ગુજરાત પ્રદેશના સંસ્કૃત સાહિત્યના ‘ભીષ્મપિતામહ’ તરીકે જેમની ગણના થાય, તેવા સંસ્કૃતના પ્રખર વિદ્વાન, પ્રકાંડ પંડિત, કાવ્યતીર્થ, પુરાણતીર્થ કર્મકાંડના જ્ઞાતા, વેદના અધ્યેતા, શ્રેષ્ઠ વક્તા, એક ઉમદા કથાકાર, સંસ્કૃતના મૂર્ધન્ય વ્યાકરણાચાર્ય, મધુરભાષી, શીઘ્રકવિ ડૉ. ભગવતીપ્રસાદ પંડ્યા, ૯૨, જૈફ વયે તા. ૧૧ ઑગસ્ટના રોજ દિવંગત થયા.
ગુજરાતના કાશી ગણાતા સાબરકાંઠાનાં નાનકડા રાયગઢ ગામમાં તા. ૯-૧૧-૧૯૨૬ના રોજ તેમનો જન્મ થયો હતો. રાયગઢના બ્રાહ્મણો શિક્ષણનાં તેમ જ કર્મકાંડના વ્યવસાયમાં અગ્રેસર હતા. ભટ્ટ મેવાડા કુળમાં જન્મેલા ડૉ. ભગવતીપ્રસાદ પંડ્યા નાનપણથી જ સંસ્કૃતમાં વિશેષ રુચિ હોવાથી વધુ અભ્યાસાર્થે કાશી જઈ ૧૨ વર્ષનો અભ્યાસ પરિપૂર્ણ કરી ભારતભરના વ્યાકરણાચાર્યોમાં એક આગવું સ્થાન મેળવી કીર્તિ પ્રાપ્ત કરી ગુજરાતમાં પરત ફર્યા. ત્યાર બાદ તેમણે અલંકારશાસ્ત્રમાં અપ્પયદીક્ષિત ‘કવિ અને આલંકારિક’ પીએચ.ડી.ની પદવી મેળવી.
તેમણે ઈ.સ. ૧૯૫૭થી ઈ.સ. ૧૯૭૭ એમ એકવીસ વર્ષ સુધી સ્વામિનારાયણ આટ્ર્સ કૉલેજમાં સંસ્કૃત વિભાગાધ્યક્ષ તરીકે અધ્યાપનકાર્ય કર્યું. અધ્યયન – અધ્યાપનની સાથે સાથે સરસ્વતી પ્રકાશન અને પાર્શ્વ પ્રકાશનમાંથી આલંકારિક ગ્રંથો તથા અભ્યાસકીય પુસ્તકો સંપાદિત કરી પ્રકાશિત કર્યાં છે. અભ્યાસ વધુ જ્ઞાનોમય બને માટે ઈ.સ. ૧૯૭૭થી ઈ.સ. ૧૯૮૭ અગિયાર વર્ષ સુધી તેઓ ગુજરાત યુનિવર્સિટી ભાષાભવન સંસ્કૃત વિભાગમાં પ્રાધ્યાપક તરીકે નિયુક્ત થયા તથા રીડર તરીકે સેવાઓ આપી નિવૃત્ત થયા. અમારું અહોભાગ્ય એ હતું કે એમ.એ. પૂર્ણ કર્યું અને ગુરુજીનું નિવૃત્ત થવું એ સ્મરણ આજે પણ યાદ આપે છે.
ભાષાભવનમાં આવ્યા પછી અધ્યયન-અધ્યાપનમાં મગ્ન થઈ જવું, સાંજ ક્યારે ઢળી જતી તેનો અંદાજ પણ ન રહેતો. અમે એમના શિષ્ય તરીકે આ બધું જોયું છે અને તેના સાક્ષી છીએ. અરે! એમના લેક્ચરનો સમય ૧થી ૨નો હોય, બે વાગ્યે રિસેસ પડે, ઘંટારવ સંભળાય પરંતુ અમારા આ ગુરુજી અમને ભણાવવામાં એટલા તલ્લીન હોય રિસેસ પણ ક્યારેક પૂરી થઈ જાય અને ૨.૩૦થી ૩.૩૦નું લેકચર પણ ચાલુ થાય, બીજા સાહેબ આવે. ત્યારે અમને મુક્ત કરતાં પણ એમના લેક્ચરમાં અમને બ્રહ્માનંદની પ્રાપ્તિ થતી, અનહદ આનંદની અનુભૂતિ થતી હતી. એમની ચા પણ ઠરી જાય છતાં અભ્યાસના આવા ઉમદા ઓજસ પાથરી અમને મંત્રમુગ્ધ કરી દેતા.
નિવૃત્ત થઈ ગયા પછી હોલૅન્ડમાં ‘મહર્ષિ યુરોપિયન રિસર્ચ યુનિવર્સિટી’માં એમની જરૂર જણાતાં અધ્યાપનકાર્ય માટે ગુજરાતમાંથી એક માત્ર એમને નિમંત્રણ મળ્યું. ત્યાં તેઓ ઈ.સ. ૧૯૯૧થી ઈ.સ. ૧૯૯૪ સુધી અધ્યયન-અધ્યાપનમાં વ્યસ્ત રહ્યા. અસ્ખલિત વાક્પ્રવાહ સંસ્કૃતમાં વહેતો હોય, તેઓ સંસ્કૃતના શીઘ્રકવિ હતા. સંસ્કૃત ગરબાના રચયિતા, ગદ્યને પદ્યમાં આસાનીથી ફેરવી લેવાની કળામાં તેઓ નિપુણ હતા. ભિલોડાની હાઈસ્કૂલના આચાર્ય લાભુભાઈ પંડ્યાના વિદાય-સમારંભમાં અધ્યક્ષ તરીકે આવેલા અને ત્યાં સંસ્કૃતમાં શ્લોકોની ઝડી વરસાવી એમની વાણીથી ભિલોડા હાઈસ્કૂલને પાવન કરી હતી. વિદ્યાર્થીવત્સલ, વર્ગને સ્વર્ગમાં ફેરવી દેવામાં બેતાજ બાદશાહ, વર્ગમાં સાહજિકતાથી અભિનય રજૂ કરતાં નાટ્યો અને કાવ્યો લગભગ એમને કંઠસ્થ હતાં. આથી તેઓ વર્ગમાં ભરતમુનિ જ બની જતા અને અંગ, ભંગિમાં તેમ જ મુદ્દાઓથી હાવ-ભાવ દ્વારા ભાવવાહી અને બુલંદ ધ્વનિએ પઠનપાઠન કરતાં અને અમને રસતરબોળ કરી નાખતા. આ એમનો નિત્યક્રમ હતો.
સ્વ. ભગવતીપ્રસાદ પંડ્યાએ બૃહદ્દ ગુજરાત સંસ્કૃત પરિષદમાં પણ અનેક વર્ષો સુધી સેવાઓ આપી હતી. ત્યાં નાટકો પણ સંસ્કૃતમાં તેઓ ભાગ લઈ ભજવતા. તથા ઑલ ઇન્ડિયા રેડિયો પર પણ સંસ્કૃત પાઠશાળાના વર્ગોનું સુચારું સંચાલન કરી તેને વધુ ને વધુ લોકભોગ્ય બનાવવાની દિશામાં ખૂબ જ મોટું યોગદાન આપ્યું હતું. આકાશવાણી તથા દૂરદર્શન પર જન્માષ્ટમીના દિવસે કૃષ્ણના જન્મના પ્રસંગો વર્ણવતા કે પછી આસ્ટોડિયા દરવાજાનું શુભમ્ લગ્નસ્થળ હોય, સર્વ જગ્યાએ પંડ્યાસાહેબ કાર્યરત રહ્યા હતા.
અમારા આ ગુરુજીને ‘સંસ્કૃત ચૂડામણિ’, ‘મહામહિમોપાધ્યાય’, ‘વિદ્યાવારિધિ’ તેમ જ ‘વાચસ્પતિ’ પુરસ્કાર પ્રાપ્ત થયા હતા.
એમના ઘરના સમીપમાં રહેતા હોવાથી અવારનવાર ગુરુજીને મળવાનું થતું. શિષ્યની સાથે સ્મરણો પણ પ્રેમથી વાગોળતાં હતા. મારી કૉલેજમાં એમની ઉંમર ૭૬ વર્ષની હોવા છતાં એક કલાક વક્તવ્ય માટે આવેલ, પરંતુ એટલા બધા ભાવ-વિભોર થઈ જઈ કલાકનું વક્તવ્ય આપી સંસ્કૃતમાં શ્લોકોની અનરાધાર હેલી વરસાવી હતી. આવા પ્રેમાળ સ્વભાવના ગુરુજી આજે એટલા જ યાદ આવે છે. આવા અમારા આદર્શ તથા ઋષિતુલ્ય ગુરુજીને અમારી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ તથા શોકાંજલિ અર્પતા દુઃખની લાગણી અમે અનુભવીએ છીએ.
‘ઉપાચાર્ય’, સંસ્કૃત વિભાગાધ્યક્ષ, આટ્ર્સ કૉલેજ, પિલવાઈ
સૌજન્ય :”અભિદૃષ્ટિ”, અંક – 131, વર્ષ – 12, અૉક્ટોબર 2018; પૃ. 19-20