સંસદમાં રાષ્ટ્રપતિના ભાષણ પરની ચર્ચાનો જવાબ વાળતાં તારીખ અને તવારીખનો જોગાનુજોગ ખપમાં લઈ વડાપ્રધાને કૉંગ્રેસ પર પ્રહાર કરવાની તક સ્વાભાવિક જ ન છોડી – અને કૉંગ્રેસ વાંકમાં નહોતી એમ તો નથી – કે ભાઈ, આ કાંઈ તમે લાદી હતી એવી કટોકટી નથી કે સરકાર કોઈને પણ પકડીને જેલમાં ખોસી દે. ભલા’દમી, જામીન પર છો તો છો. તમતમારે એન્જોય કરો ને. દેખીતી રીતે જ ‘નૅશનલ હેરલ્ડ’ કેસનો આ સંદર્ભ હતો. ૧૯૭૫-૭૭ના કટોકટીકાળમાં મનમુરાદ અટકાયતનો દોર ચાલ્યો હતો અને સર્વોચ્ચની દેવડીએ હેબિયસ કોર્પસની લોકશાહી સાથે અવિનાભાવ જોડાયેલી નાગરિક માંગ સુધ્ધાં ખડી પડી હતી. હાઈકોર્ટો ચુસ્તદુરુસ્ત અને સુપ્રીમ કોર્ટ ઢીલી, એવા એ દિવસો અને એવી એ રાતો હતી. પણ આ ક્ષણે એની દાસ્તાંમાં નહીં જતાં એટલું જ કહીશું કે એને અંગેની સાંભરણો, હાલ એક પા કૉંગ્રેસ તો બીજી પા ભા.જ.પ. એવી જે બાજી મંડાણી છે એમાં નિઃશંક હાલની સરકાર અને સત્તાપક્ષ તરફે છે. વડાપ્રધાન ગૃહમાં બોલતા હશે એ જ અરસામાં કોલકાતાથી મમતા બેનર્જીએ સુણાવ્યું હતું કે દેશમાં આજે સુપર ઈમરજન્સી ચાલી રહી છે. જાણે ટાંપીને બેઠા હોય એમ કેન્દ્રીય મંત્રી જાવડેકરે વળતું ફટકાર્યું હતું કે તમારે ત્યાં હાલ કટોકટી જેવી જ સ્થિતિ છે.
વાત પણ સાચી કે આજે દેશના રાજકારણને નરસિંહ મહેતાની કક્ષાનો કોઈ કવિ મળી રહે તો સ્થિતિ બિલકુલ છે તો ‘કટોકટી લટકા કરે કટોકટી સામે’ જેવી જ. ઊલટ પક્ષે, માર્ચ ૧૯૭૭માં સત્તાનશીન થયેલ જનતા પક્ષે (જનસંઘ પણ જેનો સંઘર્ષલાભાર્થી સહભાગી હતો, એણે) બંધારણમાં ચુંમાલીસમા સુધારા મારફતે કટોકટી લાદવા સામે કિલ્લેબંધી કરી છે. તો વળતી હકીકત એ પણ છે કે કટોકટીરોધક કાનૂની કિલ્લેબંધી છતાં સામસામે કટોકટીને પોષક અને સંપોષક (સસ્ટેનેબલ) શસ્ત્રાસ્ત્ર ઉગામાતાં રહે છે. લોકશાહી એક સહજ સંસ્કાર રૂપે આપણી રાજકીય સંસ્કૃતિમાં ઝમી નથી. ઠીક જ કહ્યું હતું, અચ્છા કૉપીકાર અને અનુભવી જોધ્ધા અડવાણીએ થોડાં વરસ પર કે બંધારણમાં હવે કટોકટીવિરોધી જોગવાઈ છે છતાં દેશમાં કટોકટી ફરી નહીં જ આવે એમ હું કહી શકતો નથી. અડવાણીને પક્ષમાં સાઈડલાઈન કરાયાની વિગત પૂરતું, માનો કે એમના વિધાનને થોડું ઓછું આંકીએ; પણ એમાં વજૂદ નથી એવું તો કહી શકાતું નથી.
સમજવાની વાત એ છે કે જેને આપણે સરકાર પદારથ કહીએ છીએ તે પ્રકૃતિગત રીતે કંઈક મનસ્વી (આર્બિટરી) મનમુરાદ સત્તા ભણી સદૈવ ખેંચાણ અનુભવે છે. એક ઘોડી પર બે અસવાર ન હોય એ સામંતી યુગનું સત્ય, પરસ્પર આપલેના ધોરણે સહિયારા નેતૃત્વથી એકંદરમતી સર ચાલવી જોઈતી લોકશાહી પર પણ એટલું જ સવાર થઈ જતું હોય છે. આવું ન બને તે વાસ્તે સત્તાવિશ્લેષ(સેપરેશન ઑફ પાવર્સ)ના સિદ્ધાંત પર લોકશાહીમાં ખાસ ભાર મૂકવામાં આવે છે. એનું વહેવારપાસું જેમ ધારાસભા, કારોબારી ને ન્યાયતંત્રના સ્વતંત્ર દાયરા વાટે પરિચાલિત થાય છે તેમ એનું એકંદર વ્યાકરણ તરેહવાર સ્વાયત્ત સંસ્થાઓની સંગોપનગુંથણી અધિષ્ઠિત શાસનશૈલી મારફતે ઊઘડતું આવે છે.
અડવાણીની ટિપ્પણીને અગર તો કટોકટી ગઈ પણ કટોકટી જારી છે તે પ્રકારની માંડણીને કે પછી આપણે એક અઘોષિત કટોકટીના દોરમાં છીએ તે પ્રકારનાં નિરીક્ષણોને આ સંદર્ભમાં જોઈએ તો જણાશે કે સ્વાયત્ત સંસ્થાઓનું ધોવાણ અને આ સંસ્થાઓ પરનો શાસકીય ભરડો ભૂતકાળની એવી કોશિશો કરતાં વધુ વેગે અને ભીંસ સાથે ચાલે છે. એમાં કેવળ સરકારમાત્રની પ્રકૃતિનો (કે કટોકટીરાજ જેવી પરાકાષ્ઠાનો) મુદ્દો નથી, પણ ચોક્કસ ગણતરી અને ધોરણપુરસ્સર ભીંસનું ઠીક ઠીક આયોજનબધ્ધ ગણિત છે.
નમૂના દાખલ રિઝર્વ બેંકની વાત કરીએ તો હમણાં જ ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્યે રાજીનામું આપી ખસી જવું પસંદ કર્યાના હેવાલો આવ્યા હતા. આમે ય, એમણે થોડા વખત પર જાહેરમાં જે વિચારો વ્યક્ત કર્યા હતા એથી સમજાતું હતું કે એક સ્વાયત્ત સંસ્થા તરીકે રિઝર્વ બેંકને ગેરવાજબી લાગે એવા દેખીતા અર્થશાસ્ત્રીય પણ અન્આર્થિક, દેખીતા નાણાંકીય પણ વસ્તુતઃ રાજકીય નિર્ણયો કરવાનું વર્તમાન સરકારનું વલણ છે. બેશક, નોટબંધી પ્રકરણમાં આગળપાછળની જે વિગતો એળે નહીં તો બેળે બહાર આવી ત્યાર પછી આવી છાપ અકારણ પણ નથી. એ દિવસોમાં ગવર્નરની નહીં પણ કલર્કી કામગીરીમાં મુકાઈ ગયેલા ઊર્જિત પટેલે મુદ્દત પૂર્વે જ ખસી જવું ગનીમત લેખેલું તે સૌ જાણે છે. તે પૂર્વે અર્થપ્રકરણી બાબતોમાં વિશ્વવિશ્રુત રઘુરામ રાજનને બીજી ટર્મ નહીં આપવાનું સત્તાવાર વલણ આપણી સામે છે. નીતિ આયોગના અરવિંદ પાનગરિયા અને વડા આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યને પણ હવે જે બધા વિચારો વ્યક્ત કર્યા છે તેમાં એમને ધોરણસરની કામગીરી માટેની મોકળાશ નહીં હોવાની અને પૂર્વાપર સમજ વગરની રાજકીય શિરજોરીનું દબાણ હોવાની છાપ છાની રહેતી નથી. ખાસ તો, બેરોજગારી અને જિ.ડી.પી.ના આંકડા બાબતે શીર્ષ સત્તાસ્તરેથી મરોડમચડ આ દિવસોમાં ચર્ચાનો વિષય બનેલ છે.
ન્યાયતંત્ર જે ભીંસ અનુભવી રહ્યું છે એનો કંઈક અણસાર ન્યાયમૂર્તિ ગોગોઈના તાજા ભાષણમાંથી મળે છે. ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ કુરેશીને અન્ય હાઈકોર્ટમાં મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે નીમવાની વિધિવત્ ભલામણ સામે કેન્દ્ર સરકારના અખાડાનો મરમ અને માયનો આપણને નથી સમજાતાં એમ તો નથી. જસ્ટિસ લોયા પ્રકરણનાં સંદિગ્ધ પાસામાં ધરબાયેલ સૂચિતાર્થ, આ અખાડાના કુળનો જ છે. અને તે એ કે અત્યારની સત્તામંડળીને અણગમતા ને અડચણકર્તા ચુકાદા આપતી ન્યાયિક પ્રામાણિકતા સ્વીકાર્ય નથી. મુદ્દે, ચોમેરચોફેર વરતાતી ભીંસ એવી છે કે વિવિધ બંધારણીય સંસ્થાઓ રાજ્યકર્તાઓની તરફેણમાં લચીલી શૈલીએ ચાલવામાં સલામતી શોધે.
મનમુરાદ સત્તા, હમણાં કહ્યું તેમ સરકારમાત્ર સંબંધે પ્રકૃતિં યાન્તિ ભૂતાનિ એ ન્યાયે કેવી ચાલે છે એવો નાદર નમૂનો આપણે આગલી પાછલી બધી સરકારોમાં કથિત એન્કાઉન્ટરોથી માંડીને કસ્ટોડિયલ ડેથ લગીના કિસ્સાઓમાં સળંગ જોતા રહ્યા છીએ. સત્તાવાર માહિતી મુજબ ૨૦૦૧થી ૨૦૧૬માં ગુજરાતમાં કસ્ટોડિયલ ડેથના ૧૮૦ કિસ્સા નોંધાયા છે; અને એમાંથી એકમાં પણ, રિપીટ, એકમાં પણ – એક પણ પોલીસને સજા થઈ નથી. માત્ર અને માત્ર સંજીવ ભટ્ટના કિસ્સામાં જૂનો કેસ ખોદી કાઢી આજીવન કેદ લગી વાતને લઈ જવાઈ છે. તરત સમજાય એવું કારણ એટલું અને એટલું જ છે કે સંજીવ ભટ્ટે ત્યારના ગુજરાતના અને હવે તો ભારતના જે બેત્રણ સર્વોચ્ચ સત્તાપુરુષો મનાય છે એમની ગુનાઈત સંડોવણી બાબતે જુબાની આપવાની નૈતિક હિમ્મત દાખવી હતી. ‘નઠારા માનવ અધિકારવાદીઓ અને નકામા નાગરિક સ્વાધીનતાવાળા તેમ જ મુઆ એન.જી.ઓ.’ તરેહની માનસિકતાથી હટીને કસ્ટોડિયલ ડેથના એક જ ખાસ કેસમાં ન્યાયની બાલાશ જાણવાની આ શૈલીને નિષ્ઠા કહીશું કે વ્યૂહ. કોઈ પણ વાચક વ્યક્તિ, સિવાય કે ન જ જોવું હોય, વ્યૂહને તરત જોઈ શકશે. ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ કુરેશી સત્તાવાર ભલામણ છતાં મધ્યપ્રદેશ હાઈકોર્ટના વડા ન્યાયમૂર્તિપદે બાદ રખાયા એમાં રહસ્ય જેવું કદાચ કંઈ જ નથી; કેમ કે એમના ન્યાયિક નિર્ણય બાબતે સત્તાપુરુષને અસુખ હતુ તે હતું.
સરકાર અને મોટા ભાગના મીડિયાના એક અપરિભાષિત – અર્ધપરિભાષિત – અપવિત્ર મેળાપીપણામાંથી દેશના ‘ટુકડે ટુકડે ગેંગ’ અને રાજદ્રોહ પ્રકારના રાજકારણમાં આ ગાળામાં સવિશેષ ઉછાળો અનુભવાયો છે. આ સંદર્ભમાં જે બધી સી.ડી.ઓ કથિત પુરાવા રૂપે આગળ ધરાય છે તે ઘણીખરી તો ડૉક્ટર્ડ માલૂમ પડે છે. (મારા અંતરાત્માને આ પ્રકારની સંડોવણી પજવે છે, એવી કેફિયત સાથે ‘ઝી’ના એક પ્રોડ્યુસરે રાજીનામું પણ ધરી દીધું છે.) બીજી પાસ, પત્રકારો અને મીડિયાના પક્ષે, સ્વતંત્ર રહેવાની જે યત્કિંચિત કોશિશ કોઈ કોઈ કિસ્સામાં જણાય છે એની સાથે કઈ રીતે કામ લેવાય છે તે પત્રકાર રાઘવ બહલ સાથેના એન્ફોર્સમેન્ટ ડાઈરેક્ટોરેટના દુર્વ્યવહાર પરથી સાફ સમજાઈ રહે છે. બહલ વર્તમાન નેતૃત્વના કોઈક તબક્કે પ્રશંસક હતા ત્યારે ઈડીને પક્ષે કશું કહેવાનું નહોતું. પણ બહલને પક્ષે પુનર્વિચાર શરૂ થયો કે તરત ઈડીએ પડમાં પધારવું પસંદ કર્યું. એન.ડી.ટી.વી.ના નાણાવહેવારમાં પ્રણય રોય સાથે સેબીનું વર્તન પણ આ સંદર્ભમાં સંભારવા જેવું છે. આનંદ પટવર્ધનની ફિલ્મ ‘રીઝન’ (જે યુ ટ્યુબ પર છે) કેરળના ફેસ્ટિવલમાં રજૂ કરવા બાબતે કેન્દ્ર સરકારના સેન્સરશાહી રવૈયાને સદ્ભાગ્યે કેરળ હાઈકોર્ટ ફગાવી દીધો છે. પણ રવૈયો પોતે સાફ છે. પટવર્ધનને આગલી સરકારોની તરફથી પણ અવરોધના અનુભવો થતા રહ્યા છે, પણ છેલ્લાં પાંચ વરસમાં આવા અનુભવો – અવરોધના અને ‘ત્રાસ’ના – ગુણાત્મક રીતે વધ્યા છે, એમ સ્વાતંત્ર્યસંગ્રામને જીવલગ વરેલા પટવર્ધન પરિવારની હાલની પેઢીની આ પ્રતિભાનું કહેવું છે.
જેમણે કટોકટીના પ્રતિકારમાં વેઠ્યું તેઓ હાલના દોરમાં પણ વેઠતા માલૂમ પડતા હોય તો એ બીનાને બે રીતે સમજાવી શકાય. એક, આ લોકોને કૉંગ્રેસ અને ભા.જ.પ. વચ્ચે વહાલાંદવલાંનો સવાલ નથી. એમનું વલણ મૂલ્યનિષ્ઠ છે. ઓછામાં ઓછું આ કિસ્સાઓ ભા.જ.પ. અને કૉંગ્રેસ પરસ્પર જે નાગરિકવિરોધી અને બંધારણની ભાવનાથી વિરોધી વસલૂમ વસલૂમ ખેલી રહ્યા છે એનાં દ્યોતક છે. વસલૂમ વસલૂમના આ ખેલમાં નાગરિકનો ઉગાર નથી તે નથી. આ વસલૂમ વ્યૂહમાં એક કટોકટી પ્રતિકારક બળ તરીકેની જનસંઘની પ્રતિષ્ઠા સવાલિયા કુંડાળામાં મુકાઈ છે તે મુકાઈ છે.
રાજકીય સત્તામારી વચ્ચે બજવું જોઈતું કોઈ એક બ્યુગલ હોય તો તે પ્રજાસૂય પહેલ અને પુરુષાર્થનું છે.
સૌજન્ય : “નિરીક્ષક”, 01 જુલાઈ 2019; પૃ. 01, 02 તેમ જ 14