Opinion Magazine
Number of visits: 9447116
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સાહ્યબો મારો ગુલાબનો છોડ,વેલી હું તો લવંગની

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|6 December 2018

હૈયાને દરબાર

જૂની રંગભૂમિનાં નાટકો જેમણે જોયાં છે એમને ખબર છે કે દેશી નાટકનો નશો કેવો હોય!

એ જમાનો હતો જ્યારે નાટકના કલાકારે અભિનય તો કરવાનો પણ સાથે ગાવું ય પડે જ. નાટકનો પ્રયોગ જ્યાં ભજવાવાનો હોય ત્યાં જીવંત સંગીત રેલાતું હોય. એમાં વાજાપેટી, તબલાં અને શરણાઈ લઈ સંગીતકારો સ્ટેજની બરાબર સામે બેસે. (હમણાં એ પ્રકારનું મરાઠી નાટક ‘દેવબાભળી’ જોયું, જેમાં સાજિન્દાઓ સ્ટેજની સામે બેસીને વાદ્યો વગાડતા હતા અને કલાકારો પોતે જ ગાતાં હતાં. આશ્વર્યજનક અને પ્રસન્નકર અનુભવ હતો) પછી કલાકારના સૂરની સાથે સૂર મેળવીને હાર્મોનિયમ શરૂ કરે ને નાટકનો આરંભ થાય. મુંબઈમાં ભાંગવાડીની બાલ્કનીના પગથિયે બેસીને ‘વડીલોના વાંકે’, ‘માલવપતિ મુંજ’, ‘સંતુ રંગીલી’, ‘પાનેતર’ અને ‘સંતાનોના વાંકે’ જેવાં નાટકો એ જમાનાના લોકોએ મન ભરીને માણ્યાં છે. દર્શકો કલાકારને બહુ માનથી જોતાં. ચાલુ નાટકે કોઈ અવરજવર ના કરે. અમદાવાદ, વડોદરા, સુરત ને મુંબઈમાં મોરબીના મહારાજા અને ગોંડલના દરબાર નાટક જોવા આવે. સામાન્ય લોકો પણ ટિકિટ ખર્ચીને નાટકો જુએ, સોશિયલ ગ્રુપ્સની પેકેજ ડીલના ભાગરૂપે નહીં. એમાં ય જૂની રંગભૂમિનાં ગીતો તો નાટકનું સૌથી મહત્ત્વનું અંગ કહેવાય. મીઠા લાગ્યા તે મને આજના ઉજાગરા, ધનવાન જીવન માણે છે, હૃદયના શુદ્ધ પ્રેમીને, નાગરવેલીઓ રોપાવ, ઝટ જાઓ ચંદનહાર લાવો, એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી જેવાં ગીતો એ વખતે લોકજીભે રમતાં થઇ ગયાં હતાં. મોતીબાઈ, કમળાબાઈ કર્ણાટકી, રાજકુમારી, માસ્ટર અશરફ ખાન, માસ્ટર કાસમ ઉત્તમ કલાકારો – ગાયકો ગણાતાં. શાસ્ત્રીય સંગીત અને ગઝલ ગાનાર કલાકારો પણ જૂની રંગભૂમિમાં હોંશે હોંશે ગાતાં. ગુજરાતીપણાંની સુગંધ ધરાવતાં ગીતો અદાકારોની સાથે દર્શકો પણ મોટે મોટેથી લલકારતા એવો એમને એ ગીતોનો કેફ ચડતો.

આવાં કેટલાંક લાજવાબ ગીતોમાં ઉચ્ચ શિખરે બેઠેલું ગીત એટલે સાહ્યબો મારો ગુલાબનો છોડ, વેલી હું તો લવંગની. ‘હંસાકુમારી’ નાટકના આ ગીતના રચયિતા હતા રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ. મોહન જુનિયરના સંગીત નિર્દેશનમાં મીનાક્ષી અને ભોગીલાલ નામનાં કલાકારોએ પહેલી વાર આ ગીત ગાયું ત્યારે ગીતને અગિયાર વાર વન્સમોર મળ્યા હતા. તમે માનશો? નાટકમાં આ ગીત ચાલીસ-પચાસ મિનિટ સુધી ગવાતું. આ ગીત કયા સંજોગોમાં બન્યું એ વિશે વિનયકાન્ત દ્વિવેદી સંપાદિત ‘મીઠા ઉજાગરા’ પુસ્તકમાં સરસ આલેખન કરવામાં આવ્યું છે. ‘હંસાકુમારી’ નાટકના મેનેજર રસકવિને ત્યાં પહોંચ્યા અને કહ્યું કે કંપનીની સ્થિતિ ડામાડોળ છે. નાટક ભજવવું છે પણ સફળતાનો મદાર તમારાં ગીતો પર છે. રસકવિ એ વખતે બીમાર હતા. ૧૦૩ ડિગ્રી તાવ હતો તો ય કલમ હાથમાં લીધી અને પ્રણયના ફાગ ખેલતાં યુગલ માટે હૈયાનો નેહ નિતારતી ઊર્મિઓને વાચા આપી, અને એક સર્વાધિક લોકપ્રિય ગીતનો જન્મ થયો; સાહ્યબો મારો ગુલાબનો છોડ! મોહન જુનિયરે આ ગીતને સુંદર સુરાવલિમાં ઢાળ્યું અને પ્રથમ પ્રયોગમાં જ આ ગીતને એકધારા અગિયાર વન્સમોર મળ્યા હતા.

૧૯૩૨માં રસકવિએ ‘તારણહાર’ નાટક માટે એક જ રાતમાં ૨૫ ગીતો લખીને રંગભૂમિના ઇતિહાસમાં વિક્રમ સર્જ્યો હતો. તેઓ રસિક કવિ ઉપરાંત સફળ નાટ્યકાર પણ હતા. રસની લ્હાણ સાથે શબ્દોની ઉચિત ગોઠવણી દ્વારા નાટ્યરસિકોને તેમણે મનમોહક ગીતો આપ્યાં હતાં. તેમણે કેટલાંક હિન્દી ગીતો પણ લખ્યાં હતાં. તેમણે લખેલું કે. આસિફની ફિલ્મ મુગલ-એ-આઝમનું પ્રખ્યાત ગીત, મોહે પનઘટ પે નંદલાલ છેડ ગયો રે … વિવાદાસ્પદ બન્યું હતું કારણ કે ‘છત્રવિજય’ નાટક માટે રસકવિએ આ ગીતની રચના કરી હતી. પરંતુ, શકીલ બદાયુનીએ એ ગીત પોતાના નામે ચઢાવી ‘મુગલ-એ-આઝમ’માં રજૂ કર્યું. રસકવિએ જ્યારે આ જાણ્યું ત્યારે તે સામે વિરોધ નોંધાવી કોર્ટમાં કેસ કર્યો. છેવટે વિશાળ હૃદય રાખી રઘુનાથ બ્રહ્મભટ્ટે લોકમનોરંજનાર્થે સમાધાન કરી લીધું હતું. પરંતુ, એ બદલ એમને રકમ ચૂકવવામાં આવી હતી. આમ રંગભૂમિના મહર્ષિ તરીકે તેમણે રંગભૂમિને સુંદર ગીતોથી સજાવી હતી.

રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટના પૌત્ર અને જાણીતા સેક્સોલોજિસ્ટ ડૉ. રાજ બ્રહ્મભટ્ટે જૂની યાદો વાગોળતાં જણાવ્યું કે, "૧૯૩૯માં આર્ય નૈતિક સમાજ તરફથી ‘હંસાકુમારી’ નાટક ભજવાવાનું હતું. આ નાટક કંપનીની આર્થિક સ્થિતિ બહુ ખરાબ થઈ ગઈ હતી. બે મહિનાથી કોઈને પગાર ચૂકવાયો નહોતો. મણિલાલ ‘પાગલ’નું એક નાટક એમને કરવું હતું. એ વખતે જૂની રંગભૂમિ પર રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ, પ્રભુલાલ દ્વિવેદી અને મણિલાલનું એકહથ્થુ શાસન હતું. મારા દાદા રસકવિ રઘુનાથ એ સાક્ષરનગરી નડિયાદમાં રહેતા હતા. અમદાવાદથી એમને લેવા ગાડી આવી. શરીર તાવથી ધગધગતું હોવા છતાં તેમણે તાત્કાલિક ગીતો રચી દીધાં અને જુવાનોને શરમાવે એવું આ શૃંગારિક ગીત લખીને આપ્યું. જૂની રંગભૂમિનાં ગીતોનો કોઈ પણ પ્રોગ્રામ સાહ્યબો મારો ગુલાબનો છોડ ગીત વિના આજે અધૂરો જ ગણાય છે. ‘હંસાકુમારી’ નાટકની વાત કરું તો એ જમાનામાં પુરુષો જ સ્ત્રીની ભૂમિકા ભજવતા હતા. નકુભાઈ શેઠ આ નાટક વખતે ડઝન જેટલી નાની છોકરીઓને રોલ કરવા લઈ આવ્યા હતા પરંતુ, સ્ત્રીપાત્ર ભજવતા માસ્ટર ગોરધનની તોલે આવે એવી એકેય નહોતી. છેવટે મીનાક્ષી નામની એક જાટ કન્યા પસંદ કરવામાં આવી. એને ગુજરાતી તો બિલકુલ આવડે નહીં છતાં, ખૂબ પ્રેક્ટિસ કરાવીને ગીત શિખવાડ્યું. નાટકમાં મીનાક્ષી અને ભોગીલાલે જ્યારે આ ગીત ગાયું ત્યારે છવાઈ ગયું હતું. આ મીનાક્ષીનાં ઓરમાન માતા એ સુશીલાજી, જેમને દાદાજીએ દુલારી નામ આપ્યું હતું અને તેઓ ફિલ્મોમાં પણ દુલારી તરીકે ઓળખાયાં. વિનયકાન્ત દ્વિવેદીએ દૂરદર્શનના ‘બોરસલ્લી’ કાર્યક્રમમાં આ ગીતને ફરી જીવંત કર્યું હતું જે દીપક ઘીવાલા તથા રાગિણીએ ગાયું હતું. ત્યારબાદ પ્રવીણ જોશીએ અદી મર્ઝબાન પાસેથી રાઇટ્સ મેળવીને આઈ.એન.ટી.ના એક નાટકને ‘સાહ્યબો મારો ગુલાબનો છોડ’ નામ આપ્યું અને એ નાટકમાં સરિતા-પ્રવીણની જોડીએ આ ગીત લોકપ્રિય બનાવ્યું હતું. રઘુનાથજી શીઘ્ર કવિ હતા. લખવાનું શરૂ કરે પછી એમની પેન અટકે જ નહીં. ૯૧ વર્ષ સુધી સ્વસ્થ અને આનંદી જીવન જીવ્યા હતા. રંગભૂમિના સવાસો વર્ષના ઇતિહાસમાં ૭૫ વર્ષ એમનું જીવંત પ્રદાન ગણી શકાય. દાદાજીના ૧૨૫ ગીતોનું સંકલન મારા પિતા જયદેવ બ્રહ્મભટ્ટે કર્યું હતું જેનું વિમોચન આવતા સોમવારે રસકવિની સવા શતાબ્દી નિમિત્તે યોજાનાર એક ભવ્ય કાર્યક્રમમાં થવાનું છે. " સ્વાભાવિકપણે આ એક ઐતિહાસિક ઘટના બની રહેશે. ૧૯૩૯માં રજૂ થયેલા નાટક ‘હંસાકુમારી’માં રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટે લખેલું આ ગીત આજ દિન સુધી ગુલાબની જેમ મહેકતું રહ્યું છે એ જેવી તેવી સિદ્ધિ નથી!

ઊડશું જીવનમાં જોડાજોડ, પાંખો જેવી પતંગની
સાહ્યબો મારો ગુલાબનો છોડ, વેલી હું તો લવંગની

આ રચના અતિ લોકપ્રિય છે. પતંગ અને કિન્નાની જોડાજોડ જીવન પણ જોડાયેલું રહેવું જોઈએ. ઉત્સવની આત્મીયતા સાથે રહીને, જોડાજોડ જીવીને જિંદગીને માણવાની છે. રસકવિ શ્રી રઘુનાથ બ્રહ્મભટ્ટ રચિત શૃંગાર રસની રચનાઓમાં આ શ્રેષ્ઠ રચના છે. આગળ કવિ નજાકતથી કહે છે,

આભલાનો મેઘ હું, તું મારી છે વીજળી,
કેસરને ક્યારડે કસ્તૂરી આ ભળી …!

બાદલ-બિજલીના અભિન્ન સંબંધ સાથે સરખાવીને નાયક મસ્તીભર થઈને ગાય છે કે કેસરને ક્યારડે કસ્તૂરી આ ભળી …! આપણો સંબંધ કેસરને ક્યારે કસ્તૂરી ભળે ને જે સુગંધ પ્રસરે એવો છે. આપણું જીવન પણ એમ જ સુગંધિત થવાનું છે. પ્રણયરંગમાં જાતને ભીંજવીને એકબીજાંને મદમસ્ત બની ભીંજાવાના બેઉને કોડ જાગ્યા છે, જેવી અનેક સુંદર અભિવ્યક્તિઓ આ ગીતમાં છે. પ્રેમ એ જગતને જીતવાની સૌથી મોટી તાકાત છે. આ ગીતમાં યૌવનની તાજગી જેવો તરોતાજા પ્રેમ આબેહૂબ વ્યક્ત થયો છે.

રસકવિના બીજા પૌત્ર રાજેન બ્રહ્મભટ્ટ, જેઓ જાણીતા કવિ, લેખક, સંચાલક અને આર્કિટેક્ટ છે તેઓ રઘુનાથ બ્રહ્મભટ્ટ વિશે ગર્વપૂર્વક કહે છે, "દાદાજીને એમના બધાં જ ગીતો મોઢે રહેતાં. તેઓ અલગારી, ફક્કડ જીવ હતા. પૈસાની ખેવના ક્યારે ય નહીં. કોઈ કશું પણ માંગે તો તરત આપી દે. નેપાળના રાજાએ એમને રાજકવિ તરીકે નિમંત્રિત કર્યા હતા પરંતુ, તેમણે નમ્રતાપૂર્વક ના પાડી હતી. તેઓ આવા કોઈ બંધનના મોહતાજ નહોતા. એમનું સૌથી પહેલું નાટક ‘ભગવાન બુદ્ધ’ હતું જેમાં વૈરાગ્યની વાત હતી. આ નાટકે એમને નાટ્યકાર અને કવિ તરીકે પ્રસ્થાપિત કર્યા પરંતુ, વૈરાગ્યના નાટકથી કારકિર્દી શરૂ કરનાર આ કવિએ આજીવન શૃંગાર ગીતો જ લખ્યાં, એટલે જ લોકોએ એમને ‘રસકવિ’નું ઉપનામ આપ્યું હતું. સંગીતની જાણકારી તથા રાગદારીનું ખૂબ જ્ઞાન ધરાવતા હતા. એમનાં ગીતો કે.સી. ડે, મન્નાડે, આશાજી, ગીતા દત્ત અને ગૌહર જાન જેવાં પહેલાંનાં તથા પુરુષોત્તમ ઉપાધ્યાય, આશિત-હેમા, સોલી-નિશા, અનુરાધા પૌડવાલ સહિત આજના અનેક કલાકારોએ ગાયાં છે. કવિ ન્હાનાલાલની જેમ દાદાજી પણ ડોલન શૈલીમાં લખતા હતા. ખૂબ આનંદી જીવ. ક્યારે ય ગુસ્સે ન થાય. અજાતશત્રુ અને આશાવાદી હતા. એટલે જ ૯૧ વર્ષનું સ્વસ્થ જીવન જીવી ગયા.

આ કવિ સાથે જોડાયેલી એક રસપ્રદ વાત એ પણ છે કે આજના આપણા સુગમસંગીત સમ્રાટ પુરુષોત્તમ ઉપાધ્યાયની કારકિર્દીનું સૌપ્રથમ ગીત રસકવિનું હતું!. પુરુષોત્તમભાઈની ઉંમર તે વખતે દસ-બાર વર્ષની હશે. એમનાં માતા રઘુનાથ બ્રહ્મભટ્ટ પાસે નાનકડા પુરુષોત્તમને લઈને ગયાં અને કહ્યું કે દીકરો સારું ગાય છે, એને ક્યાંક તક આપજો. એ વખતે પુરુષોત્તમભાઈ નડિયાદ પાસેના ઉત્તરસંડા ગામમાં રહેતા હતા. નડિયાદમાં મુંબઈની કોઈક નાટક કંપની આવી હતી, એના માટે દાદાજીએ બીના મધુર મધુર કછુ બોલ .. ગીતને આધારે સાધુ ચરણ કમલ ચિતચોર .. લખીને આપ્યું હતું એ પુરુષોત્તમભાઈ પાસે ગવડાવ્યું. અને પહેલી વખત નાનકડા પુરુષોત્તમે એ ગીત ગાઈને નાની વયે જ જાતને સર્વોત્તમ સાબિત કરી દીધી હતી.

‘સાહ્યબો મારો ગુલાબનો છોડ’ ગીત એવું લોકપ્રિય થયું હતું કે આ જ પ્રથમ પંક્તિ તરીકે વાપરીને બીજાં પણ કેટલાંક ગીતો લખાયાં જેમાં કવિ કૈલાસ પંડિત રચિત, ક્યારે પૂરા થશે મનના કોડ કે સાહ્યબો મારો ગુલાબનો છોડ સૌથી વધુ પ્રસિદ્ધ છે. કવયિત્રી પન્ના નાયકે પણ આ શીર્ષકનો ઉપયોગ પોતાની એક કવિતામાં કર્યો છે.

રસકવિનું અન્ય પ્રણયગીત અહીં યાદ આવે છે, સાંભરે પ્રથમ મિલનની રાત! પ્રથમ મિલનની રાત્રીના મનભાવક ભાવો વ્યકત કરતી નાયિકા કહે છે,

ના ના કરતાં
રસથી નીતરતાં
હૈયાં ધીમે દબાતાં
લજ્જાની પાળો તૂટી ત્યાં
રસ સાગર છલકાતાં
શીખવે સજન
નવીન કોઈ વાત
સાંભરે પ્રથમ મિલનની રાત ..!

https://www.youtube.com/watch?v=YYzrgF5jexs

પૌરવી દેસાઈએ ગાયેલું આ પ્રણયગીત વારંવાર સાંભળવું ગમે તેવું છે. રઘુનાથ બ્રહ્મભટ્ટની અન્ય શૃંગાર રચનાઓ પણ એટલી જ અદ્ભુત છે. તેથી જ મહાકવિ ન્હાનાલાલે રસકવિ વિશે એક સ્થાને લખ્યું છે કે :

એક રઘુનાથ આવ્યા ને એમણે ગાયું : ‘નાગરવેલીઓ રોપાવ તારા રાજ મહેલોમાં’ ને હજારો ગુર્જરનારીઓએ એને ઝીલી લીધું. હરીન્દ્ર દવે કહે છે, "રસકવિ રઘુનાથનું અર્પણ ગુજરાતી રંગભૂમિનું કાયમનું સંભારણું છે. કવિ ! તમે રંગભૂમિને અનહદ પ્રેમ કર્યો છે. તમારો આ પ્રેમ અમારી પેઢીને વારસામાં મળ્યો છે. તો ચંદ્રવદન ચી. મહેતાએ લખ્યું છે, "કવિ રઘુનાથને ‘રસકવિ’નું બિરૂદ મળ્યું છે. આ નાટ્યલેખકે એકે નાટક ના લખ્યું હોત અને ફક્ત ગીતો લખ્યાં હોત તો એમાંથી એવડો કાવ્યસંગ્રહ જરૂર થાત કે જેથી એ પોતાનું સ્થાન આપમેળે કોઇપણ પ્રતિષ્ઠિત કવિસંમેલનમાં પ્રાપ્ત કરી શકત.

આવા લોકલાડીલા રઘુનાથ બ્રહ્મભટ્ટનો જન્મદિન ૧૩મી ડિસેમ્બરે છે. એમની સવાસોમી જન્મજયંતી નિમિત્તે રસકવિને શ્રદ્ધાંજલિ સાથે શત શત વંદન.

———————————

સાહ્યબો મારો ગુલાબનો છોડ,
વેલી હું તો લવંગની,
ઊડશું જીવનમાં જોડાજોડ,
પાંખો જેવી પતંગની.

આભલાનો મેઘ હું, તું મારી છે વીજળી,
કેસરને ક્યારડે કસ્તૂરી આ ભળી.

રંગમાં ભીંજી, ભીંજાવાના કોડ,
મંજરી જેવી વસંતની.
સાહ્યબો સોહે કસુંબીનો રંગ :
ઓઢણી ઓઢી ઉમંગની.

• કવિ : રઘુનાથ બ્રહ્મભટ્ટ • સંગીત : મોહન જુનિયર.

https://www.youtube.com/watch?v=uyFXgDwD6So

માવજીભાઈની વેબસાઇટે આ કાવ્યરચના આમ સાંપડે છે :

http://www.mavjibhai.com/MadhurGeeto/085_saybomaro.htm

સાહ્યબો મારો ગુલાબનો છોડ

સાહ્યબો મારો ગુલાબનો છોડ  વેલી હું તો લવંગની
સાહ્યબો મારો ગુલાબનો છોડ  વેલી હું તો લવંગની

ઊડશું  જીવનમાં જોડાજોડ  પાંખો  જેવી  પતંગની
ઊડશું  જીવનમાં જોડાજોડ  પાંખો  જેવી  પતંગની

સાહ્યબો મારો ગુલાબનો છોડ  વેલી હું તો લવંગની

આભલાનો મેઘ હું  તું મારી વીજળી
કેસરને  ક્યારડે  કસ્તૂરી  આ ભળી

આભલાનો મેઘ હું  તું મારી વીજળી
કેસરને  ક્યારડે  કસ્તૂરી  આ ભળી

રંગમાં ભીંજી ભીંજાવાના કોડ મંજરી જેવી વસંતની
રંગમાં ભીંજી ભીંજાવાના કોડ મંજરી જેવી વસંતની

સાહ્યબો મારો ગુલાબનો છોડ  વેલી હું તો લવંગની

સાહ્યબો સોહે કસુંબીનો રંગ ઓઢણી ઓઢી ઉમંગની
સાહ્યબો સોહે કસુંબીનો રંગ ઓઢણી ઓઢી ઉમંગની

સાહ્યબો મારો ગુલાબનો છોડ  વેલી હું તો લવંગની

પાંખો   જેવી  પતંગની  મંજરી  જેવી  વસંતની
ઓઢણી ઓઢી ઉમંગની  વેલી  હું  તો  લવંગની

————————————

સૌજન્ય : ‘લાડલી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 06 ડિસેમ્બર 2018

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=454535

Loading

6 December 2018 admin
← મારો ‘ગાંધીડો’
મન કઈ બાની સુન બાબા મન કી બાની સુન. ભગવાને મૂલ્યવાન દિમાગ પણ આપ્યું છે →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved