શતાયુ નગીનદાસ સંઘવી ભારતના સહુથી મોટી ઉંમરના કૉલમિસ્ટ છે, અને ગુજરાતી ભાષાના એક વિરલ સ્પષ્ટવક્તા રાજકીય વિશ્લેષક છે. સોમા ,વર્ષે તે દર અઠવાડિયે, કુલ પાંચેક હજાર શબ્દોની ચાર દૃષ્ટિપૂર્ણ કૉલમ લખે છે, અને અરધી સદીથી લખે છે. આટલાં વર્ષોમાં ચોક્કસ સમયે અને ચોક્કસ શબ્દસંખ્યામાં ગમે તે જગ્યાએથી, ગમે તે સંજોગોમાં તંત્રીને ટકોરાબંધ લેખ આપવાનું ક્યારે ય ચૂક્યા નહીં હોવાની ખ્યાતિ નગીનદાસ ધરાવે છે.
ઇન્ટરનેટ અને કૉમ્પ્યુટરનો જરૂરી ઉપયોગ બરાબર શીખ્યા છે. દેશ અને દુનિયાના સાંપ્રત રાજકીય-સામાજિક જીવનનાં લગભગ દરેક પાસાં વિશે નગીનદાસે લખ્યું છે. તેમના લેખોમાં શબ્દોના સોજા અને વિચારોના વાયુ, ચુટકુલા અને ચબરાકિયાં હોતાં નથી. વૈચારિક સ્પષ્ટતા, સાફ ભૂમિકા, મૂલગામી અભ્યાસ, ભરોસાપાત્ર ઠસોઠસ હકીકતો અને દરેક સ્તરના વાચકને માફક આવે તેવી સરળ લખાવટ તેમના લેખોને વાચનીય બનાવે છે. અલબત્ત, વધુ મહત્ત્વનાં છે મૂલ્યો. નગીનદાસ વાસ્તવિક રીતે સેક્યુલર, વંચિતતરફી, પ્રગતિશીલ મૂલ્યોની સાતત્યપૂર્વક રખેવાળી કરે છે. દેશના લોકોની દુર્દશાને તે વાચા આપે છે અને તેના માટે જવાબદાર પરિબળોને ફટકારે પણ છે. તેઓ તમામ સ્થાપિત ધર્મોના દુરુપયોગ અને દુરાચારના તે કટ્ટર વિરોધી, વૈજ્ઞાનિક અભિગમ તેમ જ લોકશાહીના અભ્યાસપૂત સમર્થક છે.
નગીનદાસની સહુથી જાણીતી ખાસિયત તે કોઈનાં ય ડર કે શેહ વિના પ્રતીતિજનક મંતવ્ય આપવું તે છે. જેમ કે, હજુ હમણાં બારમી જૂનના લેખમાં તેમણે એક જગ્યાએ લખ્યું છે : ‘સાધ્વી પ્રજ્ઞાએ ગોડસેને દેશભક્ત કહ્યા, કારણ કે આ મૂર્ખ બાઈને દેશ અને દેશભક્તિ કોને કહેવાય તેની સમજ નથી.’ છવ્વીસ જૂનના લેખમાં તે લખે છે : ‘રાષ્ટ્ર, રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રભક્તિ અંગે વડા પ્રધાનના વિચારો સંઘપરિવારની વિચારધારાથી ઘડાયા છે અને તે તદ્દન ખોટા છે.’ આવી તડ-ફડ લખાવટ તટસ્થતામાંથી આવે છે, જે તેમણે મોદી પર લખેલાં અંગ્રેજી પુસ્તકની ખાસિયત ગણાઈ છે. તેમના અખબારી લેખોના એક સંચયનું નામ ‘આ તડ અને આ ફડ’ છે, બીજાં બે છે ‘પોસ્ટ મૉર્ટમ’ અને ‘ધર્મ અને સમાજ’.
રાજકોટમાં 16 જૂને તેમની શતાબ્દી વંદનાએ ‘નગીનદાસ સંઘવીનું તડ ને ફડ’ અને ‘નગીનદાસ સંઘવીની સોંસરી વાત’ નામે દળદાર સંગ્રહો પ્રસિદ્ધ થયા. પદ્મશ્રી સન્માનિત નગીનદાસે નરેન્દ્ર મોદી પર તટસ્થતા માટે વખણાયેલાં અંગ્રેજી પુસ્તક ઉપરાંત પણ ચાર અંગ્રેજી પુસ્તકો લખ્યાં છે : ‘ગુજરાત : અ પૉલિટિકલ ઍનાલિસિસ’, ‘ગાંધી : ધ ઍગની ઑફ અરાઈવલ’, ‘ગુજરાત ઍટ ક્રોસ રોડ્સ્’ અને ‘અ બ્રીફ હિસ્ટરિ ઑફ યોગ’. અમેરિકન ઇતિહાસ અને રાજકારણ પરનાં નવ અંગ્રેજી પુસ્તકો ઉપરાંત રાજમોહન ગાંધીએ લખેલાં સરદાર પટેલનાં બૃહત્ જીવનચરિત્રને તે ગુજરાતીમાં લાવ્યા છે. દેશ અને દુનિયાની રાજનીતિનાં પાસાં પરની ત્રીસ પરિચય-પુસ્તિકાઓ તેમનું મહત્ત્વનું પ્રદાન છે.
તેમાંથી જણાય છે કે છત્રીસ પાનાંની એક એક પુસ્તિકા માટે તેમણે સેંકડો પાનાં વાંચ્યાં છે. તેમનું એક મોટું કામ એટલે જ્ઞાનગંગોત્રી સંદર્ભ શ્રેણીમાં ‘સ્વરાજદર્શન’ ખંડનાં સવાબસો પાનાં અને તે જ શ્રેણીના ‘વિશ્વદર્શન’ ખંડના પચાસ પાનાં. એમ લાગે છે કે નગીનદાસનું વિદ્યાકીય પ્રદાન તેમનાં અખબારી લેખન પછવાડે ઢંકાઈ જાય છે. બીજી બાજુ એમ પણ ખરું કે તેમનાં અખબારી લેખનનું જેટલું વિદ્યાકીય મૂલ્ય છે તેટલું ઓછા કટારચીઓનાં લખાણોનું છે. તેમના અખબારી લેખોનાં પુસ્તકો સંદર્ભગ્રંથો જેવાં છે. કોઈ પણ પુસ્તકનો કોઈ પણ લેખ વાચકની નાગરિક સમજમાં ઉમેરો કરનારો હોય છે. પત્રકારો, જાહેર વહીવટના માણસો, અધ્યાપકો, જુદી જુદી શાખાના વિદ્યાર્થીઓ, કર્મશીલો એમ અનેક વર્ગો માટે નગીનદાસના લેખોને અનિવાર્ય વાચન ગણી શકાય.
આ આખાબોલા અખબારનવેશમાં એક સાચકલા અભ્યાસીની જે નમ્રતા છે તે ઠીક અછતી છે. આકરગ્રંથ ‘સ્વરાજદર્શન’ની પ્રસ્તાવનામાં તે કહે છે : ‘આ પુસ્તકમાં કશું મૌલિક હોવાનો મારો દાવો ટકે તેમ નથી. આ આખા ય ગ્રંથમાં ભાગ્યે જ કંઈ એવું હશે કે જે મારા કરતાં વધારે સમર્થ વિદ્વાને, વધારે સારી રીતે આલેખ્યું ન હોય. મારું ઋણ ઘણું મોટું છે અને ગ્રંથમાં આપેલી સંદર્ભસૂચિ દ્વારા કેટલેક અંશે તેનો સ્વીકાર મેં કરી લીધો છે.’ શબ્દફેરે આ જ ભાવ ‘આગિયાનો ઉજાસ’ અને ‘અત્તરના દીવા’ નામના, તડફડવાળા મિજાજથી સાવ જુદા, નાનકડાં સંચયોમાં મળે છે. અહીં મહાનુભાવોના જીવનપ્રસંગો કે વિચારકણિકાઓની રજૂઆત કે તેની પર નગીનદાસનું ટૂંકું ચિંતન છે. તેમને ‘સર્જન જેટલો જ આનંદ વિચારરત્નોનાં વિણામણમાંથી મળ્યો છે’, ‘સહસ્રમુખી પ્રતિભાઓનો અતિશય ટૂંકો સંગ પણ ક્લ્યાણમય’ જણાયો છે.
ભાવપૂર્ણ અને અંગત સ્પર્શવાળા આવાં લખાણો સંઘવી સાહેબમાં ભાગ્યે જ મળે છે. એ તર્કબદ્ધ, સજાવટ વિનાનું અને બિનઅંગત લખે છે. તેમાંથી સ્વના ઉલ્લેખો શોધ્યા જડતા ન હોય ત્યાં સ્વકથનની તો વાત જ બાજુ પર રહી જાય.
નગીનદાસ વિશેની વ્યક્તિગત માહિતી પરિચય-પુસ્તિકાઓનાં છેલ્લા પૂંઠાં પરથી જ મળે. બ્રહ્મદેશનાં આક્યાબમાં 21 એપ્રિલ 1919ના દિવસે જન્મેલા નગીનદાસે પ્રાથમિક શિક્ષણ ભાવનગર પાસેનાં ભૂંભલી ગામની શાળામાં અને તે પછી એમ.એ. સુધીનું શિક્ષણ ભાવનગરમાં લીધું. મુંબઈમાં ત્રણ વર્ષ ઇન્શ્યુરન્સ કંપનીમાં નોકરી કર્યા બાદ 1950થી તે મુંબઈની ભવન્સ કૉલેજમાં ઇતિહાસ અને રાજ્યશાસ્ત્રના અધ્યાપક નીમાયા અને બત્રીસ વર્ષ બાદ મીઠીબાઈ કૉલેજમાંથી નિવૃત્ત થયા. પછીની ઢાંચાબદ્ધ માહિતીમાં તેમનાં પુસ્તકોનાં નામ અને છેલ્લે તેમનાં પરિવારજનોનાં નામ મળે છે. તેમના એકએકના દીકરાના યુવાન વયે થયેલા મૃત્યુને પગલે આવેલી આપત્તિ સાથે નગીનદાસે કેવી સ્થિતપ્રજ્ઞતાથી કામ પાડ્યું તેની જિકર પત્રકાર રમેશ તન્નાના, સોશ્યલ મીડિયામાં આવેલા લેખમાં છે.
નગીનદાસનાં બૌદ્ધિક ધૈર્ય અને મૌલિક ચિંતન બંનેનો દાખલો ‘રામાયણની રામાયણ’ લેખમાળાના કિસ્સામાં મળે છે. તે અંગે નગીનદાસે નોંધ્યું છે કે મુંબઈના ‘સમકાલીન’ માં 13 જાન્યુઆરીથી 24 ફેબ્રુઆરી 1985 દરમિયાન ચાલેલી આ લેખમાળાનો હેતુ વાલ્મીકિ રામાયણની ‘મૂળ કથાની સાચી અને સાધાર રજૂઆત કરવી’ એવો હતો. ‘ધર્મની ઓથે પોતાનું પેટિયું રળી ખાતા સંતો, મહંતો, કથાકારો, બાવાઓ, બાપુઓએ’ રચેલ ‘ભ્રમજાળ’ લેખક દૂર કરવા માગતા હતા. મૂળ રામાયણમાંથી ઘણી બધી એવી બાબતો તેમણે મૂકી કે જે કથા અને પાત્રો અંગેની રૂઢિગત માન્યતાઓને માફક ન આવે. લેખમાળા સામેનો વિરોધ હુલ્લડબાજી અને છાપાંની હોળી સુધી પહોચ્યો, આખરે એ બંધ થઈ, ‘આક્ષેપોનો જવાબ આપવાનો લેખકનો હક્ક પણ તંત્રીસાહેબોએ નકારવો પડ્યો.’ નોંધપાત્ર છે કે પછીના વર્ષે નગીનદાસે એ લેખમાળાને ‘રામાયણની અંતરયાત્રા’ પુસ્તક તરીકે જાતે પ્રકાશિત કરવાની હિમ્મત દાખવી. ડૉ. આંબેડકરનાં ‘રિડલ ઑફ રામ’ લખાણની યાદ અપાવતાં આ પુસ્તકનાં પાનેપાને તલ:સ્પર્થી સંશોધન અને સ્વતંત્ર ચિંતન દેખાય છે.
ચિંતનમાં પ્લેટો જેવા દાર્શનિકને એક આદર્શ માનનાર, એરિસ્ટોટલ જેવો વ્યાપ ધરાવનાર, અનેક દર્શનોનો અધ્યાત્મિક અગડમબગડમ વિના અભ્યાસ કરનાર, સાંપ્રત અંગે અખબારી મથામણ કરતા રહેનારા નગીનદાસ સંઘવી આપણા પ્રખર લેખક-વિશ્લેષક છે. તેમના નામની સાથે હમણાંથી જાહેરમાં ‘બાપા’ શબ્દ બહુ ચલાવાયો છે.
તેમના સ્પષ્ટવક્તા, તટસ્થ, જ્ઞાનસ્થ જીવનકાર્યને જોઈને કહેવું જોઈએ કે ‘વર્તમાનપત્રના જ્ઞાનમાર્ગી નગીનદાસ સંઘવી તમને વંદન’ – ‘સૅલ્યુટ પ્રોફેસર સંઘવી સર !’
+++++++
4 જુલાઈ 2019
પ્રગટ : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “નવગુજરાત સમય”, 05 જુલાઈ 2019