તારીખ 8 માર્ચને દિવસે ફરી આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી થશે. થવી જોઈએ. ઘણાં આગેવાન નારી કર્મશીલો અને તેમનાં સાથીદારો સુંદર લેખો લખશે, નારિવંદના વિષે કાવ્યો અને વાર્તાઓ લખાશે. મહાન મહિલાઓનાં પ્રદાનની યશોગાથા ગવાશે અને સમાનાધિકાર માટે હજુ વધુ જુસ્સાથી માગણીઓ કરીને, સરકાર અને સામાજિક સંગઠનો પાસેથી પગલાંઓ ભરાશે તેવી આશાઓ સેવવામાં આવશે.
ખરે જ છેલ્લા આઠ-દસ દાયકાઓમાં, લગભગ દરેક દેશમાં મહિલાઓની આર્થિક અને સામાજિક સ્થિતિમાં ઘણો સુધારો થયો છે. અને તેથી જ કદાચ જે કંઈ અન્યાય, અત્યાચાર કે ભેદભાવ હજુ પણ શેષ રહ્યા છે તેને માટે લોકો અસહિષ્ણુતા દાખવી રહ્યા છે, જેથી તેને પણ દૂર કરી શકાય. આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે મેં લીધેલ એક તાલીમના આધારે મળેલ માહિતી વાચકો સમક્ષ મુકીશ.
પાંચ વર્ષ પહેલાં લંડનમાં ઇમકાન નામની સંસ્થા દ્વારા આપવામાં આવેલી આઠ દિવસની એક તાલીમ મેં લીધેલી, જેનો વિષય હતો ‘કન્યાઓ અને સ્ત્રીઓ પર થતા અત્યાચાર’. તેનો હેતુ હતો આ પ્રકારના અત્યાચારોથી લાગતાવળગતાઓને જાગૃત કરવા અને બને તો આ પ્રકારના અન્યાયોના ભોગ બનનારને મદદ કરવી.
એ તાલીમ ઘરેલુ હિંસાને કેન્દ્રમાં રાખીને યોજવામાં આવેલ હતી. ઘરેલુ હિંસાની વ્યાખ્યા શી? સામાન્ય રીતે ઘરમાં રહેતા કોઈ પણ પુખ્ત વયના લોકો અને ખાસ કરીને પતિ-પત્ની વચ્ચે કોઈ પણ પ્રકારનો ત્રાસજનક વ્યવહાર થતો હોય, તેને ઘરેલુ હિંસા કહીએ છીએ. તેમાં શારીરિક, માનસિક, જાતીય વ્યવહાર, આર્થિક અને લાગણી વિષયક શોષણનો સમાવેશ થાય. નોંધ એ વાતની લેવાની કે આવો દુષ્ટ વ્યવહાર સામાન્ય રીતે ઘરની અંદર રહેનાર અને ખૂબ જ નિકટની વ્યક્તિઓ કે જે જન્મના કે લગ્નના બંધનથી બંધાયેલા હોય તેમના દ્વારા જ આચરવામાં આવે છે અને એટલે તેને ઓળખીને પકડી પાડવા અને તેનો ઉકેલ લાવવાનું ઘણું કઠિન હોય છે.
અત્યાચારોના પ્રકારો:
લાગણી વિષયક અત્યાચાર:
કોઈ તમને હાનિ પહોંચાડવાની ધમકી આપે, પોતાની નજર, વર્તનથી કે મોઢાના હાવભાવથી ડર બતાવે, તમે કઇં ખોટું કરી રહ્યા છો એવો વારંવાર અનુભવ કરાવ્યા કરે, બીજાની હાજરીમાં તમારું સતત અપમાન કરે કે બીજા સાથે કોઈ પણ પ્રકારનો સંપર્ક – સંબંધ ન રાખવા દે તેને લાગણી વિષયક અત્યાચાર ગણાવી શકાય. ઘણી વખત કોઈ બૂમો પડે, અપશબ્દો બોલે, ધાક ધમકી આપે, તમારી સાથે વ્યવહાર ઓછો કરી નાખે, તમને પોતાના વર્તુળમાંથી કાઢી મૂકે અને પોતે આવો અત્યાચાર કરે છે તે સદંતર સ્વીકારે જ નહીં અને અધૂરામાં પૂરું ભોગ બનનારને જ દોષ ઓઢાડે તે પણ એક પ્રકારનો લાગણી વિષયક અત્યાચાર છે કેમ કે લાંબા સમયે આનો ભોગ બનનાર માનસિક રીતે ભાંગી પડે અને હતાશાનો ભોગ બને છે.
આર્થિક અત્યાચાર:
આ પ્રકારનો અત્યાચાર કરનાર વ્યક્તિ તમારી મિલકત ઝુંટવી લે, પૈસા વાપરવા ન આપે, તમારું ડેબિટ કાર્ડ લઇ લે કે કોઈ નાના બાળક અથવા મોટી ઉંમરના લોકોને પૂરતું પોષણ મળે નહીં તેવી સ્થિતિમાં મૂકી દે. પોતાના પતિ કે પત્નીની આવક પર કબજો જમાવવો, તેને મિલકતમાં હિસ્સો ન આપવો કે તેને ખોરાક, કપડાં અને ઘર જેવી મૂળભૂત જરૂરિયાતોથી વંચિત રાખવી એ બધી જ બાબતો આર્થિક શોષણના ચિહ્નોમાં ગણાવી શકાય.
શારીરિક અત્યાચાર:
શારીરિક અત્યાચારથી આપણે સહુ વધારે પરિચિત છીએ. જ્યારે એક વ્યક્તિ બીજી વ્યક્તિ પર શારીરિક બળનો ઉપયોગ કરી તેના કોઈ પણ અંગને હાનિ પહોંચાડે તે શારીરિક અત્યાચાર. તેમાં થપ્પડ મારવી, ધક્કો મારવો, ધક્કે ચડાવવા, ચૂંટી ખણીને સોળ ઉઠાડવા, લાત મારવી અને ડામ દેવાનો પણ સમાવેશ થાય છે. હાથ પગ કશા સાથે બાંધી દેવા, કોઈની પાસે ફરજિયાત કઇં કામ કરાવવું, ઘરમાં પૂરી દેવું (આબરૂ સાચવવા), પોતાના નોકર તરીકે રાખવા, સ્ત્રીના પ્રજનન અવયવો પર કાપ મુકવો (ઘણી જાતિઓમાં આ કુરિવાજ છે, શિક્ષિત મહિલાઓ પણ આની વિરુદ્ધ અવાજ નથી ઉઠાવી શકતી), અને કેટલાક અંતિમ કિસ્સામાં વ્યક્તિનો જાન લેવો વગેરેનો સમાવેશ થાય છે. જો કે આ યાદી અહીં ખતમ નથી થતી. આ ઉપરાંત નાના બાળક કે વૃદ્ધજનને પૂરતો ખોરાક પૂરો ન પાડવો અને તેની કાળજી ન કરવી તેનો પણ આ વિભાગમાં સમાવેશ થાય છે.
માનસિક ત્રાસ:
માનસિક ત્રાસને ઓળખી કાઢવાનો અને તેવા જુલમ કરનારને સાબિતી મેળવી સજા કરાવવી કોઈને પણ માટે સહુથી વધુ મુશ્કેલ છે. પોતાના વાણી અને વર્તનથી બીજાને હતાશા અને ચિંતાનો ભોગ બનવું પડે કે તેની માનસિક સમતુલાને અસર પડે તે માનસિક ત્રાસ કહી શકાય. કોઈને બ્લેકમેઇલ કરવું, કોઈ પાસે ધાર્મિક કે સામાજિક રીત રિવાજોનું પાલન કરવાની ફરજ પાડવી અને તેના બદલામાં ધમકી આપવી (ઓનર કિલિંગ) અને સામી વ્યક્તિના ચારિત્ર્યને નીચું ઉતારી પાડવું એ પણ માનસિક ત્રાસની જ એક રીત છે.
જાતીય અત્યાચાર:
આ પ્રકારના વર્તન વિષે તાજેતરમાં ઘણી જાગૃતિ આવી છે અને ચર્ચાઓ પણ થાય છે. જ્યારે કોઈ એક વ્યક્તિ બીજી વ્યક્તિની અનુમતિ વિના તેની સાથે જાતીય વ્યવહાર કરે અને તેને શારીરિક કે માનસિક હાનિ પહોંચાડે તે હવે ગેરકાયદેસર ગણવામાં આવે છે. તેમાં કોઈની પાછળ પડીને તેના આવન-જાવનની સતત દેખરેખ રાખવી, બળાત્કાર કરવો, વેશ્યાવૃત્તિમાં સંડોવવી અને આવા વ્યવસાય માટે માનવ વેપાર કરવાનો સમાવેશ થાય છે.
ઉપર ગણાવ્યા તે તમામ પ્રકારના અત્યાચારો કરનાર તમને કોઈ પણ ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ, દેશ, ઉંમર કે વર્ગમાંથી મળી આવશે. આવા અત્યાચારોનાં કારણો અને તેના ઉકેલ જે તે સમાજની વ્યવસ્થા, સામાજિક મૂલ્યો, સંસ્કૃતિ, કાયદાઓ, સંસ્થાકીય સગવડો અને રીતરસમ પર આધારિત હોય છે. પણ આવી ક્રૂરતાથી થતી વેદના અને સહન કરવા પડતા અન્યાયો, તે વિશેની જાગૃતિ અને ભોગ બનનારને મદદરૂપ થવાની ફરજ એક સમાન હોય છે.
સામાન્ય રીતે ‘આપણા ધર્મમાં કહ્યું છે’ અથવા ‘આપણી સંસ્કૃતિ એમ કહે છે…..’ વગેરે ઓઠાં હેઠળ વ્યક્તિની ઈચ્છા કે લાગણીને અવગણી, તેની જરૂરિયાતોને ઠેસ મારીને કુટુંબ કે સમાજને ઠીક લાગે તે પ્રકારનો નિર્ણય ઠોકી બેસાડવામાં આવે છે. તો કહેવાતો ધર્મ કે સંસ્કૃતિ ખરેખર આવા અત્યાચારો માટે જવાબદાર છે ખરા?
એક કાલ્પનિક કિસ્સો જોઈએ:
(આ ઘટના યુનાઇટેડ કિંગ્ડમમાં બનેલ તેવી કલ્પના કરી છે, પરંતુ તે કોઈ પણ દેશમાં અને કોઈ પણ સમૂહમાં બની શકે.)
સુરિન્દર નામની કન્યા 10મા ધોરણની પરીક્ષાની તૈયારી કરી રહી છે. તેની બહેનપણીઓ પાસેથી તેના માતા-પિતાને જાણવા મળ્યું કે સુરિન્દરને અન્ય ધર્મના યુવક સાથે ગાઢ પરિચય છે. માબાપે સાથે મળીને તેના ભવિષ્ય માટે નિર્ણય લીધો અને સુરિન્દરને કહેવામાં આવ્યું કે પરીક્ષા બાદ તે પોતાની બેગ પેક કરીને જલંધર જાય જ્યાં કુટુંબીઓ સાથે રહી રસોઈ અને પંજાબી રીતરસમ શીખી લે, પછી તેના પિતાના મિત્રના એક પુત્ર સાથે તેના લગ્ન કરી દેવામાં આવશે. સુરિન્દરે પૂછ્યું, “મારે શા માટે 16 વર્ષની ઉંમરે પરણી જવું? મારે આગળ અભ્યાસ કરવો છે. તમે મને પૂછ્યા વિના મારા ભાવિનો નિર્ણય શા માટે લીધો?” તેની માએ કહ્યું “મને તો 14 વર્ષની વયે પરણાવી દીધેલી, નિશાળે પણ નહોતી મોકલેલી, તું નસીબદાર છો તે ભણી. 17-18 વર્ષે પરણવું એ આપણી ‘સંસ્કૃતિ’ની રૂઢિ છે. અમે તારે માટે એક મિકેનિકલ એન્જિનિયર શોધ્યો છે, એ આખા કુટુંબનું ભરણપોષણ થાય તેટલું કમાશે, તારે ભણવાની શી જરૂર? રસોઈ જ તો કરવાની છે.” પિતાએ કહ્યું, “આપણી સંસ્કૃતિમાં માબાપે પોતાનાં સંતાનોને તેના લગ્ન વિષે પૂછવાનું ન હોય, વળી મેં મારા મિત્રને મારે ઘેર દીકરી આવે તો તેના દીકરા સાથે પરણાવવાનું વચન આપેલું જે પાળવું પડે. વળી આપણી સંસ્કૃતિનું જતન કરવું છે, માટે તારે રસોઈ અને રૂઢિઓ શીખવી પડશે જ”. તે વખતે સુરિન્દરે દિલની વાત ઉઘાડી પાડી અને કહ્યું, તેને એક અન્ય ધર્મી યુવક સાથે પ્રેમ છે અને તે અને તેનો મિત્ર કોલેજનું શિક્ષણ પૂરું કરે પછી સારી નોકરી મેળવીને લગ્ન કરવા ઈચ્છે છે.
પરિણામ એ આવ્યું કે સુરિન્દરને પરીક્ષાના કેન્દ્ર પર લેવા મુકવા એક માણસ રોક્યો અને ક્યારેક તેમાંથી છટકવા પ્રયત્ન કર્યો તો માર પડ્યો અને પરીક્ષા પૂરી થયે જલંધર મોકલી આપી. જો સુરિન્દર કોઈ સંસ્થા કે પોલીસમાં આ વિષે ફરિયાદ કરશે તો મા-બાપે ઝેર ખાઈ લેશે કે અન્ય કુટુંબીઓ સાથેના સંબંધો તોડી નાખશે તેવી ધમકી આપી.
જોવાનું એ છે કે આ બધું સંસ્કૃતિને નામે થાય છે, તો કોની સંસ્કૃતિ? માતા-પિતા અને સંતાનોનાં વિચારો, મૂલ્યો અને આસપાસના લોકોના રહન-સહન અલગ થવાથી તેમની ‘સંસ્કૃતિ’ પણ અમુક અંશે અલગ થઇ જતી હોય છે. ભોગ બનનારના માનવ અધિકારોની રક્ષા ન થાય તેનું શું?
એ તાલીમ દરમ્યાન તાલીમાર્થીઓને પોતપોતાના જીવનના અનુભવો સહુની વચ્ચે વહેંચવાનું કહેવામાં આવ્યું. કેટલાકના પ્રતિભાવો રસપ્રદ હતા તે અહીં પ્રસ્તુત કરું છે.
સોમાલિયાની એક બહેન કહે, “મારે વ્હાઇટ સ્ત્રી બનવું છે.” એ સાંભળીને સવાલ એ થાય કે શું શ્વેત રંગના લોકો પાસે વધુ સત્તા હોય અને તેમને સહેલાઈથી ન્યાય મળે છે? એવું જોવા મળે છે કે ઘરેલુ હિંસાનો તો શ્વેત મહિલાઓને પણ શિકાર બનવું પડે છે, પરંતુ ઘરની બહાર જાહેર જીવનમાં, રોજગારીની તકો મેળવવામાં કે સમાજમાં અન્ય લાભો મેળવવામાં રંગભેદ, જાતિભેદ, ધર્મભેદ અને જ્ઞાતિભેદ એકબીજા પર અત્યાચાર કરવા માટે કારણભૂત થતા હોય છે.
ઉપર વર્ણવેલા અલગ અલગ પ્રકારના અત્યાચારો વિષે ઝીણવટથી તપાસતાં જણાશે કે સામાન્ય રીતે અત્યાચાર કરનાર પાસે વધુ સત્તા હોય છે, જે ભોગ બનનાર પાસે નથી હોતી; પછી એ પુરુષ હોય કે સ્ત્રી. તો આ સત્તા શું ચીજ છે? એ કોઈ એવી વસ્તુ છે જે મારી પાસે છે અને તમારી પાસે નથી? એ શું એવી ચીજ છે જે તમે ગુમાવી કે મેળવી શકો? સત્તા મેળવવા માટે લડાઈ કરાય? હા, રાજકીય સત્તા મેળવવા જંગ ખેલાય છે. પણ સામાજિક કે ઘરેલુ બાબતમાં તેવી લડાઈ નથી થતી, પરંતુ બીજા પ્રકારનો સંઘર્ષ વેઠવો પડે છે. તેમાં તમે જીતો કે હારો ખરા? હા, જરૂર. તેને આધારે બીજાનું શોષણ કરી શકાય? ચોક્કસ, જે જીતે તે બીજાનું શોષણ કરે અને હારેલ વ્યક્તિ પોતાને થતા અન્યાય વિષે એક હરફ પણ ઉચ્ચારી ન શકે. પાવરફુલ અને પાવરલેસ હોવું એટલે શું? તેને અન્યાય અને અત્યાચાર સાથે શો સંબંધ? આવા સવાલોના ઉત્તરો અલગ અલગ હોઈ શકે.
પુરુષો પાસે વધુ સત્તા છે, મહિલાઓ પાસે ઓછી, તેને કારણે પુરુષો મહિલાઓનું શોષણ કરી શકે અને કરે છે તેવો એક સામાન્ય ખ્યાલ છે. અને તેથી જ તો મહિલાઓ માટે કાયદામાં ખાસ જોગવાઈ હોય છે અને સંરક્ષણ ગૃહો પણ ઘણાં હોય છે. કેટલીક સ્ત્રીઓ પણ ઉપર ઉલ્લેખ કર્યો છે તે તમામ પ્રકારના અત્યાચારો નિકટના પુરુષો ઉપર કરતા હોય છે અને તેવા ભોગ બનેલ પુરુષો પોતે પુરુષ હોવાને કારણે તે વિષે કોઈને વાત નથી કરી શકતા અને કોઈ કોઈ કિસ્સામાં તો અત્યંત શારીરિક અને માનસિક પીડા ભોગવતા હોય છે, જેની જાણ મોટાભાગના સમાજોમાં નથી હોતી.
અહીં એક વાતની સ્પષ્ટતા કરી લઉં. મા-બાપે ગોઠવેલાં લગ્ન અને પરાણે થતાં લગ્નમાં ઘણો તફાવત હોય છે. પરંતુ કેટલાંક ગોઠવેલાં લગ્ન ‘ઓનર કિલિંગ’માં પરિણમે છે જે અત્યન્ત દુઃખદ છે. કુટુંબમાં કે સમાજમાં પોતાની કહેવાતી પ્રતિષ્ઠાને હાનિ પહોંચે એમ માતા-પિતા કે વડીલો માને તો પોતાના પુત્ર કે પુત્રી પોતે ચિંધેલ યુવતી કે યુવક સાથે લગ્ન કરવા આનાકાની કરે કે પોતાની પસંદની વ્યક્તિ સાથે લગ્ન કરવા ઈચ્છા વ્યક્ત કરે તો કેટલાક કિસ્સાઓમાં તેમની હત્યા પણ કરવામાં આવે છે.
આજે જ્યારે આપણે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરીએ ત્યારે પોતાની જાણમાં હોય તેવા કોઈ પરિવારમાં ઉપર વર્ણવેલ કોઈ પણ પ્રકારના ત્રાસ કે અત્યાચારનો અણસાર મળતાં જ તેને રોકવા માટે પગલાં ભરવાની પ્રતિજ્ઞા લઈશું, તો મહિલા જગતને સુરક્ષિત રાખવામાં ફાળો આપ્યો કહેવાશે.
01/03/2019
e.mail : 71abuch@gmail.com