જો તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે, તો ક્લાયમેટચેન્જ વિકાસશીલ દેશોના દાયકાના વૃદ્ધિદરને પાછળ ધકેલી દેશે.
ક્લાયમેટચેન્જ એવી કટોકટી છે જે પૃથ્વી અને તેના રહેવાસીઓ, માનવ, છોડ અને પ્રાણીને વધતે-ઓછે અંશે અસર કરે છે. જો કે તે ગરીબને અસાધારણ અસર કરે છે અને ગરીબ અને વિકાસશીલ રાષ્ટ્રોએ વધુ ભોગવવાનું આવે છે.
ક્લાયમેટચેન્જ ક્રમશઃ ધીમી ગતિએ ચાલતી ઘટના છે, એવી પહેલાની વ્યાપક માન્યતાને યુનાઇટેડ નૅશન્સની ક્લાઇમેટચેન્જ પરની ઇન્ટરગવર્નમેન્ટલ પૅનલના ઑક્ટોબર ૨૦૧૮ના રિપોર્ટ, ગ્લોબલ વૉર્મિંગ 1.5°C દ્વારા નકારી કાઢવામાં આવી છે. રિપોર્ટમાં જણાવાયું છે કે ‘૧.૫ ડિગ્રીના વધારો પણ લાખો લોકોને ગરીબીમાં ધકેલી દે છે.’
ક્લાયમેટચેન્જ કેવી રીતે ગરીબને અસર કરે છે, તેના પર પ્રાયોગિક પુરાવાઓ વધી રહ્યા છે. ક્લાયમેટચેન્જ સાથે, લોકો પાણી અને ખોરાકની તંગી અનુભવે છે, પરિણામે આ મૂળભૂત આવશ્યકતાઓને મેળવવા માટેની સ્પર્ધામાં વધારો થયો છે. આનાથી વર્તમાનનાં ઘર્ષણની તીવ્રતામાં વધારો થાય છે અને નવાં ઘર્ષણોનો ઉમેરો થાય છે. ૨૦૧૫માં કેપટાઉનમાં પાણીની કટોકટી શરૂ થઈ હતી, અને આજે આ શહેર પાણી વગરનું વિશ્વનું સૌથી મોટું શહેર બનવા તરફ આગળ વધી રહ્યું છે. જો કે શહેરના ગરીબો તો વર્ષોથી પાણીની તંગી હેઠળ જીવી રહ્યા હતા અને હવે તેમના માથે કટોકટીનું જોખમ તોળાઈ રહ્યું છે. ડેમોક્રેટિક રિપબ્લિક ઑફ કૉંગોમાં, વરસાદના સમય અને પદ્ધતિમાં બદલાવથી અનાજ ઉત્પાદન ઓછું થયું છે અને વાવેતર-વિસ્તાર ઘટ્યો છે અને તેના પગલે આ દેશમાં વંશીય તણાવ અને ઘર્ષણો વધી રહ્યાં છે. આવાં ઘર્ષણો ગરીબને સૌથી વધુ અસર કરે છે અને તે પછી ગરીબીમાં વધારા અને વિસ્થાપન તરફ દોરી જાય છે, જે લોકોને એક દુષ્ચક્રમાં ફસાવે છે.
ક્લાયમેટચેન્જને લીધે વારંવાર પૂર અને દુષ્કાળ ખોરાકની અછત તરફ દોરી જાય છે અને ખાદ્યભાવોમાં વધારો કરે છે, જે ભૂખ અને કુપોષણનું કારણ બને છે અને તેની અસરો ગરીબોને પડ્યા ઉપર પાટું જેવી લાગે છે. વર્લ્ડફૂડ પ્રોગ્રામના ૨૦૧૮ના ફૂડ-ક્રાઇસિસ પરના વૈશ્વિક અહેવાલ અનુસાર, “ક્લાયમેટ ડિઝાસ્ટર દ્વારા મોટે ભાગે આફ્રિકાના ૨૩ દેશોમાં, અનાજની તંગી સર્જાઈ છે અને દુષ્કાળ જેવી હોનારતમાં ૩.૯ કરોડથી વધુ લોકોને તાકીદની સહાયની જરૂર પડી હતી.”
૨૦૧૮ના આંતરિક વિસ્થાપન અંગેના વૈશ્વિક રિપોર્ટ અનુસાર, ‘ઘર્ષણ અને ડિઝાસ્ટર સાથે સંકળાયેલા ૩.૦૬ કરોડ નવા આંતરિક વિસ્થાપન ૨૦૧૭ની સાલમાં ૧૪૩ દેશો અને પ્રદેશોમાં નોંધાયા હતા.’ અર્થાત્ કે દરરોજ ૮૦,૦૦૦ લોકોને વિસ્થાપિત કરવામાં આવ્યા છે. અહેવાલમાં વિસ્થાપનનાં પ્રાથમિક કારણો તરીકે અનુક્રમે પૂર અને વાવાઝોડાં (મુખ્યત્વે, ઉષ્ણકટિબંધીય ચક્રવાત) ઓળખાવવામાં આવ્યાં છે, જે અનુક્રમે ૮૬ લાખ અને ૭૫ લાખની વસતિને વિસ્થાપન તરફ દોરી ગયાં છે. ક્લાયમેટ શરણાર્થીઓ દુનિયાભરમાં જોઈ શકાય છે, જેમ કે ઢાકામાં દરિયાકિનારાના વાવાઝોડા દ્વારા થયેલા વિસ્થાપિતો, પ્યુર્ટો રિકોમાં હરિકેન મારિયા દ્વારા, અથવા પશ્ચિમ આફ્રિકાના લેક ચાડ રણ થઈ જવાના કારણે થયેલા વિસ્થાપિતો. એવો અંદાજ છે કે યુરોપિયન યુનિયનમાં ક્લાયમેટચેન્જ એટલે કે આબોહવા-પરિવર્તનને કારણે આશ્રય માગનારા લોકોની સંખ્યા ૨૧૦૦ સુધીમાં ૨૮% વધી જશે.
આબોહવા-પરિવર્તનને લીધે થયેલી નુકસાનીમાં ભારત વૈશ્વિક ધોરણે પાંચમા ક્રમે છે. દેશમાં આશરે ૮૦ કરોડ લોકો ગામોમાં રહે છે અને તેમની આજીવિકા કૃષિ અને કુદરતી સંસાધનો પર નિર્ભર છે. દેશમાં ઓછામાં ઓછાં ૫૦% ખેતરો વરસાદી પાણીની સિંચાઈ પર આધારિત હોવાથી, ચોમાસાની પૅટર્નમાં પરિવર્તન તેમની આજીવિકાને સૌથી વધુ અસર કરશે. પ્રાયોગિક પુરાવા સૂચવે છે કે આબોહવામાં પરિવર્તનથી ઘઉંની ઉપજમાં ઘટાડો થયો છે અને કર્મચારીઓની ઉત્પાદક ક્ષમતામાં ઘટાડો થયો છે. અભ્યાસો દર્શાવે છે કે નાના ખેડૂતો હવામાનની પેટર્નમાં લાંબા ગાળાના ફેરફારો વિશે જાગૃત છે અને પરિણામે સામાજિક-આર્થિક ફેરફારો સાથે કામ પાડવાના તેમના પ્રયાસો બદલ્યાં છે. નાના ખેડૂતોને ધિરાણ અને વીમાના કવચનો પણ અભાવ હોય છે, જે તેમને આબોહવા પરિવર્તન માટે વધુ જોખમી બનાવે છે. આમ, આબોહવામાં પરિવર્તન ગરીબી, કુપોષણ અને ખેડૂતોની આત્મહત્યાની હાલની સમસ્યાઓને વધુ ઘેરી બનાવશે.
૨૦૧૮માં કાટોવિસ ક્લાયમેટ-કૉન્ફરન્સમાં, ભારતે વિકસિત રાષ્ટ્રોને આબોહવા-પરિવર્તન સામે લડવા માટે વિકાસશીલ દેશોને નાણાકીય સહાય પ્રદાન કરવાનાં તેમનાં વચનોની યાદ અપાવી હતી. ગરીબ અને વિકાસશીલ દેશો આબોહવા-પરિવર્તનથી સૌથી ખરાબ રીતે પ્રભાવિત થયા છે, જ્યારે આબોહવા-પરિવર્તનના સર્જનમાં તેમનું કંઈ યોગદાન નથી. અને, આ એ જ દેશો છે કે જે વિકાસ અને વૃદ્ધિ બંનેમાં પાછળ છે અને બંને પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતાને વાતાવરણીય પરિવર્તનની અસરોને અનુરૂપ પૂર્ણ કરવાના પ્રયાસ કરી રહ્યા છે. જો પગલાં ઝડપથી લેવામાં નહીં આવે, તો આબોહવામાં પરિવર્તન વૈશ્વિક સ્તરે વિકાસ અને વૃદ્ધિના દાયકાઓને અને ખાસ કરીને ભારતમાં રિવર્સ ગતિમાં લઈ જવાની સંભાવના છે.
અત્યારે ખતરાની ઘંટી વાગી રહી છે અને વિકસિત અને વિકાસશીલ દેશો વચ્ચે, સમૃદ્ધ અને ગરીબ વચ્ચે, વૈશ્વિક ઉત્તર અને દક્ષિણ વચ્ચે સમૃદ્ધિમાં અસમાનતાઓની ખાઈ પહોળી થઈ રહી છે, આબોહવા- પરિવર્તનની અસરો પહેલાં કરતાં વધુ સ્પષ્ટ થઈ રહી છે.
સૌજન્ય : “નિરીક્ષક” 01 માર્ચ 2019; પૃ. 06