છેલ્લા ચૌદ વર્ષથી લંડનથી પ્રકાશિત થતું “ઓપિનિયન” એક વિચારશીલ ગુજરાતી માસિક સામયિક છે. નિરીક્ષણ, સમીક્ષા, લેખો અને સાહિત્યિક યોગદાન દ્વારા “ઓપિનિયને” ગુજરાતી પત્રકારત્વ ક્ષેત્રે સન્માનનીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. “ઓપિનિયને” જીવનના અનેક પાસાંઓને સમાવી લીધાં છે. વિશેષત: તે સાહિત્યિક સત્ત્વ અને ભારતના સાંસ્કૃતિક પ્રસંગોને તેમજ મુખ્યત્વે ગુજરાત અને યુનાઇટેડ કિંગ્ડમના ગુજરાતી ડાયસ્પોરાને કેન્દ્રિત કરે છે. ગુજરાત અને યુનાઇટેડ કિંગ્ડમના સંવર્ધનના કાર્યક્ષેત્ર સાથે જોડાયેલા હોય અને તેને અનુસરતા હોય તે લોકો માટે આ સામયિક વાંચવું ખૂબ જ જરૂરી છે. પૂર્વ આફ્રિકા અને યુનાઇટેડ કિંગ્ડમના ભારતીય ડાયસ્પોરાના કેટલાંક ઉપયોગી લખાણ અને મૂળભૂત સામગ્રી તેની વિવિધ આવૃત્તિઓમાં સમાયેલ છે. “ઓપિનિયન”ના કેટલાક મૂળભૂત સિદ્ધાંતો મહાત્મા ગાંધીના સિદ્ધાંતોની યાદ અપાવે છે. મહાત્મા ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં શરૂ કરેલ 'ઇન્ડિયન ઓપીનિયન' નામક સામયિક પરથી આ શીર્ષક પ્રેરાયેલ છે. “ઓપિનિયન” એ વિચારો અને કાર્યને સાચવતું અને સ્વતંત્ર રીતે અનુસરતું સામયિક છે. આનો ઉદ્દેશ એ છે કે, તે કોઈપણ પ્રકારની જાહેરાતોને સ્વીકારતું નથી કે જેના દ્વારા આવક પ્રાપ્ત થાય. તેની આવકનો સ્રોત માત્ર વાચકનું લવાજમ અને ફાળો છે.
નિશ્ચિત અંત તારીખ સાથે “ઓપિનિયન”નો જન્મ થયો છે. હમણાં જ્યારે તેના વાચકોને આ વિશે માહિતગાર કરવામાં આવ્યા ત્યારે આ વિશે વિચારવા અંગેના અનેક પ્રતિભાવો પ્રાપ્ત થયાં. “ઓપિનિયને” કલ્પનાશક્તિથી દૂર જઈ લોકોના હૃદયને સ્પર્શી ને તેમના વિચારોને એક ચોક્કસ આકાર આપ્યો છે. તેનો મૂળ ઉદ્દેશ ક્યારે ય સમાધાન કરવામાં માનતો નથી. સભાનપણે વાચકોની અને તેમના પ્રતિભાવોની ક્યારેય ઉપેક્ષા કરવામાં આવતી નથી. અંતે નક્કી થયું કે વિચારોની જીત એટલે “ઓપિનિયન”નો ડિજિટલ અવતાર.
“ઓપિનિયન” ઓનલાઇન એ “ઓપિનિયન”ના મજબૂત પાસાઓને આવરી લઈને આગેકૂચ કરી રહ્યું છે. સમકાલીન ડાયસ્પોરિક સાહિત્યના ઉત્તમ પાસાંઓની રજૂઆતની સાથે તે ડાયસ્પોરિક સંસ્કૃતિ, ભાષા અને ઇતિહાસની ઉત્કૃષ્ટ ઝાંખી પણ કરાવશે. “ઓપિનિયન”ની એક રસપ્રદ લાક્ષણિકતા તેનો પ્રોફાઇલ વિભાગ છે કે જ્યાં વાચક નામાંકિત વ્યક્તિઓની અપ્રગટ માહિતી માણી શકે છે.
“ઓપિનિયન” ઓનલાઇન સમકાલીન ડાયસ્પોરા સાહિત્યનો ખજાનો છે. એમફિલ અને અન્ય સંશોધનના અભ્યાસ માટે “ઓપિનિયન”ને વિષય તરીકે લઈ શકાય. “ઓપિનિયન”ની બધી જ પ્રકાશિત આવૃતિઓ સાઇટ પર ઉપલબ્ધ છે. “ઓપિનિયન” એ બદલાતા સમયનો સાક્ષી અને શૈક્ષણિકો, સંશોધનકારો અને ડાયસ્પોરાના પ્રેમીઓને માહિતીનો ઉત્તમ સ્રોત પૂરો પાડે છે.
“ઓપિનિયન” ઓનલાઇન એ વાચક અને “ઓપિનિયન” વચ્ચે સેતુરૂપ વેબસાઇટ છે. વાચક તેમાં લખી શકે, લેખોને ક્રમાંકિત કરી શકે અને પોતાના પ્રતિભાવો આપી શકે છે. આ ઉપરાંત નામાંકિત સર્જકો સાથે જીવંત વાતચીત, પોલ અને કાર્ટૂન જેવા વિવિધ પાસાંઓને આવરી લેવાનું કાર્ય વિચારણા હેઠળ છે.
વિપુલ કલ્યાણીના તંત્રીપદેથી નીકળતા અને પીડીએફ સ્વરૂપે ‘ગુજરાતી લેક્સિકોન’ની વેબસાઇટ http://www.gujaratilexicon.com પર વાંચી શકાતા ‘ઓપિનિયન’ના નવા અવતારમાં બીજી વાચનસામગ્રીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં મુખ્ય છે ‘ઓપિનિયન-સમાંતર ગુજરાત’.
‘ઓપિનિયન-સમાંતર ગુજરાત’ શું છે?
આ એક એવો મંચ છે, જ્યાંથી ગુજરાત, દેશ અને દુનિયાના પ્રવાહો સરકારી પ્રેસનોટ જેવા એકરંગી સ્વરૂપે નહીં, પણ તરણેતરના મેળાની વેશભૂષા જેવા અનેકરંગી સ્વરૂપે રજૂ થશે.
‘ઓપિનિયન- સમાંતર ગુજરાત’ પર મુકાતી વાચનસામગ્રીમાં સવારના અખબાર જેવી નિયમિતતા અને તાજગી, બપોરના અખબાર જેવી મસ્તી (અને ‘રવિવારે રજા’નો નિયમ), સામયિક જેવું વિષયવૈવિઘ્ય, વિચારપત્ર જેવું ઉંડાણ અને ‘ડાયજેસ્ટ’ની જેમ ચુનંદા લેખો છે.
ગુજરાતની ભૂમિ પર રહીને આસપાસ નજર હટાવ્યા વિના, આંગણે આવી ગયેલા વિશ્વને સ્વસ્થ નાગરિક દૃષ્ટિથી નીરખવા-પરખવાના પ્રયાસમાં, કહો કે ગુર્જર વિશ્વવાસી તરીકેની સફરમાં, સૌનું વાચક-લેખક-વિવેચક (અને હા, જાહેરખબર આપનાર તરીકે પણ!) સ્વાગત છે.
www.opinionmagazine.net/Samantar-Gujarat
એમાં તમારા માટે શું છે?
વાચકો માટે રોજેરોજની સમૃદ્ધ, વિચારપ્રેરક, મનોરંજક વાચનસામગ્રી
લેખકો માટે અભિવ્યક્તિનું સબળ માઘ્યમ
ગુજરાત બહાર વસતા ગુજરાતીઓ માટે ગુજરાત અને ગુજરાત બહારના સાહિત્ય-સંસ્કાર તથા રાજકીય જગતના સંપર્કમાં રહેવાની તક