચાર, તેલંગણા અને ઓરિસ્સામાં ત્રણ ત્રણ, કેરળ, ગુજરાત અને હરિયાણામાં બે બે, તો અસમ, ઉત્તરાખંડ, દિલ્હી, હિમાચલ પ્રદેશ, છત્તીસગઢ અને ઝારખંડમાં એક એક અનામત બેઠક છે.
૨૦૧૯માં જે ૮૪ દલિત સાંસદો ચૂંટાયા, તેમાં સૌથી વધુ ભા.જ.પ.ના ૪૬ (એન.ડી.ના ૫૫) છે. લોકસભામાં કૉંગ્રેસના છ, તૃણમૂલ કૉંગ્રેસના પાંચ, વાય.એસ.આર.ના ચાર, ડી.એમ.કે., લોકજનશક્તિ પાર્ટી, બીજું જનતાદળ અને તેલંગણા રાષ્ટ્રસમિતિના ત્રણ ત્રણ સાંસદો ચૂંટાયા છે. જનતાદળ (યુ) અને શિવસેનાના ૨-૨, અપના દળ, એ.આઈ.ડી.એમ.કે., વી.સી.કે. અને અપક્ષ એક એક છે. દલિતોનું રાજકીય પ્રતિનિધિત્વ ૧૫ પક્ષો ઉપરાંત અપક્ષમાં પણ છે. તમામ ડાબેરી પક્ષોના હાલની લોકસભામાં ફક્ત પાંચ જ સાંસદો છે, તેમાં પણ એક દલિત (સી.પી.આઈ. – તમિલનાડુ) છે. દલિતોની પાર્ટી ગણાતી બહુજન સમાજ પાર્ટીના લોકસભામાં દલિત (બે) કરતાં મુસ્લિમ (ત્રણ) સાંસદો વધુ છે ! કુલ દલિત સાંસદોમાં બી.જે.પી.ના સાંસદો ૫૪.૭% છે અને બી.એસ.પી.ના ૨.૩% છે. રાજકીય પક્ષો અને રાજ્યવાર દલિત સાંસદોની વિગતો જોઈએ તો ભા.જ.પે. કર્ણાટક, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત, હિમાચલ.પ્રદેશ, છતીસગઢ, ઝારખંડ, અસમ, ઉત્તરાખંડ અને દિલ્હીની તમામ અનામત બેઠકો પર વિજય મેળવ્યો છે. ઉત્તરપ્રદેશની અનામત બેઠકોમાંથી ૮૦%, બંગાળની ૫૦%, મહારાષ્ટ્રની ૪૦ % અને પંજાબની ૨૫% બેઠકો મેળવી છે. જો કે તે તમિલનાડુ, આંધ્ર, ઓરિસ્સા, તેલંગણા અને કેરળ એ પાંચ રાજ્યોની એક પણ દલિત અનામત બેઠક જીતી શક્યો નથી. કૉંગ્રેસ કેરળની બંને બેઠકો મેળવવામાં કામિયાબ રહી છે પરંતુ કેરળ, પંજાબ અને તમિલનાડુ એ ત્રણ સિવાયનાં ૧૭ રાજ્યોની કૉંગ્રેસની પરંપરાગત મનાતી એવી દલિત અનામત બેઠકોમાંથી એક પણ બેઠક તેને મળી નથી.
૮૪ દલિત સાંસદોમાં ૭૨ પુરુષ અને માત્ર ૧૨ જ મહિલા છે. લોકસભામાં આ વખતે ૭૮ મહિલા સાંસદો છે, જે લોકસભાની કુલ સંખ્યાના ૧૪% છે, તો લગભગ એટલું જ પ્રમાણ દલિત મહિલા સાંસદોનું છે. ૨૩ રાજ્યોમાંથી મહિલા સાંસદો ચૂંટાયાં છે પરંતુ અનામત બેઠકવાળા ૨૧ રાજ્યોમાંથી અડધા કરતાં વધુ (૧૨) રાજ્યોમાંથી એક પણ દલિત મહિલા સાંસદ નથી! ઓરિસ્સાની તમામ ત્રણ અનામત બેઠકો પર દલિત મહિલા જ સાંસદ તરીકે ચૂંટાયાં છે, દલિત મહિલા સાંસદોમાં મીડિયાખ્યાત ખૂબસૂરત અને કરોડપતિ અપક્ષ સાંસદ નવનીત રવિ રાણા (અમરાવતી, મહારાષ્ટ્ર) છે, તો માંડ ૧૧ લાખની સંપત્તિ ધરાવતા કેરળ(અલાતુર)ના ગરીબ કૉંગ્રેસી સાંસદ રામ્યા પી.એમ. પણ છે. અગ્રણી દલિત મહિલા નેત્રીઓ મીરાંકુમાર અને કુમારી શૈલજા આ ચૂંટણી હારી ગયાં છે. આ હકીકતો દર્શાવે છે કે અડધી આલમ એવી મહિલાઓનું અને દલિત મહિલાઓનું લોકસભામાં પ્રતિનિધિત્વ પર્યાપ્ત નથી.
સત્તરમી લોકસભામાં ૨૬૭ સભ્યો પ્રથમ વાર ચૂંટાયા છે, જેની ટકાવારી ૪૯% છે. ૮૪ દલિત સાંસદોમાં ૫૮ પ્રથમ વાર ચૂંટાયા છે, જેની ટકાવારી ૬૯% છે. પ્રથમ વાર વિજેતા બનેલા દલિત સાંસદોમાં બહુમતી નાની ઉંમરનાં છે, કેટલાંક ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવનારાં છે. મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં દલિત-આંદોલન સમયે ખૂલીને સરકારનું સમર્થન ન કરનારા ઘણા સાંસદોને આ વખતે પક્ષે ટિકિટ આપી નહોતી, એટલે લોકસભાના ૮૪ દલિત સાંસદોમાં અભ્યાસ અને અનુભવની ખોટ વર્તાય તેવા નવોદિતો વધુ જણાય છે. માયાવતી અને રામવિલાસ પાસવાન લોકસભાનીચૂંટણી લડ્યા નહોતાં, તો મલ્લિકાર્જુન ખડગે, સુશીલકુમાર શિંદે અને પ્રકાશ આંબેડકર ચૂંટણી હારી ગયા છે, તેથી દલિત-સવાલોની સચોટ અને સબળ રજૂઆત કરનાર સાંસદોથી આ લોકસભા વંચિત રહેશે.
વડાપ્રધાન સહિતના ૫૮ સભ્યોના કેન્દ્રીય પ્રધાનમંડળમાં બે કૅબિનેટ અને ત્રણ રાજ્યકક્ષાના એમ પાંચ દલિતોનો સમાવેશ થયો છે. લોકસભામાં દલિતોનું પ્રતિનિધિત્વ ૧૫% છે, પરંતુ પ્રધાનમંડળમાં તો માત્ર ૫% જ છે. વળી, પાંચ દલિત પ્રધાનોમાં માત્ર બે જ લોકસભાના સભ્ય છે. બંને કૅબિનેટ મંત્રીઓ રામવિલાસ પાસવાન અને થાવરચંદ ગેહલોત લોકસભાના સભ્ય નથી. રાજ્યકક્ષાના ત્રણમાંથી એક મંત્રી લોકસભાના સભ્ય નથી. બંને કૅબિનેટ મિનિસ્ટરોની ઉંમર ૭૩ અને ૭૦ વરસ છે. ત્રણ રાજ્યકક્ષાના મંત્રીઓ પણ ૬૭, ૬૫ અને ૬૦ વરસના છે. દલિતો માટે અનામત એવું સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય જ આ પાંચ પૈકીના ત્રણ મંત્રીઓના ફાળે આવ્યું છે. કર્ણાટક અને બંગાળમાંથી પાંચ-પાંચ દલિતો લોકસભામાં ચૂંટાયા છતાં એકેય પ્રધાન બનવાને લાયક નથી ઠર્યા!
ડૉ. આંબેડકરની માંગણી દલિતો માટે અલગ મતાધિકારની હતી. પણ કૉંગ્રેસને તે સ્વીકાર્ય નહોતી. ગાંધીજી અને કૉંગ્રેસે હિંદુએકતા અકબંધ રાખવા અલગ મતાધિકારને બદલે રાજકીય અનામત બેઠકો આપી હતી. વિધાનગૃહોની અનામત બેઠકો પર માત્ર અનામત વર્ગના જ મતદારો મતદાન કરતા નથી, તેથી અનામત બેઠક પર ચૂંટાયેલા સભ્યો દલિત-આદિવાસીના સાચા રાજકીય પ્રતિનિધિ બની શકતા નથી; કેમ કે તેમને ચૂંટણી જીતવા પોતાના રાજકીય પક્ષ અને બિનઅનામત મતદારોના હિતનું સવિશેષ ધ્યાન રાખવાનું હોય છે. આ સ્થિતિને કારણે ડૉ. આંબેડકર લોકસભાની એક પણ ચૂંટણી જીતી શક્યા નહોતા. તેથી જ રાજકીય અનામતથી તાકતવર દલિત રાજકીય પ્રતિનિધિત્વ ઊભું થઈ શકતું નથી.
અનામત બેઠકો પર ચૂંટાયેલા લોકસભાના સભ્યોમાં દલિતોની જાતિ અને પેટા જાતિની વિવિધતા કેવી હોય છે, તે પણ મોટો સવાલ છે. પ્રભુત્વ ધરાવતી થોડી જ્ઞાતિઓ શિક્ષણ અને નોકરીઓની અનામતનો વધુ લાભ મેળવે છે, તેવી જે છાપ છે, તેવું રાજકીય અનામતની બાબતમાં બન્યું છે ? નમૂના દાખલ ઉત્તર પ્રદેશની ૧૭ અનામત બેઠકો પર ચૂંટાયેલા દલિત સાંસદોની જાતિ-પેટા જાતિની વિવિધતા ચકાસીએ. યુ.પી.ની અનુસૂચિત જાતિની યાદીમાં ૬૬ પેટા જાતિઓનો સમાવેશ થાય છે. ૧૭ અનામત બેઠકો પર રાજકીય પક્ષોએ જે ટિકિટ ફાળવણી કરી હતી તેમાં ભા.જ.પે. ૧૬માંથી બે, કૉંગ્રેસે ૧૭માંથી છ, બ.સ.પા.ને ફાળે આવેલી ૧૦માંથી નવ અને સમાજવાદી પાર્ટીએ સાતમાંથી એક બેઠક ઉત્તર પ્રદેશની પ્રભુત્વ ધરાવતી દલિત પેટા જાતિ ચમાર/જાટવને ફાળવી હતી. બી.જે.પી.એ છ, કૉંગ્રેસે પાંચ, બ.સ.પા.એ એક, સ.પા.એ ત્રણ બેઠકો પર પાસી પેટા જ્ઞાતિના ઉમેદવારો ઊભા રાખ્યા હતા. ઉત્તર પ્રદેશના ચૂંટાયેલા ૧૭ લોકસભા સભ્યોમાં સૌથી વધુ છ પાસી, ૩ જાટવ/ચમાર, બે ખટિક છે. વાલ્મીકિ, કોરી, ધાનુક, ગૌંડ, કોલ અને ગડેરિયા જ્ઞાતિના એક-એક છે. યુ.પી.માં અનુસૂચિત જાતિની યાદીમાં જો ૬૬ પેટા જ્ઞાતિઓ થતી હોય અને લોકસભાના સભ્યો માત્ર નવ જ પેટા જ્ઞાતિના ચૂંટાય તો પેટા જ્ઞાતિની વિવિધતા અતિઅલ્પ છે, તેમ કહી શકાય. વર્તમાન લોકસભામાં ઉત્તર પ્રદેશમાંથી માયાવતીની વોટબૅંક ગણાતા ચમાર/જાટવને બદલે પાસી પેટા જ્ઞાતિના બમણા લોકસભા સભ્યો છે – છતાં દલિતોની નીચલી કે મહાદલિત જ્ઞાતિઓનું રાજકીય પ્રતિનિધિત્વ ખાસ જોવા મળતું નથી. ભા.જ.પ.નો પ્રયત્ન દલિતોની અન્ય પેટા જ્ઞાતિઓમાં પોતાનું સ્થાન ઊભું કરવાનો રહે છે, તે અહીં સ્પષ્ટ જોવા મળે છે. મહારાષ્ટ્રમાં જ્યારે પ્રથમ વાર શિવસેના બી.જે.પી.ની રાજ્યસરકાર બની, ત્યારે તેના મંત્રી મંડળમાં એક પણ મંત્રી મહાર નહોતા (મહાર મહારાષ્ટ્રની દલિતોની બળુકી પેટાજ્ઞાતિ છે) કેમ કે બી.જે.પી.-શિવસેનાના તમામ ધારાસભ્યો માંગ પેટા જ્ઞાતિના હતા. આ અનુભવ પછી મહારો મહારાષ્ટ્રના રાજકારણમાં પોતાનું સ્થાન અકબંધ રાખવા મોટા પાયે બી.જે.પી. શિવસેનામાં જોડાયા હતા. તે આ સંદર્ભમાં નોંધપાત્ર છે.
જાણીતા કર્મશીલ લેખિકા અરુંધતી રૉય, કૉંગ્રેસ કે રાહુલ ગાંધી નહીં, પણ મજબૂત દલિતએકતા નરેન્દ્ર મોદી અને ભા.જ.પ.ને હરાવી શકે તેમ છે, તેવો આશાવાદ સેવે છે. ૨૦૧૯ની લોકસભા ચૂંટણી ઉત્તર પ્રદેશમાં માયાવતીની બહુજન સમાજ પાર્ટી મુલાયમ-અખિલેશની સમાજવાદી પાર્ટી સાથે, બિહારમાં રામવિલાસ પાસવાનની લોકજનશક્તિ પાર્ટી ભા.જ.પ. અને જનતાદળ (યુ) સાથે તથા મહારાષ્ટ્રમાં પ્રકાશ આંબેડકરની બહુજન વંચિત અઘાડી અસુદ્દીન ઓવૈસી સાથે ચૂંટણી ગઠબંધન કરીને લડી હોય ત્યારે મજબૂત દલિત-એકતા બહુ આઘી ભાસે છે અને એટલે મોદી-ભા.જ.પ.ની હાર પણ અઘરી લાગે છે.
E-mail : maheriyachandu@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 જુલાઈ 2019; પૃ. 08-09