Opinion Magazine
Number of visits: 9451119
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જ્યોર્જ ફર્નાન્ડિસઃ અવાજ, એકલતા, આક્રોશ અને મૌનના વિરોધાભાસનું જીવન

ચિરંતના ભટ્ટ|Profile|15 March 2019

કટોકટી એમના જીવનનો ‘હાઇ પોઇન્ટ’ હતો તો ભા.જ.પા.નાં વર્ગ વિગ્રહી રાજકારણનો સ્વિકાર તેમની કારકિર્દીનાં મહાન કદને ‘પિગ્મી’ બનાવનારો સાબિત થયો

જ્યોર્જ ફર્નાન્ડિસ, − આ નામ, મારા ઘરમાં, મેં નાનપણથી સાંભળ્યું છે. આ નામ સાથે મૈત્રી અને ટીકા અને ટેકો બધું જ સંકળાયેલું છે. વિખાયેલા વાળ, ચોળાયેલો ઝભ્ભો-લેંઘો, ચશ્માં અને તેની પાછળ રહેલી મૃદુ છતાં ય મક્કમ આંખો – જ્યોર્જ ફર્નાન્ડિસના આ ચહેરાની કેટલી ય તસવીરો મારા ઘરમાં છે. ૨૦૦૭માં જ્યારે એમને પહેલીવાર જોયા, ત્યારે એ શરીરે નબળા જરૂર હતા, પણ ચહેરા પરનું તેજ અને વિચારોની ધાર યથાવત્ હતી એ સમજી શકાય એમ હતું. ૨૯મી જાન્યુઆરીએ લાંબા સમયથી પથારીવશ જ્યોર્જ ફર્નાન્ડિસે શરીરની સાંકળમાં બંધાયેલા આત્માને મુક્ત ક,ર્યો અને ફરી એકવાર, એમની જિંદગી મીડિયા દ્વારા શબ્દોમાં જીવાઇ.

તેમના પિતા તેમને પાદરી બનાવવા માગતા હતા પણ શબ્દોમાં નહીં કાર્યમાં ધર્મ જીવનારા ૧૯ વર્ષનાં જ્યોર્જ ફર્નાન્ડિસે ‘બોમ્બે’ ચાલી આવ્યા. ફૂટપાથ પર ઊંઘવાથી માંડીને ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’માં પ્રુફ રીડરની નોકરી આ દિવસોની શરૂઆત હતી. પરીક્ષાનાં પેપરમાં ભલે કંઇ ખાસ રસ ન લીધો હોય, પણ જ્યોર્જ ફર્નાન્ડિસે સમાજવાદને લગતાં સાહિત્યનો ઊંડો અભ્યાસ કર્યો હતો. પ્રુફ રીડર તરીકેની નોકરી જ્યોર્જની પહેલી અને છેલ્લી નોકરી હતી. ચાળીસનાં દાયકાનાં અગ્રણી ટ્રેડ યુનિયન લિડર પ્લાસિડ ડિ’મેલો, જેમણે ડૉક પર કામ કરનારાઓને સંગઠિત કર્યા હતા, તેમની સાથે યુવાન જ્યોર્જનો સંપર્ક થયો. મુંબઇ પહોંચ્યાનાં એક વર્ષમાં તો જ્યોર્જને ટ્રેડ યુનિયનનાં સંગઠન, તેમનાં આંદોલનો, તેમની રક્ષા અને હક માટેની લડાઇનું વ્યાકરણ પાકું થઇ ગયું હતું. રેલવે, ટેક્સી, ડૉક્સ, બેસ્ટની બસીઝ – તમામનાં કામદારો જ્યોર્જ સાથે જોડાયેલા હતા. સાંઇઠનાં દાયકા સુધીમાં તો જ્યોર્જ ફર્નાન્ડિસ એવું નામ હતું, જેમની એક હાકલે આખું મુંબઇ શહેર થંભી જતું. કામદારો-શ્રમિકો માટે તેમનો શબ્દ ‘આખરી’ ગણાતો. રામ મનોહર લોહિયાની વિચારધારાથી પ્રભાવિત જ્યોર્જ ૧૯૬૭માં લોક સભાની ચોથી ચૂંટણીમાં સોશ્યલિસ્ટ પાર્ટીનાં ઉમેદવાર તરીકે ઊભા રહ્યા અને કોંગ્રેસનાં એસ.કે. પાટીલ સામે જીત્યા. આ જીતે તેમને રાજકીય ભાષામાં ‘જાયન્ટ કિલર’ એટલે કે રાજકીય ક્ષેત્રમાં હજી પગલાં પાડ્યા હોવા છતાં પણ કોઇ મોટા માથાને પરાજીત કરનારની ઓળખ આપી. આ સમયે શિવસેનાની પકડ મુંબઇમાં મજબૂત બની રહી હતી અને જ્યોર્જ અંગે જાત-જાતની અફવાઓ પણ ફેલાવાઇ રહી હતી.

ઇંદિરા ગાધીની સરકાર સફળતાનાં નશામાં હતી, પણ જ્યોર્જ પાસે કામદારોનો અવાજ હતો. આઝાદી પછી રેલવે કર્મચારીઓનાં વેતનમાં વધારો નહોતો થયો અને ૧૯૭૩માં ઑલ ઇન્ડિયા રેલવે ફેડરેશનનાં અધ્યક્ષ તરીકે ચૂંટાયેલા જ્યોર્જના કહ્યે ૧૯૭૪માં રેલવે ફેડરેશને હડતાળ પાડી અને આ રાષ્ટ્રવ્યાપી હડતાળ ૨૦ દિવસ સુધી ચાલી.  કામદારોના સાથી જ્યોર્જ કૉન્ગ્રેસનાં આકરા વિરોધી હતા. ઇંદિરા ગાંધીની સરકારે પહેલાં તો આ હડતાળને બહુ હળવાશથી લીધી પણ પછી તેમાં વધુને વધુ કામદાર યુનિયનો જોડાતા ગયા. આ સમયે સરકારના હુકમે મજૂર નેતાઓની ધરપકડ થવા માંડી, ૩૦ હજારથી વધારે કામદારોને જેલ ભેગા કરાયા, સરકારી વસાહતોમાંથી મજૂરોને હકાલી કઢાયા. જ્યોર્જ ફર્નાન્ડિસની પણ ધરપકડ થઇ. એ વખતનાં ‘બોમ્બે’માં કામ કરનારા દરેક શ્રમિક માટે જ્યોર્જ ફર્નાન્ડિસ તારણહાર હતા. આંદોલન તો ઠર્યું, પણ કામદારોમાં કોંગ્રેસ પ્રત્યેનો રોષ કાયમ માટે ઘર કરી ગયો.

જ્યૉર્જ ફર્નાન્ડિસ તથા કિરીટ ભટ્ટ, સરકિટ હાઉસ, વડોદરા, 1978

૧૯૭૫માં ઇંદિરા ગાંધી પર ખોટી રીતે ચૂંટણી જીતવાનો આરોપ મુકાયો અને કાયદાકીય પેચીદગીને નેવે મૂકી પોતાના પદ પરથી રાજીનામું આપવાને બદલે ઇંદિરા ગાંધીએ કટોકટી લાગુ કરી દીધી. ઇંદિરા ગાંધી પોતે જ જાણે કાયદો બની ગયાં પણ ઇંદિરા ગાંધીની સરમુખત્યારશાહીની પરાકાષ્ઠાનાં આ સમયમાં જ્યોર્જ ફર્નાન્ડિસને કૉન્ગ્રેસ સામેની પોતાની લડાઇમાં નવું બળ મળ્યું. પોતે સરકારનાં નિશાને છે એ સમજીને ભૂગર્ભમાં ચાલ્યા ગયેલા જ્યોર્જ ફર્નાન્ડિસે ૭૮ મહિના સુધી કટોકટી વિરોધી ચળવળ ચલાવી. ઇંદિરા ગાંધીની સરમુખત્યાર શાહી સામે અવાજ ઉઠાવવાની હિંમત કોઇ પણ અખબારમાં નહોતી. ગોયેન્કા ગ્રુપનું અખબાર ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ એક માત્ર અખબાર હતું જેણે કટોકટીનો આકરો વિરોધ કર્યો હતો. આ એ દિવસો હતા જ્યારે ગુજરાતમાં જનતા મોરચાની સરકાર હતી અને માટે વડોદરા જ્યોર્જ માટે સલામત સ્થળ બન્યું. તેઓ અહીં આવીને બરોડા યુનિયન ઑફ જર્નાલિસ્ટનાં પ્રમુખ કિરીટ ભટ્ટને મળ્યા. કિરીટ ભટ્ટ ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ સાથે કાર્યરત હતા. જ્યોર્જ ફર્નાન્ડિસને જાનહાનિ ન થાય એવો હિંસક વિરોધ કરવાનો વિચાર હતો. જાહેર સ્થળોએ તથા જ્યાં ઇંદિરા ગાંધીની સભા હોય, ત્યાં સુરંગ ફોડીને કટોકટીની ગંભીરતા અંગે લોકોમાં ચકચાર ફેલાવવી તેમનો ઇરાદો હતો. તેઓ ફકીર કે સરદારજીનાં વેશે વડોદરા આવતા. ખાનગી બેઠકો યોજાતી. આ એ દિવસો હતા જ્યારે તેઓ ત્રણ દિવસ કિરીટ ભટ્ટના ઘરે છૂપા વેશે સંતાયા હતા. જ્યોર્જ ફર્નાન્ડિસનું નામ નાનપણથી સાંભળ્યું હોવા પાછળ કિરીટ ભટ્ટની દીકરી હોવાનું કારણ છે. મારા મોટાભાઇ મેહુલ ભટ્ટે જણાવ્યા અનુસાર સી.બી.આઇ.નાં અધિકારી પ્રફુલ્લ મારુ ઘરે તપાસ કરવા આવ્યા હતા. તેમને પણ ખ્યાલ હતો કે જ્યોર્જ કયા ઓરડામાં છે, પણ તેમણે એ એક ઓરડા સિવાય બધે તપાસ કરાવડાવી હતી. હાલોલની ક્વૉરીમાંથી ડાઇનામાઇટ મેળવવામાં આવ્યા હતા. વડોદરાનાં જસવંત સિંહ ચૌહાણ, મોતીલાલ કનોજિયા અને ગોવિંદ સોલંકી અમદાવાદથી પટણા સુધી ડાયનામાઇટ્સ લઇ ગયા. જ્યોર્જ પટણામાં બિહારના નોન ગેઝેટેડ કર્મચારી યુનિયનના તત્કાલિક પ્રમુખ રેવતીકાંત સિંહાને ત્યાં હતા. પોલીસને બાતમી મળતા તેઓ જ્યોર્જની ધરપકડ કરવા રેવતીકાંતને ઘરે પહોંચ્યા, પણ ત્યાં સુધીમાં જ્યોર્જ ત્યાંથી નીકળી ગયા.

રેવતીકાંત પૂછપરછમાં ભાંગી પડ્યા, અને જેનું ષડયંત્ર વડોદરામાં ઘડાયું હતું તેવી સુરંગ પ્રકરણની બધી બાબતો છતી થઇ ગઇ. બીજા પણ એક બે સાથીઓ પોલીસના બાતમીદાર બની ગયા. સમયાંતરે જ્યોર્જ અને તેમના સાથીદારોની ધરપકડ થઇ. વડોદરાના કિરીટ ભટ્ટ, વિક્રમ રાવ, જસવંત સિંહ ચૌહાણ, મોતીલાલ કનોજિયા, ઉદ્યોગકાર વિરેન શાહ સહિત તમામની ધરપકડ થઇ. નંબર વન ગુનેગાર તરીકે કિરીટ ભટ્ટનું નામ આવ્યું. વડોદરાની મધ્યસ્થ જેલમાંથી અમુકને તિહારની જેલમાં મોકલી દેવાયા. થર્ડ ડિગ્રી ટોર્ચરનો ભોગ પણ બનાવાયા. કિરીટ ભટ્ટ અને જ્યોર્જ જેલમાં સાથે હતા. જ્યોર્જ જેલમાં બેડમિંટન રમતા. જ્યોર્જ ઇંદિરા ગાંધીને એવા પત્રો લખતા જેનાથી તેમની રાતોની ઊંઘ હરામ થઇ જતી.

૧૯૭૭ની ચૂંટણીમાં ઇંદિરા ગાંધીની સરકાર પડી ભાંગી અને સુરંગ પ્રકરણનાં કેદીઓને છૂટકારો મળ્યો. જ્યોર્જ જેલમાંથી મુઝફ્ફર નગરની બેઠક પરથી ચૂંટણી જીત્યા. તેઓ મોરારજી દેસાઇની સરકારમાં ઉદ્યોગ મંત્રી બન્યા, આ પદ પણ તેમણે તેમના ટેકેદારોના આગ્રહને વશ થઇને સ્વિકાર્યું હતું. ઉદ્યોગ મંત્રી તરીકે તેમણે કોકા-કોલા અને આઇ.બી.એમ. જેવી મલ્ટી નેશનલ કંપનીઓને ભારતમાંથી તગેડી મૂકી. જનતા પાર્ટીની સરકાર બહુ ઓછો સમય રહી. કહેવાતું કે જ્યોર્જ ટ્રેડ યુનિયનિસ્ટની માનસિકતા ધરાવતા હોવાને કારણે ઉદ્યોગમંત્રી હોવા છતાં ખાનગી ઉદ્યોગકારો સાથે સારો સંબંધ ન કેળવી શક્યા. પરંતુ આ સમય દરમિયાન તેમના દિલ્હીનાં ઘરે બધા જ પ્રકારનાં ક્રાંતિકારીઓ માટે દરવાજા ખુલ્લા રહેતા. તિબેટિયન વિદ્યાર્થીઓ, ઇરાનિયન શાસકનો વિરોધ કરતાં ઇરાની વિદ્યાર્થીઓ, કરેન અને શાન ક્રાંતિકારીઓને આશરો અને માર્ગદર્શન બંન્ને આપનારા જ્યોર્જ કોઇ પિતાથી કમ નહોતા.

અત્યાર સુધી હંમેશાં સ્પષ્ટ લક્ષ્ય ધરાવનારા જ્યોર્જનાં વૈચારિક જિનેટિક્સમાં આ તબક્કે કંઇક ખોરવાયું હતું. મોરારજી દેસાઇનાં નેતૃત્વને ટેકો આપવાની આકરી રજૂઆત અને જનતા પક્ષમાં એકતાની અનિવાર્ય પર વાત કરનારા જ્યોર્જે ૨૪ કલાકમાં ચરણસિંહના જૂથમાં જોડાવાનું નક્કી કર્યું. જનતા પક્ષની સરકાર ટકી નહીં અને ઇંદિરા ગાંધી ફરી સત્તામાં આવ્યાં. દસ ભાષા જાણનારા જ્યોર્જ હવે ફરી એક્ટીવિઝમ તરફ વળી ગયા. ઇંદિરા ગાંધીની હત્યા પછી વી.પી. સિંઘનાં જનતા દળ સાથે જોડાયેલા જ્યોર્જ ચોથી મુદ્દતે મુઝફ્ફર નગરની બેઠક પરથી ચુંટાયા. વી.પી. સિંઘ અને અન્યોના આગ્રહે તે રેલવે મિનિસ્ટર બન્યા, પરિણામે કોંકણ રેલવેની સફળતા વાસ્તવિકતા બની. લાલુ પ્રસાદ યાદવના કુટુંબવાદને પગલે જ્યોર્જે જનતા દળથી અલગ થઇને સમતા પાર્ટી સ્થાપી પણ તેનું કંઇ નક્કર ન વળ્યું અને અંતે ભા.જ.પા. સાથેનું જોડાણ થયું.

જ્યોર્જ ફર્નાન્ડિસના હાથમાં રક્ષા મંત્રાલય હતું. પોખરણ પરિક્ષણ અને કારગીલ યુદ્ધનો વિકાસ પણ રક્ષામંત્રી જ્યોર્જ ફર્નાન્ડિસના નેતૃત્વ હેઠળ થયા હતા. કમનસીબે રક્ષામંત્રાલયના કોન્ટ્રાક્ટ્સમાં થયેલા ભ્રષ્ટાચારમાં તેમની છબી રોળાઇ. ભ્રષ્ટાચાર વિરોધી અને સાદગીથી જીવનારા જ્યોર્જ માટે આ બહુ મોટો ધક્કો હતો, પણ તેમણે પોતાનું કામ ક્યાં ય ન અટકાવ્યું. તહેલકાએ કહેલા આ આક્ષેપોમાંથી જ્યોર્જને ક્લિન ચીટ પણ મળી અને કેગ રિપોર્ટે કરેલી ચૂકની પણ સ્પષ્ટતા થઇ. માનવાધિકારના મશાલચી રહેલા જ્યોર્જ ૨૦૦૨નાં રમખાણો પછી પણ ભા.જ.પા. સાથે હતા તે વાત તેમને નજીકથી જાણનારાઓને બહુ ખૂંચી હતી. છતાં એ જ્યોર્જ હતા, જેમણે કિરીટ ભટ્ટના એક ફોનકૉલને પગલે રમખાણો દરમિયાન ગુજરાતની મુલાકાત લીધી હતી અને સ્થિતિ કાબૂમાં લાવવા લશ્કરને રાજ્યમાં ઉતાર્યુ હતું.

વિચારોનાં જિનેટિક્સમાં ક્યાંક કશુંક વધારેને વધારે બગડી રહ્યું હતું. ૧૯૬૬માં જે જ્યોર્જે આદિવાસી નેતા પ્રવિર ચંદ્ર ભાંજદેઓની હત્યા કરાવનારા રાજકારણીને લક્ષ્યમાં રાખી વિધાનસભામાં ટેલિગ્રામ કર્યો હતો કે તમે લોકોના રોષમાંથી નહીં બચી શકો પણ ૨૦૦૨માં એ જ્યોર્જ ક્યાંક ખોવાઇ રહ્યા હતા. આ એ જ જ્યોર્જ હતા જે મંત્રી હોવા છતાં પિપલ્સ યુનિયન ફૉર સિવીલ લિબર્ટીઝની ૧૯૭૮ની સભામાં નક્સલ કેદીઓનાં ટેકામાં બોલ્યા હતા. કેદીઓને મામલે થતા વર્ગભેદ સંબોધવાથી માંડીને, સામાન્ય લોકોને માટે શરૂ થતી એરલાઇનને મદદ કરવામાં (એર ડેક્કન), કેહર સિંઘનાં એક્ઝિક્યુશનનો વિરોધ કરવામાં, માનવઅધિકારની લડત ચલાવનારાઓને ટેકો આપવામાં, સિયાચીનનાં બેઝ પર જઇને સૈનિકોને મળવામાં, ‘ફ્લાયિંગ કૉફિન’ કહેવાતા મીગ-૨૧માં મુસાફરી કરવામાં, તેને મળવનારા દરેકને એક સમાન માનવામાં જ્યોર્જની ખરી ઓળખાણ ઘડાઇ હતી. ગુજરાતનાં રમખાણો પછી તેમણે અને સાથી જયા જેટલીએ લોકોની જાહેર માફી પણ માગી હતી.

આટલું બધું જાણનાર, જીવનાર જ્યોર્જ જે હંમેશાં કંઇક કહેવા તત્પર હતા તેમની બ્રેઇન સર્જરી એ તેમને ખૂબ નબળા બનાવી દીધાં અને સમયાંતરે અલ્ઝાઇમરનાં શિકાર બન્યાં. શબ્દોને બદલે મૌન તેમનું સાથી બન્યું. પત્ની લયલા કબીરથી તે અલગ હતાં પણ પથારીવશ જ્યોર્જ જાણે છેલ્લા કેટલાં ય વર્ષોથી એક જૂદી જ કેદમાં હતા. તેમનો આત્મા હવે મુક્ત છે જે, હિંમત, નૈતિકતા, કૌશલ્ય, કરુણા અને જ્ઞાનની સ્પષ્ટતાનાં પંચમહાભૂત તત્ત્વોથી બનેલો છે.

બાય ધી વેઃ

તેઓ તેમનાં કપડાં વાસણ જાતે સાફ કરતાં. તે છૂપા વેશે ફરતા ત્યારે એક સમયે તેમના સગા ભાઇ તેમને નહોતા ઓળખી શક્યા. તે નાની બાબતોની તકેદારી રાખતા. જેમ કે મલેશિયા એરપોર્ટ પર કોઇનાં પૉકેટ કેમેરા પર વડોદરાનું મેન્યુફેક્ચરિંગ લખ્યું હતું તો એ વડોદરા આવ્યા ત્યારે એ કેમેરા બનાવનાર કંપનીની મુલાકાતે ગયા હતા. કટોકટી એમના જીવનનો ‘હાઇ પોઇન્ટ’ હતો, તો ભા.જ.પા.નાં વર્ગ વિગ્રહી રાજકારણનો સ્વિકાર તેમની કારકિર્દીનાં મહાન કદને ‘પિગ્મી’ બનાવનારો સાબિત થયો. આ નિર્ણય પાછળ સત્તાની ભૂખ કરતાં કૉન્ગ્રેસ પ્રત્યેનો તિરસ્કાર વધારે કામ કરી ગયો હોય, એમ ચોક્કસ બને. જ્યોર્જ માટેનું અઢળક માન હંમેશાં રહેશે જ પણ લોકો વચ્ચે, લોકો માટે રહેલા જ્યોર્જે કારકિર્દીનાં અંતમાં જે નૈતિક સમાધાનો ક,ર્યા તે માટે હૈયાનો એક ખૂણો તેમને નહીં અપાયેલી માફીને પગલે ખૂંચતો રહેશે. પણ એવા નેતા ફરી ક્યારે ય જોવા નહીં મળે એ પણ એક હકીકત છે.

01  ફેબ્રુઆરી 2019

e.mail : chirantana@gmail.com

(‘ગુજરાતમિત્ર’)

ફોટો સૌજન્ય : ચિરંતનાબહેન ભટ્ટ

Loading

15 March 2019 admin
← Glorifying Self: Maintaining status Quo : Modi’s Gimmick of Washing feet of Sanitary Workers
યુદ્ધને ‘જશ્ન’ માનનારા તેનો હિસ્સો નથી, જે યુદ્ધમાં ભાગ લે છે તેને માટે એ ‘જશ્ન’ નથી →

Search by

Opinion

  • સમાજવાદની 90 વર્ષની સફર: વર્ગથી વર્ણ સુધી
  • શ્રીધરાણી(16 સપ્ટેમ્બર 1911 થી 23 જુલાઈ 1960)ની  શબ્દસૃષ્ટિ
  • एक और जगदीप ! 
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૭ (સાહિત્યવિશેષ : માલાર્મે)
  • શૂન્યનું મૂલ્ય

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved