Opinion Magazine
Number of visits: 9568366
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વિનોદ ભટ્ટ – અમારું સ્નેહનું સરનામું

ઇશાન ભાવસાર|Opinion - Opinion|5 September 2018

ગુજરાત યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં સામેલ 'વિનોદની નજરે' પરના પ્રશ્નપત્ર પર નજર કરતા સ્વયં વિનોદ ભટ્ટ

જો વાચક તરીકે મને ‘મારા સૌથી ગમતા ગુજરાતી લેખક ક્યા?’ એવો પ્રશ્ન કરવામાં આવે, તો પળનો ય વિલંબ કર્યા વગર જવાબ આપું: વિનોદ ભટ્ટ. આ ‘વિનોદ ભટ્ટ’ નામ સાથેનો પહેલો પરિચય મને એસ.એસ.સી.માં ભણતો હતો ત્યારે થયો. ગુજરાતીનાં પાઠ્યપુસ્તકમાં તેમનો ‘ચંદ્ર પરની ચપટી ધૂળ પણ મોંઘી પડે!’ પાઠ આવે. હાસ્ય અંગે સમજણની પહેલી ટશરો ત્યાં ફૂટી હતી – હાસ્ય પણ માણવાની વસ્તુ છે એવું આ પાઠ વાંચીને ઝીણું ઝીણું સમજાતું.

વિનોદ ભટ્ટને 'ફેસબુક' પરનું ફેનપેજ Fans of Vinod Bhatt બતાવી રહેલ ઇશાન ભાવસાર

એસ.એસ.સી. પછી તો આર્ટસની લાઈન પકડી એટલે શાળા બદલવી પડી. ઘર નજીક વિજયનગર હાઇસ્કૂલમાં આર્ટસમાં પ્રવેશ મેળવ્યો. ગ્રંથપાલ સંગીતાબહેન અમારા વાચનની પૂરતી કાળજી લેતાં. અરે, પુસ્તકોનાં કબાટની ચાવીઓનો ઝૂડો મારા હાથમાં હોય. ગ્રંથાલયમાં હાસ્યસાહિત્યનો પણ આખો એક અલગ વિભાગ હોય છે, એની ખબર મને છેક ત્યારે પડી હતી! આપણા હાસ્ય સાહિત્યની પ્રશિષ્ટ કૃતિ ભદ્રંભદ્ર વાંચી ગયેલો અને પછી તો હાસ્યસાહિત્ય વાંચવાની જાણે મોહિની લાગી. જ્યોતીન્દ્ર દવે, વિનોદ ભટ્ટ, બકુલ ત્રિપાઠી, તારક મહેતા અને રતિલાલ બોરીસાગર – આ બધા મને ગ્રંથાલયમાંથી મળ્યા! મુગ્ધભાવે બધાને વાંચતો, પણ આમાંથી મારો ઝોક વિનોદ ભટ્ટ તરફ વધારે ઢળ્યો. એ સમયે વિનોદી જીવનચિત્રો  નવું જ અમારા ગ્રંથાલયમાં આવેલું જેને વાંચ્યું હોવાનું યાદ આવે છે. વળી, આ સમયગાળામાં ‘દિવ્ય ભાસ્કર’ની શરૂઆત થઇ, જેમાં વિનોદ ભટ્ટની ‘ઇદમ તૃતીયમ’ શરૂ થઇ એટલે તે કટારનો નિયમિત વાચક બન્યો. રવિવારે સવારે ઊઠીને પહેલું કામ એટલે વિનોદ ભટ્ટનો હાસ્યલેખ રસપૂર્વક વાંચી જવાનો. તેમણે આજે ક્યા વિષય પર કે કોની ઉપર લખ્યું હશે એનું કુતૂહલ છેવટ સુધી જળવાયેલું રહ્યું એનો આનંદ છે.

પચાસ વર્ષનું મધુર દાંપત્યજીવન – વિનોદ ભટ્ટ અને નલિની ભટ્ટ

એચ.એસ.સી. પૂર્ણ કર્યા પછી મેં અમદાવાદની એચ.કે. આર્ટસ કોલેજમાં એડમિશન લીધું. વિનોદ ભટ્ટને અત્યાર સુધી તો ફક્ત અક્ષરદેહે જોયેલા અને જાણેલા પણ હવે સાક્ષાત્‌ ક્ષરદેહે જોવાનું-જાણવાનું પણ શક્ય બન્યું. હું એ વખતે કોલેજનાં પ્રથમ વર્ષ બી.એ.માં. ભણું. કોલેજના વાર્ષિક ઉત્સવમાં વિનોદ ભટ્ટ મુખ્ય વક્તા તરીકે આવ્યા હતા. અને એમણે જે પ્રવચન આપ્યું એનાથી અમને વિદ્યાર્થીઓને જલસો પડી ગયો હતો. અમદાવાદની મોટાં ભાગની કોલેજોનાં કોઈને કોઈ કાળે તેઓ પોતાનાં તોફાનોને કારણે વિદ્યાર્થી રહી ચૂકેલાં એમ કહીને તેમણે એચ.કે. આર્ટસ (ત્યારની રામાનંદ આર્ટસ કોલેજ) સાથેના અને તે સમયના આચાર્ય યશવંત શુક્લ સાથેના ‘તોફાની’ અનુભવો વિનોદરસિક શૈલીમાં કહ્યા હતા. કાર્યક્રમ પૂર્ણ થયા પછી, એમની પાસે જઈને મેં અમદાવાદ એટલે અમદાવાદ પર હસ્તાક્ષર લીધા હતા. જો કે એ વખતે તેઓ ઉતાવળમાં હતા – એટલે કે આસપાસના લોકો ઉતાવળ કરાવતા હતા –  અને એમની સાથે કોઈ જ વાતચીત થઇ શકી નહોતી.

વિનોદ ભટ્ટ સાથે ગુફ્તગૂ

એ પછી કોલેજનાં વર્ષોમાં વિનોદ ભટ્ટને ફરીથી મળવાનું તો ન બન્યું પણ નમું તે હાસ્યબ્રહ્મને, વિનોદ ભટ્ટની શ્રેષ્ઠ હાસ્યરચનાઓ, અને હવે ઇતિહાસ, વિનોદના પ્રેમપત્રો, નરો વા કુંજરો વા વગેરે વાંચ્યા, અને એમાંના મોટા ભાગનાં વસાવ્યાં પણ ખરાં. તેમનું ક્લાસિક પુસ્તક વિનોદની નજરે અને તેમની આત્મકથા એવા રે અમે એવા તો ઘણી પાછળથી વાંચી. ડિસેમ્બર, ૨૦૧૧માં નવભારત સાહિત્યમંદિર દ્વારા સુશીલાબહેન રતિલાલ હોલમાં પુસ્તકમેળાનું આયોજન કરવામાં આવેલું, જેમાં પ્રથમ દિવસે વિનોદ ભટ્ટ વાચકોને મુલાકાત આપવાના છે એવી ખબર પડી. એટલે હું અને મા ખાસ વિનોદ ભટ્ટને મળી શકાય એટલા માટે સવારના સમયસર ત્યાં પહોંચી ગયાં. તેઓ આવ્યા અને હોલના એક કોર્નર પર બનાવવામાં આવેલ ‘મુલાકાત કક્ષ’માં ગયા. મુલાકાત કક્ષ ભણી પગ માંડતા હું જરા થોથવાયો. શું કહીશ વિનોદ ભટ્ટને? મળવું છે? તેઓ શું કહેશે? મારાથી શું કહેવાશે? – મન તો ચગડોળે ચડ્યું. ત્યાં તો મા એ રીતસર મુલાકાત કક્ષમાં મને ‘ધક્કો’ જ માર્યો અને આંખ ઊંચી કરું ત્યાં સામે વિનોદ ભટ્ટના દર્શન થયા! મીઠ્ઠો આવકાર આપીને મને બેસાડ્યો. માને જોઈને એમણે ઈશારાથી મને પૂછ્યું: ‘આ કોણ?’ મેં કહ્યું: ‘મારાં મમ્મી છે’ એટલે એમણે શીઘ્ર વિનોદનો પરચો બતાવતાં કહ્યું: ‘એમ? મને એમ કે તમારા મોટી બહેન હશે!’

પછી તો નલિની બહેન વોકિંગ સ્ટીકના ટેકે ટેકે પ્રવેશ્યાં. હવે વિનોદ ભટ્ટની સામું ઈશારાથી જોવાનો મારો વારો હતો. એટલે વિનોદ ભટ્ટે ‘આ અમારાં ધર્મપત્ની – નલિની’ એમ કરીને અમને એમનો પરિચય કરાવ્યો. વિનોદ ભટ્ટ આગળ એમનાં વાંચેલા પુસ્તકો વિષે અને સાથે મારા વિષે પણ થોડું બોલતો જાઉં અને ‘વિનોદ ભટ્ટ’માંથી આત્મીયતા અને આદરનું સૂચક એવું ‘વિનોદ દાદા’ ક્યારે થઇ ગયું એની મને ય ખબર ન પડી! કેટલીક પળો સુધી મારો હાથ પણ એમણે પ્રેમથી પકડી રાખેલો, એ ભાવવિભોર દ્રશ્ય તો કેમ ભૂલાય! માએ આ મુલાકાતના બે-ત્રણ ફોટા ખેંચ્યા. પછી વિનોદી જીવનચિત્રો પર વિનોદ ભટ્ટ અને નલિની ભટ્ટ (જેમને તેઓ વ્હાલથી ‘માસ્તર’ કહીને સંબોધતા હતા) બંનેના હસ્તાક્ષર લીધાં. ત્યાં સુધીમાં બીજા મુલાકાતીઓ પણ આવવા માંડ્યા એટલે અમારે આ મુલાકાત ટૂંકાવવી પડી.

ત્યાર બાદ તો મિત્ર વિશાલ અને તુષાર સાથે વક્તા તરીકે વિનોદ ભટ્ટ જ્યાં બોલવાના હોય એવા જાહેર કાર્યક્રમોમાં ખાસ તેમને સાંભળવા જવાનું-મળવાનું થાય. વિશાલ પટેલમાં ‘કોલંબસવૃત્તિ’ ભારોભાર ભરેલી. એટલે લેખકોનાં રદ્દ થયેલાં કે રદ્દી થયેલાં પુસ્તકો આકાશપાતાળ એક કરીને પણ એ શોધી લાવે. એક વાર તે વિનોદ ભટ્ટ દ્વારા સંપાદિત પ્રથમ પુસ્તક શ્લીલ – અશ્લીલ (૧૯૬૭) શહેરનાં એક જાણીતાં પુસ્તકાલયમાંથી ખાંખાખોળા કરીને લઇ આવ્યો. આ જ અરસામાં વિનોદ ભટ્ટ સાથે તેમના મણિનગરસ્થિત નિવાસસ્થાન પર મુલાકાત થઇ ત્યારે તેઓ પણ  આ અપ્રાપ્ય પુસ્તક આ ‘કોલંબસ’નાં હાથમાં જોઈને ચકિત થયા હતા. ઓછામાં પૂરું ભાઈએ ગ્રંથાલયનાં પુસ્તક પર હસ્તાક્ષર માંગીને વિનોદ ભટ્ટ સાથે પણ વિનોદ કરી નાખ્યો હતો!  અમારી આવી મુલાકાતોમાંથી એમની સાથે એવી તો આત્મીયતા બંધાઈ કે અમારા આખા મિત્રવર્તુળ માટે વિનોદ ભટ્ટ એટલે જાણે Friend, Philosopher, and Guide.

વિનોદ ભટ્ટના જન્મદિવસે તેમના નિવાસસ્થાને, આંગણામાં જામતી હાસ્યવિનોદની 'ઓપન ફોર ઓલ' મહેફિલ

હું ‘ગુજરાત સમાચા’ર અને અન્યત્ર પ્રસંગોપાત લેખ મોકલતો થયો ત્યારે મારો લેખ વાંચીને વિનોદ ભટ્ટનો ફોન આવે અને રાજીપો વ્યક્ત કરવાની સાથે સાથે લેખનમાં નિખાર અને સાતત્ય જળવાઈ રહે એ માટે જરૂરી બાબતો અંગે સલાહસૂચન પણ મળે. જેમને વાંચીને મોટા થયા હોઈએ એમની પાસેથી જ આપણા લખાણ અંગેના વખાણ સાંભળવા સાથે ઉપયોગી સૂચનો મળે એ કેટલી મોટી વાત કહેવાય? અરે, એટલું જ નહિ પણ લેખન માટે મને કંઈ પુરસ્કાર/reward મળે છે કે નહિ એ બાબતની પણ ફિકર રાખતા. લખવાનો પુરસ્કાર મળવો જોઈએ એ બાબતના તેઓ ચુસ્ત આગ્રહી હતા. વિશાલ સાથે મળીને મેં Fans of Vinod Bhatt નામનું ફેસબૂક પેજ શરૂ કર્યું છે અને એમાં સમયાંતરે અમે વિનોદ ભટ્ટના લેખમાંથી રસપ્રદ અંશો, એમના પુસ્તકોના કવરપેજ, એમના કાર્યક્રમની માહિતી અને ફોટા શેર કરવા માંગીએ છે એવું એમણે જાણ્યું એટલે ખુશી વ્યક્ત કરતા અમને એમના લેખસંગ્રહોમાંથી જે શેર કરવું હોય એ કરવાની પરવાનગી આપી હતી.

છેલ્લાં વર્ષોમાં વિનોદ ભટ્ટની મુલાકાતે જઈએ એટલે વરંડામાં એમના ‘તખ્ત’ની બાજુમાં આવેલી બારીની છાજલીએ મૂકેલાં પુસ્તકો જોવા મળે. પ્રેમથી તેઓ કહેતા, “જે પુસ્તકો તમને ગમે એ લઇ જાઓ.” અમારી વિનોદ ભટ્ટ સાથેની મહેફિલમાં નલિનીબહેન પણ થોડોક સમય જોડાય. ગુજરાતી વિષયનાં શિક્ષિકા હોઈ એમનું વાચન પણ એટલું જ સમૃદ્ધ – આપણી સાથે બેઠાં હોય ત્યારે એમણે તાજેતરમાં જ વાંચેલાં અને એમને ગમી ગયેલાં પુસ્તકની સરસ વાત પણ કરે. આવા પ્રેમાળ નલિનીબહેન ક્યારેક અમે વિનોદ ભટ્ટના કોઈ કાર્યક્રમમાં જવાનું ચૂકી ગયા હોઈએ કે પછી એમના ઘરે વિનોદ ભટ્ટને મળવા આવવામાં થોડો લાંબો અંતરાલ પડી જાય તો પ્રેમથી ટપારે પણ ખરા!

 

યુવામિત્રો સાથે વિનોદ ભટ્ટ – (ડાબેથી) અનિરુદ્ધ પઢેરિયા, વિશાલ પટેલ, તુષાર આચાર્ય

આ વર્ષની શરૂઆતમાં, વિનોદ ભટ્ટની વર્ષગાંઠના દિવસે વિનોદ ભટ્ટ અને નલિનીબહેનને મળ્યા ત્યારે ક્યાં ખબર હતી કે બહુ જ ઝડપથી તેઓ આપણી વચ્ચેથી વિદાય લેવાના છે? જાન્યુઆરીની આખરમાં નલિનીબહેનનું અવસાન થયું. સાંજના સાતેક વાગે હું, વિશાલ અને તુષાર  ત્રણેય જણા દાદાને ઘરે પહોંચ્યા. એક્ટીવા પાર્ક કર્યું ત્યારે બહારથી જ વરંડામાં એમના પ્રિય સ્થાને વિષાદગ્રસ્ત આંખોવાળા વિનોદ ભટ્ટને બેઠેલા જોયા. એમને પ્રણામ કર્યા એટલે એમણે સામે બિછાવેલી ખુરશીઓ પર બેસવાનું કહ્યું. સાથે વિશેષ સૂચનામાં કંઇક આમ કહ્યું,: “અન્ય કોઇપણ મળવા આવે તો પણ તમારે એ ખુરશી છોડવાની નથી. આવનાર પોતાની રીતે બીજી ખુરશીઓમાં બેસી જશે.” નલિનીબહેન જે શાળામાં શિક્ષિકા હતાં એ શાળાના ટ્રસ્ટી અને એમનાં પત્ની અમે બેઠા ને તરતમાં જ આવ્યાં. સૂચનાનું અમારે પાલન કરવાનું હતું એટલે અમે તો ત્યાં જ બેઠા રહ્યા. ટ્રસ્ટીદંપતી એમની રીતે ખુરશીમાં ગોઠવાઈ ગયું. દિલસોજી અને શોકની આપ-લે પછી વિનોદ ભટ્ટે એમનો પરિચય અમને અને અમારો પરિચય ટ્રસ્ટીદંપતીને આપ્યો. શાળાના સંચાલન, શિક્ષકોની ગુણવત્તા, પાયલટ પ્રોજેક્ટ જેવી વાતો કરીને દંપતી વિદાય થયું એટલે એમણે કહ્યું, “હવે તમારું પ્રમોશન કરો – અહીં નજીક આવી જાવ.”

અમે ખુરશીઓ બદલીને વિનોદ ભટ્ટની નજીક ગોઠવાયા એટલે એમણે કહ્યું, “ જીવન કેટલું ક્ષણભંગુર છે. હજુ કાલે તો અમે વાતો કરતાં ખૂબ હસતાં હતાં. કદાચ ભગવાન ઉપર બેઠો બેઠો કહેતો હશે, ‘હસી લે હસી લે, બેટા … હમણાં તારે રડવાનું જ છે.’ … ને રાત્રે મોડેથી નલિનીને એકદમ દર્દ ઉપડ્યું અને દસ મિનિટમાં તો ખલાસ … પંચાવન વર્ષનું અમારું દામ્પત્યજીવન આમ દસ જ મિનિટમાં ખતમ … ધીસ ઇઝ નોટ ફેર … હું પાંચેક દિવસ હોસ્પિટલમાં હતો. પાછા આવીને મેં પૂછ્યું, ‘ઘરના બધા તો મારી સારવારમાં દોડભાગ કરતા હતા. તું શું કરતી હતી ત્યારે?’ તો એણે કહ્યું, ‘હું મૃત્યુંજય મંત્રનો જાપ કરતી હતી.’ આવી વિરલ સ્ત્રી હતી એ … કપાળે ચાંદલો અખંડ રાખીને અહીંથી ચાલી ગઈ … કદાચ મારી જગ્યા કરવા ગઈ હશે …”

વિનોદ ભટ્ટ સાથે અમારું મિત્રવર્તુળ – (ડાબેથી) વિશાલ પટેલ, તુષાર આચાર્ય, અનિરુદ્ધ પઢેરિયા, ઇશાન ભાવસાર, હિતાંશ જૈન

વિનોદ ભટ્ટનાં અવાજમાં ઘૂંટાતું દર્દ અમે અનુભવી શકતા હતા. અમને આવડે એવો દિલાસો અમે આપ્યો પછી શોક પર કાબૂ મેળવતા એમણે અમને અમારી વાત કરવાનું કહ્યું. મેં કહ્યું, “હમણાં તો કુમી કપૂરનું ‘Emergency: A Personal History’ પુસ્તક વાંચું છું.”  Emergency/કટોકટી તો પાછો વિનોદ ભટ્ટનો પ્રિય વિષય. કટોકટી વખતે વિનોદ ભટ્ટે કટાક્ષકથાઓ લખી હતી એ તો આપણે જાણીએ છે. કુમીનાં પુસ્તકમાંથી મેં એક-બે રમૂજી કિસ્સા કહ્યા – જેમ કે, એ વખતે ઇન્દિરા કેબિનેટમાં હોમ મિનિસ્ટર ઓમ મહેતા હતા જેનો પ્રભાવ એટલો હતો કે લોકો રમૂજમાં હોમ મિનિસ્ટ્રીને ઓમ મિનિસ્ટ્રી કહેતા! આવી વાત સાંભળીને વિનોદ ભટ્ટના ચહેરા પર તરત જ સુર્ખી તરી આવી. પછી એમણે ‘નવજીવન’ દ્વારા તાજેતરમાં છપાયેલાં એમનાં બે પુસ્તક બતાવ્યાં. બંને હિંદીમાં અનુવાદિત હતા. એક તો સઆદત હસન મન્ટો પરનું પુસ્તક અને બીજું ચાર્લી ચેપ્લિન પરનું. ચાર્લી ચેપ્લિનવાળા પુસ્તકમાં રહેલું બુકમાર્ક બતાવતાં અમને કહે, “નલિનીએ આટલું પુસ્તક વાંચ્યું હતું અને પછી એણે કહ્યું કે હવે કાલે વાંચીશ … અને કાલ તો આવી જ નહિ … એટલે, કોઈ કામ કાલ પર ટાળવું નહિ …”

એ મુલાકાત પછી એક દિવસ સમાચાર મળ્યા કે વિનોદ ભટ્ટને હોસ્પિટલમાં દાખલ કર્યા છે અને તેમની સ્થિતિ ગંભીર હોવાથી વેન્ટિલેટર પર લઇ જવાયા છે. વેન્ટિલેટર પરથી તો તેઓ પાછા આવ્યા અને ચમત્કારિક રીતે એમની પરિસ્થિતિમાં સુધારો જોવા મળ્યો હતો. એ દિવસ તો કેમ ભૂલાય? જીવન-મૃત્યુ વચ્ચે ઝઝૂમતા પણ એમનામાં વિનોદવૃતિ અકબંધ રહી હતી. ખબરઅંતર પૂછવા આવેલા તેમના એક પ્રિયજને જ્યારે લાંબો સમય સુધી બેસી રહ્યા પછી કહ્યું: “સારું ભટ્ટસાહેબ, હવે હું જાઉં ને?” ત્યારે નાકમાં નળી, ઇન્જેકશનોની નીડલથી ટોચાયેલા હાથ, અને કેથેટર લગાવેલું હોવા છતાં એમણે હળવેકથી હાથ ઊંચો કરતા ઝીણી આંખે કહ્યું, “હા, તમે જાઓ … મારે હજુ ઉતાવળ નથી!”  આ સાંભળીને એ પ્રિયજન સાથે રૂમમાં હાજર અમે બધા પણ વિનોદ ભટ્ટના ‘મિજાજ’ પર હસી પડેલા.

પણ અમને ક્યાં ખબર હતી કે વિનોદ ભટ્ટ આ વખતે ઉતાવળ કરશે? અચાનક ૨૩મી મેના બપોરે બારેક વાગે વિનોદ ભટ્ટના અવસાનના સમાચાર મળ્યા. એમણે દેહદાન કર્યું હોઈ અંતિમસંસ્કારનો તો પ્રશ્ન નહોતો. સાંજે એમના ત્યાં અંતિમ દર્શન કરવા ગયા. ત્યાંથી ઘરે પાછા આવવા નીકળતા હતા, ત્યારે એમના ખાલી પડેલા ‘તખ્ત’ પર નજર પડતા તુષાર બોલ્યો, “આપણે તો સ્નેહનું સરનામું ગુમાવ્યું.” એ વખતે તો એવું જ લાગ્યું પણ હવે થાય છે કે ના, સ્નેહનું સરનામું તો કંઈ એમ થોડું ભૂંસાઈ જાય? એ તો આપણી સ્મૃિતમાં અકબંધ રહે – આપણા જ અસ્તિત્વનો ભાગ થઈને …

e.mail : ishanabhavsar@gmail.com

(પ્રગટ : "નવનીત સમર્પણ", અૉગસ્ટ 2018; પૃ. 99-103)

Loading

5 September 2018 admin
← હે ભગવાન! રજનીશને વડોદરાના અંબાલાલ પટેલે દત્તક લીધો, અને અંબાલાલની દીકરી શીલાએ રજનીશપુરમનો શિલાન્યાસ કર્યો … વાંચો અનોખી કહાની
કાયદા પંચની અમૂલ્ય સલાહ : યુનિફૉર્મ સિવિલ કોડનો આગ્રહ શા માટે? સિવિલાઈઝ્ડ સિવિલ કોડ શા માટે નહીં? →

Search by

Opinion

  • ‘મનરેગા’થી વીબી જી-રામ-જી : બદલાયેલું નામ કે આત્મા?
  • હાર્દિક પટેલ, “જનરલ ડાયર” બહુ દયાળુ છે! 
  • આ મુદ્દો સન્માન, વિવેક અને માણસાઈનો છે !
  • બોલો, જય શ્રી રામ! ….. કેશવ માધવ તેરે નામ! 
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – 10 (દેરિદાનું ભાવજગત) 

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved